Translate

મંગળવાર, 28 એપ્રિલ, 2015

અસ્મિતા પર્વ બાદ … તલગાજરડામાં


અસ્મિતા પર્વનું સમાપન થયું અને અમે ગુરૂકુલ પાછા ફર્યાં. પપ્પાને બીજે દિવસે મહુઆમાં એક અન્ય કાર્યક્રમમાં હાજરી આપવાની હતી તેથી અમે હજી એક વધુ દિવસ અહિ રોકાવાના હતાં. કંઈ કોઈ પ્રોફેશનલ કે કમર્શિયલ અવોર્ડ સમારંભ ઓછો હતો જ્યાં અવોર્ડ સમારંભ પૂરો થયો એટલે જતા રહો! અસ્મિતા પર્વનું આયોજન સંભાળનારા બાપુના ભક્તિ અનુયાયી ભાઈઓએ, અન્ય કાર્યક્રમવાળી પાર્ટીએ હોટલ બુક કરાવી હોવા છતાં અમને અવોર્ડ સમારંભ બાદ પણ બીજા દિવસ સુધી આગ્રહપૂર્વક ગુરૂકુળમાં રોકાવા કહ્યું અને અમે ત્યાં રહ્યા ત્યાં સુધી પહેલાની જેમજ અમારી નાની મોટી દરેક સગવડ સાચવવામાં આવી.

અવોર્ડ સમારંભ સાથે અસ્મિતા પર્વ પૂરો થઈ ગયો હોવાથી હવે ગુરૂકુલ આખું જાણે ખાલી ખાલી લાગતું હતું. બપોરે જમ્યા બાદ મેં પ્રાંગણમાં થોડા આંટા માર્યાં.આંબા પરથી ખરી પડેલી સાત-આઠ કાચી કેરી ભેગી કરી.રૂમ પર પાછો ફર્યો ત્યારે ફૂલછાબ જૂથ સાથે સંકળાયેલા પત્રકાર મનોજભાઈ જોશી અને ફોટોગ્રાફર પ્રણવ મહેતા પપ્પાનો ઇન્ટરવ્યુ લેવા પધાર્યાં હતાં.તેમની સાથે પપ્પાને વાતો કરતાં અને જૂના સંસ્મરણો વાગોળી રહેલા સાંભળવાની મજા આવી. તેમના ગયા પછી થોડો આરામ કર્યા બાદ પાંચેક વાગે સાંજે અમે ગાડીમાં તલગાજરડાની સફરે ઉપડ્યાં.

ડ્રાઈવર ભાઈ મજાના માણસ હતા.અલકલકની વાતો કરતા સૌ પહેલા અમને તલગાજરડાથી પાંચેક કિલોમીટર દૂર આવેલ એક સુંદર શાંત જગાએ આવેલ પીઠડિયા હનુમાન મંદિરે લઈ ગયા.તેના જણાવ્યાં મુજબ દિવસે શનિવાર અને હનુમાન જયંતિ હોવાથી થોડી ઘણી ભીડ હતી મંદિરમાં. ભીડ એટલે વીસ-પચ્ચીસ માણસો! અહિ સુધી પહોંચવાના રસ્તે પણ બંને બાજુ વેરાન ખેતરો અને દૂર દૂર સુધી કોઈ નજરે ચડે.કુદરતી સુંદરતા ભરપૂર હતી. પીઠડિયા હનુમાનના મંદિરે જવાનો રસ્તો જેટલો સૂનો હતો એટલીજ નીરવ શાંતિ અને સુંદરતા મંદિરના પ્રાંગણમાં પથરાયેલી હતી.પૂજારીકાકાએ એવી માહિતી આપી કે મંદિરમાં ઘણી વાર મોરારિબાપુ પધારે છે અને ધ્યાનમાં બેસે છે.અહિં મંદિરના પ્રાંગણમાં તેમના સિવાય અન્ય કોઈ રાત રોકાઈ શકતું નથી. જો કોઈ એમ કરવા પ્રયાસ કરે તો આપોઆપ સવારે જ્યારે તે જાગે ત્યારે પોતે મંદિરમાં નહિ પણ ત્યાંથી થોડે દૂર આવેલી નદીના કાંઠે મળી આવે! આવી વાત ત્યાં આવેલા ભક્તગણમાંથી એક જણે સંભળાવી અને સૌએ એમાં પોતાનો ટહુકો પુરાવ્યો.સાચું ખોટું તો પીઠડિયા હનુમાનનાં રામ જાણે! પણ મને લોકો સાથે વાતચીત કરવાની અને જગા વિષે આવી અવનવી વાતો સાંભળવાની મજા આવી.પ્રાંગણમાં એક સરસ મજાનો વડલો હતો જેની ફરતે ગોળ પાકો ઓટલો બાંધેલો હતો. મંદિર ફરતે પાકી સિમેન્ટની દિવાલ બાંધી હતી જેમાં એક જગાએ બંધ ગેટમાંથી પાછળ આવેલું નિર્જન ખેતર નજરે પડતું હતું.ઉનાળાની સાંજ હોવા છતાં અહિ ગરમી લેશમાત્ર વર્તાતી નહોતી.ફકફકાટ પવન વાઈ રહ્યો હતો.પેલા બંધ જાળીના ગેટમાંથી એક ઝાડ ના છાંયડે બેઠેલી એક ગાય અને થોડે પડેલું ગાડું અને થોડે આઘે પડેલું એક ગાડું નજરે ચડતાં હતાં.સુંદર ગ્રામજીવનની છબી સમા ચિત્રમાં હું તો ખોવાઈ ગયો હતો ત્યાં ડ્રાઈવર ભાઈ અને પપ્પાનો સાદ સંભળાયો મને બોલાવવા માટે.અને ત્યાં રાત રોકાવાની અદમ્ય ઇચ્છાને દબાવી મેં ત્યાંથી વિદાય લીધી!

પછી રસ્તામાં આવતા અન્ય બે-ત્રણ મંદિરોએ દર્શન કરી અમે જઈ પહોંચ્યા રામ મંદિરમાં જ્યાં વર્ષો પહેલા મોરારિબાપુનો પરિવાર વસતો હતો. રામ મંદિરમાં રામ-પરિવારની અતિ સુંદર પણ અલગ પ્રકારની મૂર્તિના દર્શન થયાં.અહિં રામજી લક્ષ્મણ,સીતા તથા હનુમાનજી સાથે શાંત મુદ્રામાં બેઠેલા દ્રષ્યમાન થતા હતા, જાણે કોઈ પરિવાર જમ્યાં બાદ કોઈ હળવી ચર્ચામાં પરોવાયો હોય! રામની દરેક છબીમાં જોવા મળતું ધનુષ કે હનુમાનજીની ગદા અહિ ગાયબ હતાં.

બહાર ફળીયામાં પોતાના પરંપરાગત રબારી કે ભરવાડણનાં પોષાકમાં ચહેરા પર અનેક કરચલી ધરાવતાં એક સુંદર ડોશીમા જોવા મળ્યા અને હું તેમનો ફોટો પાડતા પોતાને રોકી શક્યો! સાથે કદાચ તેમના વ્રુદ્ધ પતિ હશે તેમણે ટકોર કરી કે તારું પેટ દેખાય છે ઢાંક તો ખરી!અને પાતળું સોટી જેવું ટટ્ટાર શરેર ધરાવતા ડોશીમાએ પેટ પર સાડીનો છેડો લઈ સ્નેહથી સ્મિતસહ બીજો પોઝ આપ્યો!

ત્યાર બાદ ગાડીમાં બેસી અમે આગળ વધ્યાં.રસ્તો તલગાજરડાની નાની નાની ગલીઓમાં થઈને જતો હતો અને મને એ ગલીઓમાં ઘૂમવું ખુબ ગમ્યું. રસ્તામાં એ નાનકડાં ગામની શેરીઓમાં અનેક લોકો પપ્પાને નટુકાકા, નટુકાકાનાં પ્રેમ ભર્યાં હૂલામણાં નામે બોલાવતા હતા અને પપ્પા દરેકને સસ્મિત હાથ હલાવી પ્રત્યુત્તર આપતા હતા.ડ્રાઈવર ભાઈ અતિ પ્રેમપૂર્વક આગ્રહ કરી અમને તેમના ઘેર લઈ ગયા જ્યાં તારક મહેતાકા ઊલ્ટા ચશ્માનું જૂના ભાગનો રીપીટ ટેલિકાસ્ટ ચાલુ હતો! ડ્રાઈવરભાઈની બહેન તો જાણે પપ્પાને જોઈ ગાંડીઘેલી થઈ ગઈ હતી!તેમના પત્ની,બાળકો,માતા-પિતા,ભાઈ અને પાડોશી તેમજ તેમના પરિવારજનોથી આખું ઘર ભરાઈ ગયું.બધાં સાથે પપ્પાએ ધરાઈને ફોટા પડાવ્યાં!અમે લીંબુ શરબત પીને ત્યાંથી વિદાય લીધી.

પછી અમે તલગાજરડાનાં સ્મશાનભૂમિ પર આવેલા એક શિવાલયમાં ગયાં જ્યાં શંકર-પાર્વતીની મનમોહક મૂર્તિ હતી. મંદિરનાં વિશાળ પટાંગણમાં એક મંચ જેવો ઓટલો હતો અને ત્યાં જાહેર કાર્યક્રમો થતા-થોડા દિવસો અગાઉ ત્યાં પ્રિયંકા ચોપ્રાની કઝીને ડાન્સનો જાહેર કાર્યક્રમ યોજ્યો હતો એવી માહિતી ડ્રાઈવર ભાઈએ આપી.તેમણે પણ જણાવ્યું કે અસ્મિતા પર્વ દરમ્યાન જેને સંગીત ક્ષેત્રનો પુરસ્કાર અપાયો હતો શિવમણિએ પણ પર્વનાં પ્રથમ દિવસે મોડી સાંજે અહિ સંગીતનો એક સુંદર કાર્યક્રમ આપ્યો હતો. મંદિરની પાછલી બાજુએ આવેલ સ્મશાનભૂમિ પર કાળીચૌદસની આખી રાત સાધના ચાલે એવી માહિતી પણ ડ્રાઈવરભાઈએ આપી અને પછી અમને લઈ ગયા મહુઆના દરિયાકાંઠે આવેલા પ્રખ્યાત ચામુંડા મંદિરે.

મહુઆના ગામમાં મુખ્ય વસ્તીવાળા વિસ્તારથી ખાસ્સો દૂર શાંત રમણીય ભૂમિ પર આવેલો દરિયાકાંઠો પાકિસ્તાનથી ખાસ દૂર નહિ હોય અને તેથી અહિ સુરક્ષા વ્યવસ્થા માટે રસ્તામાં ચોકી પર તહેનાત સુરક્ષાકર્મીઓ ફરજ બજાવી રહેલા જોવા મળ્યાં.દરિયા કાંઠો અતિ સુંદર,નીરવ અને સ્વચ્છ જણાયો.પ્રાચીન ચામુંડા મંદિરમાં માતાજીના દર્શન કર્યાં અને અહિં અમારી તલગાજરડા-મહુઆ યાત્રાનું સમાપન થયું.

ડ્રાઈવરભાઈ અમને ગુરુકુલ પહોંચાડી સસ્મિત વિદાય થયા અને તુલસી કુટીરમાં પાછા ફર્યાં બાદ અમે અંજન શ્રીવાસ્તવજી તથા તેમના પત્ની સાથે ગોઠડી માંડી.રાતનું ભોજન લીધાં બાદ ગુરુકુલનાં પ્રાંગણમાં થોડાં આંટા માર્યા અને ત્યારબાદ અહિની બીજી રાત્રે મીઠી નિંદર માણી.

રવિવારે સવારે ગુરુકુલનાં પ્રાંગણમાં આવેલા સુંદર સરસ્વતી મંદિરમાં વીણાવાહિની વિદ્યાની દેવીનાં દર્શન કર્યાં અને પછી અમે મોરારિબાપુનાં ભાઈનાં ગુરુકુલનાં પ્રાંગણમાં વસતા ભાઈઓનાં પરિવારજનોની સ્નેહભરી મુલાકાત લીધી. જમ્યા બાદ થોડો આરામ કર્યો અને પપ્પાનો પ્રોગ્રામ હતો પાર્ટી અમને ત્યાંથી ગાડીમાં લેવા આવી.જે ભૂમિ પરથી વિદાય લેવાનું મન નહોતું થતું એવા ગુરુકુલને અમે આવજો કર્યું અને પછી તો પપ્પાનો પ્રોગ્રામ પતાવી રાતે અમદાવાદ આવી મુંબઈની ફ્લાઈટ પકડી અને અમારી અવિસ્મરણીય ગુજરાત યાત્રા પૂરી થઈ.

જ્યારે જ્યારે ગુજરાતની આવી કોઈ યાત્રાએ જવાનું થાય ત્યારે મુંબઈની ભાગદોડ ભરી જિંદગી ત્યજીને ત્યાં કાયમી વસવાટ કરવા જતા રહેવાનું મન થઈ જાય છે પણ જેવી યાત્રા પૂરી થાય અને ફરી માયાનગરીની રૂટીની સફર ચાલુ કે પેલી ઇચ્છા હ્રદયના એક ખૂણે દબાઈને બેસી જાય છે!