Translate

રવિવાર, 15 જાન્યુઆરી, 2012

ગેસ્ટ બ્લોગ : ઉત્તરાયણના સંસ્મરણો

-- પ્રતિષ્ઠા પંડ્યા


ડીસેમ્બર શરુ થાય ત્યાં અમદાવાદીઓ ઉત્તરાયણની તૈયારી કરવા માંડે. નિશાળેથી આવતા હવે રોજ જોવા મળે રસ્તાની ધારે બે લાકડાના થાંભલાની આસપાસ વીંટાળેલી સફેદ દોરીને ગુલાબી માંજો પીવડાવતા કારીગરો. જેમ જેમ દિવસ જતા જાય તેમ તેમ આ ધારદાર માંજાનો રંગ લોકોના મન પર પણ ચડતો જાય. આ દિવસોમાં નિશાળેથી આવી મારું પહેલું કામ દફતર ખૂણામાં ફેંકી ધાબે ચડવાનું. પંચ્યાશી વર્ષના દાદી, હું આઈ કહેતી, વર્ષોથી ઉત્તરાયણ પહેલા બાલ્કનીમાં આવી પડેલા પતંગો સંઘરે, દોરીઓ તોડી લાચ્છા વાળે, ગૂંચ સુદ્ધા ઉકેલે, અને પછી ઉત્તરાયણ જાય એટલે લાચ્છામાંથી દોરીઓ જોડી જોડી પીલ્લા તૈયાર કરે. જાતે બનાવેલા અંકોડીના થેલામાં સંઘરેલા એનાં પીલ્લામાંનું એકાદ પીલ્લું અને એક પતંગ લઇ હું સડસડાટ ધાબે! મા વચ્ચે વચ્ચે ઘાંટા પાડે કારણ ઉત્તરાયણ પહેલા જ હોય પરીક્ષા અને એટલે તૈયારી. માને મારી પરીક્ષાની ચિંતા ઘણી. પણ ઉત્તરાયણના આગલા દિવસ સુધી ચાલતી પરીક્ષાઓ મારું ટાઇમટેબલ ના બદલે. લગભગ આગલા દિવસે જ પરીક્ષા પતે એટલે હું અને દીદી પપ્પાનું માથું ખાઈએ પતંગ ખરીદવા જવા. સાંકળ આઠની ફીરકીઓ તો પપ્પાએ વહેલેથી જ પંકજ્કાકાને કહી તૈયાર કરાવી રાખી હોય. તે રાત્રે બધા પિત્રાઈ ભેગા થાય એટલે પપ્પા બધાને લઇ ચાલે કાલુપુરના પતંગ બજારમાં. ઘેશીયા, પાવલા, અડધિયા,ચાંદેદાર, આંખેદાર, પટ્ટેદાર, માછલીઓ, ઢાલ, ફૂદ્દી, ...એક આખી પતંગની રંગીન દુનિયા. મનગમતા રંગ ને ભાતના પતંગો પસંદ કરવાની અમને સહુને છૂટ, જે ગમે તે એક કોડી લેવાના. હૈયે હૈયું દળાય એવી ગિરદીમાં પતંગ ફાટે નહીં એટલે ઊંચા હાથે પકડીને ફરવાનો અનુભવ મારા માટે ખાસ્સો સાહસિક રહેતો. રાતે મોડે સુધી કિન્ના બાંધી થાકીને સૂતેલી મને ઉત્તરાયણની સવારે જગાડવી ના પડે. પોળના અડીઅડીને ઉભેલા છાપરા, અગાશીઓ વહેલી સવારથી જ મોટા અવાજે ફિલ્મી ગીતો ગાતાં ઉડવા લાગ્યાં હોય. જોતજોતામાં જો હવા સરસ ચાલતી હોય તો આકાશમાં રંગરંગીન ચંદરવો બંધાઈ ગયો હોય! વહેલી સવારે કાપાકાપી ઓછી હોય એટલે મારો પતંગ ટીકડીમાં થતા વાર નહીં. એવામાંય બાજુવાળા જયશ્રીબેનના છોકરાથી તો સંભાળવું પડે. ચડતા પતંગમાં લંગસ નાખી દોરી દાંતી પતંગ ચોરવાની એને ટેવ. એ હાથ માંથી સરસરતી દોરી ક્યારે ઠમકાવવી, ક્યારે ખેંચવી, ક્યારે ઢીલી છોડાવી, દોરીના ભાર પરથી કેટલા પેચ લાગેલા છે તે નક્કી કરવું, અને પછી કોઈ ઉસ્તાદ રણયોદ્ધાની જેમ પતંગ પાસે કેવા કેવા દાવ ખેલવવા એ સહુ અમે ભાઈઓને જોઈ જોઈને શીખતા. એ આખો દિવસ આકાશમાં એક અજબ રણમેદાન રચાતું. ભગવતીકુમાર શર્માની પેલી કવિતામાં છે ને:

પવન પાતળો કાગળ લઈને નભમાં ઉડે આગાશીજી ....

વિના અમાસે સૂર્ય ઘેરતા રાહૂ બની પતંગાજી,

ધોળે દાડે નભમાં આલે અંધકારના દંગાજી

આ જ ધરાનું પાણીપતને આ જ ગગનનું પ્લાસીજી


એ દિવસે તો સૂરજ આથમે પછીની મજા પણ કંઈક ઓર હોય. પોળની સૌથી ઉંચી અગાશી પર ઉભા અમે ચારેબાજુ થતી આતશબાજી જોઈએ. હજુ એ પૂરી થાય ત્યાંતો ટમટમતી ટૂક્કલો ચડવા લાગે ઢાલ પર. સવારથી મોડી રાત સુધી આકાશમાં અનોખા દ્રશ્યો સર્જાયા કરે અને સૌની નજરો એ દિવસે ઉર્ધ્વગામી બને. આ દ્રશ્યોનો લહાવો લેવામાં કોઈ રહી જતું હોય બાકાત તો તે મારી મા. એને તો આજે જ નહીં બે અઠવાડિયાથી ઊંઘ હરામ હોય.


ઉત્તરાયણને પંદર દિવસ બાકી હોય એટલે માના કામનું લીસ્ટ તૈયાર. માળીયેથી જુના, મોટા પિત્તળના ડબ્બા,થાળ, વાડકા, ઉતારવા, માંજવા, ને પોલીશ કરાવવાથી કામ શરુ થાય. પછી કરીયાણાવાળા પૂનમાજીને ત્યાંથી તાલ, દાળિયા, શીંગ, કોપરું, ચીક્કીનો ગોળ, મમરા, ધાણી, મંગાવવાના હોય. ઘેર રોજ એક પછી એક નાસ્તા બને-- ભેળની પૂરીઓ, જાડી-ઝીણી સેવ, ચાર જાત ની ચીક્કીઓ, વઘારેલા મમરા, ધાણી, પૌઆનો ચેવડો. રસનાના બે ત્રણ શરબત પણ બનાવી મુકવાના હોય. કાલુપુર મોતિબેકરીમાંથી જાતજાતના બિસ્કીટ લાવવાના હોય. બે અઠવાડિયા દરમ્યાન આ માળીયેથી ઉતારેલા બાર પંદર ડબ્બા જાતજાતની વસ્તુઓથી ભરાઈ જાય. પચાસએક કપ-રકાબી, ને શરબતના પ્યાલો પણ ધોઈ ને સાફ કરી હોય તૈયાર. ઉત્તરાયણના આગલાં બે દિવસે ભેળ ની ચટણીઓ, પાણીપૂરીનું પાણી બનાવવાનું, ધાબુ ધોવડાવવાનું, શેતરંજીઓ પથરાવવાની, માણેકચોકથી શેરડી, બોર, ઊંધિયાના શાક લાવવાના હોય. ઉત્તરાયણના દિવસે પણ માં સવારથી કામમાં લપેટાયેલી હોય. બે નણંદ વર, દીકરા, દીકરીઓ, જમાઈઓ અને પોરિયા સહીત આગલી રાતથી જ આવી જાય એટલે માનું કામ ક્યાંથી ખૂટે! દિવસ ચડતો જાય તેમ પપ્પાના મિત્રો, દીદીની ને મારી બહેનપણીઓ, સ્નેહીજનો, અરે ઊંચું ઘર, ને અગાશીએ રસથાળ જોઈ આજુબાજુના પડોશીઓ પણ મિત્રો સંગાથે પધારવા માંડે. માનો આખો દિવસ શરબત, ચા, ભેળ, પાનીપૂરી, ફ્રુટ, બિસ્કીટ, નાસ્તા લઇ લઇ ચાર દાદરા ઉતરચઢ કરવામાં પૂરો થાય. આખું ગામ જયારે ધાબે ચડી પતંગની મજા માણતું હોય ત્યારે નીચું ઘાલી કામ કરતી માને જોતા હું ઘણી વાર વિચારતી શું માને અગાશીએ ચડી મઝા કરવાનું મન નહીં થતું હોય? એને શા માટે બધાના આનંદ ખાતર પોતાની મઝા જતી કરવાની? હું ક્યારેક પૂછતી પણ ખરી, "ચલ ને ઉપર. તારે નથી આવવું મજા કરવા?" એ હસતી ને કહેતી, "તારા જેવડી હતી ને ત્યારે ઘણી કરી...હવે તું કર. હું ધાબે ચડી બેસું તો આ બધું કામ કોણ સંભાળશે?" ક્યારેક બે ઘડી જો આવી પણ ગઈ તો, " મામી, મારી ફીરકી પકડો ને પ્લીઝ", કરતા ભાણીયા મામીને દોરી વીંટવાનું કે ફીરકી પકડવાનું કામ સોંપી દેતા. ત્રીસ વર્ષમાં એકેય વાર બેફીકર થઇ પતંગ ચડાવતી મા મેં જોઈ નથી. હમેશા બીજાની ફીરકી પકડતી, કે કોઈએ ચગાવેલા પતંગની બે ઘડી સહેલ લેતી માના મનનું આકાશ શું ઉત્તરાયણના આકાશ જેવું જ રંગરંગીન હશે? શું ત્યાં પણ પતંગ ઉડતા હશે? કોણ બંધાતું હશે એ પંતગોને કિન્ના અને કોણ ખેંચતુ હશે એની દોર? કે પછી એણે પણ વાળી રાખ્યા હશે કંઈ કેટલાંય પીલ્લાં એની ઇચ્છાઓના?


-- પ્રતિષ્ઠા પંડ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો