Translate

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2015

ગણપતિપુલેની મજેદાર સફર (ભાગ - ર)


 

 
બસની બારીમાંથી થઈ રહેલું એ ઘૂઘવતા વિશાળ સમુદ્રનું સુંદર દર્શન મનને અનેરી તાજગી અને શાંતિથી ભરી દેનારું હતું.ગણપતિપુલે ગામ આવ્યું એટલે અમે ઉતર્યાં અને ત્યાંથી અડધો-એક કિલોમીટર ચાલી એમ.ટી.ડી.સી.(મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન) રીસોર્ટ પહોંચી ગયાં.ત્યાં રહેવા માટે મેં બે દિવસ - બે રાતનું બુકીંગ ઓનલાઈન અગાઉ થી જ કરી રાખ્યું હતું.અહિની હવામાં ભીનાશ સાથે કંઈક અનોખી તાજગી હતી જે સ્ફૂર્તિ અને ખુશીનો અનુભવ કરાવતી હતી.એમ.ટી.ડી.સી. ની આ રીસોર્ટનું પરિસર અતિ સુંદર હતું.મોટા ભાગની રૂમ એ રીતે બાંધેલી કે જેમાં એક તરફનું બારણું ખોલતા જ સામે સમુદ્રનું દર્શન થાય.રીસોર્ટના પ્રવેશ દ્વારની સામે જ અહિના અતિ પ્રસિદ્ધ સુંદર ભવ્ય પ્રાચીન ગણપતિપુલેના સ્વયંભૂ ગણપતિ મંદિરનું પ્રવેશદ્વાર.તમારે જેટલી વાર મંદિરમાં જવું હોય એટલી વાર વિચાર કર્યા વગર પહોંચી જઈ શકો.અને જો આરામ થી રેતીમાં આળોટવાની ઇચ્છા હોય કે સમુદ્રમાં નહાવાની તો રીસોર્ટના રૂમમાંથી પણ સીધા ત્યાં પહોંચી જઈ શકો.

મંદિર આમ તો જૂનું હશે પણ તેનો જીર્ણોદ્ધાર કે નવીનીકરણ થયાં હોવા જોઇએ. લાલ પત્થરોનું બનેલું મંદીર ઘૂઘવતા સમુદ્રને કાંઠે ખુબ ભવ્ય અને સુંદર ભાસે. મંદીરની બંને બાજુએ પાંચ-પાંચ દીપકસ્તંભોની  હાર તેની છબીને ઓર વધુ સુંદર બનાવે. મંદીરની ફરતે એક કિલોમીટર લાંબો પત્થરોની લાદીનો બનેલો પ્રદક્ષિણા માર્ગ જે એક બાજુએ પાળી દ્વારા આસપાસનાં માર્ગથી જુદો પડે અને તેની બીજી બાજુએ લીલાછમ વ્રુક્શોની વનરાજી. માર્ગ ખાસ્સો લાંબો એટલે એમાં વચ્ચે નાનકડા અન્ય મંદીર પણ આવે અને માર્ગના મંદીર તરફના બીજા છેવાડે નાનકડી વાવ અને દરીયો પણ આવી જાય. ચાલવાનો જેમને મહાવરો હોય અને આનંદ આવતો હોય એને પ્રદક્ષિણા માર્ગ પર પ્રભુનું સ્મરણ કરતાં કરતાં આસપાસનાં દ્રષ્ય જોતાં જોતાં ચાલવાની મજા પડે. મેં મારા નિવાસ દરમ્યાન રોજ એક વાર પ્રદક્ષિણા કરી, ચાલવાની અને દરમ્યાન કુદરત સાથે અનુસંધાન સાધવાની મજા માણી. માર્ગ પર એક આબેહૂબ સળી જેવું   દેખાતું  જીવડું જોયું, ભાસ્કર પક્ષીનો લાક્ષણિક અવાજ સાંભળ્યો, ગણપતિને ચડાવવા કેવડાના કાંટાળા પાન તોડ્યા, વચ્ચે માર્ગની સફાઈ કરતી મહિલાઓને નમ્યાના હાથે નાનકડી બક્ષિસ આપી તેમનાં મુખ પર સ્મિત નિહાળ્યું, એક છોડવા પર દરજીડા પંખી-યુગલની રમત  નિહાળી, વાવને  થોડી ક્ષણો ઉભા રહી નિહાળી અને વચ્ચે આવતાં અન્ય નાના મંદીરમાં થોડી ક્ષણો બેસી મેડીટેશન પણ કર્યું - બધું પ્રદક્ષિણા કરતાં કરતાં! મંદીરમાં ગણપતિની સ્વયંભૂ પ્રતિમા અન્ય જોવા મળતી સામાન્ય મૂર્તિઓ જેવી નહિ. પરંતુ પત્થરમાંથી ઉપસી આવેલ આકાર પર સિંદૂરનો લેપ અને અન્ય શણગાર જોવા મળે  અહિ ગણેશજીની પ્રતિમા પર. મંદીરની બહાર આવો એવો સામે દરીયો.ભરતી ટાણે દરીયાના મોજા પણ મંદીરમાં પ્રવેશી ગણેશજીના દર્શન કરવા ધસી આવતા હોય એવું લાગે!મંદીરના પ્રાંગણમાં ભોજનશાળામાં બધાં ભક્તોને સ્વાદિષ્ટ ખિચડી અને અથાણા સાથે લાડવાના ચૂરમાનો પ્રસાદ પિરસાય.અન્ય પવિત્ર ધામો-મંદીરો કે જાત્રા સ્થળોએ જોવા મળતી ભીડ અમને જરાય નડી વાતનો પણ આનંદ હતો ઓફ - સિઝનમાં પ્રવાસ કરવાનો એક મોટો ફાયદો!








2 ટિપ્પણીઓ:

  1. ગણપતિપૂલે પ્રવાસનો તમારો બ્લોગ વાંચીને ત્યાં રૂબરૂ જ ઇ આવવા જેટલો આનંદ મળ્યો.
    - રસીલા બોસમીયા

    જવાબ આપોકાઢી નાખો
  2. ગણપતિપૂલેનો લેખ : એક સુંદર શબ્દચિત્ર
    - જયસિંહ સંપટ

    જવાબ આપોકાઢી નાખો