Translate

ગુરુવાર, 20 જૂન, 2019

ગેસ્ટ બ્લોગ - શિક્ષણની સાચી રીત


મારી દીકરીએ સાતમું ધોરણ પાસ કર્યું અને એક જાતનું અદ્રશ્ય દબાણ આવવા લાગ્યું.દસમા ધોરણને ત્રણ  વર્ષ બાકી છે, આઠમા ધોરણથી ટ્યુશન ટીચર બુક કરાવી દેજો’ એવી શિખામણ મળવા લાગી. મારું ભણતર અને અનુભવ વાત માનવા તૈયાર નહોતાં અને મારી દીકરીને એક વાત કહેતો રહ્યો કેબેટા, જીવનમાં બધું પાછું આવશે, બાળપણ પાછું નહિ આવે. તું રમી લે, નવું નવું શીખી લે, મોટા લેખકોના પુસ્તકો અને મહાપુરષના જીવનચરીત્ર વાંચી લે પરંતુ શાળામાં ભણાવતા હોય તેટલું ભણી પણ લેજે. જીવનમાં પુસ્તકિયા જ્ઞાન સીવાય પણ ઘણુંબધું જ્ઞાન લેવાનું છે.
હું હજી સુધી સમજી નથી શક્યો કે બાળક શાળામાં થી સાત કલાક ભણીને પછી કોચિંગ ક્લાસમાં બીજા ચાર કલાક કેમ ગાળી શકે? શિક્ષકોનો 10 કલાક સતત જ્ઞાનનો મારો, બાળક કેવી રીતે મગજમાં ઉતારી શકતું હશે? હવે પાછું બાળક કોચિંગ ક્લાસમાં ગેરહાજર રહે તો તેના વાલીને  એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવે છે . પદ્ધતિ  વાલીનો બાળક પ્રત્યેનો અવિશ્વાસ છતો કરે છે. વાલીઓ લાખ રૂપિયા ખર્ચ્યા હોય એટલે બાળકનું મન કે  હોય હોય કોચિંગ કલાસમાં પરાણે મોકલી દે અને પછી તે એક પણ ખાડો પાડ્યા વગર ક્લાસમાં જાય છે કે નહિ તેની જાસૂસી કરે!  બાળકો પર અત્યાચાર કરીને આપણે શું મેળવવા માંગીએ છીએ?
હવે વેકેશન કલાસીસનો વાયરો ચાલુ થયો છે. આજનાં બાળકને આઠમા ધોરણથી બારમા ધોરણ સુધી વેકેશન મળતું નથી. આપણી શિક્ષણ પદ્ધતિ એવી રીતે બનાવવામાં આવી છે કે દસ મહિના બાળક ભણે, પાસ થાય એના ફળ સ્વરૂપે એને બે મહિના વેકેશન આપવામાં આવે જે દરમિયાન તે પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી શકે (શિક્ષકોની દરમિયાનગીરી વિના). પણ આપણે વાલીઓ (જેણે પોતાનું વેકેશન ભરપૂર માણ્યું છે) પોતાના બાળકોને રેટ રેસમાં ધકેલી દઈએ  છીએ.
મને જાણવા મળ્યું છે કે કોચિંગ કલાસીસ અને અમુક શાળાઓમાં પણ આઠમા ધોરણમાં નવમાનું અને નવમા ધોરણમાં દસમા ધોરણનું ભણાવવામાં આવે છે. સવાલ થાય છે કે શું બાળક આઠમા અને નવમા ધોરણનું બરાબર ભણ્યો? બધાં તણાવનું મુખ્ય કારણ છે કે બાળક દસમા ધોરણમાં સારા માર્કે પાસ થાય, શાળાનું પરીણામ ૧૦૦ ટકા આવે અને શાળાનું નામ થાય, પરંતુ સામાન્ય બાળક પર થતી આની ખરાબ અસરનું  શું?
મારો વિરોધ કોચિંગ કલાસીસ કે ટ્યૂશન શિક્ષક સામે નથી પરંતુ વાલીઓએ બાળકો પર કરેલ શિક્ષણના અતિરેક પર છે.
મારી દીકરીની નવમાં ધોરણની વાર્ષિક પરીક્ષા પછી પાછું દબાણ શરુ થયુ, વેકેશન કલાસીસ ભરાવી દો, શાળા શરુ થાય એની પહેલા બધો સિલેબસ પતી જશે પછી આખું વર્ષ માત્ર રિવીઝન કરવાનું. જ્ઞાન મેળવવાની રીત મને હજમ ના થઇ. રીત કદાચ સારી ડિગ્રી કે સારા માર્ક્સ મેળવી આપશે પણ સાચું જ્ઞાન આ રીતે નહિં મેળવી શકાય.
મારી દીકરીને સલાહ આપીપહેલા વેકેશન ભરપૂર માણી લે અને પછી દસમાની પરીક્ષા માટે તૈયાર થા.’ પરંતુ બીજી સમસ્યા, દીકરીને વેકેશન માણવા મિત્રો જોઈએ જે બધા કોચિંગ ક્લાસમાં ગયા હોય. હવે વેકેશન કઈ રીતે માણવું? દીકરીને બે મહિના બીજી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખી વેકેશનમાં માર્યાદિત ભણવાની સલાહ આપી.
                 હવે દીકરીનો સવાલ આવ્યો કે મારા સહાધ્યાયીયો આટલી બધી મહેનત કરે છે તો મારે એમનાથી આગળ કેમ આવવું? મેં કહ્યું,’સૌથી આગળ આવવું, જીવનનું લક્ષ્ય ના હોવું જોઈએ, પોતાને પોતાનાથી બહેતર બનાવવું જીવન નું લક્ષ્ય હોવું જોઈએ. સ્પર્ધા અન્યો સાથે નહિ બલ્કે પોતાની જાત સાથે કરવી જોઇએ. ’
જૂન ૨૦૧૮થી શરુ કરેલી દીકરીની તૈયારીમાં નિયમિત શાળા, નિયમિત ભણવું , દરરોજ રમવું , પૌષ્ટિક આહાર  અને સૌથી વધુ જરૂરી પૂરતી ઊંઘ લેવી - આ બધી બાબતોનો અમે માતાપિતાએ ખ્યાલ રાખ્યો.
કોચિંગ કલાસ નો સમય બચાવી ગત વર્ષનાં પ્રશ્નપત્રો (ટેસ્ટ સિરીઝ) લખ્યા જે તેની શાળાના અને કોચિંગ ક્લાસના શિક્ષકોએ તપાસ્યા અને તેને યોગ્ય દિશાસૂચન કર્યું. દસમા ધોરણનો હાઉ ના રાખી બધા તહેવાર માણ્યા , દિવાળી વેકેશનમાં બેંગ્લોર ફરવા ગયા, પરીક્ષાના ૧૨ દિવસ પહેલા ગુજરાતી ફિલ્મચાલ જીવી લઇએજોઈ આવ્યા. ડિસેમ્બર ૨૦૧૮થી ફોન કોલ્સ અને વ્હોટ્સ એપ પર થોડી પાબંધી રાખી.
                કોઈ અઘરા વિષયની અણસમજ વખતે સમજાવતો કેબેટા, જીવનના સવાલો પરીક્ષાના સવાલો જેટલા અઘરા નથી હોતા. માત્ર થોડી સામાન્ય બુદ્ધિથી તેમને ઉકેલી શકાય છે, પરંતુ સ્તર પર પહોંચવા ભણતર જરૂરી છે. માટે કોઈ અઘરા વિષયનું વધું પડતું ટેન્શન લેવું નહિ.’
આવા સલાહસૂચનો થોડાં અપનાવીને અને થોડાં અવગણીને દીકરીએ પરીક્ષા આપી.
પૂર્વાયોજીત મહેનત અને  ઈશ્વરની કૃપાથી મારી દીકરી જુહી કજારિયા(જમનાબાઈ નરસી સ્કૂલ) સમગ્ર ભારતમાં 0માં ધોરણમાં (આઈ.સી.એસ.સી. બોર્ડ,૨૦૧૯) પ્રથમ આવી.
બ્લોગલેખ મેં મારી દીકરીની સફળતા-સિદ્ધીની ગાથા વર્ણવવા નથી લખ્યો પરંતુ જણાવવા લખ્યો છે કે આપણે  આપણાં બાળકને બીબાંઢાળ શિક્ષણ આપતાં, એવી કેળવણી આપીએ જેથી તે પોતાના વિચારો અને ભણતરથી પોતાનાં જીવન અને કારકિર્દી ઘડી શકે અને એક વિશ્વમાનવ બની શકે.
-          - રૂપેશ કજારિયા

રવિવાર, 9 જૂન, 2019

ટ્રેનમાં મોટે અવાજે વાત

       મુંબઈ લોકલ ટ્રેનમાં રોજના નિયમ મુજબ ગર્દીમાં ભીંસાતા ઓફીસ જતી વેળાએ કાનમાં કોઈક ના મોટેથી બોલાયેલા શબ્દો અફળાયા. એ વ્યક્તિ એટલા જોરથી ઘાંટા પાડી કોઈકને ફોનમાં દબાડાવી રહી હતી કે મારું જ નહીં પણ આજુબાજુ એકમેકને ચીપકીને ઉભેલા સૌ કોઈનું ધ્યાન એ વ્યક્તિ તરફ ગયું. પણ એને તો જાણે કોઈની પડી જ નહોતી! એને મન કદાચ દુનિયામાં બે જ વ્યક્તિઓ અસ્તિત્વ ધરાવતી હતી - એ પોતે અને જેને તે દબાડાવી રહ્યો હતો એ સામી વ્યક્તિ. આમ તો મોટેથી ઘાંટા પાડી જાહેર જગાએ બોલવું જ અસભ્યતાની નિશાની સમું હતું પણ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેણે ગંદી ગાળો બોલવું શરૂ કર્યું. વ્યક્તિ આવું સ્વાર્થી વર્તન કરે, બેફામ જે રીતે વર્તવું હોય તેમ જાહેરમાં આસપાસના કોઈની પરવા કર્યા વગર વર્તે એ કેટલી હદે ચલાવી લેવું જોઈએ? આવી વ્યક્તિ વિરુદ્ધ આવા વર્તન માટે કોઈ કાયદો ન હોવો જોઈએ?
     મોબાઇલ હાથવગો બન્યા બાદ આ દૂષણ ભારે વધી ગયું છે. ક્યારેક કોઈ જરૂર ન હોય એ વખતે પણ આસપાસના લોકોની પરવા કર્યા વગર  કેટલાક લોકો મોટેથી  ઘાંટા પાડી ટોળટપ્પા મારશે તો ક્યારેક પરિવારના કોઈ સભ્ય કે સહકર્મચારી સાથે ગુસ્સામાં વાત કરશે. હાથ નીચે કામ કરતી વ્યક્તિથી ઓફિસમાં કોઈક ભૂલ થઈ ગઈ અને તેનો બૉસ ટ્રેનમાં ટ્રાવેલ કરતો કરતો તેની સામે મોબાઇલ પર આવી ગયો તો વગર કોઈ લેવાદેવા આસપાસના સૌને એ ભૂલ કરેલી વ્યક્તિ સાથે, ન સાંભળવાનું સાંભળવું પડશે.
   ઉપરોક્ત વર્ણવેલ પ્રસંગ બન્યો અને આવા બીજા બે - ચાર ભૂતકાળમાં નજર સામે બનેલા બનાવો યાદ આવી ગયાં. એક વાર કોઈક આધેડ વયની વ્યક્તિ સ્ટેશન બહાર આંટા મારતાં મારતાં હાંફળીફાંફળી થઈ એટલા જોરથી બૂમો પાડી સામે છેડેની વ્યક્તિને દબાડાવી રહી હતી કે જાણે હમણાં એ આધેડ વ્યક્તિને હાર્ટ એટેક આવી જશે કાં તેનું મગજ ફાટી જશે! એટલી સામાન્ય સમજ આવે વખતે એ વ્યક્તિને કેમ નહીં પડતી હોય કે એ ગમે એટલે મોટેથી બોલશે તો પણ સમસ્યાનો તત્કાળ ઉકેલ આવવાનો નથી તો શા માટે નાહકની રાડો પાડી પોતાનું બ્લડ પ્રેશર વધારવું અને આસપાસની જનતાને તમાશો દેખાડવાનો?
    અન્ય એક પ્રસંગે એક ભાઈ પોતાના ધંધાની વાતો મોટે મોટેથી અન્ય કોઈક સાથે કરી રહ્યા હતા. ત્યારે તો જો કે ગાડી સાવ ખાલી હતી અને ફર્સ્ટ ક્લાસ ના એ ડબ્બામાં મારા અને એ ઘાંટા પાડી રહેલી વ્યક્તિ સહિત ગણી ગાંઠી વ્યક્તિઓ જ આ ટોર્ચર સહન કરવા હાજર હતી પણ મને ખાતરી છે કે જો કદાચ ડબ્બો હકડે ઠઠ ભરેલો હોત તો યે આ ભાઈ સાહેબ ને કોઈ ફરક પડ્યો ન હોત, એ આટલા જ ઘાંટા પાડી વાત કરી રહ્યા હોત! મને કે આસપાસના કોઈને જ્યારે તેમની વાત સાથે કોઈ લેવાદેવા ન હોય અને ગાડીમાં ગરદી કે કોલાહલ પણ ન હોય તેવે સમયે મોટેમોટેથી બોલી અન્યોને પરેશાન કરવાની જરૂર ખરી? શું ધંધાની વાત ગાડીમાંથી ઉતર્યા બાદ ખાનગીમાં ન થઈ શકે?
     મારી ઓફિસ વાંદરા કુર્લા કોમ્પ્લેક્સમાં છે જ્યાં ડાયમંડ બોર્સ એટલે કે હીરા બજારની ઘણી બધી ઓફિસો પણ આવેલી છે અને મને ઘણી વાર ત્યાં કામે જતાં ગુજરાતી ભાઈઓ ભટકાઈ જાય કારણ અમારો જવાનો માર્ગ એક જ હોય છે. તેઓ પણ ઘણી વાર સાવ બાજુમાં ચાલી રહેલી કે ટ્રેનમાં હોય ત્યારે અડીને ઉભેલી વ્યક્તિ સાથે એટલા મોટા અવાજે વાત કરે કે પાંચ ફૂટ દૂર ઉભેલી વ્યક્તિ પણ એ સાંભળી શકે. આ પણ આસપાસના લોકોને અતિ ખલેલ પહોંચાડનારું અસભ્ય વર્તન છે. તેઓ એ સમજી શકશે?
      ટ્રેનમાં ચોક્કસ સમયે એક ચોક્કસ લોકલ પકડનાર ગ્રુપમાં પ્રવાસ કરનારાઓ પણ મોટે ભાગે બેફામ વર્તન કરતાં હોય છે. દોડીને જગા ઝાપટી લેવી, તેમના મિત્રો માટે જગા રોકી રાખવી, ગાળો બોલવી, અશ્લીલ વાતો કરવી (મોટેથી - જાણે આસપાસના લોકોનું મફતમાં મનોરંજન થઈ રહ્યું છે એમ ધારી એમ કરવાનો તેમણે ઠેકો લીધો હોય એ રીતે !) આ બધું નાટક તમને રોજ સહન કરવું પડે જો તમે પણ મજબૂરીના માર્યા એ જ લોકલમાં મુસાફરી કરી રહ્યાં હોવ તો.
   વિદેશી લોકો પાસે થી સભ્યતાના પાઠ આ બાબતે આપણે ભણવા જ જોઈએ. ત્યાં તમને આ રીતે ખલેલ પાડી અન્યોને પરેશાની થાય એવું વર્તન કોઈ કરતું જોવા મળશે નહીં.

ગેસ્ટ બ્લૉગ : ધાર્મિક સ્વપ્નો

   ભગવાન મહાવીર સ્વામીની કૃપાથી આ જન્મે જૈન ધર્મ પ્રાપ્ત થયો છે અને મારા સધાર્મિક સ્વભાવને લીધે મારું ચિંતન ધાર્મિક બાબતો પ્રત્યે વિશેષ હોય છે. આને લીધે મને સ્વપ્નોમાં પણ દેરાસર, ઉપાશ્રય, મહાસતીજી કે મહારાજ સાહેબ વારંવાર દેખા દે છે. આ ચિત્ર - વિચિત્ર સ્વપ્નો વિશે આજે મારે સૌ સાથે મારી વાત વહેંચવી છે.
   એક વાર સ્વપ્નમાં હું ઉપાશ્રય જઈ આયંબિલ કરતી હતી (જેમાં એક વાર બેસીને તેલ - મરચાં વગરનું બાફેલું ખાવાનું હોય). મહાસતીજી પાસે પચખાણ વિધિ કરી(જેમાં મહાસતીજી કે મહારાજ સાહેબ કોઈક નિયમ લેવડાવે). ખંડ મોટો હતો છતાં જગા દુર્લભ હતી. પૂજ્ય સ્વામીના દર્શન કર્યા. એક સ્વામી પાટ પર વિરાજ્યા હતા જે ખૂબ શાંત અને મૌન હતા. પણ તે જરા નાદુરસ્ત હતા. બીજા સ્વામીએ ઇશારાથી મને કંઈ બોલવાની મનાઈ ફરમાવી. આ સ્વપ્ન આટલું જ.
   એક તબક્કે અમે નવા ઘરની શોધમાં હતાં ત્યારે આવેલ એક સ્વપ્નમાં મારા પતિ મને એક જગાએ ઘર જોવા લઈ ગયા. જગા એવે ઠેકાણે હતી કે મકાનની વચ્ચે માર્ગ હતો. માર્ગની પાછળ ઘૂઘવતો સમુદ્ર હતો.મેં જગા લેવાની અનિચ્છા દર્શાવી ત્યારે મારા પતિએ મારી ડાબી બાજુએ જોવા કહ્યું. જોયું તો ત્યાં મુંબઈનું મોટું મહાલક્ષ્મી મંદિર હતું. મેં એ જગા લઈ લેવાનો નિર્ણય લીધો. ત્યાંતો સ્વપ્ન પૂરું.
   અન્ય એક સ્વપ્નમાં હું મારી એક સખી સાથે પાર્શ્વનાથના દેરાસરમાં ગઈ. આ દેરાસર ભૂગર્ભમાં હતું. ૧૦૮ ભગવાનની મૂર્તિઓ તેમાં હતી. દરેક ભગવાનના અમે ખમાસણા કર્યા અને અંતરથી પ્રભુના આશિષ માગ્યા. બહાર આવ્યા અને સ્વપ્ન પૂર્ણ.
  બીજા એક સ્વપ્નમાં લીમડી સંપ્રદાયના પૂ. હંસાબાઈ મહાસતીજીના દર્શન કરવા જવાનું થયું. પૂ. મહાસતીજીના મધુર સ્વરમાં વ્યાખ્યાન સાંભળ્યું. જાણે જ્ઞાન પ્રાપ્તિ થઈ. હરખાતી હું ઘર ભણી રવાના થતી હતી અને સ્વપ્ન ત્યાં જ પૂરું.
   સ્વપ્નો આવા જ હોય, ક્યારેક સ્પષ્ટ તો ક્યારેક બિલકુલ ન સમજાય એવા. એમની પણ એક ભાષા હોય છે જે આપણે સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. પણ મારા મતે દરેક સ્વપ્ન નો ચોક્કસ કોઈક અર્થ નીકળતો હોય છે. મારા આ સ્વપ્નોનો પણ કોઈક અર્થ હશે...

- પ્રફુલ્લા ભૂપતરાય શાહ

ગેસ્ટ બ્લૉગ : ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા

       વર્ષો પહેલાં શ્રી અમૃતલાલ વેગડની  નર્મદા પરિક્રમા વિષેની કોલમ ‘જન્મભૂમિ પ્રવાસી’ ની પૂર્તિ માં બહુ રસપૂર્વક વાંચતાં. તેમની ચિત્રાત્મક શૈલી અને માં  નર્મદા પ્રત્યે ની ભક્તિએ આ પરિક્રમા માટે એક અજબ આકર્ષણ જગાવ્યું હતું. તેઓએ જીવન માં ઘણી વાર નર્મદા પરિક્રમા કરેલ. અને ૭૦ વર્ષ વટાવી ચૂક્યા પછી પણ પરિક્રમા કરવાનું ચૂક્યા ન હતા. આપણને વાંચી વાંચીને મન બહુ થાય પણ આ વર્ણનો પરથી જ ખ્યાલ હતો કે તે બહુ કઠિન કામ છે.સતત ચાલવું દિવસો સુધી અને તે પણ ઢાળ-કેડી અને કાંકરા કે ઝાંખરાં વચ્ચે- એ બધુ લગભગ અશક્ય જ હતું. ક્યાંક અંતરિયાળ સ્થળે તમે લૂંટાઈ જાવ તેમ પણ બને. 
મનમાં અદમ્ય ઈચ્છાનું બીજ હોય તો કયાંક દાયકાઓ પછી પણ ફળદાયી નીવડે જ તેની સાબિતી મળી. નર્મદા મૈયાની નાની પરિક્રમા –ઉત્તરવાહિની વિષે જાણકારી મળતાં  જ જૂની ઈચ્છા આળસ મરડીને બેઠી થઈ. અલબત આ વિષે બહુ વધારે માહિતી ન હતી. ક્યાં થી ચાલુ કરવી, કયા રસ્તે જવું, કયો સમય અનુકૂળ ગણાય વ બાબતની કઈ ખબર નહીં પણ આ બધી ચિંતા અમારા મિત્ર શ્રી જીતેન્દ્રભાઈ મિસ્ત્રી ને સોંપી ને ‘આપણે જઈએ.’. એટલું જણાવતાં જ તેઓએ તેમનાં અનુભવનાં  આધારે સરસ આયોજન કરી આપ્યું અને અન્ય મિત્રો સાથે સહુ ‘નર્મદે હર’ નાં નારા સાથે ૨૩ એપ્રિલ ની રાતે નીકળી પડ્યાં.
પરિક્રમામાં ૧૬ કિલોમીટર જેટલું ચાલવું પડે. છેલ્લાં કેટલાંક સમયથી ચાલવાનું તો લગભગ ઓછું થઈ ગયું છે. મનમાં ડર હતો જ છતાં હિંમત કરી જ નાંખી. 
રાત નાં દસની આસપાસ વડોદરાથી નીકળ્યા અને સાડા બાર સુધીમાં રાજપીપળા પાસે આવેલ રામપુર ગામ પહોંચી ગયા. અડધી રાતે ‘નર્મદે હર’ નાં નારા થી મંદિર ગાજી ઉઠ્યું. અને શરૂ થઈ આ ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા.
પ્રારંભમાં તો નાના ગામ વચ્ચેની નાની પણ પાકી સડક હતી, થોડા અંતરે વીજળી પણ હતી. અને એકલ-દોકલ ઉભેલ મકાનની બહાર પણ લાઇટ લટકતું હોય. જેથી મનોબળ વધ્યું.. અડધો એક કલાક માં  તો પગ અકડાવાની શરૂઆત થઈ ગઈ. પણ ચાલ્યા કર્યું,બસ ચાલ્યા કર્યું. એક તરફ નાના મોટા ખેતર અને બીજી બાજુ ઊંચા વૃક્ષો વચ્ચેથી માર્ગ પસાર થતો રહ્યો. ગામ પૂરા થતાં જ સડક ગાયબ થઈ ગઈ અને અંધારી કેડી શરૂ થઈ. ઉપર ચાંદ અને નીચે અમારી ટોર્ચનાં નાના ચાંદરણાં વચ્ચે રસ્તો શોધી ને ચાલતા રહ્યા. બાકી આજુબાજુ નીરવ અંધકાર.અંધકાર અને ભેંકાર. કોઈ થોડું પાછળ પડી જાય તો બૂમ પડો ‘નર્મદે હર’ અને એ જ ઉત્તર મળે એટલે સબ સલામત. અને ફરી ધડધડ ચાલવા માંડવાનું. એક દોઢ કલાક સતત ચાલ્યા પછી મંદિરે દર્શન કરી થોડી વાર રોકાયા. અહી અડધી રાતે પણ ચા-પાપડી ની વ્યવસ્થા હતી. ત્યાર પછીનો રસ્તો ભુલભુલામણી જેવો. રસ્તો દેખાય જ નહીં. પંચકોશી નર્મદા પરિક્રમા માર્ગ નાં એરા ની નિશાની અને તેની ધજા ને ધ્યાન માં રાખી ને ચાલ્યા ત્યાં તો મોટું ઉતરાણ આવ્યું. એક બહેન ધડધડ ઉતાર્યા. 
‘કાયમ આવીએ. અઠવાડિયે એક વાર. આ અઠવાડીયા માં બીજી છે.. છોકરાવ ને રજા છે ને એટલે!’  ચૈત્ર માં પાંચ વાર પરિક્રમા કરવાની..’  આ સંવાદે મને આ પરિક્રમા પ્રત્યેની શ્રધ્ધા વધારી દીધી.
આમ પણ એમ કહેવાય છે કે નર્મદા મૈયાની આખી પરિક્રમા ન થઈ શકે તો પણ ઉત્તરવાહિની પરિક્રમા કરવા થી તેનાં  જેટલું જ પુણ્ય મળે છે. કારણ કે સામાન્ય રીતે કોઈ પણ નદી નો પ્રવાહ દક્ષિણ તરફ વહેતો હોય  છે. માત્ર આ સ્થળ પર નર્મદા ઉત્તર તરફ વહેતી હોવાથી તેનું મહત્વ વધી જાય છે. વારાણસીમાં અમુક ભાગ માં ગંગા ઉત્તર તરફ વહે છે,તેથી તે પવિત્ર સ્થળનો મહિમા વધી જાય છે.આ વિષે કેટલીક કથાઓ પણ પ્રચલિત છે. આજે પણ કેટલાય લોકો એવા છે પોતાની માનતા પૂરી થઈ હોવાથી આ પરિક્રમા કરતાં હોય છે. ત્રેતા યુગ પછી આ પરિક્રમાનું મહાત્મય વધ્યું છે. સમગ્ર પરિક્રમા દરમ્યાન માં નર્મદા તમારા જમણા હાથ તરફ વહેતાં હોય.
આઠેક કિલોમીટર ચાલ્યા પછી વચ્ચે હોડી માં સામા કિનારે જવું પડે. રાતે ત્રણ વાગે હોડી શરૂ થતી હોય. ત્યાં જવાનો રસ્તો એ નદીનાં પથ્થરથી ભરેલ નાની કેડી હતી. તે પૂરી થતાં જ ગ્લુકોસ નું પાણી હાજર. અડધી રાતે ઊઠીને અજાણ્યા યાત્રિકોની નિસ્વાર્થ ભાવે ખેવના રાખનાર આ ગ્રામીણને જોઈ લાગ્યું કે આ જ સાચો નર્મદા ભક્ત છે.
નદી પાર કરી સામા કિનારે ચાલ્યાં. ક્યાંક મોટા પગથિયાં ચડીને તો ક્યાંક ઉતરીને ચાલવાનું હતું. નીચે રેતાળ પટ પણ હોય કે પથરાળ કેડી શોધવી પડે. સામે કાંઠે તિલકવાડા ગામ આવે.ત્યાં થી પણ યાત્રા શરૂ થઈ શકે. મહારાષ્ટ્ર થી આવતાં ઘણા યાત્રીઓ અહી થી યાત્રા શરૂ કરે. શ્વેત વસ્ત્રધારી યાત્રિકો જોવા મળે.
પગને જ નહીં શરીરને પણ થાક ઘણો જણાતો હતો. પણ કોઈનાં ય ચહેરા મ્લાન ન હતાં.
ચારેક વાગી ચૂક્યા હતાં. અને અમારા યોગાચાર્ય જીતેન્દ્રભાઈએ બધાને રોક્યા.  ચંદ્ર નાં અજવાળા માં પોતાની છાયાને જોઈ ને આપણી ‘ઓરા’ કઈ રીતે જોઈ શકાય તે બતાવ્યુ. કેટલાંક ને ઘણું દેખાયું, કેટલાંક ને કઈ નહીં..
હવે પછીના પ્રયાણમાં સતત નર્મદા અમારી સાથે જ હતી. ક્યાંક કાકા કાલેલકર ની સૌંદર્ય દ્રષ્ટિ યાદ આવતી હતી, ક્યાંક અમૃતલાલ વેગડ નાં વર્ણનો.. કે ‘તત્વમસી’ ની ચોટદાર વાત.. .. અને નર્મદાનંદજી નાં દળદાર ‘ નર્મદા યાત્રા’ પુસ્તક નાં પૃષ્ઠ વાંચીને નીતરતી આધ્યાત્મિકતા વચ્ચે મન ઝોલાં ખાતું હતું. અને મન માં સતત રેવા ફિલ્મ નું ‘માં રેવા રેવા, તારું પાણી નિર્મળ ..ખલ ખલ વહેતું તારું પાણી નિર્મળ... ‘ગુંજતું હતું. પરંતુ મારા જમણા હાથે વહેતી નર્મદા સ્થિર હતી, છીછરી હતી, સંકોચાઇને સરોવર થઈ ગઈ હતી જાણે! આ જ તો એકવીસમી સદીની ફળશ્રુતિ હશે?
સતત ચાલવાથી બુટ ની નીચે આંગળી ચગડાઇ રહી હતી. કેટલાંકે તો ચંપલ હાથમાં લઈ ચાલવા માંડ્યુ હતું.
‘બસ હવે હોડી આવે ત્યાં સુધી જ પછી સામા કાંઠે તો તરત જ રણછોડ મંદિર આવી જશે..
પણ દૂર દૂર સુધી હોડીનું નામોનિશાન નહીં.. ક્યાંક ધજા દેખાય કે હોડી છે તેમ લાગે. પણ નજીક જતાં વિરામ માટે નાનો માંડવો હોય..માર્ગમાં હજી તો માંડ અજવાળું નહીં થયું હોય ત્યા બે-ત્રણ ની ટુકડી માં અહી કેટલાય સ્થાનિક બાળકો બેઠા હતાં. તેમને શ્રધ્ધાળુઓ પૈસા કે બિસ્કિટ આપી રહ્યા હતાં.
‘હે ભગવાન! હોડી આવ.. નહિતર તું આવ.’ 
ઉજાગરો, થાક, જેનાથી જરા પણ ટેવાયા નથી તેવી દિનચર્યા, સમતલ ન હોય તેવા માર્ગની દડમજલ-આ બધુ હવે જવાબ આપતું હતું.
દૂર થી હોડી દેખાણી.. ‘હા ..શ’ કહી ચડી બેઠા એ જ માર્ગે સામે કાંઠે પાંડવ ગુફાનાં દર્શન થયા.ત્યારે સવારનાં સાડા છ થઈ ચૂક્યા હતા.  
હોડીમાં નદી પાર પહોંચીને ઘાટ પરથી થોડું ઉપર જવાનું હતું.. જ્યાં પગથિયાં અને ચડાણ હતું. આ પગથિયાં ચડતાં જ મારો ગિરનાર યાદ આવ્યો... માં નર્મદાને હાથ જોડ્યા: હે માં, ઉત્તરવાહિની યાત્રા ફરી કરી શકીએ તેવા આશિર્વાદ આપો.’  નમામિ દેવી નર્મદે!

- શીતલ દેસાઇ