ડિસેમ્બર ૨૦૧૯ની ટૂંકી દ્વિતીય ગુજરાત યાત્રાનું સૌથી મોટું આકર્ષણ એટલે કે કેવડિયા માં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવાઈ રહી. પણ આ યાત્રામાં બીજાં જે અવિસ્મરણીય અનુભવો થયાં એ બિલકુલ અણધાર્યા હતાં, બોનસ મળ્યાં સમાન હતાં.
શુક્રવારે સ્ટેટયુ ઓફ યૂનિટીની મુલાકાત લઈ રહ્યાં બાદ શનિવાર - રવિવાર શાંતિદાયક, આનંદદાયક, દર્શનીય તીર્થરાજ નીલકંઠધામ, પોઈચા ખાતે વિતાવ્યા. શનિવારની સવારે મંદિરના પ્રાંગણમાં પગ મૂક્યો ત્યારથી મન અનેરી ધન્યતા અનુભવી રહ્યું. આ મંદિર અત્યાર સુધી મેં જોયેલા સઘળાં મંદિરોમાં સૌથી સુંદર મંદિર છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય.
નીલકંઠધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા રચિત, એક આખેઆખું વ્યવસાયિક દ્રષ્ટિએ વિકસાવાયેલું પ્રવાસન સ્થળ છે. તેના પ્રવેશ દ્વાર પર વિશાળકાય હાથીની પ્રતિમાઓ પર દેવતાઓ તમારું સ્વાગત કરતાં હોય એ રીતે ગોઠવાયા છે.







ખેર, અંડરગ્રાઉંડ એવા આ ગૌમુખ કક્ષમાં સ્નાન વિધિ અને પ્રદક્ષિણા પતાવી પછી તમે ઉપર તરફ દાદરા ચડી, ડાબે હનુમાન અને જમણે ગજાનનની મૂર્તિના દર્શન કરી શકો અને હજી એક સ્તરે ઉપર ચડી મુખ્ય મંદિરમાં પ્રવેશી શકો,




સવારે સાડા પાંચથી રાતના આઠ વાગ્યા સુધી સતત કોઈક ને કોઈક પ્રવૃત્તિ અહીં મંદિરમાં ચાલ્યા કરે. આરતી, અભિષેક, અન્નકૂટ - રાજભોગ, ઢોલ - શરણાઈ સાથે રથમાં આંગી દર્શન, આંગીધારી વરણીન્દ્ર ભગવાનની આરતી, નૌકા વિહાર, જળયાત્રા - કાવડ યાત્રા, રથયાત્રા વગેરે અનેક વિધિ - પ્રવૃત્તિઓથી મંદિર સતત ધમધમતું રહે.
રોજ સાંજે સ્વામી નારાયણ ભગવાનની રથયાત્રા નીકળે જેમાં સાચા હાથી - ઘોડા,તોપ,બેંડબાજા,પાલખી અને ભક્તોનો મહેરામણ જોડાય.જળ, મોતી, જરી સહિત અબીલ - ગુલાલ સાથે ઉત્સાહ, ભક્તિ અને પવિત્રતાની છોળો ઉડે.

શનિવારની સવારે મંદિરમાં દર્શન કર્યા બાદ અમે અહીં નજીક આવેલ અન્ય એક મંદિર કુબેરભંડારી મહાદેવના દર્શનાર્થે ગયાં. મંદિરની વિશાળ કેન્ટીનમાં સવારનો ચા - નાસ્તો પતાવી, ત્યાં બાજુમાંથી જ નીચે એક રસ્તો ઉતરી જતો હતો, ત્યાં ગયા. આમતો એ નર્મદા નદીનો વિશાળ પટ હતો પણ હાલ એમાં પાણી નહોતું એટલે પોણા ભાગ જેટલું અંતર નદીના પટ માં જ ગોળ, લીસ્સા કાંકરા પર ચાલીને જવાનું હતું અને પછીનું થોડું અંતર હોડીમાં બેસી, કાપી સામે કાંઠે જવાનું હતું. હું, અમી, નમ્યા અને હિતાર્થ મા નર્મદા ના પટમાં ગેલ કરતાં, કાંકરા સાથે રમતા, ઘડીક બેસતા તો ઘડીક દોડતા સુંદર સમય સાથે પસાર કરતા પાણી સુધી પહોંચ્યા અને પછી હોડીમાં બેસી સામે કાંઠે આવેલ ફુબેર ભંડારી મહાદેવના મંદિર સુધી પહોંચી ગયાં.
સો - એક પગથિયાં ચડવાના હતાં. સારો અનુભવ રહ્યો. હિતાર્થ અને અન્ય એક સાધુ મહાત્માએ ડમરું લેવાની માગણી કરી જે મેં પૂરી કરી.ત્યાં ભંડારામાં ભેટ લખાવી થોડો સમય પસાર કર્યા બાદ હોડીમાં ફરી પાછા નર્મદા તટે આવ્યાં અને ફરી હસતાં, રમતાં કલ્લોલ કરતાં ગોળ - લીસ્સા કાંકરાં પર ચાલતાં નીલકંઠ ધામ પરત ફર્યાં. આ થોડાં ઘણાં લીસ્સા ગોળ કાંકરાં ભેગા પણ કરી સાથે લઈ લીધાં, ઘેર યાદગીરી રૂપે લઈ આવવા. બપોરે આરામ કર્યો અને પછી આ મંદિરના પરિસરનું અન્ય એક આકર્ષણ માણ્યું. અહીં મંદિરના જ પરિસરમાં થોડે દૂર મોટા પાર્કમાં રોજ બપોરથી સાંજ સુધી એક પ્રદર્શન યોજાય છે - સહજાનંદ યુનિવર્સ પ્રદર્શન. ટિકિટ લઈ આ પ્રદર્શન માણવા અંદર બાગમાં પ્રવેશ્યા અને પછી ત્રણ - ચાર કલાક ક્યાં પસાર થઈ ગયા તેની ખબર જ ન પડી. આ પ્રદર્શન ના મુખ્ય આકર્ષણો હતાં - વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ, રામાયણ, મહાભારત વગેરેના પ્રસંગો દર્શાવતા નમૂના, વિજ્ઞાન પાર્ક, લેઝર શો,

વિષ્ણુની સૂતેલી મુદ્રામાં વિશાળકાય મૂર્તિ, નૌકા વિહાર, દ્રશ્ય - શ્રાવ્ય શો, ભૂત ઘર, પુલ, મિરર હાઉસ, માછલી ઘર,પક્ષી ઘર, બાળકોનાં રમવાનાં સાધનો વગેરે વગેરે.
પાછા ફર્યા બાદ, સાંજે મંદિરની રથયાત્રા માણી. મન પ્રસન્નતા અનુભવી રહ્યું. અમારી ઉતારાની વ્યવસ્થા હતી ત્યાં જ બાજુમાં હાથીનો આવાસ હતો. બાળકો સાથે હાથીની દિનચર્યા નિહાળી.
બીજાં દિવસ માટે, મને ખાસ મંદિરમાંથી અત્તરની દુકાનવાળા ભાઈએ એક ભલામણ કરી હતી કે મારે સવારે વહેલા પાંચ વાગે ઉઠી સ્વામી નારાયણ ભગવાનનો અભિષેક થાય છે એ નિહાળવો અને એમાં ભાગ લેવો. આ એક અતિ સુંદર રોજ ચાલતી પૂજા અર્ચનાનો ભાગ છે જે રોજ વહેલી સવારે સાડા પાંચ વાગે મંદિરમાં કરાય છે. હું વહેલો ઊઠી અને પહોંચી ગયો અને આ પૂજા-અભિષેકમાં ભાગ લેવો પણ મારા માટે ચિર સ્મરણીય એવો એક અનુભવ બની રહ્યો. ઠંડી સારી એવી હતી અને વહેલી સવારે શાસ્ત્રોક્ત રીતે પંચામૃત (દૂધ,દહીં, ઘી, મધ અને સાકર), ચંદન, ૧૦૮ લિટર દૂધ, ૧૦૮ ઔષધિ જળકુંભ, સપ્ત મૃત્તિકા, ૯ પ્રકારના ફળોના રસ અને પવિત્ર કેસર જળ વગેરેથી નીલકંઠ વરણીન્દ્ર ભગવાનની મૂર્તિ પર એક પછી એક સંત આવતાં જાય અને કર્ણ મધુર શ્લોક-મંત્રોચ્ચાર સાથે ઝારી દ્વારા અભિષેક કરતાં જાય. આ આખું દ્રશ્ય જોવા - માણવાની ખૂબ મજા પડી. છેલ્લે ભક્તોને પણ અભિષેક માટે કતારબદ્ધ આમંત્રવામાં આવે. આરતી થઈ. સવારના આ પવિત્ર અનુભવને માણ્યા બાદ હું રૂમ પર પાછો ફર્યો.
આજે અમને દરબાર સાહેબ તેમની ગાડીમાં આસપાસ થોડે ફેરવવા લઈ જવાના હતાં અને સાંજે ફરી અમને વડોદરા છોડી દેવાના હતાં, મુંબઈ પાછા આવવા. સવારે દસેક વાગે તે અમને ટીપેશ્વર મહાદેવ નામનાં એક નાનકડાં ખાનગી મંદિર લઈ ગયાં. આ જગા એટલી બધી શાંત અને સુંદર હતી કે તેણે અમારાં મનને અનેરી પ્રસન્નતા અને શાંતિ થી ભરી દીધાં. રસ્તામાં નર્મદા પરિક્રમા અર્થે નીકળેલા એક - બે ભક્તો મળ્યાં જેમની સાથે દરબારે પ્રેમથી વાત કરી. આ ટીપેશ્વર મહાદેવનું દેરું એક શિવલિંગ ધરાવે છે જેના પર ચમત્કારિક રીતે સતત ટીપું ટીપું નર્મદાનું પાણી પડયાં કરે છે એવી માહિતી દરબારે આપી.

(સંપૂર્ણ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો