દાર્જિલિંગમાં અમારી આ પ્રવાસ દરમ્યાનની છેલ્લી સવાર ખુશનુમા હતી અને સામાન વગેરે પેક થાય ત્યાં સુધી હું નમ્યાની આંગળી પકડી અને હિતાર્થને તેડીને, અમે રોકાયેલા એ સ્ટર્લિંગની ખુશાલયા હોટેલની પરિક્રમા કરવા રૂમની બહાર આવ્યો. ત્યાં સરસ પગથી બનાવાયેલી હતી.અડધે પહોંચ્યા ત્યાં મારી નજરે એક પાટીયું ચડ્યું જેના પર નીચેની દિશામાં લઈ જતા પગથિયા તરફ દિશા નિર્દેશ કરતી નિશાની સાથે પંચદુર્ગા દેવી મંદીરનું નામ લખ્યું હતું. મને ત્યાં જવાની અદમ્ય ઇચ્છા થઈ આવી.અને ત્યાં રહેલો નાનકડો દરવાજો ખોલી મેં સાચવીને નમ્યાને આગળ વધવા જણાવ્યું. પગથિયા ભીના પણ લપસી ન જવાય એવી આચ્છી લીલ વાળા હતાં અને ગોળાકારે નીચેની દિશામાં કોઈ ગેબી જગાએ લઈ જતા હોય એ રીતે બનાવાયેલા હતાં.જંગલનો આભાસ ઉભો કરે એવી લીલોતરી હતી.

માતાજીના મંદીર તરફ જતા હોવાને લીધે ડર તો નહિ પણ પંખીઓ તથા જંતુઓના અવાજને લીધે તેમજ આસપાસના સમગ્ર માહોલને લીધે ભારે રોમાંચની લાગણીનો અનુભવ થઈ રહ્યો હતો. ખાસ્સો સમય ચાલ્યા બાદ પણ દાદરા ખતમ થવાનું નામ જ નહોતા લેતા અને હવે નમ્યાબેન થોડા ગભરાયા હતાં.પણ હું સાથે હતો એટલે મારો હાથ પકડી તે સાવધાનીથી નીચે ઉતરી રહી હતી અને મને પૂછ્યાં કરતી હતી,'પપ્પા હજી કેટલું આગળ જવાનું છે?' જાણે હું તો અહિ પહેલા કેટલી બધી વાર આવી ગયો હોઉં! એક સમય તો એવો પણ આવ્યો કે મને થયું ખરેખર અહિંથી પાછા વળી જવું જોઇએ.કારણ અમે ઘણાં નીચે ઉતરી ચૂક્યા હતાં અને આસપાસ તો કોઈ હતું જ નહિ.પણ અમે ચાલવું ચાલું રાખ્યું. છેવટે મંદીર આવ્યું. અમે દરવાજો ખોલી અંદર ગયાં. ત્યાં વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિ-તસવીરોના દર્શન કર્યાં અને થોડી વાર થોભી ફરી ઉપર જવા પ્રયાણ કર્યું.
ઉપર જતાં દાદરા ચડવાનું હોઇ થાક વધુ લાગ્યો પણ ભય અને ઉચાટ ઓછા અનુભવાયા! આસપાસનાં કુદરતી લીલાછમ ભીનાશ ભર્યાં વાતાવરણને માણતાં માણતાં અમે ઉપર આવી ગયાં અને પછી સામાન વગેરે ગાડીમાં ગોઠવી ખુશાલયાને વિદાય આપી સિક્કિમ જવા પ્રયાણ આદર્યું. અગાઉ નક્કી કર્યાં મુજબ લખુ પહેલા અમને ટાઈગર હિલ લઈ ગયો. ત્યાં જતાં રસ્તામાં વચ્ચે એક સુંદર મજાનું, આ પ્રદેશની ઓળખ સમા ડ્રેગનની મુખાકૃતિ ધરાવતું પ્રવેશદ્વાર નજરે ચડ્યું.

જેના પર નેપાળી ભાષામાં


રસ્તાની બંને બાજુએ આવેલા આ મંદીરનું ડાબી તરફનું લાલ રંગનું મકાન




અહિં એક તરફ આખી બાજુ લાલ રંગની હજારો બંગડીઓ તાર પર લટકાવેલી હતી.


અમે અનુમાન કર્યું કે લોકોની બાધા પૂરી થતા અહિં બંગડી ચડાવવાનો નિયમ હશે.માતાજીની મૂર્તિના દર્શન કર્યાં બાદ અમે ફરી ગાડીમાં ગોઠવાયા અને અમારી યાત્રાના હવે પછીના પડાવ સિક્કીમ તરફ જવા રવાના થયાં.


રસ્તામાં દાર્જિલિંગના નાના-મોટા ગામડાંઓની ઝલક જોવા મળી જેમાં તેમના જનજીવનમાં પણ થોડું ઘણું ડોકિયું કરવા મળ્યું.છય માઈલ,લામાહાતા,લોપાચુ,તીસ્તા જેવા વિચિત્ર લાગે તેવા આ ગામોના નામ હતાં.

તીસ્તા નામની નદી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ બંને રાજ્યોને જોડતી કડી સમાન લાગી


(ક્રમશ:)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો