Translate

રવિવાર, 7 એપ્રિલ, 2019

વોટ્સએપ વન્ડરબોક્સની અવનવી વાતો

         મહિન્દ્રા ગૃપ કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મિડિયાના માધ્યમ ટ્વીટર પર ઘણાં એક્ટિવ છે. તે દિવસમાં ઘણાં બધાં ટ્વીટ સંદેશ અને રી-ટ્વીટ સંદેશ પોસ્ટ કરતાં હોય છે પણ તેમનાં #WhatsappWonderbox હેશટેગ સાથેના ટ્વીટ સંદેશાઓની વાત જ કઇંક નોખી હોય છે! ક્યારેક તેઓ અહીં કોઈક અજબગજબના કૌતુક અંગે ટિપ્પણી કરે તો ક્યારેક કોઈ પ્રેરણાત્મક વાત અથવા ચિત્ર શેર કરે, ક્યારેક કોઈ ભારતીય ગામડાના કારીગરની કલા બિરદાવે તો ક્યારેક પોતાના અંગત પરિવારજન કે અનુભવની વાત વિડિયો દ્વારા શેર કરે. ખૂબ મજાના હોય છે તેમના દ્વારા પોસ્ટ કરાતા આ સંદેશાઓ!
આવી જ એક મજેદાર ટ્વીટ તેમણે દોઢેક માસ અગાઉ કરી હતી જે દોઢેક હજાર વાર રી-ટ્વીટ થઈ હતી અને જેને સાડા ચાર હજાર કરતાં વધુ લાઇકસ મળ્યાં હતાં. આ રહી એ ઓરિજનલ ટ્વીટ :
An absolutely incredible story. I owe my #whatsappwonderbox to him. He’s now worth over $10bn.  But life is bittersweet. His biggest regret must be that his parents didn’t survive long enough for him to repay them for their sacrifices... https://t.co/sQH4zEXdUK
હવે તમને પરિચય કરાવું આ રસપ્રદ અને પ્રેરણાત્મક ટ્વીટ વિડિયોમાં જે કહાણી છે તેનો. અહીં કહેવાયું છે કે પૃથ્વી પરના ૧૩ ટકા જેટલા લોકો દરરોજ તેની બનાવેલી એક (મોબાઇલ) એપ નો ઉપયોગ કરે છે. તેનો જન્મ ૧૯૭૬માં સામ્યવાદી યુક્રેઈનમાં એવા ઘરમાં થયો હતો જ્યાં પીવાનું પાણી નહોતું. તેના માતા પિતા એ ભાગ્યેજ ફોન પર વાત કરી હતી અને કરી હોય તો એ રેકોર્ડ થતી. તેનો પરિવાર ગુપ્ત વેશે ફરતી પોલીસના સતત ભયના ઓથા હેઠળ જીવતો. કહે છે ને ભીંતોને પણ કાન હોય છે એટલે એ પરિસ્થિતીમાં કોઈ મુકત પણે વાતચીત પણ કરી શકતું નહોતું. ૧૯૯૨માં તેણે પોતાની માતા અને દાદી સાથે અમેરીકા સથળાંતર કર્યું. ભરણપોષણ માટે તેની માતાએ બાળકોને સંભાળવાનું કામ શરૂ કર્યું. અકકર્મી નું પડીયું કાણું. તેની માતાને કેન્સર હોવાની જાણ થઈ. તેમને અતિ આકરા દિવસો પસાર કરવાનો વારો આવ્યો. પણ તેણે કમ્પ્યુટર શીખવાનું શરૂ કર્યું. આસપાસની દુકાનમાંથી મેન્યુઅલ ઉછીની લઈ કમ્પ્યુટરનો અભ્યાસ કર્યો. તે ૧૯ વર્ષનો થયો ત્યાં સુધી તેની પાસે કમ્પ્યુટર ખરીદવાના પૈસા હતા નહીં, તેઓ યુક્રેઈનમાં તેના પિતા સાથે વાત કરવા ફોન કરવાનો ખર્ચ પણ ઉપાડી શકે એમ નહોતા. સંદેશ વ્યવહાર આપણા સમાજનું કેન્દ્ર બિંદુ છે,એ જ આપણને માણસ બનાવે છે. તેના પિતાએ પણ પરિવાર પાસે અમેરિકા જવાનો વિચાર કર્યો પણ એ વિચાર અમલમાં મૂકતા પહેલા જ ૧૯૯૭માં પોતાના પરિવાર સાથે મિલન થાય એ પહેલાં જ તેમનું મૃત્યુ થયું. પછી વર્ષ ૨૦૦૦ માં તેની માતાનું પણ કેન્સર ને લીધે મૃત્યુ થયું. તેણે ફેસબુક અને ટ્વિટર પર નોકરી માટે અરજી કરી. પણ બંને જગાએથી તેને જાકારો મળ્યો. પણ હિંમત હાર્યા વગર એક મિત્ર સાથે મળી વર્ષ ૨૦૦૯માં તેણે એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ બનાવી. તેમની કંપની ની પહેલી ઓફીસ અન્ય એક કંપનીના વેરહાઉસની નાનકડી બે ઓરડીઓની બનેલી હતી. કર્મચારીઓએ કામ કરતી વેળાએ ઠંડીથી બચવા ધાબળો ઓઢી બેસવું પડતું હતું. પણ સમય બદલાયો. તેમનો વિકાસ થવા માંડ્યો, કોઈ પણ જાતના માર્કેટિંગ વગર. પાંચ વર્ષ પછી ફેસબુકે તેની કંપની whatsapp ૧૯ અબજ અમેરિકી ડૉલર જેટલી ઉંચી કિંમતે ખરીદી લીધી. સિલિકોન વેલીમાં થયેલું આ જોડાણ સૌથી મોટું જોડાણ હતું.
Whatsapp ના સર્જક જેન કોમની આ પ્રેરણાત્મક વાત અહીં સંક્ષિપ્તમાં પૂરી થઈ, પણ આ વીડિયોએ મને whatsappના સર્જક વિષે વધુ માહિતી મેળવવા ઉત્સુક બનાવ્યો અને મને તેમના વિશે ગૂગલ પર ખાંખાંખોળા કરતા વધુ માહિતી પ્રાપ્ત થઈ.
જોકે મુદ્દો એ છે કે ઇન્ટરનેટ પર આમ એક વાત તમને બીજી એક વાત તરફ લઈ જાય અને બીજી વસ્તુ કોઈક ત્રીજી માહિતી તરફ દોરી જાય! વોટ્સએપ પર આવેલ એક ટ્વીટ સંદેશ એક મહાન બિઝનેસ ટાયકુનની વોટ્સએપના જ સર્જકની પ્રેરણાત્મક સંઘર્ષગાથા તરફ દોરી જાય અને કહેવાનું મન થાય કે વોટ્સએપ ખરેખર વન્ડરબોક્સ સમાન જ છે!
આજના સમયમાં ટેક્નોલોજીથી તમે અલિપ્ત રહી શકો નહીં અને તેના સદુપયોગથી ચોક્કસ તમારા જીવનની દિશા બદલી શકો છો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો