Translate

રવિવાર, 5 જૂન, 2011

મંદિર (ભાગ - ૨)

અત્યાર સુધી લીધેલ અનેક મંદિરોની મુલાકાત પૈકી કેટલાંક યાદગાર બની રહ્યા હોય એવા અનુભવ મને યાદ આવે છે.


આઠેક વર્ષ પહેલાં ઓફિસના કામે પુણે જવાનું થયેલું. હું ઓફિસના કામ સાથે જે તે નવા પ્રદેશની આસપાસના શક્ય એટલા નવા જોવાલાયક સ્થળો અને મંદિરોની માહિતી મેળવી લઈ, શક્ય હોય તો તેમની મુલાકાત લેવાનું ક્યારેય ચૂકતો નથી. પુણેમાં અતિ પ્રખ્યાત એવા અષ્ટવિનાયકના ગણેશ મંદિરો આવેલાં છે. એમાંથી બે ગણેશ મંદિરોની મુલાકાત મેં લીધી અને એ પણ જરા હટકે સ્ટાઈલમાં! એટલે મને એ યાદ છે. તમે એકલા હોવ અને પહેલેથી આયોજન ન કર્યું હોય ત્યારે ઇમ્પ્રોમ્પ્ટુ (સહસા) તૈયાર થઈ ગયેલા પ્રવાસની પણ એક અલગ મજા હોય છે! પુણેમાં એક ખટારામાં ઘાસના ઢગલા પર બેસી હું અષ્ટવિનાયકમાંના રાંજણગાવ મહાગણેશના મંદિરે પહોંચેલો અને રસપ્રદ સ્થાનિક છકડા જેવી રિક્ષામાં બેસી બીજા વિનાયક મંદિરે ગયેલો અને ત્યારે રસ્તામાં એક લાંબા સાપને અમારા વાહન સામેથી પસાર થઈ ગયેલા જોયાનું યાદ છે. આઠેઆઠ અષ્ટવિનાયક મંદિરોની યાત્રા તો હજી સુધી પૂર્ણ કરી શક્યો નથી પણ કરીશ ખરો.

મારી ગુજરાતમાં આવેલા દ્વારકા, સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરોની યાત્રા પણ યાદગાર બની રહી હતી.

બાર જ્યોતિર્લિંગમાંથી છ ના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.ઇશ્વરની ઇચ્છા હશે તો બાકીના છ પણ દર્શનાર્થે જઈશ.

ચેન્નાઈ પણ ઓફિસના કામે બે વાર જવાનું થયેલું ત્યારે ત્યાંના મંદિરોની મુલાકાત પણ રસપ્રદ રહી હતી.આમેય મને દક્ષિણ ભારતીય સંસ્કૃતિ તેમજ ત્યાંના મંદિરોનું વિશેષ અને અનેરૂં આકર્ષણ રહ્યું છે. દક્ષિણ ભારતીય મંદિરોની શૈલી, ત્યાંની પરંપરાઓ,ભગવાનને તિલક કરવાની તેમજ શણગારવાની અને તેમની પૂજા કરવાની વિશિષ્ટ રીત - આ બધું મને ખૂબ ગમે છે. ચેન્નાઈમાં હજારો વર્ષ જૂના એવા એક ભવ્ય કપાલિશ્વર શિવાલયની મેં મુલાકાત લીધી હતી જેમાં અલગ અલગ કદના સેંકડો શિવલિંગ હતાં.અહિં એક અષ્ટલક્ષ્મી મંદિરમાં સુંદર રીતે આઠ અલગ અલગ જગાઓએ ગોઠવાયેલી લક્ષ્મીજીના આઠ સ્વરૂપોના દર્શન કરી પણ ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવાઈ હતી.

એજ વખતે બીજે દિવસે ત્યાંના પ્રખ્યાત કાંચીપુરમના કામાક્ષી દેવી મંદિર તેમજ અન્ય કેટલાક મંદિરોની મુલાકાત લીધી હતી. અહિં એક વાત મને ખૂબ ખટકેલી. એ મંદિરોમાં લખ્યું હતું 'અહિં વિદેશી લોકોએ આવવાની મનાઈ છે.' કેટલાંક મંદિરોમાં મે વાંચ્યું કે 'અહિં ફક્ત બ્રાહમણો એ જ પ્રવેશ કરવો.' મેં સાંભળ્યું છે કે દક્ષિણ ભારતના કેટલાંક મંદિરોમાં સ્ત્રીઓનો પ્રવેશ પણ વર્જ્ય છે.આ બાબત મને પસંદ નથી. આજે આપણે કયા યુગમાં પ્રવેશ્યા છીએ? આવા બંધનોની કોઈ જરૂર ખરી? ઇશ્વર સુધી પહોંચવાના સ્થળે જાતિ કે વર્ણના આવા ભેદ શા માટે? એ બાબતે મને ખ્રિસ્તી દેવળો ગમે જ્યાં માસિક ધર્મ વખતે પણ સ્ત્રીઓ ઇશ્વરને સ્મરવા જઈ શકે. ભગવાનતો ક્યારેય કોઈ સાથે ભેદભાવ રાખતા નથી તો પછી આપણે મનુષ્યો શા માટે ધર્મના નામે જુનાપુરાણા જડ નિયમોને વળગી રહ્યાં છીએ?

ખેર જવાદો એ વાત. ફરી પાછાં દક્ષિણ ભારતીય મંદિરોની સ્થાપત્ય શૈલી ઉપર આવીએ. મને આ મંદિરોના ખાસ પ્રકારના પિરામીડ જેવા આકારના શિખર ખૂબ ગમે છે જેને 'ગોપુરમ' કહેવાય છે. મદુરાઈના મિનાક્ષી મંદિર કે હૈદ્રાબાદ નજીક આવેલા જ્યોતિર્લિંગ રામેશ્વરમ મંદિરના ગોપુરમ લાક્ષણિક અને આકર્ષક છે. તિરુપતિ મંદિર અને મહાબલિપુરમના જીર્ણ ગોપુરમ પણ ભવ્ય અને સુંદર છે. ગોપુરમમાં ઘણાં બધાં દેવીદેવતાઓ ચારે દિશામાં કોતરેલા અને રંગેલા હોય છે.દક્ષિણ ભારતીય મંદિરોની ખાસિયત સમા મંદિરના પ્રાંગણમાં આવેલ સ્થંભ પણ મને ખૂબ ગમે છે જેમાં બનાવાયેલા ગોખલાઓમાં અનેક દિવા મૂકીને પ્રગટાવાય છે.ભલે દક્ષિણ ભારતના મંદિરો મોટે ભાગે અંધારિયા લાગે (કારણ આ મંદિરો અને એમાં દેવીદેવતાઓની મૂર્તિ પણ સામાન્ય રીતે કાળા પથ્થરમાંથી બનાવેલા હોય છે) છતાં તેમની ભવ્યતા અને દિવ્યતા, એમાં વાસ કરતાં દેવીદેવતાઓ આગળ તમને તમારા વામણાં હોવાનો અહેસાસ કરાવે છે.

રામેશ્વરમ નું પ્રાચીન ભવ્ય મંદિર પણ અવશ્ય એક વાર મુલાકાત લેવા લાયક છે.આ મંદિરની અંદર ૨૧ કુવાઓ આવેલા છે. વિશાળ સમુદ્રને કાંઠે આવેલા આ શિવાલયમાં જ્યોતિર્લિંગ સ્વયમ રામ ભગવાને પોતાને હાથે બનાવ્યું હતું એમ કહેવાય છે.સમુદ્રના પાણીમાં ડૂબકી લગાવ્યા બાદ મંદિરમાં આવેલા ૨૧ કૂવાઓના પાણીથી સ્નાન લઈ શરીરને પવિત્ર કર્યા બાદ શિવલિંગના દર્શન કરવા, એવી અહિં પ્રચલિત પરંપરા છે. વિશાળ સ્થંભો અને વાતાવરણમાં એક અનેરી પવિત્રતા અને શાંતિ તમારા મનને એક અનેરી ધન્યતા અને પરિતૃપ્તિની અનુભૂતિ કરાવે છે.

પ્રખ્યાત મંદિરોની મને એક ન ગમતી બાજુ એ તેમનું થયેલું વ્યાપારીકરણ છે.દરેક મોટા સુપ્રસિદ્ધ મંદિરમાં અલગ અલગ ભાવો વાળી ટિકીટ હોય છે,વી.આઈ.પી. દર્શનની અલાયદી સુવિધાઓ ખાસ વ્યક્તિઓ માટે હોય છે અને જે પૈસા ખર્ચી જાણે તેને જ મંદિર્ના ગર્ભગૃહમાં પ્રવેશ તેમજ ભગવાનની મૂર્તિ કે શિવલિંગની સ્પર્શ કરવાનો અધિકાર મળે છે!

એક બાજુ તમને પોતાના આખા શરીરને ચત્તપાટ સૂઈ જમીન પર ઘસડાવી આગળ વધતા પ્રભુભક્તો જોવા મળશે તો બીજી બાજુ સો કે વધુ રૂપિયાની ટિકીટ લઈ શોર્ટકટથી પ્રભુને મળવા જનારા ભક્તોની ભીડ જોવા મળશે. ભક્તગ્રાહકો મેળવવા માટે પંડિત-ગોર-પંડાઓનીતો જાણે લડાઈ જ જોવા મળશે! તેઓ ભક્તોના ખિસ્સા પ્રમાણેની અલગ અલગ પુજાઓ કરાવશે. પ્રસાદ પણ કિંમત મુજબ અલગ અલગ! આ બધું મોટા મંદિરો અને તીર્થધામો પ્રત્યે એક પ્રકારનો અણગમો જન્માવે છે. ઇશ્વર સામે લાખોપતિ હોય કે કોઈ ભિખારી હોય,બંને સરખા જ છે તો પછી આ બધા ભેદભાવ અને લાલચ-લોલૂપતાનું બેહૂદૂ પ્રદર્શન ઇશ્વરના નિવાસસ્થાન ગણાતા મંદિર જેવી પવિત્ર જગાએ શા માટે?

હજી મંદિરોના કેટલાક બીજા યાદગાર અનુભવોની રસપ્રદ વાતો આવતા અઠવાડિયે આ શ્રેણીના છેલ્લા અને ત્રીજા બ્લોગમાં કરીશ.

(ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો