Translate

મંગળવાર, 16 જાન્યુઆરી, 2018

દાર્જીલિંગ - ગેંગટોક પ્રવાસ (ભાગ - ૬)

       ત્રણ-ચાર કલાકનો પ્રવાસ ખેડી અમે દાર્જિલીંગથી સિક્કિમના રાજધાનીના શહેર ગેંગટોક તરફ જઈ રહ્યા હતા ત્યારે લખુ સાથે વાતચીત કરી આ સરસ મજાના રાજ્ય વિશે સારી એવી માહિતી મેળવી. અહિ સતત ૧૯૯૪થી પવનકુમાર ચમલિંગ મુખ્યપ્રધાન તરીકે સેવા આપી રહ્યાં છે.ઓછું ભણેલા અને એક સમયે સાવ સામાન્ય પદે કામ કરતાં આ રાજનેતા પોતાની કુનેહને કારણે સિક્કિમ ડેમોક્રેટીક ફ્રન્ટની સ્થાપના કરી આ રાજ્યના મુખ્યપ્રધાન પદ સુધી તો પહોંચી જ ગયા પરંતુ વિકાસના કામો તથા રાજ્યમાં શાંતિ જાળવવા જેવી બાબતોને લીધે સતત પાંચ ટર્મ્સથી ચૂંટાઈ આવી તેઓ ભારતના કોઈ પણ રાજ્યના સૌથી લાંબા સમય સુધી મુખ્યપ્રધાન પદે રહેવાનો રેકોર્ડ ધરાવે છે જે તેમના પહેલા પશ્ચિમ બંગાળના જ્યોતિ બાસુના નામે હતો. સિક્કિમમાં લખુના જણાવ્યાં અનુસાર કોઈ ગરીબ વ્યક્તિ જોવા જ નહિ મળે (જે અમે પછીથી અનુભવ્યું પણ ખરા!),અહિ જાહેરમાં ધૂમ્રપાનની સખત મનાઈ છે,નિયમો કડક પણે પાળવામાં આવે છે અને સ્વચ્છતા પર પણ ખૂબ વિશેષ ધ્યાન અપાય છે.રસ્તાની હાલત અહિ થોડી ખરાબ છે પણ તેની પાછળ સરકારની કાર્યદક્ષતા કરતા મોસમની વિષમતા વધુ જવાબદાર છે.રંગપો અહિનું મોટું નગર છે જ્યાં પહોંચ્યા ત્યારે ગેંગટોકની સ્ટર્લિંગ રીસોર્ટ ડેલિસો અબોડમાંથી મને ફોન આવ્યો અને પૂછવામાં આવ્યું કે અમે ક્યાં પહોંચ્યા છીએ. લખુ સાથે આખું દાર્જિલીંગ છેલ્લાં ત્રણેક દિવસ ભમ્યાં બાદ આ તેની સાથેની છેલ્લી ટ્રીપ હતી જેમાં તેની સાથે વાતચીત કરવાની મજા પડી અને તેણે તેના જેવો જ અન્ય ડ્રાઈવર અમને સૂચવી દીધો હતો જે અમને સિક્કિમ ફેરવવાનો હતો. ગેંગટોક પહોંચતા જ, પહેલા તેણે અમારી મુલાકાત બિશાલ લામા નામના આ ડ્રાઈવર સાથે કરાવી અને પછી અમે ડેલિસો અબોડમાં ચેક ઇન કર્યું.

       સ્ટર્લિંગની આ રીસોર્ટ પણ દાર્જિલિંગની ખુશાલયાની જેમ મુખ્ય શહેરથી નજીકમાં હતી. હોટલ બહાર ગાયમાતાની મોટી સુંદર ધ્યાનાકર્ષક તસવીર હતી. અમે જેવા હોટલમાં પ્રવેશ્યા કે અમારા ગળા ફરતે સફેદ રેશમી ખેસ જેવું પારંપારિક વસ્ત્ર ઓઢાડી અમારું ભાવભીનું સ્વાગત કરાયું. ભીડ ઓછી હોવાને કારણે અમને પસંદ પડે એવા બે ખંડ અમને આપવામાં આવ્યાં જે ગ્રાઉન્ડ ફ્લોરની નીચે ‘-૨’ ના સ્તરે આવેલા હતાં. રીસેપ્શન પર આવવા સામાન્ય રીતે ઉપરથી લિફ્ટમાં નીચે આવવાની જગાએ અહિં નીચેથી ઉપર આવવાનું હતું! અહિં દાર્જિલિંગની ખુશાલયા જેટલા રૂમ્સ નહોતા કે અહિની રેસ્ટોરેન્ટ પણ ત્યાં જેટલી વિશાળ નહોતી પણ અહિં અમને સ્ટાફના વર્તાવમાં વધુ ઉષ્મા અનુભવાઈ. રેસ્ટોરેન્ટમાં અમે જમ્યાં ત્યારે મેનેજરે સામેથી સારી વાનગીઓ સૂચવી અને હવે પછીના બેત્રણ દિવસ પણ અમે કઈ કઈ સ્થાનિક વાનગીઓ આરોગી શકીએ એ અંગે વાતચીત કરી.
બિશાલ લામા અમને આજે આરામ કરી આસપાસ થોડું આપમેળે ફરવાનું સૂચન કરતો ગયો હતો અને બીજે દિવસે સવારે લોકલ સાઈટ સિઈંગ માટે તે અમને લેવા આવવાનો હતો. તથા એ પછીના દિવસે નથુલા પાસ જવાનું હતું  જેના માટે અમારે બધાનાં ફોટા તેમજ આઈ કાર્ડ આપવાના હતાં. એ વિસ્તાર થોડો સંવેદનશીલ હોવાથી ત્યાં અમુક ચોક્કસ સંખ્યામાં જ રોજ પર્યટકોને પ્રવેશની પરવાનગી અપાય છે. તેથી પરવાનગી માટે જરૂરી ફોટા અને કાર્ડ્સની ફોટોકોપીની વ્યવસ્થા અમારે કરવાની હતી. રૂમ સરસ હતાં. તેમાં બુદ્ધની ખુબ સુંદર શાંતિનો અનુભવ કરાવે તેવી તસ્વીરો હતી. રૂમની બહાર કાંચનજંઘાના શિખરો દૂર દૂર નજરે ચડતા હતાં. થોડી વાર આરામ કર્યાં બાદ અમે એકાદ કિલોમીટર દૂર આવેલા અહિના અતિ પ્રખ્યાય એમ.જી.માર્કેટની મુલાકાત લેવા બહાર નીકળ્યાં.
       સિક્કિમમાં એક વસ્તુ ખુબ ગમી. અહિં આખા રાજ્યમાં બધે અમને રસ્તાની એક બાજુએ રેલિંગ જોવા મળી. રાહદારીઓએ આ જ રેલિંગની અંદર ફૂટપાથ પર ચાલવાનું. વાહન સડક પર નિર્ભયતાથી દોડ્યા કરે અને આપણે પણ બીક વગર નિયત કરેલ સુરક્ષિત માર્ગ પર ચાલ્યા કરવાનું. થોડે થોડે અંતરે રસ્તો ક્રોસ કરવા પુલ બનાવાયેલા હોય તેનો બધાં ઉપયોગ કરે. અહિં પણ દાર્જિલિંગની જેમ ઢોળાવ વાળા રસ્તા 



 અને રસ્તાની નીચે બે-બે ત્રણ-ત્રણ માળ સુધી દુકાનો કે રહેઠાણ. ડેલિસો અબોડની બહાર નિકળતા જ રેલિંગ વાળી ફૂટપાથ ચાલુ. 



 તેના પર ચાલતા ચાલતા અમારી જમણી તરફ અમને સુંદર સેઇન્ટ થોમસનું ચર્ચ જોવા મળ્યું. થોડે વધુ આગળ અન્ય એક સરકારી રંગીન ઇમારત. અહિં બધું નયનરમ્ય દેખાઈ રહ્યું હતું. એકાદ કિલોમીટર ચાલ્યાં એટલે ડાબી તરફ ઉપરની બાજુએ એમ.જી. માર્કેટ એટલે કે મહાત્મા ગાંધી બજાર આવેલું હતું.
આ બજાર એટલે જાણે કે સિક્કિમ - ગેંગટોકનો મોડર્ન-હિપ-સોહામણો વિસ્તાર. અહિ વિશાળ ચોગાનની બંને બાજુએ દુકાનો આવેલી છે પણ ચોગાનની પહોળાઈ ખુબ વધુ હોવાને કારણે તમે વચ્ચે મુકેલા બંને દિશા તરફ ગોઠવાયેલા બાંકડાઓ પર બેસી પણ શકો કે વિશાળ વિસ્તારમાં લટાર પણ મારી શકો. અહિ ચાલતી વખતે તમને એમ જ લાગે કે તમે જાણે વિદેશમાં કોઈ અપ-માર્કેટ વિસ્તારમાં લટાર મારી રહ્યાં છો. દુકાનોના સાઈનબોર્ડ્સ કે તેમની બહાર કરાયેલી લાઈટ્સ આખા વિસ્તારને એક વાઈબ્રન્ટ,પોશ અને યુવાન લુક આપતી હતી. 





વચ્ચે ગાંધીજીના આમ તો ટીપીકલ પણ ગળામાં સ્કાર્ફ પહેરેલ પૂતળાથી તેનો એક છેડો શરૂ થાય અને અડધા કિલોમીટર જેટલા પટ્ટામાં ફેલાયેલ આ બજારમાં જુદ્દા-જુદા પ્રદેશના લોકો - મોટે ભાગે સહેલાણીઓ જોવા મળે. અહિ ગેંગટોકમાં ઘણી સ્કૂલ-કોલેજ કે યુનિવર્સીટી પણ હોવાનું માલૂમ પડ્યું ,જેના વિદ્યાર્થીઓ પણ અહિં બજારમાં મોટા પ્રમાણમાં ઘૂમતા જોવા મળ્યાં. દરેક યુવતિ કે સ્ત્રી પછી એ નાની ઉંમરની હોય કે મોટી, મેક-અપ સજ્જ જોવા મળે! પુરુષો પણ સરસ વાઘામાં ફરતાં દેખાય. મોટા ભાગના સ્થાનિક લોકો ગુરખા જાતિના સ્ત્રી-પુરુષો જેવો દેખાવ ધરાવતા જોવા મળે અને તેમના વસ્ત્ર પરિધાન પરથી તેઓ સારી આર્થિક સ્થિતી ધરાવતા હોવાનું અનુમાન કરી શકાય. અહિં વચ્ચે બેઠકો સાથે ઝાડ પણ ખરાં અને પાણીના ફુવારા પણ જોવા મળે. ઝાડ પર ક્રુત્રિમ રેડ પાંડા કે અન્ય જનાવરોના ડમી જોવા મળે. બેઠકો પર સાવ અમસ્તા જ બેસી ને તમે અહિની સુંદર આબોહવાની મજા માણી રહેલા ચાલતા,દોડતા,વાતો કરતાં,મસ્તી-મજાક કરતા લોકોને નિહાળતા નિહાળતા પણ સરસ રીતે સમય પસાર કરી શકો! એમ.જી.માર્કેટમાં અનેક દુકાનો સાથે હોટેલ અને ઓફિસો પણ ખરી અને અહિં ઉપર દેખાઈ રહેલી દુકાનો-હોટલો-ઓફિસો તો ટોપ ફ્લોર પર હતી, નીચે ત્રણ-ચાર માળ સુધી અન્ય દુકાનો-હોટલો-ઓફિસો તો હતી જ જ્યાં નીચે દાદરા ઉતરી જઈ શકાય. મને તો આ જગાની પોઝિટીવીટી,લુક અને ઓવર ઓલ ફીલ સ્પર્શી ગયાં!અમે જેટલા દિવસ ગેંગટોકમાં રહ્યાં એ બધાં દિવસ સાંજે અહિં અચૂક આવ્યાં અને ફર્યાં!

 (ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો