Translate

રવિવાર, 17 જુલાઈ, 2016

ફ્રાન્સ-સ્વીત્ઝર્લેન્ડની પ્રથમ વિદેશ યાત્રા (ભાગ - ર)

ફ્રાન્સ ની ફ્લાઈટ જેદ્દાહ થઈને જવાની હતી. જેદ્દાહમાં બે કલાક ના રોકાણ બાદ ફ્રાન્સની ફ્લાઈટ પકડવાની હતી. મુંબઈથી જેદ્દાહ જતી ફ્લાઈટ સારી રહી. ખુબ મોટું વિમાન હતું અને અડધું ખાલી પણ સાથેની બીજી બે બેઠકો ખાલી હતી. મેં એક ફિલ્મ જોઈ, ખાઈ પી અને થોડું સૂઈ લઈ છ કલાક પસાર કર્યાં. જેદ્દાહ માં ઉતર્યો એટલે ત્યાંના સ્થાનિક સમય સાથે મેળવવા મારી ઘડિયાળનો સમય બે કલાક પાછળ કરવો પડ્યો. જેદ્દાહમાં સુરક્ષા જાંચ થોડી વધુ આકરી હતી. લેપટોપ તો અલગ ટ્રેમાં મૂકાવ્યું જ પણ સાથે જૂતા,કાંડા ઘડિયાળ અને કમરે પહેરેલ પટ્ટો પણ કઢાવી અલગ ટ્રેમાં મૂકાવ્યો.ભાષા પણ ત્યાં અરેબિક જ બોલાતી હતી. નવાઈ તો ત્યારે લાગી જ્યારે જેદ્દાહ થી ફ્રાન્સની ફ્લાઈટમાં એર-હોસ્ટેસને વેજ ફુડ લાવવા કહ્યું ત્યારે તેને ‘વેજ’ શબ્દ નો અર્થ જ ખબર નહોતો અને નહોતી એ અંગ્રેજી સમજતી!

પણ આખરે તેણે એક વેજ મિલબોક્સ આપ્યું જે મેં સાશંક ખાધું! આ ફ્લાઈટ આખી ખીચોખીચ ભરેલી હતી. આખરે ફ્રાન્સમાં ઉતર્યો અને ઘડિયાળ વધુ એક કલાક પાછળ કરવી પડી. ભારતમાં જ્યારે સવારના દસ વાગ્યા હશે એ સમયે હું ફ્રાન્સમાં સવારે સાત વાગે ઉતર્યો. વિમાની મથક તો જો કે બધાં જ દેશોમાં સરખા જ હોય પણ બહારની વિદેશી ભૂમિ પર પ્રથમ વાર પગરણ કરવા મન આતુર બન્યું હતું! ઇમિગ્રેશન ચેક માટેની કતારમાં ઉભો હતો ત્યારે થોડો ફફડાટ હતો. કારણ એકાદ વર્ષ અગાઉ ફ્રાન્સમાં અને થોડા સમય અગાઉ બેલ્જિયમમાં થયેલા આતંકવાદી હૂમલા બાદ વિદેશી માટે આ યુરોપીય દેશોમાં પ્રવેશવું જરાક અઘરૂં બન્યું છે એમ સાંભળ્યું હતું. આખરે મારો નંબર આવ્યો અને એક અશ્વેત પોલીસ ઓફિસરે મારી સામે જોઈ પાસપોર્ટની વિગતો તેની સિસ્ટમમાં ઓનલાઈન ચેક કરી ફ્રાન્સનો થપ્પો મારી દીધો પાસપોર્ટ પર!
બેગેજ વગેરે લઈ લીધા બાદ એચ.ડી.એફ.સી. નું ડેબીટ કાર્ડ એ.ટી.એમ મશીનમાંથી વાપરી પૈસા કાઢવાનો પ્રયત્ન કર્યો. નેટબેન્કીંગમાં ઇન્ટરનેશનલ વપરાશ માટે કાર્ડ એનેબલ કર્યું હોવા છતાં અને તેમને ફોન કરીને પણ આ બાબતની ખાતરી કરી હોવા છતાં ટ્રાન્સેકશન્સ ફેલ! સારૂં હતું મારી પાસે બીજા પણ ક્રેડીટ અને ડેબીટ કાર્ડ્સ હતાં અને થોડા ઘણા યુરો મેં મુંબઈ એરપોર્ટ પરથી સાથે રાખ્યા હતાં. એચ.ડી.એફ.સી. બેન્કના ડેબીટ કાર્ડે મને બે-ત્રણ દિવસ બાદ પણ ફરી દગો આપ્યો હતો. બેલેન્સ ચેક કર્યું હતું તેનો ટ્રાન્સેકશન ચાર્જ તેમણે વસૂલ્યો પણ બે-ત્રણ વાર તેમના કાર્ડે મારા ટ્રાન્સેકશન્સ ફેલ કર્યા તેનું કંઈ નહિ!
મારી કઝીન નેહાનો પતિ ભૌમિક મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો. તેની સાથે અન્ડરગ્રાઉન્ડ પાર્કીંગ લોટમાં જઈ ગાડીમાં બેઠા અને એરપોર્ટની બહાર નિકળી હાઈવે પર આવ્યાં. એરપોર્ટમાંથી બહાર નિકળવાનો સર્પિલાકાર માર્ગ મજાનો હતો. હાઈવે તો ખેર મને મુંબઈના હાઈવે જેવો જ જણાઈ રહ્યો હતો. પણ માર્ગની બંને બાજુએ લીલોતરી સારા એવા પ્રમાણમાં દેખા દેતી હતી. કોઈક કોઈક છોડને તો લાલ ચટ્ટક અને પીળા નાજુક અને અતિ સુંદર એવા ફૂલ પણ ભરચક આવેલા દેખાતા હતાં. વિદેશી ફુલો! જે અગાઉ ભારતમાં ક્યારેય જોયા નહોતા!
ખેર થોડું અંતર કાપ્યા બાદ જ્યારે મુખ્ય પેરીસ શહેર નજીક આવ્યાં કે ટ્રાફીકની સમસ્યા શરૂ! અહિં પણ ટ્રાફીક ની સમસ્યા તો મુંબઈ અને ભારતના દરેક મહાનગર જેટલી જ ગંભીર અને વકરેલી જોવા મળી! ભૌમિકે જણાવ્યું કે ઓફિસ કલાકો દરમ્યાન ટ્રાફીક ની સમસ્યા રોજની હતી. તેને એટલું મોડું થઈ ગયું કે આખરે અનિચ્છાએ તેણે મને બીજી ટેક્સીમાં બેસાડી ઓફિસ પહોંચી જવું પડ્યું. ટેક્સી વાળાને અંગ્રેજી આવડતું નહોતું પણ ભૌમિકે તેને ફ્રેન્ચમાં પોતાનું સરનામું સમજાવી દીધેલું એટલે ખાસ કોઈ તકલીફ પડી નહિ.મારી કઝીન નેહા અમારી વાટ જોતી તૈયાર જ ઉભી હતી અને તેણે મારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું! આખરે પહેલવહેલું તેના પિયર પક્ષનું  કોઈક તેના સાસરાની ભૂમિ પર તેને મળવા આવ્યું હતું!
અહિ લોકોના જીવનના દરેક પાસામાં ટેકનોલોજી અભિન્ન અંગની જેમ વણાઈ ગયેલી જોવા મળે.
નેહાએ બિલ્ડીંગના ગેટ બહાર એક મશીનમાં પાસવર્ડ કોડ નાખ્યો અને ગેટ ખુલી ગયો ત્યારબાદ તેના બિલ્ડીંગની અંદર લિફ્ટ પાસે જવા બીજા એક ગેટમાં કોડ નાખતા અંદર પ્રવેશ મળ્યો અને છેવટે લિફ્ટ માં ત્રીજો એક સુરક્ષા કવચ ભેદ્યો ત્યારે એન્ટ્રી મળી!
નેહા અને ભૌમિકનું સ્વચ્છ સુઘડ ઘર જોઈ તેમના પર માન થઈ આવ્યું. ખુબ સરળ પણ સારી રીતે તેમણે તેમના ઘરને સજાવ્યું હતું. બિલાન કોર્ટ નામનો આ વિસ્તાર અગાઉ રજવાડાનો ભાગ હતો. ચોખ્ખાઈ અહિ ઉડીને આંખે વળગે એવી હતી. લંબચોરસ આકારમાં ગોઠવાયેલા મકાનો હારમાં હતાં પણ બે હાર વચ્ચે ખાસ્સી એવી જગા હતી જેમાં બગીચો અને એક છેડે નાનકડું કૃત્રિમ તળાવ જેવું બનાવેલું હતું. આખા રસ્તે અને અહિં પાર્કમાં મને સતત ઝાડછોડને મેઇનટેન કરતી ગાડીઓ જોવા મળી. દરેક બાબતનું અહિ અતિ ચોકસાઈ પૂર્વક જતન થતું જોવા મળ્યું. માર્ગમાં જોગિંગ કે રનીંગ કરી રહેલા લોકો તો જોવા મળ્યા જ હતાં પણ નેહા ના ઘરની વિશાળ લાંબી ગેલેરીમાંથી સામે નીચે દ્રષ્યમાન થતા વિશાળ બગીચામાં માત્ર એક મહિલા કસરત કરી રહેલી જોવા મળી.અને સાથે તેને કસરત કરાવી રહેલો તેનો પ્રશિક્ષક. મોટા લાંબા બગીચામાં આ બે જણ સિવાય મેઇનટેનન્સની ગાડીમાં બેસી ઘાસ ટ્રીમ કરી રહેલ વ્યક્તિ અને થોડા બતકો સિવાય બીજું કોઈ નહિ! અહિ મને ખુબ મોકળાશ વર્તાતી હતી. ભારત કે મુંબઈની જેમ કીડીયારામાં ઉભરાતી કીડીઓની જેમ ભટકાતા માણસો અહિ નહોતા! હતાં એ લોકો ખુબ વ્યવસ્થિત, ટાપટીપ કરેલા અને પોતાની મસ્તીમાં મસ્ત જણાતા હતાં. અને બધાં જ સુંદર! રસ્તે મજૂરી કરતાં સફાઈ કામદારો કે મજૂરો પણ ભારતના ફિલ્મી હીરોને ટક્કર મારે એટલા હેન્ડસમ અને યુવતિઓ તો ઠીક પણ વૃદ્ધાઓ પણ સરસ મજાના ઓવરકોટમાં સજ્જ - હળવા મેક અપ સાથે!
ઘર અને ઘર બહારના દ્રષ્યને મન ભરી માણ્યા બાદ હું નેહા સાથે તેના કિચનમાં બેઠો. ગરમાગરમ ચા સાથે ભારતથી લઈ ગયેલ થેપલાની લિજ્જત માણતા માણતા અમે બંને ભાઈ-બહેને ધરાઈને વાતો કરી! પછી ધરાઈને ખાધું યે ખરા! નેહાનું કીચન ટેક્નોલોજીમય હતું ઈલેક્ટ્રીક સ્ટવ થી માંડી વાસણ ધોવાનું ડીશ વોશર પણ ઈલેક્ટ્રોનીક! ફ્રિજ પર તે ભૌમિક સાથે જે જે દેશોમાં ફરી હતી ત્યાંના સોવેનિયર ફ્રીજ મેગ્નેટ લગાડ્યા હતાં જે જોઈ મને પણ એમ કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ! તેઓ સવારે ઉઠતા વેંત ઈલેક્ટ્રીક બ્રશથી દાંત સાફ કરે અને હેન્ડ શાવરથી સ્નાન કરે. કપડા ધોવાનું પણ મશીન અને વાઈ-ફાઈ ઇન્ટરનેટ વગર તો જાણે ત્યાં પાંગળા થઈ જવાય! ત્યાંના લોકો રસ્તો શોધવા જી.પી.એસ.થી માંડી મનોરંજન માટે પણ ટીવી.કે ફિલ્મો જોવા ઇન્ટર નેટનો ભરપૂર ઉપયોગ કરે છે.
બપોરે આરામ કર્યા બાદ અમે ત્યાંની અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનમાં બેસી ભારતના દિલ્હી ગેટ કે ગેટ-વે-ઓફ-ઇન્ડિયા જેવા એક મોટા સૈનિક-સ્મારકની મુલાકાતે ગયાં જેનું નામ હતું 'આર્ક દ ટ્રાયમ્ફ'.
અતિ ભવ્ય એવું આ સ્મારક પ્રાચીન યુદ્ધમાં શહીદ થયેલાં ફ્રેન્ચ સૈનિકોને અંજલિ આપે છે.આ સ્મારકની ફરતે ગોળાકારે બાર રસ્તા અલગ અલગ દિશાઓમાં જુદા જુદા દેશો તરફ જય છે.એક રસ્તો ભારત તરફ પણ આવે છે એમ મને નેહાએ જણાવ્યું.અહિં જુદાજુદા દેશનાં અનેક લોકો પ્રવાસે આવેલા જોવા મળ્યાં.સુંદર સાંજ હતી.મેટ્રો સ્ટેશનેથી સ્મારક સુધી લઈ આવતી ફૂટપાથ ફિલ્મોમાં જોવા મલતી પરદેશની છબીને આબેહૂબ મળતઈ આવતી હતી.પેરીસની વિશેષતાઓમાંની એક છે અહિંની સ્ટાઈલીશ કાર.બે જ જણ બેસી શકે એવી મોટા ભાગની ગાડીઓ ખુબ આકર્ષક એવી અને મોટા પ્રમાણમાં ઠેર ઠેર દેખાય!ઘણાં સ્ટોરનાં નામ આપણને ઉચ્ચારમાં મુશ્કેલી એવા હતાં પણ ઘણાં સ્ટોર્સ એવા પણ હતાં જે વૈશ્વિકરણને પગલે અહિં ભારતમાં મોટા શહેરોમાં મોલ્સમાં પણ જોવા મળે છે.
સાંજે ભૌમિક પણ ઓફિસેથી સીધો અમારી સાથે જોડાયો અને અમે પેરીસની ઓળખ સમા એફીલ ટાવર ગયાં.

Please see more pics for this post by clicking Here    

(ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો