Translate

રવિવાર, 19 મે, 2019

ઉનાળાની બળબળતી બપોર

મે મહિનો એટલે ઉનાળાની ચરમસીમા. ઉનાળો જતા પહેલા કેમ જાણે પોતાનું પોત પ્રકાશતો હોય એમ ત્રાહિમામ પોકારાવી દે એવી ગરમી વરસાવે. મે માસની ઉનાળાની બપોર કેવી હોય? બળબળતી! કાળઝાળ ગરમી , લૂ વરસાવતી આવી બપોરે જેને બહાર તડકામાં મજબૂરીથી ફરવું પડતું હોય તેનાતો નસીબની બલિહારી!!
જો કે જીવનમાં દરેક બાબતનું મહત્વ હોય છે. છાયાની ટાઢક ત્યારે માણી શકાય જ્યારે તડકાનો તાપ જીરવ્યો હોય. પરિવર્તન સંસારનો નિયમ છે. સુખ દુ:ખની ઘટમાળ તો ચાલ્યા કરે. તડકા પછી છાયો તો છાયા પછી તડકો આવવાના હોય, માટે ધીરજ ધરતાં શીખવું જોઇએ. અને જે પરિસ્થિતી આવે તેનો સહર્ષ સ્વીકાર કરી જીવન પ્રત્યેક ક્ષણે માણવાનો પ્રયત્ન કરવો જોઇએ. ઉનાળાના ધોમધખતા તાપ અને બળબળતી બપોરમાંયે માણવા જેવું ઘણું છે! માણવા માટે ખુલ્લી નજર, ખુલ્લું મન અને હકારાત્મક અભિગમ જોઇએ!
બળબળતી બપોરે ગાડીમાં બેસીને ક્યાંક જઈ રહ્યાં હોઇએ ત્યારે લીલાછમ ખેતરો આંખને અને મનને કેવી ઠંડક અને શાતા આપે છે! ઠંડું પાણી કે શરબત ત્યારે પીઓ તો એવી પરિતૃપ્તિનો અનુભવ થાય જે શરીર સાથે મનને પણ આનંદ આપે. થોડાં દિવસ અગાઉ ગુજરાતમાં ગામે ગયો ત્યારે એક બળબળતી બપોરે  ઘટાટોપ વડલા નીચે શેરડીનો રસ વેચતા ઠેલા પર નજર પડી. બે ચાર યુવાનો એક મશીન પર શેરડીનો રસ કાઢી તે વટેમાર્ગુઓને વેચી રહ્યાં હતાં. મશીન પણ કેવું ? યાંત્રિક કે સ્વયંચાલિત નહિં. લાકડાનાં બે નળાકાર પાત્રોની સપાટી પર આંકા પાડેલા અને તે આંકા એકમેકમાં ભેરવાય અને એક પાત્ર ધરી પર ગોળાકારે ફરે તો બાજુમાં ગોઠવેલું બીજું પાત્ર પણ આપમેળે વિરુદ્ધ દિશામાં ગોળાકારે ફરે. બંને પાત્રો વચ્ચે થોડી જગ્યા રાખેલી હોય જેમાંથી શેરડીનો સાંઠો એક જણ એક બાજુથી બે પાત્રો વચ્ચે ઘૂસાડે અને બીજો જણ સામે છેડેથી તેને ખેંચે.પાત્રો ગોળાકારે પોતપોતાની ધરી પર ફરતાં હોય એટલે શેરડીના સાંઠાને તેમની વચ્ચેથી પસાર થતાં પીલાવું પડે અને નીચે પડે શેરડીનો મીઠો રસ, જે નીચે ગોઠવેલા વાસણમાં ઠલવાય. રસ પીતા પહેલાં તેને કાઢવાની રસપ્રદ પ્રક્રિયા માણવાની ભારે મજા આવી! નળાકાર પાત્રો ફરે કઈ રીતે? પણ ભારે મજાનું! એક પાત્ર સાથે મોટી જાડી લાકડી જોડેલી હોય જેનો એક છેડો પેલાં યુવાનોમાંનો એક હાથમાં લઈ ધક્કો મારતો ગોળ ગોળ ફરે! ઘાંચી બળદની જોડને ગોળ ગોળ ઘૂમાવી તેલ કાઢવા માટે જે રીત અપનાવે છે તેની યાદ મને દ્રષ્ય જોઈ આવી ગઈ! કદાચ  એ લાકડીને ગોળ ફેરવી રહેલો યુવાન વિચાર જાણી ગયો હશે એટલે જ્યારે મેં શેરડીના રસ કાઢવાની પ્રક્રિયાનો વિડીઓ મારા મોબાઈલ કેમેરામાં ઉતારવાની શરૂઆત કરી કે તે જાણે શરમાઈ ગયો અને તેણે પોતાના મોઢે રૂમાલ ઢાંકી દીધો! શેરડીનાં સાંઠાને ચાર-પાંચ વાર પીલાવાની પ્રક્રિયામાંથી પસાર કર્યા બાદ એકાદ-બે ગ્લાસ શેરડીનો મીઠો રસ તૈયાર થાય! ઉનાળાની બળબળતી બપોરે એનો સ્વાદ હોય તે કરતાંયે વધુ મીઠો લાગે જ્યારે તેમાં બરફ અને મસાલો ભભરાવી તમારા હાથમાં ધરાય અને તમે એને મોઢે માંડી ગટગટાવી જાવ!
જગા પણ ખાસ્સી મજેદાર હતી  માર્ગમાં એક બાજુએ મોટા વડલા હેઠળ, જેની શીળી છાંયામાં તમને ઉનાળાની ગરમી ગાયબ થઈ ગયેલી લાગે! બંને બાજુ મબલખ પાકથી લહેરાતા ખેતરો હતાં. વડલાંની એકાદ ડાળીએ પંખીઓ પાણી પી શકે માટે એક તૂટેલું માટલું લટકાવેલું હતું.મારી પાસે પાણીની બોટલ હતી તે મેં એમાં ઠાલવી દીધી.પછી ત્યાં પથ્થરની લાંબી લાદી પાથરીને બનાવેલી બેઠક પર બેસી મેં બે ગ્લાસ શેરડીનો મીઠો રસ ધરાઈને પીધો અને તરસ છીપાવી! અત્યારે તો ભૂખ નહોતી લાગી છતાં કોણ જાણે કેમ એકાદ વાર ઉનાળાની બપોરે બહાર ફરવા જઈ લીમડાનાં ઝાડની છાંયમાં વન-ભોજન લીધાની સ્મૃતિ તાજી થઈ ગઈ. થેપલાં-સૂકી ભાજી અને છાશની માણેલી મજાએ જે છાપ મન પર છોડી હતી તે ક્યારેય ભૂંસાશે નહિ!

થોડે આગળ વધ્યાં એટલે થોડાં ગરમાળાનાં વૃક્ષો નજરે ચડ્યાં. પીળાં ગુચ્છામાં લટકતાં ફૂલો ધરાવતાં વૃક્ષો મારા મતે સૌથી સુંદર વૃક્ષોની સ્પર્ધામાં ઇનામ મેળવી જાય તો નવાઈ   લાગે! નાના નાના ઝૂમ્મરની જેમ લટકતાં પીળાં પીળાં નાના નાના ફૂલો એટલા તો સુંદર દેખાય કે તમને તેમને જોયાં જ કરવાનું મન થાય! અને એટલાં પ્રમાણમાં ફૂલો હોય કે ઝાડનાં પત્તાં તો તમને દેખાય નહિ! ફૂલો પણ ઉનાળામાં ખીલે છે. કરું તો ગરમાળાના ઝાડ અને ફૂલને થાઈલેન્ડનાં રાષ્ટ્રીય ઝાડ અને ફૂલનો દરજ્જો અપાયો છે તો આપણાં ભારતમાંયે તેને કેરળના રાજ્ય ફૂલ તરીકે સ્થાન અપાયું છે. તેનાં ફૂલો વસંત વિદાય લે ત્યારે ભારે માત્રામાં ખીલી જાણે તેને વિદાય આપે છે! ફૂલો ઔષધિય ગુણધર્મ અને મહત્વ પણ ધરાવે છે.
આડવાત
ઘરે પરત આવ્યાં બાદ સાંજે મારા સાળા સાહેબ તેમનાં ભાણી-ભાણાંને બરફનો ગોળો ખાવા લઈ ગયાં. બરફનાં સફેદ ગોળાં પર ત્રણ જુદા જુદા રંગનાં શરબતની સુંદર ડીઝાઈન બનાવી ગોળાવાળાએ જ્યારે મારા બચ્ચાઓનાં હાથમાં ગોળા પકડાવ્યાં ત્યારે તેમનાં ચહેરાં પરના ભાવ જોવા જેવા હતાં, ગોળાંના સ્વાદ કરતાંયે વધુ સુંદર!! 
રોજ રોજ તો તડકામાં ફરાય નહિ, એટલે બાકીની બપોર તેમનાં ઘરમાં કોઈ ખૂણેથી ગરમી ભરાઈ જાય એની તકેદારી રાખી મારા સાસુમાએ ઘરને ચૂસ્ત બંધ કરી, પડદાં વગેરેથી ઢાંકી દઈ .સી. ચાલુ કરી અમને નજરકેદ કરી લીધાં! બપોરે ઉંઘવાની આદત નહિ,એટલે મેં નમ્યા સાથે વાર્તાનાં પુસ્તકો વાંચી અને મોબાઈલ પર અમારી મનપસંદ શબ્દ-રમત રમી અન્ય થોડી બપોરો પસાર કરી. પરીવાર વેકેશનનો થોડો વધુ સમય ગુજરાતમાં માણી શકે એટલે તેમને ત્યાં મૂકી હું ફરી મુંબઈ આવી ગયો ત્યારે મને અહિં સરસ મજાની ઉનાળુ સરપ્રાઈઝ મળી! મારા મકાનની બાલ્કનીમાં ગોઠવેલાં એક કૂંડામાં એક મોટી કળી ડોકાઈ રહી હતી. કળી હતી વર્ષમાં એક વાર મે મહિનામાં ખીલતાં લાલ મોટાં સુંદર પુષ્પ મે-ફ્લાવરનીછેલ્લાં ત્રણેક વર્ષથી પુષ્પ મારા આંગણાંની શોભા દર ઉનાળે મે માસમાં વધારે છે! વર્ષે પણ પેલી કળીએ બ્લોગ લેખ લખી રહ્યો છું દિવસે પૂર્ણ પણે ખીલી મારા ઉનાળાને માણવા લાયક બનાવી દીધો છે!

...અને છેલ્લે ઉનાળાની વાત ફળોનાં રાજા કેરી વગર કઈ રીતે પૂરી થાય? પીળા રંગનું જાણે ઉનાળા સાથે કોઇ જોડાણ છે! તડકો પીળો! ગરમાળાનાં ફૂલ પીળાં! કેરીનો રંગ પણ પીળો! અમૃત જેવો મીઠો સ્વાદ ધરાવતી કેરી ઉનાળાની આપણને અપાતી શ્રેષ્ઠ ભેટ છે! પછી તમે ચીરી ચૂસીને માણો કે રસ સ્વરૂપે પીને...કેરી એટલે કેરી!!
 ઉનાળાની બપોર માત્ર ઘરમાં ભરાઈને નહિં પણ બહાર નિકળીને પણ એકાદ વાર માણવી જોઈએ. ગરમી અનુભવ્યાં બાદ ઠંડક જે આરામ અને સુખ આપશે એની અનુભૂતિ શબ્દો દ્વારા વ્યક્ત નહિ થઈ શકે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો