Translate

રવિવાર, 2 માર્ચ, 2014

ચૂંટણી આવી રહી છે!


છેલ્લાં થોડાં સમયથી ઓફિસેથી પાછો ઘેર મોટે ભાગે મારા એક કલીગ મિત્ર સાથે તેની ગાડીમાં આવું છું. તેની બહેન એરપોર્ટમાં નોકરી કરે છે અને તેને એનું કંઈક કામ હોવાથી હું પણ એક સાંજે મિત્ર સાથે નવા રસ્તે થઈ એરપોર્ટ ગયો જેનું  હમણાં થોડા સમય પહેલાં આપણાં પ્રધાનમંત્રીએ ઉદઘાટન કર્યું . ખૂબ સુંદર છે રસ્તો. અતિ ઝડપે તેનું કામ પતી ગયું અને ઉદઘાટન પણ થઈ ગયું. ખાસ્સો લાંબો અને સરસ ચોખ્ખો હતો માર્ગ. હું આશા રાખું ચુમ કે આખી મુંબઈ નગરી આવી ચોખ્ખી થઈ જાય! લાંબા સર્પિલાકારે વળાંક લેતાં રસ્તાઓ ગોળાકારે ઉપર તરફ જાય અને પ્રવાસીઓને સીધા એરપોર્ટના ઉપરના માળે  લઈ જાય. તમને રસ્તાઓ અને ફ્લાયઓવર્સ પરથી પસાર થતાં એવી લાગણી થાય જાણે તમે વિદેશ આવી ગયા હોવ! ટર્મિનલ- ખૂબ સારી રીતે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો જાળવીને આકર્ષક તૈયાર કરાયો છે. મોટાં મોટાં સ્તંભો પર મત્સ્યકન્યાના શરીર પરનાં માછલી જેવા ભાગ પર હોય એવાં કે સાપનાં લીસ્સા ચમકતાં શરીર  પર હોય એવાં ભીંગડાં જેવી ડીઝાઈન્સ! તમને ભવ્યાતિભવ્ય લાગણી થાય ત્યાંથી પસાર પણ થતાં હોવ ત્યારે.
Add caption

હવે આવી જગાએ પહોંચતાં પહેલા હાઈવે પરથી જ્યાંથી નવો રસ્તો જોડાય છે ભાગ નજીકનો થોડો વિસ્તાર જોતાં મુંબઈ નગરીની અજોડ વિષમતાના ફરી દર્શન થાય! વિદેશોમાં જોવા મળે એવા ભવ્ય એરપોર્ટ ટર્મિનલ પર જતી વેળાએ રસ્તાની બંને બાજુએ અતિ નજીક સાવ અડીને લાંબી ઝૂંપડપટ્ટી ડોકિયા કરતી દેખાય છે. ક્યાં એરપોર્ટનું અત્યાધુનિક ટર્મિનલ,તેના તરફ લઈ જતાં સુંદર લાંબા રસ્તા અને ક્યાં ઝૂંપડપટ્ટી! પણ છે મુંબઈ નગરીયાની ખાસિયત!
હવે મૂળ મુદ્દા પર આવું તો બંને વિષમ વસ્તુઓ વચ્ચે કોઈ સામ્ય ખરૂં? જવાબ છે : હા!  બંને બંધાવા પાછળ સરકાર અને સ્થાનિક નેતાઓનો મોટો હાથ છે. ટર્મિનલ અને તેને જોડતા રસ્તા ઝડપી બની જવાનું અને તેમનું ઉદઘાટન પણ ઝડપી થઈ જવાનું કારણ ટૂંક સમયમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓ છે!
તમે જો જો, હજી તો ચૂંટણી આવતા સુધીમાં કેટલાયે લાંબા સમયથી અટવાયેલાં પ્રોજેક્ટ્સ પૂરાં થઈ જશે! દેશની પ્રથમ મોનોરેલ તો મુંબઈમાં ચાલુ થઈ ગઈ હવે મુંબઈ-મેટ્રો પણ સાવ નજીકનાં ભવિષ્યમાં શરૂ થઈ જાય તો નવાઈ પામશો!
ઝૂંપડપટ્ટી બની અને ટકી રહેવા પાછળ પણ વોટબેન્ક પોલિટીક્સ કામ કરે છે. વાંદરા સ્ટેશનના પૂર્વ તરફ લઈ જતાં પુલની બંને બાજુએ પુલને ચપોચપ અડીને બહુમાળી ઇમારતો (વાંચો ઝૂંપડપટ્ટી) તૈયાર થઈ ગઈ છે.અહિ થોડા સમય અગાઉ ભીષણ આગ લાગી હતી (જેમાં ચમત્કારીક રીતે કોઈ જાનહાનિ થવા પામી નહોતી) ત્યારે ઇમારતોમાં બે માળ હશે જે અત્યારે ચાર-ચાર માળની ઇમારતો બની ચૂકી છે! હમણાં અખબારોમાં વાંચ્યું કે કોઈક વિસ્તારમાં આવેલાં દસ વર્ષ કે તેથી વધુ જૂનાં ઝૂંપડાઓને અધિકૃતતા કે સરકારી માન્યતા મળી જશે.
ટ્રેન્ડ ખૂબ ખતરનાક છે.આટલી હદે સ્વાર્થી થઈ લાંબા ગાળાના નુકસાનનો વિચાર કર્યા વગર રાજકારણની રમત રમતાં નેતાઓને કારણે ભારત આજે ધારી પ્રગતિ સાધી શક્યું નથી.
પણ હવે આપણે નાગરિકોએ સાવધ થઈ જવાની જરૂર છે.ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચેતી જવાની જરૂર છે.જે નેતાઓને આપણે ચૂંટીશું તેઓ આપણાં પર ભવિષ્યમાં રાજ કરશે (ખરી રીતે તેમણે આપણી સેવા કરવાની હોય પણ તેઓ આપણાં પર રાજ કરશે!)
ખોટાં ખોટાં ટૂંકા ગાળાના લાભો કે વચનો આપનારથી ભરમાઈ જતાં સાચી રીતે શિક્ષીત અને સારૂં ચરિત્ર ધરાવતાં નેતાઓને વોટ આપી આગળ ધપાવવાનાં છે.અપરાધી બેકગ્રાઉન્ડ ધરાવતાં કે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતાં નેતાઓને જાકારો આપીને આપણે ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જઈ શકીશું.અને વોટ કરવાની નિષ્ક્રિયતા તો નરી બેવકૂફી છે,એમાં નુકસાન આપણું છે.વોટ કરવો અને યોગ્ય ચકાસણી કરી સારા અને સાચા ઉમેદવારને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો