Translate

Sunday, November 3, 2019

યૌનશોષણનો ભોગ બનેલી એક યુવતીની વાત

      પ્રિયંકા પૌલ. ૨૧ વર્ષની એક બિન્ધાસ્ત, અલ્લડ છોકરી. તેનો ટ્વીટર પ્રોફાઇલ કે ઈન્સ્ટગ્રામ પ્રોફાઇલ ફોટો જુઓ તો તેના બોય કટ જાંબલી રંગેલા વાળ કે મોઢા પરના હાવભાવ જોઈ તમને તે બળવાખોર કે વંઠેલ પણ જણાય. તેના સોશિયલ મીડિયામાં હજારો ફોલોઅર્સ છે અને કેટલાય લોકોએ તેને ટ્રોલ પણ કરી છે (ટ્રોલ કરવું એટલે તેનો જોરદાર વિરોધ કરવો, તેને ગાળો આપવી, તેની કોઈક પોસ્ટ પર નફરતપ્રચૂર પોસ્ટ કરી તેને જાકારો આપવો) પણ આ મોં-ફટ છોકરીને તમે ચોક્કસ અવગણી શકો નહીં. તે કવયિત્રી અને ઈલ્લસ્ટ્રેટર- આર્ટિસ્ટ છે જે સોશિયલ જસ્ટિસ અને સ્વ-ખોજ જેવા મુદ્દાઓ પર સર્જન કરનાર એક્ટિવિસ્ટ અને સોશિયલ ઈનફ્લૂએન્સર છે. તે ૧૭ વર્ષની હતી ત્યારથી મોબાઇલ પર જ કેટલીક બોલ્ડ લાગે તેવી કૃતિઓ સર્જે છે અને જેમાંની ઘણી વાયરલ પણ થયેલી છે. અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં તેના ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ થયા છે અને બે વાર તે ટેડ એક્સ પર વક્તવ્ય આપી ચૂકી છે. ArtWhoring નામની વેબસાઇટ પણ તે ચલાવે છે અને આ જ નામથી તેના ટ્વીટર અને ઈન્સ્ટગ્રામ અકાઉન્ટ પણ મોજૂદ છે જેના પર તે નિયમિત પોસ્ટસ મૂકતી રહે છે. મારે જોકે તેની એક મુદ્દાને લઈને વાત કરવી છે જે છે યૌનશોષણ. પ્રિયંકાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વાચાળ બની પોતાની જાતને વ્યક્ત કરી છે, પોતાનો રોષ ઠાલવ્યો છે અને ટ્રોલ થયા છતાં તે કહે છે કે પોતે ટ્રોલ કરનારાઓથી ડરી જઈ અટકવાની નથી.
   થોડાં સમય અગાઉ દુનિયાભરમાં શરૂ થયેલી #MeToo ચળવળ બાદ યૌનશોષણનો ભોગ બનેલી અનેક વ્યક્તિઓએ જાહેરમાં આ અંગે પોતાના અનુભવો જાહેરમાં વ્યક્ત કર્યા હતા અને આવા જ પોતાના અંગત યાતના ભર્યા અનુભવની વાત પ્રિયંકાએ ટ્વીટર પર રજૂ કરી હતી. તેના જ શબ્દોમાં કહીએ તો તેણે ઘણાં સમય બાદ હિંમત એકઠી કરી પોતાના કિશોર વયમાં થયેલ કટુ અનુભવની વાત સોશિયલ મીડિયા માં રજૂ કરી છે જે પાંચ - છ વર્ષ સુધી તેને માનસિક યાતના આપ્યા કરતી હતી. છોકરી બાર - તેર વર્ષની થાય એટલે તેનામાં શારીરિક ફેરફાર થવા માંડે છે, તે માસિક ધર્મમાં બેસતી થઈ જાય છે, તેના શરીરમાં હોર્મોન્સ સ્ત્રાવ અને આવેગો શરૂ થઈ જાય છે. સ્ત્રી જાતિય આવેગ અનુભવે ત્યારે તેના સ્તનયુગ્મમાં તે સંવેદન અનુભવે છે. પણ પ્રિયંકા કહે છે કે તે ક્યારેય પોતાના સ્તનો માં કોઈ જ પ્રકારની સંવેદના અનુભવતી નથી. પહેલા તો એને આ અંગે કોઈ જ્ઞાન જ નહોતું પણ તે સમજણી થઈ ત્યાર પછી તેને ખ્યાલ આવ્યો કે આ કોઈ શારીરિક ખોડ નહોતી પણ તે કિશોરાવસ્થા દરમિયાન પોતે જાતિય સતામણી નો ભોગ બની હતી તેનું પરિણામ હતું. બાળકો જ્યારે આવા જાતીય અત્યાચારનો ભોગ બને ત્યારે મોટા થઈ તેઓ સેક્સમાંથી રસ ગુમાવી બેસે છે અથવા તો ક્યારેય નોર્મલ જાતીય સુખ ભોગવી શકતા નથી. બળાત્કારનો ભોગ બનેલી યુવતીઓ એટલી બધી ડરી ગઈ હોય છે કે તેમનું શરીર જાણે કામ ક્રિડા વખતે બંધ થઈ જાય છે. પ્રિયંકા ૧૩ થી ૧૫ વર્ષની વય દરમિયાન પોતાના વર્ગમાં ભણતા છોકરા દ્વારા જાતીય સતામણીનો ભોગ બનતી રહી. એ છોકરો સતત પ્રિયંકાની છાતીને અડ્યા કરી તેને પજવતો, જાહેરમાં, એકાંતમાં. એટલું જ નહીં તે પોતાના મિત્રોને પણ એમ કરવા ઉક્સાવતો. આ સિલસિલો બે - ત્રણ વર્ષ ચાલ્યો. આ બધું યાદ આવતું ત્યારે પહેલાં તેને પોતાની જાત પર ધિક્કાર છૂટતો. તેણે સમજણી થયા બાદ સ્તનમાં સંવેદના અનુભવવા તેને વિન્ધાવ્યો, પણ છતાં તેને કોઈ પ્રકારની સંવેદનાનો અનુભવ થયો નહીં. પછી તેને માલુમ પડયું કે કિશોરાવસ્થામાં સેક્સયૂઅલ અસૌલ્ટનો ભોગ બનેલી વ્યક્તિ ટ્રોમાનો શિકાર બની જાય છે. તેણે આ યાતના સ-હેતુક વ્યક્ત કરી. તે ઇચ્છતી હતી કે તેના જેવો વેદનામય અનુભવ અન્ય વ્યક્તિને પણ થયો હોય તો એ પણ આ વાંચી હળવાશ અનુભવી શકે, એ વેદના માંથી થોડે ઘણે અંશે મુક્ત થઈ શકે, પોતાનો અનુભવ તેની જેમ દુનિયા સાથે શેર કરી એક અણકહ્યા ભારનું પોટલું ઉતારી શકે. તેણે કહ્યું હતું કે તે પોતાના જ શરીરથી કેટલેક અંશે વિમુખ કે દૂર થઈ ગઈ હોય એમ તેને લાગતું. પેલા જુવાની પોતાના પેંટમાં ના સાચવી શકતા વંઠેલ છોકરાને લીધે કે પછી શિક્ષકોએ આ અંગે કોઈ પગલા ન લેવાને લીધે કે પછી શાળાના સંચાલકોની નિષ્ક્રિયતાને લીધે તેણે ખૂબ સહન કરવું પડ્યું. તે પોતાના વર્ગના સહાધ્યાયીઓની ગંદી મજાક - ટિપ્પણીઓનો ભોગ બની અને આ બધી યાતનાને લીધે તે પોતાના સ્ત્રીત્વનો એક મોટો હિસ્સો ગુમાવી બેઠી. જ્યારે જ્યારે તે પોતાની છાતી સામે જોતી ત્યારે પેલો નફ્ફટ છોકરો તેની આંખ સામે આવી જતો અને ફરી ફરી તે એ યાતના અનુભવતી જે તેણે ઘણાં વર્ષો સુધી પોતાના કોઈ વાંક ગુના વગર અનુભવી હતી. જો કે વીસેક વર્ષની થયા બાદ તે પોતે થોડી બેશરમ થઈ ગઈ હોવાનું તે પોતે જણાવે છે. તેણે આ અંગે જાગૃતિ ફેલાવવા પોતાની વિતક કથા ઓનલાઇન જણાવી #TeamNumbTits હેશટેગ સાથે રજૂ કરી અન્યોને પણ પોતાના અંગત અનુભવો શેર કરવા ઈજન આપ્યું. આ વિતક કથા ચિત્રાત્મક રીતે ડૂડલ સિરીઝ દ્વારા પણ પ્રિયંકાએ દુનિયા સમક્ષ મૂકી અને તેને ઘણો વ્યાપક પ્રતિભાવ મળ્યો. માત્ર યુવતીઓએ જ નહીં પણ અનેક યુવાનોએ પણ તેને બિરદાવી અને તેની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી.
   આ કટારમાં પ્રિયંકાની વાત રજૂ કરવાનો આશય  એટલો જ છે કે તમારા બાળકો શાળા કે કોલેજમાં જતા હોય તો તેમની સાથે મિત્રતા કેળવી તેમને સાચી સમજણ આપો. કોઈ તેમને ખોટી રીતે હેરાન કરતું હોય, તેમની શારીરિક કે માનસિક પજવણી કરતું હોય તો તરત આ અંગે ચર્ચા કરી ત્વરિત પગલાં લો. તમારા બાળકોને આવી દુર્ઘટનાનો ભોગ ન બનવા દો અને એ પણ શીખવો કે ઓપૉસિટ સેક્સની વ્યક્તિ સાથે કઈ રીતે વિવેકપૂર્ણ વર્તન કરવું અને કોઈની કોઈ પણ પ્રકારની સતામણી કરવી નહીં.

Sunday, October 20, 2019

જન્મદિવસ સ્પેશિયલ

        કેટલાક દિવસો ખાસ હોય છે કે ખાસ લાગે છે. તહેવારના દિવસો. ગણેશોત્સવ હોય કે નવરાત્રિ ની રાતો, દિવાળી હોય કે ઉત્તરાયન, ઈદ હોય કે ક્રિસમસ. તહેવારો ના આ દિવસ સિવાય આપણે પરિવાર સાથે વેકેશન માણવા ગયા હોઈએ કે ઘેર કોઈ પ્રસંગ હોય એ દિવસો પણ આપણાં માટે યાદગાર બની રહેતા હોય છે. આવો જ એક વિશિષ્ટ દિવસ હોય છે આપણો જન્મદિવસ. ફરક માત્ર એટલો કે તહેવાર કે ઉપરોક્ત દર્શાવેલા દિવસો તમારા સિવાય પણ ઘણાં વધુ લોકો માટે ખાસ હોય છે પણ તમારા જન્મદિવસે માત્ર તમારી પોતાની મન : સ્થિતિ ખાસ હોય છે. તમારા અંગતજનો આ દિવસ ને ખાસ બનાવવા પ્રયત્નો જરૂર કરે છે પણ તમારી પોતાની મન:સ્થિતિ આ ચોક્કસ દિવસે ઘણી જુદી હોય છે. તમે અંદરથી કઇંક નોખું અનુભવો છો. મોટે ભાગે આ લાગણી હકારાત્મક હોય છે, પણ જો કોઈ અસામાન્ય ઘટના આ દિવસ સાથે જોડાઈ જાય તો તમારી લાગણી કદાચ જુદી હોઈ શકે છે આ દિવસે.
     આજે યોગાનુયોગ મારા જન્મદિવસે આ બ્લોગ લખવા બેઠો છું અને લાગણીઓનું જાણે ઘોડાપૂર ઉમટયું છે! વોટ્સ એપ અને ફેસબુક પર તો જાણે શુભેચ્છાઓનું પૂર આવ્યું છે અને આ અટેન્શન ગમે પણ છે. કેટલાક શાળા, કોલેજ કે ઓફિસના જૂના મિત્રો, કેટલાક જૂના ઘર, મહોલ્લા, વતનના મિત્રો - સ્નેહીજનો તો કેટલાક દૂર રહેતા હોય એવા પરિવારજનો - સૌ કોઈ તમને શુભેચ્છા પાઠવે! તમારા માટે દુઆ માંગે, તમારા શુભ માટે ઈશ્વરને પ્રાર્થના કરે એથી રૂડું બીજું શું હોઈ શકે? પણ એક વસવસો પણ અનુભવાય છે કે થોડા વર્ષો અગાઉ ભલે ઓછા લોકો તમને શુભાશિષ પાઠવતાં, પણ તેઓ વ્યક્તિગત રીતે વાત કરીને - ફોન પર કે રૂબરૂ મળીને એમ કરતાં. જ્યારે હવે સમય બદલાયો છે. ફાસ્ટફૂડ ના જમાનામાં લાગણી વ્યક્ત કરવાની રીત પણ ફાસ્ટ થઈ ગઈ છે! તમે જેના તરફથી પ્રત્યક્ષ વ્યક્તિગત સંવાદ ઇચ્છતા હોવ તે પણ તમને ફોન કરીને નહીં પણ ફોન પર કે ઇન્ટરનેટ પર સંદેશો પાઠવી બર્થ ડે વિશ કરી દે ત્યારે થોડી અપેક્ષાભંગની નકારાત્મક લાગણીનો અનુભવ થયા વગર રહેતો નથી. અગાઉ રાત્રે બાર વાગે મિત્રો નું ટોળું ઘેર આવી ચડતું કે ફોનની ઘંટડી અડધી રાતે રણક્યા જ કરતી, જ્યારે હવે ફોન પર વોટ્સ એપ અને ફેસબુક ચેક કરો ત્યારે શુભેચ્છાઓની લાંબી યાદી જોવા મળે છે!
   એવામાં તમારા કોઈ દૂરના મિત્રનો પણ ફોન આવી ચડે તો તેના પ્રત્યે આત્મીયતાની લાગણી અનુભવાય છે!
આ વર્ષે તો ઋતુ ચક્ર પરિવર્તન પામ્યું છે અને ઓકટોબર પણ અડધો કરતા વધુ વિદાય પામી ચૂક્યો હોવા છતાં વરસાદ વિદાય લેવાનું નામ લેતો નથી અને આજે સવારથી આકાશ ગોરંભાયેલું છે. વરસાદ પડતો નથી પણ વાતાવરણ કેટલાય કલાકથી એવું છે જાણે એ હમણાં તૂટી પડશે. ઉદાસી જેવું છવાયેલું ભાસે છે, જો કે મારો જન્મ દિવસ છે એટલે મારા મનમાં હેલ્લારો ઉઠયો છે વિરોધાભાસી લાગણીઓનો! સવારે ઉઠીને મંદિરે ભગવાનના દર્શન કર્યા ત્યારે ખૂબ સારું લાગ્યું પણ પછી ઘરે આવતા અકથ્ય અણગમાની લાગણી અનુભવી, પછી ફરી કેટલાક મિત્રોના ફોન આવ્યાં અને તેમની સાથે વાત કરી સારું લાગ્યું. ત્યાં ઓફિસમાંથી રજાના દિવસે પણ કેટલાક કામ અને સમસ્યા વિષયક ફોન - મેસેજીસ આવ્યાં અને ફરી થોડો અજંપો તો પછી પરિવાર સાથે બહાર જવાનો કાર્યક્રમ બનાવ્યો અને ફરી થોડું સારું લાગ્યું!
   એક હકીકત છે કે પોતે ખુશ થવાની સાચી અને સૌથી સરળ રીત છે અન્યોને ખુશી આપો. તમારા જન્મદિવસ ને સૌથી સારી રીતે ઉજવવાની આ એક સૌથી મોટી ટીપ છે. કેક કાપીને કે બહાર ફરવા જઈને કે પરિવાર સાથે ભોજન લઈ બર્થ ડે ઉજવીને આપણે પોતાને કે પરિવારજનોને થોડી ઘણી ખુશીની ક્ષણો આપી શકીશું પણ જન્મદિવસે આપણને જેની પાસેથી કોઈ બદલા કે અપેક્ષાની લાગણી ન હોય એવી એક કે વધુ વ્યક્તિ માટે કઇંક કરીને ચિરંતર સુખની અનુભૂતિ કરીએ તો આપણો બર્થ ડે આપણાં પોતાના માટે જ નહીં પણ એ અન્ય વ્યક્તિ કે સમૂહ માટેય યાદગાર બની રહેશે અને તેમની ખુશી અને દુઆઓ આપણાં મનમાં પણ એવી સુખની લાગણી જન્માવશે જે અન્ય કોઈ રીતે પામી નહીં શકાય. દાન કરીને, કોઈક જરૂરીયાતમંદ ની જરૂર પૂરી કરીને, અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં જઈ ત્યાં વસતા લોકો સાથે ગુણવત્તા ભર્યો સમય પસાર કરી તમે જન્મદિવસની ઉજવણી અસામાન્ય બનાવી શકો છો. ચાલો હવે આ બ્લોગ પૂરો કરી મારા આ જન્મદિવસને કઈ રીતે અસામાન્ય બનાવી શકું એ અંગે ઘટતું કરવા દો!

ટ્રેનિંગ

    ટ્રેનિંગ એટલે કે પ્રશિક્ષણનો સામાન્ય અર્થ થાય કઇંક નવું શીખવું. આ નવું શબ્દ મહત્વનો છે. કોર્પોરેટ જગતમાં કંપનીઓ પોતાના કર્મચારીઓને નિયમિત ટ્રેનિંગ આપવા પાછળ લાખો રૂપિયા ખર્ચે છે પણ કર્મચારીઓ આ નવું શીખવાની વૃત્તિ સાથે સાચા અભિગમ સાથે જો ટ્રેનિંગ લે તો જ તેનો અર્થ સરે.
    જીવન જીવવાની સાચી રીત આજીવન કઇંક ને કઇંક શીખતા રહેવાની છે. શીખવાથી આપણે આપણામાં રહેલી ખામીઓ સુધારી શકીએ છીએ, નવો દ્રષ્ટિકોણ અપનાવી કામ અને જીવન વધુ બહેતર બનાવી શકીએ છીએ. આનો ફાયદો પોતાને તો થાય જ છે પણ સાથે સાથે આસપાસના ને કે તમારી કંપનીને પણ થાય છે.
    ટ્રેનિંગ જો ઓફીસ માં જ રાખવામાં આવી હોય તો તે દરમ્યાન કામમાં કોઈ સમસ્યા ઉભી થાય તો તમારે બ્રેક લઈ કામ પર થોડા કે વધુ સમય માટે હાજર થવું પડે છે અને ટ્રેનિંગ બિન અસરકારક સાબિત થઈ શકે છે આથી એ બહાર કોઈ હોટેલમાં કે ટ્રેનિંગ સેંટરમાં યોજાય તો કર્મચારી એકચિત્તે, એકાગ્રતા પૂર્વક ટ્રેનિંગ ના વિષય ને સમજી શકે છે, શીખી શકે છે. ભલે આમાં ખર્ચો વધુ થાય છે પણ આવી ટ્રેનિંગ અસરકારક સાબિત થાય છે.
   ટ્રેનિંગ દરમ્યાન કર્મચારીને રૂટીન કામમાંથી બ્રેક મળે છે એ છે તેનો વધુ એક ફાયદો. ટ્રેનિંગની અવધિ જેટલો સમય કર્મચારી પોતાની સઘળી જવાબદારીઓ માંથી મુક્ત થઈ કઇંક નવું શીખવા, સજ્જ થવા જાય છે. મન ચોક્કસ આ દરમ્યાન નવી ઉર્જાથી સભર થાય છે અને નવી નવી બાબતો શીખતા કર્મચારીની ઉત્પાદકતામાં વધારો થાય છે.
  ટ્રેનિંગ આપનાર ટ્રેનર અનુભવી, સારો વક્તા, અન્યો સાથે સહેલાઈથી હળીમળી જનાર અને ટ્રેનિંગ રસપ્રદ બનાવનાર હોવો જરૂરી છે. ટ્રેનિંગ માટે વપરાતું સાહિત્ય પણ ટૂંકુ, અસરકારક અને રસપ્રદ તથા સહેલાઈથી યાદ રહી જાય એવું હોવું જરૂરી છે.
  ટ્રેનિંગ દરમિયાન તમે  ટ્રેનિંગ માટે આવેલા અન્ય સહકર્મચારીઓ સાથેના સંબંધને એક નવા સ્તરે લઈ જઈ શકો છો. તેમના કામકાજની માહિતી સાથે તમને તેમની સમસ્યાઓ, તેમની તથા તેમના કામની વિશિષ્ટતાઓ વગેરે અંગે પહેલા ક્યારેય ના જાણેલું કે જોયેલું જાણવા મળી શકે છે.
   દોઢેક મહિના પહેલા મેં મારી ઓફિસ દ્વારા અમારી કંપનીના બધાં સિનિયર મેનેજરો માટે આયોજિત એક અસરકારક બે દિવસીય ટ્રેનિંગ મુંબઈની ઓર્કિડ હોટેલમાં અટેન્ડ કરી જે ખૂબ માણવા લાયક, જ્ઞાન સભર અને યાદગાર બની રહી. ટ્રેનિંગ સાથે ઓર્કિડ હોટેલનું સ્થળ, ત્યાંના બ્રેક ફાસ્ટ, લંચ, ટી બ્રેકસ, એ દરમ્યાન મુંબઈ તથા અમારી ઓફિસના અન્ય રાજ્યો માંથી આવેલા સહ કર્મચારીઓ સાથે થયેલ રસપ્રદ વાર્તાલાપ, ટ્રેનિંગના ભાગ રૂપી ટાસ્ક વખતે તેમની સાથે થયેલ કોર્ડીનેશન વગેરે મન પર લાંબા ગાળાની છાપ છોડી જનારા બની રહ્યાં. એચ. આર. તથા સીનીયર મેનેજમેંટના સભ્યોએ આવી ટ્રેનિંગ માટે નો યોગ્ય 'ટોન' સેટ કર્યો અને પછી તો બે દિવસ ક્યાં પૂરા થઈ ગયા તેની અમને જાણ જ ન થઈ! ટ્રેનિંગ માં થિયરી ભણવા સાથે અમે એંગેજીંગ એક્ટિવિટી અને રમતોમાં પણ ઉત્સાહભેર ભાગ લીધો. કેટલાક સાવ ઓછું બોલતા લોકોએ પણ માત્ર બે દિવસને અંતે પોતાના અભિપ્રાય બોલકી રીતે વ્યક્ત કર્યા. આ ટ્રેનિંગમાં શીખેલા કેટલાક અતિ મહત્વના પાઠ નીચેના મુદ્દાઓ રૂપે હું મારા તમામ વાચકો સાથે શેર કરું છું, રખે ને તમને પણ એમાંથી કઇંક અતિ અગત્ય નો પાઠ શીખવા મળી જાય!
* દરેક વ્યક્તિ અલગ પ્રકારની, અલગ મિજાજ ધરાવતી હોય છે, નોકરી કે ધંધામાં તેમની સાથે કામ પાર પાડતી વખતે તેમને અનુકૂળ થઈ આગળ વધશો તો ચોક્કસ સફળતા મળશે,પછી ભલે એ વ્યક્તિ તમારી સિનિયર હોય કે તમારો જૂનિયર કે તમારી સમકક્ષ.
* સામા પક્ષની ભૂલો શોધવા કરતાં તમારું પોતાનું કામ કઈ રીતે શ્રેષ્ઠ બનાવશો તેના પર ધ્યાન કેન્દ્રિત કરશો તો પરિણામ વધુ સારું મેળવી શકશો.
* તમારા સહકર્મચારીઓ સાથે વધુ ને વધુ ઇન્ટરેક્શન કરી સતત તમારા કામ અંગે ફીડબેક  મેળવતા રહો. આનાથી તમે અન્યો તમારા કામને કઈ રીતે મૂલવે છે અને તમે કદી વિચાર્યું જ ન હોય એવો કોઈ મુદ્દો જડી આવશે જે અંગે સભાન થઈ તમે વધુ સારું પરફોર્મ કરી શકશો. આ પોઇન્ટ તમે અંગત જીવનમાં પણ લાગુ પાડી શકો છો.
* તમારા ઇમોશનલ બેંક અકાઉન્ટમાં ખૂબ સારી એવી ડીપોસિટ જમા કરો અર્થાત્ તમારા સહાકર્મચારીઓ સાથે સારું અને યોગ્ય વર્તન કરી તેમને મદદરૂપ થવા સતત પ્રયત્નશીલ રહો અને જુઓ તમારું પોતાનું કામ અને જીવન પણ આપોઆપ સરળ અને સારું બની રહેશે.
* દરેક વ્યક્તિમાં સારા અને નબળા પાસા હોય જ છે, તમે માત્ર સારા પાસાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરો. તેમને જ્યાં મદદની જરૂર હોય ત્યાં પૂરેપૂરી મદદ કરો.
* સામેવાળાનાં યોગ્ય વખાણ કરવાની એકે તક જતી ન કરો. આપણે મોટે ભાગે નકારાત્મક પ્રતિભાવ આપવામાં વિલંબ કરતા નથી અને કોઈના વખાણ તો કરતા જ હોતા નથી. આ અભિગમ બદલી યોગ્ય સમયે યોગ્ય પ્રતિભાવ આપો. નકારાત્મક હોય તો પ્રતિભાવ ખાનગીમાં આપો પણ વખાણ સૌની સામે કરો.
* ફરિયાદો જ ન કર્યા કરો. બૉસ પાસે સમસ્યા લઈ ને જાવ ત્યારે તેના બે ત્રણ ઉકેલ પણ વિચારી, એ પણ રજૂ કરો.
* કોઈજ બાબત ધારી ન લો, દરેકે દરેક બાબત, ઝીણામાં ઝીણી વિગત સ્પષ્ટ કરો.
* કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવો.

ગેસ્ટ બ્લૉગ : ચૂંદડી મનોરથ


" મનોરથ "  શબ્દનું    વૈષ્ણવ   સંપ્રદાય માં   આગવું જ મહત્વ  છે  .જાત જાતના  મનોરથો  સેવવામાં  આવે   છે , અને કહે છે ને કે   તમારા   સાત્વિક  મનોરથો ખુદ  ભગવાન પરિપૂર્ણ  કરે  છે।

મારો પણ એક સહજ પ્રાર્થવામાં આવેલો  મનોરથ પૂર્ણ થયો અને એટલું જ નહીં અભૂતપૂર્વ  આસ્થાને દ્રઢીભૂત  કરી ગયો  ! !   મૂળ  વાત માંડું  તો એક દોઢ વર્ષ પહેલા ગુજરાતી  ફિલ્મ          " રેવા "  જોઈ હતી। અદભુત ફિલ્મ  ! મેં તો એ ફિલ્મ  જોઈને  ચુકાદો  પણ આપી  દીધેલો  કે આ વર્ષ  માટે  આ ફિલ્મને  પ્રાદેશિક ફિલ્મ ની શ્રેણીમાં   ઓસ્કાર  ઍવોર્ડ  માટે  મોકલી  આપવી જોઈએ  !  એ ફિલ્મમાં  દર્શાવવામાં  આવેલા  મા નર્મદાના  ચૂંદડી  મનોરથના  દ્રશ્યોને જોતા વેંત  મારું હૈયું પણ ધબકી  ઉઠ્યું  , " મારે પણ  મા નર્મદાને ચૂંદડી  ઓઢાડવી  છે  !  મારે પણ મા રેવાનો ચૂંદડી  મનોરથ કરવો છે  !   પણ પછી  થોડાક   દિવસ  માં રેવામય   રહયા પછી વળી  પાછા  રોજિંદા  જીવનમાં વ્યસ્ત થઇ ગઈ।  પછી અચાનક  મારી  બાળ સખી ,,,,નયના નો ફોન  આવ્યો  અને 2019 ના  ગંગા  દશહરા  દરમ્યાન  મા  રેવાના  ચૂંદડી મનોરથમાં   ભાગ  લેવાનો    આગ્રહ કર્યો  . દર  વર્ષે  જ્યેષ્ઠ એકમથી જ્યેષ્ઠ  સુદ દશમ સુધી   ગંગા દશહરા   ઉજવવામાં આવે છે તે   મ્યાન ભારત વર્ષની પવિત્ર નદીઓ ગંગા , યમુના  નર્મદા  વગેરેના  વિધીવત  પૂજન અર્ચનનો મહિમા   છે.

વૈરાગ્યની  અધિષ્ઠાત્રી મૂર્તિમાન સ્વરૂપ  મા નર્મદાની પરિક્રમા  3  વર્ષ,  2 માસ  અને  13 દિવસ માં પુરી  થાય  છે.  1312 કી. મી।  લાંબી  પરિક્રમા  દરમ્યાન  મા નર્મદા  પોતાની જમણી      બાજુ એ રહે તે રીતે પગપાળા પ્રવાસ કરવાનો હોય છે  . અમરકંટકથી કે પછી ૐકારેશ્વરથી  જ્યાંથી  પ્રદક્ષિણા  કે પરિક્રમા  શરુ કરી હોય ત્યાં પૂર્ણ થાય છે.  એ  વિષે અનેક પુસ્તકો પણ ઉપલબ્ધ  છે.  નર્મદા દક્ષિણ ભારતની    અન્ય   સમસ્ત નદીઓથી    વિપરીત  પૂર્વથી  પશ્ચિમ તરફ વહે છે. જો કે તાપ્તી નદી પણ પૂર્વથી પશ્ચિમ તરફ  વહે છે.

       તો મૂળ  વાત પર  આવું તો માં નર્મદાના  આશિર્વાદથી  ચૂંદડી મનોરથ  પાર  પાડવા માટેનો  તખ્તો   ગોઠવાઈ ગયો અને અન્ય આડશો પણ  સહજમાં  દૂર થઇ  ગઈ  અને આપણે  બંદા એ અભિયાનમાં  જોડાઈ ગયા।  ચૂંદડી મનોરથ  માટેની બધી  અથથી  ઇતિ સુધીની તમામ  તૈયારીઓ પણ પરમ મિત્ર  નયનાબેને જ કરી  દીધેલી। આપણે તો તૈયાર  ભાણા પર પહોંચી ગયા નયનાબેન ને ઘરે, વડોદરા  !

  બીજે દિવસે   વડોદરાથી 32 શ્રદ્ધાળુઓ પરમ આસ્થાવાન અને પ્રકાંડ પંડિતજી શ્રી દીપકભાઈ મહારાજ સાથે  ચાણોદ  પહોંચ્યા  .   નયનાબેને કહેલું કે ચૂંદડી મનોરથ દરમ્યાન મા રેવા  સાચા મનથી  અર્પણ  કરેલી  ભક્તની  એક  ચૂંદડી સ્વીકારી લે છે !  હું  નાસ્તિક  તો નથી જ  પણ ચમત્કારો તો નજરે નિહાળીએ  ત્યારે જ દ્રઢ  આસ્થાના  પૂરક બને ને  !!!   મા નર્મદાના દર્શન  કરતા વેંત  જ  મેં  મનમાં  પ્રાર્થના કરી કે " હે મા  નર્મદે !  માત્ર ને માત્ર તમારા દર્શને આવી છું   મારી હાજરી સ્વીકારજો  અને સ્વિકાર્યા નું  પ્રમાણ  આપજો !  મારી આસ્થાને દ્રઢ  કરજો !   પછી  વિધિવત  નર્મદા સ્નાન  , ષોડશોપચાર  પૂજન અર્ચન  બાદ  માં રેવા ને ચૂંદડી  અર્પણ કરવાની વિધિ શરુ થઇ    માં ને અર્પણ   કરવા અમે  કુલ 51   સાડીઓ  તૈયાર કરી હતી.  તે માટે  17/17સાડીઓને મશીન થી બખિયો મરાવીને 3 સેટ  તૈયાર  કરેલા  .અને એ 3 સેટ ને ગાંઠ  મારીને જોડી દીધેલા,  નૌકામાં બેસી  51 સાડીના તાકાના એક છેડાને  પકડી બીજા છેડાને  નદીને બીજે કાંઠે  પહોંચાડી  માં નર્મદાને , માં રેવાને 51 સાડી ઓઢાડી।, પહેરાવી એ ભાવના  .... એ મનોરથ પરિપૂર્ણ  થયો એ અનુભૂતિ થી   .  આંખમાંથી આંસુની ધારા વહી,  ત્વદીય  પાદ   પંકજમ  નમામિ દેવી  નર્મદે !   મા નર્મદે   ,   મા  રેવા  અમારા સહુની  આસ્થાને  આશીર્વાદ આપવા , દ્રઢીભૂત  કરવા જાણે  કે  સ્વયં   પ્રગટ  થઈ  એમ કહું તો જરાપણ અતિશયોક્તિ  નહિ જ કહેવાય !   અમે અર્પણ કરેલી 51 સાડીમાંથી  41 સાડી  માએ સ્વીકારી લીધી !   હા ! સાચે  જ !   મા નર્મદાએ અમારા સહુની  નજર સમક્ષ  40 સાડીઓ પરિધાન કરી  અને તેના અસ્ખલિત   નિર્મળ   ખળ ખળ   વહેતા  શાંત  શીત   પ્રવાહમાં વહેતા એ  આસ્થાવસ્ત્ર ને જોઈને અગમનિગમના   અજ્ઞાત  પરમ તત્વની અનુભૂતિ  થઇ  ! ! !   મા   નર્મદાએ  સાડીઓનો  સ્વીકાર  કર્યો એની સાબિતી એ કે અમે  17 /17  સાડીઓને મશીન દ્વારા બખિયો મરાવીને  જોડેલી  ,અને મા  એ સ્વીકારેલી સાડીઓ   તો    બખીયાને તોડીને  માનાં   ચરણ પ્રવાહમાં     વહી  ગઈ  હતી !  મા  એ મારી હાજરીને  સ્વીકાર્યાનુ   પ્રમાણ  પણ આપીને ધન્ય કરી દીધી !

 અમરકંટકથી નીકળીને  દેશના પશ્ચિમી  કાંઠે  અરબી  સમુદ્રમાં  મળતી  પવિત્ર નદી નર્મદાના    પાવન તટે  કાંઈ  કેટકેટ્લાયે  સંતો, તપસ્વીઓ,ઋષિઓ  અરે ખુદ અમર , ચિરંજીવ એવા  અશ્વત્થામા પણ તપ સાધના કરે છે।   કોઈ કોઈ પુણ્યશાળી  નર્મદા પરિક્રમા કરનારને દર્શન પણ દે છે  ! ! મુજ નાચીઝને મા એ પોતાના અમર અસ્તિત્વ નો   સાક્ષાત્કાર કરાવ્યો ,,,,, ધન્ય ધન્ય  થઈ   ગઈ  ! ! ! એ બદલ બાળસખી  નયનાનો  તો આભાર માનુ તેટલો ઓછો છે પણ સાથે સાથે " રેવા" ફિલ્મ ના  સર્જકોનો  પણ  આભાર માનુ છું !  " રેવા " ફિલ્મ, ઓસ્કાર ઍવોર્ડ  કરતાં   પણ  વધારે  સાર્થક નીવડી  . એક નાચીઝ  આસ્થાવાન શ્રદ્ધાળુને  પરમ તત્વની અનુભૂતિ  કરાવવા માટે  કારણભૂત નીવડી  !  અને હા, સાત્વિક મનોરથો   સેવવાની  પ્રેરણા  જગાવનાર અને તેને પરિપૂર્ણ  કરનાર   હાજરાહજૂર  મા  નર્મદા, મા  રેવાને  અંજલિ આપવા શબ્દો ઓછા જ પડે ને ! 

ત્વદીય  પાદ   પંકજમ ,  નમામિ  દેવી  નર્મદે ! ! !


- મૈત્રેયી મહેતા
mainakimehta@gmail.com
 

ગેસ્ટ બ્લૉગ : રામ કહાણી ચટણીની..

મારી દિકરીઓએ લાલબાગના ગણપતિનાં દર્શને જવાનો પ્લાન બનાવ્યો ઓફકોર્સ મિત્રમંડળી સાથે જ, એક જાતનું નાઈટ આઉટ જ વળી.
લાલબાગના રાજાનાં દર્શન એટલે મુંબઈ માટે મેળે જવાનો અવસર, ત્યાં ખાણી- પીણીથી લઈને બધું જ મળે છતાંય 'અમે ચટણી સેન્ડવીચ લઈને આવશું' એવું વચન આપી બેઠાં.
અહીં શનિવારે ખુબ વરસાદ પડ્યો અને ઓફિસ માં રજા હોવાથી નીચે ઉતરાયુ જ નહીં અને શાક લવાયું નહીં.
સન્ડે, છોલે પુરી બનાવ્યા, બચીકુચી કોથમીર વપરાઈ ગઈ.
સાંજે રવિવાર હોવાથી રેસ્ટોરન્ટમાં જ જમવાનું, એટલે જઇશું ત્યારે લેતાં આવશું એવું વિચાર્યું.
સાત દિવસનાં ગણપતિ વિસર્જન માટે જઈ રહ્યા હતાં એ જોવામાં અને જમવામાં થઈ ગયું મોડું, પછી કોથમીર યાદ આવી એટલે દોડ્યાં, થોડાક શાકવાળા બધું સમેટીને ઘરભેગા થઈ ગયાં હતાં, જે હતાં એની પાસે કોથમીર ન મળે, પહેલાં જ લઈને ગાડીમાં મુકી રાખવી જોઈતી'તી ( રાંડ્યા પછીનું ડહાપણ) હવે શું કરવું?
"કોથમીર ન મળી એટલે સેન્ડવીચ ન લાવ્યા" પ્યારા પપ્પા ઉવાચ...
પણ દિકરીઓ મારી પાક્કી રઘુવંશી એટલે ' પ્રાણ જાય પણ વચન ન જાય' માં માને, મારાં માટે આ પડકારજનક સ્થિતિ હતી.
મને ગુંચવાયેલી જોઈને પતિદેવે જ્ઞાન ઝાડ્યુ, " લીલા ધાણા નથી તો સુકા ધાણા નાખી દો"
"વચ્ચે માથું ન માર" એવી સુચના મારી આંખોથી આપી હું ફરી વિચારવા લાગી, એ શાંત થઈ ગયો.
ફ્રીઝમાંથી એક ઝૂડી પાલક અને ફૂદીનો કાઢ્યો, આદુમરચા અને લસણ પણ, લીંબુ અને મીઠું અને બે સ્લાઈઝ બ્રેડ, બધું પીસવા જારમાં નાખ્યું, નાની દિકરી કહે, પાલકપનીરની ગ્રેવી જેવું લાગશે,  પતિદેવને આમપણ ફૂદીનો ન ભાવે એટલે મોઢું બગાડીને કહે, મીન્ટ ફલેવર વાળી ટુથપેસ્ટ જેવું લાગશે પણ મારી મોટી દિકરી ને મારાં અખતરાં પર જરા વધું ભરોસો એટલે એ ચુપચાપ જોતી રહી.
નવી રેસીપી કે પછી જુની જ રેસીપીમાં સુધારા વધારા કરીને વાનગીને લોન્ચ કરવી એ ચંદ્રયાન લોન્ચ કરવા જેટલું જ અઘરું હો કે, (ગૃહિણીઓ સહમત થશે) જો સોફ્ટ લેન્ડિંગ થયું તો ઠીક નહીં તો વાનગી, વાસણ અને સંબંધ વેરણછેરણ થવાની પૂરી શક્યતા, જેવી જેની તાકાત...
જો સ્વાદ સાથે સંપર્ક સાધી શક્યા તો ઠીક નહીં તો ઘરનાં સભ્યો સાથે સંપર્ક તૂટી શકે.
એક બ્રેડ સ્લાઈસ હાથમાં લીધી, જરા વધું પ્રેમથી બટર લગાવ્યું અને પછી પેલી ખતરાથી ભરપૂર ચટણી...ચાર ભાગ કર્યા અને એક ભાગ ઉંચકીને પેલાં શાંત થઈ ગયેલાં પતિદેવ ને આપ્યો.
પ્રોફેશનથી હું ભલે વર્ષોથી ક્વોલિટી કંટ્રોલ અને ક્વોલિટી એસ્યોરન્સ કરતી હોઉં પણ ઘરે હું પ્રોડક્શન મેનેજર અને પતિદેવ ક્વોલિટી કંટ્રોલ કરે એટલે એની તો ડ્યુટી બને.
એણે પરિસ્થિતિની ગંભીરતા સમજીને આનાકાની કર્યા વગર એ ટુકડો મોઢામાં મુક્યો. એણે ચાવવાનું શરૂ કર્યું અને અમે એનાં હાવભાવ જોવાનું.
રાત્રે દોઢ વાગ્યે ચંદ્રયાનની લેન્ડિંગ વખતે જેવું ટેન્શન હતું એવું જ રાત્રે પોણાબારે મારી ચટણી પતિદેવનાં ગળે લેન્ડ થઈ રહી હતી ત્યારે હતું પણ થેન્ક ગોડ મારી ચટણીનું સોફ્ટ લેન્ડિંગ થયું!
સ્વાદની બાબતમાં જરા ચીકણો અને એટલે જ એને ભાવે તો બધાને ભાવશે જ એવું માનતી હું એના ચહેરા પરનાં ભાવથી જ સમજી ગઈ કે આપણે પાર ઉતરી ગયાં છીએ.
બે પેકેટ બ્રેડની બટર અને ચટણી લગાવીને સેન્ડવીચ બનાવીને દિકરીઓને સાડાબારે સ્પિરિટયૂઅલ નાઇટ આઉટ માટે મોકલીને જ્યારે પથારીમાં લંબાવ્યું ત્યારે એક સંતોષ હતો મારાં ચહેરા પર..
થોડું લાંબુ થઈ ગયું નહીં?
ગૃહિણીમાં છુપાયેલો રસોઈયો અને લેખક બન્ને બહાર આવી ગયા એટલે..પણ આશા છે તમને આ અનુભવ વાંચવાનું ગમ્યું હશે.
 - મમતા પટેલ

Sunday, September 22, 2019

ગટર સાફ કરતાં મનુષ્યોના મૃત્યુ

     માર્ચ ૨૦૧૯ માં વારાણસીમાં ગટર સાફ કરતાં બે યુવા સફાઈ કર્મચારીઓના મોત. વિચિત્ર જણાય એવી આ દુર્ઘટનામાં તેઓ ચારેક ફૂટ ઉંડી ગટર સાફ કરવા ઉતર્યા ત્યારે બાજુમાં ઘણાં સમયથી ન ઉપડાયેલ કચરાનો ઢગલો ગટરમાં ધસી પડ્યો અને સફાઈ કરવા ઉતરેલા બે જુવાનજોધ કર્મચારીઓ દટાઈ મર્યા. છ કલાકે તેમના શબ બહાર કાઢી શકાયા.
   થોડાં જ દિવસ બાદ, તામિલનાડુના શ્રીપેરૂમ્બૂદૂર ખાતે નેમિલિના એક ખાનગી એપાર્ટમેંટની સેપ્ટિક ટેન્ક સાફ કરતાં છ સફાઈ મજૂરો મોતને ભેટયા. ઝેરી મિથેન વાયુ શ્વાસમાં લેતા ગૂંગળાઈને તેમનું મૃત્યુ થયું હતું. ચાર જણને તકલીફ થતાં બીજા બે તો તેમને બચાવવા ગટરમાં ઉતર્યા હતાં અને પોતે પણ મૃત્યુ પામ્યાં. અહીં કોઈ જ પ્રકારના સુરક્ષિતતાના સાધનો વગર ગટરમાં ઉતરતા તેમના મોત થયાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. મોત પામેલામાંથી ત્રણ તો એક જ કુટુંબના  સભ્યો હતાં.
     એપ્રિલ ૨૦૧૯માં ગુરુગ્રામના નરસિંહપુરની એક ઓટો મોબાઇલ  કંપનીની સેપ્ટિક ટેન્ક સાફ કરતા બે જણે જીવ ગુમાવ્યો.
     મે ૨૦૧૯માં ઉત્તર પ્રદેશના નોઈડામાં ૪૦ ફૂટ ઉંડી બોરવેલમાં કોઈજ પ્રકારના સુરક્ષાત્મક પગલા લીધા વિના સફાઈ માટે ઉતરેલા બે મજૂરો ગૂંગળાઈને મૃત્યુ પામ્યાં.
       જૂન ૨૦૧૯ માં ગુજરાતના વડોદરામાં એક હોટેલની સેપ્ટિક ટેન્ક સાફ કરતાં સાત જણ મૃત્યુ પામ્યાં. કારણ? હોટલના માલિકો કે સ્ટાફે કે તેઓ જે એજન્સીમાંથી આવ્યા હશે તેમણે એ મૃત સાત જણની સુરક્ષિતતા અંગે કોઈ દરકાર કરી નહોતી,તેમને સેફટી જેકેટસ પૂરા પાડવા કે પહેરવાની ફરજ પાડી નહોતી.
     અત્રે નોંધનીય છે કે મેલું ઉપાડવાની પ્રથા તો આપણાં દેશમાં વર્ષોથી પ્રતિબંધિત છે,છતાં આ રીતે મોતને ભેટતા સફાઈ કામદારો કે મજૂરોના સમાચાર દર મહિને દેશ ભરમાંથી આવતા રહે છે.
      નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારીસ (NCSK) ના જણાવ્યાં અનુસાર ૧૯૯૩થી દેશમાં ગટરની સફાઈ કરતી વેળાએ મૃત્યુ પામેલા સફાઈ કામદારોનો સત્તાવાર આંક ૮૦૧ નો છે.અન્ય એક અહેવાલ મુજબ ૨૦૧૦ અને ૨૦૧૭ વચ્ચે આશરે ૧૪૭૦ સફાઈ કામદારોના સફાઈ કામ કરતા મોત થયા છે. એવો એક અંદાજ છે કે દેશમાં લગભગ ૧.૮ લાખ માણસો આ સફાઈ કામ સાથે સંકળાયેલા છે. દરેક રાજ્યને સૂચના આપવામાં આવી છે કે ગટર સાફ કરતી વેળાએ સફાઈ કર્મચારીઓને ફરજીયાત સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે. પરંતુ આ સૂચનાનું પાલન થતું નથી અને એટલે જ આજ પર્યંત આવી દુર્ઘટનામાં મોતને ભેટતા કર્મચારીઓના સમાચાર નિયમિત રીતે અલગ અલગ જગાઓથી આવતા રહે છે.
   કોણ જવાબદાર છે આ નિર્દોષ મનુષ્યોના મૃત્યુ બદલ? સફાઈનું ઉત્તમ કામ કરતા લોકો પ્રત્યે કાળજીની ઉદાસીનતા? બેદરકારી? સુરક્ષાના સાધનો પાછળ થનાર ખર્ચ બચાવવાની લાલચ?
     મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેર પર્સન આનંદ મહિન્દ્રાએ આ બાબત અંગે ઉંડા દુ:ખ અને રોષની લાગણી પ્રકટ કરતા ટ્વીટ કર્યું હતું કે "બસ હવે બહુ થયું. માનવ જીવનનું આ હદે અવમૂલ્યન હવે બહુ થયું. મેં અગાઉ પણ એક ઓટોમેટિક સફાઈ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા રોબોટ મશિન - બેન્ડીકૂટ અંગે ટ્વીટ કર્યું હતું. આવા બીજા પણ મશિન બજારમાં ઉપલબ્ધ છે. કોણ રોકે છે તેનો મોટે પાયે ઉપયોગ કરતા આપણને? જો એનું મોટે પાયે ઉત્પાદન કરવા નાણાંની જરૂર હોય તો હું એ માટે તૈયાર છું. "
    બેન્ડીકૂટ કેરળના એંજીનિયર યુવાનોએ તૈયાર કરેલું રોબોટ મશિન છે જે કરોળિયા જેવા આકારનું છે અને તેનું એક યૂનિટ મેનહોલ માં ઉતરી સફાઈનું કામ કરે છે જ્યારે બીજું યૂનિટ બહાર માનવ દ્વારા સંચાલિત હોય છે જે ગટરમાં ઉતારેલા યૂનિટને કંટ્રોલ કરે છે.આ મશિન રોબોટ પોતાની મેળે ગટરનું ઢાંકણું ખોલે છે, ગટરમાં ઉતરે છે અને અસરકારક રીતે સફાઈનું કામ ૧૫ થી ૪૫ મિનિટમાં પૂર્ણ કરે છે.
કેરળના એંજીનિયર યુવાનોએ જેનરોબોટિકસ નામની કંપની સ્થાપી છે જેનો આશય માનવ દ્વારા થતા મળસફાઈ કે ગટર સફાઈના કામનો અંત આણવાનો છે. થીરૂવંતપુરમમાં પ્લાસ્ટિક, કચરો અને મેડિકલ વેસ્ટ ભરેલા પાંચ મેનહોલ સફળતાપૂર્વક બેન્ડીકૂટ દ્વારા સાફ કરાઈ ચૂક્યા છે. જેનરોબોટિકસના ૨૫ વર્ષીય સી. ઈ. ઓ. કહે છે કે હવે મેનહોલ ને રોબોહોલ માં બદલી નાખવાનો સમય આવી ગયો છે. રોબોટને ગટર ના ઝેરી વાયુ, ઓક્સિજન નો અભાવ, ગરમી કે અમાનવીય પરિસ્થિતિ નડતા નથી. એ સફાઈ કર્મચારીઓને માટે અતિ જરૂરી એવા સુરક્ષા ટોપી, સુરક્ષા જેકેટ, મોજા કે માસ્કસ વગર કામ કરી શકે છે. સફાઈ કર્મચારીઓની જાનના ખતરા અને અમાનવીય કામ ની સમસ્યા સામે બેન્ડીકૂટ જેવો ઉકેલ આશાના કિરણ સમાન છે.
       આશા સેવીએ કે દેશભરમાં ગટરોની સફાઈ માટે હવે ઓટોમેટિક રોબોટ મશીનોનો જ ઉપયોગ થાય અને સફાઈ કર્મચારી તેને ઓપરેટ કરવાનું કામ કરે નહીં કે સુરક્ષા સાધનો વગર ગટરમાં ઉતરવાનું.

Monday, September 16, 2019

ગેસ્ટ બ્લૉગ : વિસર્જન

       સંતાનનો જન્મ થતાં જ ચારેબાજુ આનંદની લહેરો ઉઠે. બરફી અને પેંડા વહેંચાય. ગીતો ગવડાવાય. અભિનંદનની વર્ષા થાય. એટલું જ નહીં, હર વર્ષે એ જન્મદિન અલગ અલગ રીતે ધામધૂમથી ઉજવાય. પણ મૃત્યુ દિન આવે ત્યારે બધાં જ વાંચેલું ભૂલી જાય. જન્મ છે તેનું મૃત્યુ છે. નામ છે તેનો નાશ છે. મૃત્યુ એ પૂર્ણવિરામ નથી પણ બીજા જીવનની શરૂઆત છે. મૃત્યુ એ જૂના કપડાં ત્યજીને નવા કપડાં ધારણ કરવાનો અવસર છે. આ સત્ય સમજવા હોવા છતાં પણ નાસમજ બની જઈએ. મૃત્યુ એ પણ મહોત્સવ છે ને એનો હસતાં હસતાં સ્વીકાર કરવાને બદલે આંસુઓ અને શોકથી વાતાવરણને ભારેખમ બનાવી દઇએ. આ ભારેખમતાને હળવાશમાં બદલવા માટે અને મૃત્યુના મર્મને સમજવા માટે ગણપતિ વિસર્જનની શરૂઆત થઈ. ગણપતિ બાપાનું આગમન ઘણાં જ ધામધૂમથી કરવામાં આવે. નાચતાં નાચતાં અને ઢોલ નગારા વગાડતાં ગણપતિ બાપાને ઘરે લાવવામાં આવે. ઘરે લાવેલા ભગવાનની અનન્ય શ્રદ્ધાથી પૂજા થાય. દસ દસ દિવસ સુધી આનંદની હેલી ઉઠે. ભક્તિ ભાવનાની મહેક પ્રસરે. દસ દિવસ બાદ એ જ ગણપતિ બાપાનું એટલી જ ધામધૂમથી વિસર્જન કરવામાં આવે.  પંચ મહાભૂતમાંથી બનેલો દેહ પંચ મહાભૂતમાં જ વિલીન થવાનો છે એ વાતનો સાક્ષાત્કાર ગણેશજીને જળરાશિમાં વિસર્જિત કરીને થાય. બાપાના વિસર્જન વખતે 'બાપા મોરિયા' અને પુઢચ્યા વર્ષી લવકર યા' નાં નારાઓ ગૂંજે. વિદાય આપતાં દિલ કદાચ રડતું હોય છે પણ બાપા ફરી પાછાં આવતા વર્ષે આવવાનાં છે એની ખુશી મુખ પર છલકતી હોય છે. ગણપતિનાં પુનરાગમન માટે તો વર્ષની રાહ જોવી પડે જ્યારે આ જીવને તો ફરી જન્મ લેવા માટે એક પળની પણ રાહ નથી જોવી પડતી. મૃત્યુ થતાંની સાથે જ જીવ બીજા રૂપે જન્મી જતો હોય છે. આમ મૃત્યુ એ માત્ર પરિવર્તન છે. આ પરિવર્તનની ઘટનાને અનેક રીતે અમર બનાવી શકાય. નેત્રદાન કરીને અન્ય વ્યક્તિને દ્રષ્ટિ આપી આપણે દુનિયાને ફરીથી નિહાળી શકીએ. ત્વચાદાન કરીને અન્ય વ્યક્તિ  દ્વારા ફરી સ્પર્શની દુનિયાનો અહેસાસ કરી શકીએ. દેહદાન કરીને  અન્ય વ્યક્તિ દ્વારા ફરી જીવંતતાની અનૂભુતિ કરી શકીએ. કદાચ કોઈ અકળ કારણસર આપણે જો આ દેહ કે દેહના અંગોનું દાન ન કરી શકતા હોઈએ તો મૃત્યુ પહેલાં સહુને એટલું તો જરૂરથી કહી શકીએ કે મારા મૃત્યુ પછી શોકસભા, પ્રાર્થના સભા કે જમણવાર એવા ખોટા ખર્ચા કરવાને બદલે મારો પૈસો સદુપયોગમાં વપરાય એવું કરજો.
૧.   કોઈ ભૂખ્યાને અન્ન આપજો .
૨.   કોઈ તરસ્યાની પ્યાસ બુઝવજો. 
૩.   કોઇ ગરીબને શિક્ષણ અપાવજો. 
૪.   કોઈ બિમારની દવા કરાવજો. 
૫.   કોઈ વિકલાંગ ને આધાર પૂરો પાડજો
૬.   પક્ષીને ચણ અને પાણી આપજો. 
૭.   ગાયને ઘાસ અને પાણી આપજો. 
૮.   એકાદ વૃક્ષનું રોપણ કરજો. 
            એ તૃપ્ત લોકોના હાસ્યમાં, પંખીઓના કલરવમાં, ગાયના ભાંભરવામાં ને વૃક્ષના નવ પલ્લવિત પર્ણમાં હું જીવંત રહીશ .વિસર્જનમાં જ સમાયેલ સર્જનની અનુભૂતિ કરાવી શકીશ. 
    -    રોહિત કાપડિયા