Translate

રવિવાર, 27 મે, 2012

'આશા' અમર રહો !

ઘણી વાર આપણે કોઈક વ્યક્તિને મળીએ ત્યારે આપણી અને તેમની 'વેવલેન્થ' એટલી મળતી હોય કે આપણને તેમની સાથે વાતચીત કરવી, તેમની સાથે સમય પસાર કરવો ખૂબ ગમે. આવી વ્યક્તિને મળીએ અને તેમની સાથે વિચારોનું આદાનપ્રદાન કરીએ ત્યાર બાદ મન એક અજબ પ્રકારની હળવાશ અનુભવે. આવી વ્યક્તિ કોઈ એકલદોકલ સ્ત્રી કે પુરુષ હોઈ શકે કે કોઈ પતિ-પત્નીની બેલડી પણ હોઈ શકે કે પછી કોઈ આખો પરિવાર પણ હોઈ શકે. તેમની મુલાકાત લેવાનું આપણને વારંવાર મન થાય.


આવી બે-ચાર વ્યક્તિઓને હું પાછલા થોડા સમય દરમ્યાન મળ્યો અને તેમાનાં એક એટલે ૯૬ વર્ષના એક માજી - આશાબેન મહેતા જેમની મેં તાજેતરમાં મુલાકાત લીધી. ખરું જોતા તો તેમને માટે યુવતિ શબ્દનો ઉપયોગ પણ યથાર્થ ગણાય કારણ આ વિદૂષી વયોવૃદ્ધ મહિલાનો આટલી ઉંમરે ઉત્સાહ અને સ્ફૂર્તિ એક યુવતિને પણ શરમાવે એવા છે. આ માજીએ આ ઉંમરે એક પુસ્તક લખ્યું છે જેમાં તુલસી વિશેની ક્યારેય ન વાંચેલી માહિતીનો સંગ્રહ છે. તેમની મુલાકાત જન્મભૂમિમાં અને દરેક અગ્રણી ગુજરાતી અખબારમાં છપાઈ ચૂકી છે. ઇન ફેક્ટ આ મુલાકાત વાંચીને જ મેં તેમને મળવાની અને તેમના પ્રેરણાત્મક વ્યક્તિત્વને જાણવાની ઇચ્છા વ્યક્ત કરી અને તેમણે એ માટે સંમતિ દર્શાવતા હું પહોંચી ગયો તેમના ઘેર તેમની રૂબરૂ મુલાકાત લેવા! એ મુલાકાત વિશે અને તેમના વ્યક્તિત્વના હકારાત્મક પાસાઓ વિશે ચર્ચા કરવી છે આજના બ્લોગમાં.

આશા બેનને થોડા સમય અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારે ઓપરેશન વેળાએ આશાબેન નહિં, પરંતુ ડોક્ટર ગંભીર થઈ ગયેલા.તેમણે વાતાવરણ હળવું કરવા અને આશા બેનનો ડર(જે ખરી રીતે હતો જ નહિં!) ઓછો કરવા કહ્યું "માજી હજી ચાર વર્ષ ખેંચી કાઢી સેન્ચૂરી તો પૂરી કરશો ને?" આશા બેન કહે "ના..." બધા ગંભીર થઈ ગયાં ત્યાં ટહૂકો કરતા આશા બેન બોલ્યા "ભગવાનની માળામાં કેટલા મણકા હોય? (પૂરા ૧૦૮!) એટલા તો પૂરા કરવા જ પડે ને?!!" યે હુઈ ના બાત! ઓપરેશન જેવા ગંભીર સમયે પણ આશા બેનની આવી બુદ્ધિશાળી રમૂજ સાંભળી સૌ કોઈ મન મૂકીને હસી પડ્યા! આને કહેવાય એટીટ્યૂડ!

તેમના જમાનામાં ઇન્ટર જેટલું ભણેલા વયોવૃદ્ધ આશાબેન આજે પણ સ્પષ્ટ બોલે તેમાં અનેક અંગ્રેજી શબ્દો સાંભળવા મળે! તેમને સાંભળવા મને બહુ મીઠ્ઠુ લાગ્યું! મારી પત્ની પણ તેમની અતિ મોડર્ન વિચારસરણી ધરાવતી વાતો સાંભળી દંગ રહી ગઈ.

આશા બેન ભાવનગરની શાળામાં શિક્ષિકા અને ત્યારબાદ આચાર્યા તરીકે ફરજ તો બજાવી જ ચૂક્યા છે પણ રસપ્રદ વાત એ છે કે તેઓ ત્રણ વર્ષ માટે ધ્રાંગધ્રા રાજ્યની રાજકુંવરીને તેના રાજમહેલમાં જઈ ભણાવવા પ્રશિક્ષિકાની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે.

તેમનું પેન્શન શરૂ થયું ત્યારનો એક મજેદાર કિસ્સો તેમના પુત્રે કહી સંભળાવ્યો. પેન્શન શરૂ કરતાં પહેલાં વેરિફીકેશન માટે નિયમ મુજબ એક મહારાષ્ટ્રીયન બેન્ક ઓફિસર તેમના ઘેર આવ્યો અને તેમને મળ્યા બાદ તેણે આશાબેનને ફોર્મ પર અંગૂઠાની છાપ મારવા કહ્યું. તેણે ધારેલું આશા બેન નિરક્ષર મોટી ઉંમરના અશક્ત માંદા ડોશી હશે! આશાબેને તો તેની પાસે પેન માગી! તેને નવાઈ લાગી. આશાબેને અંગ્રેજીમાં પોતાની સહી કરી. જ્યારે એ જોયું ત્યારે તો પેલા ઓફિસરના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેણે પૂછ્યું :’માજી આપ અંગ્રેજી લિખ સક્તે હો?’ આશાબેને અંગ્રેજીમાં જ જવાબ આપ્યો 'આઈ કેન નોટ ઓન્લી રાઈટ ઈંગ્લીશ બટ અલ્સો ટોક ઇન ઈંગ્લીશ!' પેલાની તો બોલતી જ બંધ થઈ ગઈ! અને આ ત્રણ ઝટકા ઓછા હોય એમ જ્યારે તે ઓફિસરે જોયું કે આશા બેન સ્વસ્થતા પૂર્વક ચાલી-ફરી શકતા હતા ત્યારે તેણે પૂછ્યું : ‘ઓલ્ડ લેડી, યુ કેન વોક? આશા બેને માસ્ટરસ્ટ્રોક સમો જવાબ આપ્યો :’આઈ કેન વોક, આઈ કેન રન, આઈ કેન જમ્પ એન્ડ આઈ કેન ક્લાઈમ્બ અલ્સો!’ (હું ચાલી જ નહિં, દોડી પણ શકું છું, કૂદી પણ શકું છું અને ચઢી પણ શકું છું!) આમ હાજરજવાબીપણું અને રમૂજ વૃત્તિ તેમનામાં ઠાંસી ઠાંસીને ભરેલા છે!

મેં તેમને પૂછ્યું આજે મનુષ્યની સરેરાશ જીવવાની વય કેમ ઘટી ગઈ છે? તેમણે તરત જવાબ આપ્યો આજે માનવી જીવે છે જ ક્યાં? સતત ભાગતો રહે છે! અનેક ટેન્શનો માથે લઈને. તેણે પોતાની તણાવયુક્ત જીવનશૈલી અતિ બનાવી મૂકી છે. સ્વસ્થ ખાઈ પીને જીવનમાં શિસ્ત અને ચોક્કસ નિયમોનું પાલન કરીએ તો સાત્વિક અને લાંબુ જીવન જીવી શકાય.

બીજી એક ખૂબ સુંદર વાત આશાબેને કરી કે જીવન સાચા અર્થમાં જીવી જાણવું જોઇએ ફક્ત વર્ષો સાથે વય પસાર કરવાને બદલે.અને એમ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે નાની નાની વાતોમાં આનંદ શોધવાનો.તેઓ બાળક સાથે બાળક જેવા થઈ જાય!એટલે જ તેમના પૌત્રપૌત્રીઓને તેમની સાથે ખૂબ જ ગોઠે!જીવનમાં નાની નાની વસ્તુઓને માણનાર કદી દુ:ખી થતો નથી.આજનો માનવી ભયંકર ટેન્શનમાં જીવે છે.

આશાબેન સવારે છ વાગે અચૂક ઉઠી જાય. ખાવા પીવાનું ચોક્કસ સમયે. શક્ય એટલું પોતાનું કામ આ ઉંમરે પણ પોતે જ કરવાનો તેઓ આગ્રહ રાખે છે. ચોકસાઈ,વ્યવસ્થા,સુઘડતા અને સ્વચ્છતાના ચુસ્ત હિમાયતી એવા તેઓ આજના યુવાનોને એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડે છે. તેમને વાંચનનો, કળા તથા ક્રાફ્ટ,સંગીત અને રસોઈનો ખૂબ શોખ.

૮૫ વર્ષની વયે, તુલસી પ્રત્યે ખૂબ લગાવ હોવાથી અને જિજ્ઞાસા ભર્યા સ્વભાવને લઈને તેમણે વિષ્ણુ વલ્લભા અર્થાત તુલસી પર અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને આ વિષેની સામાન્ય માણસ ન જાણતો હોય એવી માહિતી એકઠી કરી. ૯૫મા વર્ષે તેમણે તુલસી પર પુસ્તિકા લખી. આ તેમના દ્રઢ મનોબળ,ગ્ન્યાનપિપાસા , કાર્યરતતા અને રચનાત્મકતાની પ્રતિતી કરાવે છે. તેમના પુત્રો પણ તેમના જેટલા જ ઉત્સાહી. તેમણે તુલસીની ક્યારેય ન જોઈ હોય એવી દુર્લભ તસવીરો (જેમાં તુલસી, દેવી તરીકે પોપટના વાહન સહિત આપણને આશિર્વાદ આપતા, સ્ત્રી જેવા દેહધારી રૂપે દ્રષ્યમાન થાય છે) શોધી કાઢી અને આશાબહેને ભેગી કરેલી તુલસી વિષેની અમૂલ્ય માહિતી સુંદર સચિત્ર પુસ્તિકા રૂપે પ્રકાશિત કરી જેની બે આવૃત્તિ બહાર પડી ચૂકી છે.

આશાબેન નો ઉત્સાહ, તેમની વાત કરવાની છટા, તેમના પોઝિટીવીટી અને ઓવર ઓલ વ્યક્તિત્વથી હું પ્રભાવિત થઈ ગયો અને મેં મનોમન પ્રાર્થના કરી કે ઇશ્વર ખરેખર તેમને માળાના ૧૦૮ મણકા જેટલી સંખ્યા કરતાંયે વધુ વયનું દીર્ઘાયુષી સ્વસ્થ જીવન બક્ષે અને તેઓ સદાયે પોતાના શોખ અને મનપસંદ કાર્યોમાં આનંદપૂર્વક વ્યસ્ત રહી બીજા અનેક લોકો માટે પ્રેરણાની મૂર્તિ સમાન બની રહે!

રવિવાર, 20 મે, 2012

સત્યમેવ જયતે


          આમિર ખાનનો એક અતિ સારો અને રસપ્રદ કાર્યક્રમ 'સત્યમેવ જયતે' સ્ટાર પ્લસ ચેનલ પરથી દર રવિવારે સવારે ૧૧ વાગે પ્રસારિત થવાની શરૂઆત થઈ છે. આજે તેનો ત્રીજો હપ્તો પ્રસારિત થશે.  અત્રે આ બ્લોગની કટારમાં ચર્ચાતા સાંપ્રત સમસ્યારૂપ મુદ્દાઓ જેવા જ કેટલાક અતિ સંવેદનશીલ પ્રશ્નોની ખૂબ ધ્યાનપૂર્વક રીસર્ચ બાદ વિગતવાર છણાવટ આ કાર્યક્રમ માં કરવામાં  આવે છે અને એટલેથી જ અટકી ન જતાં એ સમસ્યાના નિવારણ માટે કેટલાક નક્કર પગલા અને ઉપાયો પણ એમાં ચર્ચવામાં, દર્શાવવામાં અને યોજવામાં આવે છે. આ કાર્યક્રમ રાતે ૧૦ વાગે પુન: પ્રસારિત કરાય છે.
આ કાર્યક્રમના પહેલા જ એપિસોડમાં આમિરે 'ફીમેલ ફીટીસાઈડ' એટલેકે સ્ત્રી ભ્રૂણહત્યાનો અતિ સંવેદનશીલ મુદ્દો હાથમાં લીધો હતો જે વિશે 'બ્લોગને ઝરૂખેથી...'  કટારમાં તા.૪ જુલાઈ ૨૦૧૦ના રવિવારે મેં 'દિકરી વહાલનો દરિયો'  શિર્ષક હેઠળ બ્લોગ લખ્યો હતો. (જે આપ આ કટારની વેબસાઈટ પર  http://blognezarookhethee.blogspot.in/2010/07/blog-post_05.html  આ પાને
વાંચી શકશો.)  બીજા હપ્તામાં પણ આમિરે ભાગ્યે જ ચર્ચાતા પણ આપણા સમાજમાં મોટે ભાગે પ્રવર્તમાન બાળકોના યૌન કે જાતીય શોષણનો અતિ સંવેદનશીલ મુદ્દો ભારે પુખ્તતા પૂર્વક ચર્ચ્યો હતો.
આમિર સહિત મુલાકાત માટે આમંત્રિત મહેમાન જેની આમિર મુલાકાત લે છે તથા કાર્યક્રમ લાઈવ નિહાળી રહેલા દરેક દર્શકની આંખ કાર્યક્રમ દરમ્યાન વારંવાર ભીની થયા વિના રહેતી નથી એ આ કાર્યક્રમની ખાસિયત અને સફળતા છે. એ ચોક્કસ આપણને દરેક સામાન્ય નાગરિકને ક્યાંક કોઈક રીતે સ્પર્શે છે.
દર રવિવારે સવારે જન્મભૂમિ પ્રવાસીમાં 'બ્લોગને ઝરૂખેથી...' વાંચવાની સાથે સાથે 'સત્યમેવ જયતે'  જોવાનું પણ ચૂકશો નહિં.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * 

૩૧ વર્ષનો એક ફ્રેંચ યુવાન વિન્સેન્ટ બર્નાર્ડ ૨૫૦૦૦ કિલોમીટરનું અંતર સાયકલ પર સવારી કરતા કરતા કાપીને થોડાં મહિના અગાઉ મુંબઈ આવે છે જેથી તે કેન્સરના દર્દીઓના જીવનમાં હકારત્મક ઉર્જાનો સંચાર કરવાનું પોતાનું મિશન પૂરું કરી શકે અને આપણાં મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા નજીક પોતાની સાયકલ પાર્ક કરી તે એક ઇન્ટરનેટ કેફેમાં સર્ફીંગ કરી રહ્યો હોય છે ત્યારે તેની સાયકલ પરથી કોઈક તેની આખા પ્રવાસની મેન્યુસ્ક્રીપ્ટ અને મૂલ્યવાન તસવીરો ચોરી લે છે. તેને પારાવાર વેદના અને મુંબઈ માટે નફરતનો અનુભવ થાય છે. મને પણ ખૂબ દુ:ખ થાય છે જ્યારે આવી કોઈક શરમજનક ઘટના મારા શહેરમાં બને છે.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * 
એક વાર જયારે હું બહાર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક મંદિરના આંગણામાં મેં કેટલીક યુવતિ અને સ્ત્રીઓને મોટી સુંદર રંગોળી બનાવતા જોઈ.દક્ષિણ ભારતીય મંદિરો અને લોકોમાં રંગોળીનું આગવું મહત્વ હોય છે.તેમનો કોઈ તહેવાર હશે એટલે પેલી મહિલાઓ રસ્તા પર મંદિરના પ્રાંગણમાં રંગોળી બનાવી રહી હશે.પાછા ફરતી વેળાએ મારું ધ્યાન ફરી રંગોળીની ડિઝાઈન પર ગયું. કોઈએ તેના પર પગ મૂકી એ રંગોળી અસ્તવ્યસ્ત કરી મૂકી હતી. મને આ જોઈ ખૂબ દુ:ખ થયું.કોઈ પણ વસ્તુનું સર્જન ખૂબ અઘરૂં હોય છે.લોકો તેના પ્રત્યે આદર કેળવતા ક્યારે થશે?

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * 

બ્લોગ શું છે?   આ કટાર વિશે થોડું...

બ્લોગ એટલે તમારી એવી 'ડાયરી' જે તમે ગમે ત્યારે,ગમે ત્યાંથી લખી શકો છો 'ઓનલાઈન' એટલે કે 'ઇન્ટરનેટ' પર.
આ તમારું એવું પોતીકું વિશ્વ છે, તમારી એવી પોતાની જગા છે જ્યાં તમે તમારા મનગમતા ગમે તે વિષય પર તમારા સ્વતંત્ર વિચારો વ્યક્ત કરી શકો છો.આ વિચારો જગતનાં ખૂણે ખૂણે પહોંચી જાય છે ઇન્ટરનેટ દ્વારા. અને તમારા બ્લોગના વાચકો તમારા બ્લોગ વિશે કે તમે રજૂ કરેલા મુદ્દા વિષે તેમના વિચારો પણ વ્યક્ત કરી શકે છે 'કમેન્ટસ' દ્વારા. આ 'કમેન્ટસ' તમે અન્ય વાચકો વાંચી શકે કે નહિં તે નક્કી કરવાની પણ સ્વતંત્રતા ધરાવો છો.
તમે અહિં ભારતમાં તમારે ઘેર બેઠા બેઠા વિશ્વમાં બનેલી કોઇક ઘટના વિશે તમારા વિચારોનો પડઘો પાડી શકો અને તેના વિશે અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના ખૂણે બેઠેલું કોઇક તરત તે વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે, તરત જ ! છે ને મજા પડે તવું બ્લોગનું વિશ્વ?
અહિં છપાયેલ બ્લોગ http://blognezarookhethee.blogspot.com આ વેબ-એડ્રેસ પર પણ ગુજરાતીમાં પ્રકાશિત થાય છે. તમે પણ તમારાં વિચારો-પ્રતિભાવો વગેરે લખી મોકલી શકો છો. યોગ્ય લાગશે તો મહિનામાં એક વાર ગેસ્ટ-બ્લોગ સ્વરૂપે તે અહિં છપાશે.
આ કટારમાં મહિનામાં ત્રણેક બ્લોગ મારા પોતાના અને એકાદ બ્લોગ તમારામાંથી જ એકાદ વાચક મિત્રે મોકલાવેલ - ગેસ્ટ બ્લોગ તરીકે છપાય છે. તમે કંઈ પણ રસપ્રદ એવી બાબત કે વાત આ કટારના માધ્યમથી બીજાઓ સાથે વહેંચવા માગતા હોવ તો તમારા વિચારો સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખી જન્મભૂમિના સરનામે 'બ્લોગને ઝરૂખેથી' એવા મથાળા સાથે મોકલી શકો છો  અથવા ગુજરાતીમાં ટાઈપ કરી મારા ઇમેલ એડ્રેસ  vikas.nayak@gmail.com  પર પણ મને મોકલી શકો છો. તમે તમારા આ કટાર વિશેના મંતવ્યો/અભિપ્રાય પણ જન્મભૂમિના સરનામે અથવા મારા ઇમેલ એડ્રેસ પર લખી મોકલી શકો છો.
- વિકાસ ઘનશ્યામ નાયક

રવિવાર, 13 મે, 2012

ગેસ્ટ બ્લોગ : ટાઈટેનીક (ભાગ - ૨)

- મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ


ટાઈટેનીકમાં ચાલક ગણ તરીકે ૯૦૦ જણનો સ્ટાફ હતો...જોકે ૩૩૩૯ ચલાક્ગન ને સમાવી શકે તેટલી તેની ક્ષમતા હતી...પ્રવાસીઓને જાણે એક તરતી હોટેલમાં પ્રવાસ કરી રહ્યાં હોય તેવો અહેસાસ કરાવવાનો પ્રયત્ન કરાયો હતો..તેવું અદભૂત ઇન્ટીરીયર ડેકોરેશન હતું.

ટાઈટેનીક ૩૧મી મે ૧૯૧૧ ના રોજ બપોરના સવા બાર વાગે પ્રદર્શિત કરવામાં આવી. ત્યારે લોર્ડ પીરે , ઘણાં બધા શેરમાં પૈસા રોકે છે તે જે. પી. મોર્ગન કંપની ના જે.પી. મોર્ગન, અને જે. બ્રૂસ ઇસમેં તેમ જ લગભગ ૧ લાખ ની જનમેદની હજાર હતા...જોકે તેનું અંદરની સજાવટ નું કામ બાકી હતું તેથી તે સફર પર મોદી રવાના થઇ શકી,નહીં તો ક્દાચ ટાઈટેનીકનો ઈતિહાસ કંઈ જુદો જ હોત.. પણ ઈશ્વરને કંઈ જુદું જ મંજુર હતું.

ટાઈટેનીકના ચાલક સભ્યોની સંખ્યા લગભગ ૮૮૫ હતા, તે બધા હંગામી કાર્યકરો હતા. કોઈ પણ વ્યક્તિ કાયમી નહોતી.તેમાંથી ૯૭ % પુરુષો હતા માત્ર ૨૩ મહિલાઓ ચાલક્ગણ માં હતી. ટાઈટેનીકમાં દૈનિક પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું..એટલાન્ટીક દૈનિક બુલેટીન નામે.

આઠ સંગીતકારોનું બનેલું બેન્ડ પણ હતું.તેના કેપ્ટન હતા એડવર્ડ જ્હોન સ્મિથ.

ટાઈટેનીકના આશરે ૧૩૧૭ મુસાફરો હતા, તેમાં ૩૨૪ ફર્સ્ટ ક્લાસમાં, ૨૮૪ સેકંડ ક્લાસમાં અને ૭૦૯ થર્ડ ક્લાસ માં હતા. જહાજ પર કુલ ૧૦૭ બાળકો હતા. તેમાંથી સૌથી વધારે થર્ડ ક્લાસમાં હતા. ટાઈટેનીકની ક્ષમતા ૨૫૬૬ મુસાફરોને સમાવી શકવાની હતી આમ તેમાં ઓછા મુસાફરો હતા. જે. પી. મોર્ગન ખુદ ટાઈટેનીકમાં મુસાફરી કરવાના હતા, પણ છેલ્લી મીનીટે તેમનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો હતો.

રાતે ૧૧ વાગીને ૪૦ મીનીટે ફ્રેડરિક ફ્લીટે હિમશીલા જોઈ અને તાબડતોબ સહુને જણાવ્યું પણ ટાઈટેનીકને હિમશીલા સાથેની ટક્કરથી બચાવી ના શકાઈ..ટેનમાં કાણા પાડી ગયા અને પાણી ભરવા લાગ્યું.બહુ ટૂંકા સમયમાં ટાઈટેનીકનું દુર્દૈવ શું છે તે સમજાઈ ગયું.તેમાં સફર કરનારા આવી કટોકટી માટે તૈયાર નહોતા કે ચલાક્ગણને પણ આવી પરિસ્થિતિ માટે તાલીમ આપવામાં નહોતી આવી , લાઈફ બોટ પણ પુરતી નહોતી. આમ અધિકારીઓને પણ સમજતું નહોતું કે કંઈ રીતે કામ પર પાડવું...હિમશીલા સાથેની ટક્કર પછી ૨ કલાક અને ૪૦ મિનીટ પછી તેની ડૂબવાની ગતિ અચાનક વધી ગઈ..ખુલ્લા કાણા અને અન્ય સ્થળેથી દરિયાના પાણી અંદર ફરી વળ્યા.તેનું વહેણ અને જોર.... અકલ્પ્ય...વચ્ચેથી તૂટ્યા પછી તે સીધી ઉભી સ્થિતિમાં સરસરાટ પાણીમાં ગરકાવ થઇ ગઈ..રાતના ૨ વાગીને માણસો તેની પર લટકેલા હતા... આ દ્રશ્યની કલ્પના પણ કરવી તે દુખદ છે... મોટા ભાગના મુસાફરો પાણીમાં પડ્યા પછી કારડીઆક એરેસ્ટ ને લીધે અથવા તો હાઈપોથર્મિયા ને કારણે ગણતરીની ક્ષણોમાં જ મોતને ભેટ્યા... માત્ર ૧૩ જણને લાઈફ બોટ દ્વારા બચાવી શકાયા...વાયર લેસ , રોકેટ્સ અને લેમ્પ દ્વારા ચેતવણી અને મદદ માટે સંકેતો મોકલવામાં આવ્યાં હતા પણ કોઈ પણ જહાજ એટલું નજીક નહોતું કે મદદ માટે દોડીને પહોંચી શકે.... આમ અન્ય કોઈ મદદ વગર ટાઈટેનીક ડૂબી ગયું પછી લગભગ ૪ વાગે RMS કાર્પેથિયા ઘટનાસ્થળે પહોંચી. બચી ગયેલા ૭૧૦ માણસોને તેના દ્વારા ન્યુ યોર્ક પહોચાડવામાં આવ્યા. ભારે વરસાદ, ધુમ્મસ અને ખરાબ હવામાન ને લીધે તેને ન્યુ યોર્ક પહોચતા ૩ દિવસ લાગ્યા. જોકે બહારના વિશ્વ ને વાયર લેસ દ્વારા તેણે ટાઈટેનીક વિશેના સમાચાર પહોંચાડ્યા . પ્રાથમિક અહેવાલ અસ્પષ્ટ હતો... અમેરિકન અખબારોએ ૧૫ મી એપ્રિલે છાપ્યું કે ટાઈટેનીકમાં ખામી સર્જાતા તેને ખેંચીને લવાઈ રહી છે..પણ તે દિવસે મોડેથી ખાત્રીપુર્વાકના અહેવાલ મળ્યા કે ટાઈટેનીક ડૂબી ગઈ અને મોટા ભાગના મુસાફરો અને ચાલક ગણ તેમાં માર્યા ગયા... કે લોકોના ટોળેટોળા લંડન, ન્યુયોર્ક અને સાઉથએમ્પ્ટન ખાતેની વ્હાઈટ સ્ટાર લાઇન ની ઓફિસે ઉમટ્યા..

છેવટે કાર્પેથિયા ન્યુયોર્ક્ક પહોંચી કે ઓછામાંઓછા ૪૦ હજાર માણસો ભારે વરસાદ છતાં તેને આવકારવા હાજર હતા.કપડા અને અન્ય સહાયનો વરસાદ વરસ્યો.પણ આ દુર્ઘટના માં બચી ગયેલા લોકો પોતપોતાના સ્વજનો કે સગા વહાલાઓને ત્યાં જવા આગળ નીકળી ગયા. છાપા વાળા, પત્રકારો તે વિષે જાણવા ઉત્સુક હતા... છેક ૧૭ મી એપ્રિલે બચી ગયેલાઓની યાદી બહાર પાડવામાં આવી તે પણ પૂર્ણ નહોતી.

બચી ગયેલો ને મદદ અને સહાય માટે કેટકેટલા ફંડ ફાળા અને ચેરીટી સ્થપાયા. કાર્યક્રમો અને શોક સભાઓ યોજાઈ. પૈસા એકત્ર કરવા કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું. ૧૯ મી એપ્રિલે અમેરિકાની સેનેટે આ દુર્ઘટનાની તપાસ શરુ કરાવી.

તપાસ પરથી એ ફલિત થયું કે કેલીફોર્નીયાના વહાણે જોયેલું વહાણ ટાઈટેનીક જ હતું અને જો તે તેની મદદે ગયું હોત તો એટલી મોટી હોનારત ને નિવારી શકાઈ હોત..

વ્હાઈટ લાઈન સ્ટાર કંપનીએ ખાસ વહાણ રોકીને આ દુર્ઘટનામાં મરનારના મળી આવેલા ૩૩૩ શબ ને પાછા લાવવાની કામગીરી હાથ ધરી. અને પછી ઓળખ વિધિ કર્યાં બાદ તેમને જળ સમાધિ આપીને અંતિમ વિધિ પર પાડવામાં આવી. કેટલાક ના શબ ને રેલ્વે દ્વારા તેમના વાતને પહોચાડીને ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી. તેમાંથી આશરે ૨/૩ શબ ની ઓળખ થઇ.

આ બનાવની તપાસ કરવા રચાયેલી સમિતિના વડા લોર્ડ માર્સે હતા. ૨ જી મે થી ૩ જી જુલાઈ વચ્ચે આ સમિતિએ કામ કર્યું. તેમાં ટાઈટેનીક ના મુસાફરો અને ચલાક્ગણ મનને ની પૂછપરછ કરવામાં આવી. તેના તારણમાં એ વાત નિશ્ચિત થઇ કે જહાજ માં લાઈફબોટ પુરતી નહોતી. ટાઈટેનીક ના કેપ્ટન સ્મિથ હિમશીલા વિશેનો તાગ મેળવવામાં નિષ્ફળ નીવડ્યા અને તેની ઝડપ એટલી બધી હતી કે હિમશીલા દેખાયા પછી ટાઈટેનીકને રોકાવાનું કે નિયંત્રણ માં લાવવાનું શક્ય ના બન્યું. જોકે કહે છે ને કે જહાજના કેપ્ટન, જહાજ ની સાથે જ જાય.... તે રુએ કેપ્ટન સ્મિથે પણ જહાજની સાથે જ જળસમાધી વહોરી લીધેલી ..! તપાસને પરિણામે દરિયાઈ સુરક્ષા ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાં. તેમાંથી એક : વધારે લાઈફ બોટ્સ રાખવી, બે : બોટમાં વાયરલેસ ઉપકરણો પાસે એક કર્મચારીને સતત ચોવીસે ચોવીસ કલાક હાજર રાખવા, ત્રણ : ઉત્તર એટલાન્ટીક સમુદ્રમાં હિમશીલાઓ પર નજર રાખવા આંતરરાષ્ટ્રીય આઈસ પેટ્રોલ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય સ્તરે દરિયાઈ સુરક્ષા ના નિયમો એક સરખા બનાવવામાં આવ્યાં. તે માટે ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર ધ સેફટી ઓફ લાઈફ એટ સી ની રચના કરવામાં આવી, અને આજે પણ તેનો અમલ ચાલુ છે.

ટાઈટેનીક ના અવશેષો મળી આવ્યાં તે પછી કેટલાય શોધખોળ કરનારાઓ, સંશોધકો .ફિલ્મ નિર્માતાઓ, પર્યટકો એ ટાઈટેનીક ના કાટમાળ સ્થળની મુલાકાત લીધી છે. વર્ષો વિતતા જાય છે તે સાથે જહાજના કાટમાળ ની સ્થિતિ પણ બગડતી જાય છે.એવો અંદાજ છે કે આવતાં ૫૦ વર્ષોમાં ટાઈટેનીકના કાટમાળ પણ નામશેષ થઇ જશે. ટાઈટેનીક માંથી મળી આવેલી કલાત્મક ચીજો, વિશ્વભરમાં પ્રદર્શિત થતી રહે છે. લાસ વેગાસમાં તેનું કાયમી પ્રદર્શન થાય છે, અન્ય સંગ્રહાલયો માં કાં તો કોઈ બચી ગયેલ વ્યક્તિએ ભેટમાં આપેલી કાં તો શોધખોળ અભિયાન કરાતી ટુકડીએ મેળવેલી ચીજ જોવા મળે છે.

સાહિત્યમાં પણ ટાઈટેનીક ની ઘટનાની ઉપમા આપતા "DOWN LIKE TITANIC "જેવા શબ્દ પ્રયોગો થવા લાગ્યા છે.. કે " BAND PLAYING WHILE THE SHIP SINKS .... "જેવા શબ્દપ્રયોગો પણ થાય છે. ટાઈટેનીક ની કરુણાંતિકા વિષે ઘણી ફિલ્મો બની છે. ૧૯૫૮ માં "A NIGHT TO REMEMBER" બની પણ ૧૯૭૭ માં બનેલી જેમ્સ કેમેરુનની " TITANIC " અદભૂત ફિલ્મ છે. એ બંને ફિલ્મોની ટીકાકારોએ ખાસ્સી ટીકા કરી. પણ

જેમ્સ કેમેરુનની TITANIC ફિલ્મે અદ્વિતીય સફળતા મેળવી, BOX ઓફીસના કલેક્શન ના બધા જ રેકોર્ડસ તેણે તોડી નાખ્યા.ઓસ્કાર એવોર્ડ માટે ૧૪ નોમીનેશન મળ્યા અને ૧૧ એવોર્ડ જીતી લીધાં.તે વિક્રમ છે. અત્યાર સુધી ની નિર્મિત ફિલ્મોમાંથી જેમ્સ કેમેરુનની TITANICએ છટ્ઠી એપિક ફિલ્મ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ડૂબી જ ના શકે તેવા જહાજ ટાઈટેનીક ,પોતાની પહેલી જ દરિયાઈ સફરમાં ડૂબી ગયું ..? ? ! ! વિધિની વક્રતા..જયારે TITANIC ડૂબતું હતું ત્યારે જહાજના બેન્ડે, પરિસ્થિતિને સામાન્ય બનાવી રાખવા છેલ્લી ઘડી સુધી સંગીત રેલાવ્યા કર્યું.તેમાં ગીત " NEARER , MY GOD , TO THEE " અથવા " AUTUMN " બજાવ્યું હતું... તેવા ઉલ્લેખો છે...

૩૧ મી મેં ૨૦૧૧ ના રોજ બપોરના ૧૨ વાગીને ૧૩ મીનીટે , ટાઈટેનીક સમુદ્રના પેટાળમાં ગરક થઇ તેના બરોબર ૧૦૦ વર્ષ પછી તેની યાદ માં બેલફાસ્ટ ડોકલેન્ડ ખાતે એક સિંગલ ફ્લેર ફાયર કરવામાં આવી... અને તે પછી હાંરલેન્ડ વોલ્ફ્ફ શીપયાર્ડ ની આજુબાજુના બધા વહાણો અને નૌકાઓએ પોતપોતાના હોર્ન વગાડ્યા. હજાર રહેલ મેદનીએ સતત ૬૨ સેકન્ડ્સ સુધી તાળીઓ વગાડી ટાઈટેનીક ને અંજલી આપી. ક્રીસ બર્ગીસ દ્વારા નિર્મિત નવું મૌલિક નાટક " આઈસ બર્ગ..... રાઇટ અહેડ ..." ગેટ હાઉસ ખાતે ૨૨ મી માર્ચ થી ૨૨ એપ્રિલ ૨૦૧૨ સુધી ભજવાશે....૧૦ મી એપ્રિલે લંડન માં ROYAL PHILHARMONIC ORCHESTRA , "ધ ટાઈટેનીક રે ક્વાએમ" રચના રજુ કરશે. બાલમોરલ ક્રુઝ શીપ ને મૈક્સ મોર્ગન ટ્રાવેલ કંપનીએ ચાર્ટર કર્યું છે અને તે ટાઈટેનીક ના મૂળ રૂટ પર થઇ બરાબર તેના ડૂબવાના સ્થળે રોકાવાનું ધારે છે.. !

ખરેખર સવિશેષ ઉત્કૃષ્ટ સવલતો ધરાવતા અનસીન્કેબલ જહાજ ટાઈટેનીક ની જળસમાધી ને યાદ કરતાં, મમળાવતા આપણાં સહુની આંખોમાં દરિયો વહી નીકળે અને પછી ખાલી કોરી આંખોમાંથી કદાચ જીવંત ટાઈટેનીક વહી આવે તેવી સંવેદના સાથે તેની વેદનામાં સરકી જાઉં છું..

- મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ

રવિવાર, 6 મે, 2012

ગેસ્ટ બ્લોગ : ટાઈટેનીક (ભાગ-૧)

- મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ
દોસ્તો, તાજેતરમાં ૩ D માં ફરી રીલીઝ થયેલી ૧૯૯૭ની ૧૧ ઓસ્કાર એવોર્ડ્સ મેળવેલી ‘ટાઈટેનીક’ ફિલ્મને કારણે લગભગ આપણે બધા, ૧૦મી એપ્રિલ ૧૯૧૨ ના રોજ સાઉથએમ્પટન થી ન્યુયોર્ક સિટી જવા રવાના થયેલા અને ૧૫મી એપ્રિલે, નોર્થ એટલાન્ટિક સમુદ્રના પેટાળમાં ગરકાવ થઇ ગયેલ આ વિશાળ જહાજ વિષે જાણીએ છીએ અને તે અકસ્માતની તાદ્રશ ઝાંખી કરી હોય તેમ તેની અનુભૂતિ કરી શકીએ છીએ. ગુગલ પર પણ તે વિષે ઘણું ઘણું અપાયેલું જ છે અને અન્ય પત્રિકાઓ કે સામયિકોમાં પણ તે વિષે વિસ્તૃત માહિતી ઉપલબ્ધ છે, તેથી હું કંઈ નવું કહેવાની નથી પણ તે દુ:ખદ અકસ્માતને ૧૫મી એપ્રિલે ૧૦૦ વર્ષ પુરા થયાં છે તેથી તે વિષે વાત કરવાનું મન થાય છે.


ટાઈટેનીક જહાજ , ૧૯૦૯ અને ૧૯૧૧ ની વચ્ચે બેલફાસ્ટમાં આવેલા હાર્લેન્ડ એન્ડ વોલ્ફ શિપયાર્ડ માં બાંધવામાં આવ્યું. ઓલિમ્પિક ક્લાસના મહાસાગર યાત્રા માટેના ત્રણ મહા તોતિંગ જહાજમાંના એક એવાં આ જહાજની પહેલી અને છેલ્લી સાગર સફર , વ્હાઈટસ્ટાર લાઇન દ્વારા હાથ ધરવામાં આવી હતી.દુ:ખદ બાબત એ છે કે આ દુર્ઘટના માં ૧૫૧૪ માણસો પણ ટાઈટેનીકની સાથે જ સાગરના પેટાળમાં જળસમાધી લઇ ડૂબ્યા.યુદ્ધ સિવાયના સમયમાં, શાંતિ દરમ્યાન પોતાની સૌ પ્રથમ સફર દરમ્યાન તેમાં સવાર ૨૨૨૪ મુસાફરોમાંથી ૧૫૧૪ જણાં મોતને શરણ થયા હોય તે અત્યંત કમનસીબ દુર્ઘટના કહી શકાય.તે મુસાફરોમાં વિશ્વના સૌથી શ્રીમંત લોકોનો સમાવેશ થાય છે.જેમ કે કરોડપતિ જ્હોન જેકબ એસ્ટર IV , બેન્જામીન ગુગ્ગેનહેઈમ તેમ જ ઈસીડોર સ્ટ્રાસ.તે ઉપરાંત આયરલેન્ડ , સ્કેન્ડીનેવિયા અને અન્ય ઘણે ઠેકાણેથી અમેરિકામાં ભાગ્ય અજમાવવા ઉપડેલા અનેકાનેક, લગભગ હજારેક જેટલા અમીર સ્થળાન્તરીઓનો સમાવેશ થતો હતો.આ જહાજમાં, સુખસગવડ અને લકઝરીની તમામ આરામદાયક સવલતો ઉપલબ્ધ હતી.મુસાફરોને માટે ટેલીગ્રાફની સવલત પણ હતી. જીમ્નેશીયમ, સ્વીમીંગ પુલ, લાયબ્રેરી , હાઈ ક્લાસ રેસ્તરાં વગેરે વગેરે.અરે, સુરક્ષા માટેના આધુનિક પાસાંઓ પણ તેમાં હતાજેમ કે વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટસ , પાણી ના પ્રવેશી શકે તેવાં , રિમોટ એક્ટીવેટેડ બારણાં પણ, જહાજમાં સવાર બધા જ પ્રવાસીઓને માટે પુરતી લાઈફ બોટ્સ નહોતી.જુના પુરાણા દરિયાઈ સુરક્ષા કાનુન મુજબ તેમાં કુલ મુસાફરોના ત્રીજા ભાગના મુસાફરો અને ચાલકગણ માટે એમ કુલ ૧૧૭૮ જાણ માટે જ લાઈફ બોટ હતી.!

ટાઈટેનીકે ૧૦મી એપ્રિલ ૧૯૧૨ ના રોજ સાઉથએમ્પ્ટનથી રવાના થયા બાદ ન્યુયોર્ક તરફ પશ્ચિમ દિશામાં આગળ વધતા પહેલાં ફ્રાંસના ચેરબર્ગ અને આયરલેન્ડના ક્વીન્સટાઉન ખાતે રોકાણ કર્યું અને ૧૪મી એપ્રિલ ૧૯૧૨ ના રોજ રાતના ૧૧ વાગીને ૪૦ મીનીટે તે હિમશીલા સાથે ટકરાયું.. તેમાં પાણી ભરાતાં પછીના અઢી કલાકમાં ધીમે ધીમે આખા જહાજ માં પાણી ભરાઈ ગયું અને છેવટે તે મહાસાગરમાં ડૂબી ગયું...રાતના ૨ વાગીને ૨૦ મિનીટ પહેલાં ટાઈટેનીક તૂટી ગયું અને અગાધ સાગરના પાણીમાં ગરકાવ થવા લાગ્યું ત્યારે હજુ તો તેમાં હજારથી વધારે માણસોને ઉગારવાના બાકી હતા...હાડ ગાળી નાખે તેવી ઠંડી અને હિમ્યુક્ત ઠંડા પાણીમાં પડવાને કારણે હાયપોથર્મિયાને લીધે તે કમનસીબ મુસાફરો ગણતરીની ક્ષણોમાં મોતને ભેટ્યા...૭૧૦ જણને બચાવી શકાયા...

જરા વિચારો તો ખરા કે એ બદકિસ્મત પ્રવાસીઓને કેવું થયું હશે ? ઉપર આભ, નીચે કાળા કાળા ભમ્મર ,ઊંડા ઊંડા પાણી અને કાતિલ ઠંડી..કોણ કોને બચાવે અને કોણ કોને ફરિયાદ કરે ? જીવ બચાવવા કોણે કોણે કેવાં વલખાં માર્યા હશે ? મૃત્યુ અટલ ભલે હોય મોતનું આ તાંડવ કેટલું અરેરાટીભર્યું હશે, તેની માત્ર કલ્પના જ કરવી રહી કારણકે જેને વીતે તેને જ વેદનાની ખબર પડે.બાકી તો બધો વાણી વિલાસ., જયારે રબ રૂઠે ત્યારે માણસના બારેય વહાણ ડૂબે !અને જે બચી ગયા તેમને માટે, : રામ રાખે તેણે કોણ ચાખે ? બરોબર ને?

આ અત્યંત કરુણ ઘટનાની સમગ્ર વિશ્વે દુ:ખ ,આઘાત સહીત નોંધ લીધી. બેનમુન જહાજ ટાઈટેનીક ની નિષ્ફળ સફરના કારણો અને તેના દુર્દૈવને નિવારી શકાયું હોત તેવો સર્વમત પણ જાગ્યો..બ્રિટન અને અમેરિકામાં લોકોએ કરેલી પૂછપરછ બાદ દરિયાઈ સુરક્ષામાં આમૂલ પરિવર્તનો કરવામાં આવ્યાં, જેમાં મુખ્યત્વે ૧૯૧૪ માં સમુદ્ર માં જીવન ની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય ઠરાવ( SOLAS ) કરવામાં આવ્યો, જેને આજે પણ દરિયાઈ સુરક્ષા બાબતે અનુસરવામાં આવે છે...

ટાઈટેનીક શબ્દ આજે ડૂબતા વહાણ કે પછી ડૂબતી કે ખોટ ખાતી કંપનીઓનો પર્યાય બની ગયો છે... આપણે કહીએ છીએ કે ફલાણી કંપની ટાઈટેનીક છે.

બચી જવા પામેલા નસીબદાર લોકોમાંથી એક આ જહાજ કંપની વ્હાઈટ સ્ટાર લાઇન ના અધ્યક્ષ જે . બ્રૂસ ઇસમેં નો પણ સમાવેશ થતો હતો, પણ આ કમનસીબ ઘટના દરમ્યાન જહાજ પર મહિલાઓ અને બાળકો સહીત લોકોને મરવા માટે છોડી દઈને પોતે પહેલાં લાઈફ બોટ માં બેસી નીકળ્યા તે બદલ આખા વિશ્વએ તેમની કાયર ગણાવીને આકરી ટીકા કરી હતી..સમાજમાં તેઓ થુ થુ થઇ ગયા હતા.વિશ્વ માં સહુથી ઝડપી જહાજ ગણાવડાવવાની ધૂનમાં અને અન્ય જહાજ કંપની , CUNARD ના LUSITANIA અને MAURETANIA બે વહાણો તેમ જ જર્મન જહાજ કંપની HAMBURG AMERICA અને NORDDEUTSCHER LLOYD ની સાથેની હરીફાઈને પાપે ટાઈટેનીક અતિ ઝડપે ગતિ કરતુ હોવાથી જયારે હિમશીલા નજરે પડી ત્યારે તેની ઝડપ નિયંત્રિત ના થઇ શકી અને તે કાળગ્રસ્ત થઇ ગઈ.

ટાઈટેનીક ૮૮૨ ફીટ ૯ ઇંચ એટલે કે ૨૬૯.૦૬ મી. લાંબી હતી... ૯૨ ફીટ ૬ ઇંચ એટલે કે ૨૮ .૧૯ મી. પહોળી કુલ ઉંચાઈ ૧૦૪ ફીટ કે ૩૨ મી. હતી... તેનું વજન ૪૬,૩૨૮ ટન હતું...

જાણવા જેવી વાત એ છે કે ટાઈટેનીક જહાજ નો કાટમાળ સમુદ્રના પેટાળમાં સપાટીથી ૧૨૪૧૫ ફીટ એટલે કે ૩૭૮૪ મી. ઊંડાઈએ પડ્યો છે . ૧૯૮૫ માં તે મળી આવ્યો..તે પછી કંઈ કેટલાય કલાત્મક નમૂનાઓ દરિયાના પેટાળમાંથી ટાઈટેનીક ના ભંગારમાંથી શોધી કાઢીને વિશ્વ બહારના સંગ્રહાલયોમાં પ્રદર્શિત કરાયા છે . ટાઈટેનીક વિષે અનેક પુસ્તકો, ફિલ્મો પ્રદર્શનો અને સ્મારકો બન્યા છે તે દ્વારા ટાઈટેનીક, ઇતિહાસમાં સહુથી યાદગાર જહાજમાનું એક ગણાય છે.

ટાઈટેનીક માં ૩ એન્જીન હતા. મસ મોટા... વિશાળકાય...૬૩ ફીટ લાંબા અને તેનું વજન ૭૨૦ તન હતું ! જેને માટે ૨૯ બોઈલર્સ હતા. અને ૬૬૧૧ ટન કોલસાનો ઉપયોગ થી વરાળ ઉપન્ન કરવામાં આવી હતી, એક દિવસ માં ૬૦૦ ટન કોલસો હાથના ઉપયોગથી ભઠ્ઠીમાં નાખવો પડતો. સતત ૨૪ કલાક ૧૭૬ ફાયરમેન ને કામે લગાડવામાં આવ્યાં હતા.. આ કામ ખુબ થકવી નાખે તેવું અને ખતરનાક હતું, જોકે ફાયરમેનને ખાસ્સું એવું મહેનતાણું ચુકવવામાં આવનાર હતું.


(ક્રમશ:)