Translate

રવિવાર, 28 જાન્યુઆરી, 2018

દાર્જીલિંગ - ગેંગટોક પ્રવાસ (ભાગ - ૮)

       પૂર્વ સિક્કિમમાં આવેલા નથુલા પાસની મુલાકાત સહેલાણીઓ અચૂક લે છ, આ જગા આશરે સાડાચૌદ હજાર ફીટની ઉંચાઈએ આવેલી હોવા છતાં, અહિં ઉષ્ણતામાન શૂન્ય અંશ જેટલું નીચું હોવા છતાં. કારણ અહિ ભારત-ચીનની સરહદ આવેલી છે. તમે એક પગ ભારતમાં અને બીજો પગ ચીનમાં મૂકી શકો એ રીતની બોર્ડર! (જોકે સુરક્ષા દળના ત્યાં ફરજ બજાવી રહેલા જાંબાઝ સૈનિકો તમને એમ કરવા દેશે નહિ!) આ જગાએ ગયેલ વ્યક્તિ ભારોભાર દેશપ્રેમની અને ત્યાં ફરજ બજાવતા ભારતીય સૈનિકો પ્રત્યે માનની જે એક લાગણી અનુભવે છે તે અકથ્ય અને અપ્રતિમ હોવાથી જ કદાચ બધાને ત્યાં જવાનું મન થતું હશે. જો કે ત્યાં જવા માટે દિવસની પચાસેક ગાડીઓને જ છૂટ અપાય છે અને તે માટે પણ એડવાન્સમાં પરવાનગી મેળવવાની રહે છે. જે દિવસે અમારે ત્યાં જવાનું હતું તે અમારી દાર્જિલિંગ-ગેંગટોક યાત્રાનો છેલ્લેથી બીજો દિવસ હતો અને વહેલી સવારથી તૈયાર થઈને બેઠેલા અમને જ્યારે અમારા ડ્રાઈવર-ગાઈડે કહ્યું કે પરવાનગી મળવામાં મુશ્કેલી થઈ છે ત્યારે પ્રથમ તો થોડી નિરાશા થઈ કે આટલે દૂર આવ્યા બાદ અમે આ આટલી મહત્વપૂર્ણ, સુંદર જગા જોયા વગર પાછા જઈશું? પણ અમારી ઇચ્છા કદાચ એટલી બળવત્તર હશે અને નસીબ સારા કે અન્ય એક ગાડીમાં જનાર લોકો પાસે વધુ સમય હતો ગેંગટોકમાં ગાળવા, એટલે વિશાલ લામા તેમની જગાએ અમારી નથુલા પાસ જવાની પરવાનગી મંજૂર કરાવી શક્યો.




       ગેંગટોકના પર્વતીય શહેરની ઝાંખી મેળવતા મેળવતા અમે પહેલાં પહોંચ્યા ૩જી માઈલ નામની ચેકપોસ્ટ પર જ્યાં અમારા દસ્તાવેજો પ્રથમ વાર તપાસાયા. આ જગા ૬૬૦૦ ફીટની ઉંચાઈએ આવેલી હતી. નથુલા પાસ માટે અમારે હજી વધુ આઠેક હજાર ફીટ ઉંચે ગાડી લઈ જવાની હતી. અમે ઉત્સાહમાં હતાં. પર્વતીય વાંકાચૂકા ચઢાણ-ઢોળાવ વાળા રસ્તામાં છૂટ્ટાછવાયા નાના નાના ગામ,લશ્કરી થાણાઓ-વસાહતો અને બંકરો જોવા મળતાં હતાં. પાંચ-છ પાંચ-છ ગાડીઓનાં સમૂહ સાથે ઉપર જઈ રહ્યાં હતાં. કૈલાસ-માન સરોવર માટે પણ યાત્રાળુઓએ આ જ માર્ગે થઈને જવાનું હોય છે એવી માહિતી અમને વિશાલે આપી. રસ્તામાં ઠેર ઠેર સમારકામ ચાલી રહ્યું હતું. મોટે ભાગે સૂકાં એવા આ પહાડી વિસ્તારમાં ખાસ લીલોતરી નહોતી પણ તપખિરીયા ભૂખરા રંગની એ પૃષ્ઠભૂમિ પર હવે બંકરો નિયમિત અંતરે નજરે ચડી રહ્યાં હતાં જ્યાં છૂપાઈ કે બેસી-સૂઈને સૈનિકો દુશ્મની હૂમલા કે ભય પર ચાંપતી નજર રાખી શકે. અમે વાતાનુકૂલિત ગાડીની અંદર બેઠાં હતાં એટલે બહારના ઠંડા વાતાવરણની જાણ થઈ નહોતી પણ બે-ત્રણ કલાકના ડ્રાઈવ બાદ જ્યારે ગાડી ચા-પાણી માટે એક જગાએ રોકી અને અમે ગાડીની બહાર નીકળ્યાં ત્યારે ઠંડી વર્તાઈ. જ્યાં અમે રોકાયા એ નાનકડા એવા એક ગામની દુકાન-કમ-રેસ્ટોરેન્ટ હતી અને ત્યાં જેકેટ-સ્વેટર્સ ભાડા પર મળી રહ્યાં હતાં.ઉપર શૂન્ય અંશ તાપમાન સહન કરી શકો એ માટેની વ્યવસ્થા!અમે તો જો કે ઉની કપડાં પહેરીને જ આવ્યાં હતાં પણ અમે ત્યાં ગરમાગરમ ચા પીધી અને વાઈ વાઈ નામની મેગી જેવા નૂડલ્સની તીખી-ગરમ વાનગી ખાધી.






 થોડે આગળ વધ્યાં ત્યાં ડગર દ્વાર નામે ચેકપોસ્ટ આવી અને અહિં અમારે ઘણી બધી વાર થંભવું પડ્યું.લગભગ બધી ગાડીઓ અહિ કતારબદ્ધ થોભી હતી અને મોટા ભાગના ઠંડી સહન કરી શકે એવા ઉતારુઓ ગાડીમાંથી બહાર ઉતરી દાંત કચકચાવતા-ધ્રૂજતા ધ્રૂજતા-મોં માંથી વગર ધૂમ્રપાન કર્યે ધૂમાડાની સેર કાઢી સમય પસાર કરી રહ્યાં હતાં.હું પણ મારી ગાડીમાંથી ઉતરીને ડ્રાઈવરોની ચેક-પોસ્ટના કાઉન્ટર્સ પર લાગેલી લાંબી કતારો નિહાળી રહ્યો હતો ત્યાં મારી પાસે એક કૂતરું આવ્યું. ઉન જેવી રૂંવાટી ધરાવતું વરું જેવું દેખાતું આ પાલતું શ્વાન વ્હાલું લાગે તેવું હતું.આસપાસ જમા થયેલી ભીડ સાથે ભળવું જાણે તેને ગમતું હતું!
       ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ બાદ નથુલા પાસનું વ્યૂહાત્મહ દ્રષ્ટીએ મહત્વ બંને દેશો માટે અનેક ગણું વધી ગયું હતું. આ પાસ પાસે બંને દેશોની લશ્કરી ટુકડીઓ રાત દિવસ પહેરો ભરતી અને ઘર્ષણ ખાળવા ત્યાં એક તારની વાડ બાંધવાનું નક્કી કરવામાં આવ્યું. ૧૮ રાજપૂત સૈનિકો સહિતની ૭૦ જણની ભારતીય જવાનોની લશ્કરી ટુકડીને આ કામ સોંપવામાં આવ્યું.૧૯૬૭ની ૧૧મી સપ્ટેમ્બરથી વાડ નાંખવાનું કામ શરૂ કરવામાં આવ્યું. પણ ચીની લશ્કરે તેનો વિરોધ કર્યો અને અણધાર્યો ઓચિંતો ગોળીબાર શરૂ કરી દીધો. આપણાં તમામ સૈનિકો વીરતા પૂર્વક આ હૂમલાનો સામનો કરતાં કરતાં શહીદ થઈ ગયાં. બાદમાં તો ભારતીય સેનાએ પણ વળતો હૂમલો કરી ચીનના લગભગ ૪૦૦ સૈનિકોને ઠાર માર્યાં અને ચીનને બરાબર પાઠ ભણાવ્યો.આ ઘટના બાદ નાથુલા પાસનું મહત્વ અનેક ગણું વધી ગયું. કેપ્ટન પૃથ્વી સિંહ,લેફ્ટનન્ટ કર્નલ રાઇ સિંઘ, લક્ષ્મીચંદ, સુરેન્દર સિંઘ માન, રણજીત સિંહ વગેરે જેવા અગ્રણી ભારતીય સૈનિકોને આદરાંજલિ આપતો આ તવારીખનો રસપ્રદ ઇતિહાસ આ વીરોની તસવીરો સાથે બોર્ડ પર ચિતરેલો જોવા મળ્યો. 



આ બોર્ડ જોતાં અને આસપાસની જગાનું અવલોકન કરવામાં અડધો-પોણો કલાક નીકળી ગયો ત્યાં વિશાલ લામા પરવાનગીની વિધી પતાવી પાછો ફર્યો. અમે આગળ વધ્યાં.
       ગાઢ ધૂમ્મસ ભર્યાં વાદળિયા વાતાવરણ વચ્ચે અમે એક ફાંટા પાસે પહોંચ્યા ત્યાં અમને બાબા મંદીર તરફ જવા સૂચન કરવામાં આવ્યું. આ ડાઈવર્ઝન પાસેથી એક રસ્તો આ બાબા મંદીર તરીકે ઓળખાતા સૈનિક હરભજન સિંઘની સમાધિના મંદીર પાસે લઈ જતો હતો અને બીજો રસ્તો નથુલા પાસના અંતિમ સ્થળ તરફ. અમે પહેલાં બાબા મંદીર તરફ ગયાં.
       આ બાબા મંદીરનો ઇતિહાસ પણ રસપ્રદ છે. ૧૯૪૬માં હાલમાં પાકિસ્તાનમાં આવેલા એક ગામમાં હરભજન સિંહનો જન્મ થયેલો અને ૧૯૬૬માં તેઓ ભારતીય લશ્કરી દળની પંજાબ રેજિમેન્ટમાં જોડાયેલા. ફરજના ભાગ રૂપે ૧૯૬૮માં તેઓ લશ્કરી કાફલાના પ્રાણીઓને ચરવા લઈ ગયેલા અને ત્યાં એક નાળામાં પડી જતાં તેમનું મોત થયું.પાણીના જોરદાર પ્રવાહને લીધે તેમની લાશ બે કિલોમીટર જેટલી આગળ ખેંચાઈ ગઈ.પણ આ દુર્ઘટના બાદ તેઓ પોતાના એક મિત્ર સૈનિકના સપનામાં આવ્યાં અને તેમણે પોતાની સમાધિ આ સ્થળે બનાવવા કહ્યું. 







સૈનિકોએ પોતાના એ વીર મૃત મિત્રની ઇચ્છાને માન આપતાં ત્યાં સમાધિ બાંધી અને લોકોની સરળતા માટે એ જગાથી લગભગ નવ કિલોમીટર દૂર બાબા હરભજન સિંહનું આ મંદીર ૧૯૮૨માં બાંધવામાં આવ્યું. આ મંદીર ખુબ સરસ રીતે જાળવવામાં આવ્યું છે. બહાર પ્રવેશ દ્વાર પર જ મોટો ભારતીય રાષ્ટ્રધ્વજ ધ્યાનાકર્ષક રીતે ઉભો છે. મંદીરની આસપાસ સ્વચ્છતા નોંધનીય છે. મંદીરમાં બાબાની તસવીરો અને તેમનો યુનિફોર્મ વગરે એક ખંડમાં સાચવીને દર્શનાર્થે ગોઠવેલા છે તો બીજા એક ખંડમાં તેમની પ્રતિમા છે અને ત્રીજા એક ખંડમાં લોકો શ્રદ્ધાપૂર્વક પાણીની બોટલો મૂકે છે.એવી લોકવાયકા છે કે જે બિમાર વ્યક્તિ આ ચમત્કારીક પાણી પીએ તેની બિમારી દૂર થાય છે.બાબાનો આત્મા આજે પણ સૈનિકો સાથે હોવાનો તેમને આભાસ થાય છે એમ કહેવાય છે.આ મંદીરની મુલાકાત બાદ અમે નથુલા પાસ જવા રવાના થયાં.
નથુલા પાસથી લગભગ અડધા કિલોમીટર અંતરે ગાડી છોડી દેવી પડે છે અને અહિં મોબાઈલ પણ ગાડીમાં જ મૂકી દેવો પડે છે. જો ભૂલે-ચૂકે પણ તમે મોબાઈલ બહાર કાઢ્યો તો ફરજ પરના સૈનિક તેને તમારી પાસેથી જપ્ત કરી લે છે. અહિં તાપમાન લગભગ શૂન્ય ડિગ્રી જેટલું હતું.આ માર્ગ વર્ષના અમુક મહિના જ પ્રવાસીઓની મુલાકાત માટે ખુલ્લો હોય છે. શિયાળામાં તો અહિં તાપમાન “-૨૫” ડિગ્રી જેટલું નીચું ચાલી જતાં તમામ માર્ગો બંધ કરી દેવાય છે.અહિં એક લાલ છાપરા વાળું મકાન છે જે ભારત બાજુએ છે અને એવીજ એક ઇમારત થોડા ડગલાં દૂર ચીનમાં છે,વચ્ચેની સરહદને પેલે પાર! ત્યાં ચોકી કરી રહેલા ચીની સૈનિકને તમે જોઇ પણ શકો અને તેને સાંભળી પણ શકો!




       આ જગાએ પહોંચવા લગભગ સો-બસો દાદરા ચડીને ઉપર જવું પડે. કડકડતી સૂસવાટા મારતી ઠંડીમાં તમે ઉપર ચડીને જતા હોવ ત્યારે વિચાર આવે કે કેટલી વિકટ પરિસ્થિતીમાં આપણાં સૈનિકો આ જગાએ ફરજ બજાવી આપણાં દેશની રક્ષા કરે છે અને ત્યારે આપોઆપ તેમને સલામ થઈ જાય. આ જગાએ આવો એટલે તમારી અંદર કંઈક ગજબની દેશભક્તિ સહસા જાગૃત થઈ જાય. ત્યાં ફરજ બજાવી રહેલાં સૈનિકો પણ સસ્મિત સૌને આવકારે. બધાં સાથે અમે પણ તેમની સાથે હાથ મિલાવ્યો અને તેમને બિરદાવ્યાં. એકાદ પ્રવાસીએ તો થોડે જ અંતરે ઉભેલા ચીની સૈનિકને પણ હાથ આપ્યો તેની જોડે એ મિલાવવા પણ એ સૈનિકનો મૂડ નહિ હોય! તેણે હાથ ન મિલાવ્યો. થોડો સમય ત્યાં પસાર કર્યાં બાદ નીચે ઉતરતાં વચ્ચે આવેલી એક કેન્ટીનમાં સૈનિકો દ્વારા જ બનાવવામાં આવેલાં ચા-સમોસા માણ્યાં. અને આ જગાએ મુલાકાત લીધાની યાદગિરી રૂપે એક સર્ટિફિકેટ ખરીદી સૈનિકોને ફરી એક વાર સલામી ભરી આ જગાની વિદાય લીધી.
       પાછાં ઉતરતી વખતે એક સુંદર સરોવર પાસે થોભ્યાં જેનું નામ હતું ચાંગુ લેક અથવા ત્સોમ્ગો સરોવર. આ જગાની આસપાસનું સૌંદર્ય અલૌકિક ભાસ્યું. એમ જ લાગે જાણે આપણે પૃથ્વી પર નહિ,સ્વર્ગમાં છીએ! કિનારે એક મંદીર અને આસપાસ યાક સવારીનો આનંદ માણી શકો એ માટે અનેક યાક-પાલકો ફરી રહેલાં જોવા મળે. લીલાશ પડતા તપખિરીયા રંગનાં પાણી ધરાવતા આ સરોવરનું પાણી થીજવાની અણીએ હતું. ઉપર વાદળાં પાણી સાથે જાણે તેને સ્પર્શવાની રમત રમી રહ્યાં હોય એમ ઝળુંબી રહ્યાં હતાં. 






  આ જગાએ મન અનેરી શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યું. તમારા બધાં થાક-ચિંતાઓ-પરેશાનીઓ અહિ આવીને થોડા સમય માટે તો ચોક્કસ ગાયબ થઈ જાય. આવી જગાએ આવો ત્યારે સમજાય કે વર્ષમાં એકાદ - બે વેકેશન લેવાં જ જોઇએ. આપણાં ભારત દેશમાં જ કેટકેટલી વિવિધતા ભરેલી છે. બર્ફીલા ઠંડા પહાડોથી માંડી સૂકા ભઠ્ઠ રણ પણ અહિં છે, તો લાંબા લાંબા સુંદર ઘૂઘવતા દરીયા કિનારાથી માંડી નદી પર તરતાં ટાપુ પણ અહિં છે! દરેક રાજ્યની વર્ષમાં માત્ર એક વાર મુલાકાત લેવાનું નક્કી કરશો તો પણ ઓગણત્રીસ વર્ષ વિતી જશે! ઢીલ કરશો નહિ,અત્યારે જ નિર્ણલ લઈ લો આ વર્ષે કયા નવા રાજ્યની મુલાકાત લેવાના છો!
       આ દિવસ અમારો સિક્કિમ રાજ્યમાં છેલ્લેથી બીજો દિવસ હતો અને છેલ્લા દિવસે અમારે હેલિકોપ્ટરમાં બેસી ગેંગટોકથી બાગડોગ્રા પાછા ફરવાનું હતું. આથી સ્ટર્લિંગની ડેલિસો અબોડમાંથી સવારે જ ચેક-આઉટ કરી લીધું હતું અને સાંજે હેલિપેડની નજીક આવેલી એક હોટલ ફોર્ચ્યુનામાં પાછા ફર્યાં.

અહિં રાત્રિ રોકાણ ખુબ સારું રહ્યું. બીજે દિવસે વહેલી સવારે હેલિપેડ પહોંચી ગયાં અને હેલિકોપ્ટર રાઈડ માટે સમય હોવાથી બાજુમાં એક મોનસ્ટરી નજરે ચડતાં આ પ્રદેશની ખાસિયત સમા આ મંદીરની મુલાકાત લેતા પોતાને રોકી ન શક્યાં.







છેલ્લી વાર પ્રેયિંગ બેલ્સ ફેરવી હેલિપેડ પાછાં ફર્યાં. હેલિકોપ્ટરમાં મર્યાદીત વજનનો સામાન લઈ જવા દેવામાં આવતો હોવાથી અને અમારી પાસે સામાન થોડો વધી ગયો હતો તેથી થોડું ટેન્શન હતું પણ વાંધો ન આવ્યો અને અમે હેલિકોપ્ટર સવારીનો જીવનનો અન્ય એક રોમાંચક અનુભવ માણતાં માણતાં 








સિક્કિમને અલવિદા ભણી અડધો કલાક આકાશમાં ઉડી પહાડો અને તીસ્તા નદીનું વિહંગાવલોકન કરતાં કરતાં બાગડોગરા આવી પહોંચ્યાં. ફ્લાઈટ બે-ત્રણ કલાક મોડી હતી પણ અમારી પાસે વાગોળવા માટે એકત્રિત કરેલી અઢળક સુમધુર સ્મૃતિઓનો ખજાનો હતો! મોડી સાંજે કોલકાતા પહોંચ્યા 





 અને ત્યાં ફરી એક નવો, જીવનમાં પહેલી વાર ટ્રામમાં બેસવાનો સુખદ અનુભવ માણ્યો જે આ યાદગાર પ્રવાસનાં પન્નાઓની કિતાબનું છેલ્લું પાનું બની રહ્યો!

(સંપૂર્ણ)