Translate

ગુરુવાર, 18 ઑક્ટોબર, 2018

ઉત્સાહ અને સ્ફૂર્તિ સાથે જીવો

           ૭મી ઓકટોબર ૨૦૧૮ને રવિવારે પુણેમાં યોજાયેલ મેરથોનમાં દોડયા બાદ ઉજવણી કરતાં કેટલાક યુવાનોનો એક વિડિયો વોટ્સએપ પર વાયરલ થયો છે. મેં પણ એ જોયો અને મને એ ખૂબ ગમ્યો. કારણ આ એક સામાન્ય વિડિયો નહોતો, એમાં એક અનોખી, ખાસ વાત હતી, પ્રેરણાત્મક. એમાં ઝીંગ ઝીંગ ઝીંગાટ ના ખૂબ પ્રખ્યાત થયેલ મરાઠી ગીતની ધૂન પર એક યુવાન અતિ ઉત્સાહ પૂર્વક નાચી રહ્યો હતો, તાલ માં, એક પગે. એક પગે શા માટે? કારણ તેનો એક જ પગ હતો. બીજો પગ કદાચ જન્મ થી નહીં હોય અથવા કોઈક અકસ્માત માં કપાઈ ગયો હશે. પણ એ ભૂતકાળની વાત એ યુવાન ભૂલાવી ચૂક્યો હશે એટલે જ એ એટલી મસ્તીમાં નાચી શકતો હતો. એક પગે, જેના પર જ એણે ૧૦ કિલોમીટર દોડી મેરથોનની દોડ પણ પૂરી કરી હતી. તેના ઝીંદાદીલી ભર્યા જીવન અને જીવંતતાથી ભર્યા આ વિડિયો ને જોઈ આપણે સૌએ ઉત્સાહથી જીવતા શીખવું જોઈએ. ભૂતકાળને ભૂલી વર્તમાનમાં જીવતા શીખવું જોઈએ.
   શરીરનું એક પણ અંગ ન હોય તો વેઠવી પડતી મુશ્કેલીઓ અપાર હોય છે, છતાં આ યુવાન જેવા ઝીંદાદીલ લોકો ફરિયાદ કરવામાં નથી રાચતા, તેઓ એ ખોટ કે ખોડ ને ભૂલાવી, તેના પર વિજય મેળવી આગળ વધે છે. જ્યારે કેટલાક નકારાત્મક લોકો તેમને ઈશ્વરે કોઈ જ ખામી ન આપી હોવા છતાં ફરિયાદ કરવામાં રચ્યાપચ્યા રહે છે. નિરાશાની ગર્તામાં ધકેલાઈ આત્મ હત્યા જેવું અંતિમ પગલું ભરી બેસે છે. એવા લોકોએ પુણેવાળા યુવાનનો પ્રેરણાત્મક, હકારાત્મક વિડિયો જોવો જોઈએ.

Inspiring Video of the Pune Marathon runner with one leg

   ઈશ્વરે આપણને બધાં અંગો સહી સલામત આપ્યાં છે એ જ જીવનની સૌથી મોટી ભેટ છે તેનો સદુપયોગ કરી પોતાનું, પોતાનાં પરિવાર જનોનું અને આસપાસ ના સર્વ ને બને એટલા ઉપયોગી થઈ કલ્યાણ કરવું જોઈએ. ખુશ રહી જીવવું જોઈએ, ખુશી ફેલાવતા જીવવું જોઈએ.
    કામ અને જીવન બંને વચ્ચે સંતુલન જાળવી, શોખો પુરા કરવા જોઈએ, ફરવા જવું જોઈએ, તહેવારોની ઉજવણીમાં ઉત્સાહ પૂર્વક ભાગ લેવો જોઈએ. પરિવારજનો અને મિત્રો સાથે ખુશીની ક્ષણો માણવી જોઈએ. ગઈ કાલ કરતા આજ વધુ ઝડપથી પસાર થાય છે અને આવતી કાલ તેના કરતાં પણ વધુ ઝડપે પસાર થઈ જશે. નાની મોટી ખુશીઓ માણતા માણતા જીવીશું તો જીવન ના અંત ટાણે પસ્તાવાનો વારો નહીં આવે.


2 ટિપ્પણીઓ:

  1. ઉત્સાહ અને સ્ફૂર્તિ થી જીવવાનું શીખવતો બ્લૉગ ખરેખર સરસ હતો. આપણે આપણી પાસે જે હોય છે તેની કદર કરતા નથી અને જેનો અભાવ હોય છે તેના જ રોદણાં રડતાં હોઈએ છીએ. પેરા ઓલિમ્પિક ખેલાડીઓ જીવન પ્રત્યે કેવો અભિગમ કેળવવો જોઈએ તેના શ્રેષ્ઠ જીવંત ઉદાહરણ છે. મને પણ જીવન માં એક તબક્કે પીઠના દુખાવાની સમસ્યા નડી હતી પણ ઇશ્વર ની કૃપા થી હું દૈનિક કાર્યો સહેલાઈ થી કરી શકું છું અને જીવન માણી શકું છું.

    જવાબ આપોકાઢી નાખો
  2. વોટ્સ એપ પર વાયરલ થયેલ વિડિયો સૌએ જોયો હશે પણ એ જોઈ આવા હકારાત્મક વિચારો કેમ સૌને નહીં આવ્યા હોય?! આવા સુંદર પ્રેરણાત્મક વિચારો બ્લૉગ દ્વારા વહેંચવા બદલ આભાર. મને આ બ્લોગ ખૂબ ગમ્યો અને હું એ મારા બાળકો ને પણ વંચાવીશ.

    જવાબ આપોકાઢી નાખો