Translate

રવિવાર, 17 જાન્યુઆરી, 2016

એક કેન્સર સર્વાઈવરની પ્રેરણાગાથા

આજે ૭૩ વર્ષના એક જીવનથી સભર નારીની વાત કરવી છે જેમણે મૃત્યુ ને માત આપી છે.ખરેખર તેઓ કેન્સર જેવા મહાવ્યાધિને  હાથતાળી આપી જીવનની બીજી ઇનિંગ્સ શરૂ કરવામાં સફળ રહ્યા છે કે તેમના શબ્દોમાં કહીએ તો સદભાગી બન્યા છે. તેઓ અતિ નમ્ર અને શરમાળ પ્રકૃતિના હોઈ તેમણે પોતાની ખરી ઓળખ છતી કરવાની શરતે મને તેમના વિષે લખી કટારમાં છાપવાની મંજૂરી આપી છે!
ગુજરાતમાં જનમ્યા હોવા છતાં પરણ્યા બાદ તેમણે વિદેશમાં વસવાટ કર્યો છે.લગ્ન બાદ જર્મની,કેનેડા અને અમેરિકા ત્રણ જગાઓએ તેમણે મોટા ભાગનું જીવન વિતાવ્યું છે.તેમના માતા-પિતાની પણ રસપ્રદ વાતો કોઈ ફિલ્મની સ્ટોરી જેવી લાગે.પણ પ્રેરણાદાયી જીવન જીવનારા માતા-પિતાએ કદાચ તેમને સંઘર્ષમય અને સફળ જીવન જીવતા શિખવ્યા છે એમ કહી શકાય.એક સામાન્ય કારકૂનમાંથી શિક્ષક અને ત્યાર બાદ ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ સુધી સ્વબળે અને લાયકાતના આધારે પહોંચેલા તેમના પિતાએ તેમની વહાલી દિકરીના જીવનઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો.તેમની બદલીઓ પણ ઘણી જુદી જુદી જગાઓએ થઈ હોવાથી તેમના પરીવાર સાથે ઘાટ ઘાટના પાણી પી તેમની દિકરી ઘડાઈ ગઈ.
તે સમયે મેટ્રીકની પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ વિજ્ઞાન વિષય સાથે અગિયારમાં ધોરણમાં હતા અને તેમના પગ પરથી ખટારો ચાલી ગયો અને અકસ્માતને કારણે તેમના બે વર્ષ બગડ્યા અને તેઓ જાણે ડીપ્રેશનની ગર્તામાં ધકેલાઈ ગયા.પરંતુ તેમના પિતાએ તેમને હિંમત આપી અને આર્ટ્સ શાખામાં તેમનું ગ્રેડ્યુએશન પુરું કરાવ્યું.
સંસ્કૃત વિષય સાથે બી.. કરતે વેળાએ છેલ્લા વર્ષમાં હતા અને તેમના લગ્ન પણ થઈ ગયાં.લગ્ન બાદ તેઓ પતિ સાથે જર્મની શિફ્ટ થઈ ગયા.તેમના પતિએ જર્મનીમાંથી પી.એચ.ડી. ની ડીગ્રી મેળવી અને તેઓ રીસર્ચ ક્ષેત્રે આગળ વધ્યા.તેમણે પત્નીને પણ સતત શિખતા રહી જીવનમાં આગળ વધતા રહેવા પ્રોત્સાહન આપ્યું. જર્મનીમાં ત્રણ વષ રહ્યા બાદ કેનેડામાં તેમણે બીજા બે વર્ષ ગાળ્યાં અને પછી તેઓ અમેરિકા સ્થાયી થયા.ત્યાં તેમણે અકાઉન્ટીંગ અને પ્રોગ્રામીંગ શિખ્યું અને અકાઉન્ટીંગ ક્ષેત્રે નોકરી મેળવી.
તેમને એક દિકરો અને એક દિકરી.જેઓ બંને હાલમાં અમેરિકામાં વેલ-સેટલ્ડ છે અને સ્વતંત્ર રહે છે તેમજ સારી પોસ્ટ્સ પર પોતપોતાનો સ્વતંત્ર વ્યવસાય-કારકિર્દી ધરાવે છે.
તેમનું જીવન ૧૯૯૯ સુધી તો બરાબર ચાલ્યું પણ અઠ્ઠાવન અર્ષની ઉંમરે તેઓ દાંતના સામાન્ય દુખાવાની ફરીયાદને લઈ ડેન્ટીસ્ટ પાસે ગયા અને તેમને રૂટ કેનલ કરાવવાની સલાહ આપવામાં આવી જેના થોડાં મહીનામાં સમસ્યા વકરી અને કદાચ રૂટ કેનલ કરતી વેળાએ કોઈક ગડબડ થઈ જેના કારણે તેમને મોઢાનું કેન્સર થઈ ગયું. ભારે તમાકુ ખાતા પુરુષોમાં જોવા મળે એવા ભયંકર મોઢાના કેન્સરે તેમના પર કબજો જમાવ્યો પણ તરત નિદાન થઈ જતાં મહિનામાં તો તેમની પ્રથમ સર્જરી થઈ જેમાં પગનું હાડકું કાઢી તેમાંથી દ્રવ્ય બનાવી તેમનાં મોઢામાં મૂક્વામાં આવ્યું. પછી તો રેડિયેશન અને અન્ય નાની મોટી શસ્ત્રક્રીયાઓ જાણે તેમના જીવનનો ભાગ બની ગઈ. ગળામાં કાણું પાડ્યું હતું અને ખોરાક પણ માત્ર પ્રવાહી રૂપે અપાતો.ઘરે દવાખાનું બનાવી દીધું હતું જેથી તેમના પતિ અને સંતાનોને હોસ્પિટલોમાં ધક્કા ખાઈ પરેશાન થવું પડે. ઘરનાં બધાં ઢીલા પડી જતાં ત્યારે પણ તેઓ અદભૂત સ્ટ્રેન્થ દાખવતાં અને પ્રથમ સર્જરી બાદ -આઠ મહિનામાં તો તેઓ ફરી હરતા-ફરતા થઈ ગયાં.
પ્રથમ મોટી શસ્ત્ર ક્રીયા બાદ તેઓ હોસ્પિટલમાં આરામ કરી રહ્યા હતા ત્યારે એક દિવસ અચાનક તેમને અલૌકિક અનુભવ થયો.તેઓ જાણે ઉંડી નિદ્રામાં સરી પડ્યા અને બાદમાં સહન થઈ શકે એટલો તીવ્ર પ્રકાશ તેમને ઝળહળતો દ્રષ્યમાન થયો.તેમને પોતાના પ્રિય એવા ઠાકોરજી પણ દેખાયા ત્યાર બાદ ફરી તેઓ જાણે કોઈ ઉંડા કૂવા કે વાવમાં ધકેલાઈ ગયા હોય તેવો અનુભવ તેમને થયો.બે-ત્રણ મિનિટના અપૂર્વ-અસામાન્ય અનુભવ પછી તેઓ જાગૃત થયાં ત્યારે જાણે સઘળું ભાન ભૂલી ગયા હતા - તેઓ ક્યાં છે - શું કરી રહ્યા છે? વગેરે.
અનુભવ યાદ કરે છે ત્યારે તેઓ ઇશ્વર પ્રત્યે ઉંડા આભારની લાગણી વ્યક્ત કરે છે અને કહે છે કે તેમને નવજીવન મળ્યું તે માત્ર અને માત્ર ઇશ્વરને આભારી છે.તેમના ગુરુ મા સર્વેશ્વરીમામાં પણ તેઓ અપાર શ્રદ્ધા ધરાવે છે અને તેમના આશિર્વાદ વગર તેઓ જીવી શક્યા હોત નહિ એમ ચોક્કસ પણે માને છે. અંબાજી ખાતે આશ્રમ ધરાવતાં ગુરુ યોગેશ્વર અને ગુરુમા સર્વેશ્વરી સાથે તેમનું આધ્યાત્મિક જોડાણ આજપર્યંત તેમને જીવવાનું બળ પૂરું પાડે છે.તેમની પહેલી સર્જરી વેળાએ આશિર્વાદના ફૂલોનો બુકે ગુરુમાનો માણસ શસ્ત્રક્રિયાને દિવસે ૫૦ માઈલનું અંતર કાપી પહોંચાડી ગયો ઘટનાને તેઓ આજે પણ યાદ કરે છે ત્યારે અહોભાવ અને અનેરી ચમકથી તેમની આંખો છલકાઈ જાય છે.
આસિત દેસાઈના સ્વરમાં ગવાયેલા તેમના ગુરુમાના ભજનો તેઓ આઈપોડમાં અહિ ભારત આવ્યાં ત્યારે પણ સાથે લઈ આવ્યા છે અને રોજ સાંભળે છે! જીવન જીવવાનો તેમનો જુસ્સો અને જિંદાદિલી કોઈ યુવાનને પણ શરમાવે તેવા છે. તેમના યજમાન અને મારી બહેન જ્યારે તેમને અહિ મુંબઈમાં સિદ્ધીવિનાયક,મહાલક્ષ્મી અને બાબુલનાથ મંદીરોમાં દર્શન કરવા લઈ ગયાં ત્યારે ચિંતા અને કાળજીથી તેઓ પાછળ ચાલતા હતા પણ આપણાં આજના બ્લોગનો હીરો કે હીરોઈન જે કહો !- ચાર ડગલાં આગળ! વાત કરતી વેળાએ કે કોઈ પણ ક્રીયા કરતે વખતે તેમનામાં ઉત્સાહ અને ઉર્જા છલકાતાં નજરે પડે.પહેલી ભારે સર્જરી બાદ બીજી મોટી સર્જરી વખતે હાથમાંથી હાડકું કાઢી તેનું પૂરણ મોઢામાં ભરવાની જરૂર પડી અને પછી પણ ઘણી વાર હાડકામાં ચેપ કે અન્ય સમસ્યાઓને કારણે ઘણી નાનીમોટી બીજી શસ્ત્ર ક્રિયાઓ કરવી પડી પણ તેઓ મજબૂત મન ધરાવે છે અને આજે પણ અચૂક ૨૫૧ સરળ સૂર્યનમસ્કાર કરે છે.
તેમના માતાને જૈફ વયે બ્રેઇન હેમરેજ થતાં તેમની ચાકરી પણ તેમણે કરી અને ૮૭ વર્ષની વયે ૨૦૦૬ કે ૭માં માતા મૃત્યુ પામ્યા ત્યાં સુધી જીવનના છેલ્લા દિવસો તેમણે પોતાની આ કેન્સર સર્વાઈવર દિકરી સાથે વિતાવ્યાં. ૨૦૦૨માં તેમના સપોર્ટ સિસ્ટમ સમાન તેમના પતિનું મૃત્યુ થયું ત્યારે તેઓ ફરી વાર ડીપ્રેશનમાં સરી પડ્યા અને એકાદ પ્રસંગે તો દિવાસળી સળગાવી તેઓ આત્મહત્યા કરવાની તૈયારીમાં હતાં પણ ભગવાનની તેમના પર કૃપા છે અને ઇચ્છે છે કે તેઓ જીવે આથી તેઓ આજે પણ બાળક જેવી સ્ફૂર્તિ અને જીજીવિષા ધરાવે છે.
અમેરિકામાં પોતે એકલા રહે છે અને પોતાનું બધું કામ પણ જાતે કરે છે.દીકરો પાસે રહે છે એટલે એના ઘેર અઠવાડીયે એકાદ વાર ચક્કર મારી આવી પોતાના વહાલા પૌત્રપૌત્રીને મળી આવે છે અને દિકરી ૨૦૦૦ માઈલ જેટલી દૂર રહેતી હોવાથી તેને વર્ષમાં એકાદ વાર મળે છે.મોકો મળે ત્યારે ભારત આવવાની તક પણ ચૂકતા નથી અને વડોદરામાં હાલમાં તેમનો બંગલો વેચાઈ જાય પછી હાર્મોનિયમ શિખવાની ઇચ્છા ધરાવે છે. આઈપોડ પર તેમનાં પરીવારના ફોટા-વિડીઓ વગેરે ફેસબુક પર બતાવે છે અને હું મનોમન ઇચ્છું છું કે કોફી અને મીઠાઈના શોખીન એવા મન થી નવયુવાન આ મળવા જેવા મહોદયાની હકારાત્મ્કતા,જિંદાદિલી અને બધાં સદગુણો તેઓ જ્યાં જાય ત્યાં પ્રસરે!


1 ટિપ્પણી:

  1. કેન્સર સર્વાઈવરનો બ્લોગ ખુબ સારો-પ્રેરણાદાયી રહ્યો.

    જવાબ આપોકાઢી નાખો