શહેરની ધાંધલ ધમાલ, દોડધામ અને પ્રદૂષણયુક્ત વ્યસ્ત રોજનીશીમાંથી એકાદ દિવસ ચોરીને પણ ચોમાસા દરમ્યાન જંગલમાં પ્રકૃતિભ્રમણ માટે ઉપડી જવું જોઈએ. આવી નાનકડી વિહાર યાત્રા પણ તમારામાં અનેરી અને અદ્ભુત ઉર્જા ભરી દે છે. ખાતરી કરવા તો તમારે પહોંચી જવું પડશે આસપાસ આવેલા કોઈ જંગલમાં! તમે મુંબઈ માં હોવ તો વધુ દૂર જવાની યે જરૂર નથી, બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્ક કે ગોરેગામના આરે કોલોની કે વસઈ પાસે આવેલ તુંગારેશ્વર કે નાગલા વિસ્તારની મુલાકાત તમે આસાનીથી લઈ શકશો ઝાઝી તૈયારી કે લાંબી મુસાફરીની પળોજણ વગર!
ગયા સપ્તાહના શનિવારની વહેલી સવારે મારી ઓફિસના કેટલાક મિત્રો તેમજ પર્યાવરણ સંવર્ધન અને જાળવણીની દિશામાં કાર્ય કરતી સંસ્થા બી.એન.એચ.એસ.ના પાંચેક સભ્યો સાથે મુંબઈના વસઈ પાસે આવેલ નાગલા બ્લૉકના વન્ય વિસ્તારમાં નેચર ટ્રેઈલ માટે ગયો. ખૂબ સરસ અને યાદગાર રહી આ ટૂંકી પણ મજેદાર જંગલયાત્રા. નાયગાંવની ખાડી પસાર કરી મુંબઈ - અમદાવાદ હાઈવે પર થોડે જ આગળ અમારી બસ થોભી અને ત્યાંથી શરૂ થઈ અમારી નેચર ટ્રેઈલ. હાઇવે થી માત્ર સો બસો મીટર જેટલું ચાલતા જ જંગલની શરૂઆત થઈ ગઈ એ જાણી ને નવાઈ લાગી. શહેરથી કેટલું નજીક છે આ જંગલ!
ઉંચા ઉંચા ઝાડ, લીલાછમ છોડવા - વેલા અને અનેકવિધ જંતુઓની ફોજ અમારું સહર્ષ સ્વાગત કરી રહી જાણે! જે લોકો હાફ પેંટ પહેરી આવ્યા હતા તેઓ પસ્તાયા કારણ તેમના પગના ખુલ્લા ભાગ પર મચ્છરો રીતસર તૂટી જ પડયાં! અમારી બસથી અમે નજીક જ હતા એટલે એક પરોપકારી જણ દોડીને ઓડોમસ લઈ આવ્યો અને એ પગે લગાડતાં જ હાફ-પેંટ પહેરેલાઓને થોડી રાહત થઈ અને અમે આગળ વધ્યાં!




ગત વર્ષે સંજય ગાંધી નૅશનલ પાર્કની કાન્હેરીની ગુફાઓ પાસે આવેલ માર્ગ પર જ્યારે અમે નેચર ટ્રેઈલ માટે ગયા હતા ત્યારે મૂશળધાર વરસાદે અમારા તન-મન ભીંજવી અમને ભરપૂર આનંદ આપ્યો હતો અને આ વર્ષે પણ અમે વરસાદ પડશે એવી તીવ્ર ઇચ્છા સેવી રહ્યા હતાં. પણ આ વખતે અમારી એ ઈચ્છા ફળી ભૂત ન થઈ. જો કે વરસાદ અમે ચાલવું શરૂ કર્યું તે પહેલાં જ પડી ગયો હોવાને કારણે ભીનાશ અને લીલોતરી અમારા મનને એક અનેરી શાંતિ અને પ્રસન્નતા અર્પી રહ્યા હતાં.
આગળ એકાદ છોડના પાન પર ઉંચે એક દેડકો બેઠેલો નજરે ચડયો

અમારી નેચર ટ્રેઈલનું સમાપન થયું એક સરસ પથ્થરની ભેખડ પાસે જ્યાંથી એક સુંદર જળાશય દ્રશ્યમાન થઈ રહ્યું હતું. અમે અહીં બેસી થોડી વાર ટોળટપ્પા માર્યા, ધરાઈ ને ફોટા પાડયા, થાક ઉતાર્યો. અહીં થી ખસવાનું મન જ નહોતું થતું. ત્યાં એક નાનકડી હોડી અમારી નજર સામેથી પસાર થઈ અને જળાશયનું એ દ્રશ્ય જાણે હવે હોડી ફ્રેમમાં આવતા પૂર્ણ થયું!

અડધા જ દિવસની આ જંગલ વિહાર યાત્રા અમારા સૌમાં અનોખી સ્ફૂર્તિ અને તાજગી ભરનારી બની રહી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો