Translate

રવિવાર, 20 માર્ચ, 2011

‘વર્લ્ડ સ્પેરો ડે’ અને ‘અર્થ અવર’

આજે બે મહત્વની બાબતોની વાત આ બ્લોગ થકી તમારા સૌ સાથે કરવી છે અને સાથે બે અપીલ પણ.


આવતી કાલે એટલે કે ૨૦મી માર્ચે 'વિશ્વ ચકલી દિવસ' (વર્લ્ડ સ્પેરો ડે) મનાવવામાં આવશે. ચકલી નામના નાનકડા નિર્દોષ પંખીથી ભાગ્યે જ કોઈ અજાણ હશે.આપણા દેશમાં એવું કોઈ બાળક નહિં હોય જેણે 'એક હતો ચકો અને એક હતી ચકી...'ની વાર્તા નહિં સાંભળી હોય કે ‘ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિં? આવશો કે નહિં? …’ આ ગીત ગાયું નહિં હોય! હવે આ નાનકડા પક્ષીનું દુર્ભાગ્ય ગણો તો દુર્ભાગ્ય કે ઇશ્વરે તેને માનવ વસાહત પાસે જ જીવી શકવાની મર્યાદા આપી.જ્યાં મનુષ્યો વસતા હોય તેની આસપાસ જ આ પક્ષી વસી શકે. પણ સૌથી લુચ્ચા અને સ્વાર્થી મનુષ્યે પોતાની જાતિની પરવા નથી કરી એ આ નાનકડા ખેચરના અસ્તિત્વ ટકાવવાની ચિંતા કરે એવી અપેક્ષા પણ શી રીતે રાખી શકાય? આજે કૂદકે ને ભૂસકે વધતી માનવવસ્તિ અને તે સાથે વધી રહેલા શહેરીકરણ,કહેવાતા વિકાસ અને આધુનિક સિમેન્ટ કોંક્રીટના જંગલ તેમજ મોબાઈલ ટાવરોએ આ નાનકડા જીવનું નિકંદન કાઢી નાંખ્યું છે અને તેની સમગ્ર જાતિનું અસ્તિત્વ આજે ભયમાં આવીને ઉભું છે.

તમે ઇચ્છતા હોવ કે તમારી આવનારી પેઢી આ નાનકડા સુંદર જીવને જોવા પામે તો તમે બસ કાલે 'વર્લ્ડ સ્પેરો ડે'ના દિવસથી નિર્ણય લો કે ચકલી તમારા પરિસરમાં,તમારા ઘરની આસપાસ જીવી શકે એવું વાતાવરણ તમે ઉભું કરશો. ગભરાઈ ન જાવ. આ અઘરું નથી. તમારે ફક્ત થોડા ચોખા તમારા ઘરનાં કે બિલ્ડીંગના પ્રાંગણ કે ટેરેસમાં દરરોજ નાંખવાના છે. મેં પણ ભૂતકાળમાં આવા નિયમો ઘણી વાર લીધા છે પણ શરૂઆતના ૫-૬ દિવસ નિયમિતતા પાળ્યા બાદ ફરી એ નિયમ ભૂલાવી દીધા છે. પણ આજે હું પોતે પણ આ નિર્ણય લઉં છું કે રોજ સવારે ચકલી માટે ચણ નાંખીને જ દિવસની શરૂઆત કરીશ. આ સિવાય પણ બીજી થોડી ઘણી નાની નાની વસ્તુઓ અમલમાં મૂકી આપણે આપણાં પાડોશી ચકલી અને બીજાં પારેવડાંઓ માટે ઘણું કરી શકીએ એમ છે. જેમ કે ઘરને નેવે કે ટેરેસમાં એક વાડકા, રકાબી કે યોગ્ય વાસણમાં પાણી મૂકી પંખીઓને બાથ-ટબ કે પીવાનું પાણી પૂરા પાડી શકીએ.આ સિવાય આજકાલ ઈકોફ્રેન્ડલી લાકડામાંથી બનાવેલ તૈયાર ચકલીઘર મળે છે, તે ખરીદી ઘરને છપરે કે ટેરેસમાં મૂકી શકીએ.આ બધાં સૂચનોમાંથી એકાદ પણ અમલમાં મૂકવાની મારી તમને,મારા વાચકને નમ્ર અપીલ છે.

બીજી વાત કરવાની છે ૨૬મી માર્ચે ઉજવવામાં આવનારા ‘Earth Hour’(પ્રુથ્વીને બચાવવા માટેના કલાક) ની. વિશ્વમાં અનેક દેશો સ્વેચ્છાએ રાતે સાડા આઠથી સાડા નવ દરમ્યાન બત્તી બંધ પાળશે. એટલે કે આવતા શનિવારે રાતે આ એક કલાક દરમ્યાન વિશ્વભરમાં અનેક લોકો તેમના ઘરની, ઓફિસોની, શેરીઓની વગેરેની બત્તીઓ કે વિજળીથી ચાલતા તમામ ઉપકરણો બંધ કરી દેશે. ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવતને અનુસરતા આ એક કલાક દરમ્યાન લાખો એકમની વિજળી બચાવવામાં આવશે. એમાં પણ તમે સહયોગ આપો એવી મારી સૌને નમ્ર અપીલ છે. વિજળી બચાવી ગ્લોબલ વોર્મિંગ અંગે જાગ્રુતિ ફેલાવવાના આ અનોખા અભિયાનમાં સહભાગી થઈ તમે પર્યાવરણ બચાવવાના ભગીરથ કાર્યમાં તમારો ફૂલ નહિં તો ફૂલની પાંખડી જેટલો ફાળો નોંધાવી શકો તો એ ય ઘણું છે.અને આ વખતે તો WWF સંસ્થાએ લોકોને એક કલાક બત્તી બંધ રાખવાની સાથે સાથે જ પર્યાવરણલક્ષી કોઈક પહેલ સાથે જોડાઈ એ માટે નક્કર પગલા લેવાનું પણ આહ્વાન આપ્યું છે.આ પહેલમાં સામાન્ય બલ્બ કે ટ્યુબલાઈટની જગાએ CFL લાઈટ્સ વાપરવી,વિજળીની બચત કરનારા સ્ટાર રેટેડ ઉપકરણો જ વાપરવા,કાર્બન એમિશન ઘટાડવું,ગ્રીન બિઝનેસને પ્રોત્સાહન આપવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ વિષેની વધુ માહિતી તમે http://www.facebook.com/earthhourindia આ વેબસાઈટ પર મેળવી શકો છો અને અહિં તમે ઉપરોક્ત જણાવ્યાં મુજબના કોઈ એક પગલાંને અનુસરવાની ઓનલાઈન પ્રતિજ્ઞા પણ લઈ શકો છો. તો મારી તમને આ બીજી અપીલ છે શનિવારે ૨૬મી માર્ચે રાતે સાડા આઠથી સાડા નવ દરમ્યાન તમારા ઘરની મેઇન સ્વીચ બંધ કરી સ્વેચ્છએ બત્તીબંધ પાળવાના આ અભિયાનમાં જોડાવાની. માનશો ને મારું આટલું કહ્યું???

4 ટિપ્પણીઓ:

  1. પ્રિય વિકાસભાઇ,
    તમારો બ્લોગ હંમેશાં માહિતીપૂર્ણ રહ્યો છે. ગયા રવિવારે તમે આપણી ચુલબુલી ચકીબાઇને ન્યાય આપ્યો
    એ વાંચીને આનંદ આવ્યો.લગભગ છ દાયકા પહેલાં ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં "ચકલીબાઇની સાડી" જેવો પાઠ આવતો હતો તેમાં
    કપાસમાંથી સુતર કેમ બને અને સુતરમાંથી સાડી કેમ બને એની વિગતો સમજાવવામાં આવી હતી. ત્યારથી આજ સુધી
    ચકી-ચકાની દુનિયા ગમવા લાગી છે. દસેક વરસ પહેલાં પહેલીવાર કૌટુંબિક કારણસર પરદેશ જવું પડ્યું ત્યારે પણ જોયું કે
    ત્યાં પણ આ બધાં પક્ષીઓ જોવા મળતાં નહોતાં. જો કે અહિં મુંબઇમાં અમારે ચકલી દિન ઉજવવો પડતો નથી. પરિવારનાં
    અંગની જેમ ચકલી, કબુતર,કાગડા વગેરે નજર સામે વાતો કરતાં જ રહે છે. બાજરો ખાવા એકબીજા વચ્ચે જાણે હોડ ચાલે છે.
    આવાં દુર્લભ પશુપંખીઓ નામશેષ થયા પછી આ દુનિયા વસવા જેવી રહેશે ખરી?

    દિગંબરભાઇ સ્વાદિયા

    જવાબ આપોકાઢી નાખો
  2. મને 'ચકલી ઘર' ક્યાંથી અને કેવીરીતે મળી શકે?
    - હંસરાજ ભટ્ટ

    જવાબ આપોકાઢી નાખો
  3. પ્રિય વિકાસ નાયક,
    તમારા ૧૯મી માર્ચના બ્લોગને ઝરૂખેથીમાં ચકલી પરનો બ્લોગ વાંચી મેં અને મુંબઈના જ જુદા જુદા ભાગોમાં રહેતાં મારા મિત્રો અને સગા-સંબંધીઓએ મળીને ૨૫ ચકલી ઘર લેવાનું નક્કી કર્યું છે. આ માળા જેવા તૈયાર ચકલીઘર અમે યોગ્ય સ્થળોએ ગોઠવી ચકલી જેવા નાનકડા જીવને બચાવવાના અભિયાનમાં સહભાગી થવા ઇચ્છીએ છીએ.
    તમારું આ વિશે વિચારવું અને આ દિશામાં પ્રયત્નો આવકાર્ય અને અભિનંદનીય છે.

    - દિલીપ પંચમિયા

    જવાબ આપોકાઢી નાખો
  4. પ્રિય વાચક મિત્રો,
    ચકલી વિશેના બ્લોગમાં રસ લેવા અને તૈયાર મળતા ચકલીઘર ખરીદી યોગ્ય સ્થળે ગોઠવવાનું નક્કી કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
    ચકલીઘર વિશે માહિતી તમને ‘http://natureforever.org/node/20’ આ વેબસાઈટ પરથી અથવા 25968313 આ નંબર કે પછી ‘mysparrowhome@gmail.com’ આ ઇમેલ આઈડી મળી શકશે.

    - વિકાસ ઘનશ્યામ નાયક

    જવાબ આપોકાઢી નાખો