Translate

રવિવાર, 1 જૂન, 2014

અમારો કેરળ પ્રવાસ (ભાગ - ૨)


ઘેરથી પૂર્વાયોજન કર્યાં મુજબ કેરળનાં અમારા બીજા દિવસે મેં કુમારકોમ અને અલેપી ફરવા જવાનું નક્કી કર્યું હતું.રસ્તામાં જો પેલા મેગેઝીનમાં જેમના વિશે માહિતી હતી તેમાનાં કોઈ મંદિર આવે તો અમને દર્શન કરાવવાની મેં થાનસીરને ભલામણ કરી.તેણે હકારમાં માથું ધુણાવ્યું. અને તે અમને વાઈકોમ નામની જગાએ પ્રખ્યાત એવા શિવમંદિરમાં લઈ આવ્યો. કેરળના મોટા ભાગનાં મંદિરોમાં પુરુષોએ શરીરનાં ઉપરના ભાગે કંઈ પણ પહેર્યા વગર જ પ્રવેશ કરવો પડે છે.એ નિયમને અનુસરતાં મેં પણ ખમીસ કાઢીને શિવલિંગના દર્શન કર્યાં વિશાળ મંદિરના પ્રાંગણમાં કોઈ ઉત્સવ ચાલતો હોઈ ભીડ હતી.અહિં લાંબી દંતશૂળ ધરાવતાં પ્રશિક્ષીત હાથી જોવા મળ્યાં જેને ખાસ ઉત્સવો કે પ્રસંગોએ શણગારીને આખા શહેરમાં ફેરવાય છે તેમજ હાથીઓ વચ્ચે સ્પર્ધાઓ પણ યોજાય છે.સમય વધુ ન હોવાથી ઝડપથી દર્શન પતાવી અમે આગળ વધ્યાં.
કેરળમાં વિશ્વની સૌથી વિશાળ બેકવોટર્સ નામે ઓળખાતી અજાયબ માનવ વસવાટ ધરાવતી કુદરતી જળવસાહત જોવા મળે છે.બેકવોટર્સ એટલે નદીની બાજુમાં તેના પ્રવાહને લીધે બંધિયાર પાણી અને તેની વચ્ચે થોડી ઘણી જમીન.અહિ પણ પાણીની વચ્ચે એક આખી નાનકડી દુનિયા વસે છે.શાળાએ બાળકો હોડીમાં બેસીને જાય તો સવારે પીવાનું પાણી ભરવા ઘરની સ્ત્રી પણ પોતાનું નાનકડું હોડકું લઈ નિકળી પડે.દવાખાનું પણ તરતી હોડી અને પાણીની વચ્ચે આખું મોટું સ્ટેડિયમ પણ ખરૂં! અહિં જાતજાતની હોડી તમે ભાડે કરી બેકવોટર્સ માં નૌકાવિહારની તદ્દન અનોખી અને અદભૂત અનુભૂતિ કરી શકો છો.હોડી નાનકડી બે વ્યક્તિઓ જ બેસી શકે એવડી પણ હોય અને સો માણસોનો કાફલો પણ સમાવી શકે એવી દ્વિમાળી પણ હોય,સાદી છાપરા વગરની પણ હોય અને આખી વાતાનુકૂલિત હરતી ફરતી હોટલસમી પણ હોય. અમે શિકારા જેવી માથે છાપરૂં ધરાવતી પણ પ્રમાણમાં ખુલ્લી એવી એક હોડી પસંદ કરી.તેમાં પાંચ ખુરશીઓ અને આગળના ભાગમાં સરસ ગાદી ગોઠવેલી હતી.આરામથી બેઠાબેઠા તો, ઘડીક ગાદી પર આખું શરીર લંબાવી અમે આ નદીયાત્રા ધરાઈ ધરાઈને પાંચ કલાક માણી.નાસ્તો પણ કર્યો. આસપાસનું નદીની વચ્ચો વચ્ચ વસવાટ કરતાં લોકોની દૈનિક ક્રિયાઓ નિહાળી વિસ્મયપૂર્વક આ સાવ નોખા અનુભવને અમે જીવ્યાં! વચ્ચે પાછી એેક ટપરી જેવી હોટલમાં ચા પીવા પણ રોકાયાં. ત્યાં હોટલચલાવતા યુવાને એક બાજ પક્ષી પાળ્યું હતું.તેને એ પ્રવાસીઓના ખભે બેસાડી ઓર એક અપૂર્વ અનુભવની મજા માણવાની તક પૂરી પાડતો.મેં અને મારી બહેને પણ ખભે આ બાજ પક્ષી ખભે બેસાડી તેની સાથે ફોટા પડાવ્યાં ને તેના મખમલી પીંછા પર મેં તો હાથ પણ ફેરવ્યો! હોટલ માલિકની પત્ની હોટલની ઓરડી પાછળ ખુલ્લી જગામાં આઈસબોક્સમાં ગોઠવેલી મૃત માછલીઓના શરીર પર બરફનો ભૂક્કો પાથરી રહી હતી. નૌકાવિહાર, બાજના સામીપ્ય બાદ મારી ત્રણ વર્ષની દિકરી માટે આ ફરી એક નવો તદ્દન જુદો જ આશ્ચર્યકારક નઝારો હતો. તેના ચહેરા પરના સુંદર હાવભાવ જોઈ પેલી સ્ત્રીએ તેને તેડી લીધી ને સાવ નજીકથી માછલીઓ બતાવી.ચાપાણી પતાવ્યા બાદ અમે ફરી હોડીમાં ગોઠવાયા અને શરૂ થયો નૌકાવિહારનો મધ્યાંતર પછીનો બીજો તબક્કો. વર્ષના ચોક્કસ દિવસોએ અહિં હોડીઓની સ્પર્ધા યોજાય છે જેમાં સેંકડો લોકો ખાસ પ્રકારની લાંબી સાંકડી હોડીઓમાં બેસી ભાગ લે છે.આવી એક હોડીમાં એક સાથે એકમેકની પાછળ કુલ સો એક જણ બેસી હલેસાં મારી હોડી શક્ય એટલી ઝડપે દોડાવે અને જે હોડી સૌથી વધુ ઝડપે નિયત સ્થળે પહેલી પહોંચી જાય તે વિજેતા ઘોષિત થાય. આ સ્પર્ધાનું ધાર્મિક મહત્વ પણ હોય છે અને તે જોવા હજારો લોકો બેકવોટર્સ પાસે તેમજ તેની વચ્ચે આવેલા સ્ટેડિયમમાં જમા થાય છે.અમે આવી એક બે ખાલી હોડીઓ જોઈ અને તે જોઈ પણ અમે રોમાંચિત થઈ ઉઠ્યાં.અમારી હોડી ચલાવનાર અહિનાં સ્થાનિક રહેવાસી અન્નાએ અમને આ બધી રસપ્રદ માહિતી ઉત્સાહભેર કહી સંભળાવી.
પછી અમે એક ફાઈવ સ્ટાર હોટલ જોઈ જે પાણીની વચ્ચોવચ્ચ ખાસા મોટા વિસ્તારમાં પથરાયેલી હતી. અન્નાએ જણાવ્યું થોડા વખત અગાઉ શાહરૂખ ખાન અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ તેમજ તેમનો પરિવાર અહિં થોડા દિવસ રહ્યાં હતાં.એ હોટલના દરેક રૂમની બહારની ઓસરી જેવો ભાગ સીધો બેકવોટર્સ પાસે ખુલતો હતો.સુંદર લાગતું હતું એ આખી હોટલનું બેકવોટર્સ વચ્ચે રચાતું ચિત્ર!
પછી તો અમે ગોળ તરાપામાં માછીમારી કરતાં આંધ્રપ્રદેશથી અહિ આવેલા માછીમારો પણ જોયાં અને બેકવોટર્સની બીજી બાજુ લીલાછમ ખેતરો પણ દીઠાં.અમે બતક વગેરે પક્ષીઓ પણ તરતાં દીઠાં તો પાણી પર તરતી લીલા રંગના ફૂલો જેવી લાગતી વનસ્પતિ પણ દીઠી.આસપાસ અલ્પ કે વિપુલ સંખ્યામાં અલગ અલગ પ્રકારની હોડીઓમાં અમારી જેમજ બેકવોટર્સની સહેલગાહ માણી રહેલા સહેલાણીઓ પણ દીઠા અને હોડી બનાવી રહેલાં કે અન્ય કામોમાં વ્યસ્ત બેકવોટર્સ પર જ રહેતાં સ્થાનિક લોકો પણ દીઠાં.
ખૂબ મનભાવી અને આનંદદાયી એવા આ એલેપીના બેકવોટર્સમાં નૌકાવિહારના અનુભવ બાદ અમે ત્યાંના એક દરિયાકાંઠે ગયાં જ્યાં સૂર્યાસ્ત જોવાની મજા માણી.પ્રમાણમાં ચોખ્ખા એવા આ બીચ પર ઠીક ઠીક ભીડ હતી.અન્ય દરિયાકાંઠાઓની જેમજ અહિં પણ લોકો ઘોડેસવારી,ઉંટસવારી,ચકડોળ વગેરેની મજા માણી રહ્યાં હતાં.પણ અમે માત્ર દરિયાકાંઠાની લીસ્સી રેતી પર બેસવાનું પસંદ કર્યું અને મેં અને મારી નાનકડી દિકરીએ રેતીમાં હાથ-પગ ઝબોળી રેતીના કિલ્લા બનાવ્યાં અને દરિયાનાં પાણીમાં ગયા વગર ધરાઈને દરિયાકાંઠાના વાતાવરણને માણ્યું.
ત્યાંથી અમે ગયાં રાતવાસા માટે ફોર્ટ કોચી વિસ્તારમાં આવેલાં અમારા બીજા હોમસ્ટે 'અલાન્સ ઇન્ન' ભણી. 'અલાન્સ ઇન્ન'માં એક યુવા દંપતિ ત્રણ ઓરડા ધરાવતાં વિશાળ ઘરનું માલિક અને અમારું યજમાન હતું. તેમણે પણ અમારી સારી એવી સરભરા કરી.અહિં 'થોમસ ઇન્ન' જેવી અલાયદા માળે રૂમ્સની સગવડ નહોતી અને ઘરની બહાર વરંડામાં સમારકામ પણ ચાલી રહેલું હોવાને કારણે આગલી રાત જેટલી મજા ન આવી.અહિં નજીકમાં ગઈ કાલ જેવી શુદ્ધ શાકાહારી હોટલ ન હોવાને લીધે જમવામાં પણ ખૂબ મજા ન આવી. વળી એક રૂમ, યજમાન દંપતિના રૂમની પડખે જ હોવાથી તેમની બિનશાકાહારી રસોઈ-તેલમસાલાની વાસ મારી બહેનથી સહન થતી નહોતી આથી થોડી તકલીફ પડી પણ રાત ઝડપથી પસાર થઈ ગઈ.
સવારે જો કે અલાન્સ ઇન્નના વરંડાનું દ્રષ્ય સારૂં હતું. આસપાસ તેમણે સારાએવા ઝાડછોડ રોપ્યાં હતાં અને તેઓ વરંડામાં બગીચા જેવું બનાવી રહ્યાં હતાં.ચા-સાથે બ્રેડટોસ્ટનો નાસ્તો કરતાં હતાં ત્યાંજ લાલ પૂંછડી ધરાવતી સરપબામણી કે સાપની માસીના દર્શન થયાં અને મને અને મારી દિકરીને તેનું નિરીક્ષણ પાડવાની અને તેના ફોટા પાડવાની મજા પડી ગઈ.ગામડામાં એવું કહેવાય છે કે જે છોકરી સરપબામણીની લાલ પૂંછડીને અડી લે તેના હાથે ખૂબ સરસ રોટલા કે રોટલી બને છે!મેં મારી પત્ની અને બહેનોને એમ કરવા જણાવ્યું પણ તેઓ ટાપટીપમાંથી ઉંચા આવે તો ને! અને મારી દિકરી તો સરપબામણીને જોઈ ત્યારથી અડવા ઉંચીનીચી થઈ રહી હતી પણ પાછો તેને ડર એટલો જ લાગે અને એ નાનું પ્રાણી પણ અતિ ચપળ એટલે એક જગાએ ઉભું થોડું રહેવાનું?
‘અલાન્સ ઇન્ન’ ને આવજો કહી અમે મુન્નાર જતાં પહેલાં ફોર્ટ કોચી વિસ્તારમાં ઘણાં ચર્ચ આવેલાં છે તે જોયાં અને કેરળનું આકર્ષણ ગણાતી વિશાળ ચાઈનીઝ ફિશિંગ નેટથી થતી માછીમારી જોઈ. લાકડાના ચારેક થાંભલાઓ વચ્ચે શંકુ આકારે મોટી માછલી પકડવાની જાળ ભરાવેલી હોય જેના એક છેડે ભરાવેલું દોરડું ઢીલું કરો અને દરિયા તરફ જાઓ એટલે જાળ પાણીમાં ઉતરે અને એ દોરડું પાછું ખેચી જાળ પાણીની બહાર કાઢો એટલે જાળના શંકુ આકારને લીધે જાળમાં સપડાયેલી  માછલીઓ આપોઆપ વચ્ચેનાં ભાગમાંથી એક વાસણ માં ઠાલવી લેવાય. આ રીતે વિશિષ્ટ રીતે થતી માછીમારી જોવા વિદેશીઓના ટોળેટોળા દરિયા કાંઠે ઉભા રહે.મને પણ એ જોવામાં ભારે રસ પડ્યો. ત્યારબાદ એક સંગ્રહાલય અને સિનેગોગ તરીકે ઓળખાતા અતિ જૂના પણ ખૂબ સારી રીતે જળવાયેલા જ્યુઈશ ધર્મસ્થળની મુલાકાત લીધી. થોડી ઘણી ચીજ્વસ્તુઓની ખરીદી કરી અને પછી એક વિશાળ મંદિરમાં ગયાં જ્યાં એક જ મૂર્તિની દિવસના જુદે જુદે સમયે ત્રણ અલગ અલગ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. સવારે એક રંગના,બપોરે બીજા રંગના અને સાંજે ત્રીજા રંગના વસ્ત્રોમાં માતાજીની મૂર્તિની પૂજા થાય.લાલ વસ્ત્રોમાં લક્ષ્મીજી તરીકે,સફેદ વસ્ત્રોમાં સરસ્વતી તરીકે અને જાંબલી કે ગુલાબી વસ્ત્રોમાં દુર્ગા તરીકે રોજ મંદિરમાં એક્જ મૂર્તિની અર્ચના-આરાધના કરવામાં આવે. અહિં પણ મેં પરંપરા અનુસાર શર્ટ કાઢીને માતાજીનાં દર્શન કર્યાં. ભદ્રકાળીની તેમજ પાર્વતીની અન્ય મૂર્તિઓ ધરાવતાં દેરા તથા એક જૂની વાવ નાં પણ આ મંદિરમાં દર્શન કર્યાં. અમે ગયાં એ દિવસે કોઈ ઉત્સવ ચાલતો હતો એટલે દક્ષિણ ભારતીય ભાષામાં શાસ્ત્રીય સંગીત સાથે લાઉડસ્પીકરમાં માતાજીના સ્તુતિ-સ્તવનનું પઠન થઈ રહ્યું હતું જે વાતાવરણને અનેરા ભક્તિભાવથી ભરી દેતું હતું. અહિંથી દર્શન કર્યા બાદ રસ્તામાં એક શુદ્ધ શાકાહારી હોટલમાં જમ્યાં અને પછી બપોરની નિદ્રા ખેંચતા ખેંચતા મુન્નાર તરફ અમારી યાત્રા આગળ વધારી.
(ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો