Translate

રવિવાર, 23 જાન્યુઆરી, 2022

ગેસ્ટ બ્લોગ : વિસરાતું જતું એક અસ્તિત્વ.... પુસ્તક

            હમણાં  23 એપ્રિલના વિશ્વ પુસ્તકદિન ગયો. મનમાં જરા વિષાદની લાગણી થઈ  આવી.. શું ખરેખર આ દિવસ એક દિન પૂરતો જ સીમિત થઈ જશે? વાચકવર્ગની ઘટતી સંખ્યા જોતાં લાગે છે કે પુસ્તકનું , સાહિત્યનું અસ્તિત્વ કેટલું ટકશે? અત્યારના ટેક્નોલોજી યુગમાં પુસ્તક આંગળીના ટેરવે એટલે કે મોબાઈલ અને કમ્પ્યુટર ની સ્ક્રીન પર સ્થાન પામ્યું છે . નવા આવિષ્કારને આવકારવું પણ જરૂરી છે જ એને નકારી ન શકાય, પણ પુસ્તકરૂપે વાચનની મજા અલગ જ છે . પુસ્તક નવું ખરીદ્યું હોય ત્યારે એની એ મહેક, પુસ્તકના એક એક પાનાંને ટેરવાના સ્પર્શથી ફેરવવાનો આનંદ ... આવી અનુભૂતિનો અહેસાસ મોબાઇલ  કે કોમ્પ્યુટરમાં ક્યાં માણવા મળે?! જો કે આજની આવી  પરિસ્થિતિમાં જ્યારે છાપાં - અખબાર ઘરે નહોતાં  પહોંચતાં  ત્યારે આ ટેક્નોલોજીની મદદથી જ આપણે મોબાઇલ પર વિશ્વભરનાં સમાચારો જાણી શકતાં.

            આજનું જનરેશન આપણા સાહિત્યથી, માતૃભાષાથી વિમુખ  થતું જાય છે ત્યારે બીજી બાજુ એને બચાવવાનાં પણ ભરપૂર પ્રયત્નો ચાલી રહ્યાં છે . આપણું સાહિત્ય વૈવિધ્યસભર છે , સમૃદ્ધ છે. ગુજરાતી  સાહિત્યને વાંચનાર વર્ગ ધીમે ધીમે લુપ્ત થતો જાય છે. આજનું જનરેશન જે ઇંગ્લિશ મિડીયમમાં ભણી રહ્યું છે તે કદાચ ગુજરાતી ભાષા લખી કે વાંચી શકે પણ માત્ર ખપપૂરતું , સામાન્ય . એ લોકો હરીન્દ્ર દવે , મેઘાણી કે મુનશી જેવા અનેક સાહિત્યકારની કૃતિઓ ક્યાં સમજી શકે કે એનો વૈભવ માણી  શકે?? પુસ્તકની સાથે સાથે લાઇબ્રેરીનું અસ્તિત્વ પણ જોખમમાં છે. પહેલા લોકો લાઇબ્રેરીની મેમ્બરશીપ લેતાં . નવા નવા , અલગ અલગ પુસ્તકો લે, વાંચે અને પરત કરી દેતાં. કેટલાક લોકો  તો ઘરમાં લાઈબ્રેરી બનાવતાં પણ હવે પુસ્તક વાંચનારાંની સંખ્યા ઓછી થતી જાય છે ત્યાં લાઇબ્રેરી પણ નામશેષ થતી જાય છે. 

              વિશ્વ પુસ્તકદિનનો ઉદ્દેશ એક જ હોઈ શકે કે વધુ ને વધુ  લોકો પુસ્તક પ્રત્યે રુચિ કેળવે . પુસ્તકવાંચનની આદત- શોખને રોજિંદા જીવનમાં સ્થાન આપે . અત્યારનાં  મહામારીના સમયમાં તો શિક્ષણ પણ ઓનલાઇન થઈ  ગયું છે. આજનાં  ડીજીટલ યુગમાં પુસ્તકો , આખું સાહિત્ય કમ્પ્યુટર ને મોબાઇલમાં સમાઈ ગયું છે .છતાં ય એક વાંચકવર્ગ ભલે કદાચ લઘુમતીમાં જોવા મળે, પણ છે ખરો જેને માટે પુસ્તકો , છાપાંઓ એક અનિવાર્ય  જરૂરિયાત છે.પુસ્તક જેવી ઉત્તમ ભેટ બીજી કોઈ નથી તો એના જેવો ઉમદા મિત્ર બીજો કોઈ હોઈ ન શકે . ખાસ કરીને આજનાં કપરા સમયમાં તો તે એક સારો સાથી પુરવાર થયો છે . 

             પુસ્તક આપણી અમૂલ્ય સંપત્તિ છે અને કદાચ દુર્લભ પણ . તેના થકી આપણી સંસ્કૃતિ,આપણો ઇતિહાસ જીવંત છે . તેનું જતન થવું જ જોઈએ .ખરેખર આજે  જરૂર છે એવા પ્રયાસોની જે  પાછા લોકોને પુસ્તક તરફ વાળી શકે, લોકોમાં પુસ્તકપ્રેમ જગાવી શકે.                                                                                      

        -  નેહલ દલાલ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો