Translate

રવિવાર, 14 જુલાઈ, 2013

ગેસ્ટ બ્લોગ : ટેલીગ્રામ સેવાનો અંત

 - જ્યોતિ લાઈજાવાલા

            આજે  વૈજ્ઞાનિક ક્ષેત્રે માનવીએ હરણફાળ ભરીને વિશ્વને જાણે મુઠ્ઠીમાં લઇ લીધું છે. આધુનિક તંત્રજ્ઞાન ને લીધે વિશ્વમાં પરસ્પર સંપર્ક સાધવો સહજ બન્યો છે. પરંતુ વર્ષો પૂર્વે, ગામડામાં રહેતા સ્વજનો,મિત્રો નો સંપર્ક સાધવો મુશ્કેલ હતો .એ વખતે ઘરોઘર ટેલીફોનની સુવિધા પણ નહોતી .પોસ્ટ દ્વારા જ કાગળપત્ર ,મનીઓર્ડર અને અત્યંત મહત્વના સંદેશાઓ ટેલીગ્રામ એટલે કે તાર દ્વારા મોકલી શકાતા.ગામડામાં કોઈ ખાસ સુવિધા નહોતી .નાના  નાના બે-પાંચ ગામડાઓ વચ્ચે એક પોસ્ટ ઓફીસ અને અઠવાડિયામાં એક-બે વખત જ પોસ્ટમેન ટપાલ વહેંચવા નીકળતો .લોકો આતુરતાથી પોસ્ટમેનની રાહ જોતા ,પરંતુ જો કસમયે પોસ્ટમેન ઘરનું બારણું ખખડાવે તો નક્કી અશુભ સમાચાર હશે એમ સમજતાં .
             આજના આધુનિક યુગમાં પોસ્ટ -કાર્ડ સ્થાન કુરીયરે લીધું છે, ટેલીગ્રામનું સ્થાન ફેક્સે ,ફેક્સનું  સ્થાન ઈ-મેલે અને તેને બદલે એસ.એમ.એસ. મોકલવાનું વધુ સરળ બન્યું છે .અને હવે તો  ટવીટર અને ફેસબુકે  એસ.એમ.એસ નું સ્થાન ક્યારે લીધું એની જાણ આપણને ન થઈ. રોજિંદા  જીવનમાં સમયની બચત અને વિશ્વના કોઈ પણ ખૂણામાં રહેલ વ્યક્તિ સાથે સહજરીતે સંપર્ક સાધી આપનાર સાધનો તંત્રજ્ઞાન ને જ આભારી છે .સ્માર્ટ ફોન અને વિડીઓ ચેટીંગ ના જમાનામાં આજથી દોઢ સદીથી પણ વધુ સમય જૂની ટેલીગ્રામ સેવા યુવકોને બાબા આદમના જમાનાની લાગે. હાલમાં એસ.એમ.એસ. માં વાપરવામાં આવતાં you  ને બદલે u , thanks  ને બદલે tnx  ,pictures માટે pix  જેવા ટુંકા શબ્દો વાંચી વિચાર આવે છે ને કે આજના યુવકો અંગ્રેજી ભાષાનો દાટ  વાળે છે પરંતુ આ ચિંતાનો વિષય નથી .આ શોર્ટ-કટ શબ્દો તો ટેલીગ્રાફના જમાનાના છે. ટેલીગ્રાફ એટલે તારથી જોડાયેલ બે મથકો વચ્ચે સાંકેતિક ભાષામાં ,વિદ્યુત પ્રવાહ દ્વારા સંદેશો મોકલવાની ટેકનોલોજી .દોટ અને ડેશ જેવા સાંકેતિક શબ્દો દ્વારા મોકલવામાં આવેલ સંદેશ એટલે ટેલીગ્રામ .અંગ્રેજીમાં તેને કેબલ અને ગુજરાતીમાં તેને તાર કહેવામાં આવે છે . સન ૧૮૩૮માં ટેલીગ્રાફ ની  શોધ સેમ્યુઅલ  મોર્સે કરી હતી. તેઓ એક જાણીતા ચિત્રકાર પણ હતા .ટેલીગ્રાફ ને સંબંધિત સંશોધન અને ટેલીગ્રામ લખવા માટે વાપરવામાં આવતા કોડની રચના પણ તેમણે કરી હતી જે મોર્સ કોડ ને નામે પ્રસિદ્ધ થયો. આમ ટેલીગ્રાફ ની સેવાને લીધે દુનિયા નાની બની ગઈ .ફક્ત સંદેશાઓ જ નહિ પણ ઉદ્યોગધંધા અંગે પણ આદાન પ્રદાન થવા લાગ્યું .જેથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર મેળવવાનું શક્ય બન્યું .ભારતમાં આમ તો ટેલીગ્રાફ ની શરૂઆત સન ૧૯૫૧માં  થઇ હતી .ભારતમાં ૧૮૫૭નો સંગ્રામ શરૂ થયો ત્યારે અંગ્રેજોને ટેલીગ્રાફ સેવા ખુબ જ ઉપયોગી નિવડી .અંગ્રજ સેનાપતીઓ પરસ્પર સંદેશાઓ મોકલી વ્યુહરચના ગોઠવતા .ટેલીગ્રામમાં લખાતાં સદેશા માટે શબ્દ દીઠ પૈસા ચુકવવા પડતા. આથી ઓછા શબ્દોમાં લખી શકાય એ માટે બે શબ્દો જોડીને લખવામાં આવતું .આ ટેલીગ્રામ કેબલ તરીકે ઓળખાતા અને તેમાં વાપરવામાં આવતી શૈલી કેબલીસ  તરીકે ઓળખાઈ. ભારતમાં તારમાં  લખવામાં આવતા વાક્યોમાં શબ્દો બચાવવા માટે ક્રિયાપદ  વગરના વાક્યો લખવામાં આવતા .પણ જોડાક્ષરનો વપરાશ થતો નહિ .કહેવાય છે કે આઝાદીની લડત  વખતે ગાંધીજી અને બીજા નેતાઓ સંદેશાઓ ઝડપથી મોકલવા માટે તારનો ઉપયોગ કર્યો હતો .ભારતમાં વિદેશી તાર સેવા થોડાક વર્ષો પૂર્વે જ બંધ થઇ . ઓસ્ટ્રેલીયામાં ૨૦૧૧ ની સાલમાં ,અમેરિકામાં ૨૦૦૬માં, ઇંગ્લેન્ડમા ૨૦૦3માં આ સેવા એક પ્રાઈવેટ કંપનીને વેચી દીધી .નેપાળે ચાર વર્ષ પૂર્વે ટેલીગ્રાફ સેવા બંધ કરી .જ્યારે એક જમાનામાં ચોવીસ કલાક કાર્યરત રહેતી મુંબઈની સેન્ટ્રલ ટેલીગ્રાફ ઓફીસમાં હવે પંદરમી જુલાઈથી સોપો પડી જશે . ૧૭૫ વર્ષ જૂની તાર સેવા બંધ કરવાનો નિર્યણ પોસ્ટ કાર્યાલય દ્વારા લેવામાં આવ્યો છે. જોકે સમયાનુસાર વર્તવાનો તેમનો આ નિર્ણય મારા  મતે ઉચિત છે ,પણ ક્યારેક દિલ ધડકાવી દેનાર તો ક્યારેક ખુશીના સમાચાર આપનાર ટેલિગ્રામ સેવા આવતી કાલથી એક સંસ્મરણ માત્ર બનીને રહી જશે! આજની પેઢીએ વૈશ્વિકરણ ,ઉદારીકરણ અને ખાનગીકરણના ભરડામાં સિધ્ધી પ્રાપ્ત કરવા અને પોતાના સ્વપ્નાઓ પૂર્ણ કરવા પડકારોનો સામનો કરવાનો છે .એટલે વર્તમાન સમયને અનુસરીને ચાલવામાં જ ડહાપણ છે. જે પરિસ્થિતિ આજે તાર ની થઇ છે એવી જ પરિસ્થિતિ  અન્ય સેવાઓની પણ થાય એવી શક્યતા ખરી!
  
                                                                                                              - જ્યોતિ લાઈજાવાલા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો