Translate

મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2015

ગણપતિપુલેની મજેદાર સફર (ભાગ - ૧)


વાચકમિત્રો, ગણેશ ઉત્સવ નજીકમાં છે ત્યારે એક વિનંતી વેળાસર કરવાની કે જો તમે ઘેર ગણપતિબાપાની પધરામણી કરાવવાના હોવ તો બને એટલી ઇકોફ્રેન્ડલી રીતે ઉત્સવ મનાવજો.ગણેશની મૂર્તિથી માંડી સુશોભનની વસ્તુઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે એવી વાપરી શકાય. વખતે તો માછલીઓ ખાઈ શકે એવા પદાર્થમાંથી બનતી ગણેશની મૂર્તિ પણ બજારમાં મળશે એવું વાંચવામાં આવ્યું છે.ગણેશ વિસર્જન પણ ઇકોફ્રેન્ડલી રીતે કરી શકાય.આમ કરી ગણપતિ બાપ્પાનાં આશિર્વાદ તો મેળવશો અને સાથે સાથે જવાબદાર નાગરિક તરીકે ફરજ બજાવી પર્યાવરણનાં જતન અને સંવર્ધનમાં તમારો ફાળો નોંધાવી અન્યો માટે ઉદાહરણરૂપ બની શકશો!ગણપતિ બાપ્પા મોર્યા!  

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ગણપતિ બાપ્પાની સવારી ટૂંક સમયમાં આવી રહી છે જેની ઉત્કંઠાપૂર્વક રાહ જોવાઈ રહી છે અને અત્યારે તેની ચર્ચા જોરશોરમાં છે ત્યારે  થોડા સમય અગા તેમના નામથી શરૂ થતા એક પર્યટનધામની મેં લીધેલી મુલાકાતનાં મીઠાં સંસ્મરણો ની યાદ તાજી થાય છે. આજનાં બ્લોગમાં સંસ્મરણો વાગોળવા છે. ધામ એટલે કોંકણના દરીયાકિનારે આવેલું પવિત્ર સુંદર શાંત રમણીય  - ગણપતિપુલે.

વર્ષમાં એક નાનો અને એક મોટો એમ બે પ્રવાસ સપરિવાર અચૂક ખેડવા એવું નક્કી કર્યુ છે! વર્ષનો નાનો પ્રવાસ જુલાઈ માસમાં ગણપતિપુલે જઈ ખેડ્યો.વરસાદનાં મોસમમાં જગાની મુલાકાત લેવાનો અનુભવ ખુબ મજેદાર રહ્યો.

મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં ત્રણ દિવસના પ્રવાસે પહેલી વાર જવાનું થયું.દાદરથી રાતની ટ્રેન પકડી સવારે રત્નાગિરી પહોંચ્યા.હું અમી અને નમ્યા ત્રણે રાતે બાર વાગે દાદર ટર્મિનસ પહોંચી ગયા જ્યાંથી ટ્રેન પકડવાની હતી.ગુજરાત તો ઘણી વાર ટ્રેનમાં જવાનું થાય પણ એક જુદી દિશામાં રેલવે પ્રવાસ કરવાનો નવો અનુભવ લેવા હું ઉત્સુક હતો.સહપ્રવાસીઓથી માંડી ટી.સી. બધાં બિન-ગુજરાતી, મોટે ભાગે મરાઠી. ભાષા ભલે અલગ હોય પણ આપણે બધાં ભારતીયો એક સામાન્ય સંસ્ક્રુતિ કે પરંપરાગત તંતુથી જોડાયેલા છીએ એવો અનુભવ થયો.અમારી સાથે એક કમ્પાર્ટમેન્ટમાં એક મરાઠી કુટુંબ (મા-બાપ અને તેમની યુવાન દિકરી) પ્રવાસ કરી રહ્યાં હતાં.થાણે થી તેમનાં પરીવારનો મોટો કાફલો જોડાયો અને તેમની સાથે પ્રવાસ કરવાની મજા આવી.ટીકીટ તપાસતી વખતે ટી.સી.ને તેમની સાથે મરાઠીમાં ગમ્મત કરતો જોવાની મજા પડી.સવારે સાડા- સાતે મારી આંખ ખુલી ગઇ.

બહાર મહારાષ્ટ્રનાં કોંકણ પટ્ટામાં આવેલા નાના નાના ગામ-સ્ટેશન્સ આવતાં જતાં હતાં.તે જોવાં હું ટ્રેનના દરવાજા પાસે ઉભો હતો.વરસાદ આછો આછો પડી રહ્યો હતો.લીલોતરી ભર્યાં વાતાવરણ અને પંખીઓનાં વહેલી સવારનાં કલબલાટે મનને પ્રસન્નતાથી ભરી દીધું.ગાડી થંભી ત્યારે એકાદ બે સ્ટેશન્સ પર તો લોકો ભેગો હું પણ ઉતર્યો અને ત્યાંના મનોહર વાતાવરણને મેં શ્વાસમાં ભર્યું.લીલાછમ ઝાડો,કલકલ કરતાં ઝરણાં,ક્યાંક વળી કાળા પથ્થરો વચ્ચે થી પસાર થતાં પાટા પર દોડી રહેલી તો ક્યાંક લાંબાલચક અંધારીયા બોગદાઓમાંથી પસાર થતી ટ્રેન અમને સાડા આઠની આસપાસ રત્નાગિરી લઈ આવી. કોંકણ રેલવેની સફર મજેદાર રહી.
ગણપતિપુલે રત્નાગિરી સ્ટેશનથી વીસ-પચ્ચીસ  કિલોમીટર અંતરે આવ્યું છે. બસ ડેપો લગભગ આઠ-નવ કિલોમેીટર દૂર હતો. રત્નાગિરી સ્ટેશનની બહાર રીક્શાઓ કતારબદ્ધ  ઉભી હતી. એકાદ રીક્શાવાળાએ અમને ગણપતિપુલે સીધા રીક્શામાં લઇ જવાની તૈયારી પણ બતાવી. પણ તેણે ભાડું કહ્યું તે યોગ્ય હશે કે એમ તેની અવઢવમાં મેં તેને બસ ડેપો સુધી લઈ જવા કહ્યું. અહિંની રીક્શાઓ મુંબઈની  રીક્શાઓ કરતાં  જરા જુદી અને મોટી હતી. વિસ્તારમાં વરસાદ વધુ પડતો હોવાને લીધે રીક્શામાં બંને બાજુએ સરસ મજાનાં ફોલ્ડીંગ દરવાજા બેસાડેલા હતાં.તેમાં નાની બારી પણ ખરી! રીક્શાની  છત ડામર કરી હોય તેવી કડક અને ખાસ  મટિરીયલ માંથી બનાવેલી.રીક્શામાં ડ્રાઈવરની સીટ અને  પ્રવાસીઓની સીટ વચ્ચે સરસ નાનો પડદો ખોલ-બંધ કરવાની નમ્યાને મજા પડી!વીસેક મિનિટમાં બસ ડેપો આવી ગયો.  ડેપો ઉતરી ત્યાંથી તરત  ગણપતિપુલેની  દિશામાં  જતી બસ મળી ગઇ. 
               બસની સફર પોણા કલાકની હતી. રત્નાગિરી શહેરની સીમાથી દૂર ગયાં અને જેવી ગણપતિપુલેના દરિયાની હદ શરૂ થઇ  કે બસની બારીમાંથી  બહાર દેખાતું  નયનરમ્ય  દ્ર્શ્ય જોઈ અવાચક  બની જવાયું. દૂર દૂર સુધી દ્રષ્યમાન થતી અપાર - અગાધ જળરાશીનું આવું અજોડ સુંદર સ્વરૂપ અગાઉ બીજે ક્યાંય જોયું નહોતું.
(ક્રમશ:)

1 ટિપ્પણી:

  1. તમારી માહિતીપ્રદ કોલમમાં "ગણપતિપુળેની મજેદાર સફર" અધૂરી હોવા છતાં મજેદાર રહી. પાંચેક વર્ષ પહેલાં અત્રેનાં એક ગ્રુપનાં આમંત્રણથી હું પણ ત્યાં જઇ આવ્યો હતો તેનું સ્મરણ થયું. તમારી જેમ કોંકણ રેલ્વેના યાદગાર પ્રવાસથી તો જો કે અમે વંચિત રહ્યા કારણ કે અમે સ્પેશ્યલ બસમાં ગયા હતા. વરસાદી દિવસો હોવાથી વાતાવરણ આહ્લાદક હતું. ત્યાં મહારાષ્ટ્ર પર્યટન વિકાસ નિગમની સુંદર બંગલીઓમાં દરિયા કાંઠે મજા આવી. ત્યાંની લોકકલાઓનું એક સંગ્રહાલય પણ જોવાની મજા આવી. રત્નાગિરિ પણ જોયું. કોંકણ પટીનો સમગ્ર વિસ્તાર રળિયામણો લાગ્યો.
    - Digambar Swadiya

    જવાબ આપોકાઢી નાખો