Translate

ગુરુવાર, 27 એપ્રિલ, 2017

બાળકોની પ્રશ્નો પૂછવાની ટેવ

બાળકોને પ્રશ્નો પૂછ​વાની ટેવ હોય છે અને તેમની જીજ્ઞાસા વૃત્તિને આપણે આ પ્રશ્નોના આવડે એવા જ​વાબ આપી પોષ​વી જોઇએ.એક અભ્યાસ મુજબ બાળકો દિવસના ૩૦૦ થી ૪૦૦ પ્રશ્નો પૂછે છે અને ઉંમર વધતા આ પ્રમાણ ઘટતું જાય છે.
બાળકો ક્યારેય જજમેન્ટલ નથી હોતા તેથી તેઓ તમે પ્રશ્નનો કેવો ઉત્તર આપ્યો એનું વિશ્લેષણ કર​વા નહિ બેસે પણ જો તમે તેમણે પૂછેલા પ્રશ્નોને દાબી દેવા પ્રયત્ન કર્યો અને તેઓ પ્રશ્નો પૂછ​વાનું જ બંધ કરી દેશે તો તેમના વ્યક્તિત્વનો વિકાસ અટકી જશે.તેમને પ્રશ્નો પૂછ​વા ઉત્તેજન આપો,પ્રેરો. કદાચ તમને કોઈ પ્રશ્નનો જ​વાબ ન ખબર હોય કે કોઈ પ્રશ્ન અનુચિત હોય તો પ્રેમ થી તેને કહો કે તમે એ પ્રશ્ન નો ઉત્તર થોડા સમય બાદ આપશો અથ​વા શા માટે તમે એ પ્રશ્નનો ઉત્તર તરત આપી રહ્યા નથી. પછી એ પ્રશ્નના ઉત્તર અંગે સંશોધન કરો, વિચારો અને જ​વાબ મળી જાય ત્યારે સામેથી બાળકને બોલાવી એ અંગે ચર્ચા કરો,તેને માહિતગાર કરો.પણ બાળકોને પ્રશ્ન પૂછતા ક્યારેય રોકશો નહિ.પૂછતા નર જ પંડિત બની શકે એમ અમસ્તુ જ થોડું કહેવાયું હશે?
મારી સાડા છ વર્ષની પુત્રી નમ્યાએ થોડા દિવસ પહેલા પ્રશ્ન પૂછ્યો ,"પપ્પા,ભગ​વાનની મૂર્તિ કેમ હોય્?" થોડો વિચાર કરી મેં જ​વાબ આપ્યો કે ભગ​વાન હ​વા જેવા છે, તે દેખાતા નથી.પણ આપણે તેમની પ્રાર્થના કરીએ ત્યારે આપણને જીવ​વા માટે જરૂરી શક્તિ મળી રહે. હ​વે એમના કોઈ આકાર કે આકૃતિ વગર આપણે તેમની પ્રાર્થના ક​ઈ રીતે કરી શકીએ? આપણને ધ્યાન ધર​વા,કોન્સનટ્રેટ કરી શકીએ એટલે માણસે ભગ​વાનની મૂર્તિ બનાવી જેથી આપણે તેને સામી રાખી પ્રાર્થના કરી શકીએ. આનાથી વધુ સારો ઉત્તર મને સૂઝ્યો નહિ.
થોડા દિવસ રહી તેણે ફરી એક ન​વો પ્રશ્ન કર્યો,"પપ્પા, ભગ​વાન માણસ તરીકે કેમ નથી જન્મતા?" મેં ફરી થોડો વિચાર કરી એને જ​વાબ આપ્યો," બેટા રામ્, કૃષ્ણ બધા ભગ​વાન ઘણાં વર્ષો પહેલા માણસ તરીકે જ જન્મ્યા હતાં.એ તેમના સદગુણો અને સત્કર્મો ને લીધે ભગ​વાન બની ગયા અને આજે પણ આપણે તેમને પૂજીએ છીએ. રામ પણ માતાની આજ્ઞા શિરે ચડાવી ચૌદ વર્ષ વનમાં રહેવા ગયા હતા. તેમણે પણ સામાન્ય માણસ સહન કરે છે તેવા અનેક દુખો સહન કર્યા હતા. તેમનું તથા કૃષ્ણનું પણ માણસની જેમ મૃત્યુ થયું હતું."
ક્યારેક બાળકોના પ્રશ્નો ક્ષોભજનક અને મૂંઝ​વી નાખનારા પણ હોય! મારો ચાર મહિનાનો દીકરો હિતાર્થ જન્મ્યો ત્યારે નમ્યાએ પૂછ્યું ,"પપ્પા ભાઈ મમ્મી ના પેટમાં હતો ને? ત્યાંથી એ બહાર કેવી રીતે આવ્યો?" મેં પ્રેમથી સમજાવતા કહ્યું ,"બેટા ડોક્ટર અંકલ ઓપરેશન કરી ભ​ઈલુને મમ્મીના પેટમાં થી બહાર લ​ઈ આવ્યા. તું મોટી થ​ઈ જ​ઈશ એટલે તને વધારે માહિતી સમજાશે." સારું થયું એણે એવો પ્રશ્ન ન કર્યો કે ભ​ઈલુ મમ્મીના પેટમાં ગયો ક્યાંથી?!
ક્યારેક નાનકડી નમ્યા ભારેખમ પ્રશ્નો પણ પૂછી બેસે જેમકે લગ્ન શા માટે કર​વા પડે? લગ્ન પછી છોકરીએ શા માટે પોતાનું ઘર છોડીને પતિના ઘેર જ​વું પડે?

તો ક્યારેક તેના પ્રશ્નો સામાન્ય જ્ઞાનને લગતા પણ હોય્. આવા પ્રશ્નોના જ​વાબ ખબર હોય તો તરત આપી દ​ઉ. ન ખબર હોય તો ગૂગલ બાબા ઝિંદાબાદ! ક્યારેક કોઈક ખાસ ક્ષેત્ર​ને લગતો પ્રશ્ન હોય તો તે ક્ષેત્રના નિષ્ણાતની મદદ તરત ફોન દ્વારા લ​ઈ તેનો ઉકેલ શોધ​વા પ્રયત્ન કરું.ઘણી વાર તો એ સામે થી કહે ," મરાઠી શબ્દ નો અર્થ શોધ​વો છે તો પપ્પા હ​વે અજય કાકાને ફોન કરશે! (અજય મારો મહારાષ્ટ્રીયન મિત્ર છે) " એક સારી બાબત એ છે કે તે પણ પ્રશ્નોનો ઉકેલ શોધ​વા વિકલ્પો વાપર​વાનો પ્રયત્ન કરતા શિખશે અને પ્રશ્નને વણઉકેલ્યો છોડી નહિ દે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો