

ગુફામાં અંધારું હતું.તેમાં ભરાયેલા પાણીમાં સાપ કે બીજ કોઈ જીવજંતુ હોવાની શક્યતા પણ હતી. ડર લાગે એવી પરિથિતી છતાં અમને શું સુઝ્યું અને કોણ જાણે ક્યાંથી અમારામાં હિંમત આવી ને અમે ચારી મિત્રોએ ટી-શર્ટ કાઢી નાંખ્યા અને ડૂબકી લગાવી અંધારી ગુફાનાં પાણીમાં અને તરીને પહોંચી ગયા શિવલિંગ પાસે. જળ તો હતું જ, અમે શિવલિંગ પર જળાભિષેક કર્યો. યોગાનુયોગ એ દિવસે એકાદશી હતી. મારા મિત્ર સ્વપ્નિલને સંગીતનું સારુ જ્ઞાન હોઈ, તેણે તેનાં મધુર સ્વરમાં ત્યાં જ કમરસુધીના પાણીમાં ઉભા ઉભા શિવસ્ત્રોત ગાયું.ઠંડા પાણીમાં થોડી વધુ વાર અમે શિવલિંગની આજુબાજુ તર્યા અને ત્યારબાદ ગુફાની બહાર આવ્યા.


આ ગુફા નજીક બીજો પણ એક મજેદાર અનુભવ થયો. ગુફા બહાર ઝરણામાં પગ બોળીને બેઠાં ત્યારે કેટલીક 'સકર ફીશ' તરીકે ઓળખાતી નાની નાની માછલીઓ મારા પગ ને મફત 'પેડીક્યોર' આપવા લાગી. એ અનુભવ પણ અતિ યાદગાર હતો.સુંવાળી નાજુક માછલીઓ મારા પાણીમાં ડૂબેલાં પગ પરથી કંઈક ખેંચવા ચૂસવા કે શોષવા મથી રહી હતી અને ત્યારે મે પગ પર અનુભવેલી ઝણઝણાટી અને સંવેદના હું શબ્દમાં નહિં વર્ણવી શકું! આમે પાછા ફરી બધાને શિવલિંગ વાળા પ્રસંગની વાત કહી અને પેટ ભરીને ખિચડી ખાધી. પછી શરૂ થયો અમારો પાછા ફરવાનો પ્રવાસ.


પરત ફરવાનો પ્રવાસ પણ અતિ રસપ્રદ અને રોમાંચક બની રહ્યો. એ દિવસ ખૂબ સરસ હતો. ઝરમર ઝરમર વરસાદ અમને પલાળી રહ્યો હતો. ગઈ રાતે અંધારામાં ન જોઇ શકાયેલ કુદરતના વૈવિધ્યભર્યાં સૌંદર્યનું ભરપેટ પાન કરતાં કરતાં અમે પર્વત પરથી ઉતરવાની શરૂઆત કરી.પીળા, સફેદ, ગુલાબી, જંબલી, લાયલેક અને સ્યાન જેવા અંગ્રેજી તેમજ અનેક વિવિધ રંગનાં અસંખ્ય પુષ્પો, લીલુંછમ ઘાસ, લીલ, વહેતું સ્વચ્છ પાણી, ખડકો, જાતજાતનાં ઝાડપાન, ક્યારેય ન સાંભળ્યા હોય એવા પંખીઓના કલરવ, પતંગિયાં અને વાણિયા, મધમાખીઓ, વિવિધ પ્રકારનાં થોર વગેરે વગેરે...


હવે ગઈ કાલે પસાર કરેલા પેલા અતિ મુશ્કેલ ભાગ ફરી પાછા માર્ગમાં આવ્યા.અમે ફરી ૭-૮ ના જૂથમાં વહેંચાઈ ગયા હતા. અહિં બનેલી એક ઘટના હું જીવનમાં ક્યારેય નહિં ભૂલી શકું.એક લપસણો સીધ ઢોળાવવાળો ભીનો ખડકનો પટ્ટો આવ્યો જે એવા ખૂણે હતો કે ત્યાંથી જો તમારો પગ જરા જેટલો ખસે અને તમે સંતુલન ગુમાવો તો જઈ પહોંચો સીધા ઉંડી ખીણમાં.અમારા જૂથમાંથી મારા એક મિત્રે તો આ પટ્ટો સાવધાનીપૂર્વક પસાર કરી નાંખ્યો અને મારો વારો ત્રીજો હતો.વચ્ચે બીજા નંબરે પૂણેનો એક ટ્રેકર મિત્ર હતો જે આ લપસણા ખડકનાં મધ્ય ભાગ સુધી પહોંચ્યો અને તેનો પગ લપસ્યો.અમે તેના લપસવાનો અવાજ સાંભળ્યો અને મેં તો મારી સગી આંખે તેને મ્રુત્યુથી બે ડગલા છેટે જોયો.


થોડે આગળ બીજી એક ટેકરી જેવો ભાગ આવ્યો જ્યાં થઈને પાણી નીચે વહી જતું હતું, જથ્થામાં નહિં પણ થોડું થોડું. તેથી જ અહિં ઠેરઠેર લીલ બાઝેલી હતી. આવા ભાગ પર ચાલવું ઘણુ મુશ્કેલ બની રહેતું હોય છે, લપસીને ગબડી પડવાનાં ભયને લીધે. આ ભાગ થોડા સમય પૂર્વે પસાર કરેલા પટ્ટા જેવો ડરામણો નહોતો અને કદાચ એટલે જ હું મારા વિચારોમાં ખોવાઈ ચાલ્યે જતો હતો.ત્યાં અચાનક સમગ્ર પૃથ્વી જાણે એક ગોળ ચક્કર ફરી ગઈ.



અંધારૂ થવાની પણ શરૂઆત થઈ ચૂકી હતી.અંધારૂ સંપૂર્ણ છવાઈ જાય એ પહેલાં આ જંગલમાંથી બહાર નિકળી જવા અમે સૌએ ઝડપ વધારી.પણ સમય જાણે અમારી સાથે સ્પર્ધા કરી રહ્યો! ક્ષણ પ્રતિક્ષણ અંધારૂ વધતું ચાલ્યું અને અમે જંગલ પુરેપુરૂ વટાવીએ એ પહેલા ગાઢ અંધકાર ફેલાઈ ગયો. એ પછીનો અડધો કલાક અમારે ટોર્ચનો ઉપયોગ કરી ચાલવું પડ્યું. છેવટે અમે ખિરેશ્વરની પેલી નાનકડી હોટેલમાં પહોંચી ગયા જ્યાં વાળુ અમારી રાહ જોઈ રહ્યું હતું!

અમારી હરિશચંદ્ર ગઢની આ અવિસ્મરણીય ટ્રેક પૂરી થઈ ગઈ! જીવનભર યાદ રહી જાય એવો યાદગાર અનુભવ! (એટલું મોડું થઈ ગયું હતું કે ખૂબી-ફાટા સુધી તો અમે પુણેરી મિત્રોની બસમાં પહોંચી ગયાં પણ ત્યાંથી મુંબઈ પાછા ફરવા માટે એસ.ટી. બસ ન મળતા અમારે એક ફૂલોથી ભરેલા ખટારામાં ગુણીઓ પર બેસી મુંબઈ પાછા આવવું પડ્યું.એ પણ એક યાદગાર અનુભવ હતો! કલ્યાણ સ્ટેશન પહોંચ્યા રાત્રે બાર ચાલીસે. ત્યાંથીયે દાદરની છેલ્લી લોકલ નિકળી ગયેલી. છતાં છેવટે અમે બધા હેમખેમ પોતપોતાના ઘેર પહોંચી ગયાં.)
કેટલાંક અનુભવો જીવનનાં મૂલ્યવાન આભૂષણ સમાન બની જાય છે,સારે નરસે પ્રસંગે તેમને યાદ કરી તમે પ્રસન્ન થઈ જાઓ છો. આવો જ એક મહામૂલો યાદગાર અનુભવ બની રહી અમારી આ હરિશચંદ્ર ગઢની ટ્રેક!
સમાપ્ત.
બ્લોગનું સમાપન ખૂબ સારી રીતે કર્યું. તુ પડી ગયો પણ ઇજા ન થઈ એ ખૂબ સારી વાત છે.
જવાબ આપોકાઢી નાખો-દેવેન્દ્ર પૂરબિયા(બેંગલોર)
આપણે સાથે માણેલા આ અતિ મુશ્કેલ પણ યાદગાર ટ્રેકનું તે ભારે મહેનતથી અક્ષરશ: નિરૂપણ ખૂબ સુંદર રીતે કર્યું. આજે આ બ્લોગ સમાપ્ત થતાં મને થોડી નિરાશા પણ થાય છે કારણ તારા બ્લોગ પાછલા થોડા દિકસો દરમ્યાન નિયમિત વાંચવાની ખૂબ મજા પડતી હતી.તને આખી ટ્રેકની નાનામાં નાની વાત પણ યાદ છે એ કાબેલેતારીફ ગણાય!બ્લોગ લખતો રહેજે મિત્ર!
જવાબ આપોકાઢી નાખો- સત્યેન્દ્ર ત્રિપાઠી (પુણે)
મિત્ર ટ્રેક દરમ્યાન ખૂબ સાવધાન રહેવું જોઇએ.હું દર ઉનાળામાં વોશિંગ્ટન સ્ટેટની કાસ્કેડ પર્વતીય હારમાળાઓમાં પર્વતારોહણ કરું છું.તું ક્યારેક સીટલની મુલાકાત લે તો આ પ્રદેશમાં ટ્રેકિંગની મજા ચોક્કસ માણજે.
જવાબ આપોકાઢી નાખો- સ્ટુડિયો નવારેઝ (અમેરિકા)
સરસ વર્ણન.
જવાબ આપોકાઢી નાખોઆ વર્ષે ઑગસ્ટમાં હું પણ આ ટ્રેક પર જવાનો છું...!
-વિનય ખત્રી (પુણે)