Translate

રવિવાર, 16 ઑગસ્ટ, 2009

ભેદભાવ

હું મારા ઘરની નજીક આવેલાં રિદ્ધી-વિનાયક મંદીરે ગયો હતો.આ સુંદર એવા મંદીરનાં પ્રાંગણમાં વિશાળ ખુલ્લી જગ્યા છે જ્યાં ભક્તો દર્શન કરી લીધા બાદ બેસવા માટે બનાવેલ બેઠક પર બેસતાં હોય છે.ઘરડાં દાદા-દાદી સાથે કે પોતાના માતાપિતા સાથે આવેલ નાનાનાના ભૂલકાંઓને આ વિશાળ ખુલ્લી જગામાં રમવાની ખૂબ મજા પડે છે.હું પણ દર્શન કર્યા બાદ થોડી વાર માટે બેઠક પર જઈ સવારનો સુકોમળ તડકો માણી રહ્યો હતો.
થોડે દૂર વચ્ચે એક થાંભલો હતો.ત્રણ નાનકડી સુંદર બાળકીઓ થાંભલાની આસપાસ રમી રહી હતી.તેઓ થાંભલાને પકડી તેની ફરતે ગોળગોળ ઘૂમી રહી હતી. મને વિચાર આવતો હતો કે તેમને ચક્કર ન આવી જાય!એટલામાં એક શ્યામવર્ણી ચોથી બાળકી ત્યાં જઈ પહોંચી.તેણે પણ પેલી ત્રણ પહેલેથી થાંભલા ફરતે ઘૂમી રહેલી છોકરીઓ સાથે જોડાઈ જવા પ્રયત્ન કર્યો.ત્યાંતો તરત પેલી ત્રણ ગોરી બાળકીઓ અટકી ગઈ અને તેમણે પેલી ચોથી શ્યામવર્ણી છોકરીને હડસેલો મારી તેને પોતાનાથી દૂર રહેવા જણાવ્યું.તેમનામાંની એકે તો પેલીને 'કાળી' કહી તેનો તિરસ્કાર પણ કર્યો અને કહ્યું કે તેઓ ક્યારેય તેની સાથે રમશે નહિં.હું આ ઘટના જોઇ સ્તબ્ધ બની ગયો.હું તરત ઉભો થઈ તેમની નજીક ગયો અને મેં તેમને સમજાવવા પ્રયત્ન કર્યો કે તે શ્યામવર્ણી છોકરી પણ તેમના જેવી જ નાનકડી ભગવાનની દૂત હતી, ફક્ત તેનો રંગ બીજાઓ કરતા સહેજ જૂદો, થોડો વધારે કાળો હતો; તેમની વચ્ચે બીજો કોઇ જ ફરક નહોતો. મેં તે શ્યામવર્ણી બાળાને પાસે બોલાવી પેલી ત્રણ ગોરી છોકરીઓ ભેગી જોડાઈ જવા કહ્યું અને તેણે તેમ કર્યું. પણ જેવી તે થાંભલા પાસે ગઈ અને પેલી ગોરી છોકરીઓ ભેગી રમવા થાંભલાને પકડવા લાગે કે તરત તેઓ ત્રણે ત્યાંથી દૂર ભાગી ગઈ.
મને ખૂબ દુ:ખ થયું.છતાં પેલી શ્યામવર્ણી છોકરીને ખરાબ ન લાગે એ હેતુથી હું તેની સાથે ત્યાં રમવા લાગ્યો.મારું મન ખિન્ન થઈ ગયું હતું અને વિચારી રહ્યું હતું કે પેલી સાવ નાની એવી ગૌરવર્ણી બાળકીઓના મનમાં કોણે એવું ઠસાવ્યું હશે કે તેઓ વધુ ગોરી છે અને તેમણે કાળી દેખાતી છોકરી સાથે રમવું જોઇએ નહિં? તેમણે પેલી શ્યામવર્ણી કન્યા સાથે કેટલું ઉધ્ધત અને ખરાબ વર્તન કર્યું હતું.પેલી ગરીબડી શ્યામવર્ણી છોકરીને કેટલું દુ:ખ થયું હશે?મને એવો પણ વિચાર આવ્યો કે આપણો આ સમાજ કાળા લોકો સાથે સામાન્ય રીતે ભેદભાવભર્યુ વર્તન દાખવે છે,આજ ના જમાનામાં પણ છૂત-અછૂતમાં માને છે તેના કારણે જ ગૌરવર્ણી એવી આ નાનકડી છોકરીઓને આવા સંસ્કાર મળ્યા હશે.તેમનાં કુમળા મન પર કેટલી ખરાબ અસર પડી હશે જેમણે તેમને આવું ભેદભાવભર્યું વર્તન કરવા પ્રેરી હશે??
કહ્યું છે ને બાળકો તો મોટાઓનાં વર્તનનાં પડઘાં પાડતાં હોય છે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો