Translate

શનિવાર, 7 જાન્યુઆરી, 2012

પ્રવાસ કરતી વેળાએ...

               આપણે લાંબા અંતરના પ્રવાસે કારમાં બેસીને ફરવા જતા હોઈ એ ત્યારે હાઈ વે તો આવે જ. મારગની બંને બાજુએ સરસ મજાની હરિયાળી પથરાયેલી હોય, ક્યાંક દૂર દૂર ડુંગરાઓની કતાર દેખાય તો વાદળાની અલગ અલગ છટા તો મોસમ પ્રમાણે બદલાય. કારમાં મનપસંદ સંગીત કે ફિલ્મી ગીતો વાગી રહ્યા હોય અને તમે બારી બહાર પ્રકૃતિની મજા માણતા માણતા જુની મીઠી યાદો વાગોળતા હોવ અને અચાનક માથુ ફાટી જાય એવી અસહ્ય, તીવ્ર દુર્ગંધ આવે એવું ઘણી વાર બનતું હોય છે. હાઈ વે પર બકરી, બિલાડી, કૂતરું કે ગાય-ભેંસ જેવું કોઈ પ્રાણી વાહનની હડફેટે ચડતા અકસ્માતનો ભોગ બની મરી જાય અને તેની લાશ રસ્તા વચ્ચે જ કે અકસ્માત સ્થળ પર જ એક બાજુએ ખસેડી દીધી હોય અને તે સડવા માંડે ત્યારે આવી અરૂચિકર વાસ પેદા થાય છે અને સોનાની થાળીમાં લોઢાના મેખ જેવો ઘાટ થાય!


               કોઈ પણ નવા શહેરમાં રેલવે દ્વારા પ્રવાસ કરીને જાઓ અને એ શહેરનું રેલવે સ્ટેશન મોટું જંકશન હોય ત્યારે એ રેલવે સ્ટેશન પર ઉતરતાંની સાથે જ તેની હાલત જોજો. ખાસ કરીને તમારી ટ્રેન ઉભી હોય તેની નીચે પાટા પર નજર નાખજો. તમે નબળા મન ના હશો તો તમને ઉલટી થયા વિના નહિં રહે. લોકોના મળમૂત્રના થર ના થર, આપણે જ બેદરકારીથી ટ્રેનની બારીમાંથી બહાર ફેંકેલો કચરો, એ બધી ગંદકી વચ્ચે જયાફત ઉડાવતા મોટા મોટા ઉંદરો અને પ્લેટફોર્મ પણ કંઈ ચોખ્ખુ ચણાક તો નહિં જ હોય. ત્યાં પણ ચા-કોફીના વપરાયેલા પેપર કે પ્લાસ્ટિક કપ્સ, ફૂડ પેકેટ્સના ખાલી રેપર્સ, છાપાના કાગળોના ડૂચા અને બીજી બધી ગંદકી એક સાથે જોવા મળશે. જાણે ભારતભરના લોકો ત્યાં એ સ્ટેશને જ ગંદકી કરવા પહોંચી ગયા ન હોય એવું લાગે! તાજેતરમાં મારે અમદાવાદથી આગળ રેલવે દ્વારા જવાનું થયું અને મારી ટ્રેન અમદાવાદ સ્ટેશને લાંબો સમય ઉભી રહી ત્યારે ત્યાં ફેલાયેલી ગંદકી જોઈ હું સમસમી ગયો. સ્ટેશનના પ્લેટફોર્મ પર લટાર મારી ફરી ગાડીમાં મારી સીટ પર જઈ બેઠો ત્યાં મારી બાજુમાં બેઠેલ એક પરિવારની યુવતિ તેના ભાઈને કહી રહી હતી,"છી...અમદાવાદ કેટલું ગંદુ છે..." તેણે આ ઇમ્પ્રેશન ચોક્કસ ગાડીની બારીમાંથી નજરે ચડતી ગંદકીને જોઈને જ બાંધી હતી.

             ઉપરોક્ત સમસ્યાઓનો કોઈ રીતે નિકાલ આવી શકે ખરો?

             વેલ, જવાબ છે ચોક્કસ આવી શકે. થોડા પગલાં સરકાર લઈ શકે અને ઘણાં પગલા હું, તમે અને આપણા પરિવારના દરેક સભ્ય એટલે કે આપણે નાગરિકો મળીને લઈ શકીએ. આ થોડાઘણાં પગલા ચોક્કસ ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે.

              ઉપર ચર્ચેલી બે સમસ્યાઓના સંદર્ભમાં જોઇએ આપણે શું કરી શકીએ. મને લાગે છે રસ્તે અકસ્માત થયેલા પશુઓના શબ વગેરે લઈ જવા સરકારે ચોક્કસ કોઈક વ્યવસ્થા કરી હોવી જોઇએ. આ બ્લોગ વાંચનાર કોઈ પણ વાચકને આવી કોઈ સંસ્થા કે ફોન નંબરની જાણ હોય તો મને એ જણાવવા વિનંતી. આપણે અહિં એ છાપીશું. જેથી આપ જ્યારે પ્રવાસ કરતી વેળાએ આવી કોઈ દુર્ઘટનાનો શિકાર બનેલી પ્રાણીના શબને જુઓ તો તરત એ સંસ્થા કે ફોન પર જાણ કરી એ લાશનો યથા યોગ્ય નિકાલ કરી શકાય જેથી એ સડી જઈ દુર્ગંધ અને રોગો ફેલાતા અટકી શકે. સરકારે આ દિશામાં કંઈ વિચાર્યું ન હોય તો એ કંઈક નક્કર પગલા લઈ શકે. સરકાર કે સંસ્થા સંપર્કની વિગતોના મોટા બોર્ડ હાઈવે પર અને શક્ય એટલા દરેક જરૂરી સ્થળે લગાડી આ અંગેની માહિતીનો પ્રસાર કરી શકે. આપણે મનુષ્યો કે પાળેલા પ્રાણીઓના અવસાન બાદ તેમના શબનું કેટલા માન અને પ્રેમ સાથે દહન કે દફન કરીએ છીએ.તો શું દુર્ઘટનાનો ભોગ બની પ્રભુને પ્યારા થઈ ગયેલા એ પ્રાણીઓના શબનો પણ આ રીતે જ નિકાલ થવો જોઇએ એ યોગ્ય નથી લાગતું?

                 બીજી ગંદકીની સમસ્યા અંગેપણ આપણે થોડું ધ્યાન રાખી વિચારપૂર્વક વર્તન કરીએ તો આપણા શહેરને,સ્ટેશનને અને દરેક જાહેર જગાને સ્વચ્છ અને સુંદર બનાવી શકીએ.સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેન ઉભી હોય ત્યારે જાજરૂનો ઉપયોગ ટાળવો જોઇએ. અન્ય એક વિચાર એવો પણ આવે છે કે રેલવે ગાડીના જાજરૂમાંથી મળમૂત્ર નીચે જમીન પર પડે એવી વ્યવસ્થા શા માટે?એવી વ્યવસ્થા ન થઈ શકે કે આખી ટ્રેનના બધાં ડબ્બાઓમાંથી મળમૂત્ર યોગ્ય પાઈપો વગેરે દ્વારા જમા કરી તેનો યોગ્ય સ્થળે વ્યવસ્થિત નિકાલ કરી શકાય? વિમાનમાં પણ જાજરૂ હોય જ છે.ત્યાં કંઈ મળમૂત્રનો નિકાલ હવામાં ખુલ્લુ ઉડાડી દઈ કરવામાં આવતો નથી!તો રેલવે વાળા વિમાનમાં વપરાતી પદ્ધતિનો ઉપયોગ ન કરી શકે?આમ થાય તો સ્વચ્છતા જાળવવામાં બહુ મોટી મદદ મળે અને કદાચ જમા થયેલા મળમૂત્રના કચરાનો ખાતર બનાવવામાં પણ ઉપયોગ થઈ શકે. ગાડી સ્ટેશન પર કે યાર્ડમાં લાંબા સમય સુધી ઉભી હોય ત્યારે પ્રવાસી સિવાયના અન્ય લોકો જાજરૂનો ઉપયોગ નિયમિત રીતે કરતા હોય છે આમ ન થાય એની તકેદારી સરકારે રાખવી જોઇએ.વધુ પ્રમાણમાં જાહેર શૌચાલયો બાંધવા જોઇએ જેથી લોકોને ખોટી રીતે ટ્રેનના જાજરૂનો ઉપયોગ ન કરવો પડે.વગર વિચાર્યે આપણે કચરો કે ખાવાપીવાના પદાર્થો ગાડીમાં કે ગાડીની બહાર ન ફેંકવા જોઇએ કે જ્યાંત્યાં થૂંકવું ન જોઇએ.સરકારે સ્ટેશનો અને જાહેર જગાઓની નિયમિત સફાઈ પર ધ્યાન આપવં જોઇએ.આપણે પણ એમાં પૂરેપૂરો સહકાર આપવો જોઇએ.પોતે તો સ્વચ્છતા નિયમોનું પાલન કરવું જ જોઇએ પણ અન્યો પણ બેફામ રીતે આપણી આંખ સામે અસ્વચ્છતા ફેલાવતા હોય તો તેમને નમ્રતાપૂર્વક એમ કરતા રોકવા જોઇએ.

                થોડું સંયમ અને વિચાર પૂર્વક વર્તન કરીને આપણે પણ આસપાસના પરિસરને, શહેરને, દેશને અને વિશ્વને તથા આપણા અને આસપાસના સર્વેના જીવનને વધુ સુંદર, વધુ જીવવા લાયક બનાવી શકીએ છીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો