Translate

મંગળવાર, 24 જાન્યુઆરી, 2017

ડોર સ્ટેપ સ્કૂલ એન.જી.ઓ. સંસ્થાની મુલાકાતનો અનુભવ (ભાગ - ૨)

 ભારતમાં આશરે દર ૭૦૦ લોકો સામે એક પોલીસ વાળો છે પણ એન. જી.. ની સંખ્યા દર ચારસો વ્યક્તિ દીઠ એક ની છે! અંદાજે ભારતમાં કુલ ૩૧ લાખ એન. જી. સંસ્થાઓ છે જે અલગ અલગ મુદ્દાઓ પર સમાજ સેવા કે જન કલ્યાણનું કામ કરે છે.અમારી કંપનીની સી.એસ.આર.ટીમનો હું હિસ્સો હોવાથી લગભગ પાંચેક એન. જી.. ની કામગીરી મને નજીકથી નિહાળવાની તક મળી. આમાંની એક સંસ્થા એટલે ડોર સ્ટેપ સ્કૂલ.
સંસ્થાની સ્થાપના આપણાં મુંબઈમાં વર્ષ ૧૯૮૯માં સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગમાં સાક્ષરતાનું સ્તર ઉંચુ લઈ જવાની દિશામાં કામ કરવાના ઉદ્દેશ સાથે થઈ હતી. તેઓ આજે સડક પર રઝળતા, ઝૂંપડપાટ્ટીમાં વસતા કે કન્સ્ટ્રક શન સાઈટ પર કામ કરતા મજૂરોના તેમજ સમાજના બીજા નીચલા વર્ગનાં બાળકોને શિક્ષણ અને સહાય આપવાનું કામ કરે છે. આમાંના મોટા ભાગના બાળકો શાળાએ જતા હોતા નથી અને તેમને અતિ અલ્પ માત્રામાં પુસ્તક સુધી પહોંચવાની તક કે ભણવા માટે યોગ્ય જગા મળે છે. તદુપરાંત તેમના નાના ભાઈબહેનોનું ધ્યાન રાખવાની ફરજ તેમણે બજાવવાની હોઈ તેમાંના મોટા ભાગનાને શાળા છોડી દેવી પડે છે. ઘરમાં પ્રોત્સાહન કે ભણવાના સાધનોના અભાવને લીધે બાળકોનું શિખવાનું સ્તર અતિ નીચું હોય છે. ડોર સ્ટેપ સ્કૂલ સંસ્થા આવા બાળકોના ઘર - આંગણે જઈ તેમને ગુણવત્તા ભર્યું શિક્ષણ આપવાનું ઉમદા અને ભગીરથ કાર્ય કરે છે.
તેમના વિસ્તૃત કાર્ય અંગે અને તેમના વિશે વધુ માહિતી  માટે તમે તેમની વેબસાઈટ 'www.doorstepschool.org' ની મુલાકાત લઈ શકો છો. અમે તેમનોબુક ફેઈરી’ (પુસ્તક પરી) પ્રોજેક્ટ સ્પોન્સોર કર્યો હોવાથી મને તેમની પુણેમાં આવેલી મુખ્ય ઓફિસ અને બે-ત્રણ વિસ્તારમાં કન્સ્ટ્રક શન સાઈટ્સ પર ચાલતી તેમની સ્કૂલની મુલાકાત લેવાનો મોકો મળ્યો અને અનુભવ યાદગાર રહ્યો.
વય જૂથ પ્રમાણે સંસ્થા બુક ફેઈરી પ્રોજેક્ટ હેઠળ બાળકોને ગમે એવા પુસ્તકો પોતે તૈયાર કરે છે, છાપે છે અને ખાસ પ્રશિક્ષિત કરેલી યુવતિઓને પુસ્તક પરી રૂપે  તૈયાર કરી તેમના દ્વારા  પુસ્તકો એ બાળકો સુધી લઈ જાય છે. મ્યુનિસિપલ શાળાઓમાં ઘણી વાર શિક્ષણનું સ્તર પ્રકારનું હોય છે કે બાળક આઠમા ધોરણમાં ભણતું હોય છતાં તેને એક આખું વાક્ય પણ વ્યવસ્થિત વાંચતા આવડતું હોય.આવી સ્થિતીમાં નાનપણથી બાળકોને અક્ષર જ્ઞાન મળે અને વાંચનમાં તેમનો રસ કેળવાય ખુબ જરૂરી છે. મ્યુનિસિપલ શાળાના નિયમિત સમયપત્રકમાં લાઈબ્રરીનો પિરિયડ પુસ્તક પરીને ફાળવવામાં આવે છે જે દરેક બાળક પાસે પોતે જઈ તેની પાસે પુસ્તક વંચાવડાવે કે વાંચે છે. વાંચનમાં રસ પેદા કરી રીતે બાળકોને અક્ષર જ્ઞાન તો મળે છે સાથે ખાસ રીતે તૈયાર કરાયેલા તેમના પુસ્તકો દ્વારા બાળકનું ભણતરનું સ્તર પણ ઉંચુ જાય છે અને તેનો એકંદર વિકાસ થાય છે. પુસ્તક પરી પણ કોને બનાવવામાં આવે છે? જે વિસ્તારમાં સ્કૂલ હોય તેની નજીક રહેતી દસ-બાર ધોરણ કે તેથી વધુ ભણેલી યુવતિઓને જેઓ કામ-કાજ કરી, કમાઈ પગભર થવા ઇચ્છતી હોય અને જેને બાળકો પ્રત્યે અને ભણાવવા પ્રત્યે લગાવ હોય. તેમને પસંદ કરાયા બાદ તેમની પખવાડિયા કે વધુ સમય સુધીની ખાસ ટ્રેઇનિંગ થાય જેમાં તેમને બાળકો સાથે કઈ રીતે કામ પાર પાડવું,કઈ રીતે તેમના વિશે વ્યક્તિગત નોંધ રાખવી, કઈ રીતે સમગ્ર પુસ્તક પરી પ્રોજેક્ટનું કાર્ય ચાલે છે બધા અંગે શિખવવામાં આવે છે.પછી તેઓ ફિલ્ડ પર જાય અને બાળકોની પરી બની જઈ તેમને રસપ્રદ પુસ્તકોનું વાંચન કરવાની આદત પાડવાનો પ્રયત્ન કરવાના કામે લાગી જાય.
અમે પુણે તેમની ઓફિસમાં ગયા ત્યારે આવા એક પ્રશિક્ષણ વર્ગને જોવાની અમને તક સાંપડી જેમાં પુસ્તક પરીઓ ઘડાઈ રહી હતી! સંસ્થાની સ્થાપના કરનાર સફેદ અંબોડા વાળા  અને કપાળ વચ્ચે મોટો લાલ ગોળ ચાંલ્લો કરેલા  રજની પરાંજપે (જેમને પ્યારથી બધા રજનીતાઈ સંબોધે છે) ને અને તેમના જેટલા જ પ્રેમાળ અને ઉત્સાહી મહિલા કાર્યકરોને  મળીને ખુબ સારું લાગ્યું. સંસ્થા સાથે સંકળાયેલ મોટાભાગનાં કાર્યકર્તાઓ મહિલાઓ છે અને આમ સંસ્થા શિક્ષણ ના મુખ્ય ઉદ્દેશ સાથે અપ્રત્યક્ષ રીતે નારી-સશક્તિકરણની દિશામાં પણ કામ કરે છે.
પુસ્તક પરીઓ વાળો તો એમનો એક પ્રોજેક્ટ છે જે અમારી કંપનીએ ત્રણ વર્ષ માટે સ્પોન્સોર કર્યો છે પરંતુ આવા તો બીજા પણ અનેક પ્રોજેક્ટ્સ ચલાવી તેઓ લાખો બાળકોનું શિક્ષણનું સ્તર ઉંચુ લઈ જાય છે. કાર્ય માટે વપરાતા શૈક્ષણિક સાધનો અને સામગ્રી પણ તેમની ઓફિસમાં તૈયાર થાય.રંગબેરંગી અને રસ પડે એવી વિષયવસ્તુ ધરાવતા મરાઠી પુસ્તકો પણ તેઓ પોતે તૈયાર કરે અને વેચે પણ છે.મને એટલા બધાં ગમ્યા કે મેં મારી પહેલા ધોરણમાં ભણતી દિકરી નમ્યા માટે એવા આઠ-દસ પુસ્તકોનો સેટ ખરીદી લીધો અને બધાં નમ્યા સમક્ષ વાંચી પણ સંભળાવ્યાં.મરાઠી ભાષાનું જ્ઞાન પણ નમ્યાને મળ્યું નફામાં! ડોર સ્ટેપ સ્કૂલ સંસ્થાએ બાળકો માટેની એક મજેદાર અને ઉપયોગી સચિત્ર મરાઠી ડિકશનરી પણ તૈયાર કરી છે જે મારા એક મરાઠી ભાષી મિત્રને ભેટમાં આપવા ખરીદી લીધી જે એના સંતાનને ખુબ ઉપયોગી સાબિત થશે.
લીલાછમ વૃક્ષો વચ્ચે આવેલી તેમની પ્રવૃત્તિથી ધમધમતી ઓફિસની યાદગાર મુલાકાત પછી અમે તેમના પ્રોજેક્ટ્સ જે સાઈટ્સ પર ચાલે છે તે સ્કૂલોની મુલાકાતે ગયા.પતરાની દિવાલો વાળા વર્ગ ધરાવતી એ સ્કૂલમાં વયજૂથ પ્રમાણે બાળકો બેઠેલા હોય અને તેમની સંખ્યા મુજબ એક કે બે શિક્ષકો તેમને ભણાવતા હોય.અમે વર્ગમાં પહોંચ્યા કે તેમણે સમૂહગીત ભાવપૂર્વક ગાઈ અમારું સ્વાગત કર્યું અને ફરી પોતપોતાની અભ્યાસ પ્રવ્રુત્તિમાં વ્યસ્ત થઈ ગયાં.મેં અને મારા અન્ય કલીગે કેટલાક બાળકો સાથે વાતો કરી,તેમને પ્રશ્નો પૂછ્યાં,તેમની પાસેથી વાર્તા અને મરાઠી બાળગીતો અને કવિતાઓ સાંભળ્યા. કેટલાક વર્ગમાં મોટા બાળકો પોતાના એકાદ વર્ષના નાના ભાઈ-બહેનને પણ લઈને આવ્યા હતા અને તેમનું પણ ધ્યાન રાખતા હતાં.
સતત અભાવો વચ્ચે પણ ખુશ કઈ રીતે રહેવું અને પોતાનું કામ કરતા કરતા હસવું-રમવું એવો અતિ મહત્વનો પાઠ એ ગરીબ ભૂલકાં અમને શિખવી રહ્યાં! પુણેની મોટા ભાગની મ્યુનિસિપલ શાળાઓ સાથે ડોર સ્ટેપ સ્કૂલ કાર્ય કરી આજે ત્યાં એક જાણીતું નામ બની ગયું છે અને તેમના કેટલાક પ્રોજેક્ટ્સ મુંબઈમાં પણ ચાલે છે.
આપણી વ્યસ્ત ભાગદોડ ભરી જિંદગીમાં આપણી સમાંતર ચાલતી ઘણી ઘટનાઓ-પ્રવૃત્તિઓથી આપણે તદ્દન અજાણ હોઇએ છીએ. ડોર સ્ટેપ સ્કૂલ દ્વારા થતું કાર્ય આવી એક બાબત હતી જેનાથી હું અજાણ હતો અને તેમની સમીક્ષા-મુલાકાત પછી હું કેટલું બધું જાણી અને શિખીને આવ્યો!


(ક્રમશ:)

શનિવાર, 21 જાન્યુઆરી, 2017

કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી (ભાગ - ૧)

ભારત દેશમાં એક કઠણાઈ છે કે અહિં કોઈ પણ ક્ષેત્રે કંઈક સારું કરવા મોટે ભાગે લોકોને ફરજ પાડવી પડે છે,નિયમો બનાવવા પડે છે.સી.એસ.આર. એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી આવી એક વ્યવસ્થાનો ભાગ છે જ્યાં સરકારે નિયમ બનાવ્યો છે કે કોર્પોરેટ ક્ષેત્રની દરેક કંપનીએ પોતાની કમાણીનો અમુક ચોક્કસ ટકા હિસ્સો સમાજસેવા માટે ફરજીયાત પણે વાપરવો. નોકરી કરતા દરેક જણે જેમ ફરજીયાત પણે આવકનો કેટલોક ભાગ આયકર પેટે ભરવો પડે છે એવું કંઈક. ઘણી કંપનીઓ સ્વેચ્છાએ પ્રકારે કોઈક ચોક્કસ ધ્યેય સાથે પોતાને સાંકળી સમાજ પ્રત્યે પોતાનું રુણ અદા કરતે હોય છે તો કેટલીક કંપનીઓ મરજીયાત પણે ફરજ બજાવતી હોય છે. મને કે કમને કોર્પોરેટ ક્ષેત્રની દરેક કંપનીને રીતે સમાજસેવા સાથે સી.એસ.આર. દ્વારા સંકળાવું પડે છે.
મને સમાજસેવા ક્ષેત્રે રસ છે એટલે હું મારી કંપનીની સી.એસ.આર. ટીમનો ભાગ છું.
અમારી કંપનીએ શિક્ષણ ક્ષેત્રે થોડા ઘણાં એન.જી. સાથે કેટલાક સંયુક્ત પ્રોજેક્ટ્સ હાથ ધર્યાં છે જેમાં જે-તે કામ ચોક્કસ નિયત ગામ-શહેર કે તેના ચોક્કસ વિસ્તારમાં એન.જી.. કરે અને અમારે તેમને માટે જરૂરી નાણાંભંડોળ પુરું પાડવાનું.
શિક્ષણ ક્ષેત્રે પણ અમે જે પ્રોજેક્ટ્સ સ્પોન્સોર કર્યાં છે તેનું ધ્યેય છે શિક્ષણની ગુણવત્તા સુધારવાનું. બાળકો મ્યુનિસિપલ કે સરકારી શાળાઓમાં જતા હોય છે પણ જરૂરી નથી કે તેમને ગુણવત્તા ભર્યું શિક્ષણ પ્રાપ્ત થતું હોય.આવી શાળાઓમાં જઈ તેમના નિયમિત વર્ગો કરતા અલગ ખાસ સત્રમાં વિદ્યાર્થીઓને અલગ અલગ રસપ્રદ અને અસરકારક પ્ર વૃત્તિ દ્વારા લખતા કે વાંચતા કે પછી વિશેષ જ્ઞાન પુરું પાડવાનું કામ એન.જી. સંસ્થાએ નિયુક્ત કરેલા શિક્ષણમિત્ર કાર્યકર્તાઓ કે ટીચર્સ કરે છે. કોઈક એન.જી.. રમતગમત દ્વારા ગણિત અને અન્ય વિષયો શિખવે તો કોઈક સંસ્થા વાર્તાના પુસ્તકો વિદ્યાર્થીઓ પાસે સામેથી લઈ જઈ તેમની સમક્ષ વાંચી કે વંચાવી તેમને અક્ષરજ્ઞાન પુરું પાડે અને તેમને મળતા શિક્ષણની ગુણવત્તા રીતે સુધારવાનો પ્રયત્ન કરે.કોઈક સંસ્થા પોતે ખાસ તૈયાર કરેલા શૈક્ષણિક સાધન-સામગ્રીથી ભણાવવાનું રસપ્રદ બનાવે તો કોઈક એન.જી.. અંગ્રેજી વિષય પર ધ્યાન કેન્દ્રીત કરે.
સમાજસેવા ક્ષેત્રે ટી.આઈ.એસ.એસ. એટલે કે ટાટા ઇન્સ્ટીટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ ઘણું નોંધપાત્ર કામ કરતી અગ્રણી સંસ્થા છે.તે અમારી સી.એસ.આર. પાર્ટનર અને મુખ્ય સલાહકાર છે.તેમના ત્યાં જે એન.જી.. નોંધણીકૃત થયા હોય તેમનામાંથી કેટલાક સાથે અમે જોડાવાનું ખાસ્સી લાંબી અને જટીલ પ્રક્રીયા બાદ નક્કી કર્યું અને અમારા દરેક પ્રોજેક્ટ્સનું નિયમિત ઓડીટ પણ તેમના દ્વારા ચાલ્યા કરે.કેટલાક કાર્યક્રમોમાં અમે કોર્પોરેટ એમ્પ્લોયીસ પણ અમારા સ્પોન્સર્ડ પ્રોજેક્ટ્સ ના લાભાર્થીઓ સાથે જોડાઈએ અને આમ સદાયે પોતાના કામમાં ગળાડૂબ રહેનારા શહેરી કોર્પોરેટ કર્મચારીને એક નવા પાસાનો અનુભવ થાય. કાર્યક્રમ એટલે ગરીબ બાળકોને જઈને તેમને કોઈક ખાસ બાબત અંગેનું જ્ઞાન આપવાનું અથવા વયસ્ક વરીષ્ઠ નાગરીક સાથે સમય પસાર કરવાનો, વૃક્ષારોપણ કરવાનું કે કોઈક જગાએ જઈ શ્રમદાન કાર્યક્રમનો હિસ્સો બનવાનું. વર્ષમાં બે-ત્રણ વાર અમે જે પ્રોજેક્ટ્સ સ્પોન્સોર કર્યાં છે જગાની મુલાકાત અમારે લેવાની અને એન.જી.ઓના કામની સમીક્ષા કરવાની એ પણ આવી જ ફરજ નો ભાગ છે. જોવાનું કે અમે ફાળવેલા ભંડોળનો યથાયોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે નહિ,અમે ચોક્કસ વિસ્તારમાં હાથે ધરેલ કાર્યને લઈ શિક્ષણની ગુણવત્તા સુધારવામાં સફળ થયા છીએ કે નહિ.
ગત વર્ષે સદનસીબે મને બે જગાઓની મુલાકાતે જવા મળ્યું. મહારાષ્ટ્રના પુણે અને બુલઢાણા બે વિસ્તારોમાં. પુણેના શહેરી અને ગ્રામીણ એમ બંને વિસ્તારોમાં કામ કરી રહેલ એન.જી.. ડોરસ્ટેપ સ્કૂલની ઓફિસ અને તે જ્યાં કાર્ય કરી રહ્યું છે તેમાંની કેટલીક શાળાઓની મુલાકાત લીધી અને ત્યારે એવી કેટલીક બાબતો જોઈ-અનુભવી જેનો જીવનમાં ક્યારેય પહેલા પ્રત્યક્ષ કે પરોક્ષ પરીચય નહોતો. અનુભવ અને નવા જ્ઞાનની માહિતી હવે પછીના કેટલાક બ્લોગ્સ  થકી તમારા સૌ સાથે શેર કરીશ. શહેરમાં કે ગામમાં ઠેર ઠેર બાંધકામનું કાર્ય ચાલતું રહે છે. નવું બિલ્ડીંગ હોય કે રસ્તા કે પુલનું બાંધકામ, પણ આવા કન્સ્ટ્રક શનને લગતા કામને પૂર્ણ થતા વર્ષો નિકળી જાય છે.ત્યારે બાંધકામ સાથે સંકળાયેલા મજૂરો સાઈટની નજીક પોતાના હંગામી નિવાસ બનાવી રહેતા હોય છે.બાંધકામ પુરું થાય એટલે ત્યાંથી ઉચાળા ભરી નવા બાંધકામના સ્થળે કે નવા ગામ કે શહેરમાં.આમ વણઝારાઓ જેવું જીવન જીવતા મજૂરોના બાળકો ઘણી વાર શિક્ષણ પામવાનું ચૂકી જાય છે. આવા મજૂરોના બાળકોને તેમના ઘર આંગણે જઈ ભણાવવાનું કામ કરે છે ડોર સ્ટેપ સ્કૂલ એન.જી.. સંસ્થા, તેમના કાર્યવ્યાપ અને અમે સ્પોન્સોર કરેલા તેના પ્રોજેક્ટ વિશેની માહિતી આવતા બ્લોગમાં.

(ક્રમશ:)