Translate

રવિવાર, 11 ઑક્ટોબર, 2020

બારી બહારનું ઝાડ


      મને કોઈ પૂછે કે તમારા ઘરનો કયો ભાગ તમને સૌથી વધુ ગમે તો હું કહીશ બારી! ફ્રેન્ચ વિન્ડોનું સૌથી સારું પાસું તેની મોટી સાઇઝ છે. મોટી બારી! જેટલી મોટી બારી એટલું એમાંથી દેખાતું દ્રશ્ય મોટું. મારા ઘરમાં બે મોટી ફ્રેન્ચ બારીઓ છે, જે મને બેહદ પ્રિય છે. બારી બહાર મૂકવામાં આવતી ગ્રીલ કે જાળી મને જેલ જેવી લાગે છે એટલે મેં એ પણ નખાવી નથી. બહારના વિશ્વને મારા ઘર સાથે જોડતી બારી આગળ મને કોઈ પ્રકારનો અવરોધ ન ગમે. આ બંને બારી બહાર મેં કતારબદ્ધ છોડના કૂંડા મૂક્યા છે જેમાં ઉગાડેલા છોડ - વેલ મને મારા સંતાનો જેટલા જ વ્હાલા છે. 

એક બારી બહાર સામેના બિલ્ડીંગનું દર્શન થાય છે જ્યારે બીજી બારી બહાર એસ. વી. રોડ અને તેના પર અવિરત પસાર થતા વાહનોનું. મને આ બીજી બારી વધુ પ્રિય છે. જોકે એનું બીજું પણ એક કારણ છે અને એ છે મારી આ બારી અને એસ. વી. રોડ વચ્ચે ઊભેલું સુંદર ઝાડ. મારી બારી બહાર આ ઝાડની ઘટા અને ટોપનું સુંદર દર્શન થાય છે અને છેલ્લાં થોડાં દિવસથી તેની મુલાકાતે અવનવા પહેલા મેં ક્યારેય ન જોયેલા પક્ષીઓ નિયમિત આવે છે જેને જોઈ મારું મન અપ્રતિમ પ્રસન્નતા અનુભવે છે.

    આ ઝાડ છે ઉંબરનું , જેની માહિતી મને આપી મારા નેચર વર્લ્ડ વોટ્સ એપ ગ્રૂપનાં મિત્ર બોટનીસ્ટ ઉષામા અને પ્રકૃતિ પ્રેમી શોભાજીએ. તે ગુલાર નામે પણ ઓળખાય છે અને તેનું અંગ્રેજી નામ છે Ficus Racemosa - ફિકસ રેસમોસા. તેને ટેટાં જેવા ફળો આવતાં હોવાથી તેનો સમાવેશ 'ફિગ' શ્રેણીનાં વૃક્ષોમાં કરાયો છે. આ ઝાડ પર ઉગતા ટેટાં કદાચ પક્ષીજગતમાં ખાસ્સા પ્રિય હશે એટલે જ મારી બારી બહારનું આ ઝાડ અતિ ઘટાદાર ન હોવા છતાં તેની મુલાકાતે પાંચ - છ નવાં જ પ્રકારનાં પંખીઓ નિયમિત આવે છે અને તેમણે એ ટેટાં - ફળો ખાઈ જઈ ઝાડને હવે મોટે ભાગે ફળ વગરનું કરી મૂક્યું છે. સામાન્ય રીતે પહેલાં ફૂલ ઊગે અને પછી તેમાંથી ફળ પાકે, પણ ઉંબર ને આવતાં ફળો ગુચ્છામાં તેની ડાળી કે થડ પર ઉગે અને ફૂલ તેના લીલા રંગના ફળની અંદર હોય. પરાગનયન ખાસ પ્રકારની ભમરી (wasp - વાસ્પ) - આ જંતુ દ્વારા થાય, આ પ્રકૃતિની વિસ્મય પમાડનારી અકળ અને અદ્ભુત લીલા છે.





 ખિસકોલીઓતો અહીં આ ઝાડ પર મોટી સંખ્યામાં દોડાદોડ કરતી જોવા મળે જ પણ કબૂતર - કાગડા - ચકલી - કાબર - બુલબુલ જેવા પંખીઓ યે તેના પર જોવા મળે. ઘણાં પતંગિયા અને વાણિયા કે ભમરી જેવા જંતુઓ પણ દેખા દે જોકે તેમની નવાઈ ના લાગે. આશ્ચર્ય ત્યારે થયું જ્યારે મેં એક મોટું ચામાચિડિયું બરાબર મારી બારી બહાર, સામે થોડું દૂર લટકતું જોયું! કાળી પાંખો અને બદામી રંગનું મોટા ઉંદર જેવું શરીર ધરાવતું આ ફ્રૂટ બેટ તરીકે ઓળખાતું પ્રાણી તમને ઠેર ઠેર જોવા મળતું નથી. મારી બારી બહાર ઝાડની ડાળી પર ઊંધુ લટકી એ ચામાચિડિયું ટેટાં જેવા ફળ મજેદાર રીતે આરોગી રહ્યું હતું. તેની પાંખો સાથે જોડાયેલા હાથ વડે જ ફળ તોડી તે તેના મોઢામાં પધરાવતું હતું અને ઊંધું જ લટકી બટક બટક ખાઈ રહ્યું હતું! કોઈ જીવને આમ ઊંધો લટકી ખોરાક ખાતા જોવાનો આ મારો પહેલો અનુભવ હતો. ગુરુત્વાકર્ષણની વિરુધ્ધ દિશામાં તેના મોઢામાંથી ખોરાક પેટ સુધી ઉપર પહોંચતો શી રીતે હશે! મેં અમી, નમ્યા અને હિતાર્થને પણ ફળ આરોગતો આ અવનવો જીવ જોવા બૂમ પાડી અને એ દિવસે તે ચામાચિડિયાએ ધરાઈને ફળો ખાધા અને અમે એને ધરાઈને જોયું. બીજે દિવસે તો વળી એ ચામાચિડિયું તેના કોઈક દોસ્ત કે સાથીને પણ સાથે તેડી લાવ્યું. બન્ને જણે ધરાઈને કલાકો સુધી ઊંધા જ લટકી ફળો ખાધા અને પછી તેઓ પોતાને ઘેર પાછાં ઉડી ગયાં. આ ક્રમ ચાર - પાંચ દિવસ ચાલ્યો. હવે છેલ્લાં થોડાં દિવસથી ચામાચિડિયા દેખાયા નથી.

  જે દિવસે ચામાચિડિયું પહેલી વાર દેખાયું હતું તેના બીજે દિવસે સવારે અન્ય એક ચકલી કરતાં થોડું મોટું પણ કાબર કરતાં સહેજ નાનું એવું બેઠી દડીનું રંગબેરંગી પક્ષી જોવા મળ્યું. હું તેને પ્રથમ વાર જોતા રાજીના રેડ થઈ ગયો! લીલું શરીર, લાલ માથું, કાળી આંખોની ફરતે પીળા રંગનો પટ્ટો અને ટૂંકી પૂંછડી અને ટૂંકી જાડી ચાંચ ધરાવતું આ પંખી કંસારો તરીકે ઓળખાય છે એ ગૂગલ પરથી માલૂમ પડયું. પહેલા તો તેનો નાનો વિડિયો નેચર વર્લ્ડ ગ્રૂપ પર પોસ્ટ કર્યો એટલે શોભાજી અને રમેશજીનો તરત ઉત્તર આવ્યો કે એ કોપરસ્મિથ બાર્બેટ તરીકે ઓળખાતું સુંદર નાનકડું પંખી છે. કંસારો પણ ચામાચિડિયાની જેમ તેના જોડીદાર ભેગો આવ્યો હતો. આ નાનકડાં પક્ષીને પણ ટેટાં ફળ તોડી મજાથી ખાતું જોવાનો અમને જલસો પડી ગયો. આ પંખી તો હવે અહીં રોજ આવે છે. તેનો ઘેરો સાદ પણ ક્યારેક સાંભળવા મળે છે.

 ત્રીજું એક અસામાન્ય પક્ષી અહીં ક્યારેક ક્યારેક જોવા મળે છે એ છે ચકલી કરતાં પણ અડધાં કદનું સુંદર લીલા રંગનું પંખી. તેની સોય જેવી અણીદાર કાળી ચાંચ વડે તે આ ઝાડના ફળ ખાતું તો ક્યારેય જોવા મળ્યું નથી પણ તેને ય આ ઝાડ નક્કી ખૂબ ગમતું હોવું જોઈએ એટલે જ એ એકાંતરે મને અહીં એક ડાળે થી બીજી ડાળે કૂદાકૂદ કરતું જોવા મળી જાય છે!

આ સિવાય પણ સફેદ રંગની એકાદ બે પટ્ટી ધરાવતું કાળું પક્ષી પણ અવારનવાર ગુલારની મુલાકાત લેવા આવી ચડે છે. ઉંબરના આ ઝાડને લીધે પ્રકૃતિ આટલી હદે મને અને મારા પરિવારને માણવા મળે છે તે માટે તેનો આભાર માનું એટલો ઓછો.

 થોડા સમય અગાઉ અમારા બિલ્ડીંગમાં ચોર આવ્યો હતો અને તે આ ઝાડ પરથી ચડી  અમારા એક પાડોશીના ઘરની બારીમાંથી કંઈક ચોરતા પકડાઇ ગયેલો અને ભાગી છૂટયો હતો, ત્યારે આ ઝાડ કાપવાની વાત થઈ હતી જેનો મેં વિરોધ નોંધાવ્યો હતો. મુંબઈ જેવા મહાનગરમાં આમ પણ વૃક્ષો ઓછાં છે અને જો આ રીતે તેમને એક યા બીજા કારણ સર કાપવા માંડીએ તો અજાણતા કુદરતને અને આવા ઝાડ પર નભતી અનેક પ્રજાતિઓને આપણે ખૂબ મોટું નુકસાન પહોંચાડી બેસીશું.

  છેલ્લે ઉંબરના ઝાડ વિશેની અન્ય કેટલીક રસપ્રદ માહિતી સાથે આ લેખ પૂરો કરું. ઉંબરનાં ટેટાં કાચા લીલા હોય છે અને પાકે ત્યારે લાલ રંગના થાય છે પણ પક્ષીઓને તે એટલા ભાવે છે કે તે લાલ થાય એ પહેલાં જ તેઓ તેમને ખાઈ જાય છે! આ ટેટાંમાંથી કેટલીક જગાએ લોકો સ્વાદિષ્ટ શાક પણ બનાવે છે. તેના ફળ અને ઝાડની છાલ માંથી બનતો બામ જખમ પર જલ્દી રૂઝ લાવે છે અને અકસીર સાબિત થાય છે. આ ઝાડનું લાકડું પવિત્ર ગણાય છે અને તે હવન કાર્યમાં વપરાય છે તેમજ તેના પાન અને ડાળીઓ ધાર્મિક પૂજા વિધિ વગેરેમાં વપરાય છે. આ ઝાડ આપણાં દેશમાં ઘણી જગાઓએ ઉગે છે. કાચા પાકા તો તેના ફળ પક્ષીઓને ભાવે જ છે પણ જો કદાચ તે પાકી ને સડી જાય તો હજારોની સંખ્યામાં કીડા આકર્ષે છે. ઘણાં પ્રદેશોમાં આ ઝાડનાં ટેટાં કાચા અથવા અન્ય ખાદ્ય પદાર્થ સાથે ભેળવી મોજથી ખવાય છે. તેનો રસ પણ લિજ્જતદાર પીણું બનાવે છે. પેટની બીમારી અને ડાયાબિટીસ માટે તે અકસીર દવા ગણાય છે. આ ઝાડનાં ફળ, પાન અને ખાલ - એમ દરેક ભાગ ઔષધિય ગુણો ધરાવે છે અને આયુર્વેદમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આર. પી. એન. સિન્હા દ્વારા લિખિત પુસ્તક 'અવર ટ્રીઝ' માંથી આ માહિતી શેર કરવા બદલ શોભાજીનો ખૂબ ખૂબ આભાર! 

મુંબઈ હાર્મોનિકસ સંસ્થાનો પ્રતિભાવ

       મુંબઈ હાર્મોનિકસ સંસ્થાના સ્થાપક રમેશ પરીખે વીસમી સપ્ટેમ્બરનો બ્લોગ લેખ વર્ચ્યુઅલ મેરેથોન વાંચી પોતાના મુંબઈ મેરેથોન સાથે સંકળાયેલા કેટલાક સંસ્મરણો વાગોળ્યા. 

      મેરેથોનમાં દોડનાર દોડવીરો જેટલું જ મહત્ત્વ તેમને ચિયર કરનારા એટલે કે તાળીઓ પાડી, હર્ષોલ્લાસભરી ચિચિયારીઓ પાડી તેમના ઉત્સાહમાં વધારો કરનારાં પ્રેક્ષકોનું હોય છે. આ પ્રેક્ષક સામાન્ય જન પણ હોઈ શકે અથવા ખાસ મંચ ઉભો કરી તેના પર જૂથમાં ગાઈ, નાચી કે વાજિંત્ર વગાડી દોડ વીરો નો ઉત્સાહ વધારવા ને તેમના માં જોમ ભરવાનો પ્રયત્ન કરતો એક કરતાં વધુ વ્યક્તિઓનો સમૂહ પણ હોઈ શકે. આવું જ એક જૂથ છે મુંબઈ હાર્મોનિકસ. 

     હાર્મોનિકા એટલે મોઢેથી વગાડાતું વાજું. આ વાદ્ય તેમનાં જૂથ 'મુંબઈ હાર્મોનિકસ' સાથે જોડાયેલું છે. આ જૂથ હાર્મોનિકા વગાડતાં સભ્યોનું બનેલું છે. તેઓ છેલ્લાં છ વર્ષથી મુંબઈ મેરેથોનમાં દોડતાં દોડવીરોનો ઉત્સાહ વધારે છે મોઢેથી વાજું વગાડીને. સવારે સાડા છ વાગ્યાથી શરૂ કરી સતત ત્રણેક કલાક સુધી તેઓ હાર્મોનિકા દ્વારા સંગીતની સૂરાવલિઓ રેલાવતા રહે છે. દસ - બાર જણાં મોઢેથી વાજું વગાડે અને ચાર - પાંચ રીધમિસ્ટ તેમને અન્ય વાજિંત્ર વગાડી સાથ આપે.

તેમના મંચની આસપાસ દોડવીરોને ચિયર કરનારા 

પ્રેક્ષકોનું ટોળું જમા થઈ જાય અને પછી તો તેઓ પણ ગાવા અને તાળીઓ પાડવામાં જોડાઈ જાય અને આ બધાંનો સહિયારો સ્વરઘોષ મેરેથોનર્સના મોઢાં પર સ્મિત લાવવાના પ્રયાસમાં જોતરાઈ જાય. 

     તેઓ મુંબઈ મેરેથોન માર્ગમાં કેડબરી જંક્શન પાસે પોતાનો મંચ બનાવે, જેથી એકવીસ કે બેતાલીસ કિલોમીટર જેટલું લાંબુ અંતર દોડયા બાદ દોડવીરો છેલ્લું સૌથી અઘરું અંતર કાપવા સંઘર્ષ કરી રહ્યાં હોય. તેમનો ઉત્સાહ બિરદાવવા હાર્મોનિકાના સંગીતનો સહારો લઈ અન્ય સેંકડો પ્રેક્ષકોનું પણ મનોરંજન કરનાર મુંબઈ હાર્મોનિકસ જૂથના સર્વે સભ્યોને બ્લોગને ઝરૂખેથી સલામ!!

શનિવાર, 3 ઑક્ટોબર, 2020

ગેસ્ટ બ્લોગ : લોકડાઉન :શુંગુમાવ્યું/શું મેળવ્યું ?

                 શાયર ‘મરીઝે” એક ગઝલમાં લખ્યું છે,

                          “એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે 

                             આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.”   

                         ‘લાચારી’ આ શબ્દનો અનુભવ તો દરેક વ્યક્તિને થતો રહે છે, પણ માનવજાત માટે આ શબ્દ અણગમતો છે. કોઈને લાચારી ખપતી નથી.. કોઈ હોનારત કે કુદરતી આપત્તિ આવી પડે, ત્યારે માનવી તેની સામે ઝઝૂમે છે. જ્યાં સુધી આ મુસીબતનું નિરાકરણ ન થાય, ત્યાં સુધી તેને લાચાર જ રહેવું પડે છે, પછી તે રંક હોય કે રાય નબળો હોય કે તંદુરસ્ત. સમસ્યા નાની હોય કે મોટી તેની ગંભીરતાને લક્ષમાં રાખી સમયાનુસાર લાચાર રહેવું પડે છે, તેમાં છૂટકો નથી. 

                       આ વીસમી સદીમાં જગત આખાની માનવજાત કોરોના જેવી મહામારીનો સામનો કરી રહી છે. ક્યારે ય વિચાર્યું ન હોય, એવું સંકટ આવી પડ્યું છે માનવીને અકલ્પનીય લાચારીનો અહેસાસ થઈ રહ્યો છે. દેશ અને દુનિયાના લોકો ચિંતાગ્રસ્ત છે, પીડાય છે. કોણ કોને દોષ દે? બધા જ એક જ નાવના મુસાફર છે. સૌ પોતાની જ જાતને પૂછી રહ્યા છે, શું આવું કઈ થાય? અને પછી પલભર પોતાને જ જવાબ આપે છે,કે હા, આવું પણ થાય. અનુભવની આ જ છે ઓળખ. 

                      જીંદગી માણસની પરીક્ષા લેતી હોય છે. કોરોનાએ આકરી કસોટી કરી છે. તેની સામે માનવી લાચાર રહ્યો છે, પણ હાર્યો નથી, કારણ ભારત સહીત વિશ્વના સમૃધ્ધ દેશોમાં આ જીવલેણ વિષાણુ વિરુધ રસીના સંશોધનનું કાર્ય યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે.ઈતિહાસ સાક્ષી છે કે ટી બી, પ્લેગ પોલિઓ જેવા રોગોને આંતરવા રસીની શોધ થઈ હતી, જે આશીર્વાદ સમ બની રહી છે. સાલ બેહજાર ચૌદ પૂર્વે ઘણા બાળકો પોલીઓનો ભોગ બન્યા હતા, પરંતુ ત્યાર પછી ભારત દેશ સંપૂર્ણ રીતે પોલિઓ મુક્ત થઈ ગયો. જે રસીને આભારી છે. આજના સંદર્ભમાં આ ઉદાહરણ પૂરતું છે. 

                    સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે “રાત્રિ ગમીષ્યતી, ભવિષ્યતી સુપ્રભાતમ” એમ આ સંકટ પણ કાયમી નથી રહેવાનું. આ દિવસો પણ ચાલ્યા જશે એવો સકારાત્મક અભિગમ આપણે અપનાવવો જ રહ્યો. દરેક મુસીબત આપણને કૈંઈક ને કૈંઈક શીખવી જાય છે. કોરોનાએ એ સંદેશ આપ્યો છે, કે હવે પરિવર્તન સાથે જીવવાનું છે. જીવન શૈલીમાં ઘણા બધા ફેરફારો અપનાવી રહેવાનું છે. 

                     દરેક વ્યક્તિ વિચાર કરે કે લોકડાઉન દરમિયાન કશુંક ગુમાવ્યું હશે તો સાથે કૈંઈક મેળવ્યું પણ હશે. રોજ અનેક લોકોને મળતા અને તેમની સાથે સંવાદ સાધતા, પણ ક્યારે ય આપણે ખુદને મળ્યા છીએ? જાત સાથે વાત કરવાનો અમૂલ્ય અવસર આ લોકડાઉને આપ્યો છે.એકાંતની મધુર પળો માણવાની તો આ સુંદર તક સાંપડી છે. કોરોનાના આ આક્રમણે સૌને આત્મ ચિંતન કરવા પ્રેર્યા છે. એકલતાને સ્મૃતિઓના શણગારથી સજાવવાનો કીમતી સમય મળ્યો છે. નવું નવું જાણવા, જોવા અને શીખવા મળ્યું છે.  

                    લોકડાઉનમાં એવા દાખલા પણ જોવા મળ્યા કે માનવીમાં રહેલી સુષુપ્ત શક્તિ  બહાર આવી. પોતાનામાં છૂપાએલી વિવિધ કલાઓને ઉજાગર કરવાનો મોકો મળ્યો. જ્યાં શૂન્ય હતું, ત્યાં નવું સર્જન થયું તો જ્યાં ઉત્તમ હતું તે બમણું થયું. થેંક્સ ટુ કોરોના. આમ લોકડાઉનમાં કશુંક ગુમાવ્યાનો રંજ ન રાખતાં કશુંક મેળવ્યાનો આનંદ અને પરિતોષ રાખવો ઉચિત લેખાશે. પરિસ્થિતીને સહર્ષ સ્વીકાર્યા સિવાય કોઈ આરો નથી. ગઝલકાર ‘સગીર’ની એક ગઝલનો મત્લા જીવનમાં ઉતારવા જેવો છે,

                     “ હું બધા સંજોગને અપનવતો ચાલ્યો ગયો 

                       જીંદગીને એ થકી શોભાવતો ચાલ્યો ગયો”. 

                  આમ સંજોગોની સામે ઝૂકવાને બદલે લડીને જીત પ્રાપ્ત કરવામાં જ શાણપણ રહેલું છે. 

   - નીતિન વિ મહેતા

વર્ચ્યુઅલ મેરેથોન

    દોડવાનો શોખ હોય તેમને માટે મેરેથોન શબ્દ નવો નથી. ફૂલ મેરેથોનમાં લગભગ ૪૨ કિલોમીટર જેટલું અંતર દોડીને કાપવાનું હોય છે અને હાફ મેરેથોનમાં લગભગ ૨૧ કિલોમીટર જેટલું. છેલ્લાં કેટલાંક વર્ષોથી દસ, પાંચ કિલોમીટરની શ્રેણી પણ મુંબઈમાં દર જાન્યુઆરી માસમાં યોજાતી મેરેથોનમાં ઉમેરવામાં આવી છે, સાથે જ અન્ય પણ અનેક નવા પ્રકારની મેરેથોન દોડ છેલ્લાં કેટલાક વર્ષોમાં જોવા મળી છે જેમકે રાત્રે અંધારામાં યોજાતી નિઓન દોડ, વરસાદમાં પલળતા દોડવાની ભીની મેરેથોન, હોળીના રંગો ઉડાડતાં દોડવાની રંગ મેરેથોન, વિઘ્ન દોડ મેરેથોન વગેરે. વિશ્વભરમાં મેરેથોન યોજાતી આવી છે અને દોડવીરો પોતાના દેશ સિવાયની અન્ય દેશમાં યોજાતી પ્રચલિત મેરેથોનમાં ભાગ લેવા પણ હોંશે હોંશે જાય છે. દર વર્ષે મુંબઈમાં જાન્યુઆરીમાં યોજાતી મેરેથોનમાં દોડવા ઈચ્છતા દોડવીરો માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પાછલા વર્ષના જુલાઈ - ઓગષ્ટમાં જ સંપન્ન થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે, હજી સુધી મુંબઈ મેરેથોન ૨0૨૧માં તેના મૂળ સ્વરૂપે યોજાશે કે કેમ તે સ્પષ્ટના હોવાથી નોંધણી પ્રક્રિયા ના કોઈ અહેવાલ નથી. કારણ મેરેથોનમાં હજારો દોડવીરો એક સાથે એક સ્થળે દોડવા ભેગા થાય છે અને એક જ સમયે એક જ માર્ગ પર ભેગા દોડે છે. કોરોનાને પગલે હાલ પૂરતી તો આ બાબત શક્ય જ નથી. એટલે કદાચ વિશ્વમાં અન્ય જગાઓએ જેની શરૂઆત થઈ ચૂકી છે તે અહીં મુંબઈ અને ભારતમાં પણ અન્ય સ્થળોએ જોવા મળે તો નવાઈ નહીં લાગે - એ છે વર્ચ્યુઅલ મેરેથોન.

  વર્ચ્યુઅલ મેરેથોનમાં વ્યક્તિ વિશ્વના કોઈ પણ ખૂણેથી કોઈ ચોક્કસ જગાએ યોજાતી મેરેથોનમાં નામ નોંધાવી, ભાગ લઈ શકે છે. જેમ કે હું અહીં મુંબઈમાં રહીને પણ અમેરિકા ખાતે ન્યૂયોર્કમાં યોજાનારી વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લઈ શકું છું. મારે મારી અનુકૂળતા પ્રમાણે જગા અને સમય નક્કી કરી નિયત અંતર દોડી લેવાનું અને તે સત્તાવાર મોબાઈલ એપમાં નોંધી તેની વિગત આયોજકોને મોકલી આપવાની. યોગ્ય ચકાસણી બાદ તેઓ મને મારું સર્ટિફિકેટ ઓનલાઇન અને મેડલ કૂરિયર દ્વારા મોકલી આપે! લાગે છે ને મજેદાર વાત? હા, આ હવે વાસ્તવિકતા બની છે. હું મારા ઘરમાં જ ટ્રેડ મિલ પર પણ ૨૧ કે ૪૨ કિલોમીટર દોડી મેરેથોનમાં દોડ્યાનો અનુભવ કરી શકું, એના ફાયદા અને લાભ (સર્ટિફિકેટ કે મેડલ) મેળવી શકું. ઘેર ટ્રેડ મિલ ના હોય તો મારી આસપાસ ના સુરક્ષિત વિસ્તારમાં પણ ચોક્કસ સમયે એક સાથે નિયત અંતર દોડી વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લઈ શકું છું.

  આ રીતે દોડવામાં શું શું ના મળે જે મૂળ રિયલ મેરેથોનમાં દોડતાં મળી શકે? આનો જવાબ છે રિયલ મેરેથોન વખતે માર્ગમાં તમારા ઉત્સાહને બિરદાવતા, હર્ષની ચિચિયારીઓ પાડતાં નાનામોટાં સેંકડો સાચા લોકો! તમને ઓળખતા પણ ના હોય તો પણ વહેલી સવારથી કેળાં, સંતરાના ટુકડા કે બિસ્કીટ કે મીઠું, સાકર વગેરે લઈ રસ્તાની બંને બાજુએ આ પ્રેક્ષકો ગોઠવાઈ ગયાં હોય અને માત્ર પ્રેક્ષકના બની રહેતાં તે ખાદ્ય પદાર્થો આપી કે તાળી આપી કે ઉત્સાહ વધારનાર હાથે લખેલા બેનર્સ બતાવી , દોડવીરોનું દોડવું આસાન બનાવે! આ મેરેથોનમાં દોડવાની સૌથી મહત્વની ઉપલબ્ધિ ગણી શકાય જે વર્ચ્યુઅલ મેરેથોનમાં તમે ના પામી શકો. હા, તમે બહાર દોડવાના હોવ તો તમારા પરિવારજનોને ફિનિશ લાઇન પાસે ઊભા રહી તમને ચિયર કરવાની વિનંતી તમે કરી શકો. પણ એમાં રિયલ મેરેથોન જેવી મજા તો ન જ આવે. બીજું, રિયલ મેરેથોનમાં મેડિકલ ઈમરજન્સી હેન્ડલ કરવા ડોક્ટર વગેરે હાજર હોય, પાણી, એનર્જી ડ્રિન્ક વગેરે પૂરા પાડતા સ્ટોલ થોડે થોડે અંતરે હાજર હોય જે વર્ચ્યુઅલ દોડ વખતે તમને ન મળી શકે. પાણી, દવા કે એનર્જી આપતા બિસ્કીટ - ફળ વગેરે તમારે પોતે ઉંચકી દોડવું પડે જેનું વજન વધતાં દોડવામાં મુશ્કેલી આવી શકે, એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે.

વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લેવા તમે શિસ્ત અને પ્રમાણિકતાના ચૂસ્ત આગ્રહી હોવા જોઈએ. સેલ્ફ મોટિવેટર હોવું અહીં ખૂબ જરૂરી બની રહે છે.

  વર્ચ્યુઅલ મેરેથોનનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં કોઈ સરહદનું બંધન નથી. તમને વિદેશી મેરેથોનમાં ભાગ લેવાની ઈચ્છા હોય તો તે તમે અહીં તમારે ઘેર રહી પૂરી કરી શકો અને દોડ પૂર્ણ થયે ત્યાંનું સર્ટિફિકેટ મેળવી સંતોષ પ્રાપ્ત કરી શકો છો. બીજું, તમારા આરોગ્ય વિષયક લક્ષ્યાંક તમે નક્કી કરી પાર પાડી શકો. મેરેથોન થાય જ નહીં તો તમે દોડો નહીં અને ઘેર બેસી રહો તો સ્વાસ્થ્યને લગતો લાભ ના મળે, પણ વર્ચ્યુઅલ રેસમાં નામ નોંધાવી પ્રેક્ટિસ કરો અને ખરેખર દોડી સ્વાસ્થ્યને થતાં ફાયદાનો લાભ મેળવી શકો.

સ્ટાર્વા, ગાર્મીન, રનકીપર, મેપ માય રન વગેરે જેવી ઘણી મોબાઈલ એપ જે તે વર્ચ્યુઅલ મેરેથોનનોના આયોજકોએ મંજૂર કરેલી હોય છે જેની માહિતી તમે નામ નોંધાવો ત્યારે મેળવી લેવાની રહે છે અને પછી દોડતી વખતે તે એપ મોબાઈલ પર ચાલુ રાખવાની રહે છે અને દોડ પૂરી થયે તેના પર નોંધાયેલી માહિતી આયોજકોને મોકલી આપવાની રહે છે.

      વિશ્વની છ દેશોની મેરેથોન પ્રખ્યાત ગણાય છે - ટોક્યો, બોસ્ટન, લંડન, બર્લિન, શિકાગો અને ન્યૂયોર્ક. આમાંથી બોસ્ટન, શિકાગો અને ન્યૂયોર્ક તો આ વખતે વર્ચ્યુઅલ મેરેથોન જ યોજવાનું પસંદ કર્યું છે. સવાસો વર્ષોથી મેરેથોન યોજતા બોસ્ટનમાં વર્ચ્યુઅલ મેરેથોન સાતમીથી ચૌદમી સપ્ટેમ્બર વચ્ચે યોજાઈ ગઈ તો શિકાગો મેરેથોન પાંચમી થી અગિયારમી ઓક્ટોબર વચ્ચે યોજાવાની છે. તો ન્યૂયોર્ક વર્ચ્યુઅલ મેરેથોન ઓક્ટોબર સત્તરથી નવેમ્બર પહેલી વચ્ચે યોજાશે.

    મન હોય તો માળવે જવાય અને દોડવું જ હોય તો વર્ચ્યુઅલ મેરેથોનમાં દોડાય!!