Translate

રવિવાર, 1 એપ્રિલ, 2012

જેસલમેરની સહેલગાહ અને ઊંટ પર રણયાત્રા (ભાગ- ૪)

સાંજ પડવામાં હતી. અમારે સૂર્યાસ્ત પહેલા નિયત જગાએ, સેન્ડ-ડ્યૂન્સ પર પહોંચવાનું હતું. જયના કહેવા મુજબ રેતીના ઢગ પર બેઠાં બેઠાં અહિં ના સૂર્યાસ્તનું અપ્રતિમ સુંદર દ્રષ્ય અચૂક માણવા જેવું હતું. બધા ઊંટ કતાર બદ્ધ એક અકથ્ય સુસંવાદિતા સાધી રણની ભૂમિ પર તેમની મસ્ત ગતિમાં આગળ વધી રહ્યાં હતાં. મારું ઊંટ વચ્ચે હતું. નમ્યા મારી સાથે મારા જ ઊંટ પર બેઠી હતી અને થોડી જ ક્ષણો પૂર્વે, એક ઊંઘ ખેંચી કાઢી જાગી હતી. અમારા ઊંટો સિવાય દૂર દૂર સુધી ભવ્ય રણની રેતી, અપાર શાંતિ અને છૂટાછવાયા થોડાઘણાં ઝાંખરા સિવાય અન્ય કોઈ ચીજવસ્તુ કે મનુષ્યનું જાણે અસ્તિત્વ જ નહોતું. સૂર્ય દિવસભરની તેની યાત્રા પૂર્ણ કરવાને આરે ઉભો હતો. ગરમી આકરી નહોતી. આ સમયે મારું મન એક અજબની પરમ શાંતિ અનુભવી રહ્યું. જગતની ગતિ જાણે મંદ પડી ગઈ. મનને સાચો આનંદ અને પરમ સંતોષ આપનારી એ ક્ષણોમાં આસપાસનું સમગ્ર દ્રષ્ય મને અનોખુ અને ઇશ્વરીય અનુભૂતિ કરાવનારું લાગવા માંડ્યું. કેટલો બધો દૂર હતો હું શહેરી જીવનની ધાંધલધમાલથી! વ્યસ્તતા ભર્યા ઓફિસી રૂટીનથી, ટેલિફોન-મોબાઈલની ઘંટડીઓના રણકારથી, અમી અને નમ્યા સિવાયના મારા અન્ય પરિવારજનોથી, મિત્રોથી, કલીગ્સથી જોજનો દૂર...તેમને મિસ કર્યાની લાગણી થઈ રહી હતી તો બીજી બાજુ મનને પરમ સુખ અને શાતા આપનારી અદભૂત, અવર્ણનીય સંવેદનાનો પણ હું સાથે જ અનુભવ કરી રહ્યો. ત્યાં મારા ઊંટે કોઈક અવાજ કાઢ્યો અને નમ્યાએ તેની નકલ કરવા માંડી અને મારી વિચારધારા અને ભાવસમાધિ તૂટી!

ક્લેર પોતાનું ઊંટ પોતે હાંકી રહી હતી. ટોની અને જયે થોડી વાર માટે ઊંટ પરથી નીચે ઉતરી પગે ચાલવાનું પસંદ કર્યું હતું. અમને ઊંટ પર બેઠાં બેઠાં લગભગ પાંચ-છ કલાક થઈ ગયાં હતાં. મેં અને રાજીવે ગીતો ગાવા શરૂ કર્યાં. અમી હવે થાકી હતી. અમારા સૌની કમર,પીઠ અને પગ એકજ સ્થિતીમાં લાંબા સમય સુધી હોવાથી સ્ટીફ થઈ ગયાં હતાં અને દુખતાં હતાં. દૂર એક દેરી જેવું કંઈક દેખાયું. કદાચ કોઈકની કબર હશે એવું ઊંટચાલકે કહ્યું. થોડે દૂર ઘણાં બધાં ઘેટાં ચરી રહ્યાં હતાં. નજીકમાં જ ક્યાંક કોઈ ભરવાડનો પરિવાર વસતો હોવો જોઇએ. થોડે દૂર ફરી થોડાં હરણ અને અન્ય કેટલાક પક્ષીઓ નજરે ચડ્યાં.

લગભગ સાડાપાંચ-છની આસપાસ અમે સેન્ડ-ડ્યૂન્સ પર પહોંચી ગયાં. અહિં ઊંટ પરથી ઉતર્યા બાદ એક હાશકારો અને નિરાંત અનુભવ્યા. ઊંટ પર બેઠા બેઠા થાકી જવાયું હતું. ભૂગોળમાં શાળાજીવન દરમ્યાન, રાજાની મોજડી જેવા આકારના રણના વારખાણના ચિત્ર જોયા હતાં તે અહિં અમારી આંખ સમક્ષ પથરાયેલા હતાં.દૂર દૂર સુધી માત્ર અને માત્ર રેતી. સુંવાળી હાથની મૂઠ્ઠીમાંથી સરી જાય એવી રેતી. નમ્યાને પણ અહિં ખૂબ ગોઠી ગયું. જય અને કપિલે તો તેનું નામ જ 'લિટલ એક્સ્પ્લોરર' પાડી દીધું!

ઊંટચાલકોએ એક સ્થળે રસોડું ઉભુ કરવાની શરૂઆત કરી દીધી. અમારા સામાનનું ગાડું આવી પહોંચેલું. સાથે અન્ય એક મેક્સિકન મહિલા 'એન્જી' ક્લેરની જેમજ અહિં ઊંટ પર બેસી એકલી આવી પહોંચી હતી. ઊંટને તેમના બે પગો વચ્ચે દોરડું બાંધી છૂટ્ટાં મૂકી દેવાયા. તેમને ગુણી ભરી ભૂસા જેવો ખોરાક આપવામાં આવ્યો. જય અને કપિલ અમારા રાત્રિવાસ માટે તંબુ ઉભા કરવામાં લાગી ગયાં. ચા પીને અમે રેતીના એક ટેકરાની પેલે પાર સૂર્યાસ્ત જોવા પહોંચી ગયાં. ડુંગર પર, ખીણમાં, દરિયામાં, શહેરમાં અને ગામમાં પણ સૂર્યાસ્ત જોયેલાં પણ આજે પહેલી વાર રણમાં સૂર્યાસ્ત જોવાની મજા માણી. મેં મોબાઈલ પર એ.આર.રહેમાનના સંગીતવાળી ૧૯૪૭ અર્થ ફિલ્મની પિયાનો થીમ વગાડી. એ સાંભળતા સાંભળતા અમે સૂર્યાસ્તની,આકાશમાં ફેલાયેલા અદભૂત રંગોની અને આસપાસની રણની મહેક રેતીમય થઈ માણી. ચેરિયન, રાજીવ, ટોની , ક્લેર અને એન્જીને પણ આ સુમધુર સંગીત સાંભળતા સૂરજ દાદાને વિદાય આપવાનું ખૂબ અનોખું લાગ્યું - ગમ્યું.

પાછા ફર્યા બાદ થોડી વાર હું, અમી, નમ્યા અને ક્લેર તથા એન્જી રસોડા પાસે બેઠાં. ઊંટચાલકો ભરપૂર મસ્તીના મૂડમાં હતાં. રોટલા કેમ ટીપવા તે ક્લેરને શિખવાડતા શિખવાડતા તેઓ તેની મજાક પણ ઉડાડી રહ્યાં હતાં. નમ્યા પણ નાનકડા હાથો વડે રોટલા ટીપવાનો ડોળ કરવા લાગી. અમે અલકમલકની વાતો કરી.

અંધારું થતા કેમ્પફાયર પેટાવી તેની આસપાસ મહેફિલ જામી. કોઈકે ફિલ્મી ગીતો ગાયા તો કોઈકે ક્લેરનું મનપસંદ ગીત ‘કોલાવેરી ડી...' ગાયું. ક્લેર અને એન્જીએ પોતપોતાની ભાષામાં કેટલાક મસ્તી ભર્યાં ગીતો ગાયાં. ઊંટચાલકોમાંના એકબે જણે રાજસ્થાની લોકગીતો ગાયાં તો મેં પણ બે ચાર ગરબા ગાઈ ક્લેર સહિત અન્યોને ગુજરાતી ગરબે નચાવ્યાં! રેતી બરફ જેવી ઠંડી થઈ ગઈ હતી. જમ્યા બાદ, મોડી રાતે સૌ પોતપોતાના તંબુમાં સૂઈ ગયાં.

સવારે વહેલા ઉઠી સૂર્યોદય જોયો. રેતીમાં જ દૂર જઈ કુદરતના સાન્નિધ્યમાં નિત્ય ક્રિયા પતાવી! ફ્રેશ થઈ બ્રેકફાસ્ટ પતાવ્યો. નમ્યા દડા અને ફ્લાયિંગ ડીશથી જય અને કપિલ સાથે ખૂબ રમી. મેં થોડી વાંચનની મજા માણી. અહિં રણમાં જે ઝાંખરા જેવી વનસ્પતિ હતી તેના ઝીણાં ઝીણા બી, ભયંકર ‘ચિપ્કુ’ કાંટા ધરાવતા હતાં તે અમારામાંના ઘણાંને ગઈ સાંજથી પરેશાન કરી રહ્યાં હતાં. નાનકડી નમ્યા પણ વારે ઘડીએ આ કાંટા પોતાના વસ્ત્રોમાંથી દૂર કરવા મંડી પડતી! પણ આ નાનકડી સજા રણયાત્રાની મજા સામે કંઈ નહોતી!

થોડી વાર બાદ અમારી રણયાત્રાનો ત્રીજો અંતિમ દોર શરૂ થયો. બે-ત્રણ કલાકની ઊંટસવારી કરી. અહિં સવારે ઊંટ યાત્રા કરતી વેળાએ પણ ગઈ સાંજ જેવો આહલાદક આનંદ-સંતોષની પરિતૃપ્તિ સમો સમાધિ અનુભવ થયો. 'તારકમહેતા...' ટી.વી. શ્રેણીમાં જેઠાલાલ જેમ ઊંટ પર બેસી પાકિસ્તાન પહોંચી જાય છે તેમ અમારા પણ પાકિસ્તાન પહોંચી જવાના ચાન્સીસ હતાં! કારણ અહિંથીએ પાકિસ્તાનની બોર્ડર માત્ર ૬૦ કિલોમીટર જેટલી જ છેટી હતી! પણ અમારાઅ ઊંટ ચાલકો મસ્તીભર્યા મૂડમાં હોવાં છતાં સજાગ હતાં.આથી અમે પાકિસ્તાનની જગાએ ફરી પાછાં બરના ગામ આવી પહોંચ્યાં.અહિં એક ઊંટચાલકના ઘરે તેના કુટુંબીજનોનો પ્રેમ-આગ્રહ-ચા માણી ફરી આગળ વધ્યાં. થોડે દૂર અન્ય એક સેન્ડ-ડ્યૂન પર ફરી અમે ધામો નાંખ્યો અને બપોરનું જમવાનું અહિં પતાવ્યું. નમ્યાને ક્લેર અને એન્જીની કે તેઓને નમ્યાની ભાષા આવડતી ન હોવા છતાં તેઓ દોઢ-બે કલાક, સાથે ખૂબ રમ્યાં અને તેમણે પેટ ભરીને (કોણ જાણે શી!) વાતો કરી! અહિંથી ક્લેર અને એન્જીએ વિદાય લીધી. અમે હજી એક રાત અહિં આ સેન્ડ-ડ્યૂન પર રોકાણ કરવાનાં હતાં.થોડો આરામ કરી સાંજે જેસલમેરથી અહિં આવી પહોંચેલી ટોનીની ગાડીમાં અમે પક્ષી દર્શન માટે ઉપડ્યા. અતિ દુર્લભ એવું 'ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ' નામનું બગલા જેવું પક્ષી જોવાની ટોનીની અદમ્ય ઇચ્છા હતી. આ પક્ષીને રાજસ્થાનની સ્થાનિક ભાષામાં ‘ઘોરાડ’ કહેવાય છે. બે-એક કલાક રખડપટ્ટી બાદ રસ્તામાં એક સ્થાનિક ભરવાડે, અમે તેને જણાવ્યું પણ ન હોવા છતાં અમે જેની શોધમાં આવ્યા હતાં, એ પામી જઈ અમને ‘ઘોરાડ’ સુધી પહોંચવાનો રસ્તો બતાવ્યો. ટોનીએ તેને જ ગાડીમાં બેસાડી દીધો અને તે અમને ખરેખર આ દુર્લભ પક્ષી સુધી લઈ જવામાં સફળ રહ્યો. પણ આ પક્ષીઓ અતિ શરમાળ હોય છે તેથી અમારી જીપનો અવાજ સાંભળી તેમનું આઠ-દસનું આખું ટોળું ઉડી ગયું. અમે તેમને દૂરથી જોઈને પણ એક પરમ સંતોષ અને આનંદની મિશ્ર લાગણીનો અનુભવ કર્યો.

રાતે રાજસ્થાની લોકકલાકારો એ ગાયન- નૃત્યથી ખાસ કાર્યક્રમ દ્વારા અમારું મનોરંજન કર્યું અને બીજી એક રાત રણમાં રેતી પર બિછાવેલાં તંબુમાં માણી અને અમારી રણયાત્રા અહિં સંપન્ન થઈ.

વહેલી સવારે અહિંથી જેસલમેર પહોંચ્યા. નાહી ધોઈ શિવરાત્રીનો દિવસ હોવાથી શિવ મંદિરમાં દર્શન કર્યાં.પેલા પ્રમાણિક દુકાનદાર પાસેથી તેની બે દિવસ પહેલાની ના છતાં આજે મેં મારા, નમ્યા તથા અમી માટે અહિંની યાદગિરિ રૂપે એક-એક વસ્ત્ર ખરીદ્યા. ત્યાંથી જોધપુર અને પછી સીધી ટ્રેન દ્વારા મુંબઈ આવી પહોંચ્યા.

..અને ફરી શહેરી દોડધામનું રૂટીન અહિં પહોંચ્યા, એ જ ક્ષણથી શરૂ થઈ ગયું! પણ જેસલમેરની સુવર્ણનગરીની અને અવિસ્મરણીય એવી ઊંટ પરની રણયાત્રાની મીઠી યાદો અમારા મનમાં સદાને માટે અંકિત થઈ ગઈ.

(આ યાત્રાની કેટલીક સુંદર રંગીન તસ્વીરો તમે 'બ્લોગ ને ઝરૂખેથી. વેબ્સાઈટ પર અથવા મારા ફેસબૂક પેજ પર ફોટો આલ્બમ્સમાં જોઈ શકશો.

http://www.facebook.com/media/set/?set=a.3173246864540.140419.1666613300&type=3&l=ed68132b8d)

(સંપૂર્ણ)



2 ટિપ્પણીઓ:

  1. વિકાસભાઈ,
    તમારી જેસલમેર યાત્રાનાં બ્લોગની શ્રેણી વાંચવાની ખૂબ મજા પડી. આ બ્લોગ્સ વાંચતી વખતે અમે પોતે જાણે તમારી સાથે એ યાત્રા કરી રહ્યાં હોઈએ એવો અનુભવ થયો. હાર્દિક અભિનંદન.

    - ડો. કિશોરી કામદાર(વડાલા), કિશોર દવે(વિલે પાર્લે), લતા બક્ષી (બોરિવલી)

    જવાબ આપોકાઢી નાખો
  2. સ્નેહી શ્રી વિકાસભાઈ,
    આપનો સપરિવાર જેસલમેરનો પ્રવાસ અને રાજસ્થાનના રણમાં ઊંટ સવારીની લેખ શ્રેણી આપની રસાળ શૈલીમાં અમે સુપેરે માણેલ છે.ધન્યવાદ!
    આપે શ્રેણીમાં ૮-૧૦ ઘોરાડ પક્ષીઓ દૂરથી નિરખેલ હોવાનો અને પક્ષીઓ ઉડી જવાનો નિર્દેશ કરેલ છે.આપે જે વિસ્તારમાં ઘોરાડ પક્ષીઓ નિહાળ્યા તે વિસ્તાર અભય અરણ્ય નહિં હોય.હોત તો આસાનીથી પ્રવેશ સાંપડત નહિં.
    ભારતમાં ઘોરાડ પક્ષીઓની કુલ સંખ્યા એકાદ હજાર મનાય છે. ઘોરાડ પક્ષી Highly
    Endangered શ્રેણીમાં સામેલ છે. ‘ધ ઇન્ડિયન વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એક્ટ ૧૯૭૨ એઝ અમેન્ડેડ ઇન ૨૦૦૩’ ના શેડ્યુલ-૧ના વિભાગ-૩માં આરક્ષિત પક્ષી છે.
    ઘોરાડ પક્ષી વજનમાં સૌથી ભારે પક્ષી છે. ભારતમાં તેના ૧૨ અભયારણ્યો છે.તેની મુખ્ય ત્રણ જાતિઓ છે:
    1 The great Indian Bustard
    2 The lesser Florican
    3 The Bengal Florican
    ત્રણે આરક્ષિત છે. વિશ્વમાં ઘોરાડ પક્ષીઓની કુલ ૨૩ જાતિઓ છે.
    ગુજરાતમાં ઘોરાડ પક્ષીઓના માત્ર બે જ અભયારણ્યો છે:
    1 કચ્છમાં નલિયા તાલુકામાં જખૌ ગામ નજીક જેનો વિસ્તાર માત્ર ૨ ચોરસ કિલોમીટર છે જે પર્યાપ્ત નથી.
    2 જામનગરમાં
    કચ્છના અભયારણ્યમાં પર્યટકો ઘોરાડ પક્ષીઓને ખલેલ પહોંચાડતા હોવાનું જણાતા તાકીદ આપવામાં આવી છે કે અભયારણ્યથી દૂર રહેવામાં સલામતી છે.અન્યથા ત્રણ વર્ષની કેદ અને/અથવા પચ્ચીસ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે. કથિત ગુનેગારને સહેલાઈથી જમાનત ન પણ મળે.
    - વી.બી ગણાત્રા (ન્યૂયોર્ક)

    જવાબ આપોકાઢી નાખો