Translate

રવિવાર, 11 ડિસેમ્બર, 2011

આપણો વ્યવહાર

થોડાં દિવસો પહેલાં અમે ચાર મિત્રો પત્ની અને બાળકો સહિત એક સારી હોટલમાં ડીનર માટે ગયાં. એક મિત્ર પાર્ટી આપી રહ્યો હતો. ઘણાં વખતે અમે સૌ સપરિવાર ભેગા મળ્યાં હતાં. હોટલનું એમ્બિયન્સ ખૂબ સરસ હતું. અમને થોડું મોડું થયું હતું અને ખાવાનો ઓર્ડર અપાઈ ગયા બાદ ખાવામાં વાર લાગી રહી હતી તેમજ આજુબાજુ બેઠેલા બીજાં અમારા જેવા સ્વાદરસિયાઓના ભાણાંઓ માથી આવી રહેલી અવનવી વાનગીઓની સોડમે અમારી ભૂખ અનેક ગણી વધારી દીધી હતી. ખાવાનું આવતા જ અમે સૌ એના પર તૂટી પડ્યા. ખાવાનું સ્વાદિષ્ટ હતું. થોડું વધારે ખવાઈ ગયું. બધું સરસ હતું પણ આ હોટલની સર્વિસ થોડી ધીમી હતી.પંજાબી શાક સાથે રોટી-નાનનું પહેલું સર્વિંગ તો ક્યારનુંયે પતી ગયું. બીજી રોટી માટેનો રીપીટ ઓર્ડર પણ અપાઈ ચૂક્યો હતો પણ આ બીજી વારની રોટી આવવામાં એટલી વાર લાગી કે અમારા શાક–રસા વાળા હાથ પણ સૂકાઈ ગયાં! જેવી બીજી રીપીટ ઓર્ડર વાળી રોટી આવી કે તરત અમે ત્રીજી વારનો પહેલા કરતાં અડધી એટલી રોટી માટેનો ઓર્ડર આપી દીધો. પછીતો બિરિયાનીની જયાફત પણ ઉડાવી. મજા આવી ગઈ ખાવાની!


હવે આવ્યો બિલનો વારો. અમે ઓર્ડર આપેલી બધી વસ્તુઓની બરાબર ગણત્રી રાખી હતી. હવે બન્યું એવું કે મારો જે મિત્ર પાર્ટી આપવાનો હતો તેણે બિલ ચકાસ્યું તો ખબર પડી કે બિલમાં અમે જે ત્રીજી વારની રોટીનો રીપીટ ઓર્ડર આપ્યો હતો તે ગણી જ નહોતી. આમ બિલમાં કુલ છ રોટી ઓછી ગણતાં બિલ દોઢસો-બસો રૂપિયા ઓછું હતું. મારા મિત્રે અમારા બધાં સમક્ષ આ વાત જાહેર કરી અને એ વાતની ખાતરી કરી લીધી કે ચોક્કસ બિલમાં જ ગડબડ હતી. તરત મારા અન્ય એક મિત્રના શ્રીમતીજીએ ટહૂકો પૂર્યો : 'હવે રહેવા દો.આવી મોટી અને મોંઘી હોટલમાં તો છ એક રોટી ઓછી ગણી હોય અને એટલા પૈસા આપણે ઓછા ભરીશું તો કંઈ બગડી જવાનું નથી.આવી શ્રીમંત હોટલને આટલાં નાનકડા નુકસાનથી કંઈ ફરક પડવાનો નથી. હા, આપણાં એટલાં રૂપિયા ચોક્કસ બચી જશે! '

મારા પાર્ટી આપનારા મિત્રે અમારા સૌ સહિત આ વાત આખી સાંભળી તો લીધી પણ તરત બિલ લઈ આવનાર હોટલના મેનેજરને નજીક બોલાવી તેની ભૂલ તરફ ધ્યાન દોરી નવું સુધારીને વધારે રકમ વાળું બિલ લઈ આવવા સૂચના આપી. મને આ ખૂબ ગમ્યું.

આ રીતે ખાવા હોટલમાં ગયા હોઇએ અને ભૂલથી જો કદાચ હોટલવાળો એકાદ આઈટમ વધુ ઉમેરી વધુ રકમનું બિલ આપે ત્યારે આપણે તેના પર તૂટી પડતા હોઈએ છીએ.તો પછી બિલમાં જ્યારે એકાદ વાનગી ઓછી હોવાને કારણે ઓછી રકમનું બિલ હાથમાં આવે ત્યારે મોટા ભાગના લોકોની નીતિ મારા પેલા મિત્રની પત્નીની જેમ બદલાઈ કેમ જતી હશે? આપણને લેવું સારું લાગે છે તો આપવામાં જીવ શા માટે અચકાવો જોઇએ?

બીજું આપણાં બાળકો સાથે હોય ત્યારે આપણે જે વર્તન કરીએ છીએ કે બોલીએ છીએ તે બધું તેઓ ગ્રહણ કરતાં હોય છે અને પછી તેઓ પણ મોટાં થઈ આપણાં એ જ વર્તનનો પડઘો પાડતા હોય છે. માટે આપણે તેઓ સામે સારું અને સાચું જ આચરણ કરવું જોઇએ.

અને કોઈ જોતું હોય ત્યારે તો ઠીક પણ કોઈ ન જોતું હોય ત્યારે પણ સત્ય અને સારું આચરનાર જ ખરો પ્રમાણિક અને નીતિવાન,ચારિત્ર્યવાન મનુષ્ય કહેવાય.યાદ રાખવું જોઇએ કે કોઈ ન જોતું હોય ત્યારે પણ ભગવાન તો બધું જ જોતા હોય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો