માથે છાપરું ધરાવતી હોડીમાં બેસી અડધો કલાકમાં અમે બામનોલી નામની જગાએથી કોયના નદીમાં નૌકા વિહાર કરી સામે છેડે પહોંચ્યા. ત્યાં સામે કિનારે એકાદ-બે કલાક બાદ અમારી મિની બસ અલગ રસ્તેથી અમને લેવા આવી પહોંચવાની હતી.એ એક-બે કલાક અમે એકમેક સાથે વાતો કરી,નમ્યાની નિતનવી રમતો જોતા જોતા અને પછી પોતે બે જૂથ પાડી કબડ્ડી જેવી રમત રમી પસાર કર્યાં. રમતમાં વચ્ચે કૂંડાળામાં મૂકેલી ખાલી બોટલ ફરતે બંને સામસામે ઉભેલા જૂથમાંથી એક એક ખેલાડી આવે અને બોટલની આસપાસ ગોળગોળ ફરી બોટલ ઉઠાવી પોતાના જૂથ ભણી દોડી જાય.એ દરમ્યાન જો સામે વાળો ખેલાડી બોટલ ઉંચકીને ભાગી રહેલા ખેલાડીને અડી જાય તો અડનાર ખેલાડીની ટીમ ને એક પોઇન્ટ મળે.પણ જો બોટલ ઉઠાવી દોડી જનાર ખેલાડી સામે વાળા ખેલાડીના અડ્યા પહેલા પોતાના જૂથ પાસે પહોંચી જાય તો તેની ટીમને એક પોઇન્ટ મળે. રમતને અંતે જેને વધુ પોઇન્ટ્સ મળ્યા હોય તે ટીમ જીતી જાય! જીત-હાર તો ઠીક પણ આ રમત રમતી વખતે ઝડપથી ભાગવાના જોશમાં પહેલા કાસ પ્રવાસનો આયોજક સુનિલ ચત્તાપાટ થઈ ગયો. પછી સ્વપ્ના અને પ્રણાલી જમીન દોસ્ત થઈ ગયાં! હું યે પડતા પડતા બચ્યો પણ અમારી ટીમ માટે એક પોઇન્ટ જમા કરાવી અમારી ટીમને વિજયી બનાવવામાં મારો ફાળો નોંધાવી શક્યો! સુનિલને તો ખૂબ વાગ્યું હતું પણ પાસેની દુકાનમાંથી હળદર મળી તે લગાડતા લોહી વહેતું બંધ થઈ ગયું.અહિં દુકાનો ચલાવતા ગ્રામવાસીઓ ખૂબ ઉમળકાભેર અમને આવકારતા હતાં.ગ્રામજનોની આ લાક્ષણિકતા અમને સ્પર્શી ગઈ.સરસ મજાની મસાલેદાર ચા પીધી અને હજી તો ચાર જ વાગ્યા હોવાનું આશ્ચર્ય અનુભવતા બેઠા બેઠા વાતો કરતા હતાં ત્યાં અમારી બસ આવી પહોંચી.અમને એટલી જ ખબર હતી કે અમે કોઈક ઉતારે રાતવાસો કરવા જઈ રહ્યા હતા અને એ પહેલા અમારે હજી એક નૌકાવિહારનો આહલાદક અનુભવ માણવાનો હતો. બસમાં બેઠા અને મહાબળેશ્વર તરફ જતાં માર્ગે અમે આગળ વધ્યાં.
સાથે બાઈક પર અમારો બીજો કાસ પ્રવાસ આયોજક પ્રશાન્ત ઉતારાના યુવાન માલિક સાથે બેસી બસચાલક જયેશને આગળ દોરી રહ્યો હતો. કલાકેકમાં અમે એક પહાડો વચ્ચેના માર્ગ પર ઝાડી જેવા રસ્તા પાસે ઉતર્યાં. જયેશે બસ લઈ સીધા ઉતારે પહોંચવાનું હતું અને અમારે થોડું ટ્રેકીંગ કરી નદી કિનારે પહોંચી બીજી હોડીમાં બેસી ઉતારા સુધી પહોંચવાનું હતું.
સૂર્યાસ્ત થવામાં હતો અને જ્યારે અમે એ ટેકરી જેવા વિસ્તારમાં નીચે ઉતરતા નદી તરફ જવા ચાલવાની શરૂઆત કરી ત્યારે વાતાવરણ અતિ અતિ સુંદર હતું. કાદવ કીચડ વાળી પથરાળ જમીન પર ચાલવાની મજા આવી રહી હતી. નદી કાંઠે પહોંચ્યા ત્યારે હોડી અમારી વાટ જોતી તૈયાર ઉભી હતી.
બીજા દિવસે સવારે નિત્યક્રમ પતાવી કાંદા પોહાનો સરસ નાસ્તો કર્યો અને ચા પાણી પીધા બાદ જ્યારે ઘરની બહાર આવ્યા ત્યારે તપોલાના એ સુંદર ઘરનું આખું અલગ સ્વરૂપ જોવા મળ્યું જે રાતે દેખાતા તેના સ્વરૂપ કરતા તદ્દન નોખું હતું.
ઘર થોડા નીચાણવાળા ભાગમાં હતું. ટેકરા જેવા ભાગ પર ચડી ઉપરના ખેતરોમાં ઉંચા ઉંચા લીલા ઘાસ વચ્ચે ફોટા પડાવ્યા. ત્યાં, જીવનમાં પહેલી વાર બટાટાના છોડ જોયાં.ત્યાંના ગ્રામજનોની મુશ્કેલીઓ અને વિદ્યાર્થીઓને શાળાએ જવા પહાડ પર ચાર-પાંચ કિલોમીટર ચઢીને જવા તેમજ મોટા ધોરણની નિશાળ તો અતિ દૂર હોવાની વાત વિજયભાઈ સાથે કરી રહ્યાં હતાં ત્યાં નીચેથી પ્રશાન્તે બૂમ પાડી કે અન્ય સ્થળે ફરવા જવા માટે ઓલરેડી અડધો પોણો કલાક મોડું થઈ ગયું હતું!
અમે બધા વિજયભાઈના ઘર અને પરિવાર સાથે ગ્રુપ-ફોટા પડાવ્યા બાદ સામાન સાથે બસમાં બેઠાં. બસમાં બેસી મહાબળેશ્વર જવાના એ સુંદર લીલાછમ
ધુમ્મસભર્યાં માર્ગ પર બસ સુંદર ગીતો વગાડતી દોડી રહી હતી.પછી સતારાના માર્ગો પર થઈ
બસ અમને સજનગઢ નામના ડુંગરે લઈ ગઈ.
ગુજરાતના અંબાજી ખાતે ગબ્બર પર્વત
પર જેમ નવસો-હજાર પગથિયા ચઢી માતાજીની જ્યોતના દર્શન કરી શકો એમ અહિ સજનગઢમાં પણ આશરે
એટલાં જ પગથિયા ચઢી ઉપર જાઓ એટલે શિવાજી મહારાજના ગુરુ એવા સ્વામી સમર્થ રામદાસજી
નો આશ્રમ છે.
ત્યાંથી નીચે ઉતર્યા બાદ અમે
પ્રખ્યાત એવા જળધોધ જોવા થોસેગઢ નામની જગાએ આવ્યાં.સુંદર મજાના રૂ ની પૂણી જેવા સફેદ
જળધોધ જોઈ અનેરી લાગણી થઈ.
જે જગાએ ધોધ જોવાનું પ્લેટફોર્મ બનાવ્યું છે તેની બંને બાજુએ ખાસ્સી ઉંચાઈએથી પડતા ધોધ જોવા એ પણ એક લહાવો હતો.
અહિં કાસમાં
હતાં એવા જ જાંબલી રંગના કાર્વીના ફૂલો પુષ્કળ માત્રામાં ચારે તરફ દ્રષ્યમાન થતાં હતાં.
કદમાં નાના હોવાં છતાં આ પુષ્પો વિશિષ્ટ રચના અને શોભા ધરાવતા હતાં.
ત્યાંથી પાછા ફરતાં, રસ્તામાં
મોટી મોટી અનેક પવનચક્કીઓ જોઈ. ત્યારબાદ બસમાં ધમાચકડી મચાવતા મચાવતા અમે મુંબઈ પાછા
ફર્યા અને અમારી કાસની ખાસ યાત્રા પૂરી થઈ.આ યાત્રા અનેક રીતે ખાસ હોઈ અમારા સૌ માટે
અવિસ્મરણીય બને રહેશે.
(સંપૂર્ણ)