Translate

રવિવાર, 6 મે, 2012

ગેસ્ટ બ્લોગ : ટાઈટેનીક (ભાગ-૧)

- મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ
દોસ્તો, તાજેતરમાં ૩ D માં ફરી રીલીઝ થયેલી ૧૯૯૭ની ૧૧ ઓસ્કાર એવોર્ડ્સ મેળવેલી ‘ટાઈટેનીક’ ફિલ્મને કારણે લગભગ આપણે બધા, ૧૦મી એપ્રિલ ૧૯૧૨ ના રોજ સાઉથએમ્પટન થી ન્યુયોર્ક સિટી જવા રવાના થયેલા અને ૧૫મી એપ્રિલે, નોર્થ એટલાન્ટિક સમુદ્રના પેટાળમાં ગરકાવ થઇ ગયેલ આ વિશાળ જહાજ વિષે જાણીએ છીએ અને તે અકસ્માતની તાદ્રશ ઝાંખી કરી હોય તેમ તેની અનુભૂતિ કરી શકીએ છીએ. ગુગલ પર પણ તે વિષે ઘણું ઘણું અપાયેલું જ છે અને અન્ય પત્રિકાઓ કે સામયિકોમાં પણ તે વિષે વિસ્તૃત માહિતી ઉપલબ્ધ છે, તેથી હું કંઈ નવું કહેવાની નથી પણ તે દુ:ખદ અકસ્માતને ૧૫મી એપ્રિલે ૧૦૦ વર્ષ પુરા થયાં છે તેથી તે વિષે વાત કરવાનું મન થાય છે.


ટાઈટેનીક જહાજ , ૧૯૦૯ અને ૧૯૧૧ ની વચ્ચે બેલફાસ્ટમાં આવેલા હાર્લેન્ડ એન્ડ વોલ્ફ શિપયાર્ડ માં બાંધવામાં આવ્યું. ઓલિમ્પિક ક્લાસના મહાસાગર યાત્રા માટેના ત્રણ મહા તોતિંગ જહાજમાંના એક એવાં આ જહાજની પહેલી અને છેલ્લી સાગર સફર , વ્હાઈટસ્ટાર લાઇન દ્વારા હાથ ધરવામાં આવી હતી.દુ:ખદ બાબત એ છે કે આ દુર્ઘટના માં ૧૫૧૪ માણસો પણ ટાઈટેનીકની સાથે જ સાગરના પેટાળમાં જળસમાધી લઇ ડૂબ્યા.યુદ્ધ સિવાયના સમયમાં, શાંતિ દરમ્યાન પોતાની સૌ પ્રથમ સફર દરમ્યાન તેમાં સવાર ૨૨૨૪ મુસાફરોમાંથી ૧૫૧૪ જણાં મોતને શરણ થયા હોય તે અત્યંત કમનસીબ દુર્ઘટના કહી શકાય.તે મુસાફરોમાં વિશ્વના સૌથી શ્રીમંત લોકોનો સમાવેશ થાય છે.જેમ કે કરોડપતિ જ્હોન જેકબ એસ્ટર IV , બેન્જામીન ગુગ્ગેનહેઈમ તેમ જ ઈસીડોર સ્ટ્રાસ.તે ઉપરાંત આયરલેન્ડ , સ્કેન્ડીનેવિયા અને અન્ય ઘણે ઠેકાણેથી અમેરિકામાં ભાગ્ય અજમાવવા ઉપડેલા અનેકાનેક, લગભગ હજારેક જેટલા અમીર સ્થળાન્તરીઓનો સમાવેશ થતો હતો.આ જહાજમાં, સુખસગવડ અને લકઝરીની તમામ આરામદાયક સવલતો ઉપલબ્ધ હતી.મુસાફરોને માટે ટેલીગ્રાફની સવલત પણ હતી. જીમ્નેશીયમ, સ્વીમીંગ પુલ, લાયબ્રેરી , હાઈ ક્લાસ રેસ્તરાં વગેરે વગેરે.અરે, સુરક્ષા માટેના આધુનિક પાસાંઓ પણ તેમાં હતાજેમ કે વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટસ , પાણી ના પ્રવેશી શકે તેવાં , રિમોટ એક્ટીવેટેડ બારણાં પણ, જહાજમાં સવાર બધા જ પ્રવાસીઓને માટે પુરતી લાઈફ બોટ્સ નહોતી.જુના પુરાણા દરિયાઈ સુરક્ષા કાનુન મુજબ તેમાં કુલ મુસાફરોના ત્રીજા ભાગના મુસાફરો અને ચાલકગણ માટે એમ કુલ ૧૧૭૮ જાણ માટે જ લાઈફ બોટ હતી.!

ટાઈટેનીકે ૧૦મી એપ્રિલ ૧૯૧૨ ના રોજ સાઉથએમ્પ્ટનથી રવાના થયા બાદ ન્યુયોર્ક તરફ પશ્ચિમ દિશામાં આગળ વધતા પહેલાં ફ્રાંસના ચેરબર્ગ અને આયરલેન્ડના ક્વીન્સટાઉન ખાતે રોકાણ કર્યું અને ૧૪મી એપ્રિલ ૧૯૧૨ ના રોજ રાતના ૧૧ વાગીને ૪૦ મીનીટે તે હિમશીલા સાથે ટકરાયું.. તેમાં પાણી ભરાતાં પછીના અઢી કલાકમાં ધીમે ધીમે આખા જહાજ માં પાણી ભરાઈ ગયું અને છેવટે તે મહાસાગરમાં ડૂબી ગયું...રાતના ૨ વાગીને ૨૦ મિનીટ પહેલાં ટાઈટેનીક તૂટી ગયું અને અગાધ સાગરના પાણીમાં ગરકાવ થવા લાગ્યું ત્યારે હજુ તો તેમાં હજારથી વધારે માણસોને ઉગારવાના બાકી હતા...હાડ ગાળી નાખે તેવી ઠંડી અને હિમ્યુક્ત ઠંડા પાણીમાં પડવાને કારણે હાયપોથર્મિયાને લીધે તે કમનસીબ મુસાફરો ગણતરીની ક્ષણોમાં મોતને ભેટ્યા...૭૧૦ જણને બચાવી શકાયા...

જરા વિચારો તો ખરા કે એ બદકિસ્મત પ્રવાસીઓને કેવું થયું હશે ? ઉપર આભ, નીચે કાળા કાળા ભમ્મર ,ઊંડા ઊંડા પાણી અને કાતિલ ઠંડી..કોણ કોને બચાવે અને કોણ કોને ફરિયાદ કરે ? જીવ બચાવવા કોણે કોણે કેવાં વલખાં માર્યા હશે ? મૃત્યુ અટલ ભલે હોય મોતનું આ તાંડવ કેટલું અરેરાટીભર્યું હશે, તેની માત્ર કલ્પના જ કરવી રહી કારણકે જેને વીતે તેને જ વેદનાની ખબર પડે.બાકી તો બધો વાણી વિલાસ., જયારે રબ રૂઠે ત્યારે માણસના બારેય વહાણ ડૂબે !અને જે બચી ગયા તેમને માટે, : રામ રાખે તેણે કોણ ચાખે ? બરોબર ને?

આ અત્યંત કરુણ ઘટનાની સમગ્ર વિશ્વે દુ:ખ ,આઘાત સહીત નોંધ લીધી. બેનમુન જહાજ ટાઈટેનીક ની નિષ્ફળ સફરના કારણો અને તેના દુર્દૈવને નિવારી શકાયું હોત તેવો સર્વમત પણ જાગ્યો..બ્રિટન અને અમેરિકામાં લોકોએ કરેલી પૂછપરછ બાદ દરિયાઈ સુરક્ષામાં આમૂલ પરિવર્તનો કરવામાં આવ્યાં, જેમાં મુખ્યત્વે ૧૯૧૪ માં સમુદ્ર માં જીવન ની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય ઠરાવ( SOLAS ) કરવામાં આવ્યો, જેને આજે પણ દરિયાઈ સુરક્ષા બાબતે અનુસરવામાં આવે છે...

ટાઈટેનીક શબ્દ આજે ડૂબતા વહાણ કે પછી ડૂબતી કે ખોટ ખાતી કંપનીઓનો પર્યાય બની ગયો છે... આપણે કહીએ છીએ કે ફલાણી કંપની ટાઈટેનીક છે.

બચી જવા પામેલા નસીબદાર લોકોમાંથી એક આ જહાજ કંપની વ્હાઈટ સ્ટાર લાઇન ના અધ્યક્ષ જે . બ્રૂસ ઇસમેં નો પણ સમાવેશ થતો હતો, પણ આ કમનસીબ ઘટના દરમ્યાન જહાજ પર મહિલાઓ અને બાળકો સહીત લોકોને મરવા માટે છોડી દઈને પોતે પહેલાં લાઈફ બોટ માં બેસી નીકળ્યા તે બદલ આખા વિશ્વએ તેમની કાયર ગણાવીને આકરી ટીકા કરી હતી..સમાજમાં તેઓ થુ થુ થઇ ગયા હતા.વિશ્વ માં સહુથી ઝડપી જહાજ ગણાવડાવવાની ધૂનમાં અને અન્ય જહાજ કંપની , CUNARD ના LUSITANIA અને MAURETANIA બે વહાણો તેમ જ જર્મન જહાજ કંપની HAMBURG AMERICA અને NORDDEUTSCHER LLOYD ની સાથેની હરીફાઈને પાપે ટાઈટેનીક અતિ ઝડપે ગતિ કરતુ હોવાથી જયારે હિમશીલા નજરે પડી ત્યારે તેની ઝડપ નિયંત્રિત ના થઇ શકી અને તે કાળગ્રસ્ત થઇ ગઈ.

ટાઈટેનીક ૮૮૨ ફીટ ૯ ઇંચ એટલે કે ૨૬૯.૦૬ મી. લાંબી હતી... ૯૨ ફીટ ૬ ઇંચ એટલે કે ૨૮ .૧૯ મી. પહોળી કુલ ઉંચાઈ ૧૦૪ ફીટ કે ૩૨ મી. હતી... તેનું વજન ૪૬,૩૨૮ ટન હતું...

જાણવા જેવી વાત એ છે કે ટાઈટેનીક જહાજ નો કાટમાળ સમુદ્રના પેટાળમાં સપાટીથી ૧૨૪૧૫ ફીટ એટલે કે ૩૭૮૪ મી. ઊંડાઈએ પડ્યો છે . ૧૯૮૫ માં તે મળી આવ્યો..તે પછી કંઈ કેટલાય કલાત્મક નમૂનાઓ દરિયાના પેટાળમાંથી ટાઈટેનીક ના ભંગારમાંથી શોધી કાઢીને વિશ્વ બહારના સંગ્રહાલયોમાં પ્રદર્શિત કરાયા છે . ટાઈટેનીક વિષે અનેક પુસ્તકો, ફિલ્મો પ્રદર્શનો અને સ્મારકો બન્યા છે તે દ્વારા ટાઈટેનીક, ઇતિહાસમાં સહુથી યાદગાર જહાજમાનું એક ગણાય છે.

ટાઈટેનીક માં ૩ એન્જીન હતા. મસ મોટા... વિશાળકાય...૬૩ ફીટ લાંબા અને તેનું વજન ૭૨૦ તન હતું ! જેને માટે ૨૯ બોઈલર્સ હતા. અને ૬૬૧૧ ટન કોલસાનો ઉપયોગ થી વરાળ ઉપન્ન કરવામાં આવી હતી, એક દિવસ માં ૬૦૦ ટન કોલસો હાથના ઉપયોગથી ભઠ્ઠીમાં નાખવો પડતો. સતત ૨૪ કલાક ૧૭૬ ફાયરમેન ને કામે લગાડવામાં આવ્યાં હતા.. આ કામ ખુબ થકવી નાખે તેવું અને ખતરનાક હતું, જોકે ફાયરમેનને ખાસ્સું એવું મહેનતાણું ચુકવવામાં આવનાર હતું.


(ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો