એડવેન્ચર એટલે સાહસ. પ્રવાસમાં જો સાહસ પણ ભળે તો મારા જેવા પ્રવાસપ્રેમી
અને સાથે જ સાહસપ્રેમી માટે તો જાણે સોનામાં સુગંધ ભળે! ગત સપ્તાહે ઓફિસની પિકનિકમાં લોનાવાલા નજીક આવેલા એડવેન્ચર પાર્ક 'ડેલા એડવેન્ચર્સ' પરીવાર સાથે ગયો અને આ અનુભવ માણ્યો તેની વાત આજે આ બ્લોગ થકી તમારા સૌ સાથે શેર કરીશ.
જગાનું લોકેશનતો ખુશનુમા ખરું જ પણ કેટલીક એડવેન્ચર રાઈડ્સ ખુબ રોમાંચક અને મજેદાર છે. પાર્કમાં પ્રવેશતા વેત કેટલીક રાઈડ્સ તમને આમંત્રે. પહેલી જ રાઈડ એટલે 'નોક આઉટ' રાઈડ. તેમાં હવા ભરેલ મોટા ગોળાકાર રકાબી જેવા સાધનમાં તમારે વધુમાં વધુ કુલ આઠ જણે ચોક્કસ જગા ઉપર ઉભા રહી જવાનું. આ વર્તુળાકારે ફરતી રકાબી પર બે મોટી ભુજાઓ ગોળાકારે જ ફર્યા કરે. તમારે એનાથી બચવાનું!એક ભુજા નીચી ઉંચાઈએ આવેલી એટલે એનાથી બચવા કૂદકા મારવાના અને એક ભુજા ઉંચી એટલે એનાથી બચવા વાંકા વળી જવાનું કે નીચા નમી જવાનું.બંને ભુજાઓ સતત ગોળાકાર ફર્યા જ કરે એટલે તમારે તેમનાથી બચતા સતત કૂદતા અને વાંકા વળતા કે પડતા રહેવાનું.પાંચેક મિનિટના તમને 'નોક આઉટ' કરી દેનારી આ રાઈડના સમય દરમ્યાન તમે જેના ઉપર કૂદતા કે પડતા હોવ એ રકાબીની ઝડપ પણ ઓછી-વત્તી થયા કરે એટલે વધુ મજા આવે!
આગળ વધો એટલે માર્ગમાં બાળપણમાં એક પગે ચલાવતા એવી ત્રણ પૈડા વાળી સાઈકલ ચલાવતા અન્ય પ્રવાસીઓ સામા મળે! નોક આઉટની સામે ભૂરાંટીયા થયેલા આખલાની એક જણ બેસી શકે એવી રાઈડ!એના પર બેસી તમારે આખલાના શિંગડા કે પીઠ પર લગાડેલું દોરડું પકડવાનું અને પછી આખલો ગોળગોળ પૂરઝડપે ફરવા માંડે,ઉંચો નીચો અને આઘોપાછો પણ થાય અને એ તમને નીચા પાડીને જ ઝંપે!કોઈ માઈનો લાલ નહિ જન્મ્યો હોય જે આ આખલા પર એકાદ મિનિટથી વધુ બેસી શકે!ગમે એટલું બેલેન્સ જાળવવાની કોશિશ કરો તોયે એ તમને થોડી જ ક્ષણોમાં ભોંયભેગા કરી દે!
થોડી ઘણી બાળકોની રાઈડ્સ ખરી

પણ આ પાર્કમાં બધી રાઈડ્સ તમારે માણવી હોય તો બાળકોને ઘેર મૂકી આવવામાં જ સાર છે.તમારું જોડીદાર પણ જો સાહસપ્રેમી હોય તો તેની સાથે તમે અહિ ભરપૂર મજા માણી શકો નહિતર તેને પણ ઘેર મૂકી સાહસપ્રેમી મિત્રો સાથે આવવાનું સૂચન છે!



અમે સહિયારી માણેલી પહેલી રાઈડ હતી ઝોર્બીંગ.અહિ એક મોટા હવા ભરેલા પારદર્શક દડામાં વચ્ચે પોલાણમાં તમારે બે જણે સામસામા હાથ-પગ ચુસ્ત બાંધી બેસી જવાનું અને પછી એ ગોળાને ટેકરી પરથી ચોક્કસ નિયત કરેલ ઘાસ-આચ્છાદિત માર્ગ પર નીચે ગબડાવી દેવામાં આવે! તમે પણ નીચે દડતા ગોળા સાથે ગોળગોળ ફરતા ફરતા,ઉંધા-ચત્તા થઈ જઈ,પારદર્શક દડામાંથી ઘડીક પ્રુથ્વી તો ઘડીક આકાશનું દર્શન કરતા કરતા થોડી જ સેક્ન્ડ્સમાં તો નીચે પણ આવી જાવ!પણ સામે વાળા જોડીદારનાં ચહેરાના હાવભાવ અને તમારી અને તેની ચિચિયારીઓ આ અનુભવને ચોક્કસ અવિસ્મરણીય બનાવી દેશે!બસ ડરવાનું નહિ!અને મારે એન્જોય કરવું છે એવા અભિગમ સાથે જવાનું તો ચોક્કસ મજા આવશે! આ રાઈડમાં અમુક ચોક્કસ વજનથી વધુ ભારે શરીર ધરાવતી વ્યક્તિઓ કે બ્લડપ્રેશર કે ગરદન-પીઠની તકલીફ ધરાવતી વ્યક્તિઓને પ્રવેશ અપાતો નથી.પણ મારા મતે તો આ રાઈડ દરેકે ડરતાં ડરતાં પણ એન્જોય કરવી જ જોઇએ!
મેં ડેલા એડવેન્ચરની મુલાકાત બે વાર લીધી છે.પહેલી વાર અપરિણીત હતો ત્યારે, અમુક વર્ષ પહેલા ગયો હતો તે સમયે ઝોર્બીંગની મજા ભરપૂર માણી હતી.પણ આ વખતે અમી સાથે હતી અને ઝોર્બીંગ બોલમાં તેના ડરી ગયેલા મુખ પરના હાવભાવ જોઈ એટલી બધી ચિંતા થઈ આવી કે હું પણ એ થોડી જ ક્ષણો નો આનંદ માણવાનું ચૂકી ગયો.
અન્ય એક રાઈડમાં ચાર જણ એકબીજા સામે બેસી પૂરેપૂરા બંધાઈ જાય અને પછી આ ગોળાકાર રાઈડ પોતાના નામ મુજબ તેમને ૩૬૦ ડીગ્રી અર્થાત બધી દિશામાં ફેરવે!
એક જ જગાએ બેઠાબેઠા રાઈડ ગોળ-ગોળ ઘૂમી તમને ઉંધા-ચત્તા-આડા-અવળા બધી દિશામાં ફેરવી કાઢે!એક સમયે તો તમે જ્યારે પૂરેપૂરા ઉંધી સ્થિતીમાં હોવ એટલે કે માથું નીચે અને પગ ઉપર ત્યારે થોડી ક્ષણો માટે રાઈડ સ્થિર પણ થઈ જાય!પણ ખરી મજા એમાં ઘૂમતા રહી ચીસો પાડવામાં આવે! આ રાઈડની મજા મેં એકલાએ અન્ય ત્રણ મિત્રો સાથે માણી.

આ પાર્કનું અતિ લોકપ્રિય આકર્ષણ છે અહિનું 'રોકેટ ઇજેક્ટર'. તમારે બંને હાથ ઉંચા કરી ઉપરથી બંધાયેલા દોરડા પકડી સુરક્ષા કવચસમો પટ્ટો પહેરી ઉભા રહી જવાનું રોકેટ ઇજેક્ટરની મધ્યમાં અને ત્યાર બાદ જેવી એક ચાંપ દબાવવામાં આવે કે તમે સીધા આકાશભણી સાડાચાર માળના મકાન જેટલી ઉંચાઈએ રોકેટ જેવી ગતિથી ફેંકાઈ જાવ! નબળા-પોચાનું કે પીઠ-ગળાની સમસ્યા ધરાવતા લોકોનું અહિં કામ નહિ! ઉપર ફેંકાયા બાદ પાછો રોમાંચ અને સાહસનો તેમાં જ અંત ન આવે,તમારું શરીર કઈ રીતે ઉપર ફંગોળાયું છે તેના અને તમારા કદ,વજન વગેરે ને આધારે તમે આખે આખા ગોળ ફરી જાવ! હવામાં ગુલાંટી! આને સોમર-સોલ્ટ કહેવાય છે. ફરી નીચે આવો અને ફરી પાછા ઉપર, સીધા કે ગોળ ગોળ ગુલાંટી મારી ફરતા ફરતા! ટપ્પી પડતા ઉછળતા દડાની જેમ તમે ચાર-પાંચ વાર ઉપર-નીચે ફંગોળાવ ત્યાર બાદ તમને નીચે ઉતારવામાં આવે!જે આ રાઈડની મજા (કે સજા!) માણી રહ્યું હોય તેના ચહેરાના હાવભાવ જોવાની મજા પડે!
મેં તો આ રાઈડ એન્જોય કરી!પણ મારી પત્ની અમી ડરતા ડરતા મારા આગ્રહને વશ થઈ ગઈ તો ખરા રોકેટ જેવી ગતિએ ઇજેક્ટ થવા પણ બે-ત્રણ સોમરસોલ્ટ અનુભવી નીચે આવી ત્યારે પછી આગળ એક પણ રાઈડ એન્જોય કરવાની તેણે મનાઈ ફરમાવી દીધી!
અમીએ તો માત્ર બે જ રાઈડ્સ માણી.પણ મેં અન્ય ત્રણેક રાઈડ્સ પણ એન્જોય કરી જેની ચર્ચા કર્યા વગર આ બ્લોગ પૂરો ન થઈ શકે!
ફ્લાઈંગ ફોક્સ નામની રાઈડની મજા અદભૂત છે.ખાસ્સી ઉંચાઈએથી દોરડા પર લટકતા લટકતા આકાશમાંથી નીચેનો - પાર્કનો બર્ડ-આઈ-વ્યુ માણતા માણતા સરકવાનો અનુભવ અવિસ્મરણીય અને મનભાવન ન બને રહે તો જ નવાઈ!
સૌથી વધુ રોમાંચક એવી અન્ય એક આકર્ષક રાઈડ એટલે સ્વૂપ-સ્વીંગ. ૧૦૦ ફૂટ ઉંચાઈએ તમને બે કે ત્રણ જણને કોથળામાં સૂવાડી ઉપર લઈ જવામાં આવે અને પછી ત્યાંથી તમે જ એક ચાંપ દાબો એટલે સો ફૂટથી તમે સીધા નીચે ફેંકાવ!લોલકની જેમ આ ઝૂલે ચાર-પાંચ વાર ફંગોળાતા તમે પક્ષી હોવ એવો અનુભવ થાય!મને ખુબ મજા પડી આ રાઈડમાં!હજારેક રૂપિયા ચૂકવીને પણ થોડી જ ક્ષણો માણવા મળે એવી આ રાઈડ તેના થકી અનુભવાતા એડર્નલાઈન રશ-રોમાંચને લીધે એકાદ વાર તો માણવા જેવી ખરી જ!

ઝૂલો ખાતા ખાતા તમારા હાથમાં એક સેલ્ફી સ્ટીક પકડાવવામાં આવે જેમાં કેમેરો ભરાવેલો હોય એટલે તમારો આખો અનુભવ અને ચહેરાનાં હાવભાવ કચકડામાં ઝીલાઈ જાય.પાંચસો રૂપિયા બીજા ચૂકવી એ વિડીઓ તમે ખરીદી શકો અને તમારી આ અદભૂત ક્ષણો મિત્રો અને અન્યો સાથે શેર કરી શકો!મારા અનુભવની વિડીઓ લિન્ક તમે આ બ્લોગની વેબસાઈટ પર જોઈ શકશો!
Della Swoop Video Link - https://www.youtube.com/ watch?v=5offoio_yJg
એવું સાંભળ્યું કે આ પ્રકારની આટલી ઉંચી સ્વૂપ-સ્વીંગ રાઈડ દુનિયામાં બે જ જગાએ છે - એક ન્યુઝીલેન્ડમાં અને બીજી ભારતમાં ડેલા એડવેન્ચર પાર્કમાં!
આ સિવાય પણ ડેલા પાર્કમાં ઘણી ઇન્ડોર્સ ગેમ્સ અને બીજું ઘણું છે જેમકે તીરંદાજી,માટી વાળા ઉબડખાબડ ખાસ તૈયાર કરેલ ટ્રેક પર બાઈક અને ખાસ પ્રકારની ગાડીઓ ફેરવવાની મજા,ગન-શૂટીંગ. સાઈક્લીંગ 
પણ કરી શકો અને ઘોડે સવારી પણ! ગોલ્ફ પણ રમી શકો અને અલગ અલગ જાતનાં કૂતરાઓને થોડા સમય માટે ફરવા લઈ જવાની મજા પણ માણી શકો!
હાઈ-રોપ એક્ટીવીટી,લો-રોપ એક્ટીવીટી વગેરે અનેક રાઈડ્સ-એક્ટીવીટી
ની ભરપૂર મજા માણવા એક દિવસ ઓછો પડે પણ અહિ રાત રોકાવાની પણ વ્યવસ્થા છે ખરી.થોડી મોંઘી એવી ત્રણ ચાર રીસોર્ટ અને ચાર-પાંચ ખાવાપીવાની હોટલ્સ અહિ ડેલા પાર્કમાં મોજૂદ છે. પણ ડેલા એડવેન્ચર પાર્ક એન્જોય કરવા જરૂર છે ઘણી બધી હિંમત, ઉત્સાહ, જોમ અને સાહસની! કાચા-પોચાનું અહિ કામ નહિ!



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો