Translate

શનિવાર, 2 માર્ચ, 2019

ઊંચાઈઓના શહેર દુબઈના પ્રવાસે... (ભાગ ૯ અને ૧૦)


(ભાગ ૯) 
---------
અબુ ધાબી ફરી આવ્યા બાદ સવૉય પાર્ક એપાર્ટમેંટ હોટલમાં ચેક ઈન કર્યું. ત્યાં નો મેનેજર હસમુખો ઉત્તરાંચલી યુવાન હતો. આ હોટેલ અરેબિયન કોર્ટયાર્ડ જેટલી ભવ્ય અને આકર્ષક નહોતી પણ અહીંયા યે સ્વિમિંગ પુલ, જકૂઝી, સ્ટીમ વગેરે સુવિધાઓ હતી તેમજ રોજ સવારે તેમની એક શટલ બસ સર્વિસ ઉતારુઓને એક દરીયા કાંઠે લઈ જતી, આ બાબતો મને ગમી. મહિલામંડળ ને અહીં કપડા ધોવા વોશીંગ મશીનની સુવિધા હતી તે ગમી. અહીં પણ અમારા બન્ને રૂમ્સ જોડી આપવામાં આવ્યા હતા તે ગમ્યું. રાતે ઝોમેટો એપનો ઉપયોગ કરી નજીકની રેસ્ટોરેંટમાંથી ખાવાનું મંગાવ્યું, જમ્યા અને પછી આ નવી હોટલમાં સેટ થતા થતા આખા દિવસની યાદોને મમળાવતા સૂઈ ગયાં.
    બીજે દિવસે સવારે વહેલા ઊઠી હું અને નમ્યા સ્વિમિંગ કરવા ગયા. ત્યાં થોડી વાર પાણીમાં સમય પસાર કર્યા બાદ પ્રથમ વાર જકૂઝીનો ઉપયોગ કર્યો. ગોળાકાર બેઠકમાં બધી બાજુથી ગરમ પાણીનો પ્રવાહ ઝડપ ભેર વહે અને તમારે ફીણફોદાનાંએ નાનકડાં કુંડાળામાં બેસીને થોડા સમય માટે સઘળી ચિંતાઓ વીસરી શરીરને એક નવો જ અનુભવ કરાવવાનો. ત્યાંના ભારતીય ઓપરેટરે એવી માહિતી આપી કે જકૂઝીનું આરોગ્ય ની દ્રષ્ટીએ પણ આગવું મહત્વ છે જેની મને જાણ જ નહોતી. પીઠના દર્દ માટે તે કારગત ઈલાજ સાબિત થાય છે.
  બ્રેકફાસ્ટ બાદ અમે જઈ પહોંચ્યા ડૉલ્ફીન શો માણવા. ડોલ્ફીનેરિયમ પાર્કમાં સીલ - ડૉલ્ફીન અને પંખીઓના શો રોજ થતાં હોય છે સાથે જ ત્યાં અનોખો ભૂલભૂલામણી પાર્ક તથા આખું એક વિજ્ઞાન કેન્દ્ર પણ ખરું. ડૉલ્ફીન શો ની ટીકીટ અગાઉ થી જ ઓનલાઇન બુક કરી હતી પણ પ્રિંટ આઉટ લેવાનું રહી ગયું હતું અને મોબાઇલ માં ખરે ટાણે ઇન્ટરનેટ ન હોવાથી થોડું ટેન્શન થઈ ગયું પણ ઈમેલ આઈડી જણાવ્યું કે તરત ટીકીટ બુકીંગ કાઉન્ટર પર બેઠેલ આરબ મહોદયે મને ટીકીટ કાઢી આપી. પાણીના મોટા હોજ સામે અર્ધવર્તુળાકાર ઓટલા પર બેઠકો ની વ્યવસ્થા ધરાવતું વાતાનુકૂલિત સભાગૃહ આકર્ષક હતું. પ્રભાવશાળી અવાજ ધરાવતો હોસ્ટ વચ્ચે વચ્ચે હિન્દી ફિલ્મોના ડાયલૉગ અને ગીતો પણ લલકારી રહ્યો હતો એ બાબતે ફરી એ વાતની પ્રતીતિ કરાવી કે અહીં મોટે ભાગે ભારતીય પ્રવાસીઓ આવતા હશે. 





 બે સ્કૂલનાં બાળકો અહીં પિકનિક આવ્યા હોઈ અમારી સાથે ઓડિયન્સમાં હતાં અને તેમની હર્ષોલ્લાસ ભરી ચિચિયારીઓ ભેગી નમ્યા અને હિતાર્થની  સીલ અને ડૉલ્ફીનને બિરદાવતી ચીસો સાંભળી બે ઘડી અમે સૌ બાળક બની ગયાં! માનવ બાદ ડૉલ્ફીન સૌથી વધુ બુદ્ધિશાળી સજીવ ગણાય છે અને અહીં ચારેક ડૉલ્ફીનનો તેમના પ્રશિક્ષક યુવક - યુવતિઓ સાથેનો અજીબો ગરીબ કરતબો ભર્યો આ આખો શો મજાનો અને હેરત ભર્યો બની રહ્યો. જો કે આવો જ શો અગાઉ દસકા પહેલા આપણા ચેન્નાઈમાં એક જગાએ મેં જોયો હતો તેની યાદ તાજા થઈ ગઈ.
બપોરે હોટલ પર પાછા ફરી થોડો આરામ કર્યો અને મેં ગરમ ગરમ વરાળ ભર્યા રૂમ માં બેસી વીસેક મિનિટનું સ્ટીમ સેશન માણ્યું. ફ્રેશ થઈ હવે અમે સજ્જ થયાં જેના માટે સૌથી વધુ કુતૂહલ હતું એવા વિશ્વના સૌથી ઉંચા ટાવર ના ૧૨૪માં માળે થી પક્ષીની આંખે થી દેખાય તેવા નીચેના દુબઈ શહેર નો નજારો માણવા!
  અત્યાર સુધી જે જુદા જુદા ડ્રાઇવર અમને દુબઈ ના અલગ અલગ સ્થળોની મુલાકાતે લઈ ગયા હતા તેમાંથી સૌથી ભલો અને મળતાવડો ડ્રાઇવર અમને બુર્જ ખલીફા અને દુબઇ મોલ લઈ જવા આવ્યો હતો. તેની સાથે વાત કરી મને જ નહીં પરંતુ મારા સૌ પરિવારજનોને સારું લાગ્યું અને તેને પણ અમારી સાથે ગોઠડી માંડવાની મજા પડી.
દુબઈ મોલ એટલે દુનિયાનો સૌથી મોટો મોલ. મોલ એટલે ઝાકઝમાળ, મોંઘી ચીજ વસ્તુઓ ની દુકાનો, સુગંધીદાર એર-ફ્રેશનરથી મહેકતું વાતાવરણ, ભવ્યતા વગેરે... આ બધું તો અહીં પણ હતું જ પણ અહીં ત્રણ વિશેષ નોંધનીય આકર્ષણ હતાં. એક અહીં અંદર મોટું મત્સ્યાલય હતું. ત્રણ માળ જેટલી ઉંચાઈની કાચની દિવાલમાંથી તરી રહેલી નાની મોટી અનેક માછલીઓ આમતેમ તરી તમારું ધ્યાન ખેંચે. અમે 'લોસ્ટ વર્લ્ડ એક્વેરિયમ' ની મુલાકાત બે દિવસ અગાઉ જ લીધી હતી, તેની યાદો ફરી તાજી થઈ ગઈ. સમયની પણ મર્યાદા હતી એટલે બહાર થીજ આ માછલીઓના દર્શન કરી અમે આગળ વધ્યા. 









અહીં ચાલવાનું ખૂબ હોવાથી મમ્મી માટે વ્હીલચેર લઈ લીધી અને પછી અમે આગળ વધ્યા દુબઈ મોલના બીજા આકર્ષણ ભણી. વિશ્વના સૌથી ઉંચા ટાવર બુર્જ ખલીફાની લિફ્ટ અહીં થી શરૂ થતી હતી. લિફ્ટ સુધી પહોંચતા તમને કોઈ અવકાશયાન ભણી જતાં હોવ તેવો અનુભવ થાય! મમ્મી માટે વ્હીલચેર લીધી હોવાથી મને અલગ પ્રવેશ મળ્યો અને મારા અન્ય પરિવાર જનો કતારમાં ઉભા રહી લિફ્ટ માં પ્રવેશ કરવાની રાહ જોઈ રહ્યાં. અને એ ઉત્સુકતાની ઘડી આવી પહોંચી! અમે સૌ પહેલી વાર ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં પળવારમાં લઈ જતી વિશ્વની સૌથી ઉંચા ટાવર ની લિફ્ટમાં બુર્જ ખલીફા ના ૧૨૪માં માળે પહોંચવા જઈ પહોંચ્યા. લિફ્ટના આંકડા ઘડીના છઠ્ઠા ભાગમાં ચઢતા ક્રમમાં બદલાઈ રહ્યાં... ૧.. ૨... ૩... ૧૦૦... ૧૦૧... ૧૦૨... અને ૧૨૪! એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં અમે જઈ પહોંચ્યા આઠસો મીટર થી વધુ ઊંચાઇએ બુર્જ ખલીફા ના ૧૨૪માં માળે. અહીં ગોળાકારમાં વ્યૂઇંગ ગેલેરી બનાવેલી હતી. જાડા કાચ ની પેલે પાર નીચે દેખાતું રોશની સભર દ્રશ્ય બે ઘડી શ્વાસ થંભાવી દે એટલું રોચક હતું! 





















 ઉંચી ઉંચી ઈમારતો, નીચે આસપાસ કૃત્રિમ તળાવમાં ફરી રહેલી નાવડી ઓની કોરે લગાડેલી લાઈટ, દુબઈ મૉલ ના ત્રીજા આકર્ષણ સમા મ્યૂઝિકલ ફુવારા, દૂર દૂર નજરે ચડતી કીડી ઓની કતાર સમી લાગતી વાહનોની ટ્રાફિક લાઇન... આ બધું એક અતિ નયનરમ્ય, મનોગમ્ય છબી સર્જી રહ્યાં હતાં. અમે ધરાઈ ધરાઈ ને આ દ્રશ્યો માણી રહ્યાં અને હ્રદયના કાચકડામાં કેદ કરી રહ્યાં. કોઈ અહીં ધક્કામુક્કી નહોતું કરી રહ્યું કે નહોતી કોઈ ઉતાવળ. સમય જાણે મંદ પડી ગયો હતો લિફ્ટમાં અમને પળવારમાં ઉપર લઈ આવ્યા બાદ! મારા અન્ય પરિવારજનો હજી અમને મળ્યા નહોતા. અહીંથી ૧૨૫માં માળે જવાની પણ વ્યવસ્થા હતી. વર્તુળાકાર પગથિયા ચડી હું ઉપર જઈ આવ્યો. ફરી ૧૨૪માં માળે આવી અહીં સુવેનિયર શોપ ફરી પાછા ફરતાં મને તેઓ મળી ગયા અને અમે ફરી ૧૨૪માં માળની વ્યૂઇંગ ગેલેરી પાસે આવી ફોટા પાડયા અને ફરી કાચની પારદર્શક દિવાલ પાર દેખાતાં મનોહર દ્રશ્યની મજા માણી ફરી નીચે જવા રવાના થયાં. નીચે આવ્યા બાદ

  ચોકલેટના એક રંગબેરંગી સ્ટોર માંથી કેટલીક ચોકલેટસ ખરીદી. પછી ફૂડકોર્ટ માં થોડું ઘણું ખાધું અને આગળ વધ્યા દુબઈ મોલના ત્રીજા આકર્ષણ એવા મ્યૂઝિકલ ફુવારા જોવા. ભારતમાં દિલ્હીના સ્વામી નારાયણ અક્ષર ધામ મંદિરમાં છે એવા જ સંગીતમય પાણીના ફુવારા નો શો અહીં દર અડધા કલાકે યોજાય છે. મોલ ની ફરતે પ્રોમીનેડ પર ચાલવાની મજા જ કાંઈક નોખી. અહીં સર્વત્ર પ્રકાશ, ઉલ્લાસ અને ઉત્સાહ સાથે હકારાત્મકતા પ્રવર્તમાન હતી. તમને લાગે જ કે તમે વિદેશની ધરતી પર ચાલી રહ્યા છો. દેશ વિદેશના નાગરિકો ખુશનુમા વાતાવરણમાં વિહરી રહેલા જોવાનો લ્હાવો અહીં માણવા મળ્યો. અને થોડી વારમાં જ પ્રોમીનેડ ફરતે બનાવાયેલ કૃત્રિમ તળાવમાં સંગીત સાથે તાલ મિલાવતી પાણીની છોળો લય બદ્ધ રીતે આમતેમ ઉડી રહી. આંખો અને કાન બંને સાથે મનનું પણ રંજન કરતાં આ ફુવારા હ્રદયને અનેરો આનંદ આપી રહ્યાં. દુબઈ માં માણેલી શ્રેષ્ઠ ક્ષણો પૈકીની થોડી ક્ષણો આ હતી! અહીંથી બુર્જ ખલીફાની રોશની મઢી ઉંચાઈ જોવા ડોક ઉંચી કરવી પડે અને છતાં આખી ઇમારત તમે એકસાથે આંખમાં ભરી શકો નહીં! ખૂબ મજા આવી આ સમગ્ર અનુભવ માણવાની...
આ હતો અમારો દુબઈ પ્રવાસનો છેલ્લેથી બીજો દિવસ.

(ક્રમશ :)
-------------------------------------------------------------
(ભાગ ૧૦) 
----------
દુબઈ યાત્રાનાં પાંચ દિવસ પૂરા થઈ ગયાં અને છઠ્ઠો છેલ્લો દિવસ ક્યારે આવી પહોંચ્યો તેનો ખ્યાલ જ ન આવ્યો. દુનિયાભરમાં પ્રવાસન માટે સુખ્યાત એવા શહેરમાં ફરવાના શોખીન જનને પાંચ - છ દિવસ ઓછા જ પડે! હજી ઘણું જોવાનું બાકી હતું. પણ સપરિવાર વિદેશ ગયા હોઈએ એટલે બજેટ પણ ધ્યાનમાં રાખવું પડે. આમ સંતુલન જાળવી યોગ્ય આયોજન સાથે જ વિદેશ પ્રવાસની મજા યોગ્ય રીતે માણી શકાય. એકાદ દિવસ તો જો કે મુકત રાખવો જ પડે જેથી ત્યાં ગયા બાદ કઇંક રહી ગયું હોય તે આવરી લઈ શકાય અથવા જે ખૂબ ગમ્યું હોય તે ફરી કરવાનો લ્હાવો લઈ શકાય. મને ત્યાં ગયા પછી જાણ થઈ કે જ્યાં રોકાયા હતા તે સવૉય પાર્ક અપાર્ટમેંટ હોટલ રોજ સવારે દુબઈમાં આવેલા ખાનગી દરિયા કાંઠે જવા માટે ફ્રી બસ સેવા હતી. પરિવારજનોને દરિયા કાંઠે આવવામાં રસ નહોતો આથી એમને સવારનો નાસ્તો પતાવ્યા બાદ હોટલમાં જ સામાન પેક કરવા મૂકી હું બસ દ્વારા લા મેર બીચ પર જઈ પહોંચ્યો. 
મારા સિવાય અહીં બધાં વિદેશી સહેલાણીઓ જ હતાં. મોટા ભાગના પોતપોતાના પરિવાર સાથે આવ્યાં હતાં. આપણાં ભારતીયોને ટૂંકા ને ઓછા વસ્ત્રોનો છોછ હોય છે એવો વિદેશઓને નહીં એટલે માતા પિતા સાથે સંતાનો પણ સ્વિમિંગ કોસ્ટ્યૂમમાં સ્વિમિંગની મજા અહીં માણી રહેલા જોવા મળ્યાં. આ એક ખાનગી જેવો દરિયા કિનારાનો ભાગ હતો જ્યાં ચોખ્ખું ભૂરું પાણી તમને સામેથી જાણે તરવા - છબછબિયા કરવા ઈજન આપતું હોય એવું લાગે! 




પાણી છીછરું હતું અને થોડે દૂર એક દોરડું પણ બાંધ્યું હતું જેની આગળ કદાચ ન જવાની એ ચેતવણી આપતું હતું. મેં આખા બીચ પર એક છેડે થી બીજે છેડે સુધી લટાર મારી અને પછી થોડી વાર સ્વિમિંગની મજા માણી. બસ તો પાછી બપોર પછી આવવાની હોઈ મેં ત્યાંથી ટેક્સી પકડી અને અગિયારેક વાગે હું પાછો ફર્યો. બાર વાગ્યાનો ચેક આઉટ નો સમય હતો, એટલે અમે સામાન સુરક્ષિત જગાએ મુકાવી ચેક આઉટ કરી લીધું. હોટલની ઑફિસમાં કમ્પ્યુટર પર એક પર્યાવરણને લગતી પ્રશ્નોત્તરીમાં નમ્યાને ભાગ લેવડાવ્યો અને એક સરસ મજાની ઈકો ફ્રેન્ડલી બેગ ઈનામમાં જીતી!
           દુબઈ આવો અને અહીં થી સો ટચ નું શુદ્ધ સોનુ ખરીદયા વગર પાછા આવો એ તો કેમ બની શકે? અરેબિયન કોર્ટયાર્ડ હોટલ નજીક પાછા આવી ત્યાં મીના બજાર માં એક દુકાનમાંથી સોનાની ખરીદી કરી. હિરેનની પત્ની અને મમ્મી તેમના પરિચિત સોનીની દુકાને લઈ આવ્યાં હતાં અને દુકાનમાં સૌ ગુજરાતી - મારવાડી જ હતાં. ખાસ્સો બે - એક કલાક જેવો સમય ત્યાં પસાર કર્યા બાદ નજીકની કૈલાસ પર્વત હોટલમાં જમ્યા. અહીં ફૂલો ની હજારો વેરાયટી ધરાવતા મિરેકલ ગાર્ડન અને ત્યાં નજીક માં વિશ્વ ના જુદા જુદા દેશોના પ્રખ્યાત સ્થળોની પ્રતિકૃતિઓ ધરાવતી ગ્લોબલ વિલેજ નામની જગાએ જવાની ખૂબ ઇચ્છા હતી પણ સમયના અભાવે ત્યાં ન જઈ શકાયું. 
જમ્યા બાદ અમે ત્રણ ગ્રુપમાં વહેંચાઈ ગયાં. મમ્મી હિરેનના મમ્મી સાથે તેના ઘેર, મારી બહેનો હિરેનની પત્ની સોનલ સાથે ખરીદી કરવા મોલમાં અને હું અમી અને બાળકો સાથે નજીકમાં આવેલા મ્યૂઝિયમમાં ગયા. છ દિવસથી રોજ આ મ્યૂઝિયમ દેખાતું કે તેની પાસેથી પસાર થતાં પણ અંદર જવાનો યોગ છેલ્લા દિવસની સાંજે આવ્યો. મજા આવી. 



અહીં દુબઈના ઇતિહાસમાં ડોકિયું કરવાની તક મળી તેમજ એક ખાસ દુકાનમાં બોલકી સસ્મિત યુવતી સાથે વાત કરવાની મજા પડી. તેની સાથે સપરિવાર એક ફોટો પડાવ્યો અને તેની દુકાનમાંથી એકાદબે સારી ચીજ વસ્તુઓ પણ ખરીદી. મ્યૂઝિયમમાંથી બહાર આવ્યાં ત્યારે અંધારું થવામાં હતું. અમે પણ એક બે મોલ માં જઈ થોડી વધુ ખરીદી કરી અને પછી રાતે હોટલમાં સામાન લેવા જઇ પહોંચ્યા. હિરેન મારી મમ્મીને લઈ ત્યાં આવી પહોંચ્યો અને મારી બહેનો પણ ત્યાં પાછી ફરી અને અમને શારજાહ એરપોર્ટ લઈ જવા છેલ્લી ગાડી આવી પહોંચી. કેટકેટલી જુદી જુદી ગાડીઓમાં અમે જુદા જુદા ડ્રાઇવરો સાથે દુબઈની વિવિધ જગાઓએ સફર માણી હતી! છેલ્લી સવારી વખતે મન થોડું ભારે હતું! વિદાય કેમ હંમેશા વસમી લાગતી હશે! શારજાહ એરપોર્ટ સમય કરતાં જલ્દી પહોંચી ગયા હતા એટલે એરપોર્ટ પર ફરી થોડી વધુ ખરીદી કરી! અહીં ઓફિસર ખૂબ સેવાભાવી હતાં અને તેમણે મમ્મી માટે વ્હીલચેરની સગવડ વિના મૂલ્યે કરી આપી. રાત્રે અઢી વાગ્યાની નોન સ્ટોપ ફ્લાઇટ માં બેસી દુબઈ નો આભાર માની અમે આ મજાની નગરીને વિદાય આપી. 
  પરિવારજનોનો આ પ્રથમ વિદેશ પ્રવાસ પણ હતો એટલે એનું અદકેરું મહત્વ હતું. અમે સૌ એ ઉંચાઈઓનાં આ શહેરના પ્રવાસની મજા ધરાઈ ધરાઈને માણી. 
(સંપૂર્ણ)

1 ટિપ્પણી:

  1. રેખા શાહ, ભાઈન્દર ; ઈલાક્ષી મર્ચંટ ; મીના જોશી ; રજનીકાંત સાવલા31 માર્ચ, 2019 એ 09:49 AM વાગ્યે

    દુબઈ પ્રવાસની આખી યાત્રા અમે તમારી સાથે પ્રત્યક્ષ હોઈએ એ રીતે માણી. ખૂબ મજા આવી. ખુબ જ સરસ વિસ્તૃત માહિતી માટે આભાર.

    જવાબ આપોકાઢી નાખો