કચ્છના રણોત્સવનો પ્રવાસ (ભાગ - 3)
--------------------------------------------
કચ્છના ધોરડો ગામે જ્યાં રણોત્સવ યોજાય છે એ ટેન્ટસીટીનું ભવ્ય રજવાડી પ્રવેશદ્વાર તમને જાણે ઉમળકાભેર અંદર આવવાનું આમંત્રણ આપતું હોય એવું લાગે! અંદર પ્રવેશો એટલે પ્રવેશદ્વાર પાસે લોકગીત ગાતા, ઢોલ - વાજિંત્રો વગાડતા અને કચ્છી કાપડના ઘોડા અને અન્ય પરંપરાગત વસ્ત્રો પહેરેલા સ્થાનિક કલાકારો તમને પોંખે! સહેજ આગળ જાઓ એટલે ડાબી બાજુ હાટ - બજાર રંગબેરંગી ચીજવસ્તુઓ વેચતી દુકાનોથી, છત પર લટકતી ઉંધી કલાત્મક કચ્છી ભરતકામ ધરાવતી છૂટી છવાયી છત્રીઓથી શોભતું નજરે પડે અને જમણે કચ્છી ભૂંગા, મહેલની દિવાલો, ઉંટ, હાથી વગેરેના મોડેલ તમારું ધ્યાન ખેંચે. થોડે જ આગળ જમણી બાજુએ ભવ્ય રિસેપ્શન કક્ષ પર ઉભેલી યુવતિઓ સસ્મિત તમને આવકારે, કપાળે ચાંદલો કરી તમારું ભાવભીનું સ્વાગત કરે. રિસેપ્શન કક્ષ અતિ વિશાળ અને કોઈ મહેલના કક્ષની ઝાંખી કરાવતો હોય એવો બનાવાયો છે. કોઈ ફાઇવસ્ટાર હોટેલમાં ચેક ઈન કરતા હોવ એવી જ અનુભૂતિ થાય. તમારો ટેન્ટ તમને ફાળવાય ત્યાં સુધી તમે સામે ગોઠવેલા સોફા પર આરામથી બેસી ટીપોય પર ગોઠવેલા,
ધોળાવીરામાં અને આસપાસ આવેલ ગુજરાતના અન્ય પ્રખ્યાત મંદિરો વિશે સચિત્ર માહિતી આપતા પુસ્તક કે રણમહોત્સવની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપતા ફરફરીયા નિહાળી - વાંચી શકો. વાતાનુકૂલિત એવા આ વિશાળ રિસેપ્શન કક્ષમાં વચ્ચે ગણેશની સુંદર પ્રતિમા શોભે, માથે મસ્ત ઝૂમ્મર અને ભીંતે રાજાના મહેલમાં શોભે એવી તસવીરો.
એક બાજુ બાળકો રમી શકે એવા સાધનો ગોઠવેલા જોવા મળે જેથી બાળકો પણ ત્યાં રમવાના સાધનો સાથે રમવામાં ઓતપ્રોત થઈ તમને ટેન્ટની ફાળવણી માટે પ્રતિક્ષા કરતા હોવ ત્યારે હેરાન ન કરે.
જેવા તમે રિસેપ્શન કક્ષની બહાર આવો કે તરત છકડા રીક્ષા જેવી ગોલ્ફકાર્ટ તમારી રાહ જોઈ કતારબદ્ધ ઉભી હોય. આ ગોલ્ફકાર્ટ પણ કંઈ સામાન્ય નહીં, પણ સુંદર મજાના રંગબેરંગી કપડા, ફૂમતાં વગેરેથી શોભતી હોય એવી!
આખું ટેન્ટસીટી પાંચ - છ ક્લસ્ટર્સ માં વિભાજીત કરેલું છે અને ભોજન કક્ષ, સાંસ્કૃતિક કાર્યક્રમ થાય તે હોલ, અડવેન્ચર એક્ટિવિટી વિસ્તાર વગેરે દૂર આવેલા હોય એટલે એ બધે જવા માટે તમારે આ ચાર - છ - આઠ કે બાર સીટર ગોલ્ફકાર્ટમાં બેસીને જ એક જગાએ થી બીજી જગાએ જવાનું - મફતમાં! તમારા ક્લસ્ટર બહાર દસ - બાર સાઇકલ પણ પડેલી હોય તેનો પણ તમે વિના મૂલ્યે જોઈએ એટલો ઉપયોગ કરી શકો. જ્યાં જાઓ ત્યાં ફરી એ સાઇકલ મૂકી દેવાની અથવા અન્ય જગાએથી પાછા તમારા ક્લસ્ટરમાં આવો એટલે ત્યાં ફરી પાછી બીજી સાઇકલ ભેગી મૂકી દેવાની. પ્રદૂષણ પણ ફેલાતું ઓછું થાય અને તમારી કસરત થાય એ નફામાં. મને તો ગોલ્ફકાર્ટ અને સાઇકલ-પૂલની આ આઇડિયા - સવલત ખૂબ ગમી અને વિચારપૂર્વકની લાગી. આખા ટેન્ટ સીટીમાં તમે પહોળા ખુલ્લા સ્વચ્છ રસ્તે ગમે ત્યારે, મનને ફાવે એટલું, ચાલીને કે ગોલ્ફકાર્ટ કે સાઇકલનો ઉપયોગ કરી ફરી શકો. એમ કરવું ગમે એના પણ એક કરતાં વધુ કારણો - એક તો સ્વચ્છ પ્રદૂષણરહિત હવા, બીજું સમગ્ર ટેન્ટસીટીમાં ઠેરઠેર કલાત્મક ગોઠવણ કે સજાવટ જોવા મળે. જેમકે રિસેપ્શન કક્ષથી થોડે આગળ વળાંક પર ઉભા કરાયેલા,
કચ્છ પ્રદેશના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સ્ત્રી પુરુષના વીસેક ફૂટ ઉંચા પૂતળા કે પછી ત્યાં થી થોડે દૂર આગળ એટલાં જ કદની કઠપૂતળીઓનો મેળો તો વળી થોડે આગળ મુંબઈના કાલાઘોડા ફેસ્ટિવલમાં જોવા મળે છે તેવા આર્ટ વર્ક અને શિલ્પો. 
કચ્છના ભરતકામ જેવા આર્ટવર્કથી શોભતું દિવાલ કદનું કેનવાસ આખા ટેન્ટસીટીની પરિક્રમા કરતું વીંટાળેલું જોવા મળે. આટલું બધું જોવા - માણવાનું હોય, પછી તમને કંઈ ટેન્ટમાં ભરાઈ રહેવું ગમે? જો કે તમે આળસુના પીર હોવ અને બહાર નીકળવું તમને ગમતું જ ના હોય તો ક્લસ્ટરની અંદર કે ટેન્ટમાં પણ તમને આરામ અને સુખની અનુભૂતિ કરાવે એવું ઘણું બધું જોવા મળે. જેમકે દરેક ક્લસ્ટરમાં ગોળાકારે તંબુ બનાવાયેલા હોય, અને દરેક તંબુની બહાર એક આરામદાયી આરામ - ખુરશી ગોઠવેલી હોય. લીલા રંગનાં કાર્પેટ પાથરેલી જમીનથી થોડી ઉંચાઈએ ઓટલા પર ટેન્ટ બનાવેલા હોય, એ ઓટલાની આખી દીવાલે કુદરતી રંગોથી બનાવાયેલ કચ્છી ચિત્રકામ,
ક્લસ્ટરની વચ્ચે મધ્યમાં રાત્રે કેમ્પફાયર કરી શકાય એવી વ્યવસ્થા કરેલી હોય અને આસપાસ ત્રણેક હિંચકા ગોઠવેલા જોવા મળે. સફેદ તપખીરિયા રંગની ડિઝાઇનથી શોભતા કેનવાસ-કપડાં જેવા મટિરિયલમાંથી બનાવેલ એકસરખા રોયલ ટેન્ટ ત્રણેક કેટેગરી મુજબ સગવડ ધરાવતા હોય. અંદર થોડું સાંકડું લાગે નોન - એ. સી. કે એ. સી. ટેન્ટમાં પણ ક્યાંય કોઈ ખામી કે કમી ન લાગે. બાથરૂમ પણ ચોખ્ખો ચણાક, ઓટલા જેવી ફર્શ પર બનાવેલો. ક્લસ્ટરના વર્તુળની પરિઘ પર ચોક્કસ અંતરે ગોઠવેલા કેસરી કપડાંથી બનાવાયેલા શંકુ આકારના મોટા કંડીલ આખા ટેન્ટસીટીની શોભા રાત્રે અનેક ગણી વધારી દે. રાત્રે તો અન્ય લાઇટસ વગેરેને કારણે ટેન્ટસીટી આખું નોખું સ્વરૂપ ધારણ કરી લે જે દિવસના દેદીપ્યમાન સ્વરૂપ થી તદ્દન ભિન્ન લાગે પણ એ ય એટલું જ મનમોહક!









દરેક ક્લસ્ટરમાં એક ક્લસ્ટર મેનેજર હોય જે તમારી તમામ સગવડનું ધ્યાન રાખે, વહેલી સવારે ત્રણ વાર ટી - ટી - ટી બોલી તમને એલાર્મ વગર ઉઠાડી દે! સૂર્યોદય જોવા જવા વહેલા ઉઠવાનું હોય ત્યારે આ વ્યવસ્થા ખૂબ સારી લાગે! ભોજન માટે ડાઇનિંગ હૉલ સુધી જવાનું હોય ત્યારે તમારે માટે તમારા ક્લસ્ટર ના પ્રવેશ દ્વાર સુધી ગોલ્ફકાર્ટ બોલાવવાનું કામ પણ ક્લસ્ટર મેનેજર કરે અને તમારા નાના બાળક માટે દૂધની વ્યવસ્થા કરવાનું કામ પણ એ કરે. તમને અલગ અલગ કાર્યક્રમ માટે સમયસર જવાનું યાદ પણ કરાવે.
ડાઇનિંગ હૉલ આખા ટેન્ટસીટી માં બે કે ત્રણ. પણ એ એટલા મોટા અને સારા કે બસો - ત્રણસો માણસો આરામથી ત્યાં બેસી ભોજન માણી શકે. સવારનો નાસ્તો અને સાંજની હાઈ - ટી પણ ત્યાં અને બપોર અને રાતનું ભોજન પણ ત્યાં જ લેવાનું. બુફે પદ્ધતિ થી ખાવાનું અને વાનગીઓની તો ભરમાર! ધરાઈને ખવાય એટલું ખાઓ પીઓ! સાથે લાઈવ સંગીત ની મજા પણ માણવા મળે! બહાર ગોલ્ફ કાર્ટ ની કતાર ઉભેલી જ હોય. તમને એવું લાગે કે તમે ખાટલે થી પાટલે અને પાટલે થી ખાટલે ફરી રહ્યાં છો! રીત સર તમને લાડ લડાવાઈ રહ્યા છે! આટલું પેમ્પરીંગ કોઈએ અગાઉ કોઈ પ્રવાસ કે મુસાફરી દરમ્યાન કર્યાનું યાદ નથી!
રાતે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોક સંગીત પણ માણવા મળે કે રોક સંગીત પણ! કઠપૂતલી નો શો પણ જોવા મળે કે આકાશ-દર્શન માટે ખગોળ પ્રેમી ઓ
માટે પણ એક ખૂણે મોટું ટેલિસ્કોપ મૂકી કરાયેલી વ્યવસ્થા જોઈ રણોત્સવ આયોજકોની આ આટલી અદ્ભુત પરોણાગત બદલ આફરીન પોકારી જવાય!

એડવેન્ચર પ્રવૃત્તિઓનો તો આખો એક અલાયદો વિસ્તાર જ્યાં આકાશમાં ઉંચે લટકતા દોરડે એક છેડેથી બીજે છેડે પંખીની જેમ આખા ટેન્ટસીટીની સુંદરતા આંખોમાં ભરી ઊંચેથી નીચે આવવાનું એક રાઇડ દ્વારા તો બીજી એક રાઇડમાં ચોથા માળ જેટલી ઊંચાઈએથી ભૂસકો મારી લોલકની જેમ હવામાં ઝૂલવાનું અને અન્ય એક રાઇડમાં આકાશમાં ગ્લાઇડ કરવાનું!
વિદાય વેળાએ તમે ખૂબ આનંદિત થઈ ગયા હોવ તો પાઘડી પહેરી મન ભરી તમારા આખા પરિવાર સાથે લોક કલાકારો ના વાદ્યો ના તાલે નાચી શકો એવી વ્યવસ્થા પણ રિસેપ્શન કક્ષ બહાર કરાયેલી છે!
તમે એક - બે કે ત્રણ રાતનો કોઈ પણ પેકેજ લીધો હોય તેની સંપૂર્ણ મજા તમે માણી શકો એની ગેરંટી રણોત્સવના આયોજકો જાણે એનસ્યોર કરે છે.
મારા ત્રણ રાતના પેકેજ દરમિયાન થયેલ સુખદ સ્વ-અનુભવની અને છેલ્લા બે દિવસો દરમ્યાન વણ નોતર્યાં મહેમાન સમા વરસાદે જન્માવેલી ચિંતા અને તેણે ઉભી કરેલ મુશ્કેલ પરિસ્થિતિને રણોત્સવની કુશળ અને સક્ષમ ટીમે કેટલી સારી રીતે હેન્ડલ અને મેનેજ કરી તેની વાતો આવતા સપ્તાહે!
(ક્રમશ :)
**************************************************
કચ્છના રણોત્સવનો પ્રવાસ (ભાગ - ૪)
--------------------------------------------
રિસેપ્શન પર રાજવી સત્કાર પામ્યા બાદ અમે અમને ફાળવાયેલા ટેન્ટમાં ગયા. ક્લસ્ટર - ઈ માં આવેલા ચાલીસ - પચાસ તંબુઓ પૈકીનો આ ચોથા નંબરનો ટેન્ટ મને ગમી ગયો. મધ્ય નવેમ્બરમાં ત્યાં ઠંડી જોઈએ એવી શરૂ થઈ નહોતી અને દિવસે તો થોડી ગરમી પણ લાગી રહી હતી એટલે એવો વિચાર આવ્યો કે શું નોન એ. સી. ટેન્ટની જગાએ એ. સી. ટેન્ટમાં અપગ્રેડ કરાવી લઉં? પણ પછી બીજો વિચાર આવ્યો કે દિવસ દરમ્યાન તો અમારે ક્યાં ટેન્ટમાં બેસી રહેવાનું છે? રાતે તો ઠંડક થઈ જ ગઈ હોય તો નાહકના વધુ પૈસા શા માટે ખર્ચ કરવા? આથી મેં અહીં નોન એ. સી. ટેન્ટમાં જ રહેવાનું પસંદ કર્યું. થોડે દૂર આવેલા ડાઇનિંગ હોલમાં જમવા જવા અમારા ક્લસ્ટર મેનેજર સુરેન્દ્ર નામના રાજસ્થાની યુવાને અમારા માટે ગોલ્ફકાર્ટ બોલાવી આપી.સુરેન્દ્ર પાછલા બેત્રણ વર્ષથી અહીં રણોત્સવ ચાલે એટલો સમય નોકરી કરતો શાંત, થોડું કાલુ કાલુ બોલતો વીસ - બાવીસ વર્ષનો યુવાન હતો. આવા અનેક યુવાનો અહીં રણોત્સવ દરમ્યાન પેટીયું રળવા પામતા થયા છે એ જાણી ખુશી થઈ. અમારી રંગબેરંગી છકડા ગાડી આવી એ પહેલા આસપાસ સાઇકલ પર થોડા રાઉંડ માર્યા. ગોલ્ફકાર્ટ ગાડી આવી એટલે એમાં બેસી અમે ડાઇનિંગ હોલ પહોંચ્યા. ધરાઈને જમ્યા અને પછી થોડી વાર ડાઇનિંગ હોલની આસપાસ સમય પસાર કર્યો. પાસે જ મોટું એ. સી. જિમખાના ઈનહાઉસ બનાવેલું હતું જેમાં કેરમ, ટેબલ ટેનિસ જેવી ઇનડોર ગેમ રમવાની વ્યવસ્થા હતી. આસપાસની ભીંત પર વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કર્યું હોય એ રીતે લાકડાનાં ટુકડાઓને ત્રણ જુદા જુદા રંગે રંગી સુંદર સજાવટ કરી હતી. અંદર બેઠક માટે મુંડા પણ વપરાશમાં ના હોય એવા ટાયર માંથી તૈયાર કરેલા અતિ સુંદર આર્ટપીસ સમા હતાં. વાંચવાનાં શોખીનો માટે થોડા પુસ્તકો એક ખૂણે શેલ્ફમાં ગોઠવેલા હતાં. થોડો સમય અહીં પસાર કરી અમે બહાર આવ્યા જ્યાં લાકડાની એક જ પીસમાં બનાવેલી વિશિષ્ટ આકારની એક સરખી બેન્ચ ગોઠવેલી હતી જેના પર બેઠા. ઉપર માથે રંગીન ફરફરીયા હવામાં ફરફરી રહ્યાં હતાં. અહીં પણ થોડી વાર પોરો ખાધો એ દરમિયાન નમ્યા અને હિતાર્થ બાજુમાં ગોઠવેલા બાળકોના રમવા માટેના હવા ભરેલા ટ્રેમ્પોલિનમાં કૂદી આવ્યાં. પછી અમે સુંદર સજાવેલા આર્ટવર્ક - ટોન્ગા અને એમ્બેસેડર ગાડી સાથે ફોટા પડાવ્યા. 
સામે એ.સી. હોલમાં અમે રણોત્સવની વિડિયો ક્લિપ્સ જોઈ, અન્ય આકર્ષણોની માહિતી મેળવી, બાજુની બીજી એક એ.સી. ગેલેરીમાં ચિત્રકારે બનાવેલ પેઇન્ટિંગ્સ જોયા અને ત્યાં સફેદ રણ જોવા અને ઊંટ સવારી માણવા જવાનો સમય થઈ ગયો. સવારે જે બસમાં આવ્યા હતા એ જ બસના ગાઇડ શાહવાઝ સાથે અમે ધોરડોની સાંજ માણવા રવાના થયા.બસમાંથી ઉતરી આઠ-દસની ટુકડીમાં જુદી જુદી ઊંટગાડીમાં ગોઠવાયા અને રસ્તાની બંને બાજુએ ફેલાયેલા અફાટ સફેદ રણને જોતા જોતા રણોત્સવનું આ સૌથી મોટું આકર્ષણ માણી રહ્યા.
ઊંટ ગાડામાં બેઠક એવી રીતે હતી કે બધાએ પગ નીચે લટકતા બહાર રહે એમ રસ્તા તરફ મોં કરી બેસવાનું અને આ ગાડું આખું ખુલ્લું હોય એવું હતું એટલે એમાં ગોઠવેલા ગાદલા પર બેસી મિત્રો કે પરિવારજનો સાથે આ રાઇડ સૌ પોતપોતાની રીતે માણી રહ્યાં.
હાજીઅલીની દરગાહમાં જેવો લાંબો રસ્તાનો પટ્ટો દરિયા વચ્ચે છે એવો અહીં સફેદ રણ વચ્ચે બનાવેલો હતો. અહીં રિટર્ન રાઉંડ માર્યા બાદ અમારા ગાડાના ઊંટ 'જેસલ' સાથે ફોટા પડાવ્યા. 'રણનો રાજા' નું કાળા રંગનું છૂન્દણું અને માળાઓ પહેરેલી લાંબી ડોક ધરાવતા ઉંટ જેસલના ચાલક રણમલે એવી માહિતી આપી કે ઊંટોની દોડવાની હરીફાઈ થાય તેમાં જેસલ પહેલો આવે છે! તેને ચલાવતી હોય એમ લગામ હાથમાં તાણી અમીએ જેસલ સાથે ફોટો પડાવ્યો.
આ ઉંટ સવારી પૂરી થયા બાદ અમને સફેદ રણમાં ટહેલવા જવા કલાકેક નો સમય અપાયો. આ સફેદ રણ દુનિયાની અજાયબી સમું હતું. આ વખતે વરસાદે ખાસ્સી મોડી વિદાય લીધી હોવાથી એવી વાતો આસપાસ સંભળાતી હતી કે આ વર્ષે રણ હજી બરાબર તૈયાર થયું નથી. આમ તો સફેદ રણની ભૂમિ પર બાઇક પણ સડસડાટ પસાર થઈ જાય, પણ આ વખતે હજી આ જમીન અમે ગયા એ નવેમ્બરના સમય સુધી એવી સખત થઈ નહોતી. કેટલીક જગાએ એ પગ જમીનમાં અંદર ખૂંપી જાય એવી પોચી પણ હતી. પણ સફેદ મીઠા જેવા ક્ષાર પથરાયેલી આ જમીન અમારા માટે તો પ્રથમ વાર જોયેલા અદ્ભુત નજારા સમાન જ હતી, આથી અમને એ જોવા - માણવાની ખૂબ મજા આવી. 



સ્વચ્છ એવા કોઈ દરિયા કિનારે ફરતા હોવ એવું લાગે પણ અહીં દૂર દૂર સુધી ક્યાંય પાણી હોય નહીં, અને રેતી ની જગાએ પગ નીચે સફેદ ક્ષારના થર. ઉત્સાહમાં આમતેમ ફરી રહેલા, ફોટા પાડવામાં અને મિત્રો કે પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી રહેલા સહેલાણીઓ સાથે મેં પણ મારા પરિવાર સાથે અહીં સૂર્યાસ્ત જોવાની મજા માણી,





મોબાઇલ પર મારા મનપસંદ સમય અનુરૂપ ગીતો બેકગ્રાઉંડમાં સાંભળતા સાંભળતા. એકાદ - બે કલાકનો સમય અહીં પસાર કર્યા બાદ બસમાં પાછા ફર્યા ટેન્ટસીટી. અંધારામાં લાઇટસ અને કેસરી કંડીલોથી શોભી રહેલા ટેન્ટસીટીનો નજારો મનને અનેરો આનંદ આપતો હતો.ઇનહાઉસ હાટમાં શોપીંગ ની મજા માણ્યા બાદ ડિનર માટે ડાઇનિંગ હોલમાં ગયા. ત્યાં ગિટાર વગાડતા અને કર્ણ પ્રિય હિન્દી ફિલ્મી ગીતો ગાતા યુવાન કલાકારનું લાઈવ સંગીત માણતા માણતા રાતનું ભોજન કર્યું અને ફરી રવાના થયા પૂનમની રાતે સફેદ રણનો અનન્ય, અપ્રતિમ સૌંદર્ય ધરાવતો નજારો માણવા. રાતની નિરવ શાંતિમાં ફરી એજ સ્થળે જઇ પહોંચ્યા જ્યાં સાંજે થોડા કલાકો અગાઉ આવ્યા હતા, પણ અત્યારે આ સ્થળ જાણે અન્ય વાઘા - રૂપેરી ચાંદનીની સફેદ સાડી પહેરી નોખા સાજ સજી બેઠું હતું! વાતાવરણ વાદળીયું હોઈ અંધારું ઘોર હતું, પણ ચાંદનીના આછા પ્રકાશમાં ચાલવાની મજા પડતી હતી.
ખાસ્સું ચાલ્યા બાદ એક સ્થળે અમે ચારે બેસી ગયા અને થોડી ક્ષણો આ નિરવ શાંતિ અને અદ્ભુત સુંદરતા ધરાવતા સ્થળે ફરી મોબાઇલ પર સમયોચિત સંગીત સાંભળતા અને એક મેક સાથે વાતચીત કરતા માણી. વાદળાં વચ્ચે વચ્ચે પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રને ઢાંકી દેતાં હતાં , પણ અમારા નસીબ સારા કે અમે તેને સાવ જોવાનું તો ન જ ચૂકી ગયા. અડધી રાતે ત્યાં થી પાછા ફરવાનું મન ના હોવા છતાં, ટેન્ટસીટી પાછા તો ફરવું જ પડ્યું! સરસ ઉંઘ આવી.









સ્વચ્છ એવા કોઈ દરિયા કિનારે ફરતા હોવ એવું લાગે પણ અહીં દૂર દૂર સુધી ક્યાંય પાણી હોય નહીં, અને રેતી ની જગાએ પગ નીચે સફેદ ક્ષારના થર. ઉત્સાહમાં આમતેમ ફરી રહેલા, ફોટા પાડવામાં અને મિત્રો કે પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી રહેલા સહેલાણીઓ સાથે મેં પણ મારા પરિવાર સાથે અહીં સૂર્યાસ્ત જોવાની મજા માણી,








(ક્રમશઃ)