Translate

રવિવાર, 27 ડિસેમ્બર, 2009

મારા જીવનનું એક નવું પ્રકરણ - અભિનેતા તરીકે...

દસેક વર્ષ પહેલાં એક ગુજરાતી નાટકનું GR (ગ્રાંડ રિહર્સલ - નાટકનાં પ્રથમ શો પહેલા વ્યવસ્થિત ડ્રેસ-મેક અપ વગેરે સાથે થતી તેની ભજવણી જે ખરું નાટક જ ભજવાતું હોય એ રીતે જ કરવામાં આવે છે) ચાલી રહ્યું હતું.મારા પિતા એ નાટકમાં એક ભુમિકા ભજવી રહ્યાં હતાં એટલે પહેલી વાર એ મને GR શું અને કેવું હોય તે જોવા લઈ ગયાં હતાં.હું ખાલી એવા મોટા ઓડિટોરિયમમાં અંધારામાં બેસી GR જોઈ-માણી રહ્યો હતોં.નાટકો અને રંગમંચ પ્રત્યે આમ પણ મને પહેલેથીજ એક તીવ્ર આકર્ષણ રહ્યું હતું.ભજવાઈ રહેલાં સીનના મૂડ પ્રમાણે કલાકારોનાં ચહેરાઓ તેમજ રંગમંચ પર ફેંકાતી લાલ, લીલા, ભૂરા એમ જુદા જુદા રંગની લાઈટ્સ મારા મનમાં એક અજબ જ પ્રકારની અકથ્ય લાગણી જન્માવી રહી.



લગભગ ખાલી જ કહી શકાય એવા ઓડિટોરિયમને ભરી દેતું મોટેથી વાગી રહેલું નાટકનું બેકગ્રાઉંડ મ્યુઝિક મારા પર જાદુઈ અસર કરી રહ્યું.હું અભિભૂત થઈ માણી રહ્યો નાટકનાં દરેક સીનને. નાટકનો એ પ્રવાહ મને કોઇક નવી જ દુનિયામાં તાણી ગયો. એ નવી દુનિયાની પ્રત્યેક ક્ષણ, ત્યાંની દરેક અનુભૂતિ મારું સમગ્ર ચિત્તતંત્ર એકાગ્ર થઈ માણી રહ્યું હતું.એ દિવસે ત્યાં ઓડિટોરિયમમાં એ ક્ષણો દરમ્યાન એક સ્વપ્ન જન્મયું. મેં જોયું એ સ્વપ્ન - ત્યાં - રંગમંચ પર અભિનય કરવાનું, એ જુદા જુદા રંગોભરી રોશનીને મારા ચહેરા પર ઝીલવાનું, ત્યાં રેલાઈ રહેલાં એ સુમધુર સંગીતની ધૂનો વચ્ચે અભિનય કે નૃત્ય કરવાનું. એક સ્વપ્ન મેં જોયું ત્યાં એ સમયે. એ પ્રસંગ પછી પણ ઘણી વાર હું ગુજરાતી નાટક જોવા ગયો હોઈશ - જે મારો એક શોખ છે. આ દરેક પ્રસંગે જ્યારે જ્યારે હું પપ્પા સાથે બેકસ્ટેજ જતો, કલાકારોનું અભિવાદન કરવા, ત્યારે દરેક વેળાએ પેલું સૂતેલું સ્વપ્ન ફરી જાગ્રુત થઈ જતું. પણ ક્ષણભર માટે જ.

પછી તો મેં મારો એન્જિનીયરિંગનો ડીગ્રી અભ્યાસ પૂરો કર્યો, દેશની એક શ્રેષ્ઠ કંપનીમાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે જોડાયો ને મારી એમ.બી.એ ની ડીગ્રી પણ મેળવી. આ બધા વર્ષો દરમ્યાન પેલું સ્વપ્ન સુષુપ્ત અવસ્થામાં, છતાં જીવિત રહ્યું. વચ્ચે વચ્ચે કેટલીક તક પણ આવી જ્યાં મને મારી અભિનય અને ન્રુત્ય કલા પર હાથ અજમાવવાનો મોકો મળ્યો - કોલેજના કે કંપનીનાં વાર્ષિક સમારંભ કાર્યક્રમમાં કે પછી એવાં જ બીજા કોઈ પ્રસંગે. પણ વર્ષ ૨૦૦૯ સુધી મને પ્રોફેશનલ સ્તરે કંઈ કરવાની તક મળી નહિં.

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

થોડાં વર્ષ પહેલાં મેં 'થિયેટ્રીક્સ' નામની એક્ટિંગ અને પર્સનાલીટી ડેવલપમેન્ટ વર્કશોપમાં ભાગ લીધો હતો જેના દરેક સેશનમાં ખૂબ મજા કરી હતી ને ઘણું શિખ્યું. ચર્નિરોડ ખાતે બિરલા ક્રિડા કેન્ડ્રમાં થિયેટ્રીક્સનાં એક સેશન દરમ્યાન મને ગુજરાતી રંગભૂમિના જાણીતાં વરિષ્ઠ અભિનેતા ઉત્કર્ષ મજુમદાર મળ્યા. જ્યારે મેં તેમને મારી ઓળખાણ ઘનશ્યામ નાયકનાં પુત્ર તરીકે આપી ત્યારે તે ખુશ થઈ ગયાં. ત્યારે તેમણે મને કહેલા શબ્દો મારા માનસપટ પર અંકિત થઈ ગયાં. તેમણે કહેલું : મારે મારા પિતા અને દાદા-પરદાદાઓનાં અભિનયનાં વારસાને આગળ ધપાવવાનો છે. એ પરંપરા મારા પિતા પછી તૂટી ન જાય એ મારે જોવું એવા તેમનાં શબ્દો મારાં હ્રદયને સ્પર્શી ગયાં ને પેલું સુષુપ્ત સ્વપ્ન ફરી સફાળું બેઠું થઈ ગયું...

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *





મારા દાદાના પિતા - કેશવલાલ કપાતર. મૂળ નામ શ્રી કેશવલાલ શિવરામ નાયક જેઓ શ્રી દેશી નાટક સમાજનાં અતિ લોકપ્રિય હાસ્યકલાકાર જેમણે 'અરુણોદય' નામનાં અતિ પ્રખ્યાત ગુજરાતી નાટકમાં કંપાઉંડરની ભુમિકા ભજવી અને તે એટલી બધી વિખ્યાત થઈ કે તે શબ્દનાં અપભ્રંશ શબ્દ 'કપાતર'નું તેમને બિરુદ જ મળી ગયું અને તેઓ કેશવલાલ નાયક નહિં પણ કેશવલાલ કપાતર તરીકે જ ઓળખાવા લાગ્યાં.

મારા દાદા - પ્રભાકર કિર્તી. (યાને રંગલાલ નાયક) મૂળ નામ શ્રી પ્રભાકર કેશવલાલ નાયક જેઓ ગુજરાતી રંગભૂમી, ફિલ્મો તથા ટી.વી. અને રેડીઓનાં સુપ્રસિદ્ધ કલાકાર હતા.'સરમુખત્યાર' નાટક્માં હીરોઈન કિર્તીદેવીનું પાત્ર તેમણે એટલી સુંદર રીતે ભજવ્યું કે તેઓ ત્યારબાદ પ્રભાકર કિર્તી તરીકે જ ઓળખાવાં લાગ્યાં.

મારા પિતા - ગુજરાતી 'ભવાઈ'નો 'રંગલો' મૂળ નામ શ્રી ઘનશ્યામ નાયક જેઓ ગુજરાતી રંગભૂમિ ,રેડીઓ તથા ફિલ્મો અને ટી.વી. નાં જાણીતા કલાકાર છે.આજે પણ તેઓ અનેક હિંદી ટી.વી. સિરીયલ્સ (તાજેતરની 'તારક મહેતાકા ઊલ્ટા ચશ્મા'ના નટુકાકા) તેમજ ફિલ્મોમાં અભિનય દ્વારા કાર્યરત છે અને મુંબઈમાં આજે પણ જેમણે ગુજરાતી લોકકલા 'ભવાઈ' ને પોતાના લોકલાડીલાં પાત્ર 'રંગલો' દ્વારા જીવંત રાખી છે.

...અને હવે તેમની ચોથી પેઢી એટલે હું - વિકાસ નાયક.

વ્યવસાયે એક સોફ્ટવેર એન્જીન્યિર હોવાં છતાં લોહીમાં રહેલાં અભિનયને હવે વાચા આપવાનાં પ્રયત્નરૂપે મેં પણ હવે અભિનયની દિશામાં પગરણ માંડ્યા છે - સંગીત તથા નૃત્ય મઢ્યા ગુજરાતી નાટક 'ૐ શ્રીમદ ભાગવત અક્ષર દેહ રૂપે' દ્વારા.

ઓફિસના વાર્ષિક સમારંભ કાર્યક્રમની કોરીઓગ્રાફી કરનાર હિતેનભાઈ ગાલાએ મારામાં રહેલ કૌશલ્ય પારખી મને તેમની કોરીઓગ્રાફી ધરાવતા નાટક 'ૐ શ્રીમદ ભાગવત અક્ષર દેહ રૂપે'ના ઓડિશન માટે જવા કહ્યું અને આ નાટકના નિર્માતાઓ નીતાબેન રેશમિયા, છાયાબેન કોઠારી અને હરિભાઈ ઠક્કરે તેમજ દિગ્દર્શક મનિષભાઈ શેઠે મને તરત પસંદ કરી લીધો અને શરૂ થયો મારી અભિનય યાત્રાનો પ્રારંભ...

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *



૧૪મી ફેબ્રુઆરી ૨૦૦૯ ના વેલેન્ટાઈન દિવસથી મેં રંગભૂમિ પ્રત્યેના મારા પ્રેમને વાચા આપી. આ દિવસે મારા પ્રથમ ગુજરાતી નાટકનો પ્રથમ શો ભજવાયો મુંબઈનાં બિરલા માતુશ્રી સભાગ્રુહ ખાતે અને આ સાથે મેં શરુ કરી મારી અભિનય યાત્રા, ત્રણ પેઢીના મારા કલાના વારસાને આગળ લઈ જવા. મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો - અભિનેતા તરીકેનો. મેં પણ મેકઅપ કર્યો હતો અને કુલ ૮ પાત્રોનાં કોસચ્યુમ્સ પણ પહેર્યા! હા, આ નાટકમાં હું જુદા જુદા ૮ પાત્રો ભજવું છું! આનાથી વધુ સારી શરુઆત હોઇ શકે ભલા, એક નવા ક્ષેત્રે પદાર્પણ કરવાની?


૮ પાત્રો ને એ પણ ભગવાન સાથે જોડાયેલા વિષયવસ્તુ પર! પ્રથમ શોમાં તખ્તા પર અભિનય કરી, સેંકડોની મેદનીનો સામનો કરતી વેળાએ મેં લાગણીઓનું ઘોડાપૂર અનુભવ્યું. થોડીઘણી નર્વસનેસ્, ઉત્સાહ, ધગશ અને એવું ઘણું બધું એક સાથે અનુભવાયું. ઇશ્વરની ક્રુપાથી મારો અભિનય ઠીકઠીક રહ્યો ને મોટા ભાગના પ્રેક્ષકો,મિત્રો અને સ્નેહીઓએ મને બિરદવ્યો. કોઈ પણ નાટકના પ્રથમ શોમાં થાય એવા નાનામોટા ગડબડ ગોટાળા સાથે મારો પ્રથમ શો ભજવાઈ ગયો અને પ્રેક્ષકો એ તે વખાણ્યો પણ ખરા.મને મારા દેખાવ-અભિનય વિશે પ્રતિભાવ મેળવવાની ઉત્કટ ઇચ્છા હતી!મને પોતાને એ બદલ સંતોષ હતો (કારણ તમે પોતે ક્યાંક કચાશ છોડો તો તમને પોતાને તો એની ખબર પડી જતી જ હોય છે અને મને એવી કોઈ લાગણી થઈ નહિં જ્યાં મે અનુભવ્યું હોય કે મારી કોઇ જગાએ ભૂલ થઈ હોય કે ક્યાંક હું મારી પૂર્ણ ક્ષમતાનું પ્રદર્શન ન કરી શક્યો હોઉં.)ફક્ત એક યાદ રહી જાય એવો પ્રસંગ બન્યો.





એક સીનમાં મારે એક પાત્રની વેશભૂષા બદલી ઝડપથી દશરથ રાજાના પાત્ર તરીકે તૈયાર થઈ એન્ટ્રી લેવાની હતી,ને હું કોઇક કારણસર એન્ટ્રીની ઘડી આવી પહોંચવા છતા મેક-અપ રૂમમાં જ હતો. મારા ડિરેક્ટરે દોડીને 'વિકાસ ક્યાં છે?સા......તારી એન્ટ્રી છે...'ની જોરથી બૂમ પાડતા પાડતા મેક-અપ રૂમમાં આવવું પડ્યું! હું દોડ્યો ને મે એન્ટ્રી લઈ લીધી ડાયલોગ બોલતા બોલતા. ખૂબ મોડું થયું નહોતું ને ભગવત્ક્રુપાથી એ સીન પણ સારી રીતે ભજવાઈ ગયો! બીજો શો ૨૧મી ફેબ્રુઆરીએ તેજપાલ ઓડિટોરિયમ ખાતે ભજવાયો જ્યાંથી મારા પપ્પાએ તેમની અભિનયક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી હતી.મને ગર્વની લાગણીનો અનુભવ થયો.મારા ઘરેથી બધાએ મારું નાટક જોયું ને તેના ભરપેટ વખાણ કરી મને મારા દાદા સાથે સરખાવ્યો, જે મારા માટે એક મોટું કોમ્પ્લીમેન્ટ હતું! મારા કલાકાર પિતાએ પણ મને કેટલોક કન્સ્ટ્રક્ટીવ ને અભિનેતા તરીકેનો ફીડબેક આપ્યો. બીજા પણ કેટલાક કલા ક્ષેત્રના મહારથીઓએ આપેલા ફીડબેકને પોઝિટીવલી લઈ હું દરેક શો સાથે વધુ ને વધુ સારો દેખાવ કરવાના પ્રયાસ કરું છું.

હવે હું તમને બધાને આમંત્રુ છું મારું આ નાટક જોવા અને મને મારા અભિનય-દેખાવ વિષે ફીડબેક આપવા. ૧ જાન્યુઆરી ૨૦૧૦ થી ૭ જાન્યુઆરી ૨૦૧૦ સુધી બોરિવલીના પ્રબોધનકાર ઠાકરે ઓડિટોરિયમમાં 'ભાગવત મહાયજ્ઞ' સ્વરૂપે મારા નાટકના ૨૧ શો ભજવવામાં આવશે.રોજ સવાર (૧૧ વાગે), બપોર (૪ વાગે) ને સાંજ (૯ વાગે)ના ૩ એમ કુલ ૭ દિવસમાં ૨૧ શો ભજવી અમે ગુજરાતી રંગભૂમિ પર ક્યારેય ન બની હોય એવી ઘટનાનું નિર્માણ કરવા જઈ રહ્યાં છીએ. તો મારા વાચકમિત્રો તમે પણ આ રેકોર્ડ સર્જનાર નાટક જોવા પધારી મને બિરદાવશો એવી આશા રાખું છું.









અમારી વેબસાઈટ : http://www.shrimadbhagawat.com

યુ ટ્યુબ પર મારો પ્રોમો : http://www.youtube.com/watch?v=xvEo3r5WEXU

ગેસ્ટ બ્લોગ : બાય બાય ૨૦૦૯! હેપ્પી પાર્ટીઈંગ!!!

થોડાં દિવસોમાં જ આપણે ૨૦૧૦ ની સાલમાં પ્રવેશ કરીશું.સમય સરતો જાય છે,રેતીની જેમ કે પછી પાણીના રેલાની જેમ ! ૨૦૦૯ નું વર્ષ ક્યાં વીતી ગયું તે ખબર જ ના પડી ! જો કે આમ ને આમ વર્ષો ના વર્ષો જીવનમાંથી સરી પડે છે અને રહી જાય છે માત્ર ગણત્રી....માણસનું જીવન વધારે લાંબુ હોય,ચિરાયુ,ચિરંજીવી હોય તેવી કામના યોગ્ય છે, પણ કેટલું અર્થપૂર્ણ છે તે સૌથી મહત્વનું છે. વર્ષો બદલાય, નવું વર્ષ આવે અને જાય, પછી તેનાં લેખાજોખાં થાય, ગયા વર્ષે શું બન્યું, શું પામ્યા, શું ગુમાવ્યું ,સારું-નરસું,નવું-અવનવું,ઘટનાક્રમના આટાપાટા,તેની ટીકા-ટીપ્પણી..

નવા વર્ષે નવા નવા સંકલ્પો પણ થાય...રિઝોલ્યુશન્સ...ઘણી વાર આરંભે શૂરાની જેમ આવા સંકલ્પો તો થાય, તેની ઘોષણાઓ થાય, પછી ? પછી તો તે સંકલ્પો પુરા કરવા જ તેવું કોણે કહ્યું?એ ઈ ને મુકાઈ જાય નેવે કે પછી અભરાઈએ !

જે હોય તે ! પણ વર્ષાન્તે, એટલે કે ઈસુના વર્ષને અંતે જે પાર્ટીનો મૂડ જામે છે તે બહુ જ મઝાનો હોય છે. આખું વર્ષ, કામ કામ ને કામ કર્યું, યથાશક્તિ મહેનત કરી, પ્રારબ્ધ મુજબ પામ્યા,જે મળવાનું હતું તે મળ્યું, ગુમાવવાનું હતું તે ગયું, નવા વર્ષની શરુઆત હર્ષોલ્લાસ, ઉમંગપૂર્વક કરીએ તેમાં ખોટુ શું છે ? ઘણા લોકો પાર્ટીના બહુ જ શોખીન હોય છે..ને ઘણા લોકો પાર્ટીને બહુ આનંદદાયક બનાવી શકતા હોય છે..જાત-ભાતની રમતો રમાડે, સહુને ભાગ લેવડાવી આનન્દ પીરસે...તે તો કળા છે.. સોગીયા ડાચા ને રોતડી વાતો,ને બદલે આનંદ કરવો-કરાવવો, તે સારુ જ છે ને? બાકી આખું વર્ષ ટેન્શન ને ચિંતાઓ ક્યાં છોડીને જવાની છે? જરૂર છે, આપણે ચિંતાનો કેડો મૂકીએ, મનને થોડો વિરામ આપીએ,મોજ કરીએ, તાજામાજા થઈ, વળી પાછા નવા વર્ષે નવા કામે લાગીએ...
પાર્ટીઓ વિષે વાત કરવી તે તો મોટો વિષય છે.જેવી જેની સમ્રુદ્ધી, તેવી પાર્ટીની શાન ! હમણાં તાજેતરમાં નિમંત્રણ વગર પાર્ટીમાં પહોંચી જનારા યુગલની વાત વાંચી હતી.તે પણ કલા જ છે ને ?બાકી અમેરિકાના પ્રથમ નાગરિકને ત્યાં વગર નિમંત્રણે પહોંચી જવું ને વટથી બધાને મળવું તે હિમ્મત માંગી લે તેવી વાત છે...
હવે તો નાના નાના બાળકોની બર્થડે પાર્ટીઓના આયોજનો પાછળ પણ ખોબો ભરીને રૂપિયા વેરાય છે,

ન્યૂ યર પાર્ટીમાં જવા યંગસ્ટરો થનગનતા હોય, પણ, પણ, કોઈ વાર,બીજે દિવસે, એટલે કે નવા જ વર્ષને દિવસે ઘણી પાર્ટીઓમાં લલનાઓના વિનયભંગ થયાના સમાચારો ચમકતા હોય છે ! !
દોષી કોણ ?તે લલના ? છકીને બેફામ બનેલ વિવેકહીન પાર્ટી એનિમલ ?કે ન્યુ યર પાર્ટીના ાઆયોજનો ?કે હીન માનસિકતા?

જરા વિચારો. દોષ ગમે તેનો હોય, અંતે હલાલ તો તે લલના જ થાય છે.તે યુવતીની દશા, તેની પીડા, તેના કુટુંબીજનોની દશા, વ્યથાની કલ્પના કરી શકો છો?તેવા માહોલમાં વાલીઓને માટે પોતાની બેન દિકરીઓને પાર્ટીઓમાં જવા દેવાની મંજૂરી આપવાની અવઢવ કેવી થતી હશે? મોકલો તો પીડા, ના મોકલો તો જૂનવાણી ગણાઈ જાવ !

જોકે જુદી જુદી રીતે પાર્ટી માણવાના ,યોજવાના નુસખાઓ સુચવી શકું ?કોઈ એકલા વ્રૂદ્ધ કે વંચિત બાળકોને મઝા કરાવીએ, ઘરડાઘરમાં જઈ, વડિલોને સમય ાઆપી તેમને મઝા કરાવીએ તો?અરે પોતાના જ ઘરમાં પોતાની માતા,પિતા, બેન-ભાઈ,પત્ની, બાળકોને સમય આપી ખુશ કરીએ તો? તેને માટે નવા વર્ષની કે કોઈ ખાસ પ્રસંગની કે બહુ ખર્ચ કરવાની જરૂર નથી.બસ, જરાક ધ્યાન ાઆપીને પોતાનાને પ્રાધાન્ય આપવાની જરૂર છે.

પાછી ટીકા ટિપ્પણી કરીને મેં પાર્ટીનો મૂડ ખરાબ કરી નાંખ્યો નહી? સોરી ? પાર્ટી મિજબાનીઓ માણસના સુખ, આનંદ માટે હોય છે, ત્યાં સુધી મર્યાદિત રહે તેવી પ્રાર્થના સાથે હેપ્પી પાર્ટીઈંગ ?
- મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ

શુક્રવાર, 25 ડિસેમ્બર, 2009

હે ઇશ્વર, દરેકને સદબુદ્ધિ આપો... (૨૬ નવેમ્બર)

થોડાં દિવસો અગાઉ જ ૨૬મી નવેમ્બરની તારીખ ગઈ.મુંબઈ શહેર આ તારીખને ક્યારેય ભૂલી શકશે નહિં. બરાબર એક વર્ષ પહેલાં આ જ દિવસે આતંકવાદીઓએ મુંબઈ શહેર પર હૂમલો કરી સેંકડો નિર્દોષ નાગરિકોની ઘાતકી હત્યા કરી નાંખી હતી.શહેર ધ્રુજી ઉઠયું હતું.આ હૂમલો ફક્ત તેના નાગરિકો પર નહોતો, પણ આ હૂમલો હતો તેની સજાગતા પર,તેની ખુમારી પર,તેની સુરક્ષિતતા પર,તેના આત્મા પર.આખું રાષ્ટ્ર ત્રણ દિવસ સુધી ચાલેલ આ નાટ્યાત્મક લોહીની હોળીનું મૂક સાક્ષી બની રહ્યું.પોલિસખાતાએ તેના બહાદુર સિપાઈઓ ગુમાવ્યાં. સુરક્ષાદળોએ તેમના વીર જવાનો ગુમાવ્યાં. નેતાઓએ કંઈ કર્યુ નહિં.કોણ આ બધામાં એકંદરે નુકસાનમાં રહ્યું? એ લોકો
જેમણે આ દુર્ઘટનામાં પોતાનાં સ્વજનો ગુમાવ્યાં. ૨૬ નવેમ્બરનાં એ કાળા દિવસે શહીદ થયેલાંઓનાં કુટુંબીજનોનાં જીવનમાં સર્જાયેલ શૂન્યાવકાશ કોઇ કહેતા કોઇ ભરપાઈ કરી શકશે નહિં.
છેલ્લાં થોડાં દિવસોમાં ૨૬ નવેમ્બરના વિષયને લગતાં કેટલાક સમાચાર વાંચી મારું લોહી ઉકળી ઉઠયું. એક ખબર એ હતી કે ૨૬ નવેમ્બર વખતે માર્યા ગયેલાં નવ આતંકવાદીઓની સડી ગયેલી લાશોની દુર્ગંધથી જે.જે.હોસ્પિટલનું શબઘર ખદબદી ઉઠયું છે.તમારાં માનવામાં આવે છે? આ દુર્ઘટનાને એક વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં એ શેતાનોની કોહવાઈ ગયેલી લાશો હજી સુધી ભારતમાં જાળવી રાખવામાં આવી છે.આપણે સાબિત શું કરવું છે? જેના માટે તેઓ જેહાદ કરી રહ્યાં હતાં એ તેમનો દેશ પણ તેમનાં શબોનો સ્વીકાર કે નિકાલ કરવા તૈયાર નથી.તેમનાં આ મૃતદેહોનો અસ્વીકાર કરવાના પાડોશી દેશનાં નિર્ણયની સ્પષ્ટ જાહેરાત બાદ પણ આપણે શાની રાહ જોઇ રહ્યાં છીએ?આ લાશોનો તાત્કાલિક નિકાલ ભારતે કરી નાખવો જોઇએ. પણ કોને પરવા છે?
બીજી એક ન્યુઝ આઈટમ હતી એક વિડીયોગેમ વિષે જે મુંબઈગરાઓ ખૂબ સારા પ્રમાણમાં ખરીદી અને રમી રહ્યાં છે.આ ગેમ ૨૬-નવેમ્બરનાં આતંકવાદી હૂમલા પર આધારિત છે.શું આપણી વિવેકબુદ્ધિ મરી પરવારી છે?આવા વિષયવસ્તુ પર પૈસા કમાવા એ શરમજનક અને મારી દ્રષ્ટીએ ઘૃણાસ્પદ છે.શું આ કોઇ મજાક કે રમૂજની વસ્તુ છે? આ વિડીયોગેમ બનાવનારાઓનો ઉદ્દેશ શો છે? તેઓ કયો સંદેશ સમાજને આપવા ઇચ્છે છે? તેઓ તો લોભ અને સ્વાર્થવશ આવી ગેમનું ઉત્પાદન અને વેચાણ કરતા હશે પણ આ ગેમ ખરીદી પોતે રમનાર અથવા પોતાના બાળકોને તે રમતા જોનાર મુંબઈગરાઓનુ શું? બચાવ ઓપરેશન, મશીનગન્સની ગોળીઓનો ધડધડાટ, દુશ્મનોને મારી ને ઢાળી પાડવા તેમની નિર્દયતાથી હત્યા - આ બધા દ્વારા તમે તમારા બાળકોને શું શિખવવા ઇચ્છો છો કે કયા પ્રકારનું મનોરંજન મેળવવા ઇચ્છો છો? મનોરંજન કે પાશવી આનંદ?મને આ વિડીયોગેમનો આઇડીયા જ સાવ અરુચિકર અને ધિક્કારજનક લાગ્યો.
ત્રીજી વાત જે મારામાં ગુસ્સા,અણગમા અને આક્રોશની લાગણી પ્રગટાવે છે એ છે આપણી સરકાર અને કાયદા-કાનૂન દ્વારા જે રીતે અજ્મલ અમીર કસબના કેસ ને ચલાવાઈ રહ્યો છે તે. અત્યાર સુધી કરોડો અને એક અહેવાલમાં વાંચ્યા મુજબ કસબ પાછળ તેની સુરક્ષા અને તેના કેસ માટે આઠ લાખ રુપિયાથી વધુનો ખર્ચ એક દિવસનો થાય છે. એક એવા માણસ પાછળ આટલો ખર્ચ જેને ખરી રીતે તો માણસ કહેવો પણ યોગ્ય નથી.તે તો પ્રાણી કરતાયે વધુ આસુરી વૃત્તિ ધરાવતો શેતાન છે.તેણે કેટલા બધા નિર્દોષ લોકોની સી.એસ.ટી સ્ટેશન પર,કામા હોસ્પિટલ ખાતે તેમજ દક્ષિણ મુંબઈ ના રસ્તાઓ પર અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરી નાંખી હતી જેમા હીરો જેવાં આપણાં એ.ટી.એસ ચીફ અને અન્ય બહાદૂર પોલિસ સિપાહીઓ પણ માર્યા ગયા. આમ છતાં આ દુર્ઘટનાના એક વર્ષ પછી પણ તે હજી જીવતો છે અને તેને દેશના સર્વોચ્ચ વ્યક્તિ જેવી સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. આવા અધમ કૃત્ય આચરનારા નરપિશાચને લોકો વચ્ચે જાહેરમાં લટકાવી ભયંકર મોતની સજા ફટકારવામાં આવવી જોઇએ અને તે પણ હવે વધુ સમય અને પૈસાનો વ્યય કર્યા વગર, શક્ય એટલી ઝડપે.એનાથી વિશ્વમાં આવું હિચકારુ કાર્ય કરવા બદલ કડક માં કડક સજાનો દાખલો તો બેસશે અને સાથે સાથે આતંકવાદના દૂષણને નાથવાનું એક અસરકારક પગલું ભર્યાની પહેલ આપણે કરી ગણાશે.
આ સિવાય પણ બીજા અનેક લોકોની નાની મોટી અનેક હ્રદયદ્રાવક કથનીઓ વાંચવામાં આવી જેમના જીવન ૨૬ નવેમ્બરની આ ગોઝારી ઘટનાએ સંપૂર્ણપણે બદલી કે બરબાદ કરી નાંખ્યા.૨૫ વર્ષનો એક ગુજરાતી યુવાન કોલાબામાં પોતાના ઘરમાં જ ઠાર મરાયો હતો જેણે જીવનમાં ક્યારેય કોઈનું બૂરું ચાહ્યું કે કર્યું નહોતું અને જે સદાયે બીજાઓને મદદ કરવા તત્પર રહેતો.તેની શોકમગ્ન વ્રુદ્ધ માતાનો મ્રુતપુત્રનો ફોટો ખોળામાં લઈને બેઠેલી તસવીર અને પ્રશ્નાર્થસૂચક વેદનાભરી આંખો જોઇ ભાગ્યેજ કોઇની આંખ ભીની થયા વિના રહી શકે. મેજર સંદિપ ઉન્નીક્રિશ્નન તેના માતાપિતાનો એકનોએક જુવાનજોધ પુત્ર હતો જે આતંકવાદીઓ સામે લડતા લડતા બાનમાં રખાયેલા નિર્દોષ લોકોને છોડાવવાના ઓપરેશનમાં વીરગતિ પામ્યો.આ શહીદ પુત્રરત્નની ખોટથી તેના માતાપિતાના જીવનમાં સર્જાયેલી શૂન્યતા અને વેદના અનુભવી મારું હ્રદય કકળી ઉઠે છે. એક સ્ત્રીનું અડધું અંગ ગોળીઓથી વિંધાવાને કારણે આજે લકવાગ્રસ્ત થઈ ચૂક્યું છે.કેટલાય બાળકો અનાથ અને કેટલાય માબાપ સંતાનવિહોણા બની ચૂક્યા છે. છતાં હજી કસબની ઓળખમાટે કોર્ટમાં પરેડોના તમાશા યોજાય છે. આ અને આવી બીજી અનેક વાતો વાંચી મારા મનમાં અનેક મિશ્રલાગણીઓનું ઘોડાપૂર ઉમટે છે. હું દયા,દુ:ખ,ગુસ્સો,લાચારી,આક્રોશ,વેદના વગેરે બધું એક સાથે અનુભવું છું.
આપણાં નેતાઓ ક્યારે ગંદુ રાજકારણ રમવાનું બંધ કરી, દરિયા વચ્ચે અબજો રૂપિયા ખર્ચી પૂતળા બાંધવા અને એકાદ એમ.એલ.એ ને મરઠીમાં શપથ ન લેવા બદલ થપ્પડ મારવા કે મુંબઈની દુકાનોમાં ફરજિયાત મરાઠી પાટિયા લગાડવાની ફરજ પાડવા જેવી નિરર્થક અને સાવ નકામી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાને બદલે આપણી
સેવા અને સુરક્ષા પર ધ્યાન આપશે?

હે ઇશ્વર, દરેકને સદબુદ્ધિ આપો અને આ શહેરને, દેશને અને સમગ્ર ધરાને વધુ જીવવાલાયક બનાવો...

ગેસ્ટ બ્લોગ : પત્ર, ટપાલ, ઇમેલ વગેરે...

ગેસ્ટ બ્લોગ : મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ
----------------------------------

હમણાં થોડા દિવસ પહેલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ તત્કાલીન ગવર્નર ડેલહાઉસીને પર્શિયન ભાષામાં લખેલો પત્ર બ્રિટિશ લાયબ્રેરીમાંથી મળી
આવ્યો. આઝાદી મળ્યાને આટલે વર્ષે ભારતની સ્વતંત્રતા માટે સ્ત્રીઓને અંતિમ બલિદાન આપવાની પ્રેરણા આપનાર એ મહાન સ્વાતંત્ર્ય સેનાની રાણી લક્ષ્મીબાઈના સ્વહસ્તે લખાયેલ પત્ર જોઈને એક ભારતવાસીને અનહદ રોમાંચ થાય તે સ્વાભાવિક છે. આઝાદી માટેની ઉદ્દાત દેશદાઝના પ્રતીક સમી રાણી લક્ષ્મીબાઈના હૈયાની આગ તે પત્રમાં ઠાંસી ઠાંસીને ઠલવાઈ હોય અને તેમના અગનઝરતા અક્ષરો જાણે કે કેસરિયા ભાસતા હશે.

આજની તારીખમાં તો કોમ્પ્યુટર- ઈન્ટરનેટ અને મોબાઈલ-એસ.એમ.એસ.ના જમાનામાં પત્રલેખન ઓલ્ડફેશન, આઉટડેટેડ ગણાય છે, પણ પત્રલેખન અને પત્ર મળ્યાનો જે આનંદ હતો તેની કદાચ નવી પેઢીને કલ્પના પણ નહી આવી શકે. જો કે હું મારી જાતને જૂની પેઢીની કે પ્રૌઢ કે વ્રુદ્ધોના જમાનાની નથી માનતી.... પણ ખરેખર પત્ર લખવાની એક વિશેષ, આગવી કળા હતી.

સાદું પોસ્ટકાર્ડ - જનરલ પત્ર=સર્વે કુટુંબીજનોને લખાયેલો પત્ર.
પરબીડિયું - કવર= કઈંક ખાસ વાત.

સામાન્ય રીતે જેને ઉદ્દેશીને પત્ર લખાયો હોય તે ઉપરાંત કદાચ ઘરના બધા સભ્યો તે પત્ર વાંચતા.પત્ર પ્રાઈવેસી જેવું કંઈ ખાસ નહોતું. ખાખી પરબીડિયામાં આવતા પત્રો સરકારી કચેરીમાંથી આવ્યા હોય તેવું પણ ખરું.

ઈનલેન્ડ -અંતર્દેશીયપત્રો,એરમેલ-આન્તર્દેશીય પત્રો....

સરનામું જે અક્ષરોમાં લખાયું હોય તે પરથી કોનો પત્ર છે તે વગર ખોલે ખબર પડી જતી.ઘરના વડિલ સભ્યોને કાગળ વાંચી સંભળાવવામાં આવતો. અક્ષરજ્ઞાન સહજ નહોતું એટલે કાં તો પછીતેમને આંખે દેખાતું ઓછું થયું હોય તે કારણે. કુટુંબમાં કોઈ બેન-દિકરીની સગાઈ થઈ હોય અને તેમના ભાવિ વરરાજાના લખેલા સુગન્ધિત રંગીન પરબીડિયાઓ, દોસ્તોના પત્રો....
કેટલાક પત્રલેખકો વળી પોતાની ચિત્રકળાના પરચા પણ પત્રમાં દર્શાવતા, આજે ઈમેલમાં સ્માઈલી હોય છે ને તેમ જ !
અહિં હું મારા સંગીતના પરમપુજ્ય ગુરુ સુપ્રસિદ્ધ સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઈનો ઉલ્લેખ કર્યા વગર શી રીતે રહી શકું? શ્રી રસભાઈનો પત્ર મળવો અને વાંચવો તે એક લહાવો છે....અદભૂત પત્રલેખન....! ! જાણીતા હાસ્યલેખક શ્રી અશોક દવેના સ્વહસ્તે લખાયેલો પત્ર વાંચીને પણ અભિભૂત થઈ જવાયું હતું....શું અક્ષરો ! જાણે કે કોમ્પ્યુટરના ફોન્ટ્સ ! ! વાહ ! ક્યા બાત હૈ !
અને જો ભૂલેચૂકે તાર=ટેલીગ્રામ આવ્યો તો તો આવી જ બન્યું ! સહુ ગભરાઈ જતા. બસ એક જ મેન્ટાલિટી કે કંઈ અશુભ બન્યું હોય તો જ તાર આવે!

એક મઝાની વાત કહું. મારી કઝીનના પતિદેવ બહારગામ ગયા. એમણે તેને ત્રણ તાર કર્યા... પ્રેમપત્રને બદલે, પ્રેમ તાર. અને ઘરમાં સહુ અવાક ! આ જેશ્ચર તેમની સમજની બહાર હતું ! ઘણાં તો વળી પત્ર લખે જ નહીં, અને ભૂલેચૂકે લખે તો ટપાલપેટીમાં નાંખવાની એટલે પોસ્ટ પરવાની આળસ. એમાં મારો નંબર પહેલો. મને કાગળ લખવાનો બહુ જ કંટાળો આવે અને લખું તો પોસ્ટ કરવાનો રહી જ જાય. ઘણા તો વળી ટપાલ ઉપર ટિકિટ ચોંટાડે જ નહી !અને આપણે વગર મફતના ટિકિટના પૈસા ભરવા પડે. કેટલાક સિક્કા વગરની ટિકિટો ઉખાડી લે.... કેટલાકને વિવિધ પ્રકારની ટિકિટો અને ફર્સ્ટ ડે કવર સંઘરતા જોયા છે.

મારા એક અંકલ શ્રી હર્ષવર્ધન મહેતાએ ટિકિટ સંગ્રહનું પ્રદર્શન યોજ્યું હતું.ઘણી અલભ્ય અને અપ્રાપ્ય ટિકિટો છે તેમની પાસે. આમ તો ટપાલ- કાગળ લખવાની પ્રથા ભૂસાઈ ગઈ છે. ટપાલ ખાતું અન્ય વેલ્યૂ એડેડ સેવા દ્વારા નાગરિકોની સેવા કર્યે રાખે છે. જો કે પોસ્ટઓફિસ દ્વારા રજીસ્ટર્ડ પોસ્ટ કરવાની પ્રથા ખૂબ જ વિશ્વસનીય ગણાય
છે.આજની પેઢી ‘ડાકિયા ડાક લાયા’ કે પછી ‘ફૂલ તુમ્હેં ભેજા હૈ ખતમેં’ કે ‘હું તો કાગળીયા લખી લખી થાકી..’ વગેરે જેવા ગીતોના મહત્વને સમજી શકશે ખરી?

પહેલાના જમાનામાં કબૂતર કે પછી બાજ પક્ષી દ્વારા કે ઘોડા ઉપર કાસદ કે ખેપીયા દ્વારા પત્ર પહોંચાડતા..પ્રેમિકાને પત્ર પહોંચાડનાર કાસદ પોતે જ તે રૂપવતીને
ઉડાવી જવાના કિસ્સાઓ ની વાર્તા પણ વાંચી છે.પહેલા પત્ર પહોંચતા સમય લાગતો અને આજે ઈન્ટરનેટ યુગમાં પત્ર એટલે ઈમેલ કે એસએમએસ લખ્યો અને સેન્ડ કર્યો નથી એટલે કે મોક્લ્યો નથી કે સીધો મોબાઈલ ફોન પર કે જેને મોક્લ્યો હોય તેને ઈમેલ પર પહોંચ્યો નથી.....

સાહિત્ય ક્ષેત્રે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પત્રો, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂના તેમની સુપુત્રી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દીરા ગાંધીને લખાયેલા પત્રો ખૂબ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ગાંધીજીના ગરબડિયા અક્ષરો આજે પણ યાદ છે.

પહેલાના જમાનામાં લોકો જાતે એક્બીજાને મળવા જતા. સુખે દુ:ખે જાતે જઈને સગાંસ્નેહીઓને મળતા.પછી પત્ર દ્વારા લાગણીઓની આપલે થતી.તે પછી ટેલીફોનની શોધ
થઈ,પછી પેજર અને સેલ ફોનનો પ્રાદુર્ભાવ થયો. શરૂશરૂમાં તો મોબાઈલ પર વાત થતી.પછી એસએમએસ દ્વારા કામ ચાલતું. પણ હવે તો ઓરકૂટ જેવી કોમ્યુનિટીઓ ઉપર સ્ક્રેપ કરીને વર્ષગાંઠ કે નુતન વર્ષાભિનંદન કે રક્ષાબંધનની શુભેછાઓ પાઠવી દેવાય છે..બસ પત્યું !
હવે તો પોસ્ટમેન દર મહિને બીલો આપવા અને દર દિવાળીએ બોણી લેવા જ પધારે છે, તે સિવાય દેખાતા જ નથી.મારા માએ મોતીના દાણા જેવા અક્ષરોમાં લખેલા કે
મારા બાળકો- નાન્દી અને કિરાતે કાલીઘેલી ભાષામાં મને લખેલા પત્રો આજે પણ મેં જીવની જેમ જાળવી રાખ્યા છે.દૂરદર્શન ઉપર સુરભી વગેરે કાર્યક્રમોમાં આવતા પત્રો યાદ છે?
ઢગલાબંધ પત્રો ! હવે એસએમએસ પર ગાડુ ચાલે છે. આયોડેક્સ મલિયે કામ પર ચઢિયે ને બદલે એસએમએસ કિજિયે કામ પર ચઢિયે નો જમાનો છે.
દુનિયાભરમાં કોઇની પણ પત્ર લખવા માટેની વેબસાઈટ -પોસ્ટક્રોસિંગ.કોમ જોવા જેવી છે.પત્રલેખનનો શોખ પણ પૂરો થશે અને દુનિયાભરમાંથી કોઇની પણ સાથે પત્રમિત્રતા
થશે... પેન ફ્રેન્ડ પ્રથા હતી ને તેમ જ...

તમે પણ મને પત્ર લખી શકો છો...મારું ઈમેલ આઈડી છે : mainakimehta@yahoo.co.in
જો કે હું મારા હૈયાના ભાવ, પ્રાર્થના શિવજી@ કૈલાસધામ.કોમ ને તાબડતોબ પહોંચાડવાની કોશીશમાં લાગી છું...

- મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ

શુક્રવાર, 11 ડિસેમ્બર, 2009

હરિશ્ચન્દ્ર ગઢની ટ્રેક-સફરે...(ભાગ-૫)

ગુફામાં એક મોટું આદમકાય શિવલિંગ હતું જેની ઉંચાઈ અંદાજે ૮-૯ ફીટ હશે.વિશેષતા એ હતી કે આ શિવલિંગ આખું પાણીમાં ડૂબેલું હતું, ફક્ત તેની ટોચ પાણી બહાર ડોકાઈ રહી હતી. શિવલિંગની આજુબાજુ ચાર સ્તંભ હતાં જેમાંથી ફક્ત એક આખો અને સારી સ્થિતીમાં હતો.બાકીનાં ત્રણ સ્તંભ તૂટી ગયેલી હાલતમાં ઉપરથી લટકી રહ્યાં હતાં.

ગુફામાં અંધારું હતું.તેમાં ભરાયેલા પાણીમાં સાપ કે બીજ કોઈ જીવજંતુ હોવાની શક્યતા પણ હતી. ડર લાગે એવી પરિથિતી છતાં અમને શું સુઝ્યું અને કોણ જાણે ક્યાંથી અમારામાં હિંમત આવી ને અમે ચારી મિત્રોએ ટી-શર્ટ કાઢી નાંખ્યા અને ડૂબકી લગાવી અંધારી ગુફાનાં પાણીમાં અને તરીને પહોંચી ગયા શિવલિંગ પાસે. જળ તો હતું જ, અમે શિવલિંગ પર જળાભિષેક કર્યો. યોગાનુયોગ એ દિવસે એકાદશી હતી. મારા મિત્ર સ્વપ્નિલને સંગીતનું સારુ જ્ઞાન હોઈ, તેણે તેનાં મધુર સ્વરમાં ત્યાં જ કમરસુધીના પાણીમાં ઉભા ઉભા શિવસ્ત્રોત ગાયું.ઠંડા પાણીમાં થોડી વધુ વાર અમે શિવલિંગની આજુબાજુ તર્યા અને ત્યારબાદ ગુફાની બહાર આવ્યા.

આ ગુફા નજીક બીજો પણ એક મજેદાર અનુભવ થયો. ગુફા બહાર ઝરણામાં પગ બોળીને બેઠાં ત્યારે કેટલીક 'સકર ફીશ' તરીકે ઓળખાતી નાની નાની માછલીઓ મારા પગ ને મફત 'પેડીક્યોર' આપવા લાગી. એ અનુભવ પણ અતિ યાદગાર હતો.સુંવાળી નાજુક માછલીઓ મારા પાણીમાં ડૂબેલાં પગ પરથી કંઈક ખેંચવા ચૂસવા કે શોષવા મથી રહી હતી અને ત્યારે મે પગ પર અનુભવેલી ઝણઝણાટી અને સંવેદના હું શબ્દમાં નહિં વર્ણવી શકું! આમે પાછા ફરી બધાને શિવલિંગ વાળા પ્રસંગની વાત કહી અને પેટ ભરીને ખિચડી ખાધી. પછી શરૂ થયો અમારો પાછા ફરવાનો પ્રવાસ.



પરત ફરવાનો પ્રવાસ પણ અતિ રસપ્રદ અને રોમાંચક બની રહ્યો. એ દિવસ ખૂબ સરસ હતો. ઝરમર ઝરમર વરસાદ અમને પલાળી રહ્યો હતો. ગઈ રાતે અંધારામાં ન જોઇ શકાયેલ કુદરતના વૈવિધ્યભર્યાં સૌંદર્યનું ભરપેટ પાન કરતાં કરતાં અમે પર્વત પરથી ઉતરવાની શરૂઆત કરી.પીળા, સફેદ, ગુલાબી, જંબલી, લાયલેક અને સ્યાન જેવા અંગ્રેજી તેમજ અનેક વિવિધ રંગનાં અસંખ્ય પુષ્પો, લીલુંછમ ઘાસ, લીલ, વહેતું સ્વચ્છ પાણી, ખડકો, જાતજાતનાં ઝાડપાન, ક્યારેય ન સાંભળ્યા હોય એવા પંખીઓના કલરવ, પતંગિયાં અને વાણિયા, મધમાખીઓ, વિવિધ પ્રકારનાં થોર વગેરે વગેરે...આ બધાંએ અમારી હરિશચંદ્ર ગઢની પરત યાત્રા પણ અવિસ્મરણીય બનાવી મૂકી. બે અઢી કલાકના ઉતરાણ બાદ અમે એક મેદાન જેવા પ્રદેશ પાસે થાક ખાવા થોભ્યા.અહિંથી વાદળા-આચ્છાદિત લીલાછમ પહાડોનું મનમોહક દર્શન કરી અમારી આંખો ધન્યતા અનુભવી રહી.અચાનક અમારી આંખ સામે સાત રંગી પટ્ટો ફરતો દેખાયો.થોડી જ ક્ષણોમાં એ રંગીન ધનુષાકાર પટ્ટો એક દિશામાંથી બીજી દિશામાં પ્રયાણ કરી ગાયબ થઈ ગયો! સ્થિર અર્ધવર્તુળાકાર મેઘધનુષ તો ઘણી વાર જોયેલું પણ ફરતું વર્તુળાકાર ઈન્દ્રધનુષ આજે પહેલી વાર જોવા મળ્યું.થોડી થોડી વર્ષા શરૂ થઈ અને તેની સાથે અમે પણ અમારી યાત્રા ફરી શરૂ કરી.

હવે ગઈ કાલે પસાર કરેલા પેલા અતિ મુશ્કેલ ભાગ ફરી પાછા માર્ગમાં આવ્યા.અમે ફરી ૭-૮ ના જૂથમાં વહેંચાઈ ગયા હતા. અહિં બનેલી એક ઘટના હું જીવનમાં ક્યારેય નહિં ભૂલી શકું.એક લપસણો સીધ ઢોળાવવાળો ભીનો ખડકનો પટ્ટો આવ્યો જે એવા ખૂણે હતો કે ત્યાંથી જો તમારો પગ જરા જેટલો ખસે અને તમે સંતુલન ગુમાવો તો જઈ પહોંચો સીધા ઉંડી ખીણમાં.અમારા જૂથમાંથી મારા એક મિત્રે તો આ પટ્ટો સાવધાનીપૂર્વક પસાર કરી નાંખ્યો અને મારો વારો ત્રીજો હતો.વચ્ચે બીજા નંબરે પૂણેનો એક ટ્રેકર મિત્ર હતો જે આ લપસણા ખડકનાં મધ્ય ભાગ સુધી પહોંચ્યો અને તેનો પગ લપસ્યો.અમે તેના લપસવાનો અવાજ સાંભળ્યો અને મેં તો મારી સગી આંખે તેને મ્રુત્યુથી બે ડગલા છેટે જોયો. પણ રામ રાખે તેને કોણ ચાખે? પગ લપસતા તેણે સંતુલન ગુમાવ્યુ અને તે પડવા જતો હતો ત્યાં તેની પીઠ પર લટકાવેલી બેક્પેક (ભારે ટ્રેકિંગ બેગ) ખડક પરનાં ઝાડીઝાંખરામાં ભરાઈ ગઈ અને તે ઘડીના છટ્ઠા ભાગમાં પોતાની જાતને સંભાળી શક્યો અને લપસીને ઉંડી ખીણમાં પડતા પડતા બચી ગયો.તેણે ચોક્કસ સવારે ભગવાનની પ્રાર્થના કરી હશે! અમારા બધાનાં શ્વાસ બે ઘડી થંભી ગયાં. બચી ગયેલા એ યુવાનનાં મુખ પર જે હાવભાવ હતા તે ડરના હતા કે ઇશ્વરનો લાખ લાખ આભાર માનતા એ અમે નક્કી કરી શક્યા નહિં. એ પટ્ટો પસાર કરી ચુકેલા મારા મિત્રે પછા ફરી ફસાઈ ગયેલા મિત્રને સંતુલન જાળવવામાં મદદ કરી અને એ તેને હેમખેમ આગળ લઈ ગયો. અમારા બધાનો શ્વાસ હેઠો બેઠો! પછી તો થોડી વાર સુધી કોઈ કંઈ બોલ્યુ જ નહિં. અમે બધાંએ ચૂપચાપ એ પટ્ટો ઓળંગી શાંતિપૂર્વક આગળ ચાલ્યા કર્યું.
થોડે આગળ બીજી એક ટેકરી જેવો ભાગ આવ્યો જ્યાં થઈને પાણી નીચે વહી જતું હતું, જથ્થામાં નહિં પણ થોડું થોડું. તેથી જ અહિં ઠેરઠેર લીલ બાઝેલી હતી. આવા ભાગ પર ચાલવું ઘણુ મુશ્કેલ બની રહેતું હોય છે, લપસીને ગબડી પડવાનાં ભયને લીધે. આ ભાગ થોડા સમય પૂર્વે પસાર કરેલા પટ્ટા જેવો ડરામણો નહોતો અને કદાચ એટલે જ હું મારા વિચારોમાં ખોવાઈ ચાલ્યે જતો હતો.ત્યાં અચાનક સમગ્ર પૃથ્વી જાણે એક ગોળ ચક્કર ફરી ગઈ. ધડાક..! મોટો અવાજ પણ થયો. મને પહેલાં તો કંઈ સમજાયુ જ નહિં કે શુ બની ગયું પણ થોડી ક્ષણો બાદ જ્યારે હું કંઈ સમજી શકું એવી સ્થિતીમાં આવ્યો ત્યારે મે અનુભવ્યું કે હું ભોંય પર પટકાયો હતો અને અત્યારે મારા પગ ઉપર હતાં અને માથુ નીચે! સદનસીબે એ જગા ખતરનાક નહોતી જ્યાં એક પગલું ખસે કે તમે સીધા ખીણમાં જઈ પહોંચો! છતાંયે પહાડ જેવી જગાએ પગ લપસતા ગબડી પડવુ પણ કંઈ ઓછું જોખમી અને ભયજનક નથી જ! એ મને પૂછો! મારી બેકપેક એક બાજુ હતી, કેમેરાનું પાઉચ બીજી બાજુ અને હું પોતે ત્રીજી બાજુ! પણ મારા પર પણ મારા પુણેવાલા મિત્રની જેમજ ઇશ્વરની સદકૃપા ઉતરી અને મને પણ ઝાઝી ઈજા ન પહોંચી. મુશ્કેલી વખતે તમારાં અંગો ઘણી વાર કાર્યરત થઈ તમને બચાવી લેતા હોય છે.જેમ મારા હાથે મને વધુ ગબડતા રોકી લીધો અને હું ભયમાંથી ઉગરી ગયો.મારા બીજા મિત્રોએ મને પગલું ખોટી જગાએ અને ખોટી રીતે મૂકવા બદલ ખૂબ ધમકાવ્યો પણ મને સમજાયું જ નહિં કે મારી ભૂલ ક્યાં થઈ હતી.સાવધાની પૂર્વક ઉભા થઈ મે મારે વસ્તુઓ સમેટી લીધી અને ફરી આગળ વધવું શરૂ કર્યું પણ હવે મારા મનમાં એક ડર બેસી ગયો હતો. આગળનું દરેક ડગલું મે અતિ સાવધાનીપૂર્વક અને એક પ્રકારનાં ભય સાથે ભર્યું. ગઈ કાલે આજ માર્ગેથી પસાર થતી વેળાએ મારા મનમાં બિલકુલ ડર નહોતો પણ એક વાર પડ્યા પછી હવે પરિસ્થિતિ જૂદી હતી. છેવટે ચાર-પાંચ કલાકની પદયાત્રા બાદ અમે પર્વતની તળેટીએ પહોંચ્યા.અહિં હવે શરૂ થતાં જંગલ પ્રદેશમાં થઈ બે એક કલાકમાં અમારે ખિરેશ્વર પહોંચવાનું હતું જ્યાંથી ગઈ કાલે અમે અમારી આ અદભૂત યાત્રા આરંભી હતી. અમે બધા ખૂબ ખૂબ થાકી ગયા હતાં. ગઈ કાલે જ્યારે આ જંગલમાં થઈ ને જ અમે ટ્રેક આરંભી ત્યારે અમે બધા કંઈક તદ્દન જૂદી જ લાગણીઓ અનુભવી રહ્યાં હતાં - સ્ફૂર્તિ અને ઉત્સાહથી થનગનતાં! અને અત્યારે?!


અંધારૂ થવાની પણ શરૂઆત થઈ ચૂકી હતી.અંધારૂ સંપૂર્ણ છવાઈ જાય એ પહેલાં આ જંગલમાંથી બહાર નિકળી જવા અમે સૌએ ઝડપ વધારી.પણ સમય જાણે અમારી સાથે સ્પર્ધા કરી રહ્યો! ક્ષણ પ્રતિક્ષણ અંધારૂ વધતું ચાલ્યું અને અમે જંગલ પુરેપુરૂ વટાવીએ એ પહેલા ગાઢ અંધકાર ફેલાઈ ગયો. એ પછીનો અડધો કલાક અમારે ટોર્ચનો ઉપયોગ કરી ચાલવું પડ્યું. છેવટે અમે ખિરેશ્વરની પેલી નાનકડી હોટેલમાં પહોંચી ગયા જ્યાં વાળુ અમારી રાહ જોઈ રહ્યું હતું!

અમારી હરિશચંદ્ર ગઢની આ અવિસ્મરણીય ટ્રેક પૂરી થઈ ગઈ! જીવનભર યાદ રહી જાય એવો યાદગાર અનુભવ! (એટલું મોડું થઈ ગયું હતું કે ખૂબી-ફાટા સુધી તો અમે પુણેરી મિત્રોની બસમાં પહોંચી ગયાં પણ ત્યાંથી મુંબઈ પાછા ફરવા માટે એસ.ટી. બસ ન મળતા અમારે એક ફૂલોથી ભરેલા ખટારામાં ગુણીઓ પર બેસી મુંબઈ પાછા આવવું પડ્યું.એ પણ એક યાદગાર અનુભવ હતો! કલ્યાણ સ્ટેશન પહોંચ્યા રાત્રે બાર ચાલીસે. ત્યાંથીયે દાદરની છેલ્લી લોકલ નિકળી ગયેલી. છતાં છેવટે અમે બધા હેમખેમ પોતપોતાના ઘેર પહોંચી ગયાં.)
કેટલાંક અનુભવો જીવનનાં મૂલ્યવાન આભૂષણ સમાન બની જાય છે,સારે નરસે પ્રસંગે તેમને યાદ કરી તમે પ્રસન્ન થઈ જાઓ છો. આવો જ એક મહામૂલો યાદગાર અનુભવ બની રહી અમારી આ હરિશચંદ્ર ગઢની ટ્રેક!

સમાપ્ત.