Translate

બુધવાર, 8 એપ્રિલ, 2015

ગેસ્ટ બ્લોગ : આશા - પ્રથમ સોપાન

                                                                               
                                                                                                  -  વર્ષા તન્ના

આપણામાં કહેવત છે કે ‘આશા અમર છે’. આ અમરત્વના વાઘા પહેરેલી આશા સૌને ગમે છે. સૌ તેને પોતાના હૈયાના એકાદ ખૂણામાં સંઘરી રાખે છે. આશા ભલે અમર હોય પણ તે અમૃત  માનવીએ માનવીએ પોતાનું રૂપ બદલે છે. 

આશા નાના બાળકો માટે માતાના હાલરડાંમાં ઘુંટેલો કસુંબો છે. જીજાબાઇએ આ કસુંબો શિવાજી મહારાજને વીરરસમાં ઘોળી પાયો હતો. તેવી રીતે કલ્પના ચાવલાની માએ આશાને પરીના હાલરડાંમાં ઘોળી પાયો હશે જેથી તેની આશાએ શ્રધ્ધાનું સ્વરૂપ લીધું અને તેને અવકાશયાત્રી બનવાનો મનસૂબો જડ્યો. આમ અડીખમ આશા જ્યારે શ્રધ્ધાનું રૂપ લે છે ત્યારે તે એ અદભૂત કાર્ય બને છે.  

નવી વસ્તુ શીખવાનું પ્રથમ સોપાન છે આશા.  વગરનો માનવી સાવ જડ કે રોબોટ બની જાય છે. જો આશા મનના એકાદ ખૂણામાં સંઘરાયેલ કે સચવાયેલ હશે તો તે આપણને આપણી પરિકલ્પનાના આકાશમાં ધ્રુવનો તારો બની આપણને રસ્તો દેખાડશે.  

આમ જોઇએ તો આશા દરિયાની ભરતી છે.આશા પાનખરની વસંત છે કે  આકાશમાં મલકતો ચંદ્ર છે. સવારનું સાચું પડતું શમણું છે. પાનખરમાં દરેક ઝાડને વસંત આવવાની આશા છે. આશા એ ભૂરા સમુદ્રના ફીણનો એક પરપોટો છે. જે મોજુ તૂટ્યા પછી પણ એક કાળા ખડક પર મોતીની જેમ ચમક્યા કરે છે. આશા  એ પાવનમયી ગંગામા વહેતો મૂકેલો દીવો છે જે અનંતના ઓવારા સુધી ટમક્યા કરે છે.  
આશા એકાંતનું ઘરેણું છે. જો એકાંતમાં આપણે આપણી આશાનું મનન કર્યા કરીએ તો આશા પૂરી થવાનો રસ્તો આપણને ચોક્કસ મળે છે. જેને આપણે ‘પોઝીટીવ  થિંકીંગ’ કહીએ છીએ.આશામાં જ્યારે શ્રધ્ધા ઉમેરાય ત્યારે તે આશા સૌદર્યવતી બને છે. અહલ્યા ભલે શીલા થઈ ગઇ છતાં તેનીઆશામાં રહેલી શ્રધ્ધાથી જ તે ફરી પાછી અહલ્યા બની. તેવી રીતે શબરીની આશામાં શ્રધ્ધા ભળી એટલે રામને તેના એંઠા બોર ખાવા માટે પણ પધારવું પડ્યું.  આમ આશાએ કોઇપણ વસ્તુ મેળવવા માટેની સીડી છે. જો ચડતાં ચડતાં પડી જઇએ તો પણ આપણે ફરી ચડવાનું શરુ કરીએ છીએ આપણી સફળતાની આશા સાથે. 

                                                                                              - વર્ષા તન્ના

1 ટિપ્પણી:

  1. વર્ષા તન્નાનો ગેસ્ટ બ્લોગ ‘આશા-પ્રથમ સોપાન’ ખુબ સરસ અને પ્રેરણાદાયક રહ્યો.વાચકો સમક્ષ એ રજૂ કરવા બદલ અભિનંદન અને આભાર.આશા વિશે જેટલું લખીએ એટલું ઓછું છે.કહેવાય છે કે લાખો નિરાશામાં પણ એક અમર આશા છૂપાયેલી હોય છે.માટે જ કોઈ પણ સંજોગોમાં આશા છોડવી જોઇએ નહિ.
    - રાજન પ્રતાપ, વડોદરા

    જવાબ આપોકાઢી નાખો