Translate

શનિવાર, 24 માર્ચ, 2012

જેસલમેરની સહેલગાહ અને ઊંટ પર રણયાત્રા (ભાગ-3)

સવારે વહેલા ઉઠી ચા-નાસ્તો પતાવ્યો. અડધો સામાન હોટલમાં જ રહેવા દઈ, અમે આઠ જણ ડેઝર્ટ સફારીની મજા માણવા ઊંટ સુધી પહોંચવા જીપમાં બેસી રવાના થયાં. યોગાનુયોગ જુઓ, પાછલી રાતે કોઈ લગ્નની જાન જતાં જોઈ હતી અને આજે સવારે કોઈની મૈયત જતાં જોવા મળી.

ઊંટ સુધી પહોંચવા અમારે 'બરના' નામનાં નાનકડા ગામે પહોંચવાનું હતું જે જેસલમેરથી ચાલીસેક કિલોમીટર દૂર હતું. જીપ અમને બરના ગામના એક ખુલ્લા મેદાનમાં ઉતારી પાછી રવાના થઈ ગઈ. રાખોડી રંગના કૂર્તા અને લૂંગીમાં સજ્જ ઉંચો પડછંદ જીપનો ડ્રાઈવર લાગતો હતો પઠાણ જેવો, પણ હતો મુસ્લિમ.ચાલુ જીપમાં નમ્યાને હવા ન લાગી જાય એ માટે તેણે પાતળા કવરથી બનેલો જીપનો દરવાજો બંધ કરી દીધો પણ તેમાં પારદર્શક આરપાર દેખાય એવા પ્લાસ્ટીકની બારી હતી. આથી અમને બહારનું દ્રષ્ય ચોખ્ખુ દેખાતું હતું. માર્ગ વેરાન હતો. જીપમાંથી સીધો કે વળાંક વાળો સાપ જેવો રસ્તો સામે દેખાતો હતો. અહિં અમને રસ્તાની બંને બાજુએ અનેક વિરાટકાય પવનચક્કીઓ જોવા મળી જેની ત્રણ પતળી ખાસ રીતે બનાવેલી પાંખો સતત ફરતી રહી, વિજળી પેદા કરતી હતી.

દોઢેક કલાકમાં અમે બરના પહોંચી ગયા.અહિં ઊંટ અમારું સ્વાગત કરવા અને અમને તેમના પર બેસાડી રણની યાત્રાએ લઈ જવા પધારવાના હતા.મુંબઈથી કાર ડ્રાઈવ કરીને આ ડેઝર્ટ સફારીમાં જોડાવા આવેલા ત્રણ મિત્રો ટોની, રાજીવ અને ચેરિયન પણ મારા જેટલા જ ઉત્સાહી અને ઉત્સુક હતાં.ટોની એક પક્ષીવિદ છે. તેની પાસે પક્ષીઓ વિશેનું અસામાન્ય જ્ઞાન છે. ઊંટ આવ્યા ત્યાં સુધીમાં તો એણે આસપાસના વેરાન ગણી શકાય એવા વિસ્તારમાંથીયે રણમાં જ રહેતા હોય એવા બે-ચાર પક્ષીઓ શોધી કાઢ્યા અને તેમને પોતાના પાવરફુલ ક્ષમતા ધરાવતા કેમેરાના લેન્સમાં કેદ કરી લીધાં.અમારે દરેકે પોતાના અલાયદા ઊંટ પર બેસવાનું હતું એટલે અમારા આઠ જણ માટે સાત ઊંટ (પોણા બે વર્ષની નમ્યાતો એકલી ઊંટ પર બેસે એવી છે પણ એને મેં મારી સાથે બેસાડવાનું નક્કી કર્યું) નો કાફલો આવવાનો હતો.એક ઊંટ આવી પહોંચ્યું અને નમ્યા સહિત અમે મોટેરાઓ પણ ગેલમાં આવી ગયાં.આ ઊંટ યુવાન વયનું અને ભારે તોફાની હતું.તે ચુપ બેસતું જ નહોતું,જાતજાતના અવાજો કાઢતું હતું.થોડી વારમાં બાકીના ઊંટોનો કાફલો તેમના ચાલકો સહિત અન્ય એક વિદેશી યુવતિ ‘ક્લેર’ ને લઈ આવી પહોંચ્યા.
ક્લેર ફ્રાન્સથી ભારત ભ્રમણ કરવા આવેલી એક સાહસિક યુવતિ હતી.તેણે ડેન્ટીસ્ટ્રીનો અભ્યાસ તાજેતરમાં ફ્રાન્સમાં જ પૂરો કર્યો હતો. બાવીસ-ત્રેવીસની ઉંમર પણ છ એક ફીટ ઉંચી અને તંદુરસ્ત કાયા ધરાવતી ક્લેર કટરીના કૈફની બહેન જેવી લાગે, પાક્કી વિદેશી દેખાય. કાળું આખી બાંયનું ટીશર્ટ અને કેસરી લહેંગામાં સજ્જ ક્લેર પોતે હાથે ઊંટ ચલાવી કાફલા સાથે આવી અને તે અમારી સાથે જ બે દિવસની રણ યાત્રા ખેડવાની હતી.સાથે એક મોટું ગાડું હતું જેના પર પીવાના પાણી સહિત અમારો સામાન અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ મૂકવામાં આવી. આઠ ઊંટ સાથે સાત ઊંટ ચાલકો તેમની લગામને હાથમાં રાખી, તેમને દોરતા આગળ ચાલવાનાં હતાં. સૌ પહેલા અમને થોડા ઘણાં સામાન્ય સૂચનો કર્યા કે કઈ રીતે ઊંટ પર બેસવું અને સવારી વેળાએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. ઊંટે આપણને તેના પર બેસાડવા પહેલા પોતે જમીન પર બેસી જવું પડે. ત્યારબાદ આપણે તેના પર ચડી જવાનું.તેની પીઠ પર ઊંટચાલકોએ, રાતે રણમાં સૂવા માટેની ગોદડીઓ વાળીને તેની ગાદી જેવી બેઠકો બનાવી કાઢેલી હોય.આ બેઠકમાં જ ખાસ રીતે બનાવેલું એક લવાદ હોય જેના આગળના ભાગમાં ધાતુ કે લાકડાનો નાનો સળિયા જેવો ઉપસેલો ભાગ હોય જેને ઊંટ પર બેસનારે,ઊંટ ચાલતું કે દોડતું હોય ત્યારે એક હાથે પકડી રાખવાનું હોય.બીજા હાથે બેઠકના પાછળના ભાગમાં લટકતું જાડુ દોરડું પકડવાનું. સાથે થોડો ઘણો બીજો સામાન પણ ઊંટની પીઠ પર બેઠકના પાછળના ભાગમાં લાદેલો હોય.તમે ઊંટ પર બેસી જાવ એટલે ચાલક તેની લગામ ખેંચી ખાસ પ્રકારની ભાષામાં ઊંટને ઉભા થવાનો આદેશ આપે અને ઊંટ પ્રથમ આગળના બે પગ વાળી ઉભું થાય.એ વળે એટલે તમે આખા આગળ તરફ ઝૂકી જાવ.આ વખતે સંતુલન ખાસ જાળવવું પડે.પછી ઊંટ પાછળના પગ ઉભા કરે એટલે હાલક ડોલક થતાં તમે પાછળ તરફ ઝૂકી જાવ.આ અનુભવ થોડો અઘરો પણ મજેદાર છે!તમે કોઈ રાજા કે રાણી હોવ એવી લાગણી એક વાર ઊંટ ઉભું થઈ ગયા પછી તમને થયા વગર રહે નહિં!

હું અને નમ્યા એક ઊંટ પર બેઠાં.અમીને થોડો ડર લાગતો હતો ઊંટ પર બેસવાનો.પણ હું અને નમ્યા તો સુપર-એક્સાઈટેડ હતાં આ અભૂતપૂર્વ અને અદભૂત સાહસિક અનુભવની મજા માણવા.અમે બધાં પોતપોતાના ઊંટો પર ગોઠવાઈ ગયાં ત્યાર બાદ બધાંએ ઊંટોએ એક સાથે ચાલવાનું શરૂ કર્યું.આમતો આઠે ઊંટ એકબીજાની સહેજ આગળ પાછળ હતાં પણ ક્યારેક તેઓ એકમેકની ખૂબ નજીક આવી જતાં અને ભટકાતા ભટકાતા સહેજ માટે રહી જતાં.પાછળ ચાલી રહેલા અમીના ઊંટે મારા અને નમ્યાના ઊંટનું પૂછડું ચાવવા માંડ્યું અને અમારું ઊંટ સહેજ ભડક્યું અને તેણે અમીના ઊંટને લાત મારી અને અમી એ ગભરાઈને તેની મમ્મીના નામની બૂમો પાડવી શરૂ કરી દીધી! તરત ઊંટ ચાલકે પરિસ્થિતી સંભાળી લીધી અને થોડી જ વારમાં અમે બરના ગામની ભાગોળે ઊંટ અને ગાય-ભેંસો માટે બનાવેલા એક પીવાના પાણીના મોટા ગોળાકાર ટાંકા પાસે આવી પહોંચ્યા.

બરના એક નાનકડું ગામ હતું અને અહિં મોટા ભાગના લોકોને ઘેર ઊંટ પાળેલા હતાં.અમારા ઊંટોએ અમને તેમની ઉપર જ બેસાડી રાખી તેમની ગરદનો નીચી કરી ધરાઈને પાણી પીધું. અહિં ઊંટો એક ખાસ પ્રકારની હરકત કરતાં જોવા મળ્યાં.તે પોતાની લાંબી જીભ બહાર કાઢી તેને એક બાજુએ લબડતી રાખે અને પછી આપણે ગળા સુધી પાણી લઈ જઈ કોગળા કરતી વખતે જેવો અવાજ ઉત્પન્ન કરી પાણી મોઢામાં ઉલાળીએ અને પછી થૂંકી દઈએ છીએ એ જ રીતે ગળું ખંખેરી ફીણ જેવું થૂંક ઉડાડે!નમ્યાતો આ જોઈ આભી જ બની ગઈ અને પછી ઊંટની નકલ કરવા માંડી! થોડાં સમય બાદ ફરી અમારી યાત્રા શરૂ થઈ. ઊંટ પર ધીમે ધીમે આગળ વધવાની મજા આવતી હતી.

ઊંટચાલકો અમારા મિત્રો બની ગયાં હતાં અને અમે સૌ એકબીજા સાથે અલકમલકની વાતો કરતાં કરતાં આગળ વધી રહ્યાં હતાં. તેમને પણ નમ્યાને જોઈને ખૂબ નવાઈ લાગતી હતી અને તેમણે કબૂલ્યું કે આ પહેલા કોઈ આટલા નાના બાળક સાથે ઊંટ પર બેસી રણયાત્રા કરવા નહોતું આવ્યું!

બપોરે એકાદ વાગે ઉજ્જડ રણ જેવા વિસ્તારમાં થોડા આસપાસ ઉગેલા ઝાડ વાળો વિસ્તાર આવ્યો અને અમે અહિં ભોજનવિરામ લેવા ઉતર્યાં.ઊંટચાલકોએ જ રસોડાની જવાબદારી ઉપાડી લીધી, જેમાં બધાં પુરુષો જ હતાં! આસપાસથી થોડા ઝાંખરા અને સૂકાયેલા ઝાડની છાલ અને પોલાં લાકડા સળગાવી તેમણે તેનો ચૂલો બનાવ્યો અને પહેલા અમને સૌને ચા પીવડાવી.પછી તેઓ રસોઈ તૈયાર કરે એટલી વારમાં અમે આસપાસ થોડું ફરવાનું નક્કી કર્યું.અમે યાત્રા શરૂ કરેલી ત્યારથી એક કૂતરું અમારી સાથે ચાલતું આવ્યું હતું. તે પણ ઊંટો સાથે થાક ખાવા બેઠું. ટોની તેના દૂરબીન અને કેમેરા સાથે રણની સમડીની શોધમાં દૂર દૂર પહોંચી ગયો હતો અમે પણ ધીરે ધીરે ચાલી તેની સાથે થઈ ગયાં.ચેરિયનને ઊંટચાલકો કઈ રીતે રસોઈ બનાવે છે એ જોવામાં ભારે રસ પડ્યો આથી એ અમારા હંગામી રસોડા પાસે જ રોકાયો!

અમે પક્ષીઓ,પ્રાણીઓ તથા અન્ય વિવિધ વિષયોની ચર્ચા કરતાં કરતાં ક્લેર સાથે પરિચય કેળવી રહ્યાં એ દરમ્યાન નમ્યાને તો જાણે રણની રેતીમાં સ્વર્ગ મળ્યું. બંને હાથ પગ આખા રેતીમાં ખૂંપી દઈ તે રેતીમાં રમવામાં એવી મશગૂલ થઈ ગઈ કે અમારી હાજરી જ તે જાણે વિસરી ગઈ! અડધા એક કલાકમાં અમે અમારા કામચલાઉ રસોડા પાસે આવી ગયાં અને જમવા બેસી ગયાં. ઊંટચાલકોએ રેતીમાં જ રેતી-રાખ અને પાણીથી વાસણો ઘસી ચોખ્ખાચણાક કરી અમને તેમાં જમવાનું પીરસ્યું. આ જોઈ ચેરિયન અને ક્લેરને ખૂબ આશ્ચર્ય થયું.પણ બધાને જબરી ભૂખ લાગેલી એટલે જાડી જાડી રોટલી,બટાટા-ફ્લાવર-કોબીનું રસાવાળું શાક અને ખાસ પ્રકારની ચટણી તથા મેગી જેવા નૂડલ્સ અમે ધરાઈને આરોગ્યાં. પુરુષોએ બનાવેલી આ રસોઈ ખાસ ગામડાંની ટીપીકલ છાંટ ધરાવતી અને સ્વાદિષ્ટ હતી. જમ્યા બાદ ફરી વાસણો ત્યાં જ ઉટકી ઊંટચાલકોએ ફરી ઊંટોને આગળની યાત્રા માટે સજ્જ કર્યાં અને મારી રણયાત્રાના પ્રથમ દિવસનો બીજો દોર શરૂ થયો.

બપોરનો સૂરજ માથે ચડ્યો હતો અને ગરમી થોડી થોડી લાગતી હતી. ઊંટ પર બેઠાં બેઠાં હાલકડોલક સ્થિતીમાં અમે આગળ ધપી રહ્યાં હતાં. નમ્યા મારા હાથ પર માથુ મૂકી આરામથી ઊંઘી ગઈ હતી. પેલા બરનાથી અમારી સાથે જોડાયેલા કૂતરાએ જમવાના સ્થળેથ જ અમને બાય બાય કરી દીધું હતું પણ ત્યાંથી બીજું એક કૂતરું અમારી સાથે થઈ ગયું હતું. બીજા દોર દરમ્યાન અમે ઊંટચાલકોનો વધુ પરિચય કેળવ્યો, જાણ્યું કે અમે જેના પર સવારી કરી રહ્યાં હતાં એ બધાં નર ઊંટો હતાં અને તેઓ ચાલકોના પરિવારના સભ્ય જેવા હતાં. તેમણે ઊંટ વિષે બીજી પણ કેટલીક રસપ્રદ માહિતી જણાવી.ઊંટને લગભગ દોઢ વર્ષની ગર્ભાવસ્થા બાદ બચ્ચું અવતરે છે.તેઓ દોઢથી બે વર્ષ સુધી ઊંટના બચ્ચાને તેની મા પાસે જ રહેવા દે છે અને પછી તેની ટ્રેઇનિંગ શરૂ કરે છે.બચ્ચું ધાવણું હોય ત્યાં સુધી તેઓ પણ સાંઢણીનાં દૂધનો પીવામાં ઉપયોગ કરે છે. રસ્તામાં ચાલતાં ચાલતાં અમે દૂર કેટલીક છૂટી છવાઈ સાંઢણીઓને જોઈ પણ ઊંટચાલકોએ અમારા ઊંટોને જરાય વિચલિત થવા દીધા નહિં. માર્ગમાં અમે કેટલાક હરણ,જંગલી બિલાડી અને અવનવા પક્ષીઓ જોયાં. બે એક કલાક બાદ બધાંના પગ એકધારા ઊંટ પર બેસી બેસીને જામ થઈ ગયેલા એટલે અમે નાનકડો વિરામ લીધો અને ઊંટ પરથી નીચે ઉતર્યાં પણ સૂર્યાસ્ત પહેલાં અમારે ખાસ નિયત કરેલી જગાએ - સેન્ડ ડ્યુન્સ પર પહોંચવાનું હતું એટલે ફરી અમારી ઊંટસવારી શરૂ કરી દીધી.

 (ક્રમશ:)



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો