Translate

મંગળવાર, 6 સપ્ટેમ્બર, 2011

કાઝિરંગામાં હાથી પર વનયાત્રા

ગણેશ ચતુર્થી એટલે ગણપતિદાદાનો તહેવાર અને ગણપતિ દાદાનું મુખ એટલે ગજરાજનું મુખ.મને ગજરાજ પર બેસીને મેં વનપ્રવાસની મજા માણી એ પ્રસંગ વિષે વાત કરવાનું મન થાય છે.તો ચાલે આજે બ્લોગમાં મેં હાથી પર બેસીને માણેલી આ વનયાત્રાની વાત કરું.

ફેબ્રુઆરી મહિનામાં હું મારી પત્ની અને આઠ જ મહિનાની મારી દિકરી સાથે આસામ અને મેઘાલય રાજ્યોમાં ફરી આવ્યો. ખૂબ સારો રહ્યો મારો આ સમગ્ર અનુભવ પણ આસામની આ યાત્રા દરમ્યાન કાઝિરંગા નેશનલ પાર્કમાં એલિફન્ટ સફારી એટલે કે હાથી પર સવારી કરી જંગલમાં લટાર મારવાનો અનુભવ રોમાંચક ,અદભૂત અને અવિસ્મરણીય બની રહ્યો. આ એલિફન્ટ સફારી માટે વહેલી સવારે ઉઠવું પડે કારણ હાથી મહારાજની પહેલી સવારી ઉપડે સવારે પાંચ વાગે! હું જે હોટલમાં રોકાયો હતો તે હાથી-સફારી શરૂ થવાની જગાથી બાર કિલોમીટર દૂર હતી.આથી સવારે સાડા ત્રણે(કદાચ જીવનમાં પહેલી વાર!) ઉઠી અમે નાહીધોઈ તૈયાર થઈ ગયા અને નિકળી પડ્યા ગજરાજ સવારી માટે. સવા પાંચે આ અદભૂત યાત્રાની શરૂઆત થઈ. સફારી શરૂ થવાની જગા પાસે ગાડીમાંથી ઉતરી થોડું ચાલીને આગળ જવાનું હતું. હજી ઘોર અંધારૂં હતું.છતાં આછા ચંદ્ર પ્રકાશમાં આજુબાજુમાં ચાલી રહેલા લોકોને જોઈ ખ્યાલ આવ્યો કે પ્રક્રુતિને પ્રેમ કરનારા ઘણાં બીજા પણ છે. પણ હા એક વાત ખરી કે આઠ જ મહિનાની દિકરીને લઈ આવું સાહસ કરનાર હું એકલો જ હતો! થોડું આગળ ગયા ત્યાં લાકડાના માંચડા જેવું પ્લેટ્ફોર્મ નજરે ચડ્યું.અહિંથી અમારે ગજરાજ પર સવાર થવાનું હતું. એક હાથી પર ચાર,છ કે આઠ લોકોને બેસાડવા હાથીની પીઠ પર લાકડાની બેઠક બનાવેલી હોય.મારી સાથે પત્ની સહિત નાની બાળકી હોવાથી ચાર સીટ વાળા હાથી પર અમને બેસવા મળ્યુ.અમે બેઠા હતા તેની બીજી તરફ અમારી પીઠ તરફ તેમની પીઠ રહે એમ એક આધેડ વયનું દંપતિ બેઠું હતું.હાથીની ગરદન પર હાથી પર અંકુશ રાખનાર મહાવત ગોઠવાયો હતો.ભર અંધારામાં જ અમારી હાથીયાત્રા શરૂ થઈ.અમારા માંચડાની સામે રસ્તાની બીજી બાજુએ પણ માંચડો હતો ત્યાં બીજા બે હાથી તૈયાર હતા અન્ય પ્રવાસીઓને પીઠ પર બેસાડી જંગલયાત્રા કરાવવા.અમારા હાથી એ ચાલવું શરૂ કર્યું અને મને લાગ્યું અમે સૌથી પહેલા છીએ એ દિવસે યાત્રા પ્રારંભ કરનારા.પણ થોડા આગળ વધ્યા હોઈશું ત્યાં અંધારામાં બીજાં ચાર-પાંચ મહાકાય આકારો અલગ અલગ દિશાઓમાં ધીમે ધીમે આગળ વધી રહેલાં અનુભવ્યાં. થોડાં નજીક જતાં માલૂમ પડ્યું કે મદમસ્ત ચાલે આગળ વધી રહેલાં એ અમારી પહેલાં વનસવારી પ્રારંભ કરી ચૂકેલાં ગજરાજો હતાં! ઉંચું ઘાસ રસ્તામાં આવતું હતું.પોતાની મસ્તીમાં ટહેલી રહ્યાં હોય અને અમારો ભાર જાણે તેને વર્તાતો જ ન હોય એમ અમારા હાથી મહારાજ આગળ વધી રહ્યાં હતાં.અમે તેની ઉપર બેઠાં બેઠાં ડોલી રહ્યાં હતાં. હાથીજી વચ્ચે વચ્ચે રસ્તામાં આવતાં ઘાસને મૂળ સહિત પળવારમાં પોતાની લાંબી સૂંઢ વડે ખેંચી કાઢી પોતાના મોઢામાં પધરાવી દેતાં હતાં. હજી અંધારા મઢી વહેલી સવારમાં ક્યારેય ન અનુભવેલી અનુપમ અને અદભૂત તાજગી વર્તાતી હતી. આટલી શુદ્ધ હવા અમે ક્યારેય શ્વાસમાં ભરી નહિં હોય! અમે એટલે મેં, મારી બાજુમાં બેઠેલી મારી પત્ની અમી અને આઠ મહિનાની મારી નાનકડી દિકરી નમ્યાએ જે મારા ખોળામાં સૂતી હતી. થોડે દૂર સફેદ ગાદલા જેવું કંઈક પથરાયેલું જણાયું. મને એમ કે એ નદી કે તળાવ હશે પણ મહાવતને પ્રુચ્છા કરતા જાણવા મળ્યું કે એ જમીન પર પથરાયેલું ધૂમ્મસ હતું. હું હાથી પર બેઠા બેઠા મ્હાલી રહ્યો હતો અને આસપાસ થોડે થોડે અંતરે ચાલી રહેલા હાથીઓ તરફ જોતા જોતાં પ્રક્રુતિના આ નોખાં સ્વરૂપનાં સૌંદર્યનું ધરાઈ ધરાઈને આકંઠ પાન કરી રહ્યો હતો ત્યાં અમારા મહાવતે એક ચોક્કસ દિશા તરફ નિર્દેશ કરતાં હળવા સાદે એક રાખોડી સફેદ રંગની અસ્પષ્ટ આક્રુતિ તરફ અમારું ધ્યાન દોર્યું. તે એક ગેંડો હતો. વર્ષો પહેલાં બાળપણમાં મુંબઈના પ્રાણીબાગ ના પિંજરામાં મેં ગેંડો જોયાનું મને આછું આછું સ્મરણ છે.પચીસેક વર્ષ બાદ હું એક સાચા જીવંત ગેંડાને મારી આંખ સામે મુક્ત વિહરતો જોઈ રહ્યો હતો.એક અજબની ધન્યતાની લાગણી અનુભવી જ્યારે એ ગેંડાની બાજુમાં તેનું નાનકડું બચ્ચુ પણ લપાઈને ચાલતા જોવા મળ્યું.ધીરે ધીરે મહાવતે અમારા હાથીની ચાલવાની દિશા બદલી અને અમે એ ગેંડા મા-બેટાની સાવ નજીક જઈ પહોંચ્યા. હાથીને ઉભો રાખ્યો અને અમે ધરાઈને ગેંડાની એ મા-બેટાની જોડીને નિરખી. ત્યાં કોણ જાણે શું થયું ને મારી નમ્યાએ ભેંકડો તાણ્યો! ગેંડો અને તેની નાનકડી નમ્યા જાણે ડિસ્ટર્બ થઈ ગયાં અને તેઓ આગળ ઘાસમાં ગાયબ થઈ ગયાં! મેં મારી નમ્યા ને સહેજ પસવારી અને તે ફરી સૂઈ ગઈ.

અમે આગળ વધ્યા ત્યાં દૂર કાળી મોટી ભેંસો ચારપાંચના ટોળામાં જોવા મળી. તેમની અને આપણે ત્યાં જોવા મળતી સામાન્ય ભેંસો વચ્ચે ફરક બે હતાં એક તેઓની ચાલવા-દોડવાની ઝડપ અને બીજું વિશિષ્ટ આકારના તેમના અર્ધવર્તુળાકારના શિંગડા જેની મદદથી તેમને સહેલાઈથી ઓળખી શકાય. અંગ્રેજીમાં ‘બાઇસન’ તરીકે ઓળખાતા આ પ્રાણીઓ અતિ ખતરનાક હોય છે.જરૂર પડ્યે બચ્ચાને બચાવવાનું હોય એવા કોઈક પ્રસંગે તે સિંહ કે વાઘ સામે પણ પોતાના અણિયાળા શિંગડા વડે હૂમલો કરી તેને ભગાડી મૂકે છે.તેમને દૂરથી જોઈ મહાવતે હાથીની દિશા ફેરવી.ત્યાં બીજી તરફ સાબર નજરે ચડ્યા.ગભરુ એવા હરણ-સાબર મને સાવ નિર્દોષ અને ભોળા પ્રાણીઓ લાગે છે.થોડે આગળ વધ્યા ત્યાં દૂરથી વહેતી મોટી શાંત નદીના દર્શન થયાં.

હજી અજવાળું જોઇએ એવું પથરાયું નહોતું. નદીમાં ન્હાઈ રહેલા ગેંડા અને દૂર કેટલાક પક્ષીઓ દ્રષ્ટીગોચર થયાં. નદી થોડી વાર સુધી નિહાળ્યા બાદ હાથીને મહાવતે ડાબી તરફ વાળ્યો.થોડે આગળ ગયા ત્યાં એક સરસ વાત બની.અમારી એક બાજુએ ત્રણ-ચાર ગેંડા અને બીજી બાજુએ એક-બે સાબર ચરી-ફરી રહેલાં જોવા મળ્યાં.આટલા પાસપાસે ત્રણ જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓને મુક્ત રીતે તેમની દિનચર્યા કરતાં નિહાળ્યા - ગેંડા,સાબર અને હાથી. અહિં હાથીને તમે સંપૂર્ણ રીતે મુક્ત તો ન ગણી શકો. મનુષ્ય નામના લુચ્ચા,બુધ્ધિશાળી પ્રાણીએ તેને ગુલામ બનાવી રાખ્યો હતો અને તેના પર બેસીને જ આજે અમે આ વનપ્રવાસની મજા માણી રહ્યા હતાં.પણ એક વાતનું આશ્વાસન એ હતું કે અહિં તે તેના કુદરતી પરિસરમાં વિહરી તો શકતો હતો,પાંજરા કે સર્કસમાં કેદ તો નહોતો! આ ત્રણે વન્ય પશુઓનું આટલા નજીકથી સાનિધ્ય માણવાની અને તેમને મુક્ત રીતે હરતા ફરતા જોવાનો અનુભવ અતિ આનંદદાયક અને મનને સંતોષ અને શાંતિ આપનારો બની રહ્યો.

ધીમે ધીમે અજવાળુ પથરાઈ રહ્યું હતું.હવે અમે આજુબાજુ ચાલી રહેલા હાથીઓ,તેમના પર છ કે આઠના સમૂહમાં બેઠેલી વ્યક્તિઓને તેમજ આસપાસના પરિસરને ,તેની નૈસર્ગિક સુંદરતાને સ્પષ્ટ જોઈ શક્તા હતાં.અમારા હાથીનું નામ ‘લકી પૂર્ણિમા’ હતું.( આમ એ ખરું જોતાં હાથણી હતી!) એક ઢાળ જેવું આવ્યું અને ‘લકી પૂર્ણિમા’ ધીમે રહીને તેના પર ચઢી ગઈ. અમને હાલક્ડોલક સ્થિતીમાં આ જમીનથી થોડા ઉંચા ભાગે હાથી પર બેઠા બેઠા ચઢવાની મજા પડી. આ ઢોળાવ ખરી રીતે આજુબાજુની જમીનથી થોડી ઉંચાઈ પર બનેલ સાંકડો રસ્તો હતો. અહિં આ સાંકડા પણ ઉંચા રસ્તા પર ત્રણ-ચાર હાથી કતારબંધ ચાલી રહ્યા હતાં. ત્યાં બન્યું એવું કે રસ્તાની બીજી બાજુએ બે મોટા રાખોડી ગેંડા વાતચીત કરતા કરતા કે રમત કરતા કરતા ઝગડ્યા.પહેલાં તો અમને સૌને આ દ્રશ્ય જોવાની મજા પડી પણ ત્યાં તો એ ગેંડાઓના ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તેમાંના એકે વિચિત્ર મોટી રાડ પાડી.તેઓ અમારા હાથીની સાવ નજીક હતાં.અમારો હાથી ગેંડાનો અવાજ સાંભળી ભડક્યો અને તેણે સામે ગેંડા કરતાયે મોટા અવાજે ત્રાડ પાડી.આથી ગભરાઈને પેલા બે ગેંડામાંનો એક દોડ્યો એક દિશામાં અને બીજો દોડવા ગયો બીજી દિશામાં. પણ બાજુમાં જ અમારો હાથી હોઈ તેના પગમાં કંઈક ભરાઈ જતા પડતા પડતા રહી ગયો! મને એક બાજુ આ જોઈ હસવું આવ્યું તો બીજી તરફ ગેંડાઓની આ નાસભાગે અમારા હાથીઓને પણ ઉશ્કેર્યા અને તેઓ સાંકડા ઉંચા રસ્તા પર આઘાપાછા થવાં માંડ્યા અને અમે બધાં એવા તો ડરી ગયા કે ન પૂછો વાત! પણ થોડી જ ક્ષણોમાંતો ગેંડાઓ પણ ગાયબ થઈ ગયાં અને અમારા હાથીઓ પણ શાંત થઈ ગયાં. જો આ ખતરનાક ખેલ વધુ સમય ચાલ્યો હોત તો મને ખાતરી છે કે કેટલાક લોકો તો ચોક્કસ ગભરાઈને હાર્ટ અટેકથી મરી ગયાં હોત! ખેર મારા માટે તો આ એક રોમાંચકારી ઘટના બની રહી જે મને સદાય યાદ રહેશે!

એ પછી તો 'લકી પૂર્ણિમા'એ અમને વધુ થોડો સમય જંગલમાં ફેરવ્યા અને અજવાળું થઈ જવાથી સુંદર વ્રુક્ષો, થોડાંઘણાં પંખીઓ અને બીજાં થોડાં સાબર, ગેંડાઓ અને ઘાસ તથા કરોળિયાના જાળા,પ્રાણીઓનાં પગલાં તેમની વિશ્ટાના ઢગલા વગેરે અનેક વસ્તુઓ સ્પષ્ટ પણે જોવા મળી! અને અડધા પોણા કલાકમાં તો અમારી આ વનયાત્રા પૂર્ણ પણ થઈ ગઈ. પછી તો અમે બધાંએ હાથી પરથી નીચે ઉતરી તેની આજુબાજુ ઉભા રહી ફોટા પડાવ્યાં.

અને થોડાં સમયમાં તો બધાં ત્યાંથી વિખરાઈ ગયાં પણ આ યાત્રા - આ ઘટના સદાય મારા સ્મૃતિપટ પર જડાયેલી રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો