Translate

રવિવાર, 24 જુલાઈ, 2011

ફિલ્મોમાં અપશબ્દો અને ગાળો

તાજેતરમાં પ્રદર્શિત થયેલી કેટલીક ફિલ્મો જોઈ : શૈતાન, દિલ્હી બેલી, મર્ડર-૨. આ બધી ફિલ્મોમાં એક કોમન ટ્રેન્ડ જોવા મળ્યો. અપશબ્દો અને ગાળોના મારાનો. આ દરેક ફિલ્મમાં એવા પણ કેટલાક પાસાઓ ઉજાગર કરવામાં આવ્યા છે જે ભલે ખુલ્લેઆમ ચર્ચાતા ન હોય પણ સમાજમાં પ્રવર્તમાન જરૂર છે. કહે છે ને ફિલ્મો સમાજનું પ્રતિબિંબ છે.પણ એડલ્ટ સર્ટીફીકેટ છતાં બોલ્ડ ગણાતી આ ફિલ્મોમાં ભાષા અને બિભત્સતાનો આટલી હદે બેફામ પ્રયોગ મને તો અરૂચિકર લાગ્યો.સમાજમાં જે કંઈ બની રહ્યું હોય તે પ્રદર્શિત કરવાનો અને જેઓ ખરાબ આદતોના બંધાણી નથી તેમને પણ એમ કરવા પ્રેરણા આપે એવો આ દોર યથાર્થ લેખાવવાની વાત મારા ગળે નથી ઉતરતી.


ગાળો બોલવી જો સાવ સામાન્ય અને સારી બાબત હોય તો તમે એ કેમ તમારા માતાપિતા સામે ઘરમાં નથી બોલતા? (કેટલાક ‘સો કોલ્ડ’ આધુનિક પરિવારોમાં તો આ વલણ પણ હવે પ્રચલિત થતું જાય છે!) તમારી સામે તમારી બહેન,માતા કે પિતાને કોઈ ગાળ આપશે કે ગાળાગાળી ભરી ભાષામાં વાતચીત કરશે તો શું એ તમને ગમશે? જે આપણે અંગત જીવનમાં કરતા હોઇએ એ બધુ સિનેમાના પડદા પર બતાવવાની કોઈ જરૂર નથી એવો મારો અંગત અભિપ્રાય છે.

દિલ્હીબેલીમાં જાણી જોઈને અતિ ચર્ચાસ્પદ ગીતો 'ડી કે બોસ' અને 'પેન ચર' પણ યુવાપેઢીને ઉશ્કેરવા અને હલ્કી પબ્લિસીટી મેળવવા માટે જ ઉમેરાયા છે.આમિર ખાન જેવા પાકટ ,અનુભવી અને કાબેલ વ્યક્તિ પાસેથી આવી અપેક્ષા નહોતી.આ ગીત શું તમારું બાળક મોટેથી ખુશ થતુ થતુ ગાય ત્યારે તમને સારી લાગણી થશે? થોડા સમય અગાઉ જ ફિલ્મી ગીતોને લઈને બનેલા એક પ્રસંગે પણ મને વિચાર કરતો કરી મૂક્યો હતોં. નાનકડા તાજુ બોલતા જ શીખેલા બાળક પાસે તે જે કંઈ નવું બોલતા કે ગાતા શીખે તે મહેમાનો કે મિત્રો-સંબંધીઓ સમક્ષ દરેક માબાપ ગર્વ પૂર્વક વારંવાર બોલાવડાવી કે ગવડાવી મનોરંજન મેળવતા અને કરાવતા હોય છે.આ પ્રણાલી મુજબ મારા એક કઝિનની પત્ની એ તેની દોઢ વર્ષની બાળકી પાસે ખુશ થતા થતા ગીત ગવડાવ્યું 'શીલા… શીલા કી જવાની....' એ ગીતના એક પણ શબ્દનો અર્થ ન જાણતી, ફક્ત પોપટની જેમ એ ગીત લહેકાથી ગાતી છોકરીને સાંભળી મને સમજ ન પડી કે હું ખુશ થાઉં કે નારાજગી વ્યક્ત કરું.બાળકોને સિતારાઓની જેમ ચમકાવતા અનેક ટી.વી. શોમાં પણ આવા બેહૂદા ગીતો પર સાવ નાની ઉંમરના બાળકો ક્યારેક અશ્લીલ અદાઓ કે હરકતો કરી નાચતાગાતા દર્શાવાય છે. એ બાળકોને તો બિચારાઓને ખબર પણ નથી હોતી કે તેઓ શું કરી રહ્યાં હોય છે.આ ટ્રેન્ડથી માબાપોએ ચેતવા જેવું ખરું.

ફિલ્મોની આપણા સમાજના મોટા ભાગના લોકો પર,ખાસ કરીને કુમળી વયના બાળકો તેમજ આવતી કાલના ભવિષ્ય સમાન યુવાધન પર ઉંડી અસર થતી હોય છે. ત્યારે અપશબ્દો,ગાળો ભરેલા ડાય્લોગ્સ કે ગીતોનો આ ટ્રેન્ડ કેટલો આવકાર્ય ગણાય? ફિલ્મજગત સાથે સંકળાયેલી વ્યક્તિઓ આ મુદ્દો સમજશે ખરી?

3 ટિપ્પણીઓ:

  1. વિકાસભાઈ,
    હું 'બ્લોગને ઝરૂખેથી...' કટારની ફેન છું અને એ નિયમિત રીતે વાંચુ છું.
    તમારા બ્લોગમાં તમે ફિલ્મોમાં ગાળો અને અપશબ્દોના છૂટથી વપરાશ વિષે વાત કરી છે એ સાથે હું સંપૂર્ણ સહમત થાઉં છું.આજકાલની ફિલ્મો જોવી એ પૈસા અને સમયની બરબાદી સમાન છે.તેમાં હલકી ભાષાનો પ્રયોગ સામાન્ય બન્યો છે અને સમજાતું નથી કે એ શો સંદેશ આપવા માગે છે.

    - આરતી શાહ

    જવાબ આપોકાઢી નાખો
  2. વિકાસભાઈ,

    તમારો આ બ્લોગ ગમ્યો. ખૂબ સાચી વાત કરી છે.પણ એ સત્ય જાણતા હોવા છતાં લોકો એ જ માર્ગે આગળ વધે છે.

    - વર્ણિન દેસાઈ

    જવાબ આપોકાઢી નાખો
  3. પ્રિય વિકાસ,
    ઘણાં સમય બાદ તારો બ્લોગ વાંચવામાં આવ્યો.હું તારા અભિપ્રાય સાથે સો ટકા સહમત થાઉં છું.રોજીંદા વ્યવ્હારમાં હું અને આપણે બધાં ગાળો અને અપશબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ અલગ પરિપ્રેક્ષ્યમાં,જુદા સંજોગોમાં. નહિં કે આજકાલની ફિલ્મોની જેમ. કેટલીક વાર ઉપરી તરીકે ડરાવવા ધમકાવવા તો કોઈક વાર નારાજગી વ્યક્ત કરવા પણ મર્યાદામાં અને કોઈને દુ:ખ પહોંચાડવા કે નારાજ કરવા નહિં. પણ ફિલ્મોમાં અભદ્ર ભાષાનો બેફામ પ્રયોગ સમાજના મોટા વર્ગને ખરાબ અસર પહોંચાડે છે.

    - હિમાંશુ ચાંદે

    જવાબ આપોકાઢી નાખો