Translate

શનિવાર, 3 માર્ચ, 2018

શ્રીદેવીને આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ


ગત સપ્તાહાંતે હું મારા પરિવાર સાથે દમણની મીરાસોલ હોટેલમાં ઓફિસ પિકનિકની મજા માણી રહ્યો હતો. શનિવારે રાતે પાર્ટી બાદ સૂતા મોડું થયું અને રવિવારની ૨૫મી ફેબ્રુઆરીની સવારે પોણા નવે ઉઠતા વેંત બેડ પર સૂતા સૂતા જ વોટ્સ એપ પર સંદેશ વાંચ્યો કે શ્રીદેવીનું હ્રદય રોગના હૂમલાને કારણે દુબઈમાં અકાળે અવસાન થયું છે. પાછલાં ઘણાં અનુભવોની જેમ આ વખતે પણ આ વોટ્સ એપ પરની સેલીબ્રીટીના મૃત્યુની એક અફવા જ હોય એવી દિલી કામના મેં તેના લાખો ચાહકોની જેમ કરી. પણ આ વખતે આ અફવા નહોતી.મારી જેમ જ સૌને આ ખબરે જબરો આંચકો આપ્યો હશે. આખો દિવસ ટીવી પર,રેડિયો પર,દુકાનોમાં,ગલીઓમાં,ગામડે અને શહેરોમાં શ્રીદેવીના મરણના સમાચાર જ ચર્ચાઈ રહ્યાં. ઓનલાઈન તેની બાળપણથી અત્યાર સુધીની બોલિવુડ યાત્રાની સુંદર સસ્મિત તસ્વીરો વહેતી થઈ અને તેને અપાયેલાં શ્રદ્ધાંજલિનાં સંદેશાઓ સર્વત્ર ફરી રહ્યાં. તેને ખુબ માન અપાયું, તેને ખુબ આદર પ્રાપ્ત થયો. સદમા,ચાંદની,ચાલબાજ,મિ.ઇન્ડિયા વગેરે સુપર ડુપર હિટ ફિલ્મો અને તેની કારકિર્દીની બીજી ઇનિંગમાં આવેલી ઇંગ્લીશ વિંગ્લીશ અને મોમ જેવી ફિલ્મોના ગીતો અને યાદો તેના લાખો ચાહકો વાગોળી રહ્યાં.
અખબારોએ બીજે દિવસે તેને અંજલિ આપતાં, પ્રથમ પાને તેના અવસાનના સમાચાર ગજવ્યાં. બીજા દિવસની બપોર સુધી હજી તેના પરીવારજનો, લાખો પ્રશંસકો અને ચાહકો હજી શોકમાં જ હતાં ત્યાં મિડીઆમાં ધડાકો થયો કે તેનું મોત હ્રદયરોગના હૂમલાને કારણે નથી થયું. મૃત્યુનો મલાજો જાળવતા વાત આટલે થી જ અટકી હોત તો પણ ઠીક હતું. પણ ગીધડાંની જાત સમા મિડીઆએ બે વાત ઉછાળી. શ્રીદેવીનું મોત બાથટબમાં પડી જવાને લીધે અકસ્માતે થયું હતું અને તેના શરીરમાંથી આલ્કોહોલના અંશ મળી આવ્યાં હતાં. હવે આ વાતો આટલી ગજવવાની જરૂર જ નહોતી પણ મિડીઆ કોનું નામ? ચર્ચા અને સ્પર્ધાની હોડમાં મરીમસાલા સાથે અવનવી વાતો અલગ અલગ ચેનલોએ તરતી મૂકી. તેના મોતને હલકું કરી નાંખ્યું આ ઘટના ક્રમે. ગઈ કાલથી આ ખબર લીક થયા સુધીમાં જે માન અને આદર મૃત શ્રીદેવીને પ્રાપ્ત થયાં હતાં તેમાં ઓટ આવી અને એવી ચર્ચાઓ થવા લાગી કે તેણે દારૂ પીધો એટલે તે ભાન ભૂલી અને ગબડી પડતાં તેનું મોત થયું. કેટલાકે બીજી થિયરી ચલાવી તેના પતિએ બાથટબમાં ડૂબાડી તેની હત્યા કરી નાંખી. આ બધી વ્યર્થ, ફાલતુ ચર્ચાઓનો કોઈ અર્થ હતો ખરો? જનાર ચાલ્યું ગયું હતું જેનો શોક પારાવાર હતો તેમાં આવી ફાલતુ ખબરો જ્યારે પરીવારજનોના વાંચવા કે સાંભળવામાં આવી હશે ત્યારે તેમના પર શી વિતી હશે?
મધ્યપ્રદેશની વિધાનસભામાં મૃતકોની યાદી તૈયાર કરાઈ હતી જેમને આદરાંજલિ અપાવાની હતી. શરાબ પીધો હોવાની ખબર આવવાને પગલે આ યાદીમાંથી શ્રીદેવીનું નામ છેલ્લી ઘડીએ બાકાત કરી નંખાયું. શું જેટલા નેતાઓ એ અંજલિ આપવાના હતાં એ મદિરાને સ્પર્શતા પણ નહિ હોય? અહિં હું સુરાપાનનું સમર્થન નથી કરી રહ્યો પણ હજી તો મિડીઆમાં જાતજાતના અહેવાલ આવી રહ્યાં હતાં ત્યાં આવી ઉગ્ર પ્રતિક્રિયા? છેવટે તો તેનું પાર્થિવ શરીર જ્યારે મુંબઈ આવ્યું ત્યારે રાષ્ટ્રધ્વજમાં લપેટી રાષ્ટ્રીય સન્માન સાથે શ્રીદેવીની અંતિમ ક્રિયા કરવામાં આવી પણ મિડીઆ દ્વારા મચાવાયેલો હોબાળો શું જરૂરી હતો? મૃત્યુનો મલાજો પણ મિડિઆ ન જાળવી શક્યું. શ્રીદેવીના પતિ બોની કપૂરે મિડીઆને એક પત્ર લખ્યો છે જેનો ભાવાનુવાદ આ પ્રમાણે છે :
           તમારી મિત્ર,પત્ની અને બે યુવાન પુત્રીઓની માતાની ખોટ શબ્દો ભરપાઈ કરી શકે નહિ.
            હું મારા પરિવાર, મિત્રો, સહકર્મચારીઓ, શુભેચ્છકો અને મારી શ્રીદેવીના અગણિત ચાહકોનો હ્રદયપૂર્વક આભાર માનું છું જેઓ ખડકની પેઠે અમારી પડખે ઉભા રહ્યાં છે. ઇશ્વરની મારા પર સદકૃપા છે જેના કારણે મને અર્જુન અને અંશુલાનો સહકાર અને પ્રેમ પ્રાપ્ત થયાં છે જેઓ આ કપરા કાળે મને,ખુશીને અને જહાનવીને મજબૂત પીઠબળ પુરું પાડી રહ્યાં છે. અમે સૌ કુટુંબીજનો સાથે મળી આ ક્યારેય ભરપાઈ નહિ થઈ શકે એવી ખોટનો સામનો કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.
            વિશ્વ માટે એ તેમની ચાંદની હતી....શ્રેષ્ઠ અદાકારા...તેમની શ્રીદેવી...પણ મારા માટે એ મારો પ્રેમ, મારી મિત્ર, મારી પુત્રીઓની માતા અને મારી સાથીદાર હતી. મારી પુત્રીઓ માટે એ ધરી સમાન હતી જેની આસપાસ અમારો આખો પરીવાર ઘૂમતો હતો.
            હવે જ્યારે અમે મારી પ્રિય પત્ની અને ખુશી અને જહાનવીની મમ્માને અલવિદા ભણી રહ્યાં છીએ ત્યારે મારી તમને સૌને એક નમ્ર વિનવણી છે. મહેરબાની કરીને અમારી અંગત રીતે શોક વ્યક્ત કરવાની જરૂરને આદર આપો. જો તમારે શ્રીની જ વાત કરવી હોય તો એ જ ખાસ ક્ષણોની વાત કરો જેણે તમને તેની સાથે જોડ્યા હતાં. તે એવી એક અભિનેત્રી હતી અને છે જેની જગા કોઈ ક્યારેય લઈ શકશે નહિ. તેને આ માટે થઈને આદર અને પ્રેમ આપો. એક કલાકારના જીવન પર પડદો ક્યારેય પડતો જ નથી કારણ તેઓ એ રૂપેરી પડદે સદાયે ઝળહળતા રહે છે.
            મારા માટે અત્યારે એક જ ચિંતાની વાત સૌથી વધુ મહત્વની છે અને એ છે કઈ રીતે મારી પુત્રીઓનું રક્ષણ કરવું અને શ્રી વગર જીવન આગળ ધપાવવાનો માર્ગ શોધવો. એ અમારું જીવન હતી, અમારી તાકાત હતી અને અમારા સદાયે ચમકતા સ્મિતનું કારણ હતી. અમે તેને અમાપ પ્રેમ કરીએ છીએ.
            મારા પ્રેમ, તને ચિર શાંતિ પ્રાપ્ત થાઓ... અમારું જીવન હવે ક્યારેય પહેલાં જેવું નહિ હોય...      
-         બોની કપૂર
શ્રીદેવી રુપેરી પડદાની રાણી હતી અને તેણે અનેક હિટ ફિલ્મોમાં પોતાના જાજરમાન અભિનય દ્વારા બોલિવુડમાં અને લાખો સિનેચાહકોનાં હ્રદયમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું જેમાં કોઈ બેમત નથી. શ્રીદેવીને આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો