Translate

Sunday, November 3, 2019

યૌનશોષણનો ભોગ બનેલી એક યુવતીની વાત

      પ્રિયંકા પૌલ. ૨૧ વર્ષની એક બિન્ધાસ્ત, અલ્લડ છોકરી. તેનો ટ્વીટર પ્રોફાઇલ કે ઈન્સ્ટગ્રામ પ્રોફાઇલ ફોટો જુઓ તો તેના બોય કટ જાંબલી રંગેલા વાળ કે મોઢા પરના હાવભાવ જોઈ તમને તે બળવાખોર કે વંઠેલ પણ જણાય. તેના સોશિયલ મીડિયામાં હજારો ફોલોઅર્સ છે અને કેટલાય લોકોએ તેને ટ્રોલ પણ કરી છે (ટ્રોલ કરવું એટલે તેનો જોરદાર વિરોધ કરવો, તેને ગાળો આપવી, તેની કોઈક પોસ્ટ પર નફરતપ્રચૂર પોસ્ટ કરી તેને જાકારો આપવો) પણ આ મોં-ફટ છોકરીને તમે ચોક્કસ અવગણી શકો નહીં. તે કવયિત્રી અને ઈલ્લસ્ટ્રેટર- આર્ટિસ્ટ છે જે સોશિયલ જસ્ટિસ અને સ્વ-ખોજ જેવા મુદ્દાઓ પર સર્જન કરનાર એક્ટિવિસ્ટ અને સોશિયલ ઈનફ્લૂએન્સર છે. તે ૧૭ વર્ષની હતી ત્યારથી મોબાઇલ પર જ કેટલીક બોલ્ડ લાગે તેવી કૃતિઓ સર્જે છે અને જેમાંની ઘણી વાયરલ પણ થયેલી છે. અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં તેના ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ થયા છે અને બે વાર તે ટેડ એક્સ પર વક્તવ્ય આપી ચૂકી છે. ArtWhoring નામની વેબસાઇટ પણ તે ચલાવે છે અને આ જ નામથી તેના ટ્વીટર અને ઈન્સ્ટગ્રામ અકાઉન્ટ પણ મોજૂદ છે જેના પર તે નિયમિત પોસ્ટસ મૂકતી રહે છે. મારે જોકે તેની એક મુદ્દાને લઈને વાત કરવી છે જે છે યૌનશોષણ. પ્રિયંકાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વાચાળ બની પોતાની જાતને વ્યક્ત કરી છે, પોતાનો રોષ ઠાલવ્યો છે અને ટ્રોલ થયા છતાં તે કહે છે કે પોતે ટ્રોલ કરનારાઓથી ડરી જઈ અટકવાની નથી.
   થોડાં સમય અગાઉ દુનિયાભરમાં શરૂ થયેલી #MeToo ચળવળ બાદ યૌનશોષણનો ભોગ બનેલી અનેક વ્યક્તિઓએ જાહેરમાં આ અંગે પોતાના અનુભવો જાહેરમાં વ્યક્ત કર્યા હતા અને આવા જ પોતાના અંગત યાતના ભર્યા અનુભવની વાત પ્રિયંકાએ ટ્વીટર પર રજૂ કરી હતી. તેના જ શબ્દોમાં કહીએ તો તેણે ઘણાં સમય બાદ હિંમત એકઠી કરી પોતાના કિશોર વયમાં થયેલ કટુ અનુભવની વાત સોશિયલ મીડિયા માં રજૂ કરી છે જે પાંચ - છ વર્ષ સુધી તેને માનસિક યાતના આપ્યા કરતી હતી. છોકરી બાર - તેર વર્ષની થાય એટલે તેનામાં શારીરિક ફેરફાર થવા માંડે છે, તે માસિક ધર્મમાં બેસતી થઈ જાય છે, તેના શરીરમાં હોર્મોન્સ સ્ત્રાવ અને આવેગો શરૂ થઈ જાય છે. સ્ત્રી જાતિય આવેગ અનુભવે ત્યારે તેના સ્તનયુગ્મમાં તે સંવેદન અનુભવે છે. પણ પ્રિયંકા કહે છે કે તે ક્યારેય પોતાના સ્તનો માં કોઈ જ પ્રકારની સંવેદના અનુભવતી નથી. પહેલા તો એને આ અંગે કોઈ જ્ઞાન જ નહોતું પણ તે સમજણી થઈ ત્યાર પછી તેને ખ્યાલ આવ્યો કે આ કોઈ શારીરિક ખોડ નહોતી પણ તે કિશોરાવસ્થા દરમિયાન પોતે જાતિય સતામણી નો ભોગ બની હતી તેનું પરિણામ હતું. બાળકો જ્યારે આવા જાતીય અત્યાચારનો ભોગ બને ત્યારે મોટા થઈ તેઓ સેક્સમાંથી રસ ગુમાવી બેસે છે અથવા તો ક્યારેય નોર્મલ જાતીય સુખ ભોગવી શકતા નથી. બળાત્કારનો ભોગ બનેલી યુવતીઓ એટલી બધી ડરી ગઈ હોય છે કે તેમનું શરીર જાણે કામ ક્રિડા વખતે બંધ થઈ જાય છે. પ્રિયંકા ૧૩ થી ૧૫ વર્ષની વય દરમિયાન પોતાના વર્ગમાં ભણતા છોકરા દ્વારા જાતીય સતામણીનો ભોગ બનતી રહી. એ છોકરો સતત પ્રિયંકાની છાતીને અડ્યા કરી તેને પજવતો, જાહેરમાં, એકાંતમાં. એટલું જ નહીં તે પોતાના મિત્રોને પણ એમ કરવા ઉક્સાવતો. આ સિલસિલો બે - ત્રણ વર્ષ ચાલ્યો. આ બધું યાદ આવતું ત્યારે પહેલાં તેને પોતાની જાત પર ધિક્કાર છૂટતો. તેણે સમજણી થયા બાદ સ્તનમાં સંવેદના અનુભવવા તેને વિન્ધાવ્યો, પણ છતાં તેને કોઈ પ્રકારની સંવેદનાનો અનુભવ થયો નહીં. પછી તેને માલુમ પડયું કે કિશોરાવસ્થામાં સેક્સયૂઅલ અસૌલ્ટનો ભોગ બનેલી વ્યક્તિ ટ્રોમાનો શિકાર બની જાય છે. તેણે આ યાતના સ-હેતુક વ્યક્ત કરી. તે ઇચ્છતી હતી કે તેના જેવો વેદનામય અનુભવ અન્ય વ્યક્તિને પણ થયો હોય તો એ પણ આ વાંચી હળવાશ અનુભવી શકે, એ વેદના માંથી થોડે ઘણે અંશે મુક્ત થઈ શકે, પોતાનો અનુભવ તેની જેમ દુનિયા સાથે શેર કરી એક અણકહ્યા ભારનું પોટલું ઉતારી શકે. તેણે કહ્યું હતું કે તે પોતાના જ શરીરથી કેટલેક અંશે વિમુખ કે દૂર થઈ ગઈ હોય એમ તેને લાગતું. પેલા જુવાની પોતાના પેંટમાં ના સાચવી શકતા વંઠેલ છોકરાને લીધે કે પછી શિક્ષકોએ આ અંગે કોઈ પગલા ન લેવાને લીધે કે પછી શાળાના સંચાલકોની નિષ્ક્રિયતાને લીધે તેણે ખૂબ સહન કરવું પડ્યું. તે પોતાના વર્ગના સહાધ્યાયીઓની ગંદી મજાક - ટિપ્પણીઓનો ભોગ બની અને આ બધી યાતનાને લીધે તે પોતાના સ્ત્રીત્વનો એક મોટો હિસ્સો ગુમાવી બેઠી. જ્યારે જ્યારે તે પોતાની છાતી સામે જોતી ત્યારે પેલો નફ્ફટ છોકરો તેની આંખ સામે આવી જતો અને ફરી ફરી તે એ યાતના અનુભવતી જે તેણે ઘણાં વર્ષો સુધી પોતાના કોઈ વાંક ગુના વગર અનુભવી હતી. જો કે વીસેક વર્ષની થયા બાદ તે પોતે થોડી બેશરમ થઈ ગઈ હોવાનું તે પોતે જણાવે છે. તેણે આ અંગે જાગૃતિ ફેલાવવા પોતાની વિતક કથા ઓનલાઇન જણાવી #TeamNumbTits હેશટેગ સાથે રજૂ કરી અન્યોને પણ પોતાના અંગત અનુભવો શેર કરવા ઈજન આપ્યું. આ વિતક કથા ચિત્રાત્મક રીતે ડૂડલ સિરીઝ દ્વારા પણ પ્રિયંકાએ દુનિયા સમક્ષ મૂકી અને તેને ઘણો વ્યાપક પ્રતિભાવ મળ્યો. માત્ર યુવતીઓએ જ નહીં પણ અનેક યુવાનોએ પણ તેને બિરદાવી અને તેની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી.
   આ કટારમાં પ્રિયંકાની વાત રજૂ કરવાનો આશય  એટલો જ છે કે તમારા બાળકો શાળા કે કોલેજમાં જતા હોય તો તેમની સાથે મિત્રતા કેળવી તેમને સાચી સમજણ આપો. કોઈ તેમને ખોટી રીતે હેરાન કરતું હોય, તેમની શારીરિક કે માનસિક પજવણી કરતું હોય તો તરત આ અંગે ચર્ચા કરી ત્વરિત પગલાં લો. તમારા બાળકોને આવી દુર્ઘટનાનો ભોગ ન બનવા દો અને એ પણ શીખવો કે ઓપૉસિટ સેક્સની વ્યક્તિ સાથે કઈ રીતે વિવેકપૂર્ણ વર્તન કરવું અને કોઈની કોઈ પણ પ્રકારની સતામણી કરવી નહીં.

Sunday, October 20, 2019

જન્મદિવસ સ્પેશિયલ

        કેટલાક દિવસો ખાસ હોય છે કે ખાસ લાગે છે. તહેવારના દિવસો. ગણેશોત્સવ હોય કે નવરાત્રિ ની રાતો, દિવાળી હોય કે ઉત્તરાયન, ઈદ હોય કે ક્રિસમસ. તહેવારો ના આ દિવસ સિવાય આપણે પરિવાર સાથે વેકેશન માણવા ગયા હોઈએ કે ઘેર કોઈ પ્રસંગ હોય એ દિવસો પણ આપણાં માટે યાદગાર બની રહેતા હોય છે. આવો જ એક વિશિષ્ટ દિવસ હોય છે આપણો જન્મદિવસ. ફરક માત્ર એટલો કે તહેવાર કે ઉપરોક્ત દર્શાવેલા દિવસો તમારા સિવાય પણ ઘણાં વધુ લોકો માટે ખાસ હોય છે પણ તમારા જન્મદિવસે માત્ર તમારી પોતાની મન : સ્થિતિ ખાસ હોય છે. તમારા અંગતજનો આ દિવસ ને ખાસ બનાવવા પ્રયત્નો જરૂર કરે છે પણ તમારી પોતાની મન:સ્થિતિ આ ચોક્કસ દિવસે ઘણી જુદી હોય છે. તમે અંદરથી કઇંક નોખું અનુભવો છો. મોટે ભાગે આ લાગણી હકારાત્મક હોય છે, પણ જો કોઈ અસામાન્ય ઘટના આ દિવસ સાથે જોડાઈ જાય તો તમારી લાગણી કદાચ જુદી હોઈ શકે છે આ દિવસે.
     આજે યોગાનુયોગ મારા જન્મદિવસે આ બ્લોગ લખવા બેઠો છું અને લાગણીઓનું જાણે ઘોડાપૂર ઉમટયું છે! વોટ્સ એપ અને ફેસબુક પર તો જાણે શુભેચ્છાઓનું પૂર આવ્યું છે અને આ અટેન્શન ગમે પણ છે. કેટલાક શાળા, કોલેજ કે ઓફિસના જૂના મિત્રો, કેટલાક જૂના ઘર, મહોલ્લા, વતનના મિત્રો - સ્નેહીજનો તો કેટલાક દૂર રહેતા હોય એવા પરિવારજનો - સૌ કોઈ તમને શુભેચ્છા પાઠવે! તમારા માટે દુઆ માંગે, તમારા શુભ માટે ઈશ્વરને પ્રાર્થના કરે એથી રૂડું બીજું શું હોઈ શકે? પણ એક વસવસો પણ અનુભવાય છે કે થોડા વર્ષો અગાઉ ભલે ઓછા લોકો તમને શુભાશિષ પાઠવતાં, પણ તેઓ વ્યક્તિગત રીતે વાત કરીને - ફોન પર કે રૂબરૂ મળીને એમ કરતાં. જ્યારે હવે સમય બદલાયો છે. ફાસ્ટફૂડ ના જમાનામાં લાગણી વ્યક્ત કરવાની રીત પણ ફાસ્ટ થઈ ગઈ છે! તમે જેના તરફથી પ્રત્યક્ષ વ્યક્તિગત સંવાદ ઇચ્છતા હોવ તે પણ તમને ફોન કરીને નહીં પણ ફોન પર કે ઇન્ટરનેટ પર સંદેશો પાઠવી બર્થ ડે વિશ કરી દે ત્યારે થોડી અપેક્ષાભંગની નકારાત્મક લાગણીનો અનુભવ થયા વગર રહેતો નથી. અગાઉ રાત્રે બાર વાગે મિત્રો નું ટોળું ઘેર આવી ચડતું કે ફોનની ઘંટડી અડધી રાતે રણક્યા જ કરતી, જ્યારે હવે ફોન પર વોટ્સ એપ અને ફેસબુક ચેક કરો ત્યારે શુભેચ્છાઓની લાંબી યાદી જોવા મળે છે!
   એવામાં તમારા કોઈ દૂરના મિત્રનો પણ ફોન આવી ચડે તો તેના પ્રત્યે આત્મીયતાની લાગણી અનુભવાય છે!
આ વર્ષે તો ઋતુ ચક્ર પરિવર્તન પામ્યું છે અને ઓકટોબર પણ અડધો કરતા વધુ વિદાય પામી ચૂક્યો હોવા છતાં વરસાદ વિદાય લેવાનું નામ લેતો નથી અને આજે સવારથી આકાશ ગોરંભાયેલું છે. વરસાદ પડતો નથી પણ વાતાવરણ કેટલાય કલાકથી એવું છે જાણે એ હમણાં તૂટી પડશે. ઉદાસી જેવું છવાયેલું ભાસે છે, જો કે મારો જન્મ દિવસ છે એટલે મારા મનમાં હેલ્લારો ઉઠયો છે વિરોધાભાસી લાગણીઓનો! સવારે ઉઠીને મંદિરે ભગવાનના દર્શન કર્યા ત્યારે ખૂબ સારું લાગ્યું પણ પછી ઘરે આવતા અકથ્ય અણગમાની લાગણી અનુભવી, પછી ફરી કેટલાક મિત્રોના ફોન આવ્યાં અને તેમની સાથે વાત કરી સારું લાગ્યું. ત્યાં ઓફિસમાંથી રજાના દિવસે પણ કેટલાક કામ અને સમસ્યા વિષયક ફોન - મેસેજીસ આવ્યાં અને ફરી થોડો અજંપો તો પછી પરિવાર સાથે બહાર જવાનો કાર્યક્રમ બનાવ્યો અને ફરી થોડું સારું લાગ્યું!
   એક હકીકત છે કે પોતે ખુશ થવાની સાચી અને સૌથી સરળ રીત છે અન્યોને ખુશી આપો. તમારા જન્મદિવસ ને સૌથી સારી રીતે ઉજવવાની આ એક સૌથી મોટી ટીપ છે. કેક કાપીને કે બહાર ફરવા જઈને કે પરિવાર સાથે ભોજન લઈ બર્થ ડે ઉજવીને આપણે પોતાને કે પરિવારજનોને થોડી ઘણી ખુશીની ક્ષણો આપી શકીશું પણ જન્મદિવસે આપણને જેની પાસેથી કોઈ બદલા કે અપેક્ષાની લાગણી ન હોય એવી એક કે વધુ વ્યક્તિ માટે કઇંક કરીને ચિરંતર સુખની અનુભૂતિ કરીએ તો આપણો બર્થ ડે આપણાં પોતાના માટે જ નહીં પણ એ અન્ય વ્યક્તિ કે સમૂહ માટેય યાદગાર બની રહેશે અને તેમની ખુશી અને દુઆઓ આપણાં મનમાં પણ એવી સુખની લાગણી જન્માવશે જે અન્ય કોઈ રીતે પામી નહીં શકાય. દાન કરીને, કોઈક જરૂરીયાતમંદ ની જરૂર પૂરી કરીને, અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં જઈ ત્યાં વસતા લોકો સાથે ગુણવત્તા ભર્યો સમય પસાર કરી તમે જન્મદિવસની ઉજવણી અસામાન્ય બનાવી શકો છો. ચાલો હવે આ બ્લોગ પૂરો કરી મારા આ જન્મદિવસને કઈ રીતે અસામાન્ય બનાવી શકું એ અંગે ઘટતું કરવા દો!

ટ્રેનિંગ

    ટ્રેનિંગ એટલે કે પ્રશિક્ષણનો સામાન્ય અર્થ થાય કઇંક નવું શીખવું. આ નવું શબ્દ મહત્વનો છે. કોર્પોરેટ જગતમાં કંપનીઓ પોતાના કર્મચારીઓને નિયમિત ટ્રેનિંગ આપવા પાછળ લાખો રૂપિયા ખર્ચે છે પણ કર્મચારીઓ આ નવું શીખવાની વૃત્તિ સાથે સાચા અભિગમ સાથે જો ટ્રેનિંગ લે તો જ તેનો અર્થ સરે.
    જીવન જીવવાની સાચી રીત આજીવન કઇંક ને કઇંક શીખતા રહેવાની છે. શીખવાથી આપણે આપણામાં રહેલી ખામીઓ સુધારી શકીએ છીએ, નવો દ્રષ્ટિકોણ અપનાવી કામ અને જીવન વધુ બહેતર બનાવી શકીએ છીએ. આનો ફાયદો પોતાને તો થાય જ છે પણ સાથે સાથે આસપાસના ને કે તમારી કંપનીને પણ થાય છે.
    ટ્રેનિંગ જો ઓફીસ માં જ રાખવામાં આવી હોય તો તે દરમ્યાન કામમાં કોઈ સમસ્યા ઉભી થાય તો તમારે બ્રેક લઈ કામ પર થોડા કે વધુ સમય માટે હાજર થવું પડે છે અને ટ્રેનિંગ બિન અસરકારક સાબિત થઈ શકે છે આથી એ બહાર કોઈ હોટેલમાં કે ટ્રેનિંગ સેંટરમાં યોજાય તો કર્મચારી એકચિત્તે, એકાગ્રતા પૂર્વક ટ્રેનિંગ ના વિષય ને સમજી શકે છે, શીખી શકે છે. ભલે આમાં ખર્ચો વધુ થાય છે પણ આવી ટ્રેનિંગ અસરકારક સાબિત થાય છે.
   ટ્રેનિંગ દરમ્યાન કર્મચારીને રૂટીન કામમાંથી બ્રેક મળે છે એ છે તેનો વધુ એક ફાયદો. ટ્રેનિંગની અવધિ જેટલો સમય કર્મચારી પોતાની સઘળી જવાબદારીઓ માંથી મુક્ત થઈ કઇંક નવું શીખવા, સજ્જ થવા જાય છે. મન ચોક્કસ આ દરમ્યાન નવી ઉર્જાથી સભર થાય છે અને નવી નવી બાબતો શીખતા કર્મચારીની ઉત્પાદકતામાં વધારો થાય છે.
  ટ્રેનિંગ આપનાર ટ્રેનર અનુભવી, સારો વક્તા, અન્યો સાથે સહેલાઈથી હળીમળી જનાર અને ટ્રેનિંગ રસપ્રદ બનાવનાર હોવો જરૂરી છે. ટ્રેનિંગ માટે વપરાતું સાહિત્ય પણ ટૂંકુ, અસરકારક અને રસપ્રદ તથા સહેલાઈથી યાદ રહી જાય એવું હોવું જરૂરી છે.
  ટ્રેનિંગ દરમિયાન તમે  ટ્રેનિંગ માટે આવેલા અન્ય સહકર્મચારીઓ સાથેના સંબંધને એક નવા સ્તરે લઈ જઈ શકો છો. તેમના કામકાજની માહિતી સાથે તમને તેમની સમસ્યાઓ, તેમની તથા તેમના કામની વિશિષ્ટતાઓ વગેરે અંગે પહેલા ક્યારેય ના જાણેલું કે જોયેલું જાણવા મળી શકે છે.
   દોઢેક મહિના પહેલા મેં મારી ઓફિસ દ્વારા અમારી કંપનીના બધાં સિનિયર મેનેજરો માટે આયોજિત એક અસરકારક બે દિવસીય ટ્રેનિંગ મુંબઈની ઓર્કિડ હોટેલમાં અટેન્ડ કરી જે ખૂબ માણવા લાયક, જ્ઞાન સભર અને યાદગાર બની રહી. ટ્રેનિંગ સાથે ઓર્કિડ હોટેલનું સ્થળ, ત્યાંના બ્રેક ફાસ્ટ, લંચ, ટી બ્રેકસ, એ દરમ્યાન મુંબઈ તથા અમારી ઓફિસના અન્ય રાજ્યો માંથી આવેલા સહ કર્મચારીઓ સાથે થયેલ રસપ્રદ વાર્તાલાપ, ટ્રેનિંગના ભાગ રૂપી ટાસ્ક વખતે તેમની સાથે થયેલ કોર્ડીનેશન વગેરે મન પર લાંબા ગાળાની છાપ છોડી જનારા બની રહ્યાં. એચ. આર. તથા સીનીયર મેનેજમેંટના સભ્યોએ આવી ટ્રેનિંગ માટે નો યોગ્ય 'ટોન' સેટ કર્યો અને પછી તો બે દિવસ ક્યાં પૂરા થઈ ગયા તેની અમને જાણ જ ન થઈ! ટ્રેનિંગ માં થિયરી ભણવા સાથે અમે એંગેજીંગ એક્ટિવિટી અને રમતોમાં પણ ઉત્સાહભેર ભાગ લીધો. કેટલાક સાવ ઓછું બોલતા લોકોએ પણ માત્ર બે દિવસને અંતે પોતાના અભિપ્રાય બોલકી રીતે વ્યક્ત કર્યા. આ ટ્રેનિંગમાં શીખેલા કેટલાક અતિ મહત્વના પાઠ નીચેના મુદ્દાઓ રૂપે હું મારા તમામ વાચકો સાથે શેર કરું છું, રખે ને તમને પણ એમાંથી કઇંક અતિ અગત્ય નો પાઠ શીખવા મળી જાય!
* દરેક વ્યક્તિ અલગ પ્રકારની, અલગ મિજાજ ધરાવતી હોય છે, નોકરી કે ધંધામાં તેમની સાથે કામ પાર પાડતી વખતે તેમને અનુકૂળ થઈ આગળ વધશો તો ચોક્કસ સફળતા મળશે,પછી ભલે એ વ્યક્તિ તમારી સિનિયર હોય કે તમારો જૂનિયર કે તમારી સમકક્ષ.
* સામા પક્ષની ભૂલો શોધવા કરતાં તમારું પોતાનું કામ કઈ રીતે શ્રેષ્ઠ બનાવશો તેના પર ધ્યાન કેન્દ્રિત કરશો તો પરિણામ વધુ સારું મેળવી શકશો.
* તમારા સહકર્મચારીઓ સાથે વધુ ને વધુ ઇન્ટરેક્શન કરી સતત તમારા કામ અંગે ફીડબેક  મેળવતા રહો. આનાથી તમે અન્યો તમારા કામને કઈ રીતે મૂલવે છે અને તમે કદી વિચાર્યું જ ન હોય એવો કોઈ મુદ્દો જડી આવશે જે અંગે સભાન થઈ તમે વધુ સારું પરફોર્મ કરી શકશો. આ પોઇન્ટ તમે અંગત જીવનમાં પણ લાગુ પાડી શકો છો.
* તમારા ઇમોશનલ બેંક અકાઉન્ટમાં ખૂબ સારી એવી ડીપોસિટ જમા કરો અર્થાત્ તમારા સહાકર્મચારીઓ સાથે સારું અને યોગ્ય વર્તન કરી તેમને મદદરૂપ થવા સતત પ્રયત્નશીલ રહો અને જુઓ તમારું પોતાનું કામ અને જીવન પણ આપોઆપ સરળ અને સારું બની રહેશે.
* દરેક વ્યક્તિમાં સારા અને નબળા પાસા હોય જ છે, તમે માત્ર સારા પાસાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરો. તેમને જ્યાં મદદની જરૂર હોય ત્યાં પૂરેપૂરી મદદ કરો.
* સામેવાળાનાં યોગ્ય વખાણ કરવાની એકે તક જતી ન કરો. આપણે મોટે ભાગે નકારાત્મક પ્રતિભાવ આપવામાં વિલંબ કરતા નથી અને કોઈના વખાણ તો કરતા જ હોતા નથી. આ અભિગમ બદલી યોગ્ય સમયે યોગ્ય પ્રતિભાવ આપો. નકારાત્મક હોય તો પ્રતિભાવ ખાનગીમાં આપો પણ વખાણ સૌની સામે કરો.
* ફરિયાદો જ ન કર્યા કરો. બૉસ પાસે સમસ્યા લઈ ને જાવ ત્યારે તેના બે ત્રણ ઉકેલ પણ વિચારી, એ પણ રજૂ કરો.
* કોઈજ બાબત ધારી ન લો, દરેકે દરેક બાબત, ઝીણામાં ઝીણી વિગત સ્પષ્ટ કરો.
* કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવો.

ગેસ્ટ બ્લૉગ : ચૂંદડી મનોરથ


" મનોરથ "  શબ્દનું    વૈષ્ણવ   સંપ્રદાય માં   આગવું જ મહત્વ  છે  .જાત જાતના  મનોરથો  સેવવામાં  આવે   છે , અને કહે છે ને કે   તમારા   સાત્વિક  મનોરથો ખુદ  ભગવાન પરિપૂર્ણ  કરે  છે।

મારો પણ એક સહજ પ્રાર્થવામાં આવેલો  મનોરથ પૂર્ણ થયો અને એટલું જ નહીં અભૂતપૂર્વ  આસ્થાને દ્રઢીભૂત  કરી ગયો  ! !   મૂળ  વાત માંડું  તો એક દોઢ વર્ષ પહેલા ગુજરાતી  ફિલ્મ          " રેવા "  જોઈ હતી। અદભુત ફિલ્મ  ! મેં તો એ ફિલ્મ  જોઈને  ચુકાદો  પણ આપી  દીધેલો  કે આ વર્ષ  માટે  આ ફિલ્મને  પ્રાદેશિક ફિલ્મ ની શ્રેણીમાં   ઓસ્કાર  ઍવોર્ડ  માટે  મોકલી  આપવી જોઈએ  !  એ ફિલ્મમાં  દર્શાવવામાં  આવેલા  મા નર્મદાના  ચૂંદડી  મનોરથના  દ્રશ્યોને જોતા વેંત  મારું હૈયું પણ ધબકી  ઉઠ્યું  , " મારે પણ  મા નર્મદાને ચૂંદડી  ઓઢાડવી  છે  !  મારે પણ મા રેવાનો ચૂંદડી  મનોરથ કરવો છે  !   પણ પછી  થોડાક   દિવસ  માં રેવામય   રહયા પછી વળી  પાછા  રોજિંદા  જીવનમાં વ્યસ્ત થઇ ગઈ।  પછી અચાનક  મારી  બાળ સખી ,,,,નયના નો ફોન  આવ્યો  અને 2019 ના  ગંગા  દશહરા  દરમ્યાન  મા  રેવાના  ચૂંદડી મનોરથમાં   ભાગ  લેવાનો    આગ્રહ કર્યો  . દર  વર્ષે  જ્યેષ્ઠ એકમથી જ્યેષ્ઠ  સુદ દશમ સુધી   ગંગા દશહરા   ઉજવવામાં આવે છે તે   મ્યાન ભારત વર્ષની પવિત્ર નદીઓ ગંગા , યમુના  નર્મદા  વગેરેના  વિધીવત  પૂજન અર્ચનનો મહિમા   છે.

વૈરાગ્યની  અધિષ્ઠાત્રી મૂર્તિમાન સ્વરૂપ  મા નર્મદાની પરિક્રમા  3  વર્ષ,  2 માસ  અને  13 દિવસ માં પુરી  થાય  છે.  1312 કી. મી।  લાંબી  પરિક્રમા  દરમ્યાન  મા નર્મદા  પોતાની જમણી      બાજુ એ રહે તે રીતે પગપાળા પ્રવાસ કરવાનો હોય છે  . અમરકંટકથી કે પછી ૐકારેશ્વરથી  જ્યાંથી  પ્રદક્ષિણા  કે પરિક્રમા  શરુ કરી હોય ત્યાં પૂર્ણ થાય છે.  એ  વિષે અનેક પુસ્તકો પણ ઉપલબ્ધ  છે.  નર્મદા દક્ષિણ ભારતની    અન્ય   સમસ્ત નદીઓથી    વિપરીત  પૂર્વથી  પશ્ચિમ તરફ વહે છે. જો કે તાપ્તી નદી પણ પૂર્વથી પશ્ચિમ તરફ  વહે છે.

       તો મૂળ  વાત પર  આવું તો માં નર્મદાના  આશિર્વાદથી  ચૂંદડી મનોરથ  પાર  પાડવા માટેનો  તખ્તો   ગોઠવાઈ ગયો અને અન્ય આડશો પણ  સહજમાં  દૂર થઇ  ગઈ  અને આપણે  બંદા એ અભિયાનમાં  જોડાઈ ગયા।  ચૂંદડી મનોરથ  માટેની બધી  અથથી  ઇતિ સુધીની તમામ  તૈયારીઓ પણ પરમ મિત્ર  નયનાબેને જ કરી  દીધેલી। આપણે તો તૈયાર  ભાણા પર પહોંચી ગયા નયનાબેન ને ઘરે, વડોદરા  !

  બીજે દિવસે   વડોદરાથી 32 શ્રદ્ધાળુઓ પરમ આસ્થાવાન અને પ્રકાંડ પંડિતજી શ્રી દીપકભાઈ મહારાજ સાથે  ચાણોદ  પહોંચ્યા  .   નયનાબેને કહેલું કે ચૂંદડી મનોરથ દરમ્યાન મા રેવા  સાચા મનથી  અર્પણ  કરેલી  ભક્તની  એક  ચૂંદડી સ્વીકારી લે છે !  હું  નાસ્તિક  તો નથી જ  પણ ચમત્કારો તો નજરે નિહાળીએ  ત્યારે જ દ્રઢ  આસ્થાના  પૂરક બને ને  !!!   મા નર્મદાના દર્શન  કરતા વેંત  જ  મેં  મનમાં  પ્રાર્થના કરી કે " હે મા  નર્મદે !  માત્ર ને માત્ર તમારા દર્શને આવી છું   મારી હાજરી સ્વીકારજો  અને સ્વિકાર્યા નું  પ્રમાણ  આપજો !  મારી આસ્થાને દ્રઢ  કરજો !   પછી  વિધિવત  નર્મદા સ્નાન  , ષોડશોપચાર  પૂજન અર્ચન  બાદ  માં રેવા ને ચૂંદડી  અર્પણ કરવાની વિધિ શરુ થઇ    માં ને અર્પણ   કરવા અમે  કુલ 51   સાડીઓ  તૈયાર કરી હતી.  તે માટે  17/17સાડીઓને મશીન થી બખિયો મરાવીને 3 સેટ  તૈયાર  કરેલા  .અને એ 3 સેટ ને ગાંઠ  મારીને જોડી દીધેલા,  નૌકામાં બેસી  51 સાડીના તાકાના એક છેડાને  પકડી બીજા છેડાને  નદીને બીજે કાંઠે  પહોંચાડી  માં નર્મદાને , માં રેવાને 51 સાડી ઓઢાડી।, પહેરાવી એ ભાવના  .... એ મનોરથ પરિપૂર્ણ  થયો એ અનુભૂતિ થી   .  આંખમાંથી આંસુની ધારા વહી,  ત્વદીય  પાદ   પંકજમ  નમામિ દેવી  નર્મદે !   મા નર્મદે   ,   મા  રેવા  અમારા સહુની  આસ્થાને  આશીર્વાદ આપવા , દ્રઢીભૂત  કરવા જાણે  કે  સ્વયં   પ્રગટ  થઈ  એમ કહું તો જરાપણ અતિશયોક્તિ  નહિ જ કહેવાય !   અમે અર્પણ કરેલી 51 સાડીમાંથી  41 સાડી  માએ સ્વીકારી લીધી !   હા ! સાચે  જ !   મા નર્મદાએ અમારા સહુની  નજર સમક્ષ  40 સાડીઓ પરિધાન કરી  અને તેના અસ્ખલિત   નિર્મળ   ખળ ખળ   વહેતા  શાંત  શીત   પ્રવાહમાં વહેતા એ  આસ્થાવસ્ત્ર ને જોઈને અગમનિગમના   અજ્ઞાત  પરમ તત્વની અનુભૂતિ  થઇ  ! ! !   મા   નર્મદાએ  સાડીઓનો  સ્વીકાર  કર્યો એની સાબિતી એ કે અમે  17 /17  સાડીઓને મશીન દ્વારા બખિયો મરાવીને  જોડેલી  ,અને મા  એ સ્વીકારેલી સાડીઓ   તો    બખીયાને તોડીને  માનાં   ચરણ પ્રવાહમાં     વહી  ગઈ  હતી !  મા  એ મારી હાજરીને  સ્વીકાર્યાનુ   પ્રમાણ  પણ આપીને ધન્ય કરી દીધી !

 અમરકંટકથી નીકળીને  દેશના પશ્ચિમી  કાંઠે  અરબી  સમુદ્રમાં  મળતી  પવિત્ર નદી નર્મદાના    પાવન તટે  કાંઈ  કેટકેટ્લાયે  સંતો, તપસ્વીઓ,ઋષિઓ  અરે ખુદ અમર , ચિરંજીવ એવા  અશ્વત્થામા પણ તપ સાધના કરે છે।   કોઈ કોઈ પુણ્યશાળી  નર્મદા પરિક્રમા કરનારને દર્શન પણ દે છે  ! ! મુજ નાચીઝને મા એ પોતાના અમર અસ્તિત્વ નો   સાક્ષાત્કાર કરાવ્યો ,,,,, ધન્ય ધન્ય  થઈ   ગઈ  ! ! ! એ બદલ બાળસખી  નયનાનો  તો આભાર માનુ તેટલો ઓછો છે પણ સાથે સાથે " રેવા" ફિલ્મ ના  સર્જકોનો  પણ  આભાર માનુ છું !  " રેવા " ફિલ્મ, ઓસ્કાર ઍવોર્ડ  કરતાં   પણ  વધારે  સાર્થક નીવડી  . એક નાચીઝ  આસ્થાવાન શ્રદ્ધાળુને  પરમ તત્વની અનુભૂતિ  કરાવવા માટે  કારણભૂત નીવડી  !  અને હા, સાત્વિક મનોરથો   સેવવાની  પ્રેરણા  જગાવનાર અને તેને પરિપૂર્ણ  કરનાર   હાજરાહજૂર  મા  નર્મદા, મા  રેવાને  અંજલિ આપવા શબ્દો ઓછા જ પડે ને ! 

ત્વદીય  પાદ   પંકજમ ,  નમામિ  દેવી  નર્મદે ! ! !


- મૈત્રેયી મહેતા
mainakimehta@gmail.com
 

ગેસ્ટ બ્લૉગ : રામ કહાણી ચટણીની..

મારી દિકરીઓએ લાલબાગના ગણપતિનાં દર્શને જવાનો પ્લાન બનાવ્યો ઓફકોર્સ મિત્રમંડળી સાથે જ, એક જાતનું નાઈટ આઉટ જ વળી.
લાલબાગના રાજાનાં દર્શન એટલે મુંબઈ માટે મેળે જવાનો અવસર, ત્યાં ખાણી- પીણીથી લઈને બધું જ મળે છતાંય 'અમે ચટણી સેન્ડવીચ લઈને આવશું' એવું વચન આપી બેઠાં.
અહીં શનિવારે ખુબ વરસાદ પડ્યો અને ઓફિસ માં રજા હોવાથી નીચે ઉતરાયુ જ નહીં અને શાક લવાયું નહીં.
સન્ડે, છોલે પુરી બનાવ્યા, બચીકુચી કોથમીર વપરાઈ ગઈ.
સાંજે રવિવાર હોવાથી રેસ્ટોરન્ટમાં જ જમવાનું, એટલે જઇશું ત્યારે લેતાં આવશું એવું વિચાર્યું.
સાત દિવસનાં ગણપતિ વિસર્જન માટે જઈ રહ્યા હતાં એ જોવામાં અને જમવામાં થઈ ગયું મોડું, પછી કોથમીર યાદ આવી એટલે દોડ્યાં, થોડાક શાકવાળા બધું સમેટીને ઘરભેગા થઈ ગયાં હતાં, જે હતાં એની પાસે કોથમીર ન મળે, પહેલાં જ લઈને ગાડીમાં મુકી રાખવી જોઈતી'તી ( રાંડ્યા પછીનું ડહાપણ) હવે શું કરવું?
"કોથમીર ન મળી એટલે સેન્ડવીચ ન લાવ્યા" પ્યારા પપ્પા ઉવાચ...
પણ દિકરીઓ મારી પાક્કી રઘુવંશી એટલે ' પ્રાણ જાય પણ વચન ન જાય' માં માને, મારાં માટે આ પડકારજનક સ્થિતિ હતી.
મને ગુંચવાયેલી જોઈને પતિદેવે જ્ઞાન ઝાડ્યુ, " લીલા ધાણા નથી તો સુકા ધાણા નાખી દો"
"વચ્ચે માથું ન માર" એવી સુચના મારી આંખોથી આપી હું ફરી વિચારવા લાગી, એ શાંત થઈ ગયો.
ફ્રીઝમાંથી એક ઝૂડી પાલક અને ફૂદીનો કાઢ્યો, આદુમરચા અને લસણ પણ, લીંબુ અને મીઠું અને બે સ્લાઈઝ બ્રેડ, બધું પીસવા જારમાં નાખ્યું, નાની દિકરી કહે, પાલકપનીરની ગ્રેવી જેવું લાગશે,  પતિદેવને આમપણ ફૂદીનો ન ભાવે એટલે મોઢું બગાડીને કહે, મીન્ટ ફલેવર વાળી ટુથપેસ્ટ જેવું લાગશે પણ મારી મોટી દિકરી ને મારાં અખતરાં પર જરા વધું ભરોસો એટલે એ ચુપચાપ જોતી રહી.
નવી રેસીપી કે પછી જુની જ રેસીપીમાં સુધારા વધારા કરીને વાનગીને લોન્ચ કરવી એ ચંદ્રયાન લોન્ચ કરવા જેટલું જ અઘરું હો કે, (ગૃહિણીઓ સહમત થશે) જો સોફ્ટ લેન્ડિંગ થયું તો ઠીક નહીં તો વાનગી, વાસણ અને સંબંધ વેરણછેરણ થવાની પૂરી શક્યતા, જેવી જેની તાકાત...
જો સ્વાદ સાથે સંપર્ક સાધી શક્યા તો ઠીક નહીં તો ઘરનાં સભ્યો સાથે સંપર્ક તૂટી શકે.
એક બ્રેડ સ્લાઈસ હાથમાં લીધી, જરા વધું પ્રેમથી બટર લગાવ્યું અને પછી પેલી ખતરાથી ભરપૂર ચટણી...ચાર ભાગ કર્યા અને એક ભાગ ઉંચકીને પેલાં શાંત થઈ ગયેલાં પતિદેવ ને આપ્યો.
પ્રોફેશનથી હું ભલે વર્ષોથી ક્વોલિટી કંટ્રોલ અને ક્વોલિટી એસ્યોરન્સ કરતી હોઉં પણ ઘરે હું પ્રોડક્શન મેનેજર અને પતિદેવ ક્વોલિટી કંટ્રોલ કરે એટલે એની તો ડ્યુટી બને.
એણે પરિસ્થિતિની ગંભીરતા સમજીને આનાકાની કર્યા વગર એ ટુકડો મોઢામાં મુક્યો. એણે ચાવવાનું શરૂ કર્યું અને અમે એનાં હાવભાવ જોવાનું.
રાત્રે દોઢ વાગ્યે ચંદ્રયાનની લેન્ડિંગ વખતે જેવું ટેન્શન હતું એવું જ રાત્રે પોણાબારે મારી ચટણી પતિદેવનાં ગળે લેન્ડ થઈ રહી હતી ત્યારે હતું પણ થેન્ક ગોડ મારી ચટણીનું સોફ્ટ લેન્ડિંગ થયું!
સ્વાદની બાબતમાં જરા ચીકણો અને એટલે જ એને ભાવે તો બધાને ભાવશે જ એવું માનતી હું એના ચહેરા પરનાં ભાવથી જ સમજી ગઈ કે આપણે પાર ઉતરી ગયાં છીએ.
બે પેકેટ બ્રેડની બટર અને ચટણી લગાવીને સેન્ડવીચ બનાવીને દિકરીઓને સાડાબારે સ્પિરિટયૂઅલ નાઇટ આઉટ માટે મોકલીને જ્યારે પથારીમાં લંબાવ્યું ત્યારે એક સંતોષ હતો મારાં ચહેરા પર..
થોડું લાંબુ થઈ ગયું નહીં?
ગૃહિણીમાં છુપાયેલો રસોઈયો અને લેખક બન્ને બહાર આવી ગયા એટલે..પણ આશા છે તમને આ અનુભવ વાંચવાનું ગમ્યું હશે.
 - મમતા પટેલ

Sunday, September 22, 2019

ગટર સાફ કરતાં મનુષ્યોના મૃત્યુ

     માર્ચ ૨૦૧૯ માં વારાણસીમાં ગટર સાફ કરતાં બે યુવા સફાઈ કર્મચારીઓના મોત. વિચિત્ર જણાય એવી આ દુર્ઘટનામાં તેઓ ચારેક ફૂટ ઉંડી ગટર સાફ કરવા ઉતર્યા ત્યારે બાજુમાં ઘણાં સમયથી ન ઉપડાયેલ કચરાનો ઢગલો ગટરમાં ધસી પડ્યો અને સફાઈ કરવા ઉતરેલા બે જુવાનજોધ કર્મચારીઓ દટાઈ મર્યા. છ કલાકે તેમના શબ બહાર કાઢી શકાયા.
   થોડાં જ દિવસ બાદ, તામિલનાડુના શ્રીપેરૂમ્બૂદૂર ખાતે નેમિલિના એક ખાનગી એપાર્ટમેંટની સેપ્ટિક ટેન્ક સાફ કરતાં છ સફાઈ મજૂરો મોતને ભેટયા. ઝેરી મિથેન વાયુ શ્વાસમાં લેતા ગૂંગળાઈને તેમનું મૃત્યુ થયું હતું. ચાર જણને તકલીફ થતાં બીજા બે તો તેમને બચાવવા ગટરમાં ઉતર્યા હતાં અને પોતે પણ મૃત્યુ પામ્યાં. અહીં કોઈ જ પ્રકારના સુરક્ષિતતાના સાધનો વગર ગટરમાં ઉતરતા તેમના મોત થયાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. મોત પામેલામાંથી ત્રણ તો એક જ કુટુંબના  સભ્યો હતાં.
     એપ્રિલ ૨૦૧૯માં ગુરુગ્રામના નરસિંહપુરની એક ઓટો મોબાઇલ  કંપનીની સેપ્ટિક ટેન્ક સાફ કરતા બે જણે જીવ ગુમાવ્યો.
     મે ૨૦૧૯માં ઉત્તર પ્રદેશના નોઈડામાં ૪૦ ફૂટ ઉંડી બોરવેલમાં કોઈજ પ્રકારના સુરક્ષાત્મક પગલા લીધા વિના સફાઈ માટે ઉતરેલા બે મજૂરો ગૂંગળાઈને મૃત્યુ પામ્યાં.
       જૂન ૨૦૧૯ માં ગુજરાતના વડોદરામાં એક હોટેલની સેપ્ટિક ટેન્ક સાફ કરતાં સાત જણ મૃત્યુ પામ્યાં. કારણ? હોટલના માલિકો કે સ્ટાફે કે તેઓ જે એજન્સીમાંથી આવ્યા હશે તેમણે એ મૃત સાત જણની સુરક્ષિતતા અંગે કોઈ દરકાર કરી નહોતી,તેમને સેફટી જેકેટસ પૂરા પાડવા કે પહેરવાની ફરજ પાડી નહોતી.
     અત્રે નોંધનીય છે કે મેલું ઉપાડવાની પ્રથા તો આપણાં દેશમાં વર્ષોથી પ્રતિબંધિત છે,છતાં આ રીતે મોતને ભેટતા સફાઈ કામદારો કે મજૂરોના સમાચાર દર મહિને દેશ ભરમાંથી આવતા રહે છે.
      નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારીસ (NCSK) ના જણાવ્યાં અનુસાર ૧૯૯૩થી દેશમાં ગટરની સફાઈ કરતી વેળાએ મૃત્યુ પામેલા સફાઈ કામદારોનો સત્તાવાર આંક ૮૦૧ નો છે.અન્ય એક અહેવાલ મુજબ ૨૦૧૦ અને ૨૦૧૭ વચ્ચે આશરે ૧૪૭૦ સફાઈ કામદારોના સફાઈ કામ કરતા મોત થયા છે. એવો એક અંદાજ છે કે દેશમાં લગભગ ૧.૮ લાખ માણસો આ સફાઈ કામ સાથે સંકળાયેલા છે. દરેક રાજ્યને સૂચના આપવામાં આવી છે કે ગટર સાફ કરતી વેળાએ સફાઈ કર્મચારીઓને ફરજીયાત સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે. પરંતુ આ સૂચનાનું પાલન થતું નથી અને એટલે જ આજ પર્યંત આવી દુર્ઘટનામાં મોતને ભેટતા કર્મચારીઓના સમાચાર નિયમિત રીતે અલગ અલગ જગાઓથી આવતા રહે છે.
   કોણ જવાબદાર છે આ નિર્દોષ મનુષ્યોના મૃત્યુ બદલ? સફાઈનું ઉત્તમ કામ કરતા લોકો પ્રત્યે કાળજીની ઉદાસીનતા? બેદરકારી? સુરક્ષાના સાધનો પાછળ થનાર ખર્ચ બચાવવાની લાલચ?
     મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેર પર્સન આનંદ મહિન્દ્રાએ આ બાબત અંગે ઉંડા દુ:ખ અને રોષની લાગણી પ્રકટ કરતા ટ્વીટ કર્યું હતું કે "બસ હવે બહુ થયું. માનવ જીવનનું આ હદે અવમૂલ્યન હવે બહુ થયું. મેં અગાઉ પણ એક ઓટોમેટિક સફાઈ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા રોબોટ મશિન - બેન્ડીકૂટ અંગે ટ્વીટ કર્યું હતું. આવા બીજા પણ મશિન બજારમાં ઉપલબ્ધ છે. કોણ રોકે છે તેનો મોટે પાયે ઉપયોગ કરતા આપણને? જો એનું મોટે પાયે ઉત્પાદન કરવા નાણાંની જરૂર હોય તો હું એ માટે તૈયાર છું. "
    બેન્ડીકૂટ કેરળના એંજીનિયર યુવાનોએ તૈયાર કરેલું રોબોટ મશિન છે જે કરોળિયા જેવા આકારનું છે અને તેનું એક યૂનિટ મેનહોલ માં ઉતરી સફાઈનું કામ કરે છે જ્યારે બીજું યૂનિટ બહાર માનવ દ્વારા સંચાલિત હોય છે જે ગટરમાં ઉતારેલા યૂનિટને કંટ્રોલ કરે છે.આ મશિન રોબોટ પોતાની મેળે ગટરનું ઢાંકણું ખોલે છે, ગટરમાં ઉતરે છે અને અસરકારક રીતે સફાઈનું કામ ૧૫ થી ૪૫ મિનિટમાં પૂર્ણ કરે છે.
કેરળના એંજીનિયર યુવાનોએ જેનરોબોટિકસ નામની કંપની સ્થાપી છે જેનો આશય માનવ દ્વારા થતા મળસફાઈ કે ગટર સફાઈના કામનો અંત આણવાનો છે. થીરૂવંતપુરમમાં પ્લાસ્ટિક, કચરો અને મેડિકલ વેસ્ટ ભરેલા પાંચ મેનહોલ સફળતાપૂર્વક બેન્ડીકૂટ દ્વારા સાફ કરાઈ ચૂક્યા છે. જેનરોબોટિકસના ૨૫ વર્ષીય સી. ઈ. ઓ. કહે છે કે હવે મેનહોલ ને રોબોહોલ માં બદલી નાખવાનો સમય આવી ગયો છે. રોબોટને ગટર ના ઝેરી વાયુ, ઓક્સિજન નો અભાવ, ગરમી કે અમાનવીય પરિસ્થિતિ નડતા નથી. એ સફાઈ કર્મચારીઓને માટે અતિ જરૂરી એવા સુરક્ષા ટોપી, સુરક્ષા જેકેટ, મોજા કે માસ્કસ વગર કામ કરી શકે છે. સફાઈ કર્મચારીઓની જાનના ખતરા અને અમાનવીય કામ ની સમસ્યા સામે બેન્ડીકૂટ જેવો ઉકેલ આશાના કિરણ સમાન છે.
       આશા સેવીએ કે દેશભરમાં ગટરોની સફાઈ માટે હવે ઓટોમેટિક રોબોટ મશીનોનો જ ઉપયોગ થાય અને સફાઈ કર્મચારી તેને ઓપરેટ કરવાનું કામ કરે નહીં કે સુરક્ષા સાધનો વગર ગટરમાં ઉતરવાનું.

Monday, September 16, 2019

ગેસ્ટ બ્લૉગ : વિસર્જન

       સંતાનનો જન્મ થતાં જ ચારેબાજુ આનંદની લહેરો ઉઠે. બરફી અને પેંડા વહેંચાય. ગીતો ગવડાવાય. અભિનંદનની વર્ષા થાય. એટલું જ નહીં, હર વર્ષે એ જન્મદિન અલગ અલગ રીતે ધામધૂમથી ઉજવાય. પણ મૃત્યુ દિન આવે ત્યારે બધાં જ વાંચેલું ભૂલી જાય. જન્મ છે તેનું મૃત્યુ છે. નામ છે તેનો નાશ છે. મૃત્યુ એ પૂર્ણવિરામ નથી પણ બીજા જીવનની શરૂઆત છે. મૃત્યુ એ જૂના કપડાં ત્યજીને નવા કપડાં ધારણ કરવાનો અવસર છે. આ સત્ય સમજવા હોવા છતાં પણ નાસમજ બની જઈએ. મૃત્યુ એ પણ મહોત્સવ છે ને એનો હસતાં હસતાં સ્વીકાર કરવાને બદલે આંસુઓ અને શોકથી વાતાવરણને ભારેખમ બનાવી દઇએ. આ ભારેખમતાને હળવાશમાં બદલવા માટે અને મૃત્યુના મર્મને સમજવા માટે ગણપતિ વિસર્જનની શરૂઆત થઈ. ગણપતિ બાપાનું આગમન ઘણાં જ ધામધૂમથી કરવામાં આવે. નાચતાં નાચતાં અને ઢોલ નગારા વગાડતાં ગણપતિ બાપાને ઘરે લાવવામાં આવે. ઘરે લાવેલા ભગવાનની અનન્ય શ્રદ્ધાથી પૂજા થાય. દસ દસ દિવસ સુધી આનંદની હેલી ઉઠે. ભક્તિ ભાવનાની મહેક પ્રસરે. દસ દિવસ બાદ એ જ ગણપતિ બાપાનું એટલી જ ધામધૂમથી વિસર્જન કરવામાં આવે.  પંચ મહાભૂતમાંથી બનેલો દેહ પંચ મહાભૂતમાં જ વિલીન થવાનો છે એ વાતનો સાક્ષાત્કાર ગણેશજીને જળરાશિમાં વિસર્જિત કરીને થાય. બાપાના વિસર્જન વખતે 'બાપા મોરિયા' અને પુઢચ્યા વર્ષી લવકર યા' નાં નારાઓ ગૂંજે. વિદાય આપતાં દિલ કદાચ રડતું હોય છે પણ બાપા ફરી પાછાં આવતા વર્ષે આવવાનાં છે એની ખુશી મુખ પર છલકતી હોય છે. ગણપતિનાં પુનરાગમન માટે તો વર્ષની રાહ જોવી પડે જ્યારે આ જીવને તો ફરી જન્મ લેવા માટે એક પળની પણ રાહ નથી જોવી પડતી. મૃત્યુ થતાંની સાથે જ જીવ બીજા રૂપે જન્મી જતો હોય છે. આમ મૃત્યુ એ માત્ર પરિવર્તન છે. આ પરિવર્તનની ઘટનાને અનેક રીતે અમર બનાવી શકાય. નેત્રદાન કરીને અન્ય વ્યક્તિને દ્રષ્ટિ આપી આપણે દુનિયાને ફરીથી નિહાળી શકીએ. ત્વચાદાન કરીને અન્ય વ્યક્તિ  દ્વારા ફરી સ્પર્શની દુનિયાનો અહેસાસ કરી શકીએ. દેહદાન કરીને  અન્ય વ્યક્તિ દ્વારા ફરી જીવંતતાની અનૂભુતિ કરી શકીએ. કદાચ કોઈ અકળ કારણસર આપણે જો આ દેહ કે દેહના અંગોનું દાન ન કરી શકતા હોઈએ તો મૃત્યુ પહેલાં સહુને એટલું તો જરૂરથી કહી શકીએ કે મારા મૃત્યુ પછી શોકસભા, પ્રાર્થના સભા કે જમણવાર એવા ખોટા ખર્ચા કરવાને બદલે મારો પૈસો સદુપયોગમાં વપરાય એવું કરજો.
૧.   કોઈ ભૂખ્યાને અન્ન આપજો .
૨.   કોઈ તરસ્યાની પ્યાસ બુઝવજો. 
૩.   કોઇ ગરીબને શિક્ષણ અપાવજો. 
૪.   કોઈ બિમારની દવા કરાવજો. 
૫.   કોઈ વિકલાંગ ને આધાર પૂરો પાડજો
૬.   પક્ષીને ચણ અને પાણી આપજો. 
૭.   ગાયને ઘાસ અને પાણી આપજો. 
૮.   એકાદ વૃક્ષનું રોપણ કરજો. 
            એ તૃપ્ત લોકોના હાસ્યમાં, પંખીઓના કલરવમાં, ગાયના ભાંભરવામાં ને વૃક્ષના નવ પલ્લવિત પર્ણમાં હું જીવંત રહીશ .વિસર્જનમાં જ સમાયેલ સર્જનની અનુભૂતિ કરાવી શકીશ. 
    -    રોહિત કાપડિયા

Sunday, September 8, 2019

આશા અમર છે

   મિશન મંગલ ફિલ્મ થોડા સમય પહેલાં જોઈ, ખૂબ ગમી. ચંદ્રયાન-૨ લોન્ચ થયા ટાણે જ એની સમયસરની રજૂઆતે મારી જેમ લાખો અન્ય ભારતીયો એ પણ એ જોઈ અને વખાણી. એમાં ભારતીયતા અને દેશભક્તિની પણ છાંટ હતી એટલે એ માત્ર મનોરંજક ન બની રહેતા પ્રેક્ષકોના હ્રદયને પણ સ્પર્શી ગઈ. કોર્પોરેટ જગતમાં કામ કરતાં લોકો માટે પણ એમાં ટીમવર્ક, ખંત, મહેનત, ધીરજ વગેરેના અતિ મોટિવેટીંગ પાઠ છે.
  જો કે આ ફિલ્મ જેણે એ જોઈ એ બધાં - લાખો ભારતીયોના દિલમાં ચંદ્રયાન મિશન અંગે પણ એક ઉત્કંઠા પેદા કરતી ગઈ અને ફિલ્મ જોઈ જેવી 'અડ્રેનલાઇન' રશની લાગણી અનુભવેલી એ રિયલ લાઇફમાં સાચુકલી અનુભવવા શુક્રવારની રાતે એમાંના મોટા ભાગના બે થી ત્રણ વાગ્યા સુધી જાગતા રહ્યાં. અનેક વિદ્યાર્થીઓ ને આ રોમાંચક ક્ષણોનો પ્રત્યક્ષ લહાવો લેવા ઈસરોના હેડ ક્વાર્ટર માં આમંત્રણ અપાયું હતું, આપણાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ અસામાન્ય ઘટનાના ઉચાટભરી મન:સ્થિતી સાથે ત્યાં સાક્ષી બની રહ્યાં. લગભગ બે મહિના જેટલો સમય અવકાશયાત્રામાં વિતાવી ૩૮૪૪૦૦ કિલોમીટર જેટલું અંતર કાપી છેવટે માત્ર બે કિલોમીટર જેટલા અંતરે ચંદ્રયાન૨ ઈસરો સાથે, પૃથ્વી સાથે સંપર્ક ગુમાવી બેઠું અને લાખો લોકો જે તેને ચંદ્ર ના દક્ષિણ ગોળાર્ધ પર સોફ્ટ લેન્ડ થતું જોવા ચાતક નજરે એ ધન્ય ઘડી ની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં તેમને નિરાશા સાંપડી.
  પણ એ નિરાશા ક્ષણજીવી નિવડી. કારણ આ નિષ્ફળતા બાદ પણ આ ઘટનાને જે પ્રતિભાવ મળ્યાં તે ખૂબ ખૂબ આવકારદાયક અને હકારાત્મક રહ્યાં. પ્રધાનમંત્રીની ઈસરો અધ્યક્ષને ભેટી મૂક સાંત્વના આપતા વિડિયોને વાયરલ થયો એ હદે લોકોએ જોયો, વખાણ્યો અને  પ્રધાનમંત્રી પ્રત્યે જનતાનું માન ઓર વધી ગયું. તેમણે ઇસરોના શક્ય એટલા બધા વૈજ્ઞાનિકો સાથે હાથ મિલાવ્યાં, શનિવારની સવારે એક અતિ પ્રોત્સાહક અને પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું અને એ તમામ વૈજ્ઞાનિકો અને તેમની અથાક મહેનતને બિરદાવ્યાં. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને અન્ય બોલીવુડ સ્ટાર્સે પણ ઈસરો ને શાબાશી આપતાં ટ્વીટસ કર્યા. દેશમાં જ નહીં પણ વિદેશી મીડિયામાં પણ ભારતના આ અભિયાનની નોંધ જ ન લેવાઈ પણ તેને એ માટે બિરદાવવામાં આવ્યું.
   થોડા સમય અગાઉ ક્રિકેટ વર્લ્ડકપ મેચમાં ભારતીય ટીમ સેમિફાઇનલમાં હારી ને આવી ત્યાર બાદ પણ આવી જ રીતે તેમના સંનિષ્ઠ પ્રયાસોને આપણે બિરદાવ્યાં હતાં એ યાદ આવી ગયું.
    જ્યારે કોઈ ઘટના અંગે અતિ વધુ ઉત્સુકતા જાગે અને લાખો લોકો એ ઘટનાના અંતિમ સમાપન ની આતુરતા પૂર્વક રાહ જોતા તેના પ્રત્યક્ષ સાક્ષી બની રહ્યા હોય ત્યારે અંતિમ ઘડીએ ફિયાસ્કો થાય એ અતિ દુખદ છે પણ નિરાશામાં પણ આશા છુપાયેલી છે અને મારા જેવા જરૂર કરતા પણ વધુ આશાવાદી ભારતીયના મનમાં હજી એવી આશા છે કે કદાચ સંપર્ક ગુમાવી બેઠેલું ચંદ્રયાન અચાનક ફરી સંપર્કમાં આવી ચડશે, મિશન મંગલ માં બને છે એવી ફિલ્મી રીતે! કાશ એવું સાચે બને!
   પણ એવું બને કે ના બને, સંદેશ એટલો છે કે આશા અમર છે. એક વાર નિષ્ફળતા મળી એટલે કંઈ પાણીમાં થોડી બેસી જવાનું હોય? પડી જાવ તો વાંધો નહીં પણ પડી ગયા પછી ફરી ઉભા થવાનો પ્રયત્ન ના કરો એ ખોટું કહેવાય. પડી ગયા પછી ફરી ઉભા થઈ ચાલવા અને દોડવા માંડવામાં મજા છે, સફળતા આજે નહીં તો કાલે મળશે. ભૂલ તો થાય, એમાંથી પાઠ શીખી તેને સુધારી લેવી એ મહત્વનું છે.
  ઈસરો ટીમ, તમને અભિનંદન તમારા પ્રયત્ન બદલ અને અનેક ગણી શુભેચ્છાઓ રહી ગયેલા બે - એક કિલોમીટર ના અંતર ને પૂરું કરી ચંદ્રની ધરતી પર ભારતનો ઝંડો લહેરાવવા ટૂંક સમયમાં જ!
પ્રધાનમંત્રીશ્રી એ કહ્યું એ પ્રમાણે નવી પ્રભાત ચોક્કસ ઉગશે અને સફળતા ભણી  દોરી  જશે...

Saturday, August 31, 2019

શ્રદ્ધાનું પર્વ - ગણેશોત્સવ


  " ગંપતિ બાપ્પા મોલ્યા..."
મારો અઢી વર્ષનો પુત્ર ચહેરા પર અનન્ય હર્ષોલ્લાસના ભાવ સાથે મોટેથી બોલે છે, તેના નાના નાના હાથ પગ, અતિ વહાલો લાગે એવી અદામાં હલાવી નાચે છે અને સૂંઢવાળા દૂંદાળા દેવને તે તરત ઓળખી જાય છે. હજી તેને બરાબર બોલતા નથી આવડતું પણ જન મન ગણ અધિનાયક... પણ એ તેની કાલી ઘેલીભાષામાં ગાવાનો પ્રયત્ન કરે છે અને રાષ્ટ્રગીત પૂરું થયે "ભાલત માતા કી જય..." પણ તે ગીત ગાયું તેના કરતાં બમણાં ઉત્સાહથી પોકારે છે! એણે મોટાઓને અતિ ઉત્સાહથી ગણપતિ બાપ્પા મોર્યા લલકારતા અને રાષ્ટ્રગીત ગાતા સાંભળ્યા છે અને કોઈએ એને તે શીખવાડ્યા વગર એ તેણે શીખી લઈ પોતાની રીતે એ શ્રદ્ધાના નારા કે ગાનમાં પોતાનો સૂર પૂરાવવાનો પ્રયાસ કર્યો છે. આ છે શ્રદ્ધાની તાકાત. શ્રદ્ધા વ્યક્ત કરવાનો સુઅવસર આપણને આપણાં દેશમાં ઉત્સાહથી ઉજવાતા તહેવારો દ્વારા નિયમિત રીતે મળતો રહે છે.
         આવતી કાલે અનેક શ્રદ્ધાળુઓ પોતપોતાના ઘેર અને સાર્વજનિક મંડપોમાં લોકલાડીલા એવા ગણેશજીની પધરામણી કરશે અને દોઢ, ત્રણ, પાંચ, સાત કે દસ દિવસે ફરી તેમને વિદાય કરશે પણ અખૂટ રહેશે કે કદાચ પહેલા કરતા જેમાં વધારો થશે એ છે આ એકદંત દેવ પ્રત્યેની તેમની શ્રદ્ધા.
   મારા માસીએ મને ગઈ કાલે પ્રશ્ન કર્યો કે તેમના મિત્ર એવા એક શ્રદ્ધાળુ બહેનને તેમના ઘેર સુમુખ દેવની આ વર્ષે પધરામણી કરવાની ભારોભાર ઇચ્છા છે પણ તેમને કોઈ મહારાજ મળી રહ્યાં નથી જે કપિલ ભગવાનની તેમના ઘેર પધરામણી કર્યા બાદ વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરાવી શકે. બધાં મહારાજ ઓલરેડી બુક્ડ છે! તો શું એ પોતાની મેળે લંબોદર ભગવાનની પધરામણી કરાવી શકે કે પછી શાસ્ત્રોકત વિધિ વગર ગજકર્ણક બાપ્પાની પધરામણી કરીએ તો પાપ લાગે? એ બહેનની શ્રદ્ધામાં ઓટ ન આવે એ હેતુથી કે પછી બીજા કોઈ કારણસર મેં તરત જવાબ તો આપી દીધો કે જો એ બહેન પૂરા ભક્તિભાવથી અને શ્રદ્ધાથી વિકટ દેવની તેમના ઘેર પધરામણી કરવા ઇચ્છતા હોય તો એ તેમણે ચોક્કસ કરવું જોઈએ, ભલે કોઈ મહારાજ શાસ્ત્રોકત વિધિ કરાવવા ઉપલબ્ધ ન થઈ શકતા હોય. તેમના પર કોઈ વિકટ નહીં આવે!
  મને મારા જ ભૂતકાળમાં ગણેશોત્સવની મેં મારા ઘરે કરેલ ઉજવણીની કેટલીક યાદો તાજી થઈ ગઈ. અમે પાંચ - સાત વાર વિઘ્નનાશ દેવની પધરામણી દોઢ દિવસ માટે અમારા ઘેર કરી છે. કેટલીક વાર મહારાજને પ્રાણ પ્રતિષ્ઠા માટે અને વિસર્જન વિધિ માટે બોલાવ્યાં હતાં તો એક - બે વાર તેમની અપ્રાપ્યતાને લીધે અમારા પાડોશી બ્રાહ્મણ કાકાને (જે ક્રિયાકાંડી નહોતા) બોલાવ્યાં હતાં તો એકાદ પ્રસંગે વિસર્જનની વિધિ વેળાએ ઉથાપન વિધિ મેં પોતે જ સંપન્ન કરી હતી. પહેલા એવો ડર હતો કે આવી વિધિ શાસ્ત્રોકત રીતે મહારાજ કરાવે તો જ પૂજા વિનાયક દેવ સુધી પહોંચે, એમ ન કરીએ તો પાપ લાગે વગેરે. પણ પછી થયું ધૂમ્રકેતુ તો ભાવના ભૂખ્યા છે એટલે સાચા હ્રદયથી તેમની સ્થાપના કરીએ અને પૂજા અર્ચના કરીએ તો ચોક્કસ એ એમના સુધી પહોંચી જ જતી હોવી જોઈએ! ગણાધ્યક્ષ પાસે ચાલુ રખાતા અખંડ દીવાને લઈને પણ જ્યારે એક વાર એ વિસર્જન પહેલા રામ થઈ ગયેલો (એટલે કે બુઝાઈ ગયો હતો) ત્યારે પારાવાર પસ્તાવો થયો હતો અને છૂપો ડર પણ લાગ્યો હતો કે આવી બન્યુ, હવે તો ભાલચંદ્રના ક્રોધનો ભોગ બનવું પડશે! પણ કદાચ એ પ્રસંગ પછી પણ ગજાનન અમારાથી નારાજ નહોતા થયાં. આવી કંઈ કેટલીયે માન્યતાઓ છે જેમકે ટોપી પહેરીને જ વિનાયકની મૂર્તિ ઘરમાં લાવવાની, તેમને લાવતી વખતે પાછા ફરી નહીં જોવાનું, અમુક મુહૂર્ત સુધી તેમના મુખ પર રૂમાલ ઓઢાડેલો રાખવાનો, તેમને ચોક્કસ દિશામાં જ બેસાડવાના, અખંડ દીવો સતત ચાલુ જ રહેવો જોઈએ,અમુક રીતે જ તેમની પૂજા કરવાની, વિસર્જન દરિયામાં જ કરવાનું, ભગવાનને દર્શનાર્થીઓ એ ભેટ ધરેલી રકમ મહારાજ ને જ આપવાની વગેરે. આ માન્યતાઓ સાથે ડર પણ જોડી દેવામાં આવ્યો છે કે એ પ્રમાણે ન કરીએ તો પાપ લાગે અને ગણરાયાના ગુસ્સાનો ભોગ બનવું પડે. પણ મેં આમાંના ઘણાં ખરાં મુદ્દાઓનું કેટલીક વાર અજાણતા તો કેટલીક વાર જાણી જોઈને ખંડન કર્યું છે. વિસર્જન શરૂઆતના વર્ષોમાં એક-બે વાર દરિયામાં કર્યા બાદ મારામાંનો ઈકો ફ્રેન્ડલી માંહ્યલો જાગી જતાં પછીના વર્ષોમાં હું મૂર્તિ પણ ઈકો ફ્રેન્ડલી જ લાવ્યો છું અને વિસર્જન પણ મેં કૃત્રિમ તળાવમાં જ કર્યું છે. છેલ્લે બે વર્ષ અગાઉ જ્યારે મારા ઘેર વક્રતુંડની પધરામણી કરેલી ત્યારે તો વિસર્જન મારા ઘરે જ નાનકડા ટબમાં કર્યું હતું અને બે-ત્રણ દિવસ બાદ માટી અને એ પાણી મારા છોડવાઓમાં ભેળવી દીધું હતું. હવે મારા હિસાબે તો બધાં જ તહેવારો આપણે આ રીતે ઈકો ફ્રેન્ડલી રીતે ઉજવવા પર જ ભાર મૂકવાનો સમય આવી ગયો છે. ભેટમાં આવેલી રકમમાંથી પણ કેટલોક ભાગ મહારાજને આપી બાકીની રકમ મેં શાંતિદાન આશ્રમમાં દાનમાં આપી દીધી છે જેથી ત્યાં ત્યજાયેલાં - માંદા - માનસિક કે શારીરિક રીતે અક્ષમ લોકોની સેવામાં હું સહભાગી થઈ શકું.
     મારી આ વિચારસરણીને અનુસરતા જ મેં મારા માસીને સલાહ આપી દીધી કે “તમારા મિત્ર ને કહો ચોક્કસ અને વિના કોઈ ડર સાથે કૃષ્ણપિંગાક્ષ - ગજ્વકત્રની પધરામણી તેમના ઘેર કરે અને કોઈ મહારાજ મળી શકે એમ ન હોય તો ગૂગલ પર ગણેશ સ્થાપનાની વિધિ વાંચી તે મુજબ પોતે જ ગણપતિ બાપ્પાનું સાચા મનથી આહ્વાન કરે અને તેમની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે..અને હા, તેમને ખાસ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ જ લાવવાની ભલામણ કરજો અને વિસર્જન પણ કૃત્રિમ તળાવ કે પોતાના ઘેર જ કરે એવો આગ્રહ સેવજો.“
  ગણપતિ બાપ્પા તેમના સાચા ભક્તો પર તો કોઈ દિવસ નારાજ થાય જ નહીં, એમને નારાજ કે ક્રોધી થવું જ હોય તો એમના મંડપમાં  ગાળો બોલતા કે જુગાર રમતા કે ઝગડાઝગડી કરતા કે દારૂ પી તેમનાં વિસર્જન કે પધરામણી વખતે બેફામ બની નાચતા કે હજારો - લાખો રૂપિયાનો ધૂમાડો કરી મૂર્તિની ઉંચાઈ બાબતે કે મોટા મોટા લાઉડસ્પીકર વગાડી સ્પર્ધા કરી દેખાડામાં માનતા ભક્તો ઘણાં છે! સાચા મનથી તેમની પધરામણી ઘેર કરી સાદાઈથી ઉજવણી કરવા માંગતા કોઈએ બાપ્પાથી ડરવાની જરૂર નથી.
    ઘેર બાપ્પાની મૂર્તિને ડેકોરશન વચ્ચે બેસાડી હોય અને અન્ય દર્શનાર્થીઓ હાજર ન હોય તે સમયે તેમની આંખોમાં આંખો પરોવી કે વિસર્જન વેળાએ બાપ્પાની મૂર્તિ ખોળામાં બેસાડી કે વાહનમાં સંતુલન જાળવવા તેમની મૂર્તિ પકડવાની હોય તે ક્ષણોએ મેં બાપ્પા સાથે સીધી વાતો કરવાનો માનસિક અનુભવ કર્યો છે અને આ લાગણી કંઈક નોખી જ દિવ્યતા, પવિત્રતા અને ધન્યતાનો અનુભવ કરાવે છે. બાપ્પાની આરતી વેળાએ એકાંત નહીં પણ ભીડમાં બાપ્પા સાથે સંપર્કનો અનુભવ પણ જુદો હોય છે, માણવાલાયક હોય છે. આરતી અને ત્યારબાદ ભજન કે ગીતો ગાતાં અને પછી બાપ્પાના નામની રમઝટ બોલાવતા પણ સમાધિ લાગ્યા જેવો અનુભવ થાય છે. ઇશ્વર સાથેનું આવું જોડાણ એ આવા તહેવારોની સૌથી મોટી ફલશ્રુતિ છે. આપણા પોતાનાં ઘેર બાપ્પાની પધરામણી ન કરી હોય તોયે કોઈ મિત્ર કે સગા સંબંધીને ત્યાં જઈ દર્શનનો લહાવો લેવાની મજા ચૂકવા જેવી નથી!
 બોલો ગણપતિ બાપ્પા મોર્યા!!!!

Sunday, August 25, 2019

વિશ્વની અજાયબી સમી ગિલ્બર્ટ હિલ

  
    તમને કહું કે મુંબઈ શહેરની મધ્યમાં છ કરોડ વર્ષ જૂનો ૨૦૦ ફીટ ઉંચો મોનોલિથ પર્વત કે ટેકરો આવેલો છે જેની ઉપર સુંદર મજાનું ગામદેવી માતાનું મંદીર આવેલું છે અને જ્યાં પહોંચી તમે મુંબઈનું એક અલગ જ સ્વરૂપ નિહાળી શકો છો તો કદાચ એ તમારા માન્યા માં જ નહિં આવે બરાબર? પણ આ સત્ય છે! હું જેની વાત કરી રહ્યો છું એ ટેકરા કે મોનોલિથ ખડકનું નામ છે ગિલ્બર્ટ હિલ અને તે મુંબઈના ઉપનગર અંધેરી સ્ટેશનથી માત્ર પંદર-વીસ મિનિટ ચાલીને પહોંચી શકાય એટલા અંતરે આવેલ છે. 

મોનોલિથ શબ્દ લેટીન ભાષાના મોનોલિથસ પરથી ઉતરી આવ્યો છે જેમાં મોનો એટલે સિન્ગલ - એક અને લિથસ એટલે સ્ટોન - પથ્થર એવા અર્થ પરથી મોનોલિથની વ્યાખ્યા એવી થઈ શકે કે એક જ પથ્થર કે ખડકમાંથી બનેલો ટેકરો કે પહાડ. સમગ્ર વિશ્વમાં આવા ગણ્યાંગાંઠયા ભૌગોલિક અજાયબી ગણાતાં પર્વત છે જેમાંનો એક આપણી આટલી નજીક છે - મુંબઈ શહેરમાં આ એક અજબ જેવી વાત છે.

ગિલ્બર્ટ હિલ ૬૧ મીટર કે ૨૦૦ ફીટ ઉંચો કાળા બેસાલ્ટ ખડકનો સ્થંભ જેવો ટેકરો છે જેને વર્ષ ૨૦૦૭માં મુંબઈ મહાનગર પાલિકા દ્વારા ભૂસ્તર શાસ્ત્રીઓના અથાગ પ્રયત્નો બાદ ગ્રેડ - ૨ નો હેરિટેજ સ્ટ્રક્ચરનો દરજ્જો પ્રાપ્ત થયો છે. લગભગ ૬૬૦ લાખ વર્ષ પૂર્વે મેસોઝોઈક યુગમાં એટલે કે જ્યારે પૃથ્વી પર મસમોટા ડાયનાસોર ભ્રમણ કરતા હતાં એ સમયે પૃથ્વીના પેટાળમાંથી ધગધગતો લાવરસ બહાર નીકળી જમીન પર પથરાયો અને ત્યારે આ ખડકની રચના થઈ. એમ મનાય છે કે આ લાવારસ તે સમયે મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ છે તે ભાગો પર આશરે પચાસ હજાર ચોરસ કિલોમીટર જેટલા ડેક્કન ટ્રેપ તરીકે ઓળખાતા વિસ્તાર સુધી પથરાયો હતો (માથેરાન ના પશ્ચિમી ઘાટ પણ જેનો ભાગ છે) અને તે જ એ સમયના વનસ્પતિ અને પ્રાણીઓના નિકંદન બદલ જવાબદાર હતો. નિષ્ણાતોના મતાનુસાર આ એક અસામાન્ય ભૌગોલિક અજાયબી સમાન એક જ પથ્થરમાંથી બનેલ ટટ્ટાર ઉભેલો ઉંચો થાંભલા જેવો ખડક છે જે વિશ્વમાં બીજી બે જગાએ જોવા મળે છે - એક અમેરિકાના વ્યોમિંગમાં આવેલ ડેવિલ્સ ટાવર નેશનલ મોનુમેન્ટ અને બીજો અમેરિકાના પૂર્વીય કેલિફોર્નિયામાં આવેલ ડેવિલ્સ પોસ્ટપાઈલ નેશનલ મોનુમેન્ટ.


                ગિલ્બર્ટ હિલને ૧૯૫૨માં ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા વન ધારા હેઠળ નેશનલ પાર્ક જાહેર કરાયો હતો. પણ વખત જતાં વસ્તી વધારાને કારણે માનવ જાતે વનોમાં, પહાડો પર, દરિયામાં એમ બધે અતિક્રમણ કરી પોતાના માટે વસવાટ થઈ શકે એવી વ્યવસ્થા કરવા આ ભૌગોલિક સ્વરૂપોનો વિનાશ નોતર્યો અને ગિલ્બર્ટ હિલ ની આસપાસ પણ છેક તેના પાયા સુધી ઘૂસણખોરી કરી માનવ વસાહતો નું નિર્માણ થયું છે. ગિલ્બર્ટ હિલ એક તરફ મોટી ઝૂંપડપટ્ટીથી તો બીજી તરફ ઉંચી બિલ્ડીંગો દ્વારા ઘેરાઈ ઊભી છે, એમ કહો ને કે ઢંકાઈ ગઈ છે. છતાં પહાડની ઊંચી સાંકડી ટોચ તમે દૂરથી પણ જોઈ શકો છો. ૨૦૦૭માં હેરિટેજ દરજ્જો પામ્યા પછી જો કે ઘૂસણખોરી થોડી ઓછી થઈ ગઈ છે અને ત્યાં આ ધરોહર સાચવવાનો સંદેશ આપતા પાટીયા પણ મુકાયા છે. ગિલ્બર્ટ હિલ ની ટોચ પર બગીચો અને તેની મધ્યે ગામદેવીનું એક સુંદર મંદિર બાંધવામાં આવ્યા છે. ત્યાં સુધી પહોંચવા ખડક ખોદીને સીધા ચઢાણ વાળા દાદરા પણ બનાવાયા છે. 
ઉપર પહોંચ્યા બાદ તમે મુંબઈ નું ચારે તરફથી દર્શન કરી શકો છો અને ત્યાં મનને જે અદ્ભુત લાગણીનો અનુભવ થાય છે તેનું શબ્દમાં વર્ણન થઈ શકે નહીં! મેં પરિવાર સાથે બે વાર ત્યાં જઈ સૂર્યાસ્ત જોવાની મજા માણી છે. કદાચ ઘણાં લોકોને આ જગા વિશે માહિતી જ નથી એટલે અહીં ખાસ ગર્દી હોતી નથી અને એટલે પણ અહીં વધુ મજા આવે છે. મંદિર પણ ખૂબ સરસ છે અને તેની જાળવણી ખૂબ સારી રીતે કરાય છે. 


મંદીરની આસપાસ અમને સારી એવી સંખ્યામાં પોપટ અને સમડી જેવા પંખીઓ જોવા મળ્યાં હતાં.બગીચામાં બેસવા માટે બાંકડા પણ મૂકેલા છે એટલે તમે અહિં દોઢ-બે કલાક જેટલો સમય આરામથી પસાર કરી શકો પણ અંધારું થાય એ પહેલા નીચે પાછા ફરી શકાય એ પ્રમાણે સમયનું આયોજન કરવું હિતાવહ રહેશે.

                જો કે આ વૈશ્વિક અજાયબી સમાન સ્થળે પહોંચતા તમને થોડી તકલીફ પડી શકે છે. અંધેરી સ્ટેશન બહાર થી સીધી ગિલ્બર્ટ હિલની બસ છે પણ તે તમને હિલના બીજે છેડે ઉતારે છે જ્યાં થી ઉપર ચઢવા માટેનો રસ્તો સહેલાઈ થી જડે એમ નથી. તમારે અંધેરી પશ્ચિમ તરફથી રીક્ષા લઇ ગિલ્બર્ટ હિલ ગામદેવી મંદિર એમ ચોખવટ કરવી જેથી રીક્ષા તમને ઝૂંપડપટ્ટીના નાકે ઉતારી શકે. ત્યાંથી સાંકડી ગલીઓ ધરાવતો શોર્ટ કટ લઈ હિલના તળિયે આવેલ ગેટ સુધી પહોંચી શકાય અને પછી પગથીયા ચડી ગિલ્બર્ટ હિલની ટોચ સુધી. ઝૂંપડપટ્ટી નો થોડો ગંદો ગોબરો રસ્તો પસાર કરવો પડે અને પૂછતાં પૂછતાં જવું પડે પણ એક વાર ગિલ્બર્ટ હિલની ટોચ પર પહોંચો એટલે આ બધી અગવડોનું સાટું વળી જાય અને તમારું મન પ્રસન્નતા અનુભવ્યાં વગર રહી ન શકે!

Saturday, August 24, 2019

ગેસ્ટ બ્લૉગ - શુભ દિવસ કે અશુભ દિવસ ?

માનવીએ કેલેન્ડર (તારીખિયા) બનાવ્યાં. એમાં તારીખો, વાર, મહિનાઓ અને વર્ષો.એમ વિભાજનો કર્યાં. કોઈક દિવસ શુભ માન્યો અને કોઈક દિવસ અશુભ. પંચાંગોમાં પણ શુભ-અશુભ દિવસોના નિશાનો બનાવ્યાં. કોઈક દિવસ આપણને વ્યક્તિગત રીતે માનીતો અને કોઈક દિવસ અણમાનીતો. કોઈક ખૂબ જ સારો અને કોઈક ખૂબ જ ખરાબ. એમ લાગે કે જાણે એ તારીખ કેલેન્ડરમાં આવી જ ન હોત, તો જ સારું થાત. ક્યારેક આપણા પોતાનો, તો ક્યારેક આપણા પ્રિયજનોનો; જન્મદિન, લગ્નતિથિ, તો ક્યારેક કોઈનો મૃત્યુદિન, દરેક વખતે આપણે એ દિવસોની વિશેષતાઓ, ઘટનાઓ પ્રમાણે એ દિવસોમાં સારા-નરસાના ભેદભાવો કર્યાં. વળી કોઈ દિવસ સાર્વજનિક રીતે શુભ કે અશુભ ગણાયો.
આપણે તો માનવ; અને સાથે ભેટ મળેલી અમૂલ્ય વિચારશક્તિ, એને કારણે આપણે આ વિભાજનો કરીને આપણી લાગણીઓ વ્યક્ત કરવાની રીત શોધી લીધી છે.
સૂરજ રોજ જ ઊગે છે, એ જ ઉષ્મા અને તાજગી આપે છે. પણ આપણે એને આપણી માનસિકતા પ્રમાણે અલગ-અલગ રીતે વધાવીએ છીએ, ગ્રહણ કરીએ છીએ. આપણને ગમતું થાય તો સારો દિવસ, અને ન ગમતું થાય તો ખરાબ દિવસ એવા લેબલો મારીએ છીએ. મૂળમાં તો એની પાછળ આપણી લાગણીઓ, આપણો ઈગો જ રહેલો હોય છે.
કુદરતમાં ઘટતી દરેક ઘટનાઓ; એ પછી આપણને ગમતી હોય કે અણગમતી હોય, આપણા સમગ્ર અસ્તિત્વને સંતુલનમાં રાખવા માટે જ ઘટતી હોય છે. પછી એ આપણું વ્યક્તિગત સંતુલન હોય કે સમગ્ર અસ્તિત્વનું સંતુલન. આ જ હકીકત છે. કદાચ આપણને અમુક ઘટનાઓ અણગમતી બનતી હોય તો, એ આપણે માટે એક શીખ તરીકે મુકવામાં આવેલી હોય છે; એક પ્રયોજન સાથે ગોઠવવામાં આવી હોય છે. આપણે જો અણગમતી ઘટનાઓને અડચણ રૂપે જોઈએ, તો અવશ્ય દુઃખી જ થઈએ; પણ જો આપણે એને એક પડકાર રૂપે જોઈએ અથવા એક પરીક્ષા રૂપે જોઈએ અને એમાંથી રસ્તો કાઢવા માટે સકારાત્મક રીતે પ્રયત્નશીલ થઈએ તો, આપણને એમાંથી બહાર નીકળવાનો રસ્તો તો મળે જ છે, સાથે-સાથે એ અનુભવ, પરીક્ષામાં સારી રીતે ઉત્તીર્ણ થયાનો મહામૂલો સંતોષ આપીને જાય છે, કંઇક નવું શીખવીને જાય છે. જીવન તરફ જોવાનો એક નવો દ્રષ્ટિકોણ આપીને જાય છે.
કુદરતનું અવલોકન કરીએ તો આપણને જણાશે કે કુદરતે આવા શુભ-અશુભના કોઈ જ ભેદભાવ નથી કર્યાં. હા, કુદરતે પણ ઋતુઓ બનાવી છે, એમાં પાનખરનો રંગ પણ છે અને વસંતનો રંગ પણ છે. પણ એ કોઈ શુભ અને અશુભ પ્રયોજન માટે નહિ પણ સંતુલનના હેતુ માટે જ બનાવી છે. કુદરતની પોતાના નિયમો શીખવવાની આ એક અનોખી રીત છે. પણ આપણે એને પાનખરના વિષાદ તરીકે અને વસંતના આનંદ તરીકે ઉજવીએ છીએ. પાનખર એટલે જ આવે છે કે, વસંતમાં નવા જોમ સાથે નવી કૂંપળો ફૂટી શકે. પ્રકૃતિ નવપલ્લવિત થઇ શકે. ઋતુઓમાં બદલાવ, એ પ્રકૃતિના નિયમનું એક દર્શન જ છે; એ નિયમ, કે જે આવે છે એણે જવાનું જ છે, પછી એ વસંત હોય કે પાનખર વૃક્ષનો અને ડાળીઓનો; પાંદડાઓ પ્રત્યેનો મોહત્યાગ આપણને પણ શીખવી જાય છે કે ; નવા આવિષ્કાર માટે, નવા અનુભવો માટે, જૂનું ત્યાગવું જ પડે. એમાં દુ:ખની કે પીડાની અનુભૂતિથી ઉપર ઉઠીને કુદરતનો સંકેત સમજીને, જો શીખી શકીએ; તો કંઈ જ અશુભ કે વિષાદ-પ્રેરક નથી. આમ કુદરતનું દર્શન શીખવે છે કે, કંઈ જ સ્થાયી નથી. દરેક પરિવર્તન; એક અન્ય, અનિવાર્ય અને આવશ્યક ઘટનાના ઉદ્ભવ માટેનો સંકેત માત્ર છે. તો પછી શા માટે શુભ-અશુભનાં લેબલો લગાડવા જોઈએ? 
માટે જ દોસ્તો, દરેક દિવસ સ-રસ છે. દરેક દિવસમાં એક નવીનતા, એક નાવીન્ય છે, દરેક દિવસ એ ઈશ્વરે આપણને આપેલી એક અમૂલ્ય ભેટ, એક તક છે, કે જેમાં કોઈક સંદેશ છુપાયેલો છે; જેને વાંચવાનો, સમજવાનો એક મોકો ગોઠવાયેલો હોય છે. આપણે પોતે એને સકારાત્મક રીતે કે નકારાત્મક રીતે સમજીએ છીએ, એ આપણી પોતાની માનસિકતા પર નિર્ભર છે.
દરેક દિવસની એક આગવી વિશેષતા છે. દરેક દિવસ એક બેજોડ અનુભવ છે, એક શીખ છે. જો આપણે; “ગમતાનો કરીએ ગુલાલ અને અણગમતાનો સ્વીકારીએ પડકાર” આ સૂત્ર જીવનમાં અપનાવીને, દરેકે દરેક દિવસ બસ કુદરતનો એક પ્રસાદ છે; જેને સહર્ષ સ્વીકારીને ઉત્તમ રીતે પાર થવાના કર્મમાં ગૂંથાઈ જઈ શકીએ, તો આપણું જીવન જ સ્વયં એક “ગીતા” બની જાય

- સોનલ કાંટાવાલા

Saturday, August 17, 2019

અન્યોને ચીડવવાની કે હલકા ગણવાની વિકૃત મનોવૃત્તિ

    પાયલ તડવી નામની આદિવાસી કુળમાંથી કહેવાતા સભ્ય સમાજમાં ડૉક્ટર બની પોતાનું સ્થાન બનાવવા આવેલી મહત્વકાંક્ષી યુવતિ  મુંબઈ મહાનગરમાં પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં  પ્રવેશ મેળવે છે પણ ઉચ્ચ કુળની કહેવાતી અન્ય ત્રણ સિનિયર ડોક્ટર યુવતિઓ તેને ચેનથી ભણવા કે જીવવા દેતી નથી, સતત મહેણાં-ટોણા મારી તેનું જીવવું હરામ કરી દે છે. તેને સતત અહેસાસ કરાવે છે કે તેનું સ્થાન આદિવાસીઓ વચ્ચે જંગલમાં છે, તેમના કહેવાતા સભ્ય સમાજમાં નહીં, તે ડોક્ટર બનવાને લાયક નથી. તેનું સતત રેગીંગ થાય છે. અંતે પરિસ્થિતી અસહ્ય બનતા છવ્વીસ વર્ષીય પાયલ આત્મહત્યા કરે છે. બે મહિના પહેલા જ મુંબઈમાં બનેલી આ કમનસીબ સત્ય ઘટના છે. અત્યારે તેના મોત પાછળ જવાબદાર એ ત્રણ ઉચ્ચ કુળની જેલમાં ધકેલાઈ ગયેલી ડોક્ટર યુવતિઓ સામે કેસ ચાલુ છે અને પાયલની તેઓએ નાશ કરી નાખેલી સ્યુસાઇડ નોટ પણ ફોરેન્સિક પદ્ધતિથી પાયલના મોબાઇલ ફોનમાંથી મેળવી લેવાઈ છે. હજી તે ત્રણ યુવતીઓએ પાયલ સાથે કરેલી અમાનવીય હરકતોની હકીકતો ધીરે ધીરે છતી થઈ રહી છે. પાયલ તો હવે ડૉક્ટર બની પોતાના પરિવાર કે આદિવાસી સમાજને ગૌરવ અપાવવાનું સ્વપ્ન પૂરું કરવા પાછી ફરવાની નથી કારણ એ તો જ્યાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી એવી જગાએ - પરમધામમાં પહોંચી ચૂકી છે, પણ આશા છે કે આ કેસમાં સંડોવાયેલી પાયલના મોત પાછળ જવાબદાર એ ત્રણે ગુનેગાર યુવતિઓને સખતમાં સખત સજા થાય અને સમાજમાં દાખલો બેસે.
   અન્ય એક કિસ્સામાં જળગાંવના નાના શહેરમાંથી આવેલા એક હોશિયાર આશાસ્પદ એન્જિનિયર અને એમ. બી. એ. થયેલા યુવાન અનિકેત પાટીલે એકાદ સપ્તાહ પહેલાં જ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું છે. તેના મોત પાછળ જવાબદાર છે તેની ઓફિસના કેટલાક સહકર્મચારીઓ જેઓ સતત અનિકેતને 'ગે' એટલે કે સજાતીય કહી ચીડવતા. અનિકેતે તેના સિનિયર્સને અને એચ. આર. ડિપાર્ટમેંટમાં આ અંગે ફરિયાદ કરી મદદ મેળવવા પ્રયત્ન કર્યો પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. જ્યારે પોતાના પરની પજવણી અસહ્ય બની ત્યારે પચ્ચીસ વર્ષીય
અનિકેતે મોત વ્હાલુ કર્યું.
   બંને કિસ્સાઓમાં એક સામાન્ય બાબત છે કે બંને પીડિતોએ તેમના પર થતો અન્યાય ઘણાં લાંબા સમય સુધી સહન કર્યો હતો અને આ અંગે તેમના સિનિયર્સને કે અન્ય લાગતા વળગતાઓને ફરિયાદ પણ કરી હતી છતાં તેમને કોઈ પ્રકારની મદદ મળી નહોતી. કદાચ તેમાંના કોઈકે આ દિશામાં કોઈક નક્કર પગલાં લીધા હોત તો આજે પાયલ અને અનિકેત જીવતા હોત, પણ બંને એ તેમની સ્યુસાઇડ નોટમાં લખ્યા મુજબ તેમના અનેક પ્રયત્નો છતાં તેમને કોઈ પ્રકારની મદદ ન મળતાં, આશાનું કોઈ કિરણ બચ્યું ન હોવાનું જણાતા તેમણે અંતિમ પગલું ભર્યું હતું.
  અન્યને તેની કોઈ ખામી કે નબળાઈ ને લઈ ચીડવવું માનવ સમાજમાં ખૂબ સામાન્ય છે. નાનકડા બાળકોથી માંડી યુવાનો કે વયસ્કો સુદ્ધાં સામાને તેની કોઈ ખામી કે નબળાઈ હાઈ લાઇટ કરી તેની મજાક ઉડાવે છે, તેને માનસિક ત્રાસ આપે છે અને એમાંથી વિકૃત આનંદ મેળવે છે. કોઈક વાર સામા પાત્રને ચીડવવાથી એક ડગલું આગળ વધી તેને ધમકાવવામાં પણ આવે છે અને ક્યારેક એથી પણ આગળ વધી પીડિત પર શારીરિક ત્રાસ પણ ગુજારાય છે.
    શું આપણે આપણાં બાળકોને નાનપણથી જ શીખવવું ન જોઈએ કે કોઇને ચીડવવું એ ખોટું છે. ઘણી વાર આપણે પોતે પણ જાણ્યે અજાણ્યે અન્યો ને હલકા ચીતરવામાં કે અન્યોની મજાક ઉડાવવામાં સહભાગી થતાં હોઇએ છીએ. વ્હોટસ એપ પર ઘણી વાર કોઈ જાડી કે ટૂંકી કે કાળી વ્યક્તિના વિડિયો વાયરલ થાય છે કે કોઈ વ્યક્તિની શારીરિક મર્યાદા કે જાતિય પસંદગી ને લગતા જોકસ ફોરવર્ડ કરવામાં આવે છે, આપણે સૌ એનો આનંદ લઈએ છીએ. આ શું સૂચવે છે? કોઈની શારીરિક મર્યાદાને લઈ આ રીતે વિકૃત આનંદ લેવો એ સભ્ય સમાજની નિશાની છે? આપણું વર્તન જોઈને આપણા બાળકો પણ આ રીતે તૈયાર થાય છે અને તેઓ પણ તેમની સાથેની વ્યક્તિઓને ચીડવતા થઈ જાય છે. જ્યારે આપણે તેમને આમ કરતા જોઈએ ત્યારે આપણે તરત તેમને અટકાવવા જોઈએ. તેમને એવું શિક્ષણ અને સંસ્કાર આપવા જોઈએ કે અન્યો ને હલકા કે તુચ્છ ગણવા જોઈએ નહીં કે ક્યારેય કોઈની નબળાઈ કે ખામી ને મુદ્દો બનાવી તેની સતામણી કરવી જોઈએ નહીં.
     સાથે આપણાં બાળકોને માનસિક રીતે મજબૂત બનવાની પણ શિખામણ આપવી જોઈએ. અન્યો તેમની મજાક ઉડાવતા હોય તો તેમની પડખે ઉભા રહી સામા તત્વો સામે પગલાં લેવા જોઈએ. આપણાં બાળકોને અન્યાયનો સામનો ન કરવા શીખવવું જોઈએ.
   આપણી આસપાસ આપણે કોઈને આવા અન્યાયનો ભોગ બનતું જોઇએ કે કોઈ એ અંગે આપણી મદદ મેળવવા પ્રયત્ન કરે ત્યારે આપણો અભિગમ મોટા ભાગના કિસ્સાઓમાં 'આમાં મારે શું?' એવો હોય છે. આ અભિગમ બદલવાની જરુર છે.
     છેલ્લે જેનાં પર આ પ્રકારની માનસિક ત્રાસ ગુજારવાની ઘટના બની રહી હોય તેણે સમજી લેવાની જરૂર છે કે કોઈ સમસ્યા એવી નથી હોતી જેનો હલ ન હોય. પહાડ જેવા જણાતા પ્રોબ્લેમનું પણ કોઈને કોઈ સોલ્યૂશન ચોક્કસ હોય છે. જરૂર છે થોડી ધીરજ, માનસિક સ્વસ્થતા અને મજબૂતાઈની, પોઝીટીવ એટીટ્યુડ કેળવવાની. સારા મિત્રો બનાવો અને તેમને બધી વાત કરો, પરિવારના કોઈ સભ્ય સાથે એવો સંબંધ કેળવો કે તેની સાથે તમે મનની ગમે તે વાત શેર કરી શકો. આવી વ્યક્તિ સાથે સતત સંપર્કમાં રહો અને તેમને તમારી સાથે કૈંક ખોટું થઈ રહ્યું હોય તો તરત તેની જાણ કરો. અન્યાય કરવો પણ ન જોઈએ અને સહન પણ ન કરવો જોઈએ. હેરાન કરતા તત્વો ને ટાળો, એ શક્ય ના હોય તો તેમની ફરિયાદ કરો, એનાથી કંઈ ન વળે તો એ જગા કે નોકરી છોડી દો, પણ આત્મહત્યા એ કંઈ સોલ્યુશન નથી, તેનો વિચાર સુદ્ધા ના કરશો.

ગેસ્ટ બ્લૉગ : જૂની રંગભૂમિનો સૂર્યાસ્ત - શ્રી વિનયકાંત દ્વિવેદીને શ્રદ્ધાંજલિ

     આજે સભાગૃહમાં ત્રણ બેલ પછી નાટક શરૂ થાય છે એમ જૂની રંગભૂમિ પર ત્રણ ઘંટડી વગાડવામાં આવતી અને ત્રીજી ઘંટડી બાદ પોટાશના ભડાકા સાથે નાટકની શરૂઆત થતી. જૂની રંગભૂમિનું કોઈક નાટક સ્વર્ગમાં શરૂ થયું લાગે છે પહેલી ઓગષ્ટથી એટલે વિનુભાઈ ને ઈશ્વરે ત્યાં બોલાવી લીધા. વિનુભાઈ એટલે વિનયકાંત પ્રભુલાલ દ્વિવેદી. આજની પેઢીનો કોઈ યુવાન કદાચ પૂછી શકે એ કોણ પણ કાલની અને એનાથી જૂની પેઢીના કોઈને મારે કદાચ વિનયકાંત દ્વિવેદીનો પરિચય આપવો નહીં પડે. વિનુભાઈ એટલે જૂની રંગભૂમિ એવું રૂપક અતિશયોક્તિભર્યું નહીં ગણાય.
    જૂની રંગભૂમિના ભીષ્મ પિતામહ સ્વ. શ્રી પ્રભુલાલ દયારામ દ્વિવેદીએ અનેક લોકપ્રિય નાટકોનું સર્જન કર્યું, અનેક લોકચાહના પામેલા ગીતોનું સર્જન કર્યું. અનેક હિંદી અને ગુજરાતી ફિલ્મો તેમના નાટકો પરથી બની. અનેક નામી કલાકારો તેમની કલમથી પ્રસિદ્ધિ પામ્યાં. એમના સુપુત્ર એટલે દેવી ગાયત્રીના પરમ ઉપાસક એવા વિનયકાંત દ્વિવેદી.
  ૧૯૭૮માં શ્રી દેશી નાટક સમાજ સંસ્થા મુંબઈ (ભાંગવાડી, કાલબાદેવી) ખાતે બંધ થઈ. ૧૯૮૧માં શ્રી મુકુંદ ગોરડીયા, શ્રી ચંદ્રકાંત શાહ, શ્રી રસિક ભાઈના સહકારથી વિનુભાઈએ "સંભારણાં" નામની નાટય સંસ્થા શરૂ કરી અને સંભારણાંનો પ્રથમ નાટય પ્રયોગ તેજપાલ ઓડીટોરીયમ ખાતે ૨૬ - માર્ચ - ૧૯૮૧ ના રોજ રજૂ થયો જેમાં સંગીત સંચાલન શ્રી સુરેશકુમાર શાહે કર્યું, પ્રકાશ સંચાલન શ્રી ભૌતેશ વ્યાસે સાંભળ્યું. સનત વ્યાસ અને સોહાગ દીવાનનો સાથ મળ્યો અને મારા અને મારા પિતાશ્રી સ્વ. પ્રભાકર કીર્તિ એ પણ તેમાં ભાગ ભજવ્યો અને એ શો સુપર હિટ રહ્યો.
ત્યારબાદ અનેક નાટકો રજૂ થયા,નાટ્ય ગીતોની કેસેટ - ડી. વી. ડી. બહાર પડ્યા. તેમાં મુખ્ય કલાકારો હતાં - મહેશ્વરી, રજની શાંતારામ, રંગલાલ નાયક, ઘનશ્યામ નાયક, રૂપકમલ, મનોરમા, કેશવલાલ નાયક, ડી. શાંતારામ, સૂર્ય કુમાર, લીલી પટેલ, ભૈરવી શાહ, ઉમા જોશી, અરવિંદ વેકરિયા, તન્મય વેકરિયા, જગદીશ શાહ, કિશોર ભટ્ટ, ગિરીશ દેસાઈ, જયંત ભટ્ટ, ભાસ્કર દવે, શાંતિલાલ નાયક, સરયૂ શાહ, ચંદ્રકાંત ચૈતન્ય નયના આપ્ટે, શ્રીકાંત સોની, મહેશ ભટ્ટ, ગૌરી રાવલ, ભાવના ત્રિવેદી, શરદ શર્મા, હિંમત જોશી, નિરૂપમા જોશી, રક્ષા દેસાઈ. આ બધા કલાકારોએ વિનુભાઈને જૂની રંગભૂમિ ૧૯૮૧ બાદ પણ જીવતી રાખવામાં સહયોગ આપ્યો.
વિનુભાઈ પોતે નિર્માતા, દિગ્દર્શક, લેખક - કવિ કે કલાકાર ન હોવા છતાં જૂની રંગભૂમિને જીવતી રાખવામાં તેમનું યોગદાન અમાપ અને અજોડ રહ્યું.
વિનુ ભાઈ નું અન્ય નોંધનીય પ્રદાન એટલે લગભગ છ દાયકાના ગુજરાતી સુપરહિટ નીવડેલા લોકપ્રિય ગીતોનું રસપ્રદ માહિતી સાથેનું પુસ્તક 'મીઠા ઉજાગરાં'.
જૂની રંગભૂમિના ઇતિહાસના છેલ્લા પાના સમા શ્રી વિનયકાંત દ્વિવેદીને નત મસ્તકે ભાવભીની શ્રદ્ધાંજલિ.
  - ઘનશ્યામ નાયક

બેંકમાં પ્રત્યક્ષ જવું કે નેટ બેન્કિંગ?

    આમ તો ઘણાં વર્ષોથી હું નેટ બેંકિંગ કે મોબાઇલ વૉલેટ જેવા સાધનો દ્વારા જ સઘળાં નાણાંકીય વ્યવહારો ઓનલાઇન પતાવું છું અને મને યાદ પણ નથી કે છેલ્લું લાઇટ, ટેલિફોન કે પાણીનું બિલ મેં જાતે બહાર જઈને ક્યારે ભર્યું હતું. પણ વર્ષના વચલા દહાડે એકાદ વાર બેંકમાં પ્રત્યક્ષ જવાનું થાય. આવો એક મોકો થોડા દિવસ પહેલાં આવ્યો.
    પબ્લિક પ્રોવિડેંટ ફંડનું પંદર વર્ષની મુદ્દતનું ખાતું વ્યક્તિ જીવનમાં એક જ વાર ખોલાવી શકે છે જે ટેક્સ સેવિંગ અને લાંબા ગાળાના નાણાં રોકાણ માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. મારું તો આ અકાઉન્ટ ઓલરેડી પંદર વર્ષનો સમય ગાળો પૂરો કરી ચૂક્યું છે અને મેં તેની મુદત બીજા પાંચ વર્ષ માટે લંબાવી છે. પણ મારા અઢી વર્ષના બચ્ચા માટે હું રોકાણનું એક સાધન શોધી રહ્યો હતો અને મને વિચાર આવ્યો કે પત્નીનું પી. પી. એફ. અકાઉન્ટ નથી ખોલાવ્યું  તો આ વિકલ્પનો ઉપયોગ કરવા દે. મારું અને પત્નીનું સેવિંગ્સ અકાઉન્ટ જે બેંકમાં છે ત્યાંજ પત્નીના નામે પી. પી. એફ. અકાઉન્ટ ખોલવાનો નિર્ણય કર્યો જેથી ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા હું પુત્ર માટે જે સેવિંગ્સ કરું તે એમાં જમા કરાવી શકાય. સરકારી ખાતાઓ જેવા કે પી. પી. એફ., એન. એસ. સી., પોસ્ટ ખાતું વગેરે અત્યાર સુધી ઓનલાઇન સુવિધા આપતા નહોતા પણ તપાસ કરતાં જાણવા મળ્યું કે હવે પી. પી. એફ. અકાઉન્ટ તો તમે ખાનગી બેંકમાં પણ ખોલાવી શકો છો અને ઘણી રાહત થઈ! કારણ બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં જઈ નાણાકીય વ્યવહારો કરવાનું ઘણું આકરું લાગે છે! એક તો ત્યાં લાંબી કતાર હોય, પાસ બુક અપડેટ કરાવવા જાવ તો પ્રિંટર કામ ન કરતું હોય, દીકરી નમ્યાના સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ ના મલાડની પોસ્ટ ઓફીસના ખાતામાં ચેક જમા કરાવવા જાઓ તો પંદરેક દિવસ પછી બોરીવલી હેડ ઓફિસમાં ચેક ક્લિયર થાય પછી જ તેની એંટ્રી પાસબુકમાં અપડેટ થાય - આ બધી સમસ્યાઓના કટુ અનુભવ પછી નિર્ણય જ કર્યો છે કે બને ત્યાં સુધી નાણાકીય વ્યવહારો ઓનલાઇન પતાવવા. આથી પી.પી. એફ. અકાઉન્ટ ઓનલાઇન ઓપન થઈ શકશે અને તેમાં નેટ બેન્કિંગ દ્વારા પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી શકાશે એ માહિતી એ ઘણી રાહત આપી! થોડી ઘણી ઔપચારીકતાઓ બાદ ખાતું ખૂલી ગયું અને પાસબુક વગેરે કુરિયર દ્વારા ઘેર આવી ગયા પણ પ્રથમ વાર પાસબુક અપડેટ કરાવવા એક વાર બેંક માં જવું જ પડે એવી સ્થિતી ઉભી થઈ અને હું નાનકડા હિતાર્થ ને લઈ જઈ પહોંચ્યો બેંકની ઘર નજીક આવેલી બ્રાંચ પર. આ એક આનંદ તમને બેંકમાં જવાથી મળી શકે ખરો - બચ્ચું હોય તો એને સાથે લઈ જવાનો! બેંકના કર્મચારીઓ સહિત કેટલાક ગ્રાહકોએ પણ એને રમાડ્યો, બેસવા ખુરશીની વ્યવસ્થા કરી આપી! બહાર કાળઝાળ ગરમી હતી પણ બેંક બ્રાંચમાં એ. સી. હતું એટલે થોડી રાહત થઈ. જો કે લાંબી કતાર હતી. એક સિનિયર સિટીઝન કતારમાં ઉભા હતાં, જે લાંબી લાંબી પ્રશ્નોત્તરી કરી બેંક કર્મચારીનો કંટાળો વધારી રહ્યા હતાં. તેમને નાણાં તેમના કોઈક પરિવારજનને વિદેશ મોકલવા હતાં અને તે માટે ની કોઈ માહિતી તેમની પાસે નહોતી. ખાસ્સી ધીરજ દાખવી આખરે બેંક કર્મચારીએ તેમની બધી શંકાઓ દૂર કરી. તેમની પાસબુક પણ અપડેટ કરી આપી. આ દરમ્યાન મને 'બેંકમાં પ્રત્યક્ષ જવું કે નેટ બેન્કિંગ' આ વિશે વિચાર આવ્યો અને આજના બ્લોગનું બીજ ત્યાં ત્યારે રોપાયું!
    બંને પદ્ધતિઓના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા છે. પ્રત્યક્ષ જાઓ ત્યારે તમે ત્યાં નવા સંપર્ક બનાવો છો, ચાલી ને જાઓ તો કસરત થાય એ ફાયદો, સમય પસાર ન થતો હોય તો વ્યસ્ત થઈ જવાનો એક સરસ વિકલ્પ. પણ જેને સમયની મારામારી હોય, વ્યસ્તતા કેડો ન મૂકતી હોય એને માટે નેટ બેંકિંગ ઉત્તમ વિકલ્પ છે. ઘેર બેઠા નાણાં ટ્રાન્સફર કરી શકો, ચેક બુક મંગાવી શકો, બિલ ભરી શકો, અન્ય નાણાકીય સાધનોમાં રોકાણ કરી શકો, ઘેર બેઠા અકાઉન્ટ સ્ટેટમેંટ પ્રિંટ કરી શકો વગેરે વગેરે. તમારું કામ સરળતાથી પતી જાય. થોડી સાવધાની રાખવી પડે જેમકે ખાનગી કમ્પ્યુટર પરથી જ લોગ ઈન કરવાનું, પાસવર્ડ કોઈ સાથે શેર નહીં કરવાનો, ઓનલાઇન ફ્રોડ થી બચવાનું વગેરે. આ બધું ધ્યાન રાખો તો ઘેર બેઠા બેંક ના વ્યવહારો પતાવી શકો. મને તો આ જ રીત ગોઠી ગઈ છે!
   દીકરી નમ્યાનું સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ પણ મારે તો ટ્રાન્સફર કરી નાખવું હતું જેથી ટિપિકલ સરકારી ઓફીસ જેવી પોસ્ટ ઓફીસ માં જવાની ઝંઝટમાંથી છૂટકારો મેળવી ઓનલાઇન બધા વ્યવહારો પતાવી શકાય પણ જાણ થઈ કે હજી આ અકાઉન્ટ ટ્રાન્સફર કરવું શકય નથી, નવું સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ ખાનગી બેંકમાં ખોલી શકો પણ જૂનું ટ્રાન્સફર કરવું હાલ માં શકય નથી. જેવું એ શક્ય બનશે કે હું વહેલામાં વહેલી તકે એ કરી નાખીશ!
 તમને કઈ પદ્ધતિ ગમે — પ્રત્યક્ષ જવાની કે નેટ બેન્કિંગ વાળી?

Saturday, July 20, 2019

નિવૃત્તી પછી પ્રવૃત્તિ

Hi, my dad (63) is looking for a part/full time job in any industry to keep himself mentally active. Something in administration? Previously: hotel management+industrial technologies. Very hard-working & an excellent communicator. Areas: betn Dadar & Thane + New Bombay. Pls help?

- @sundermanbegins (Shruti Sunderraman) 

  સંસ્કૃતિ, સંગીત, કલા, લિંગભેદ, માનસિક સ્વાસ્થ્ય અને જાળવણી વિશે લખતી, સંશોધન કરતી અને શબ્દો, ઈવેન્ટ્‌સ અને ડિજિટલ મૂવમેન્ટસ સાથે જોડાયેલી શ્રુતિ સુંદરરમન નામની એક યુવતિએ નવેમ્બર ૨૦૧૮માં ઉપરોકત ટ્વીટ કરી જગતને જણાવ્યું હતું કે "મારા પિતા (વય ૬૩ વર્ષ) માનસિક રીતે કાર્યરત રહેવા માટે કોઈ પણ ક્ષેત્રે પાર્ટ ટાઇમ કે ફૂલ ટાઇમ નોકરી કરવા ઇચ્છે છે. એડ્મિનિસ્ટ્રેશન ખાતે કોઈ નોકરી? તેમનો અનુભવ : હોટલ મેનેજમેંટ + ઇન્ડસ્ટ્રિઅલ ટેક્નોલોજી. ખૂબ મહેનતુ અને અતિ સારા વક્તા. દાદર અને થાણે + નવી મુંબઈ વચ્ચે. મદદ કરો! “
  
  આ ટ્વીટ મને એટલું ગમી ગયેલું કે મેં લાઇક કરી રાખેલું હતું અને આજે સાત - આઠ મહિને એ વિશે લખવાનો અવસર આવ્યો! અંગ્રેજીમાં પોસ્ટ થયેલ આ ટ્વીટના રીપ્લાય ઓપ્શન દ્વારા પ્રિયાએ વધુ થોડી માહિતી શેર કરી હતી. એ રીપ્લાય ટ્વીટ આ રહી :
   I personally feel he'll thrive in a cultural sector (like cultural societies/music schools/dance recital studios etc) because he has a lot of insight, resources and communicative skills to offer and it will keep him emotionally fulfilled. Please DM if you have any leads.
"હું અંગત રીતે માનું છું કે સાંસ્કૃતિક ક્ષેત્રે (જેવી કે સાંસ્કૃતિક સંસ્થા /સંગીત શાળા /ડાન્સ રીસાઈટલ સ્ટુડિયો વગેરે) તેઓ ઝળહળી ઉઠશે!કારણ તેઓ આ વિષય માટે જરૂરી સારી સૂઝબૂઝ, સ્રોતો અને વકતૃત્વ કલા ધરાવે છે અને આ ક્ષેત્રે કામ તેમને માનસિક રીતે પરિતૃપ્ત રાખશે. જો તમે આ અંગે ઘટતું કરી શકો એમ હોવ તો મને DM (ડાઇરેક્ટ મેસેજ) કરવા વિનંતી. “

     શ્રુતિના પિતાને તો આ ૪૬૭ વાર રીટ્વીટ થયેલા અને ૩૪૮ લાઇકસ પામેલા ટ્વીટ બાદ નોકરી મળી જ ગઈ હશે, પણ મુદ્દો એ નથી. આ ટ્વીટ મેસેજ સાથે ત્રણ પહેલુઓ જોડાયેલા છે. એની વાત આજના બ્લોગ થકી કરવી છે. 

એક આમાં એક દીકરીની પિતા પ્રત્યેની લાગણી છલકાય છે. સામાન્ય રીતે માતા પિતા પોતાના સંતાનો માટે નોકરી શોધતા હોય છે. પણ અહીં લાગણીથી ભારોભાર છલકાતી એક દીકરીની પિતા પ્રત્યેની કાળજી ડોકાય છે. નિવૃત્ત થયા બાદ પિતાના માનસિક  અને શારીરિક સ્વાસ્થ્ય અંગે ચિંતિત એક પુત્રી તેમની કાબેલિયત અને અનુભવ ને આધારે તેમના માટે નોકરી શોધી રહી છે આ એક અનોખી બાબત છે! દરેક સંતાનોએ માબાપની આમ કાળજી લેવી જોઈએ.

બીજો પહેલુ છે નિવૃત્તિ બાદની પ્રવૃત્તિની જરૂરિયાતનો. 'આખી જિંદગી કામના ઢસરડા કર્યા બાદ હવે આરામ' એવી મનોવૃત્તિ ધરાવતા વૃદ્ધો સંતાનો અને અન્યોના ઠેબે ચડી દયનીય સ્થિતિમાં પાછલી જિંદગી જીવતા હોય છે ત્યારે નિવૃત્તિ બાદ પણ પોતાને ગમતી કે પોતાના કૌશલ્ય મુજબની પ્રવૃત્તિને અપનાવી તમે પોતાનું કે આસપાસના અનેકનું જીવન આનંદમય અને વધુ જીવવાલાયક બનાવી શકો છો. કદાચ શારીરિક રીતે વધુ મહેનત કરી શકવાની સ્થિતિમાં ન હોવ તો પણ નિવૃત્તિ બાદ ઘણું બધું કરી શકાય છે. તમે આખી જિંદગી શું કરવાની બેહદ ખેવના રાખતા હતા એ હવે કરી શકો એમ છો. બસ થોડું મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસ કેળવો અને કઇંક શીખવવું, ઘેર બેઠાં કોઈક સર્જન કરવું, ઘેર કે ઓફિસમાં બેસીને કોઈક વ્યવસાયમાં જોડાઈ વ્યસ્ત રહેવું, શોખ પૂરા કરવા, સમવયસ્ક કે વયની મર્યાદા બહાર જઈ મિત્રો બનાવવા અને તેમની સાથે ગુણવત્તા સભર સમય પસાર કરવો - ઘણું બધું થઈ શકે તેમ છે.

  ત્રીજો પહેલુ છે સોશિયલ મીડિયાના સશક્ત માધ્યમના ઉપયોગનો. શ્રુતિએ વિચાર્યું નહીં હોય કે લોકો શું કહેશે - ઘરડા બાપ પાસે નોકરી કરાવવા નીકળી છે, આમ નોકરીની ભીખ મંગાય, હવે આ ઉંમરે બાપાને શાંતિથી જીવવા દે.. આવું બધું લોકો કહેશે એમ વિચાર્યા વગર તેણે મનની વાત ટ્વિટરના માધ્યમથી શેર કરી અને કેટલાય રીટ્વીટસ અને લાઇકસ સાથે અનેક જવાબ પણ તેને આ ટ્વીટ સંદેશ માટે મળ્યાં. કેટલાક મજેદાર, ઉપયોગી તો કેટલાક વિચારશીલ અને કેટલાક ફાલતુ પણ! આવો આ જવાબોની મજા માણીએ!
એક જણે જવાબમાં પોતાના પિતાની પ્રેરણાત્મક વાત શેર કરી. 

જગતજીત (@jackiekhurana) નામના આ યુવાને લખ્યું : “મેં મારા પિતાને બિઝનેસ બંધ કરી હું જ્યાં નોકરી કરતો હતો એવા મારા વતનમાં આવી વસવા આગ્રહ કર્યો. છ મહિના તેમણે આ રીતે પ્રવૃત્તિહીન બેચેનીમાં વિતાવ્યા પણ પછી કંઈક કરવાની તેમની ચાહને લીધે તેમને વ્યસ્ત રાખવા મેં પુણેમાં તેમને એક નાનકડી હોટલ ખોલી આપી અને તે તો આ ધંધા ને એક એવા નવા સ્તરે લઈ ગયા કે મેં મારી નોકરી છોડી દીધી અને હું તેમના ૧૧ આઉટલેટ્સ નું કામ સંભાળુ છું!“ જેબ્બાત! આ ટ્વીટ સંદેશને પણ  સો થી વધુ લાઇકસ મળી અને દસેક જણાએ પ્રત્યક્ષ જવાબ આપી એ વયસ્ક અને તેમના પુત્રને બિરદાવ્યા. 

એકાદ જણે ભૌગોલિક મર્યાદાને કારણે મદદ ના કરી શકવાની લાચારી દર્શાવી પણ શ્રુતિ ને બિરદાવી અને વર્ચુઅલ હગ્‌સ મોકલાવ્યાં! 
તો અન્ય એક જણે કહ્યું કે તે આમાં શ્રુતિની પ્રત્યક્ષ કોઈ મદદ કરી શકે તેમ નથી પણ તે ચોક્કસ પ્રાર્થના કરશે કે તેના પિતાને યોગ્ય નોકરી જલ્દી મળી જાય. 

એક યુવતીએ લખ્યું : હું આમાં પ્રત્યક્ષ કોઈ રીતે મદદરૂપ થઈ શકું એમ નથી પણ એક નિરીક્ષણ શેર કરીશ. તમારા પિતા એકસ - હૉસ્પિટાલીટી ના માણસ છે અને આવા લોકો કો-વર્કિંગ માટે શ્રેષ્ઠ સાબિત થાય છે. મેં પોતે મારી કો-વર્કિંગ સ્પેસ માટે આવી એક વ્યક્તિને નોકરીએ રાખી છે. 

અન્ય એક યુઝરે ટ્વીટ જવાબ લખ્યો કે 
ખાનગી (નોન ટોપ) સ્કૂલ હંમેશા નાની એવી ટીમને મેનેજ કરી શકે અને કામ કરાવી શકે એવી વ્યક્તિની શોધમાં હોય છે. એડમિન ઓફિસર પ્રકારના અને ખાસ કરીને નિવૃત્ત એવા લોકો આ જોબ માટે બેસ્ટ સાબિત થતાં હોય છે. 

અન્ય એક યુવતિએ જવાબી ટ્વીટ દ્વારા પોતાના પિતાની વાત શેર કરતા લખ્યું : મારા પિતા નિવૃત્તિ બાદ હજી પણ કાર્યરત છે. આ પેઢીના લોકો માટે પોતાની જાતને એક્ટિવ અને બીઝી રાખવા માટે નોકરીનું મહત્વ કેટલું છે એ હું જાણું છું. હું આશા રાખું છું કે તમારા પિતાને જલ્દી જ તેમને ગમે એવું કંઈક મળી રહે!

    સંજીવ (@sanjeevJV) નામના એક યુવકે લખ્યું : હાય શ્રુતિ, મારા પિતા લગભગ ૬૫ની ઉંમરના છે અને પતંજલી સાથે કામ કરે છે. સૌથી સારી વાત છે કે તેઓ યોગ શીખવે છે અને મારા પિતા એમાં માસ્ટર બની ચૂક્યા છે. કદાચ પતંજલીની ખાસિયત છે કે તેઓ મોટી વયના લોકો સાથે જોડાયેલા છે અને તેમને સારી તકો પૂરી પાડે છે. તમારે ત્યાં નજીકમાં પતંજલી હોય તો તેમનો સંપર્ક સાધો. 

      અન્ય એક જણે પોતાનું ઈમેલ આઇડી આપી શ્રુતિ ને પોતાનો સંપર્ક સાધવા જણાવ્યું તો બીજા એક જણે પોતાના કોઈ ઓળખીતા નો સંપર્ક આપી શ્રુતિને તેમની સાથે વાત કરવા જણાવ્યું.

      તો વળી સાડા ૬૨ વર્ષ ના એક આધેડે શ્રુતિના ટ્વીટના જવાબમાં પોતાને માટે જાહેર ખબર મૂકી દીધી!  તેમણે લખ્યું : મેં સેલ્સ, એડ્મિનિસ્ટ્રેશન અને ઓપરેશન્સ સાંભળ્યા છે. હું ડોમ્બિવલી, કલ્યાણ કે અંબરનાથ વિસ્તારમાં મારા લાયક જગા ખાલી હોય તો જોડાવા ઉત્સુક છું.

એક જણે શ્રુતિને PMOIndiaની મદદ માગવા સલાહ આપી!

     અન્ય એક ફોલોવરે જણાવ્યું :
જો તેઓ વકતૃત્વ કળામાં સારા હોય તો તેમણે કોલેજના વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કિલસ ની ટ્રેનિંગ આપવાનું વિચારવું જોઈએ. નવી મુંબઈમાં BMS અને એંજીનિયરીંગની અનેક કોલજ આવેલી છે. BMS ના વિદ્યાર્થીઓ વકતૃત્વમાં નબળા હોય છે, તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. તેમને ટ્રેનિંગ આપવાનું કામ તમારા પિતા કરી શકે.

    એક આધેડ વયના વયસ્કે જવાબમાં પ્રશ્ન કર્યો કે શું તેમને પૌત્ર - પૌત્રી છે કે? તેમણે પૌત્ર - પૌત્રી સાથે સમય પસાર કરવાનો આનંદ માણવો જોઈએ!

    અન્ય એક જણે પોતાના પિતા માટે મદદ માંગી. તેણે લખ્યું કે મારા પિતા નિવૃત્તિ બાદ તણાવમાં રહે છે અને તેમનું બ્લડ પ્રેશર ઉંચુ રહે છે. તેમને નોકરીની જરૂર છે.

     એકાદ જણે શ્રુતિને પ્રોફેશનલ લોકો માટેના નેટવર્કિંગ પ્લેટફોર્મ LinkedIn પર મદદ માગવા સલાહ આપી.

   આમ અનેક લોકોએ તરેહ તરેહના જવાબો આપી એક રસપ્રદ સંવાદ સેતુ રચ્યો અને મને એ વાંચવાની મજા પડી!

    શોભા ડે જેવી કોઈક ટ્વીટ કરે કે તેમને પ્રતિભાવમાં અનેક ટ્વીટસ મળે અને એ વાંચીને મને જબરી મજા આવે છે! આ એક આડવાત!

      શ્રુતિના પિતાને ચોક્કસ કોઈક સારી પ્રવૃત્તિ મળી જ ગઈ હશે એવી આશા અને હજી ના મળી હોય તો જલ્દી જ મળી જાય એવી પ્રાર્થના!

ગેસ્ટ બ્લોગ : મૃત્યુ

        જિંદગી એક કાચની બરણી જેવી છે. એનાં પર ' હેન્ડલ વીથ કેર' નું લેબલ લગાવેલું હોય અને ખૂબ જ કાળજીથી એનું જતન કર્યું હોય તો પણ ક્યારે એ બરણીમાં તડ પડી જાય, તિરાડો પડી જાય અને ક્યારે એ ભાંગીને ભુક્કો થઈ જાય તે કહેવાય નહીં. અંત નિશ્ચિત છે પણ ક્યારે તેની કોઈને જાણ નથી હોતી. નિશ્ચિત મૃત્યુની આ અનિશ્ચિતતાને સ્વીકારવી જ પડે છે. જવાનું નક્કી જ છે તો પછી એક વાર મનમાં એ નિર્ધાર કરી લઈએ કે ગમે તે સમયે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે સંજોગોમાં જવા ની વેળા આવે ત્યારે હસતાં હસતાં જ વિદાય લઈશું. મોતને એક અવસર ગણીને ઉજવશું ને એનું પ્રેમથી સ્વાગત કરીશું. અલબત, જેટલું લખવું, બોલવું, કહેવું, સાંભળવું કે વાંચવું સહેલું છે એટલું અમલમાં મૂકવું સહેલું નથી. ખેર, એક વાર જો સમજાય જાય કે મૃત્યુને સહજ રીતે સ્વીકારી લેવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે તો જિંદગી જીવંતતાથી જીવી શકાય. 

             ચાલો, આપણે પ્રેમથી કાળદેવતાને કહીએ કે - - - 

હે, મોત,  તું સાવ જ અચાનક અને અકાળે હ્રદયરોગ રૂપે ત્રાટકે તો હ્રદયની અસહ્ય પીડામાં પણ ઈશ્ચર સાથે આટલી સહજતાથી મિલાપ થશે એ વાતનો આનંદ હોય. 

હે, મોત,  તું કોઈ જીવલેણ અકસ્માત રૂપે ત્રાટકે અને મારા મુખમાંથી ચીસ નીકળી જાય તો તે ચીસની પરાકાષ્ઠાએ ઈશ્ચરની યાદ આવી જાય ને મારી અંતિમ પળો સુધરી જાય. 

હે, મોત,  તું કોઈ કુદરતી પ્રકોપ રૂપે આવે તો આફતથી સર્જાયેલી લાચાર અવસ્થામાં પણ ઈશ્ચરની અકળ્ય લીલાનો તાગ મેળવવા એની પાસે જ જઈ રહ્યાંનો આનંદ હોય.

હે, મોત  કોઈ બિમારી કીડીની ચાલે આવીને મારા દેહને ક્ષીણ કર્યા કરે ને એમ કરતાં અંતિમ ક્ષણ આવે ત્યારે  ઘણાં સમય પહેલાં ઈશ્ચરે મને તારા આગમનની જાણ કરી દીધી અને શેષ જીવનને અર્થસભર જીવવાની તક આપી તે  બદલ આભાર માનતાં સંતોષથી મારી આંખ મિંચાય. 

હે, મોત, તું કોઈ ભયંકર બિમારીનું રૂપ ધારણ કરીને આવે. દર્દ, પીડા ને વેદના અસહ્ય હોય. કંઈ જ ગમતું ન હોય. ક્યાંય ચેન પડતું ન હોય. અરે, ઈશ્ચરનું નામ લેવાનું પણ મન થતું ન હોય ત્યારે દર્દશામક અને નિંદ્રાદાયક ગોળીઓની અસર હેઠળ મિંચાયેલી મારી આંખો પર કોઈ અજાણ પ્રેમાળ હાથનો સ્પર્શ થાય મને થોડી શાતા મળે. એ શાતામાં મને મૃત્યુ પછીની  શાંતિનો અહેસાસ થાય ને મોત તને હું પ્રેમથી આવકારૂં. 

હે, મોત,  સહજ રીતે જીવન જીવતાં, કાળચક્રની ગતિને સ્વીકારતાં, ઈશ્ચરના ધ્યાનમાં લીન હોઈએ અને તું આવે તો એ ઘડી ઓચ્છવની ઘડી બની રહે. 

હે, મોત,  તડ પડે કે તિરાડો પડે ત્યારે પણ એમાં સંગીતની મીઠાશ અનુભવાય અને જ્યારે આ બરણી ભાંગીને ભુક્કો થઈ જાય ત્યારે પણ વિસર્જનના અફસોસના બદલે નવસર્જનની વેળા આવ્યાનો આનંદ હોય. 
    
 - રોહિત કાપડિયા

Monday, July 8, 2019

બર્થ ડે ઉજવવાની અનોખી રીત

      ઉદારતાનો પ્રસાર કરવાની આંતરરાષ્ટ્રીય ચળવળ 'યોર ટર્ન નાઉ' ના સ્થાપક એવા ૪૦ વર્ષીય ઋષભ તુરખીયાએ પોતાના ૪૦માં જન્મદિવસ નિમિત્તે ઉદારતાના કાર્યો કરતા રહેવામાં માનતા અન્ય ૪૦ જણને પોતાની સાથે ઓછામાં ઓછું એક ઉદારતાનું કામ કરવા નામાંકિત કર્યા. તેમણે પોતાનો ૪૦મો જન્મદિવસ આ ૪૦ ઉદારતાનો પ્રસાર કરતી અને અન્યોને ખુશ થવાનો મોકો આપતી   ચેષ્ટાઓ સાથે અનોખી રીતે ઉજવ્યો :

૧. ગાડી ધોઈ સ્વચ્છ કરનારાને ચા - બિસ્કીટ આપ્યાં
૨. રસ્તામાં મળનાર અજાણ્યા જણને ગુલાબનું ફૂલ આપ્યું
૩. રસ્તાની સાફસફાઈ કરનારને વેફર અને જ્યુસ આપ્યાં
૪. સિનિયર સિટીઝન સાથે જલેબીનો સવારનો નાસ્તો કર્યો
૫. હોસ્પિટલના વોર્ડબોય કે વોર્ડલેડી સાથે સવારનો નાસ્તો કર્યો
૬. ગટર સાફ કરનારને આભાર માનતી નોટ અને બિસ્કીટ આપ્યાં
૭. ભીખ માંગતા બાળકોને દૂધ આપ્યું
૮. વૃક્ષારોપણ કર્યું
૯. માળીઓને મીઠાઈ આપી
૧૦. પેટ્રોલ પંપ પર ચોકલેટ ફજનું વિતરણ કર્યું
૧૧. બસ કે રીક્ષા ની કતારમાં ઉભેલા લોકોને ચોકલેટ આપી
૧૨. ટપાલીઓ સાથે નાસ્તો કર્યો
૧૩. ડબ્બાવાલાઓ સાથે નાસ્તો કર્યો
૧૪. મન સંસ્થાના દીવ્યાંગ બાળકોને યોગનું શિક્ષણ આપ્યું
૧૫. એંજલ એક્સપ્રેસ ફાઉંડેશન સંસ્થાના ગરીબ બાળકોને ગણિત શીખવવાનું ખાસ સત્ર યોજ્યું
૧૬. સિક્યોરિટી અને હાઉસ કીપીંગ સ્ટાફના કર્મચારીઓને મીઠાઈ આપી
૧૭. જરૂરિયાતમંદને પુસ્તકોનું વિતરણ કર્યું
૧૮. અનાથાશ્રમમાં કપડાંનું વિતરણ કર્યું
૧૯. સુથાર અને રંગારાઓને બપોરનું જમણ આપ્યું
૨૦. ડ્રાઇવર્સને નાસ્તો આપ્યો
૨૧. બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને ગાડીમાં લિફ્ટ આપી
૨૨. કન્યાને એક વર્ષનું શિક્ષણ આપ્યું
૨૩. બેઘર લોકોને જમણ આપ્યું
૨૪. રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દીવ્યાંગ જનને વ્હીલચેરનું દાન કર્યું
૨૫. પ્રીસ્કૂલની આયા-મૌશીઓને લંચ પેકેટ આપ્યાં
૨૬. ચોક્કસ સાઇટ પર મજૂરી કરતા લોકો સાથે જમણ કર્યું
૨૭. ટ્રાફિક પોલિસને ઠંડા પાણીની બોટલનું વિતરણ કર્યું
૨૮. રસ્તા પરના ફેરિયાઓને જ્યુસ આપ્યું
૨૯. અહિંસા સંસ્થાને પ્રાણીઓ માટે વિટામિન્સ ની દવાઓનું દાન કર્યું
૩૦. હોટેલમાં વેઇટર્સને મીઠાઈના પેકેટ આપ્યાં
૩૧. જય વકીલ સ્કૂલના દીવ્યાંગ બાળકોને આર્ટ મટિરિયલનું વિતરણ કર્યું
૩૨. માળીઓને એક મહિનાના રેશનનું વિતરણ કર્યું
૩૩. શેરીના બાળકો સાથે રમત રમી
૩૪. અજાણ્યા જણને જાદૂકી ઝપ્પી (ભેટવું) આપી
૩૫. પોતાની સ્કૂલના આચાર્યની સૌજન્ય મુલાકાત લીધી
૩૬. જરૂરિયાતમંદને ટૂથબ્રશ અને ટૂથપેસ્ટનું વિતરણ કર્યું
૩૭. નર્સીંગ હોમમાં નર્સને ફૂલ અને મીઠાઈ આપ્યાં
૩૮. ફુગ્ગા વેચનારાને મિલ્કશેક આપ્યું
૩૯. રિક્ષા ડ્રાઇવર્સને આઇસક્રીમ આપ્યાં
૪૦. પોતાના શરીરના ૧૧ અવયવો - કિડની, હ્રદય, લિવર, ફેફસાં, પેનક્રીઆઝ, આંખો, ત્વચા, આંતરડું, કાનના પડદા, હ્રદયનો વાલ્વ, હાડકાં નાં દાનનો નિર્ણય કર્યો.

આ અનોખી જન્મદિનની ઉજવણીમાં ૨૪૫૦ વ્યક્તિઓને આવરી લેવામાં આવી. એ સૌના ચહેરા પર, ભલે થોડી ક્ષણો પૂરતી પણ ખુશી રેલાઈ અને એનું નિમિત્ત બન્યા ઋષભ તુરખીયા.
મારી દીકરી નમ્યાના પ્રથમ છ પૈકી પાંચ જન્મદિન મેં પણ થોડી નોખી રીતે, અલગ અલગ અનાથાશ્રમમાં જઈને ઉજવ્યા હતાં. ત્યારબાદ તેના બે જન્મ દિવસ સાદાઈથી અંગત રીતે પરિવાર સાથે જ ઉજવ્યા, પણ આ વર્ષે ૨૫મી જૂને આવનારો તેનો ૯મો જન્મદિવસ પણ અગાઉની જેમ કોઈક અનાથાશ્રમમાં જઈ ઉજવવાની ઇચ્છા તેણે સામેથી વ્યક્ત કરી અને મારું હ્રદય આનંદથી છલકાઈ ઉઠયું. કોઈ પાસે આપણે કંઈક આગ્રહ કરી કે ક્યારેક ધાક ધમકી થી કરાવીએ ત્યારે થતો સંતોષ અને કોઈક વ્યક્તિ આપણી ધારણા મુજબનું કે આપણી વિચારસરણીને અનુસરતું વર્તન સામેથી કરે ત્યારે મળતા પરમ સંતોષની લાગણીમાં ફરક હોય છે! ઋષભભાઈની અનોખી વર્ષગાંઠની ઉજવણીની વાત તાજી જ વાંચવામાં આવી હતી. તેમાંથી પ્રેરણા લઈ મેં પણ નમ્યાની નવમી બર્થ ડે નવ કોઈક નવલી નવ ઉજવણીઓનો સમાવેશ કરી મનાવવાનું નક્કી કર્યું.
થોડી પૂર્વ તૈયારી બાદ આ મિશન સફળ રહ્યું! નીચેની ૯ ચેષ્ટાઓ દ્વારા નમ્યાબેનનો નવમો જન્મદિવસ ખૂબ સારી રીતે ઉજવાયો :
૧. નમ્યાના સ્કૂલ અને ઘરના આસપાસનાં મિત્રો માટે ખાસ પ્રકારની અંદર ચોકલેટ હોય તેવી બિસ્કિટ લઈ આવ્યા અને તે વહેંચી.
૨. બંગાળી મીઠાઈ ખરીદી જે અમે પરિવાર જનોએ, અમારા ઘેર કામ કરવા આવતા બહેને અને સવારે બિલ્ડીંગની સફાઈ કરવા આવતા બહેને માણી
૩. કેળાની વેફરના ખાસ પેકેટસ બનાવડાવ્યા અને તે મંદિર પાસે ફૂલ વેચતી બહેનને, એક જોડા સીવતા ભાઈને અને સવારે રસ્તાની સફાઈ કરવા આવતા ત્રણ ભાઈઓને ચોકલેટ સાથે વહેંચ્યા
૪. અમારા ઘેર કામ કરવા આવતા બહેનને તેમના બે નાનકડા સ્કૂલે જતાં બાળકો માટે નોટબુકસ લઈ આપી
૫. તુલસીના છોડનું નમ્યાના હાથે રોપણ કરાવ્યું જેમાં તેના અઢી વર્ષ નાનકડા ભાઈએ પણ હર્ષ અને ઉત્સાહ પૂર્વક સહકાર આપ્યો!
૬. જન્મદિવસ નિમિત્તે પરિવારને જન્મદિવસ બાદ નમ્યાની મનપસંદ હોટલમાં ડિનર કરાવ્યું અને ડિનર બાદ 'વેફલ'નું ડિઝર્ટ એન્જોય કર્યું!
૭. નમ્યા માટે થોડી સોનાની ખરીદી કરી જે તેને ભવિષ્યમાં કામ લાગે
૮. જે અનાથાશ્રમમાં જવાના હતા ત્યાંના રહેવાસીઓ માટે પચાસ જણનું ખાવાનું બનાવવાનો ઓર્ડર કેટરિંગનું કામ કરતા એક બહેનને આપ્યો અને તેમને આવક થાય એ આશય સાથે જ તેમને પણ આ શુભ કાર્યમાં સહભાગી થવાનો મોકો આપ્યો

૯. ૨૫મી જૂનની સાંજે નમ્યા સ્કૂલેથી છૂટીને ઘેર આવી એટલે અમે પરિવારના છ - એક સભ્યો મલાડમાં માલવણી વિસ્તારમાં આવેલા શ્રમ યશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવાતા અનાથાશ્રમ (ફોન નંબર - ૯૯૨૦૧૮૦૯૦૫)  પહોંચી ગયા જ્યાં પાંત્રીસેક બાળકો અને કેટલીક નિરાશ્રિત મહિલાઓ અને કેટલાક વૃદ્ધો એમ કુલ પચાસેક વ્યક્તિઓ રહે છે. કિટકેટ અને રંગબેરંગી જેમ્સ ચૉકલેટસની બનેલી નવ ના આંકડા થી સુશોભિત કેક અમારી પહેલા ત્યાં પહોંચી ચૂકી હતી! આ બર્થ ડે ઉજવણીની રીત એ ઉબેર ટેક્સી ડ્રાઇવર વાળા અમને ત્યાં લઈ જનાર ભાઈ ને એટલી ગમી ગઈ કે તે પણ ત્યાં પહોંચી ગયા બાદ ગાડી બંધ કરી અમારી સાથે જોડાઈ ગયા! કેક પર ભરાવેલી મીણબત્તી બુઝાવવાની પ્રથા ન અનુસરતા મીણબત્તી નમ્યાના હાથે પ્રગટાવી અને પછી એ ત્યાં ઈશુ સમક્ષ મૂકી દીધી અને નમ્યા બેને કેક કાપી! અમે સૌ એ સાથે મળી ઈશુને અને પોતપોતાના ભગવાનને યાદ કર્યા, પ્રાર્થના કરી. ત્યાં બાળકોની સંભાળ રાખતા બહેને જ્યારે હાથ જોડી આંખો બંધ કરી સૌ સમક્ષ ઇશ્વર આરાધના કરી અને નમ્યા અને ઉપસ્થિત સૌ માટે શુભાશિષની માંગણી કરી ત્યારે એક ખૂબ સુંદર લાગણીનો અનુભવ થયો. કેક ખાધા બાદ અમે સૌએ સાથે બેસીને જ થેપલા, સૂકી ભાજી, બીરિયાની ભાત અને ગુલાબજાંબુનું સ્વાદિષ્ટ ભોજન લીધું અને આનંદ અને સંતોષની એક સારું કાર્ય કર્યાની લાગણી સાથે એ જ ઉબેર ગાડીમાં પાછા ફર્યા જેમાં બેસી અમે ત્યાં ગયા હતાં. આશ્રમના સંચાલક બિપીન શિર્સત અને અનિતા એનથોની  સાથે ઘણી વાતો કરી હતી જે ફરી ક્યારેક તમારા સૌ સાથે જુદા બ્લોગ લેખ દ્વારા શેર કરીશ.


Wednesday, July 3, 2019

ફ્લાઇટ ચૂકી ગયા છો?(ભાગ - ૧ & ર)

(ભાગ - ૧)
-------------

ગત સપ્તાહે એક દિવસ વહેલી સવારે બેંગ્લોર... સૉરી બેંગલુરુ જવાનું હતું. ઓફીસ તરફથી એક સેમિનારમાં હાજરી આપવા સ્પોન્સરડ ટ્રીપ. સવારે સાત પાંત્રીસનો ફ્લાઇટ ઉપડવાનો સમય હતો. સવા નવની આસપાસ મારે અને મારા ઓફિસના મિત્ર દિનેશે સેમિનારના હોસ્ટે અમારા માટે બુક કરેલી કારમાં બેસી અમારે છત્રીસેક કિલોમીટર દૂર આવેલી સેમિનારની જગાએ પહોંચવાનું હતું. અગિયાર વાગે સેમિનાર શરૂ થવાનો હતો. પછી આખો દિવસ જુદા જુદા કાર્યક્રમો હતાં. છ વાગે સેમિનારનું સમાપન થવાનું હતું અને અમે પાછા ફરવા રાતે સાડા નવની રિટર્ન ફ્લાઇટ બુક કરાવી હતી. બેંગલુરુના ખરાબ ટ્રાફિક વિષે ઘણું સાંભળ્યું હતું તેથી અમે ફ્લાઇટના સમય અંગે ચોકસાઈ રાખીને જ ફ્લાઇટસ બુક કરાવી હતી. કોર્પોરેટ ડેસ્કે ઇન્ડિગો ફ્લાઇટસ બુક કરી હતી જેમાં અમને ફ્રી મીલ્સ મળવાના હતાં એટલે ઘેરથી વહેલી સવારે નાસ્તો કરી કે સાથે કંઈ ખાવાનું લઈ જવાની ઝંઝટ નહોતી. એક જ દિવસનો કાર્યક્રમ હોવાથી સામાન પણ નહોતો અને અમે પહેલા જ વેબ ચેક ઈન કરી લીધું હતું. આથી એવી ગણતરી હતી કે વધુ સમય લાગવો જોઈએ નહીં. મનમાં સમય ગણી મેં નક્કી કર્યું કે છ - સવા છ એ ઘરે થી નીકળીશ. વહેલી સવારે તો ટ્રાફિક ક્યાં નડવાનો? વીસેક મિનિટમાં એરપોર્ટ પહોંચી જવાશે. પણ બધી ગણતરી હંમેશા સાચી ક્યાં પડતી હોય છે?
    વહેલી સવારે ઉબર એપ દ્વારા ગાડી બુક કરી જેમાં બરાબર છ વાગ્યાને સત્તર મિનિટે ટ્રીપ શરૂ કરી. પોણા સાતે એરપોર્ટ પહોંચી જવાશે એમ એપ નિર્દેશ કરતી હતી. અંધેરી સુધી તો ગાડી સટાસટ પહોંચી ગઈ પણ ડ્રાઇવરે કહ્યું "આગે ટ્રાફિક પૂરા રેડ મેં દીખા રહા હૈ". ગૂગલ મેપ માં રસ્તા પર ટ્રાફિક હોય તો એ માર્ગ લાલ રંગ દ્વારા દર્શાવાય છે. મને ફાળ પડી છતાં પહોંચી જવાશે એવી આશા હતી. પછી તો ગાડી ગોકળગાયની ગતિએ આગળ વધતી રહી અને એપ પર પહોંચવાનો સમય ધીરે ધીરે પાછો ઠેલાતો રહ્યો. ગાડીમાં સમસમીને બેસી રહેવા સિવાય મારાથી બીજું થઈ પણ શું શકે એમ હતું? ૬.૪૫ પછી એર પોર્ટ પહોંચવાના આંકડા ૬.૫૦, ૬.૫૫, ૭.૦૦, ૭.૦૨, ૭.૦૩, ૭.૦૭, ૭. ૧૦ એમ કંઈ કેટલીયે વાર બદલાયા અને છેવટે ૭.૧૨ ના આંકડે હું એરપોર્ટ પહોંચ્યો. દિનેશ સાથે સતત સંપર્કમાં તો હતો એટલે એણે જણાવ્યું હતું કે ૨૫ નંબરના ગેટ પરથી ફ્લાઇટ લેવાની હતી. તેણે મને એમ જણાવવા ફોન કર્યા હતા કે સુરક્ષા જાંચ માટે ખૂબ લાંબી કતારો હતી, પણ મારે માટે તો આ જાણકારી ક્યાં કંઈ કામની હતી? હું તો ત્યારે પોતે જ અંધેરી અને વિલે પાર્લા વચ્ચે ટ્રાફિક માં બૂરી રીતે ફસાયેલો હતો. બન્યું એમ હતું કે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી ડોમેસ્ટિક એરપોર્ટ જવાના વળાંક પાસે જ એક નાના ખટારા જેવું વાહન ઊંધું વળી ગયું હતું. મોટો ખટારો પણ નહીં! મેં નજરે જોયું જ્યારે એ જગા પાસે પહોંચ્યો કે મોટો ખટારો પણ નહોતો અને એણે કેવડી મોટી મોકાણ સર્જી! એ જગાથી તો એરપોર્ટ માત્ર બે જ મિનિટમાં પહોંચી જવાયું પણ ત્યારે સાત વાગ્યાને બાર મિનિટ થઈ ચૂકી હતી અને મારી ફ્લાઇટ નો સમય ૭.૩૫ નો હોવાથી તેની ૨૫ મિનિટ પહેલા એટલે કે ૭.૧૦ વાગ્યે બોર્ડિંગ બંધ થઈ ચૂક્યું હતું. અહીં મેં થાપ ખાધી હતી. હું આ ૨૫ મિનિટ પહેલા પ્લેનના દરવાજા બંધ થઈ જાય છે એ હકીકત ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હતો. પછી તો ઇન્ડિગો વાળી બહેન જે બોર્ડિંગ ગેટ બંધ કરી પરત ફરી રહી હતી તે મારગમાં ભટકાઈ અને તેને ખૂબ આજીજી કરવા છતાં તે ટસ ની મસ ન થઈ! હું ફ્લાઇટ ચૂકી ગયો હતો! અહીં એક વાતની મને પોતાને નવાઈ લાગતી હતી કે આમ બન્યું તે છતાં હું ખૂબ વધારે અસ્વસ્થ નહોતો! કદાચ ફ્લાઇટના પૈસા મારા પોતાના ગજવા માંથી નહોતા ગયા એટલે કે પછી હવે હું વધુ 'મેચ્યોર' થઈ ગયો હતો?! એ જે હોય તે પણ પછી તો સ્વસ્થતા પૂર્વક પેલી ઇન્ડિગો વાળી બહેનના કહ્યા મુજબ જ હું તેમના નિયત કાઉન્ટર પર ગયો અને ત્યાં જઈ વધારાના અઢારસો રૂપિયા ચૂકવી ઇન્ડિગો ની જ સાડાનવ ની ફ્લાઇટ માં મેં જગા બુક કરી લીધી.

(ક્રમશ:)

----------------------------------------------------------------------------
ભાગ - ૨)
-------------


વહેલી સવારની ફ્લાઇટ પકડવાની હોય ત્યારે અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખશો જે મારાથી નજરઅંદાજ થઈ ગઈ હોવાથી જ હું ફ્લાઇટ ચૂકી ગયો. એક તો ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય તો ત્રણ થી ચાર કલાક વહેલા એર પોર્ટ પર પહોંચી જવાનું અને ડોમેસ્ટિક ફ્લાઇટ હોય તો એક થી બે કલાક વહેલા પહોંચી જવું, ભલે પછી ત્યાં એરપોર્ટ પર બેસવું પડે કે રાહ જોવી પડે. દેશ કે વિદેશના કોઈ પણ ભાગમાં હોય પણ એરપોર્ટ પર એટલી સુવિધા અને સ્વચ્છતા હોય છે કે ત્યાં તમે કંટાળો નહીં. બેઠા બેઠા પુસ્તક કે અખબાર વાંચો, આસપાસ ની દુકાનો માં કંઈ ખરીદવું ન હોય તો વિન્ડો શોપીંગ કરો, એસ્કેલેટર પર આંટા મારો, વિશાળ સ્વચ્છ લોબી કે કોરીડોર પર ચાલતા ચાલતા ભીંત ચિત્રો, જાહેર ખબરો કે સ્ટોલ્‌સ નિહાળો પણ એરપોર્ટ પર વહેલા પહોંચી જાવ. ફ્લાઇટ મિસ થઈ ગઈ તો આર્થિક નુકસાન તો ભોગવવું જ પડશે પણ સાથે સાથે આગળનો આખો કાર્યક્રમ અસ્તવ્યસ્ત થઈ જશે અને જે માનસિક અજંપો અનુભવવો પડશે તે બિલકુલ આવકાર્ય નથી. વહેલા પહોંચી જવાનું સૌથી મોટું કારણ એ છે કે એરપોર્ટ પર વહેલી સવારે એક જગાએ થી બીજી જગાએ જનારા પ્રવાસીઓની સંખ્યા ખાસ્સી વધારે હોય છે, દિવસના અન્ય સમય કરતાં પણ વધુ. રાતે પણ આ પરિસ્થિતિ જોવા મળી શકે કારણ રાત્રે લોકો પાછા ફરી રહ્યાં હોય. ચેક ઈન લગેજ ન પણ હોય તો યે વહેલી સવારે સુરક્ષા તપાસ અને ઇમિગ્રેશન ચેકમાં થકવી નાખે એટલી લાંબી કતાર હોય છે પછી ભલે એરપોર્ટ કોઈ નાના દેશ કે શહેરનું કેમ ના હોય. બસ એક વાર આ ઔપચારીકતાઓ પતી જાય પછી નિરાંત! પછી તમે ઉપર વર્ણવેલી બધી પ્રવૃત્તિઓ ધરાઈને કરી શકો છો સમય બચ્યો હોય તો.
   મેં ઇન્ડિગો કાઉન્ટર પર જઈ સાડા સાતની મિસ થઈ ગયેલી ફ્લાઇટ બાદ તરત બેંગલુરુ જતી તેના પછીની વહેલામાં વહેલી ફ્લાઇટ કેટલા વાગે છે તેની પૃચ્છા કરી અને જાણવા મળ્યું કે તે બે કલાક બાદ સાડા નવની હતી. પહોંચતા બીજા બે કલાક એટલે સાડા અગિયાર સુધી હું બેંગલુરુ પહોંચી શકું એમ હતું. સેમિનારનું સ્થળ જ્યાં હતું એ જગાએ પહોંચવાનો બીજો કલાક ગણું તો સાડા બાર થાય અને કાર્યક્રમ ૧૧ વાગે શરૂ થવાનો હતો. પણ મેં વિચાર્યું ઘેર પાછા જવું તેના કરતાં દોઢ - બે કલાક મોડા તો મોડા પણ બેંગલુરુ જવું જ જોઈએ. ઓફિસમાં ટ્રાવેલ ડેસ્ક પર ખૂબ વહેલી સવાર હોઈ કોઈ પહોંચ્યું નહોતું કે નહોતો મારા એડમિન વિભાગના કોઈ સહ કર્મચારી સાથે સંપર્ક થઇ રહ્યો અને સમય દોડતો જઈ રહ્યો હતો એટલે મેં ગજવામાંથી ગાંઠના પૈસા ખર્ચી નેક્સ્ટ ફ્લાઇટમાં સીટ બુક કરી લીધી. સદનસીબે આખી નવી ટિકિટ જેટલા પૈસા ના ખર્ચતા અઢારસો રૂપિયા ઉમેરતા જ મને પછીની ફ્લાઇટમાં સીટ મળી ગઈ. જો કે એક ચકાસણી કરવાનું રહી ગયું. મારી મૂળ ટિકિટ કોર્પોરેટ બુકિંગ દ્વારા થયેલી જેમાં મીલ્સ સમાવિષ્ટ હોય. નવી બુક કરેલી સીટમાં મારાથી એ ચકાસવાનું રહી ગયું.
   સાડા નવની ફ્લાઇટ સમયસર હતી અને સવા અગિયારે હું બેંગલુરુ પહોંચી ગયો. એરપોર્ટની બહાર ઉબેર - ઓલા ની સરસ વ્યવસ્થા હતી. ઉબેર ગાડી બુક કરી સેમિનારના સ્થળે પહોંચ્યો. કલાક લાગ્યો. બેંગલુરુમાં રસ્તા ભારે સાંકડા અને એરપોર્ટથી થોડે દૂર આવો એટલે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે. પણ મને આ શહેર ગમ્યું. સેમિનાર જે વિસ્તારમાં હતો તે ભારે શાંત વિસ્તાર હતો જ્યાં ઘણી બધી કોર્પોરેટ ઓફિસો હતી. સી. વી. રામન નગરના બાગમાને ટેક પાર્ક બિલ્ડીંગમાં આવેલી સિસ્કોની ઓફિસમાં સેમિનાર અટેન્ડ કર્યા બાદ સમય હતો તેથી હું અને મારો કલીગ દિનેશ આસપાસ લટાર મારવા નીકળ્યા. બાજુમાં ટેક્સાસ ઈન્સ્ટ્રુમેન્ટ્‌સ, એચ. એસ. બી. સી. બેંક, કોગ્નિઝંટ વગેરે ઘણી કોર્પોરેટ ઓફીસના બિલ્ડીંગ્‌સ હતાં અને રસ્તાનો ડેડ એન્ડ હતો ત્યાં એક સુંદર તળાવ હતું. પાછા ફરતાં રસ્તાની સામેની બાજુએ જીર્ણોદ્ધાર પામી રહેલું એક શિવાલય હતું. તેના પ્રાંગણમાં પાર્કિંગ માટેની ખુલ્લી જગા હતી. જ્યાં કતારબદ્ધ ઉભેલી એક સરખી સ્કાય બ્લ્યુ રંગની સાઇકલ જેવી હલકી ફૂલકી બાઇકસ અને સાઇકલ પર અમારું ધ્યાન ગયું. અમારી સામે એક બે યુવાન - યુવતી આવીને મોબાઇલ પર એપ ચાલુ કરી કોડ બાઇક પર સ્કેન કરી ત્યાંથી બાઇક લઇને રવાના થઈ ગયા. અમને આ સિસ્ટમ ખૂબ રસપ્રદ લાગી. એક યુવાન બાઇક લેવા આવ્યો તેની સાથે વાતચીત કરી આ સિસ્ટમ વિશે માહિતી મેળવી. યુલુ નામની એપ મોબાઇલ પર ડાઉનલોડ કરી માત્ર અઢીસો રૂપિયા ડિપોઝીટ કરી તમે આ સિસ્ટમમાં રજીસ્ટર થઈ આ બાઇક કે સાઇકલ ભાડે લઈ જઈ શકો છો.


 શહેરમાં ખાસ સ્થળોએ સંખ્યાબંધ બાઇકસ પાર્ક કર્યા હોય ત્યાંથી તે ઉપાડી લઈ તમારે જવું હોય ત્યાં સુધી બાઇક લઇ જઇ પછી તે રસ્તાની બાજુએ છોડી દેવાનું. એપ પર તમારા અકાઉંટ માંથી તમે ડ્રાઇવ કર્યું હોય એટલા કિલોમીટર માટેની નિયત રકમ કપાઈ જાય. હું અને દિનેશ આ સિસ્ટમથી ખાસ્સા પ્રભાવિત થયા. આ બાઇક સાઇકલ જેવી જ વજનમાં ભારે હલકી અને ચલાવવામાં અતિ સરળ જણાઈ.
  પછી તો ગાડીમાં બેસી એરપોર્ટ જવા રવાના થઈ ગયા અને દોઢ બે કલાકની એ ડ્રાઇવ સંધ્યાના અલગ જ મૂડ સાથે બેંગલુરુની ઝાંખી પામતા પામતા અમે માણી. અહીં થોડીક ક્ષણો માટે હું કોઈક અલગ દુનિયામાં ખોવાઈ જ ગયો. હાઈ વે જેવા રસ્તાની બંને બાજુએ ખુલ્લા ખેતર - મેદાનો અને ગાડીઓ સિવાય અન્ય માનવ વસ્તી કે બીજું કંઈ નજરે જ નહોતું ચડતું. ઉપર છૂટા છવાયા વાદળાં ભર્યું ભૂરૂ આકાશ મનને એક ગજબની શાંતિનો અનુભવ કરાવી રહ્યું. આવો અનુભવ બે ત્રણ વર્ષ અગાઉ સ્વીત્ઝરલેન્ડથી ફ્રાંસ મારા કઝિન્સ સાથે ગાડીમાં પાછા ફરતી વખતે થયો હતો. અલગ દેશ, અલગ પૃષ્ઠ ભૂમિ પણ એક સરખો અનુભવ!
રસ્તામાં બધી દુકાનો પર પે ટી એમ થી પેમેન્ટ સ્વીકારાતા હોવાના સ્ટીકર્‌સ અહીં ટેક્નોલોજીના પગપેસારાની ચાડી ખાતા હતાં. દિનેશે કમેંટ પણ કરી કે બેંગલુરુ ભારતની સિલિકોન વેલી હોય એમ લાગે છે! સાથે સાથે મંદિરના અનેક દેરા પણ નજરે ચડતા હતાં. આ ભારતની ખાસિયત છે. આવા વિચારો વચ્ચે જ એરપોર્ટ આવી ગયું અને પાછા ફરતી વખતે ફ્લાઇટ મિસ કર્યા વગર હું સમય સર મુંબઈ આવી ગયો!
  ભલે બેંગલુરુને વધારે નજીકથી માણવાનો મોકો ના મળ્યો અને એક જ દિવસની આ યાત્રા અહીં પૂર્ણ થઈ પણ આખા દિવસનો આ સંપૂર્ણ અનુભવ યાદગાર અને માણવા લાયક રહ્યો.

(સંપૂર્ણ)