Translate

રવિવાર, 21 એપ્રિલ, 2013

સૌથી ખતરનાક પ્રાણી - મનુષ્ય

      ઇન્ટરનેટ પર એક વિડીઓ જોવામાં આવ્યો.એક ચિત્તો બિલાડીની જેમ ધીમા પગલે ચાલી પોતાના શિકાર - એક વાંદરી પર તરાપ મારે છે અને એક જ ઝાટકે તેની જાન લઈ લે છે.પણ કુદરતની કરામત જુઓ કે મરતા પહેલાં ગર્ભવતી એવી એ વાંદરીની પ્રસૂતિ થઈ જાય છે અને બાળવાનર કૂતુહલપૂર્વક બહારની દુનિયામાં પ્રવેશ કરે છે. જંગલના વિશ્વમાં પ્રવેશતાની સાથે જ બાળવાનર સૌ પ્રથમ તેની માતાના સંહારક એવા ચિત્તાને જુએ છે. ચિત્તાની નજર પણ બાળવાનરની નિર્દોષ દ્રષ્ટી સાથે મળે છે અને ચમત્કાર સર્જાય છે.ચિત્તાને પશ્ચાતાપ થાય છે અને તે બાળવાનરને ચાટીને સાફ કરવા લાગે છે.

          બીજાના શિકાર ઝડપી જવામાં ઉસ્તાદ એવું એક ઝરખ ત્યાં આવી ચડે છે ત્યારે ચિત્તો ઘૂરકિયા કરી તેને ડરાવે છે.મરેલ વાંદરીના શબની પરવા કર્યા વગર,પણ બાળવાનરનું ખૂબ જતન પૂર્વક રક્ષણ કરતા કરતા,તેને ઝાડ પર સુરક્ષિત સ્થાને બેસાડી પછી તે ઝરખ પર હૂમલો કરવા ધસી જતો હોય એમ તેને ડરાવી ભગાડી મૂકે છે. ત્યારબાદ શિકાર કરેલ વાંદરીના શબને તદ્દન ભૂલી જઈ બાળવાનર સાથે ગેલ કરવામાં મસ્ત બની જાય છે.તેને ચાલતા શિખવવા પ્રયત્ન કરે છે,ચાટે છે,તેની સાથે મસ્તી કરે છે અને એટલામાં રાત પડી જતાં,કડકડતી ઠંડીથી બચાવવા બાળવાનરને બચાવવા તેને પોતાની ગોદની હૂંફમાં લઈ સૂઈ જાય છે.

      સબળાનો અસ્તિત્વ ટકાવવા નબળા પર વિજય મેળવી તેનું ભક્ષણ કરવાનો નિયમ જંગલમાં તો તર્કપૂર્ણ લાગે પણ મહા ખતરનાક એવા મનુષ્યની મેલી મૂરાદ ક્યારેક સમજવી અશક્ય બની જાય છે.

      તાજેતરમાં બોસ્ટનમાં મેરેથોન સ્પર્ધા દરમ્યાન ફિનિશ-લાઈન નજીક બોમ્બવિસ્ફોટ કરી આતંકવાદીઓ શું પામ્યા હશે કે તેઓ આવા હિચકારા કૃત્ય દ્વારા શું સિદ્ધ કરે છે તે તો ઇશ્વર પણ કદાચ નહિ સમજી શકતો હોય.

      પ્રાણી જેવા પ્રાણીમાં પણ દયા જેવી લાગણી ઉપરની સત્યઘટનામાં વાત કરી તેમ જોવા મળે છે પણ મનુષ્ય સત્તા,લાલસા,વેરઝેર જેવી દુવૃત્તિથી પ્રેરાઈ ક્યારેક પ્રાણીથીયે બદતર બની જાય છે.સરહદ,યુદ્ધો,આતંકવાદ આ બધું માણસની આવી દુવૃત્તિઓને કારણે જ જન્મે છે. ક્યારેકતો કોઈ દેખીતા કારણ વગર ફોરેન દેશોમાં વિકૃત માનસ ધરાવતા માણસ (કે રાક્ષસ?) અંધાધૂંધ ગોળીબાર કરી અનેક નિર્દોષ બાળકો કે સ્ત્રીપુરુષોની હત્યા કરી નાંખ્યાના બેચાર બનાવો તાજેતરમાં જ વાંચવામાં આવ્યાં હતાં.એક બાજુ અન્ય મનુષ્યની નિસ્વાર્થ સેવામાં આખેઆખું જીવન વ્યતિત કરી દેનાર મધર ટેરેસા જેવા માનવો પણ અહિં જ જોવા મળતા હોય છે તો બીજે છેડે ઓસામા બિન લાદેન જેવા નિષ્ઠુર જલ્લાદ આસુરી વૃત્તિ ધરાવતા જીવો પણ અહિં જ ફેક્ટરીમાં પેદા થતા માલસામાનની માફક આતંકવાદીઓની ફોજ પેદા કરતા હોય છે.અમેરિકાએ જેમ ઓસામાને તેના વતનમાંથી ખોળી કાઢી પરલોક પહોંચાડી દીધો તેમ સમગ્ર વિશ્વના બધાં દેશો એક થઈ આતંકવાદના દૂષણને સમૂળગું ન ઉખાડી ફેંકી દઈ શકે?એ દિવસે દુનિયામાં સોનાનો સૂરજ ઉગશે!

3 ટિપ્પણીઓ:

  1. પ્રિય વિકાસભાઈ,
    હું ૮૦ વર્ષનો એક ગુજરાતી મુંબઈવાસી વયસ્ક છું. મને ગુજરાતી લેખો વાંચવા ગમે છે. મને આઈપેડ ની સરળ કી નો ઉપયોગ કરતા આવડે છે પણ મને તેના પર કોઈ લેખ કોપી કેવી રીતે કરી શકાય તેનો ખ્યાલ નથી. મારા અમેરિકામાં વસતા પૌત્ર-પૌત્રીઓને મારે તમારા લેખ મોકલવા છે.શું તમે મને આ લેખો ઇમેલ કરી શકશો?તમારો આભારી રહીશ.
    - હિંમતલાલ પટેલ

    જવાબ આપોકાઢી નાખો
  2. મુરબ્બી શ્રી હિંમતભાઈ,
    હું મારા બધાં બ્લોગ્સ (જે જન્મભૂમિની આ કટારમાં છપાય છે તે) મારી વેબસાઈટ http://blognezarookhethee.blogspot.com પર પણ પબ્લિશ કરું છું.તમે આ વેબસાઈટની લિન્ક તમારા પૌત્ર-પૌત્રીઓને મોકલી શકો છો.તેઓ આ વેબસાઈટ પર બધાં જ બ્લોગ્સ નિયમિત રીતે વાંચી શકશે.બીજું,મારી વેબસાઈટ પર ફીડની સુવિધા પણ ઉપલબ્ધ છે જેના પર એક વાર સબ્સ્ક્રાઈબ કર્યા બાદ જ્યારે જ્યારે હું નવો બ્લોગ પોસ્ટ કરું કે તરત તેની જાણ તમને ઇમેલ દ્વારા આપોઆપ થઈ જાય.તમારી આ માટે ફક્ત તમારું ઇમેલ આઈડી વેબસાઈટના જમણી ટોચના ખૂણે 'ફોલો ધીસ બ્લોગ' બોક્સમાં લખીને સબ્મીટ કરવાનું રહેશે.
    આ અંગે તમારી કંઈક પૂછવું હોય તો તમે મારા મોબાઈલ પર ફોન કરી શકો છો.હું ચોક્કસ તમને મદદરૂપ થવા પ્રયત્ન કરીશ.
    આભાર!
    - વિકાસ નાયક

    જવાબ આપોકાઢી નાખો
  3. પ્રિય વિકાસભાઈ,
    તરત જવાબ આપવા માટે તમારો ખૂબ ખૂઓબ આભાર! તમારી સલાહ મુજબ મેં તમારા બ્લોગ પર સબસ્ક્રાઈબ કર્યું છે અને તમારી વેબસાઈટની લિન્ક પણ મેં મારા પૌત્રપૌત્રીઓને મોકલી આપી છે.તમને એક વાત જણાવવાનું મન થાય છે કે હું કમ્પ્યુટર કે ઇન્ટરનેટ અંગેનું વિશેશ જ્ઞાન ધરાવતો નથી.પણ યુવાનોને પૂછીપૂછીને હંમેશા નવું નવું જાણવાનો અને શિખવાનો પ્રયત્ન કરતો રહું છું.ફરી એક વાર તમારો ખૂબ ખૂબ આભાર.
    - હિંમતલાલ પટેલ

    જવાબ આપોકાઢી નાખો