Translate

શનિવાર, 20 જુલાઈ, 2019

ગેસ્ટ બ્લોગ : મૃત્યુ

        જિંદગી એક કાચની બરણી જેવી છે. એનાં પર ' હેન્ડલ વીથ કેર' નું લેબલ લગાવેલું હોય અને ખૂબ જ કાળજીથી એનું જતન કર્યું હોય તો પણ ક્યારે એ બરણીમાં તડ પડી જાય, તિરાડો પડી જાય અને ક્યારે એ ભાંગીને ભુક્કો થઈ જાય તે કહેવાય નહીં. અંત નિશ્ચિત છે પણ ક્યારે તેની કોઈને જાણ નથી હોતી. નિશ્ચિત મૃત્યુની આ અનિશ્ચિતતાને સ્વીકારવી જ પડે છે. જવાનું નક્કી જ છે તો પછી એક વાર મનમાં એ નિર્ધાર કરી લઈએ કે ગમે તે સમયે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે સંજોગોમાં જવા ની વેળા આવે ત્યારે હસતાં હસતાં જ વિદાય લઈશું. મોતને એક અવસર ગણીને ઉજવશું ને એનું પ્રેમથી સ્વાગત કરીશું. અલબત, જેટલું લખવું, બોલવું, કહેવું, સાંભળવું કે વાંચવું સહેલું છે એટલું અમલમાં મૂકવું સહેલું નથી. ખેર, એક વાર જો સમજાય જાય કે મૃત્યુને સહજ રીતે સ્વીકારી લેવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે તો જિંદગી જીવંતતાથી જીવી શકાય. 

             ચાલો, આપણે પ્રેમથી કાળદેવતાને કહીએ કે - - - 

હે, મોત,  તું સાવ જ અચાનક અને અકાળે હ્રદયરોગ રૂપે ત્રાટકે તો હ્રદયની અસહ્ય પીડામાં પણ ઈશ્ચર સાથે આટલી સહજતાથી મિલાપ થશે એ વાતનો આનંદ હોય. 

હે, મોત,  તું કોઈ જીવલેણ અકસ્માત રૂપે ત્રાટકે અને મારા મુખમાંથી ચીસ નીકળી જાય તો તે ચીસની પરાકાષ્ઠાએ ઈશ્ચરની યાદ આવી જાય ને મારી અંતિમ પળો સુધરી જાય. 

હે, મોત,  તું કોઈ કુદરતી પ્રકોપ રૂપે આવે તો આફતથી સર્જાયેલી લાચાર અવસ્થામાં પણ ઈશ્ચરની અકળ્ય લીલાનો તાગ મેળવવા એની પાસે જ જઈ રહ્યાંનો આનંદ હોય.

હે, મોત  કોઈ બિમારી કીડીની ચાલે આવીને મારા દેહને ક્ષીણ કર્યા કરે ને એમ કરતાં અંતિમ ક્ષણ આવે ત્યારે  ઘણાં સમય પહેલાં ઈશ્ચરે મને તારા આગમનની જાણ કરી દીધી અને શેષ જીવનને અર્થસભર જીવવાની તક આપી તે  બદલ આભાર માનતાં સંતોષથી મારી આંખ મિંચાય. 

હે, મોત, તું કોઈ ભયંકર બિમારીનું રૂપ ધારણ કરીને આવે. દર્દ, પીડા ને વેદના અસહ્ય હોય. કંઈ જ ગમતું ન હોય. ક્યાંય ચેન પડતું ન હોય. અરે, ઈશ્ચરનું નામ લેવાનું પણ મન થતું ન હોય ત્યારે દર્દશામક અને નિંદ્રાદાયક ગોળીઓની અસર હેઠળ મિંચાયેલી મારી આંખો પર કોઈ અજાણ પ્રેમાળ હાથનો સ્પર્શ થાય મને થોડી શાતા મળે. એ શાતામાં મને મૃત્યુ પછીની  શાંતિનો અહેસાસ થાય ને મોત તને હું પ્રેમથી આવકારૂં. 

હે, મોત,  સહજ રીતે જીવન જીવતાં, કાળચક્રની ગતિને સ્વીકારતાં, ઈશ્ચરના ધ્યાનમાં લીન હોઈએ અને તું આવે તો એ ઘડી ઓચ્છવની ઘડી બની રહે. 

હે, મોત,  તડ પડે કે તિરાડો પડે ત્યારે પણ એમાં સંગીતની મીઠાશ અનુભવાય અને જ્યારે આ બરણી ભાંગીને ભુક્કો થઈ જાય ત્યારે પણ વિસર્જનના અફસોસના બદલે નવસર્જનની વેળા આવ્યાનો આનંદ હોય. 
    
 - રોહિત કાપડિયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો