ત્રીજા દિવસે રણોત્સવમાં વરસાદનો આસ્વાદ પણ માણવા મળ્યો! બપોરે અમારે નિયત ટુર મુજબ 'કાળો ડુંગર' અને 'ગાંધીનું ગામ' જોવા જવાનું હતું, બસ માટે અમે ટેન્ટસીટીના રીસેપ્શન કક્ષ પહોંચ્યા અને વરસાદ તૂટી પડ્યો. આથી અમારો કાર્યક્રમ થોડો મોડો પડ્યો, પણ સામાન આયોજકોના કન્ટીનજેન્સી પ્લાન મુજબ સૌથી મોટા ક્લસ્ટર 'ડી' માં પહોંચાડવા સુપ્રત કરી દીધો એ દરમિયાન વરસાદનું જોર ઓછું થઈ ગયું અને અમે બસમાં બેસી કાળો ડુંગર જવા રવાના થયા. અહીં વરસાદનું જોરદાર ઝાપટું પડયું એ દરમિયાન પાસેના અન્ય એક ગામમાં તો કરા પડ્યા એવી વાત અમે માર્ગમાં સાંભળી. જો કે અમારા સદનસીબે વરસાદ રોકાઈ ગયો હતો અને અમારી સાથે બસમાં આવેલા યુવાન ગુજરાતી ગાઇડે ધોબણા નામના ગામ પાસે એક ખાસ જગાએ બસ થોભાવી અને અમને એવી રસપ્રદ માહિતી આપી કે આ જગા વિશિષ્ટ મહત્વ ધરાવતી જગા હતી જે આખા વિશ્વમાં અમુક ખાસ જગાઓએ જ અને ભારતમાં પણ બે જ સ્થળે જોવા મળે છે. લેહ પાસે અને અહીં. આ વિશિષ્ટતા એટલે અહીંનું ચુંબકીય ક્ષેત્ર જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કામ કરે છે. અહીં ઢાળ ચઢતો હોવા છતાં બસ કે કોઈ પણ વાહન ગિયર સ્ટાર્ટ કર્યા વગર આપમેળે ચાલે છે એ પણ નોંધનીય ઝડપે. ઢાળ ઉતરતો હોય તો આ શક્ય છે પણ અહીં ઢાળ ચઢતો હોવા છતાં આપમેળે સરકતા વાહનમાં બેસવાનો પ્રત્યક્ષ અનુભવ અમે ત્યારે કર્યો! અમારી બસ, ડ્રાઇવરે વાહન બંધ કરી દીધું હોવા છતાં, આપમેળે ઢાળ ચડી રહી હતી!
થોડી વારમાં કાળો ડુંગર તરીકે ઓળખાતી પ્રખ્યાત જગાએ અમે પહોંચી ગયા. તળેટીમાં પઠાણો જેવા પહેરવેશમાં સજ્જ કેટલાક યુવાનો અમને જીપ, ઘોડા, ઊંટ વગેરે પર ઉપર તરફ લઈ જવા વિનવી રહ્યાં તો કેટલાક ભારત - પાકિસ્તાનની બોર્ડર જોવા દૂરબીન ભાડે આપવા કાકલૂદી કરી રહ્યાં તો વળી અન્ય થોડા જણ અમને તેમની ખાસ પાઘડી અને મફલર ભાડે આપી તેમાં ફોટોગ્રાફી કરાવવા ઓફર આપી રહ્યાં. અહીં ધોબણા ગામમાં રહેતા આ પઠાણો પાકિસ્તાનની બોર્ડર અહીંથી નજીક હોવાથી ત્યાંના રહેવાસીઓ જેવો પહેરવેશ, તેમના જેવી ભાષા અને સમાન રહેણીકરણી ધરાવતા હોવાનું માલૂમ પડયું.
જીપમાં બેસી અમે ઉપર ટોચ પર આવ્યાં. અહીં એક દત્તાત્રેય ભગવાનનું પ્રાચીન મંદિર હતું, જેનો તાજેતરમાં પુનારોદ્ધાર થયો હશે એમ લાગ્યું.
પાછા ફરતાં માર્ગમાં ગાંધીનું ગામ તરીકે ઓળખાતી એક જગાએ બસ રોકાઈ. સાવ અંધારું થઈ ગયેલું અને ગામમાં લાઇટ ગયેલી. પણ એક મુખ્ય દુકાનમાં ગ્રામવાસીઓએ બનાવેલી હેન્ડ મેડ વસ્તુઓ વેચાતી જોવાની અને ખરીદવાની મજા પડી. અડધો કલાક ઓછો પડ્યો! પછી અંધારું ઘોર હોવા છતાં, એકમેકનો હાથ પકડી અમે ગામમાં એક ખાસ વ્યક્તિને મળવા ગયા. એ હતા રાષ્ટ્રપતિને હાથે થોડા વર્ષો પહેલા સન્માન પામેલા ગ્રામીણ મહિલા ખેતાબેન. બિલકુલ અક્ષરજ્ઞાન ના ધરાવતા પણ કલા - કૌશલ્ય ભારોભાર ધરાવતા આ મહિલા અમને સૌને મળી કેટલા આનંદિત થઈ ગયા! અતિ હેત અને ભાવથી અમે તેમને મળ્યા અને અમે સૌએ તેમની સાથે ફોટા પડાવ્યા અને તેમના હાથે તથા તેમના પરિવારના હાથે બનાવાયેલી વસ્તુઓ - કપડા વગેરે ખરીદ્યા. તેમનું ઘર એટલે પરંપરાગત ઢબ નો સુંદર ભૂંગો જોવાની મજા પડી.

આસપાસ અન્ય પણ બે-ત્રણ ભૂંગા જોયા અને માલૂમ પડયું કે આ ગ્રામવાસીઓ અહીં હોમ-સ્ટે સુવિધા પૂરી પાડે છે. રવા સુમા ધૂવા નામના તેમના પાડોશી એ પણ ટોર્ચ ની રોશનીમાં તેમનો આકર્ષક ભૂંગો બતાવ્યો. આ ગામની વિશેષતા એ હતી કે ૨૬ જાન્યુઆરીએ થોડા વર્ષો પહેલા આવેલા ભૂકંપમાં આ આખું ગામ તારાજ થઈ ગયેલું પણ મહેનતુ ગ્રામ વાસીઓએ આપ બળે આખું ગામ ફરી ઊભું કર્યું અને આજે અહીં માત્ર દેશભરના નહીં પણ વિદેશી મુલાકાતીઓ પણ આ જગા જોવા આવતા થયા છે. દ્રશ્ય કંઈક એવું સર્જાયું કે અંધારું ઘોર હતું વળી ઉતાવળ હતી અને બધાં ગ્રામવાસીઓ અમને હેતથી પોતપોતાના ઘેર આવવા અને ચીજ વસ્તુઓ ખરીદવા બોલાવી રહ્યા હતા પણ અમારે પાછા ફરવું પડયું! આ જગાએ, સમય કાઢીને ત્યાંની મુલાકાત લેવા જેવું ખરું. અહીં હોમ-સ્ટે માં રહેવાનું પણ મન થઈ ગયું પણ મારી આ વખતની ટુર નું તો સંપૂર્ણ આયોજન અગાઉથી જ થઈ ગયું હતું તેથી એ શક્ય ના બન્યું.
ટેન્ટસીટી પાછા ફર્યા ત્યારે રાત પડી ગઈ હતી. આજે વરસાદને કારણે સાંસ્કૃતિક કાર્યક્રમ બહાર ખુલ્લામાં તેની નિયત જગા ને બદલે, એક હોલમાં અંદર હતો. રાતનું ભોજન પતાવી આજે આ કાર્યક્રમ માણવા પહોંચી ગયા એ હોલ પર. રાજેન્દ્ર રાવલ નામના આંતરરાષ્ટ્રીય તલવાર કલાકારે અહીં એક સુંદર પર્ફોમન્સ બતાવ્યું. સતત ગોળ ગોળ ફરતા જાય અને હાથમાં કપડાનો રૂમાલ ગોઠવતા, ગડી કરતા છેવટે તેમણે તેમાંથી એક પણ ગાંઠ વગર એક સુંદર મોર બનાવી કાઢ્યો અને પછી એક જ ઝાટકે ફરી કપડું એમનું એમ! તેમની આ કલા મારી જ્ઞાતિ સાથે જોડાયેલ ગુજરાતી લોક નાટ્ય કલા ભવાઈ નો એક ભાગ હોવાનું માલુમ પડયું અને મને ખૂબ સારું લાગ્યું. પછી તો રાજેન્દ્ર ભાઈને રૂબરૂ જઈ અભિનંદન આપ્યા અને તેમણે મારા પપ્પા ને ઓળખતા હોવાની અને તેમની સાથે એકાદ કાર્યક્રમ કર્યાની વાત કરી ત્યારે પણ ખૂબ આનંદ થયો. ત્યાર બાદ એક આદિવાસી નૃત્ય નો કાર્યક્રમ થયો જે જોવાની મજા પડી અને પછી ગરબાની રમઝટ જામી, જેમાં મેં સપરિવાર ઝૂમવાની મજા માણી!
રાત્રે ક્લસ્ટર ઈ ની જગાએ સૌથી મોટા ક્લસ્ટર ડી ના ટેન્ટમાં અમે પાછા ફર્યા. અતિ મોટા વર્તુળમાં ગોઠવાયેલા એસી ટેન્ટમાંના અમને ફાળવાયેલ ટેન્ટ, પ્રવેશદ્વારથી સાવ સામે છેડે હતો અને વરસાદે આખી ભૂમિ કીચડવાળી કરી નાખી હોવાથી, અમારા એ ટેન્ટ સુધી પહોંચવામાં સારી એવી પાંચ મિનિટ નો સમય લાગ્યો. પણ કોઈ ફરિયાદ નહોતી. આ પણ એક અનુભવ હતો જે અમે માણી રહ્યાં.
(ક્રમશ :)
રણોત્સવ પ્રવાસનો છેલ્લો ચોથો દિવસ ઉગ્યો અને અમારે સવારે ચેક આઉટ કરી ટેન્ટસિટીને આવજો કહેવાની વેળા આવી પહોંચી. આટલા સરસ ત્રણ દિવસ અને ત્રણ રાત ભરપૂર માણ્યા બાદ અહીંથી વિદાય લેવાનું મન નહોતું થઈ રહ્યું. પણ દરેક સારી બાબતનો અંત નિશ્ચિત હોય છે!

રંગબેરંગી છકડામાં બેસી સવારનો નાસ્તો કરવા છેલ્લી વાર ભવ્ય ડાઇનિંગ હોલમાં ગયા અને ધરાઈને નાસ્તો કર્યો અને પછી ટેગ્સ લગાડેલ સામાન બસમાં મૂકાવી અમે પ્રવેશદ્વાર પરથી છેલ્લી નજર ટેન્ટસિટીના રળિયામણા, સુંદર દ્રશ્યમાન પટ્ટા પર નાખી અને મનમાં આ આખી હંગામી નગરીને 'આવજો' કહી ત્યાંથી બસમાં બેસી વિદાય લીધી.
આ ચોથા દિવસ માટે પણ રણોત્સવના આયોજકોએ વિચારપૂર્વક ભૂજ શહેરના ચોક્કસ જોવાલાયક સ્થળોની મુલાકાત ગોઠવી રાખી હતી. સૌ પ્રથમ અમને બસ લઈ ગઈ ભૂજના સ્વામી નારાયણ મંદિરે.

અહીં દર્શન કર્યા બાદ અમે જોયું કચ્છ મ્યૂઝિયમ. એ પત્યું એટલે અમને બસ લઈ ગઈ સંસદ ભવન બાગ નામની જગાએ. અહીં સંસદભવનની પ્રતિકૃતિ એવી ઇમારતમાં સંગ્રહાલય હતું,

હવે અમારે જવાનું હતું અમારા છેલ્લા પડાવ - રુદ્રા હિલ હોમસ્ટે. આ હોમસ્ટેમાં રહેવાનો અનુભવ પણ અતિ યાદગાર રહ્યો. ચિત્રોમાં નાના બાળકો દોરતા હોય છે એવું હ્રદયંગમ હતું આ જગાનું સૌંદર્ય. ભૂજ સ્ટેશનથી માત્ર બાર - પંદર કિલોમીટર દૂર એક નાનકડી ટેકરી પર આવેલ આ હોમસ્ટે એટલે એક સુંદર મજાનો પરંપરાગત ભૂંગો જેની જમણે વિશાળ પટ ધરાવતી નદી દેખાય, સામેની તરફ રામદેવ પીરનું એક મંદિર દર્શન દે અને તેની બાજુમાં એક પાર્ક દેખાય જેમાં શહીદ થયેલા સૈનિકોનું એક સ્મારક અને આસપાસ બગીચો બનાવાયા છે. જયદેવ સિંહ જેઠવા અને તેમના પત્ની હતાં અમારા પ્રેમાળ યજમાન અને તેમણે અમારી એટલી સ્નેહ પૂર્ણ પરોણાગત કરી કે અમને એમ લાગ્યું કે અમારે અહીં વધુ રોકાણ કરવું જોઈતું હતું.
રણોત્સવની બસે બપોરે અઢી - ત્રણ વાગે અમને ભૂજ છોડ્યા અને તરત મેં જયદેવ સિંહજીને ફોન કરી જમવાની વ્યવસ્થા અંગે પૃચ્છા કરી. તેમણે તરત એ માટે તૈયારી બતાવી અને અમે ઘણાં દિવસે ઘરનું ખાવાનું રુદ્રા હિલ્સ હોમસ્ટે પહોંચી ખાધું. આગલા દિવસે ભારે વરસાદ પડ્યો હતો તેના કારણે ટેકરીનો પૂરો રસ્તો ખવાઈ ગયો હતો આથી જે રીક્ષામાં અમે ત્યાં પહોંચ્યા તે ઉપર ભૂંગા સુધી જઈ શકે તેમ નહોતું આથી જયદેવ સિંહ પોતે તેમની ગાડીમાં અમને લેવા નીચે આવ્યા અને સામાન વગેરે ગાડીમાં ગોઠવી અમને ઉપર લઈ ગયા. ગરમાગરમ સાદું પણ સ્વાદિષ્ટ ભોજન કર્યા બાદ અમે ધરાઈને આસપાસના પ્રાકૃતિક સૌંદર્યને નિરખવાની મજા માણી. નદીમાં ઘણી વાર મોટા મગર દેખા દે છે એ જાણી હું અને નમ્યા અતિ રોમાંચિત થઈ ઉઠયા અને પ્રાર્થના કરવા લાગ્યા કે અમને પણ એકાદ મગર તેના કુદરતી રહેઠાણમાં વિહરતો - વિચરતો જોવા મળે!


પછી વાતાનુકૂલિત ભૂંગામાં જઈ ફ્રેશ થયા અને સાંજની મજા માણવા ટેકરી પરથી નીચે ઉતરી સામે આવેલા રામદેવ પીરના મંદિરે દર્શન કરવા ગયાં. દર્શન કર્યા બાદ બાજુના ગાર્ડનમાં લટાર મારી. અંધારું થવા આવ્યું હોવાથી અહીં ઝાઝો સમય પસાર કરવા ન મળ્યો. ફરી ઉપર આવી ચા-પાણી પીધા. ફરી ભૂંગામાં થોડો સમય પસાર કર્યો. અમીએ છેલ્લું પેકિંગ પતાવ્યું અને મેં નમ્યા અને હિતાર્થ સાથે થોડી ગેલ - ગમ્મત કરી. મોડી સાંજે બહાર આવ્યા તો ઓટલા પર અનેક દેડકા કૂદાકૂદ કરતા જોવા મળ્યાં. જયદેવ સિંહજીની બે - અઢી વર્ષની ભાણી પણ તેમની સાથે હતી, તેને તેની જ વયના હિતાર્થ સાથે રમવાની મજા પડી. રાત્રે ફરી અમારા યજમાને અમારા માટે ભાવ પૂર્વક બનાવેલા ભોજનની મજા માણી અમે સૂઈ ગયા. ભૂંગામાં નિંદર પણ મીઠી આવી!
સવારે ચા - નાસ્તો કર્યા બાદ મેં એ ડ્રાઇવર કાકાને ફોન કરી બોલાવી લીધા જે અમને પાછલા દિવસે ભૂજ સ્ટેશનથી અહીં હોમ સ્ટે સુધી લઈ આવ્યા હતા. આજનો આખો દિવસ તેમની સાથે રીક્ષામાં ફરવાનું ગોઠવ્યું હતું. જેઠવા દંપતીની સ્નેહ ભરી વિદાય લઈ, અહીં થી પણ જવાનું મન ન થતું હોવા છતાં અમે આ સુંદર જગાને અલવિદા ભણી ભૂજ માં અમારો આ યાત્રાનો છેલ્લો દિવસ માણવા આગળ વધ્યાં. પહેલા ગયા અહીં થી દોઢેક કિલોમીટર દૂર આવેલા રુદ્રા માતાના મંદિરે. વિશાળ પ્રાંગણમાં ફેલાયેલા આ શાંત મંદિરમાં ઘણાં દેવી - દેવતાઓના દહેરા હતા અને એક આશ્રમ પણ હતો જ્યાં સંતોનો નિવાસ હતો.

શાંતિથી દર્શન કર્યા બાદ અમે ઈકબાલ ચાચાની રીક્ષામાં બેસી જઈ પહોંચ્યા પ્રાગ મહલ. લગાન અને અન્ય ઘણી ફિલ્મોનું જ્યાં શૂટિંગ થયું છે એવા આ ભવ્ય મ્યૂઝિયમ જેવા મહેલની એક ખાસ લાક્ષણિકતા એટલે મુંબઈ ના રાજાબાઈ ટાવર જેવો એક ઉંચો ઘડિયાળનો મિનારો.

આખા ભારતમાં કુલ ત્રણ જ છે એમાંનો એક આ મિનારો આજે પણ લોકોમાં ભારે કુતુહલ જગાડે છે. બાજુમાં જ આઈના મહલ હતો, પણ એ દિવસના ચોક્કસ સમય દરમ્યાન જ ખુલ્લો રહેતો હોવાથી તેની મુલાકાત ન લઈ શકાઈ. ત્યાર બાદ અમે ગયા રામકુંડ જ્યાં ચોરસાકારમાં નાના નાના પગથિયા ચારે દિશામાં નીચે ઉતરી સુંદર સમપ્રમાણ રચના કરતા હતાં. હેરિટેજ દરજ્જો મેળવી શકે એવો આ કુંડ ભલે ટુરિસ્ટ આકર્ષણમાં સ્થાન ન પામતો હોય પણ પ્રી - વેડિંગ ફોટોગ્રાફી માટે છેલ્લા કેટલાક સમયથી લોકોની ખૂબ સારી પસંદગી પામ્યો છે.

અમે ગયા ત્યારે પણ એક જોડું સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈ અહીં લગ્ન પહેલાના ફોટા પડાવી રહ્યું હતું અને એકલ દોકલ વિદેશી સહેલાણીઓ અમને આ જગાએ જોવા મળ્યા. ત્યારબાદ અમે ગયા છતરડી નામની અન્ય હેરિટેજ સાઈટ સમી જગાએ જ્યાં ઘણી ફિલ્મોના શૂટીંગ થયા છે. એક રાજા અને તેની ઘણી રાણીઓના દહેરા અને દરેક પર એક છત્રીની રચના હોય એવા પથ્થરના બનેલા આ સ્ટ્રક્ચરના હવે તો થોડા ઘણાં અવશેષો જ બચ્યા છે અને થોડી નકારાત્મકતા નો આસપાસની હવા માં અનુભવ થતો હોવા છતાં આ જગાની મુલાકાત લેવી ગમી ખરી અમને. પછી બપોરનું ભોજન એક પાસેની હોટેલમાં લઈ અમે ગયા અમારી યાત્રાના છેલ્લા ગંતવ્ય સ્થાને - ભૂજિયા ડુંગર પર. તળેટીમાં આવેલા નાગ દેવતા અને બે દેવીઓના મંદિરે દર્શન કર્યા બાદ અમે ચડવું શરૂ કર્યું ડુંગર પર. અહીં પણ આગલા દિવસે પડેલા વરસાદ ને લીધે રસ્તો ધોવાઈ ગયો હતો, તેથી ઉપર ચડવામાં થોડી તકલીફ પડી પણ ખાસ્સી ઉંચાઈએ ગયા બાદ અમીને બેચેની અને ગભરામણ જેવું અનુભવાતા એક સમયે હું પણ થોડો ભય અને થોડી વિમાસણ અનુભવી રહ્યો. તરત પાછા નીચે જઈ શકાય એમ પણ નહોતું અને ઉપરના છેલ્લા થોડા પગથિયા વધુ સ્ટીપ અને ભયાનક ભાસી રહ્યાં હતાં. પણ ત્યાં એક હિન્દી ભાષી દંપતિ તેમની સાથે આઠ - દસ વર્ષની ત્રણ કન્યાઓને લઈને ઉપર ચડી રહ્યું હતું, તે અમારી સાથે થઈ ગયું. તેમની સાથે સીધી વાત કર્યા વગર, તેમની સાથે અમે છેલ્લો પડાવ ચડી લીધો અને ટોચ પર પહોંચી જે આનંદ અને વિજયની લાગણીનો અનુભવ થયો તે શબ્દોમાં નહીં વર્ણવી શકાય.
અહીં સૂર્યાસ્ત સમયના કેસરી પ્રકાશમાં વહી રહેલા પવન સાથે ફરફરતી કેસરી ધજા એક અનોખું સુંદર દ્રશ્ય સર્જી રહ્યા. અહીં ટોચ પર આવેલ નાગ દેવતાના મંદિરે દર્શન કરી, ઉંચાઈએ થી ચારે દિશામાં થતા ભૂજ નગરીના અલગ અલગ સ્વરૂપના દર્શન કરી, અંધારું થાય એ પહેલાં પહાડ પરથી નીચે ઉતરવાનું શરૂ કર્યું અને ઉતરતી વખતે ખાસ તકલીફ ના અનુભવી.
પછી તો ઈકબાલ ભાઈએ અમને ભૂજ સ્ટેશન નજીક અહીંની છેલ્લી ચા પીવડાવી અને અમે રાત્રે ટ્રેનમાં બેસી આ સમગ્ર યાત્રાના સુખદ અનુભવોની યાદો મમળાવતા મુંબઈ પાછા ફર્યા.
પ્રવાસ માટે બનાવેલા બકેટ લિસ્ટ માં રણોત્સવના નામ પર ચેકો મૂક્યો પણ આ સુખદ અવિસ્મરણીય અનુભવ યાત્રા હ્રદયના કચકડા પર કાયમ માટે છાપ મૂકી ગઈ!
(સંપૂર્ણ )
Dear Young Vikasbhai,
જવાબ આપોકાઢી નાખોYour language describing, 'Kutch Ranostav' is such a beauty
that a reader, while reading, is able to visualize the scenario.
If you can include couple of color photos in your article,
it will be like " Sonama Sungadh ".