Translate

રવિવાર, 14 સપ્ટેમ્બર, 2014

નેચરવર્લ્ડ

વ્હોટ્સ એપ પર હું એક ગૃપ નો મેમ્બર છું જેનું નામ છે 'નેચર વર્લ્ડ'. પ્રકૃતિપ્રેમી અને ‘વસુંધરા ગ્રીનક્લબ’ નામની પર્યાવરણની દિશામાં કાર્ય કરતી સંસ્થાના સ્થાપક જયેશ હરસોરાએ બનાવેલ આ ગૃપમાં વ્હોટ્સ એપની ૫૦ સભ્યોની મર્યાદાને લીધે માત્ર પચાસેક સભ્યો જ સમાવિષ્ટ છે પણ બધાં જ કુદરતને ભરપૂર ચાહનારાઓ અને તેમાંના ઘણાંખરાં પોતપોતાના કાર્યક્ષેત્રે નિપુણતા ધરાવતા વિશેષજ્ઞ છે. એક વકીલ તો ત્રણ-ચાર પત્રકાર,એક જીવશાસ્ત્રના પ્રખર અભ્યાસુ તો એક વનસ્પતિશાસ્ત્રના, સાપ અને પ્રાણીઓને બચાવનાર એક બિઝનેસમેન તો એક કોલેજના વાઈસ પ્રિન્સિપલ, એક નૃત્ય નિર્દેશક તો એક માનવસંસાધન વ્યવસાયિક, એક હું આઈ.ટી.પ્રોફેશનલ તો એક ઇન્ટિરીયર આર્કીટેક્ટ, એક ભૂતપૂર્વ મેયર તો એક એમ્બ્ર્યોલોજીસ્ટ, એક નિવૃત્ત સી.ઈ.ઓ. તો કેટલીક ગૃહિણીઓ. વિધવિધ ક્ષેત્રના આ હૈયેથી તરવરતા નવયુવાન સભ્યોને એક તાંતણે જોડનાર સામાન્ય તંતુ છે કુદરત અને તેના માટે કંઈક કરી છૂટવાની ભાવના. આખો દિવસ આ ગૃપમાં કુદરતને લગતા મુદ્દાઓની, પર્યાવરણને લગતી સમસ્યાઓ અને તેના સંભવિત ઉકેલો, પ્રાણીઓ અને વનસ્પતિને લગતી બાબતોની ચર્ચા સાથે સાંપ્રત સામાજીક વિષયોની અને મોટે ભાગે મૂડને હળવો કરી નાંખે એવી રમૂજી ટૂચકા કે શાયરીઓની આપલે ચાલુ જ હોય. માહિતી સાથે વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ તેમજ જીવજંતુઓના વહેંચાતા રંગબેરંગી ફોટાઓનું પણ મને જબરૂં આકર્ષણ!


નાસિકમાં રહેતા નિવૃત્ત પ્રકૃતિપ્રેમી અને મળવા જેવા રમૂજી રમેશ ઐયર અન્કલના અદભૂત બંગલાની આ ગૃપના ઘણાં સભ્યો એક કરતાં વધુ વાર મુલાકાત લઈ ચૂક્યા છે. તેમના બંગલાને અદભૂત એટલા માટે કહ્યો કારણકે તે હરિયાળી અને રંગબેરંગી વિવિધ પ્રકારના પુષ્પોથી ઘેરાયેલો છે. બંગલાના આંગણામાં જ તેમનું નાનકડું સ્વરચિત તળાવ જેમાં સાપ,માછલી અને દેડકા તેમજ અનેક જળજીવો સહઅસ્તિત્વ ધરાવે. બંગલામાં ત્રણ શ્વાન રમેશજીનાં સંતાનોની જેમજ તેમની સાથે રહે. રસ્તે રઝળતી કૂતરીની સુવાવડ પણ રમેશજી હોંશે હોંશે કરાવે કે રસ્તામાં કોઈ પશુ કે પંખી જખમી થયેલું મળે કે નાસિકમાંથી કોઈ પણ તેમનો આ માટે સંપર્ક કરે તો તેઓ ખડેપગે સેવા માટે હાજર.તેમનાં ઘરના એક ખાસ ખૂણે બારી પાસે પક્ષીઓ માટે બનાવાયેલી ખાસ જગાએ દિવસભર કંઈ કેટલાયે આપણે તો જૂજ જ જોયા હોય તેવા પક્ષીઓ આંટાફેરા કરે! રમેશજીના પત્ની ઉમા પણ બેન્ક ઓફ ઇન્ડિયાના ઓફિસર હોવાં છતાં પતિના પ્રકૃતિ સંલગ્ન કાર્યોમાં પણ એટલા જ ઉત્સાહથી ભાગ લે. તેમનાં બે સંતાનો ઘરથી દૂર પણ તેમની માફક જ પ્રકૃતિથી નજીક જીવે છે! આ તો થઈ 'નેચર વર્લ્ડ'ના એક ગૃપ મેમ્બરની વાત.આવી તો દરેક સભ્યની અનોખી વાત!

આ ગૃપની પહેલી બેઠક ગત જૂન માસની પાંચમી તારીખે ‘વિશ્વ પર્યાવરણ દિવસે’ યોજાઈ હતી જેમાં વ્યસ્ત હોવાને કારણે હું હાજર નહોતો રહી શક્યો.પણ ગત મહિને ગોરેગામની પ્રજ્ઞાબોધિની હાઈ સ્કૂલમાં યોજાયેલી આ ગૃપની બીજી બેઠકમાં હું જોડાયો અને ઘણાં ગૃપ મેમ્બર્સને રુબરુ મળ્યો. કેટલાક ખાસ અતિથિ વિશેષને જયેશભાઈએ આ બેઠકમાં આમંત્ર્યા હતા.તેમને સાંભળાવાની અને જ્ઞાન-માહિતીની આપલે કરવાની મજા આવી.અતિથી વિશેષમાં 'ટ્રીન્કેટ' જાતિનો બિનઝેરી સાપ પણ હશે તેની અમને કલ્પના નહોતી! રમેશજી અને અભિજીત નાસિકથી આ સાપને એક પ્લાસ્ટીકની બરણીમાં મૂકી અહિ લઈ આવ્યાં હતાં.આમ તો આ જાતિના સાપ શાંત હોય છે પણ અમારી બેઠકમાં અતિથી વિશેષ બનીને આવેલ આ સાપ એટલો આક્રમક અને અમને મળવા આતુર કે એ બરણી તોડી તેમાંથી બહાર નિકળી અમારી વચ્ચે એક બેન્ચ પર બેસી ગયો!
                                                   


એકાદ સભ્યનું ધ્યાન ગયું અને બેઠક થોડી વાર માટે બાજુએ રહી ગઈ અને દરેક જણ આ સાપને નિરખવામાં મશગૂલ થઈ ગયાં! બે-ત્રણ પ્રોફેશનલ સાપ પકડનાર હાજર હોવાથી તેમણે સાપને હાથમાં પકડી લઈ અમને સૌને તેને સ્પર્શવાનો મોકો આપ્યો! અમને જાણ કરાઈ કે એ સાપણ ગર્ભવતી હોવાથી વધુ આક્રમક છે અને તેને વધુ છંછેડવી નહિ! અમે તેના ફોટા પાડ્યા અને મારા સહિત કેટલાકે તેને નિષ્ણાતોના નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ યોગ્ય રીતે હાથમાં પણ લીધી! કૂવામાંથી ગરગડી દ્વારા પાણી ખેંચતા હોઇએ એ રીતે તેના લીસ્સા સુંવાળા સુંદર ભાત ધરાવતાં શરીરને સરકાવતા રહેવું પડે તો સાપ આસાનીથી ભયભીત થયાં વિના તમે પકડી શકો!
પણ આવા અખતારા એકલા હોવ ત્યારે કરવા નહિ કારણ તમે જાણતા હોતા નથી કે સાપ ઝેરી છે કે બિનઝેરી. છતાં જો તમે ક્યાં સાપ જુઓ કે તે તમારા ઘરે કે ઓફિસમાં આવી ચડે તો તો ડરી ગયા વગર અને ગભરાઈ કે અકળાઈ ગયા વગર તેના પર ડોલ કે અન્ય કોઈક વાસણ મૂકી, સર્પમિત્ર એવા કોઈ નિષ્ણાતને બોલાવવા જેથી તેઓ તેને પકડી યોગ્ય ઠેકાણે મૂકી આવે.સાપ કે અન્ય કોઈ જીવને કદાપિ મારી નાખવો નહિ કારણ તમારા જેટલો જ જીવવાનો હક દરેક જીવને છે. કોઈ પણ પ્રાણી તમારા પર કારણ વગર હૂમલો કરતું નથી તેને તમારા તરફથી ભય મહેસૂસ થાય ત્યારે જ તે સ્વબચાવ માટે તમારા પર હૂમલો કરે છે કે ડંખ મારે છે કે તમને કરડી જાય છે. બેઠક બાદ પાછા ફરતી વખતે રમેશજી અને અભિજીતે એ ટ્રીન્કેટ સાપણને યોગ્ય જગાએ જંગલ જેવા તેના માટે સુરક્ષિત વિસ્તારમાં છોડી મૂકી.

બેઠકમાં પર્યાવરણને લગતાં અનેક મુદ્દાઓની માહિતીસભર ચર્ચા થઈ. કેટલાક અગત્યનાં નિર્ણયો લેવાયાં. પ્રજ્ઞાબોધિની સ્કૂલના પ્રિન્સિપલે પણ આવીને અમને સૌને સંબોધ્યા અને તેમની શાળા પર્યાવરણ ક્ષેત્રે કેટલી કાર્યરત છે અને કઈ રીતે તેમનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિવિધ પ્રોજેક્ટ્સ થકી આંતરરાષ્ટ્રીય સહાય મેળવી પર્યાવરણ સંવર્ધન અને જાળવણી માટે કાર્યશીલ છે તેની વિગતો ચર્ચી.અમે સ્કૂલની અગાશીમાં બનાવાયેલ અનેક ઉપયોગી વનસ્પતિ ધરાવતાં હરિતબાગની મુલાકાત લીધી. છેલ્લે અમે સૌએ સાથે મળી પોતપોતાની સાથે લાવેલ નાસ્તાની ઉજાણી કરી અને રમેશજીએ સૌ માટે નાસિકથી ખાસ પોતાના ઘરના ઉદ્યાનમાંથી લાવેલ રોપા ભેટ આપ્યાં.

 
અત્યાર સુધીમાં અમે ઘણી ટ્રેક્સ કરી, ઘણાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવતા અને જ્ઞાન-માહિતી પૂરા પાડતાં કાર્યક્રમો શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ તેમજ કોર્પોરેટ જગતમાં- ઓફિસ વગેરેમાં આપ્યાં, ગણેશ ચતુર્થી બાદ દરિયાકાંઠાની સ્વચ્છતા માટે કાર્યક્રમ અને આવા અનેક અન્ય અભિયાન હાથ ધર્યાં. ટૂંક સમયમાં જયેશ ભાઈ 'નેચર વર્લ્ડ'ને એક એન.જી.ઓ. તરીકે રજીસ્ટર કરાવવા અને એક પર્યાવરણ સંબંધી હેલ્પલાઈન શરૂ કરવા ઉત્સુક છે. નેચરવર્લ્ડનો બ્લોગ પણ બનાવાયો છે (http://nurturenature365.blogspot.com) અને આ ગ્રુપનું ઇમેલ આઈડી છે : nurturenature365@gmail.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો